૨૬ મે એ સુંદરવનના મૌસુની દ્વિપમાં ઉઠેલી ઉંચી લહેરોમાં પોતાનું ઘર ગુમાવનારા ખેડૂત અઝહર ખાન કહે છે, “ઈશ્વર અમને આવી રીતે ટુકડે-ટુકડે મારવાને બદલે એક જ ઘામાં મારી દેતો તો સારું થતું.”
બંગાળની ખાડીમાં એ ભરતીની બપોર દરમિયાન આવેલા તોફાનમાં મુરીગંગા નદીમાં હંમેશ કરતાં ૧-૨ મીટર ઉંચી લહેરો ઉઠી. પાણી નદી પર બાંધેલા બંધ તોડીને દ્વીપના નીચાણવાળા ભાગમાં પહોંચી જવાથી પૂર આવ્યું, જેનાથી ઘરો અને ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું.
‘યાસ’ ચક્રવાતના લીધે ૨૬ મેની બપોર પહેલા, મૌસુનીની દક્ષીણ-પશ્ચિમ દિશામાં લગભગ ૬૫ નોટીકલ (દરિયાઇ) માઈલ દુર, ઓડીશાના બાલાસોર નજીક ભયંકર તોફાન આવ્યું. આ તોફાન ખુબ ભયાનક હતુ, જેની ઝડપ ૧૩૦-૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.
બગદંગા મૌઝા (ગામ)ના માજુરા બીબી કહે છે, “જ્યારે અમે તોફાન આવતું જોયું, ત્યારે તો વિચાર્યું કે અમારી પાસે પોતાનો સમાન સલામત જગ્યાએ લઇ જવા માટે હજુ સમય છે, પરંતુ પાણી ખુબ ઝડપથી ગામમાં આવી ગયું. અમે અમારો જીવ બચાવવા માટે તો દોડ્યા, પણ અમારો સામાન બચાવી શક્યા નહીં. અમારામાંથી કેટલાક લોકો જીવ બચાવવા માટે ઝાડ પર ચઢી ગયા.” માજુરા બીબી મૌસુનીથી પશ્ચિમ દિશામાં મુરીગંગા પર બનેલ બંધની નજીક રહે છે.
દ્વીપના ચાર ગામ - બગદંગા, બલીયારા, કુસુમતલા, અને મૌસુની - માં જતી હોડીઓ નિરંતર આવતા વરસાદ ને લીધે બંધ કરવામાં આવી હતી. જ્યારે હું ૨૯ મેની સવારે મૌસુની પહોંચ્યો, તો એનો મોટોભાગ પાણીમાં ડૂબેલો હતો.
હું બગદંગાના આશ્રયસ્થાનમાં અભિલાષ સરદારને મળ્યો, જેમણે મને કહ્યું કે “મારી જમીન ખારા પાણીમાં ડૂબેલી છે. અમે ખેડૂતોએ પોતાની આજીવિકા ખોઈ દીધી છે. હું મારી જમીન પર હવે આવનારા ત્રણ વર્ષ સુધી ખેતી કરી શકીશ નહીં. આને ફરીથી ઉપજાઉ બનાવવામાં લગભગ ૭ વર્ષ પણ થઇ શકે છે.”

બગદંગાના રહેવાસી ગાયન પરિવારે તૂફાનમાં પોતાનું ઘર ખોઈ દીધું છે . “અમારું ઘર પડી ગયું છે, તમે હાલત જોઈ શકો છો. અમે આ કાટમાળમાંથી કંઈ મેળવી શકીએ તેમ નથી.”
પશ્ચિમ બંગાળના દક્ષીણ ૨૪ પરગણા જિલ્લાના નામખાના વિસ્તારમાં આવેલ મૌસુની દ્વીપ, નદીઓ અને દરિયાથી ઘેરાયેલું છે. ‘યાસ’ ના લીધે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયેલા આ દ્વીપ માટે આ તબાહી, અહીં આવેલી આફતોની શ્રેણીમાંની એક તાજી ઘટના છે.
ગયા વર્ષે ૨૦ મે ૨૦૨૦ના રોજ, અમ્ફાન ચક્રવાતે સુંદરવનને બરબાદ કરી દીધું હતું. આ પહેલાં, બુલબુલ (૨૦૧૯) અને આઈલા (૨૦૦૯) ચક્રવાતે પણ દ્વીપ પર ઘણો વિનાશ કર્યો હતો. આઈલાએ મૌસુનીની ૩૦-૩૫ ટકા જમીન નષ્ટ કરી દીધી હતી, જેનાથી મૌસુનીના દક્ષીણ ભાગના દરિયાકિનારાના મોટાભાગના વિસ્તારોની માટીમાં ખારાશ ભળી ગઈ હતી અને આ જમીન ખેતીલાયક રહી નહોતી.
નિષ્ણાતોના મતે ગ્લોબલ વોર્મિંગના લીધે ફક્ત દરિયાની સપાટીનું જ તાપમાન નથી વધ્યું, પણ દરિયાકિનારાના તાપમાનમાં પણ વધારો થયો છે, જેની અસર બંગાળની ખાડીમાં વધતા જતા ચક્રવાતો પરથી જાણી શકાય છે. ભારતીય હવામાન વિભાગ (આઈ.એમ.ડી.) ના ૨૦૦૬ના એક અભ્યાસ મુજબ , મે, ઓક્ટોબર, અને નવેમ્બરના મહિનામાં ગંભીર ચક્રવાતી તોફાનની તીવ્રતાનો દર વધી જાય છે.
બગદંગામાં પાંચ એકર જમીનના માલિક સરલ દાસ કહે છે કે, “યાસ પહેલાં, ૬,૦૦૦ એકરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ દ્વીપનો લગભગ ૭૦ ટકાથી પણ વધારે ભાગ ખેતીલાયક હતો. હવે ફક્ત ૭૦-૮૦ એકર જમીન જ કોરી બાકી રહી છે.”
બગદંગાની સહકારી શાળામાં કામ કરતા દાસ કહે છે, “દ્વીપ પર રહેતાં લગભગ ૨૨,૦૦૦ લોકોમાંના (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) બધાં જ ચક્રવાતથી પ્રભાવિત થયા છે. દ્વીપના લગભગ ૪૦૦ ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને ૨,૦૦૦ નુકસાનગ્રસ્ત થયા છે. મોટાભાગનું પશુધન, મરઘાં, અને માછલીઓ પણ હવે નાશ પામ્યું છે.”

પાણીમાં ડૂબેલા ડાંગરના ખેતરમાંથી પીવાના પાણીનો ડ્રમ ખેંચીને લઇ જતા બગદંગાના એક રહેવાસી
મૌસુનીમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત ટ્યુબવેલ સુધી પણ પહોંચવું તોફાન પછી અઘરું થઇ પડ્યું છે. જયનાલ સરદાર કહે છે, “મોટાભાગના ટ્યુબવેલ પાણીમાં ડૂબેલા છે. અમે કમર સુધી ઊંડા કાદવમાં પાંચેક કિલોમીટર ચાલીએ ત્યારે સૌથી નજીકના ટ્યુબવેલ સુધી પહોંચી શકીએ છીએ.”
સુંદરવન અને ત્યાંના લોકોના જીવન પર આધારિત ત્રિમાસિક સામયિક સુધુ સુંદરબન ચર્ચાના સંપાદક, અને સંરક્ષણવાદી જ્યોતિરિન્દ્રનારાયણ લાહિરી કહે છે, “મૌસુનીના લોકોએ આવી આફતો સાથે જીવતા શીખવું પડશે. તેમણે જીવતા રહેવા માટે નવી રણનીતિઓ અપનાવવી પડશે, જેમ કે પૂર સામે પણ ટક્કર લઇ શકે તેવા ઘર બનાવવા.”
લાહિરી કહે છે કે, “આફતોથી હંમેશા પ્રભાવિત રહેનારા મૌસુની જેવા વિસ્તારના લોકો સરકારી રાહત પર નિર્ભર રહેતા નથી. તેઓ પોતાની જાતને તૈયાર રાખીને જીવતા રહે છે.”
પશ્ચિમ બંગાળ સરકારની આકારણી મુજબ રાજ્યભરમાં ઉભા પાક વાળી ૯૬,૬૫૦ હેક્ટર (૨૩૮,૮૩૦ એકર) જમીન પૂરમાં ડૂબેલી છે. મૌસુની, કે જ્યાં ખેતી જ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહી છે, ત્યાંના હાલત હજુ વધારે ખરાબ થાય તેમ છે, કેમ કે મૌસુનીની મોટાભાગની જમીન ખારા પાણીમાં ડૂબેલી છે.
દ્વીપના રહેવાસી હજુ ‘યાસ’ ચક્રવાતથી થયેલા હાહાકારથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આઈ.એમ.ડી. એ ૧૧ જુને બંગાળની ઉત્તરની ખાડીમાં તોફાન આવવાની આશંકા વ્યક્ત કરી છે, જેના લીધે સુંદરવનમાં ભારે વરસાદ થઇ શકે છે.
જો કે, બગદંગાની બીબીજાન બીબીની ચિંતા વધારે ગંભીર છે. તેઓ કહે છે, “એકવાર પાણી ઓછું થઇ જશે, તો ગોખરા (ભારતીય કોબ્રા સાપ) અમારા ઘરોમાં આવવાનું શરુ કરી દેશે. અમે ડરેલા છીએ.”

નિરંજન મંડલ કાદવમાં ચાલીને પોતાના પરિવાર માટે ટ્યુબવેલમાંથી પીવાનું પાણી ભરીને લાવી રહ્યા છે

નામખાનાના પ્રતિમા મંડલ કહે છે , “મારી દીકરી મૌસુનીમાં રહે છે. હું કેટલાક દિવસોથી એની સાથે ફોન પર વાત કરી શકી નથી. તેઓ જાણે છે કે એમની દીકરીનું ઘર પાણીમાં ડૂબી ગયું છે. તેઓ કહે છે, “હું ત્યાં જોવા જવાની છું કે તે સલામત છે કે નહીં.”

મૌસુની દ્વીપ સુધી પહોંચવા માટે ફેરી અને હોડી જ એકમાત્ર સાધન છે . ‘યાસ’ ચક્રવાતના લીધે નામખાનામાં આ સેવાઓ ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવી હતી. ૨૯ મેના રોજ જ્યારે ફેરીની સેવા ફરીથી ચાલુ થઇ ગઈ, તો ત્યાંના રહેવાસીઓને રાહત મળી.

મૌસુનીના પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારનો એક પરિવાર , બગદંગામાં પોતાના ઢોરઢાંખરને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો

મૌસુનીના નીચાણવાળા વિસ્તારમાં રહેતાં ઘણા પરિવારોએ પોતાનો સામાન બાંધીને ઘર ખાલી કરવું પડ્યું

બગદંગાના રહેવાસી આ સ્ત્રી કહે છે કે પાણી ઝડપથી એમના ઘરોમાં પેસી ગયું . તેઓ પોતાનો કોઈ સામાન બચાવી શકયા નહીં.

એક નાની છોકરી પોતાના પાળેલા પક્ષી વિષે કહે છે કે , “મને ખુશી છે કે હું એને બચાવી શકી; તે મારી સૌથી ખાસ દોસ્ત છે .”

બગદંગાના આશ્રયસ્થાનમાં દ્વીપમાં રહેતી કેટલીક સ્ત્રીઓ , પૂરનું પાણી ઓછું થવાની રાહ જોઈ રહી છે

ગામના પ્રાથમિક વિદ્યાલયમાં બનાવવામાં આવેલા કોવીડ કેર કેન્દ્રમાં પણ પાણી ભરાઈ ગયું છે

મસુદ અલીએ પૂરમાં પોતાની આખા વર્ષની કમાણી અને બચત ખોઈ દીધી છે , “પાણીએ લગભગ ૧,૨૦૦ કિલો ડાંગરનો આખો જથ્થો નષ્ટ કરી દીધો . ખારા પાણી સાથે મળતા જ ડાંગર ખાવાલાયક રહેતી નથી . મારે હવે ડાંગર ની ૪૦ બોરીઓ ફેંકી દેવી પડશે .”

ઇમરાન , નુકસાન પામેલી ઇંટોના એક બ્લોકને ઉંચાઈ પરથી ધકેલવાની કોશિશ કરી રહ્યા છે. ઉંચી લહેરોએ મુરીગંગા નદીના બંધ તોડી દીધા હતા અને એ વિસ્તારમાં પાણી પેસી ગયું હતું.

માજુરા બીબીનું ઘર બંધ પાસે જ હતું , જે તેજ લહેરો આવવાથી સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. માજુરા કહે છે, “પાણી આવતા જ અમે દોડ્યા. અમે અમારી સાથે પૈસા કે કોઈ દસ્તાવેજ લઇ જઈ શક્યા નહીં.” તેઓ હવે એક તંબુમાં રહે છે.

બંધની નજીક રહેવા વાળા રૂકસાનાએ પૂરમાં પોતાની બધી ચોપડીઓ ખોઈ દીધી

આ બાળક પૂરના પાણીમાં વહી જતા બચી ગયું . બાળકના નાની પ્રોમિતા કહે છે, “મારા જમાઈ એને લઈને એક ઝાડ પર ચઢી ગયા, ત્યારે એ બચી શક્યો. તે ફક્ત આઠ મહિનાનો છે, પરંતુ એની પાસે પહેરવા માટે કંઈ નથી, કેમ કે તેના કપડા પૂરમાં વહી ગયા છે.”

જે કાગળ , ચોપડીઓ, અને છબીઓ પાણીમાં ફોગાઇ ગયા નથી તેમને તડકામાં સુકાવા માટે રાખ્યા છે

આઠમા ધોરણની વિદ્યાર્થીની ઝાહનારાની બધી ચોપડીઓ અને ડોક્યુમેન્ટ્સ ૨૬ મેના રોજ તણાઈ ગયા

ગંગાની એક શાખા નદી , મુરીગંગાનો તૂટેલો બંધ. આ નદી મૌસુની દ્વીપના દક્ષીણ કિનારે બંગાળની ખાડીને મળે છે
અનુવાદક: ફૈઝ મોહંમદ