કોરાઈ ઘાસ કાપવામાં કુશળતા ધરાવતા લોકોને આ છોડ કાપવામાં ૧૫ સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે, તેને ખંખેરવામાં અડધી મિનિટ, અને એના પૂળા (બંડલ) બનાવવામાં બીજી કેટલીક મિનિટ થાય છે. ઘાસ જેવા આ છોડ એનાથી લાંબા હોય છે, અને દરેક પૂળા નું વજન લગભગ પાંચ કિલો હોય છે. મહિલાઓ એને સરળ બનાવી દે છે, અને એક વખતમાં ૧૨-૧૫ પૂળા પોતાના માથે લઈને સખત તાપમાં લગભગ અડધો કિલોમીટર પગપાળા ચાલે છે - પૂળા દીઠ ૨ રૂપિયા કમાવવા માટે.
દિવસના અંત સુધીમાં, તે બધાં કોરાઈના લગભગ ૧૫૦ પૂળા બનાવી દે છે, જે તમિલનાડુના કરુર જિલ્લાના નદી વિસ્તારમાં પુષ્કળ માત્રામાં ઉગે છે.
કાવેરી નદીના તટ પર, કરુરના મનવાસી ગામની એક વસાહતમાં, નાથમેડું માં કોરાઈ કાપનારા - લગભગ બધી જ મહિલાઓ - કોઈ પણ આરામ વગર, દિવસમાં આઠ કલાક કામ કરે છે. તેઓ ઘાસ થી ભરેલા એ ખેતરોમાં એને કાપવા માટે નીચે ઝુકે છે, પોતાના હાથોથી એને ખંખેરે છે અને પૂળા બનાવે છે, જેને તેઓ સંગ્રહ કરવાની જગ્યાએ લઇ જાય છે. આ માટે કુશળતા અને તાકાત જોઈએ. અને આ સખત મહેનત માંગી લે એવું કામ છે.
તેઓ કહે છે કે તેમાંથી મોટા ભાગની મહિલાઓ, નાની ઉંમરથી જ કોરાઈ કાપવાનું કામ કરી રહી છે. ૫૯ વર્ષીય સૌભાગ્યમ્ કહે છે,“હું જે દિવસે પેદા થઈ, એ જ દિવસથી કોરાઈ કાડુ [‘જંગલ’] મારી દુનિયા રહી છે. મે દસ વર્ષની ઉંમરથી જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું, અને પ્રતિદિન ત્રણ રૂપિયા કમાતી હતી.” એમની આવક હવે પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરે છે.
વિધવા અને બે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની મા, ૩૩ વર્ષીય એમ. માગેશ્વરી યાદ કરે છે કે એમના પિતા એમને ગાયો ચરાવવા અને કોરાઈ કાપવા માટે મોકલતા હતા. તેઓ કહે છે, “મે શાળામાં કોઈ દિવસ પગ નથી મુક્યો. આ ખેતરો મારું બીજું ઘર છે.” ૩૯ વર્ષીય આર. સેલ્વી પોતાની મા ના પગલે ચાલી રહયાં છે. “તે પણ કોરાઈ કાપતી હતી,” તેઓ કહે છે, “મેં મારા જીવનમાં આ કામ પહેલેથી જ કરવાનું શરૂ કરી દીધું હતું,”
તમિલનાડુમાં પછાત જાતિમાં ગણાતી મુથૈયાર સમુદાયની આ મહિલાઓ, તિરુચિરાપલ્લી જિલ્લાના અમૂરની રહેવાસી છે. નાથમેડુંથી ૩૦ કિલોમીટર દૂર, મુસિરી તાલુકાનું આ ગામ કાવેરી નદીના કિનારે આવેલું છે. પરંતુ, અમૂરમાં પાણીની અછત સર્જાય છે, જેનું મુખ્ય કારણ એ વિસ્તારમાં થતું રેતીનું ખનન છે. “મારા ગામમાં કોરાઈ ત્યારે ઉગે છે જ્યારે [નદી] નહેરમાં થોડું પાણી હોય. તાજેતરમાં, નદીમાં પાણી ખૂબ જ ઓછું થઇ ગયું છે, અમારે કામ માટે ખૂબ લાંબી મુસાફરી કરવી પડે છે,” માગેશ્વરી કહે છે.
આ કારણે અમૂરની આ મહિલાઓ પાડોશી કરુર જિલ્લાના પિયત ખેતરોમાં જાય છે. તેઓ બસમાં, અમુક વખત લોરીમાં, પોતાનું ભાડું ખર્ચીને ત્યાં જાય છે અને એક દિવસમાં લગભગ ૩૦૦ રૂપિયા કમાય છે. ૪૭ વર્ષીય વી.એમ. કન્નન, જેઓ પોતાની પત્ની, ૪૨ વર્ષીય કે. અક્કંડી સાથે કોરાઈ કાપે છે, આ વિડંબના ને આ રીતે રજૂ કરે છે: “કાવેરીનું પાણી બીજો માટે કાઢી લેવામાં આવે છે, જ્યારે કે સ્થાનિક લોકો પાણી માટે સંઘર્ષ કરે છે.”
૪૭ વર્ષીય એ. મરીયાયી, જેઓ ૧૫ વર્ષની ઉંમરથી કોરાઈ કાપી રહી છે, કહે છે, “એ વખતે અમે દિવસના ૧૦૦ પૂળા ભેગા કરતાં હતા. હવે અમે ઓછામાં ઓછા ૧૫૦ પૂળા ભેગા કરીએ છીએ અને ૩૦૦ રૂપિયા કમાઈએ છીએ. પહેલાં મજૂરી ખૂબ ઓછી મળતી હતી, એક પૂળાના ફક્ત ૬૦ પૈસા.”
“૧૯૮૩માં, એક પૂળાની કિંમત ૧૨.૫ પૈસા હતી,” કન્નન યાદ કરે છે, જેઓ ૧૨ વર્ષની ઉંમરથી કાપણી કરી રહ્યાં છે, ત્યારે તેઓ દિવસના ૮ રૂપિયા કમાતા હતા. લગભગ ૧૦ વર્ષ પહેલાં, કોન્ટ્રેક્ટર્સને અપીલ કર્યા પછી, પૂળા દીઠ એક રૂપિયો, અને પાછળથી પૂળા દીઠ બે રૂપિયા વધારી દેવામાં આવ્યા, તેઓ ઉમેરે છે.
કોન્ટ્રેક્ટર, મણી, જેઓ અમૂરના મજૂરોને કામે રાખે છે, ૧-૧.૫ એકર જમીન ભાડે લઈને તેના પર વ્યાવસાયિક રૂપે કોરાઈની ખેતી કરે છે. જ્યારે ખેતરોમાં પાણીનું સ્તર ઓછું હોય, ત્યારે એક એકર માટે મહિના દીઠ ૧૨,૦૦૦-૧૫,૦૦૦ રૂપિયા ભાડું આપવું પડે છે, તેઓ કહે છે. “પાણીનું સ્તર વધતા આ ભાડું ૩-૪ ઘણું વધી જાય છે.” તેઓ આગળ કહે છે કે, મહિનામાં એમનો એકર દીઠ ચોખ્ખો નફો ૧,૦૦૦-૫,૦૦૦ રૂપિયા જ છે - જે અંદાજ કદાચ ઓછો છે.


ડાબે : વી.એમ. કન્નન અને એમની પત્ની, કે. અક્કંડી (જમણે, ઘાસ ખંખેરતા), કોરાઈના ખેતરોમાં એક સાથે કામ કરતી વેળાએ. અમૂરમાં કોરાઈ કાપવામાં મોટેભાગે મહિલાઓ જ છે.
કોરાઈ, સાઇપરેસી જાતિનું એક પ્રકારનું ઘાસ છે; આ લગભગ ૬ ફૂટ ઉંચાઈ સુધી વિકાસ પામે છે. આને લોકપ્રિય પાઈ (ચટ્ટાઈ) અને અન્ય ઉત્પાદનોના નિર્માણ કેન્દ્ર, મુસિરીના કોરાઈ ચટ્ટાઈ-વણાટ ઉદ્યોગ માટે, કરુર જિલ્લામાં વ્યવસાયિક રૂપે ઉગાડવામાં આવે છે.
આ ઉદ્યોગ ખેતરમાં કરવાવાળા મજૂરોની મહેનત પર ચાલે છે. મહિલાઓ માટે દિવસના ૩૦૦ રૂપિયા કમાવવા સરળ નથી, જેઓ સવારે ૬ વાગ્યાથી કામ કરવાનું શરૂ કરી દે છે, અને લાંબા છોડ ને નમીને દાતરડાથી કુશળતાપૂર્વક કાપે છે. તેઓ ચોમાસાના થોડાક દિવસો છોડીને આખું વર્ષ કામ કરે છે.
આ કામ મહેનત માંગી લે એવું છે, ૪૪ વર્ષીય જયંતી કહે છે. “હું દરરોજ સવારે ચાર વાગે ઉઠું છું, પરિવાર માટે ખાવાનું બનાવું છું, કામ પર જવા માટે દોડીને બસ પકડું છું. ત્યાં હું જેટલા પૈસા કમાઉ છું એમાંથી હું બસનું ભાડું, ખાવાનો અને ઘર ખર્ચ કાઢું છું.”
“પરંતુ, મારી પાસે અન્ય વિકલ્પ પણ શું છે? આ મારા માટે ઉપલબ્ધ એકમાત્ર કામ છે,” માગેશ્વરી કહે છે, જેમના પતિનું ચાર વર્ષ પહેલાં હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. “મારા બે દીકરા છે, એક નવમા ધોરણમાં અને બીજો આઠમા ધોરણમાં ભણે છે,” તેઓ આગળ કહે છે.
લગભગ બધી મહિલાઓ કોરાઈ કાપવાથી થતી આવક થી પોતાના ઘર ચલાવે છે. “જો હું બે દિવસ ઘાસ ન કાપું, તો ઘરે ખાવા માટે કંઈ વધશે નહીં,” સેલ્વી કહે છે.

આખો દિવસ નમીને કાપવાથી જયંતીની છાતીમાં દુઃખાવો થાય છે . તે પોતાની આવકનો મોટો ભાગ દવાના બીલો પર ખર્ચ કરે છે.
પરંતુ પૈસા પૂરતા નથી. મરિયાયી કહે છે, “મારી એક નાની પુત્રી નર્સિંગનો અભ્યાસ કરે છે, અને મારો દીકરો વર્ગ 11 માં છે, મને ખબર નથી કે હું તેના શિક્ષણ માટે પૈસા કેવી રીતે એકત્ર કરી શકું. મારી પુત્રીની ફી ભરવા માટે હું દેવામાં છું."
એમની રોજીંદી આવક વધીને ૩૦૦ રૂપિયા થઇ ગઈ છે તો પણ એનાથી કંઈ વધારે ફરક પડ્યો નથી. સૌભાગ્યમ કહે છે, “પહેલાં, અમે જ્યારે ૨૦૦ રૂપિયા ઘરે લાવતા હતા, ત્યારે એમાંથી ઘણી શાકભાજી મળતી હતી. પરંતુ, હવે ૩૦૦ રૂપિયા પણ પૂરતા નથી.” એમના પાંચ સભ્યોના પરિવારમાં એમની માતા, પતિ, દીકરો અને વહુ છે. “મારી આવકમાંથી જ બધાનો ખર્ચ ચાલે છે.”
અહીંના મોટા ભાગના પરિવારો પૂરી રીતે મહિલાઓની આવક પર નિર્ભર છે, કેમ કે પુરુષોને દારૂની લત છે. “મારો દીકરો કડિયો છે, તે એક દિવસમાં ૧૦૦૦ રૂપિયા કમાય છે,” સૌભાગ્યમ કહે છે. “પરંતુ, તે પોતાની પત્નીને પાંચ પૈસા પણ નથી આપતો, અને બધા જ રૂપિયા દારૂમાં વાપરી દે છે. જ્યારે એની પત્ની તેને કંઈ પૂછે છે તો તેને ખરાબ રીતે મારે છે. મારા પતિ ઘરડાં છે, અને કંઈ પણ કામ કરવા અસમર્થ છે.”
આ કઠિન જીવનની મહિલાઓના સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. “કારણ કે હું આખો દિવસ નમીને કાપવામાં કાઢું છું, આ કારણે મને છાતીમાં દુખાવો રહે છે,” જયંતિ કહે છે. “હું દર અઠવાડિયે હોસ્પિટલ જાઉં છું, અને ૫૦૦-૧૦૦૦ રૂપિયાનું બિલ આવે છે. હું જે કંઈ કમાઉ છું, તે બધું દવાઓમાં જતું રહે છે.”
વ્યથિત મરીયાયી કહે છે, “હું લાંબા સમય સુધી આ કામ કરી શકતી નથી.” તે કોરાઈ કાપવાનું બંધ કરવા માંગે છે. “મારા ખભા, નિતંબ, છાતી, હાથ અને પગમાં દુખાવો રહે છે. મારા હાથ અને પગ છોડની ધારદાર કિનારીથી છોલાઈ જાય છે. તમને ખબર છે આ તડકામાં એ કેટલું અસહ્ય થઈ પડે?”

તિરુચિરાપલ્લી જિલ્લાના મુસિરી તાલુકાના અમૂરની મહિલાઓ , કોરાઈ કાપીને કમાણી કરવા માટે પાડોશના કરુરની મુસાફરી કરે છે. ઘાસ જેવો લાંબો આ છોડ, તમિલનાડુમાં કાવેરી નદીના તટ પર પુષ્કળ પ્રમાણમાં ઉગે છે.

એ .મરીયાયી ૩૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી કોરાઈના ખેતરોમાં કામ કરે છે. હવે, જ્યારે એમના શરીરમાં દુખાવો થતો હોવાને લીધે, તેમને નમીને પૂળા ઉપાડવામાં તકલીફ થઇ રહી છે. મરીયાયી એ પોતાની આવકથી પાંચ દીકરીઓ અને એક દીકરાને ભણાવ્યા, સાથે જ કોરાઈ કાપવાથી પ્રાપ્ત થતા પૈસાથી ત્રણ દીકરીઓના લગ્ન પણ કર્યા.

એમ . માગેશ્વરી, એક વિધવા જેમના બે દીકરાઓ હાઇસ્કુલ માં છે, કહે છે કે એમના માટે જીવન હંમેશા કઠીન જ રહ્યું છે. “હું ક્યારેય શાળાએ નથી ગઈ. .મને આનો ખુબજ પસ્તાવો છે. જો હું શિક્ષિત હોત, તો હું બાજુ માં કંઈ કામ પણ કરી શકી હોત .” તેઓ બાળપણ થી કોરાઈ કાપી રહી છે .

આર . સેલ્વી ઘાસના પૂળાને ખંખેરીને એમાંથી સૂકો ભાગ છૂટો પાડી રહી છે . એમની આવક ચાર સભ્યોના પરિવાર નો ખર્ચ ઉપાડે છે. “જ્યારે હું ૩૦૦ રૂપિયા કમાઉ છું, ત્યારે મને ઘર ચલાવવા માટે ફક્ત ૧૦૦ રૂપિયા જ મળે છે. મારા પતિ ૨૦૦ રૂપિયા દારૂ પાછળ ખર્ચ કરી દે છે. જો અમારા ઘરોમાં પુરુષો દારૂ ના પિતા હોત તો કદાચ જીવન વધુ સારું હોત,” તેઓ કહે છે.

માગેશ્વરી (ડાબે) આર. કવિતાને પોતાની આંખમાંથી ધૂળ કાઢવામાં મદદ કરી રહી છે, જ્યારે કે એસ.રાની (જમણે) રૂમાલથી પોતાના ચહેરા પરની ધૂળ સાફ કરવાની કોશિશ કરી રહી છે. પૂળા ખંખેરવાથી ઉડતી ધૂળના લીધે મહિલાઓની આંખોમાં સતત બળતરા થાય છે.

એમનું આ કઠીન કામ સવારે ૬ વાગે શરૂ થાય છે અને દિવસમાં ૮ કલાક સુધી ચાલે છે , એ દરમિયાન એમને ૧૦ મિનિટનો એક નાનો વિરામ મળે છે. બેસવા માટે કોઈ છાંયડો નથી, આ માટે તેઓ ચા પીવા માટે પણ તડકામાં ભેગા થાય છે.

એમ .નિર્મલા કાપેલી કોરાઈના એક પૂળાને ખંખેરીને સાફસૂફી માટે તૈયાર કરી રહ્યા છે. આ પૂળા તિરુચિરાપલ્લી જિલ્લાના મુસિરીમાં આગળની પ્રક્રિયા કરવા માટે મોકલવામાં આવે છે, જ્યાં કોરાઈ-વણાટનું મુખ્ય કેન્દ્ર છે.

કવિતા પૂરી તાકાતથી પૂળા ખંખેરી રહી છે . પૂળામાંથી સૂકો ભાગ દૂર કરવા માટે તાકાતની સાથે -સાથે કુશળતા પણ જોઈએ છે. અનુભવી મહિલાઓ તેને એટલી જ માત્રામાં કાપે છે જેથી એક પૂળો બની જાય.

હંમેશા હસી -મજાક કરવા વાળી કવિતા, કામ કરતી વેળાએ બીજાને હસાવે છે. એમણે લગ્ન કર્યા પછી જ કોરાઈ કાપવાની શરૂઆત કરી હતી.

ડાબેથી જમણે : એસ. મેઘલા, આર. કવિતા, એમ. જયંતી અને કે. અક્કંડી સખત તડકામાં વિરામ વગર કામ કરી રહ્યા છે. ઉનાળાના મહિનાઓમાં, ગરમીથી રાહત મેળવવા માટે તેઓ પોતાના પર પાણી છાંટે છે અને કામ ચાલુ રાખે છે.

મેઘલાના પતિ પથારીવશ છે , આથી તેમણે આજીવિકા રળવા માટે કોરાઈની કાપણી શરૂ કરી.

એ . કમાચીના પતિની મૃત્યુ ૨૦ વર્ષ પહેલાં, અને દીકરાની મૃત્યુ ૨૦૧૮માં થઇ હતી. ૬૬ વર્ષની ઉંમરે, તેઓ એકલા રહે છે અને કોરાઈના ખેતરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

મજૂરો પૂળા જમીન પર પછાડીને સમતલ કરી રહ્યાં છે . કોન્ટ્રેકટર મણી (ડાબે) ઘાસના પૂળાના ઉપરના ભાગને કાપીને બધાની લંબાઈ એક સરખી કરી રહ્યા છે.

એ . વસંતા પોતાના માથે રહેલા પૂળા સંતુલિત કરતી વખતે, પોતાના પગ અને પગની આંગળીઓનો ઉપયોગ કરીને પૂળો સાચવી રહ્યા છે. તે પહેલાં આને પોતાની કમ્મર સુધી ઉછાળે છે અને પછી પોતાના માથે લઇ જાય છે - બીજા કોઈની મદદ લીધા વગર. દરેક પૂળાનો વજન લગભગ પાંચ કિલો હોય છે.

મહિલાઓ એક વખતમાં પોતાના માથે ૧૦ -૧૨ પૂળા સંતુલિત કરી શકે છે. તેઓ સંગ્રહ સ્થાને પૂળા લઇ જવા માટે ધગધગતા તડકામાં અડધો કિલોમીટર ચાલે છે. માગેશ્વરી કહે છે, “મને આ કામ કરવું સુરક્ષિત લાગે છે કેમ કે અહીં કામ કરવા વાળી ઘણી મહિલાઓ જાણીતી છે. ”

મરીયાયી એક ભારે પૂળો લઈને જઈ રહી છે . “ઉઠીને જાગવાનું, અહીં [ખેતરોમાં] દોડતા આવવાનું, આખો દિવસ કામ કરવાનું, જલ્દી પાછા ફરવાનું - મને જરા પણ આરામ નથી મળતો. એટલે સુધી કે જ્યારે હું બીમાર હોય, ત્યારે પણ ઘરે મોડા નથી જઈ શકતી. હું અહીં આવું છું અને મારા કામની વચ્ચે થોડો આરામ કરી લઉં છું.”

પૂળા સંગ્રહ કરવાની જગ્યાએ લઇ જવામાં આવી રહ્યાં છે , જ્યાંથી એમને એક લોરીમાં લાદીને આગળની પ્રક્રિયા કરવા માટે લઇ જવામાં આવી રહ્યા છે.

મજૂરો પોતાનું દિવસનું કામ પૂરું કરીનેમ બપોરે લગભગ ૨ વાગે ખાવાનું ખાય છે . “જો અમને નજીકમાં કામ મળી જાય, તો અમે એક વાગે ઘરે પાછા ચાલ્યા જઈએ છીએ. નહિતર, સાંજે મોડા કે રાત્રે પહોંચીએ છીએ.”
અપર્ણા કાર્તિકેયનના લેખન સૂચનો સાથે.
અનુવાદક: ફૈઝ મોહંમદ