પ્રકાશ ભગત મોટા એલ્યુમિનિયમના વાસણ ઝૂકીને આલૂ-મટરની ગ્રેવીને કડછીથી હલાવે છે. તેઓ આખા શરીરનું વજન ડાબા પગ પર લે છે, જમણો પગ હવામાં અદ્ધર લટકતો રાખે છે, અને ડાંગની મદદથી પોતાનું સંતુલન જાળવે છે.
52 વર્ષના ભગત કહે છે, “મને લાગે છે કે હું 10 વર્ષનો હતો ત્યારથી જ લાકડી લઈને ચાલું છું. હું નાનો હતો ત્યારથી જ મારો પગ પકડીને ચાલતો હતો. મારા માતાપિતા કહે છે કે મારી નસ ખેંચાઈ ગઈ છે.
ભગતની શારીરિક અક્ષમતાએ તેમના સંકલ્પ પર કોઈ અસર કરી નથી. જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના તેમના ગામ પારગાંવના ઘણા લોકોએ એક જાથામાં, દિલ્હી જતા વાહનોના મોરચામાં, ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે, તેમાં જોડાતા પહેલા તેમણે બે વાર વિચાર્યું નહીં. પરવાનગી લઈ ગ્રેવી ચાખતા ચાખતા તેઓ કહે છે, " અહીં આવવાનું એક કારણ છે.”
આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદા સામે દિલ્હીમાં હજારો, લાખો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીની સરહદે ત્રણ જુદા જુદા સ્થળોએ વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી આશરે 2000 જેટલા ખેડૂતો આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા અને એકતા દર્શાવવા 21 મી ડિસેમ્બરે નાસિકમાં ભેગા થયા હતા. તેઓ નાસિકથી આશરે 1400 કિલોમીટર દૂર છેક દિલ્હી જઈ રહેલ જાથામાં જોડાવાના હતા.
પારગાંવ ગામમાંથી પણ 39 લોકોએ જોડાવાનું નક્કી કર્યું. ભગત કહે છે, “આ દેશના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. હકીકતમાં, શક્ય તેટલા ખેડુતોને તેમની પેદાશો માટે વાજબી (બાંયધરીના) ભાવ મળવા જ જોઈએ. આ કૃષિ કાયદા તેમને દેવામાં વધુ ઊંડા ધકેલશે. ખેડૂતો મોટી કંપનીઓને હવાલે રહેશે, જે તેમનું શોષણ કરશે. કૃષિ કાયદાઓના અમલીકરણથી તાત્કાલિક પંજાબ અને હરિયાણાના ખેડુતોને નુકસાન પહોંચી શકે છે, અને તેથી જ આંદોલનમાં તેમનું પ્રભુત્વ છે, પરંતુ એનો અર્થ એ નથી કે દેશના બાકીના ખેડૂતોને આ કાયદાઓથી કોઈ અસર નહીં પહોંચે."

ડુંગળી, બટાટા અને ચોખા સહિતની બીજી ઘણી વસ્તુઓથી બસ ભરેલી છે. જ્યારે મોરચાનું નેતૃત્વ કરનારા લોકો રોકાય છે, ત્યારે ભગત અને તેના સાથીઓ કામ શરુ કરી દે છે
ભગત પોતે માછીમાર છે. તેઓ પૂછે છે, "ખેડૂતોને ટેકો આપવા માટે હું ખેડૂત જ હોઉં એવું જરૂરી છે? મોટા ભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે ગ્રામીણ અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. હવે જો ખેડૂતો જ તકલીફમાં હોય, તો મારી માછલી ખરીદશે કોણ? ”
ભગત કરચલા અને પ્રોન પકડે છે, અને પનવેલના બજારમાં વેચે છે, તેઓ મહિને લગભગ 5000 રુપિયા કમાય છે. તેઓ કહે છે, “મારી પાસે મોટી, સ્વયંચાલિત હોડી નથી. જ્યારે હું માછીમારી કરવા જાઉં ત્યારે તમામ માછીમારી હું જાતે જ મારા હાથે જ કરું છું. બીજા માછીમારો ઊભા રહે છે અને માછલીઓને લલચાવવા ખાજ ફેંકે છે. મારા પગની સમસ્યાને કારણે હું હોડીમાં મારું સંતુલન જાળવી શકતો નથી. તેથી મારે બેસીને માછલી પકડવી પડે છે."
માછીમાર હોવા છતાં ભગતને બકરીનું માંસ રાંધવાનું સૌથી વધારે પસંદ છે. તે સ્પષ્ટ કરે છે, “ગામઠી [ગામની શૈલીનું]. તેઓ ઉમેરે છે, "મને રસોઈ કરવાનું ગમે છે.“હું મારા ગામમાં લગ્નો માટે વિવિધ વાનગીઓ બનાવું છું. આ કામ માટે હું એક પૈસો ય લેતો નથી. આ કામ મને ગમે છે એટલે હું કરું છુ. જો ગામની બહારના કોઈને જોઈતું હોય કે હું કોઈ કાર્યક્રમ અથવા ઉત્સવમાં રસોઇ બનાવું, તો હું તેમને ફક્ત મારી મુસાફરીની વ્યવસ્થા કરવાનું કહું છું. તેથી જ્યારે મારા ગામના લોકોએ આ મોરચામાં જોડાવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું ત્યારે મેં તેમના માટે રસોઈ કરવાની તૈયારી દર્શાવી. ” આ વિરોધ કૂચ દરમિયાન તેઓ લગભગ 40 લોકો માટે રસોઈ કરતા હતા.
પારગાંવના રહેવાસીઓએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) સાથે સંકળાયેલી અખિલ ભારતીય કિસાન સભા દ્વારા આયોજિત જાથામાં ભાગ લેવા માટે એક બસ ભાડે લીધી છે. મુખ્યત્વે ટેમ્પો અને ચાર પૈડાં વાહનોના કાફલા વચ્ચે નારંગી રંગની મોટી બસ જૂદી તરી આવે છે. બસની સામાન રાખવાની જગ્યા છ કિલો ડુંગળી, 10 કિલો બટાટા, પાંચ કિલો ટામેટાં અને 50 કિલો ચોખા સહિતની ચીજોથી ભરેલી છે. મોરચાનું નેતૃત્વ કરતા કાર્યકરો રેલી માટે રોકાય કે તરત ભગત અને તેમના બે સાથીઓ કામ શરુ કરી દે છે.

‘મને રસોઈ કરવાનું ગમે છે… તેથી જ્યારે મારા ગામના લોકોએ આ મોરચામાં જોડાવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું ત્યારે મેં તેમના માટે રસોઈ કરવાની તૈયારી દર્શાવી’
ભગત તેની લાઠી પકડીને બસના ‘સ્ટોરરૂમ’ તરફ જાય છે. તેનો એક સાથી ખૂબ જ ભારે ગેસ સિલિન્ડર સહિત ભોજન માટે જરૂરી ચીજો ખેંચીને બહાર કાઢે છે. માલેગાંવ શહેરમાં 22 ડિસેમ્બરની બપોરે બપોરના ભોજનમાં ભાત અને આલૂ-મટર છે. બસની બાજુમાં જમીન ઉપર ચાદર પર ગોઠવાઈને કુશળતાપૂર્વક કાંદા કાપતા કાપતા ભગત કહે છે, “અમારી પાસે ત્રણ દિવસ માટે પુરતો પુરવઠો છે. અમારામાંના મોટાભાગના લોકો મધ્યપ્રદેશ સરહદથી ઘેર પાછા ફરશે. કેટલાક દિલ્હી સુધી જશે. અમારે માટે લાંબા સમય સુધી કામથી દૂર રહેવું શક્ય નથી. ”
તેમના ગામ, પારગાંવના મોટાભાગના રહેવાસીઓ કોળી સમુદાયના છે અને તેઓ આજીવિકા માટે માછીમારી પર આધાર રાખે છે. ભગત કહે છે, “અમે મહિનામાં 15 દિવસ સમુદ્રમાં જઈએ છીએ. ઓટ વખતે અમે માછીમારી ન કરી શકીએ.' આ અઠવાડિયે શુક્રવાર અથવા શનિવારે ભરતી હોવાથી તેઓ સમયસર પારગાંવ પાછા ફરવા માગે છે. તેઓ ઉમેરે છે, "એ તક ગુમાવવાનું અમને ન પોસાય. લોકડાઉન થયું ત્યારથી અમે ઘણું સહન કર્યું છે. અમે અમારી પોતાની સલામતી માટે માછીમારી કરવાનું બંધ કર્યું. અમારે કોરોનાવાયરસથી સંક્રમિત થવું નહોતું. અને પોલીસ અમને બજારમાં માછલી વેચવાની મંજૂરી પણ આપતી નહોતી. હવે અમે ધીમે ધીમે ફરીથી અમારું કામ શરૂ કર્યું છે. હવે ફરીથી કામ અટકાવવું અમને ન પોસાય.”
લોકડાઉનના શરૂઆતના તબક્કા દરમિયાન પારગાંવના રહેવાસીઓએ તેમના ગામને સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. ભગત કહે છે, “રાજ્યએ કેટલાક પ્રતિબંધો હટાવ્યા પછી પણ અમે અમે કોઈ પ્રતિબંધ હટાવ્યો નહોતો. વાયરસથી સુરક્ષિત રહેવા કોઈએ તેમના સંબંધીઓને પણ ગામમાં પ્રવેશવા દીધા નહોતા."
લોકડાઉન દરમિયાન જે ગામે કોઈને પણ તેની સીમાઓ ઓળંગવા દીધી નહોતી તે ગામમાંથી 39 લોકો રાજ્યના જુદા જુદા ભાગોમાંથી એકત્રિત થયેલા હજારો ખેડૂતોની સાથે કૂચમાં જોડાયા છે. ભગત કહે છે, "ખેડૂતોને ટેકો આપતા પહેલા તમે બે વાર વિચારશો નહીં."
લેખન : પાર્થ એમ.એન. ફોટા: શ્રદ્ધા અગ્રવાલ
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક