કરીમ જાટ, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના તેમના ગામ મોરીથી, મને ફોન પર કહે છે, "હું થોડા શાકભાજી વેચું છું, પણ તેમાં ખાસ નફો નથી. અમે બધા ઘેર નવરા બેઠા છીએ. સ્થાનિક સિમેન્ટ ફેક્ટરી ચાલે છે, પરંતુ અમે કામે જતા નથી." કરીમ જાટ ફકીરણી જાટ સમુદાયનો માલધારી છે. કચ્છી ભાષામાં 'માલ' એટલે પ્રાણીઓ, અને 'ધારી' એટલે સંભાળ રાખનાર અથવા માલિક. આખા ય કચ્છમાં માલધારીઓ ગાય , ભેંસ, ઊંટ, ઘોડા, ઘેટાં અને બકરા ઉછેરે છે/ પાળે છે.
કરીમ જાટ જે શાકભાજીની વાત કરે છે તે શાકભાજી તે નજીકના બજારો અને ગામડામાંથી મેળવે છે - પરંતુ તે ફરિયાદ કરે છે કે તેને આ શાકભાજી માટે યોગ્ય ભાવ નથી મળતો. થોડાક કિલોમીટર દૂર એક ટાઉનશીપમાં સિમેન્ટ ફેક્ટરી છે - પરંતુ લોકડાઉનને કારણે કરીમ અને તેના સાથી ફકીરણી જાટ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં પહેલેથી જ ઘણા મજૂરો છે - મોટે ભાગે આ મજૂરો પશ્ચિમ બંગાળ અને અન્યત્રથી સ્થળાંતરિત થયેલા છે , જેમાંથી ઘણા પોતાને ઘેર પાછા ન ફરી શકવાને કારણે અહીં રોકાયેલા છે. સ્થળાંતરિતો અને સ્થાનિકો વચ્ચેના સંબંધો ક્યારેય ખાસ મિત્રતાભર્યા રહ્યા નથી.
કરીમ જાટ મને કહે છે કે લોકડાઉનને કારણે તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા સાવલા પીરના તીર્થસ્થળે જઈ ત્યાં યોજાયેલ મેળો માણવાનું ચૂકી ગયો છે. તે ચિંતિત છે, કહે છે, “રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અને ઈદ મહિનો ય દૂર નથી. આ વખતે ઈદ જુદી હશે."
કચ્છમાં કોવિડ -19 નો પહેલો કેસ લખપત તાલુકાની એક મહિલાનો હતો. તે વિદેશની સફરેથી પાછી ફરી હતી. તેને માર્ચમાં ભુજ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું કોરોના સંક્રમણનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. મોટાભાગના ઊંટ-પાલકો લખપતમાં રહે છે.
24મી માર્ચે લોકડાઉન જાહેર થયા પછી તરત જ કચ્છમાં મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. બસ ત્યારથી, ઊંટ-પાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેઓ તેમના ઘરોથી ખૂબ દૂરના સ્થળોએ રહે છે અને તેમના પ્રાણીઓ ચારે છે. ઉપરાંત, જે વિસ્તારમાં તેઓ રહે છે તે સરહદ પર અથવા સરહદની ખૂબ નજીક છે - અને તેથી અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને ખૂબ જ કડક સુરક્ષા પ્રોટોકોલ્સ/શિષ્ટચાર દ્વારા સંચાલિત છે. અચાનક જાહેર થયેલા લોકડાઉનને કારણે ઘણા માલધારીઓને તેમના ગામોમાં પાછા ફરવા અથવા ત્યાં રહેતા તેમના પરિવારો માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરવા ખાસ સમય મળ્યો ન હતો.
તે કહે છે, હાલમાં તો તેમના પ્રાણીઓ ઠીક છે - કારણ કે તેઓ ચરાઉ મેદાનોમાં અટવાયા છે. પરંતુ જો લોકડાઉન લંબાવવામાં આવે તો, પ્રાણીઓને ચરાવવાની સમસ્યા ઊભી થઈ શકે. અને તે જ પ્રમાણે ઝડપભેર આગળ વધી રહેલા ઉનાળાની ઉનાળાની ગરમીની સમસ્યા પણ ઊભી થઈ શકે.
નખત્રાણા બ્લોકના સ્થાનિકો મને ફોન પર કહે છે કે પોલીસે બહારના ચરાઉ મેદાનમાં કેટલાક પશુપાલકોની મુલાકાત લીધી છે અને તેમને સ્થળાંતર ન કરવાની સૂચના આપી છે. તેથી જો કદાચ પશુપાલકોએ ક્યાંય પણ જવાનો પ્રયત્ન કરે છે, તો તે રેશન માટે અથવા અન્ય કોઈ કામ માટે તેમના સંબંધિત ગામોમાં જવાનો જ હોય છે. અને તે પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

કચ્છના જુદા જુદા પશુપાલક (માલધારી) સમુદાયો - જેમ કે રબારી, જાટ અને સમા - ના જીવન અને સાંસ્કૃતિક પદ્ધતિઓના કેન્દ્રમાં તેમના પ્રાણીઓ હોય છે. તેમના ગીતોમાં પણ તેમના પશુપાલનના ધંધાની વાત હોય છે. કેટલાક ઋતુ પ્રમાણે (મે-જૂનથી સપ્ટેમ્બરના અંત સુધી) સ્થળાંતર કરે છે તો કેટલાક આખા વર્ષ દરમ્યાન તેમના પોતાના તાલુકામાં સ્થળાંતર કરતા રહે છે. લોકડાઉનથી તેમની આ ઋતુ પ્રમાણે સ્થળાંતર કરવાની પદ્ધતિઓ ખોરવાઈ છે
લખપત તાલુકાના અન્ય એક માલધારી ગુલમમ્મદ જાટ જેવા ઘણાને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ની દુકાનમાંથી અનાજ અને અન્ય જરૂરી ચીજો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તે કહે છે, "અમે અમારા રેશનકાર્ડ ઓળખના પુરાવા તરીકે અમારી પાસે રાખીએ છીએ, પરંતુ તે રેશનકાર્ડ વડે અમે ક્યારેય રેશનની દુકાનમાંથી અમારો નિયત હિસ્સો મેળવી શકતા નથી, અને આવું તો ઘણા પરિવારો સાથે થાય છે."
ભુજના પશુપાલન કેન્દ્રના સંવર્ધન કાર્યક્રમના સંચાલક રમેશ ભટ્ટી આવું થવાનું કારણ સમજાવતા કહે છે કે, ઘણા ઊંટવાળા (ઊંટ-પાલકો) 10-20 કિલોમીટર દૂર જંગલની નજીક અથવા સાર્વજનિક ખુલ્લા મેદાનોમાં કામ કરે છે. “તેઓ ગામ સાથે કે સરકાર સાથે સંપર્કમાં નથી. તેમાંથી ઘણા લોકો તેમના રેશનકાર્ડ ગામડામાં રાખે છે અને તેઓ ક્યાંક બીજે ભટકતા હોય છે… હવે ઊંટડીના દૂધ અને માલધારીઓના અન્ય ઉત્પાદનોના કોઈ ખરીદાર નથી, એટલે તેમની આવક બંધ થઈ ગઈ છે અને તેઓ જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી. બીજા કેટલાક ગામડાઓની જેમ તેમને પણ ગામમાં પેસવા નહિ દે તો ? એ વિચારે તેઓ ઘેર પાછા જતા પણ ગભરાય છે.
ભટ્ટી ઉમેરે છે કે કુટુંબના પુરુષો તો ચરાઈ દરમ્યાન દૂધ અને રોટલા ખાઈ શકે છે, પણ ગામમાં રહેતી મહિલાઓ અને બાળકોને અનાજની જરૂર પડે છે. તે કહે છે, “ભગવાનની દયા કે છેલ્લા થોડા દિવસોથી કેટલાક પરિવહન ફરી શરૂ થઈ ગયા છે. પરંતુ તેઓને પહેલેથી જ ભારે નુકસાન થયું છે. ”
આવી સ્થિતિમાં, ભૂખ એ બહુ મોટી સમસ્યા છે. સરકારે જે પહોંચાડ્યું તે પૂરતું નથી. "જો આઠ જણના કુટુંબને 10 કિલોગ્રામ ઘઉં મળે, તો એ તેના પર કેટલો વખત ટકી શકે?"
માલધારીઓના હક માટે કામ કરતી પશુપાલન કેન્દ્ર ચલાવતી ભુજની સંસ્થા, સહજીવન દ્વારા, ભુજમાં આ છેલ્લા બે અઠવાડિયામાં કેટલાક ગરીબ પરિવારો માટે આશરે 70 જેટલી રેશન કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટમાં થોડા અઠવાડિયા ચાલે એટલા ઘઉં, કપાસિયાનું તેલ, મગની દાળ, ખાંડ, ડુંગળી, બટાકા, ચોખા, મીઠું, મસાલા, ધાણા પાવડર, હળદર અને રાઈ છે. કરીમ જાટ કહે છે, "તેમને લીધે જ અમને ઘેર બેઠા રેશન મળ્યું. તેના આધારે જ આજે અમે ટકી રહ્યા છીએ, પરંતુ જો લોકડાઉન વધુ કડક થશે, તો અમારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."
સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે પરિણામે ખેતી સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાશે એ વિષે વાત કરતા કરીમ જાટ કહે છે, “મને લાગે છે એ લોકોએ આ છૂટછાટ આપવી જ પડશે. નહીં તો દુનિયા ખાશે શું ? દરેક જણ ચિંતિત છે. ”
કેટલુંક રેશન મળતાની સાથે કેટલાક અન્ય અછત અંગે ચિંતા કરે છે - તેમાં જાટ અયુબ અમીન પણ છે, મારા મિત્રો અને હું તેમને પ્રેમથી ‘અયુબ કાકા’ કહીએ છીએ. તે ફકીરણી જાટ સમુદાયના વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. તે ફોન પર કહે છે, “હા, તમારા જેવા સારા લોકોને કારણે જ મારી પાસે ટકી રહેવા જેટલું રેશન તો છે. પરંતુ તમને ખબર છે લોકડાઉનની સૌથી વધુ દુઃખ પહોંચાડે એવી વાત શું છે? મને મારી બીડી નથી મળતી. "
ફકીરણી જાટ સમુદાયના વડીલોમાંના એક જાટ અયુબ અમીન, વર્ષ દરમ્યાન ભચાઉ તાલુકામાં ખરાઈ ઊંટ ચરાવીને પેટિયું રળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, જંગલોના વિનાશને કારણે ઘટતા જતા ચરાઉ મેદાનો , નાનું થતું જતું પશુઓનું ધણ અને અન્ય કારણોસર તેમની આવક ઘટતી ગઈ છે. તેમને લાગે છે કે કોવિડ -19 લોકડાઉન ઊંટના દૂધના વેચાણમાંથી થતી તેમની આવકમાં વધુ 30 ટકાનો કાપ મૂકશે

છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં સિમેન્ટ ઉદ્યોગનો મોટો વિકાસ જોવા મળી રહ્યો છે. ફકીરણી જાટ પરિવારના કેટલાક યુવાનોને મોરી, તાહિરા અને અન્ય સરહદી ગામોમાં સિમેન્ટની મોટી ફેક્ટરીમાં દાડિયા મજૂર તરીકે કામ મળ્યું છે. હવે લોકડાઉન દરમ્યાન ફેક્ટરીઓ બંધ છે

કુટુંબના પુરુષો તો ચરાઈ દરમ્યાન દૂધ અને રોટલા ખાઈ શકે છે, પણ ગામમાં રહેતી મહિલાઓ અને બાળકોને ખાવા માટે રોટલા અને દાળ-ચોખાની જરૂર પડે છે. અચાનક જાહેર થયેલા લોકડાઉનથી છૂટાંછવાયાં સરહદી ગામડાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પશુ ચરાવવા સ્થળાંતર કર્યું હોય તેવા ઘણા પશુપાલકો, જેઓ તેમના રેશનકાર્ડ ગામમાં રાખીને આવ્યા છે તેમને જાહેર વિતરણ યોજના (PDS) ની દુકાનો પરથી અનાજ મળતું નથી

કરીમ જાટ લખપત તાલુકાના મોરી ગામમાં રહે છે. પશુપાલનની ઘટતી કમાણીને ટેકો આપવા ગયા વર્ષે, તેમણે ઓટોરિક્ષા ખરીદી હતી. તે કહે છે, 'લોકડાઉનને કારણે હું મારી રિક્ષા બહાર લઈ જઈ શકતો નથી. હું શાકભાજી વેચીને પેટિયું રળવાનો પ્રયત્ન કરું છું

ઘણા ફકીરણી જાટને બીડી અને સિગારેટ પીવાની આદત છે, પરંતુ લોકડાઉનમાં તમાકુ માંડ મળે છે. જાટ અયુબ અમીનની ફરિયાદ છે કે આ 'ખૂબ જ નિરાશાજનક' છે


ડાબે: કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન (કચ્છ માલધારી કેમલ હર્ડર્સ ઓર્ગેનાઇઝેશન) ના પ્રમુખ ભીખાભાઇ વાળાભાઇ રબારી પાસેથી રેશન બેગ મેળવતા પશુપાલક પરિવારો. જમણે: ઘણા ફકીરણી જાટ પરિવારોને માલધારીઓના હક માટે કાર્યરત ભુજ સ્થિત સંસ્થા તરફથી આવી રેશન કીટ મળી છે. બેગમાં ઘઉં, મસૂર, કપાસિયાનું તેલ, હળદર, મસાલા, મીઠું અને ચોખા જેવી આવશ્યક ચીજોનો સમાવેશ થાય છે. પરિવારો કહે છે કે આ મદદને કારણે તેમની ચિતા કંઈક હળવી થઈ છે
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક