"હાય રામ!!!!" એના અવાજમાં ખૂબ આઘાત હતો. એની સવારની ફિલ્ટર કોફીનો મગ ટેબલ પર મૂકીને એણે બે હાથે ફોનને ઝાલ્યો અને પછી સવારથી ઑફિસની ઇમેઇલમાં ખોવાયેલ મનોજ સાંભળે એટલા મોટા અવાજે એ આગળ બોલી. "આ વાંચ્યું તેં? મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે રેલવેના પાટા પર સૂતા 16 સ્થળાંતરિત મજૂરોને માલગાડીએ ઉતાર્યા મોતને ઘાટ. યાર, આ બધું થવા શું બેઠું છે? " એના ઉશ્કેરાટને કળ વળતાં અને બાકીના સમાચાર કોફીના મોટા ઘૂંટડાઓ સાથે ગટગટાવતા એને એક મિનિટ લાગી. "હાય હાય! કેટકેટલા લોકો ને ક્યાં ક્યાંથી આવે છે?" એના આવાજમાં પહેલા જેટલું આશ્ચ્રર્ય નહોતું.
"કહે છે આમાંના ઘણા ઉમરિઆથી હતા. મનુ, આ જે જગ્યાને જ્યાં આપણે ગયા ડિસેમ્બરમાં ગયેલા?" વેકેશનનો ઉલ્લેખ સાંભળતા જ એણે એ ત્રાસરૂપ ઇમેઇલોમાંથી માથું બે ઘડી ઊંચું કરી એની વાતમાં બે ઘડી જોડાવાનો પ્રયત્ન કર્યો. "હા," એ બોલ્યો, " બાંધવગ્રહ નેશનલ પાર્ક. મધ્યપ્રદેશનો સૌથી વધુ પછાત આદિવાસી જિલ્લો. છેક જલના થી એ લોકો કામની શોધમાં અહીં આવે છે એમાં કંઈ નવાઈ છે? પણ આમ પાટા પર કોઈ સુએ! આ લોકોને મૂર ખા નહિ તો શું કહેવાય?"
"અરે સખ્ખત મસ્ત જગ્યા હતી હોં," એ પાછી કોઈ બીજા ગ્રહ પર જતી રહી હતી. "યાદ છે શેષશૈયા? એ વિષ્ણુની અદભૂત મૂર્તિ, એ શાંત ઝરણું અને ચારેબાજુ ઘેરાયેલ લીલા સાલના જંગલો.....આ લોકડાઉન પતેને એટલે આપણે ફરી એક વાર ત્યાં જઈએ હોંને?"
 
              
                
                 લબાની જંગીના ચિત્રો : તેઓ 2020ના PARI ના ફેલો અને ચિત્રકાર છે. ચિત્રકળાનું જ્ઞાન એમને પોતે હાંસલ કર્યું છે. તેઓ લેબર માઇગ્રેશનના વિષયમાં કલકત્તાના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ માંથી પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે
                
                
               
કોણે
              કોણે એમને જાકારો દીધો?
              
              કોણે પાછળ કમાડ દીધા?
              
              કોણે રસ્તે કીધા રઝળતાં?
              
              કોને પેટે પાટું દીધાં?
              
              કોણે એમના રસ્તા રોક્યા?
              
              કોણે કરિયાં નજરકેદ?
              
              કોણે ભૂલ્યાં સપનાં
              
              વળી પાછા કીધાં?
              
              કોણે જઠરાગ્નિમાં હોમ્યા
              
              બળબળતા નિસાસા?
              
             
              તરફડતા ગાળામાં કોણે
              
              કોણે યાદના ડૂમા દીધા?
              
              ઘર આંગણ, ગામનાં ફળિયાં,
              
              ખેતરના શેઢાના, ને નાનાં બાલુડાંના
              
              આવાજ મીઠા
              
              કોણે આ વાસી રોટલીઓ, તીખી મરચાંની ચટણી
              
              ભેગા એ સૌને એ બાંધી દીધાં?
              
              કોણે એક એક સૂકા કોળીએ
              
              કોણે એમને આશાનાં ઘેન દીધાં?
              
             
              સાવ ઉજ્જડ ટ્રેનની પટરી તળે
              
              ઠોકી બાંધેલા એ સાલના પાટિયાએ
              
              ગામની બહારના જંગલના
              
              હશે જરૂર સમ દીધા
              
              બાકી કોણ મૂરખ હોય
              
              કોણે હશે એમને
              
              સપનાંનાં સુંવાળા બિછાના દીધા?
              
              બાંધવગ્રહના સોળ ભાઈઓને
              
              કોણે પથ્થર થવાના શાપ દીધા?
              
             
              એક નહિ બે નહિ સોળ સોળ વિષ્ણુને
              
              કોણે શેષશૈયા પર સૂતાં કીધાં?
              
              કોણે એમના પગના અંગૂઠેથી
              
              આ ચન્દ્રગંગાના
              
              લાલચટક ધોધને
              
              દદડતાં કીધાં?
              
              કોણે પાટા ઉપર
              
              ચપ્પલ આમ રઝળતા કીધાં?
              
             
              પાપ લાગે આપણને!
              
              કોણે અડધા ખાધા રોટલા
              
              પગ તળે ચગદાતા કીધાં?
              
              કોણે?
              
             
અવાજ: સુધન્વા દેશપાંડે એક અભિનેતા અને જન નાટ્ય મંચના દિગ્દર્શક તેમજ લેફ્ટવર્ડ બૂક્સના તંત્રી છે
નોંધ : મૃત્યુ પામેલા મજૂરોના નામ, મરાઠી દૈનિક લોકમતમાં પ્રકાશિત:
1. ધનસીંગ ગોંડ
2. નિર્વેષ સિંહ ગોંડ
3. બુધ્ધરાજ સિંઘ ગોંડ
4. અચ્છેલાલ સિંઘ
5. રબેન્દ્ર સિંઘ ગોંડ
6. સુરેશ સિંઘ કૌલ
7. રાજબોહરામ પારસ સિંહ
8. ધર્મેન્દ્ર સિંઘ
9. વીરેન્દ્ર સિંઘ ચૈનસિંઘ
10. પ્રદીપ સિંઘ ગોંડ
11. સંતોષ નાપિત
12. બ્રિજેશ ભેયાદીન
13. મુનીમસિંઘ શ્રીવર્તન સિંઘ
14. શ્રીદયાલ સિંઘ
15. નેમશઃ સિંઘ
16. દીપક સિંઘ
 
      
           
           
          