ચાંદની પરમાર પૂછે છે, "મહિલાઓ તો વિમાન પણ ઉડાડે છે, તો પછી ઓટોરિક્ષા ચલાવવાનું એવું તે શું મુશ્કેલ છે?" 2018ના અંતમાં, ફક્ત 20 વર્ષની ઉંમરે, તે ભુજ શહેરમાં પ્રથમ મહિલા ઓટોરિક્ષાચાલક બની હતી. તે પછી થોડા જ વખતમાં ચાંદનીની માસી - એટલે કે, તેની માતાની સૌથી નાની બહેન આશા વાઘેલા, જે ચાંદનીથી એક વર્ષ મોટી હતી, તે બીજી મહિલા રિક્ષાચાલક બની.
તેઓ જે વાહન ચલાવે છે, જેને છકડો અથવા છકડા કહેવામાં આવે છે, તે ત્રણ પૈડાંવાળું એક મોટું વાહન છે જેમાં 10 લોકો આરામથી બેસી શકે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 25 કિલોમીટર સુધીના ગામોમાં જતા-આવતા લોકો માટે તે વાહનવ્યવહારનું સામાન્ય સાધન છે. તે ટેક્સી-મીટર વિના ચાલે છે, તેથી ભાડું એક સાદા અલિખિત દર-કાર્ડ મુજબ વસૂલવામાં આવે છે. આશા કહે છે, “અમે ટૂંકા અંતર માટે 20-30 રુપિયા લઈએ છીએ, લાંબી સવારી માટે વધુ. જો ઘણે દૂર સુધી જવાનું હોય તો ભાડું 300 રુપિયા સુધી પણ જઈ શકે."
શરૂઆતમાં, તેમના પરિવારો - ખાસ કરીને આશાના માતાપિતા - તેમની પુત્રીઓને, કુટુંબની કોઈ મહિલાએ, અથવા તો આખા ભુજમાં, કોઈ મહિલાએ પહેલાં ક્યારેય ન કર્યું તેવું કામ કરવા દેવા માટે તૈયાર ન હતા. ચાંદનીના કિસ્સામાં, વિકસતા જતા મોટા કુટુંબની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા તેના માતાપિતા તે ત્રણ પૈડાંવાળું વાહન ચલાવવાનું શીખી લે તેમ ઈચ્છતા હતા.
ચાંદનીના કુટુંબમાં તેના માતાપિતા, ચાર બહેનો અને બે ભાઈઓ છે. બધા ભાઈબહેનોમાં સૌથી મોટી ચાંદની રવિવારે સાંજે મને ભુજ રેલ્વે સ્ટેશનથી આગળ એક અર્ધ-ગ્રામીણ કોલોની, ભૂતેશ્વર નગરમાં તેના ઘેર હંકારી ગઈ. મુખ્ય રસ્તાથી તેના ઘર સુધીનો ધૂળિયો માર્ગ, ઊંચોનીચો અને ખાડાટેકરાવાળો છે. તે કહે છે, “મારા સિવાય કોઈ ઓટોવાળા અહીં આવે નહીં, તેથી મને મારા ઘરની આસપાસથી શહેરમાં જનાર ઘણા ગ્રાહકો મળી રહે છે.”


ભુજમાં ત્રણ પૈડાંના વાહન છકડામાં મુસાફરોને લઇ જવા-લાવવાના કામમાં આશા વાઘેલા (ડાબે) તેની ભત્રીજી ચાંદની પરમાર (જમણે) ને અનુસરી. તેમણે છકડા ચાલવવાનું શરુ કર્યું તે પહેલાં શહેરમાં કોઈ મહિલાઓ છકડા ચલાવતી નહોતી. ફોટો • નમિતા વાઈકર
તેના પિતા, ભરત પરમાર એક કોન્ટ્રેક્ટ મજૂર છે. તે લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે વાંસ અને કાપડના માંડવા બાંધે છે અને ઉતારે છે. ચાંદનીની માતા બાબી પરમાર હસીને કહે છે, “અમે બંને અનપઢ [અભણ] છીએ. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અમારા બધા બાળકો ભણે. હવે અમે આઠેય જણા આખો દિવસ બહાર હોઈએ છીએ - કાં તો શાળામાં કે પછી કામ પર!” તે એક હોટલના રસોડામાં કામ કરે છે, તે રોજની લગભગ સો રોટલીઓ વણે છે.
ચાંદનીના બધા ભાઈ-બહેનો અભ્યાસ કરે છે. તેનો ભાઈ રાહુલ આઠમા ધોરણમાં અને ભાવિક સાતમા ધોરણમાં છે. એક બહેન, ગીતા, બારમું ધોરણ પૂરું કરીને ભુજમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહી છે. બીજી બહેન દક્ષા નવમા ધોરણમાં છે અને તેની સૌથી નાની બહેન રીટા ત્રીજા ધોરણમાં છે. ચાંદની ખુશીથી કહે છે, “ઘણીવાર જ્યારે મારા માતાપિતા કામ પર હોય છે ત્યારે હું બધા [ભાઈ-બહેન] ને મારા છકડામાં બેસાડી બહાર લઈ જઉ છું.”
તે મને કહે છે, “મને પણ આશાની જેમ આઠમા ધોરણ પછી ભણવામાં ખાસ રસ નહોતો અને અમે શાળાએ જવાનું બંધ કરી દીધું. યુવાન માશી અને ભાણી માશી-ભાણી કરતાં એકબીજાની પિતરાઇ બહેનો જેવા વધુ છે. શાળા છોડી દીધા બાદ, આશા ભુજના ગોમતી રોડ પર અર્ધ-ગ્રામીણ વસાહત, રામદેવ નગરમાં, તેમના ઘરમાં રોજિંદા ઘરકામમાં માતાની મદદ કરવામાં મોટા ભાગનો સમય પસાર કરતી.
પરંતુ ચાંદનીએ ચાર વર્ષ ઇલેક્ટ્રિક બલ્બ બનાવતી એક ફેક્ટરીમાં પેકર તરીકે કામ કર્યું. તે અસ્થાયી શ્રમિક તરીકે પોતે કરેલા કામના દિવસોને આધારે દર મહિને લગભગ 6,000 થી 7,000 રુપિયા કમાતી. તે હંગામી નોકરી હતી જે યુનિટ બંધ થતાં બંધ થઈ ગઈ. તે પછી થોડાં વર્ષો - જયાં સુધી ડ્રાઇવિંગ શીખવાની તક ન મળીત્યાં સુધી - તે બેકાર હતી. કચ્છની મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપતી સંસ્થાના સામાજિક કાર્યકરો તેમના વિસ્તારની મુલાકાત લીઘી ત્યારે તેને ડ્રાઇવિંગ શીખવાની તક મળી.
કામ અને સ્વતંત્ર આવકથી તેમને વધુ સ્વતંત્રતા મળી. જીન્સ અને ટી-શર્ટ પહેરવા જેવી સરળ બાબતો માટે હવે માતાપિતાની પરવાનગીની જરૂર રહેતી નથી.
મહિલા જૂથે તપાસ કરી કે ભરતકામ અને સીવણકામની પરંપરાગત હસ્તકલા અથવા પાપડ અને ખાખરા જેવા સુકા નાસ્તા બનાવવા સિવાય રોજગારના કયા રસ્તાઓ અપનાવવા ચાંદની અને આશા તૈયાર છે. બંને છોકરીઓએ રસ અથવા આવડતના અભાવને કારણે પેઇન્ટિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના કામની ના પાડી. તાત્કાલિક અને સરળતાથી કામ મળી રહે એવી શક્યતા જોતા ઓટોરિક્ષા ચલાવવી એ એક વ્યવહારુ વિકલ્પ જણાયો.
ભુજ અને અમદાવાદ સ્થિત બિન-સરકારી સંસ્થાઓએ તેમની તાલીમ માટે ભંડોળ પૂરું પાડ્યું અને વાહનો ખરીદવા માટે તેમને લોન આપી. ચાંદની અને આશા ત્રણ અઠવાડિયામાં ઓટોરિક્ષા અને મોટો છકડો ચલાવતા શીખી ગયા. 2018ના અંત સુધીમાં, બંને યુવતીઓએ - પ્રત્યેકે 230,000 રુપિયાની વ્યાજમુક્ત લોન વડે - પોતપોતાના છકડા ખરીદ્યા. ફેબ્રુઆરી 2019થી તેઓ તેમની લોન પેટે 6,500 રુપિયાના માસિક હપ્તા ભરે છે. સંપૂર્ણ ચુકવણી કરતાં તેમને લગભગ ત્રણ વર્ષ લાગશે.
તેઓ દરરોજ સવારે 8 વાગ્યે કામ શરૂ કરે છે અને સાંજે 7:30 વાગ્યે તેમના ઘેર પાછા ફરે છે. ચાંદનીને, વરદી - નિયત સવારી - થી ચોક્કસ આવક મળી રહે છે. કેટલાક મહિનાઓ માટે તે સોમ થી શુક્ર દરરોજ એક મહિલા પ્રોફેસરને કચ્છ યુનિવર્સિટી લઇ જતી હતી અને સાંજે તેમને તેમના ઘેર છોડી દેતી. નવેમ્બર 2019 માં જ્યારે અમે ચાંદનીને મળ્યા, ત્યારે તેની એક માત્ર વરદી એક દૃષ્ટિહીન મહિલાને તેના કામના સ્થળે લઈ જઈ ત્યાંથી ઘેર પાછા લાવવાની હતી. આ માટે પ્રતિ મહિને વરદીદીઠ 1,500 થી 3,000 રુપિયાની આવક થાય છે.

ઉપર ડાબે: મહિલા જૂથના પોસ્ટરમાં આશા. "સમાજના લોકો મને ગમે તેટલા પ્રશ્નો કરી શકે છે. છકડો ચલાવીને હું બીજી છોકરીઓને કહી શકું છું કે કોઈ પણ વ્યવસાય ફક્ત પુરુષો માટે નથી, સ્ત્રીઓ પણ તે કરી શકે છે." ઉપર જમણે: 2019 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા ચાંદનીને 'ગ્લોરી ઓફ ભુજ' ટ્રોફી એનાયત કરાઈ. નીચે: ચાંદની અને આશા (જમણે) આશાને ઘેર ફોટો • નમિતા વાઈકર
દિવસના બાકીના ભાગમાં તેના છકડામાં ભાડું આપી બેસી શકાય છે. આશાના છકડામાં આખો દિવસ ભાડે ફરી શકાય છે. ભુજમાં સ્વામિનારાયણ મંદિર એક લોકપ્રિય સ્થળ છે અને તેઓ ગ્રાહકો મેળવવા માટે ત્યાં છકડા ઊભા રાખે છે, અને ગ્રાહકોને રેલવે સ્ટેશને અથવા ભુજમાં કે પછી ભુજની બહાર ગ્રામીણ પરિસરમાં આવેલા તેમના ઘેર લઈ જાય છે. તેમને બંનેને રોજના આશરે સરેરાશ 600 રુપિયા મળે છે. તેમાંથી લગભગ 200 રુપિયા બળતણ ખરીદવામાં જાય છે, અને બાકીના લોનના હપ્તાઓ ચૂકવવામાં અને વ્યક્તિગત અને ઘરખર્ચમાં વપરાય છે.
મુંબઇ, થાણે, પુણે, કોલકાતા અને ઈન્દોર જેવા કેટલાક શહેરોમાં મહિલા ઓટોરિક્ષા ચાલકો છે. પરંતુ ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં, ચાંદની અને આશાએ છકડા ચાલવવાનું શરુ કર્યું તે પહેલાં કોઈ મહિલા છકડો ચલાવતી નહોતી.
વાહનનું સંચાલન કરવું તો સરળ હતું, પરંતુ સમાજના લોકો - તેમના સમુદાયના લોકોની ટીકા-ટિપ્પણ અને અભિપ્રાયોને અવગણીને છકડા ડ્રાઈવર થવાનું પડકારરુપ હતું. ચાંદની કહે છે કે પાડોશીઓ “સ્ત્રી કેવી રીતે છકડો ચલાવી શકે? શું તે પુરુષોનું કામ નથી? તેમને કોઈ શરમ નથી? " એવા પ્રશ્નો પૂછતા હતા. આશા કંઈક ગુસ્સાથી કહે છે, "કેટલાક લોકો આ પુરુષ અથવા તે પુરુષ સાથે અમને જોયાની વાતો ચલાવતા - જ્યારે તેઓ જે પુરુષોની વાત કરતા હતા તે ખરેખર છકડા પર સવારી ભાડે લેનાર મુસાફરો હતા!".


ડાબે : ચાંદની, તેના માતાપિતા અને ભાઈ-બહેનો સાથે તેમના ઘેર. તે ચાર બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટી છે. જમણે : આશાના ઘેર આશાના માતા-પિતા, ભાઇ, ભત્રીજી અને એક પાડોશી સાથે ચાંદની અને આશા ફોટો • નમિતા વાઈકર
ચાંદની કહે છે, "શરૂઆતમાં અમે એકલા ઘરની બહાર નીકળવામાં પણ ડરતા હતા અને મને ખબર નથી કે આ કરવાની હિંમત અમારામાં ક્યાંથી આવી." આશા માને છે: “અમારામાં આ હિંમત આવી કારણ અમારા પરિવારો અમારી સાથે હતા. અમને તેમની પાસેથી શક્તિ મળી અને બીજાઓ અમારા વિશે જે ખરાબ વાતો કરતા તેને અમે અવગણી.
કામ અને સ્વતંત્ર આવકથી તેમને વધુ સ્વતંત્રતા મળી. જીન્સ અને ટી-શર્ટ પહેરવા જેવી સરળ બાબતો માટે હવે માતાપિતાની પરવાનગીની જરૂર રહેતી નથી. ચાંદનીના પિતાએ તેને કહ્યું, "તારી નવી કારકિર્દીનો આનંદ લે, લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી." ચાંદની કહે છે, "હું બધા માતા-પિતાને કહેવા માંગુ છું કે તેઓ તેમની દીકરીઓને ઘર સુધી સીમિત ન રાખે, દુનિયા મોટી છે, અને ત્યાં બહાર નીકળવું મહત્વનું છે."
આશા કહે છે, "કેટલાક લોકો માને છે કે છોકરીઓ નબળી છે. પણ અમે નબળા નથી, અમે હિંમતવાન છીએ! અમે બધું કરી શકીએ તેમ છીએ." ચાંદની કહે છે કે છકડા ડ્રાઈવર થઈને પોતાને માટે કમાઈ શકવાને કારણે તેમનામાં સ્વતંત્રતાની ભાવના પેદા થઈ છે.
તે કહે છે, "જ્યારે ગ્રાહકો હું છકડો ચાલવું છું તે બાબતની પ્રશંસા કરે છે ત્યારે મને ખૂબ સારું લાગે છે. પરંતુ ખરો આનંદ તો ત્યારે થાય છે જ્યારે હું રસ્તા પરની છોકરીઓ પાસેથી પસાર થઉં અને તેઓ મને 'થમ્બ્સ-અપ' બતાવે છે અથવા વિજય નિશાની બતાવે છે અને ‘નારી-શક્તિ, શુભેચ્છા’ કહીને બૂમ પાડે છે.”
લેખક ભુજના કચ્છ મહિલા વિકાસ સંગઠન અને સખી સંગિનીની ટીમોના, તેમની સહાય બદલ, આભારી છે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક