હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ ખાતે વિરોધ કરી રહેલા વિશ્વજોત ગ્રેવાલ કહે છે, “આ કાયદાઓ પાછા ખેંચવામાં આવે એટલું જ અમારે જોઈએ છે." ગયા સપ્ટેમ્બરમાં સંસદમાં કાયદા પસાર કરવામાં આવ્યા ત્યારથી લુધિયાણા જિલ્લાના પોતાના ગામ પામલમાં વિરોધ પ્રદર્શન યોજવામાં મદદ કરનાર ખેડૂત પરિવારના 23 વર્ષના વિશ્વજોત કહે છે, "અમારી જમીન સાથે અમારો મજબૂત સંબંધ છે અને કોઈ અમારી પાસેથી અમારી જમીન છીનવી લે તે અમે બિલકુલ સહન નહીં કરીએ."
ગ્રામીણ ભારતમાં ઓછામાં ઓછી 65 ટકા મહિલાઓ (2011 ની વસ્તી ગણતરીની નોંધ મુજબ) ની જેમ તેમના પરિવારની મહિલાઓ પણ સીધી કે આડકતરી રીતે ખેતીની પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. તેમાંની મોટાભાગની મહિલાઓ પાસે પોતાની જમીન નથી, પરંતુ ખેતીમાં તેમની ભૂમિકા મહત્વની છે. ખેતી સંબંધિત મોટાભાગના કામ મહિલાઓ જ કરે છે - વાવણી, રોપણી, લણણી, કણસલામાંથી દાણા કાઢવા માટે ઝૂડવાનું કામ, ખેતરેથી પાક ઘેર લઈ જવાનું કામ, ખાદ્ય પ્રક્રિયા, ડેરીનું કામ વિગેરે.
તેમ છતાં 11 મી જાન્યુઆરીએ ભારતની સર્વોચ્ચ અદાલતે ત્રણ કૃષિ કાયદાઓને સ્થગિત કરવાનો આદેશ પસાર કર્યો ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ એમ પણ કહ્યું હતું કે મહિલાઓ અને વૃદ્ધોને વિરોધ સ્થળોએથી તેમના ઘેર પાછા જવા માટે ‘સમજાવવા’ પડશે. પરંતુ આ કાયદાઓના પરિણામ મહિલાઓ (અને વૃદ્ધો) ને પણ અસર પહોંચાડે છે ને એ અંગે તેઓ પણ ચિંતિત છે.
ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. મોટા નિગમોને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.
ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી મરિયમ ધાવલે કહે છે કે, " નવા કૃષિ કાયદાઓની સૌથી વધુ ખરાબ અસર મહિલાઓ પર પડશે. કૃષિ ક્ષેત્રે આટઆટલું કામ કરવા છતાં તેમની પાસે નિર્ણય લેવાનો અધિકાર નથી. [ઉદાહરણ તરીકે] આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમમાં ફેરફાર ખોરાકની અછત તરફ દોરી જશે અને તેનો ભોગ મહિલાઓ બનશે."
અને આમાંની ઘણી મહિલાઓ - યુવાન અને વૃદ્ધ - દિલ્હીમાં અને આસપાસના ખેડૂત વિરોધ પ્રદર્શન સ્થળોએ હાજર અને સંકલ્પબદ્ધ છે, જ્યારે અન્ય ઘણી બિન ખેડૂત મહિલાઓ તેમનો ટેકો નોંધાવવા માટે આવી રહી છે. અને ઘણી મહિલાઓ કેટલીક વસ્તુઓ વેચવા, દાડિયું રળવા અથવા લંગરમાં ભરપેટ જમવા પણ ત્યાં આવે છે.
62 વર્ષના બિમલા દેવી (લાલ શાલમાં) 20 મી ડિસેમ્બરે સિંઘુ બોર્ડર પર પ્રસાર માધ્યમોને એ જણાવવા પહોંચ્યા હતા કે ત્યાં વિરોધ કરી રહેલા તેમના ભાઈઓ અને દીકરાઓ આતંકવાદીઓ નથી. તેમનો પરિવાર હરિયાણાના સોનીપત જિલ્લાના ખારખોડા બ્લોકના સેહરી ગામમાં કુટુંબની બે એકર જમીન પર ઘઉં, જુવાર અને શેરડીની ખેતી કરે છે. બિમલા દેવી કહે છે, “અમે ટીવી પર સાંભળ્યું કે અમારા દીકરાઓને ગુંડા કહેવામાં આવે છે. તેઓ આતંકવાદી નથી, ખેડૂત છે. પ્રસાર માધ્યમો મારા દીકરાઓ વિષે કેવી કેવી વાતો કરે છે તે જોઈને હું રડી પડી. ખેડૂતોથી વધારે દયાળુ લોકો તમને શોધ્યા નહિ જડે." તેમની 60 વર્ષની બહેન સાવિત્રી (વાદળી શાલમાં) તેમની સાથે સિંઘુ ખાતે છે.

9 મા ધોરણના વિદ્યાર્થીની 14 વર્ષના આલમજીત કૌર કહે છે, "હું મારા હક્કો માટે, મારા ભવિષ્ય માટે લડવા અહીં આવી છું." તેઓ તેમની નાની બહેન, દાદી અને તેમના માબાપ સાથે સિંઘુ વિરોધ સ્થળે આવ્યા છે. તે બધા પંજાબના ફરીદકોટ બ્લોકના પીપલી ગામથી આવ્યા છે. ત્યાં તેમની માતા પરિચારિકા તરીકે અને પિતા શાળાના શિક્ષક તરીકે કામ કરે છે. કુટુંબ તેમની સાત એકર ખેતીની જમીન પર ઘઉં અને ડાંગરની ખેતી પણ કરે છે. આલમજીત કહે છે, '' ખૂબ જ નાની હતી ત્યારથી જ હું મારા માબાપને ખેતીમાં મદદ કરું છું. તેમણે અમને ખેડૂતોના હક્કો વિષે જણાવ્યું છે અને જ્યાં સુધી અમને અમારા હક્ક પાછા નહીં મળે ત્યાં સુધી અમે પીછેહઠ નહિ કરીએ. આ વખતે જીત અમારી ખેડૂતોની થશે. "

લુધિયાણા જિલ્લાના પામલ ગામમાં વિશ્વજોત ગ્રેવાલના પરિવારની 30 એકર જમીન છે. તેમાં તેઓ મુખ્યત્વે ઘઉં, ડાંગર અને બટાટાની ખેતી કરે છે. 22 મી ડિસેમ્બરે મિની-વાનમાં સંબંધીઓ સાથે સિંઘુ આવેલા 23 વર્ષના વિશ્વજોત કહે છે, ''આ [કૃષિ] કાયદાઓ પાછા ખેંચવામાં આવે એટલું જ અમારે જોઈએ છે. અમારી જમીન સાથે અમારો મજબૂત સંબંધ છે અને કોઈ અમારી પાસેથી અમારી જમીન છીનવી લે તે અમે બિલકુલ સહન નહીં કરીએ. આપણા બંધારણમાં લખ્યું છે કે આપણને વિરોધ કરવાનો અધિકાર છે. આ ખૂબ શાંતિપૂર્ણ વિરોધ છે. લંગરથી માંડીને તબીબી સહાય સુધીનું બધું જ અહીં પૂરું પાડવામાં આવે છે.”

પંજાબના ફરીદકોટ જિલ્લાના ફરીદકોટ તહસીલના કોટ કપુરા ગામના 28 વર્ષના મણિ ગિલ કહે છે, “હું અહીં મારા ખેડૂતોને ટેકો આપવા આવી છું. લોકો માને છે કે આ કાયદાઓ ફક્ત ખેડુતોને અસર પહોંચાડશે, પરંતુ હકીકતમાં આ કાયદાઓ દરેકેદરેક વ્યક્તિને નુકસાન પહોંચાડશે." મણિ એમબીએની ડિગ્રી ધરાવે છે અને તે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે. તેઓ ઉમેરે છે, "મને ખાતરી છે અમે જીતીશું. દિલ્હીમાં મિની-પંજાબ ઊભું થઈ ગયું છે તે જોઈ આનંદ થાય છે. અહીં તમને પંજાબના તમામ ગામોના લોકો મળશે. ” મણિ સોશિયલ મીડિયા પર ખેડૂતોના પ્રશ્નો અંગે જાગૃતિ લાવવામાં મદદ કરતા યુવા-સંચાલિત મંચના સ્વયંસેવક છે. તેઓ કહે છે, “ત્રણ નવા કૃષિ કાયદાઓ ઉપરાંત, અમે ખેડૂતોની અન્ય મોટી સમસ્યાઓ અને તેના નિરાકરણો શું હોઈ શકે તે વિશે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે ખેડૂતોને રોજબરોજ જેનો સામનો કરવો પડે છે તે મુદ્દાઓને ધ્યાન પર લાવવાનો પ્રયાસ કરીએ છીએ." મણિના માતાપિતા સિંઘુ આવી શક્યા નહીં પરંતુ તેઓ (મણિ) કહે છે, “મને લાગે છે કે તેઓ પણ એટલું જ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. અમે અહીં છીએ તેથી તેમણે [ગામમાં] બમણું કામ કરવું પડે છે - અમારા પશુધન અને ખેતરોની સંભાળ લેવાનું.”

સજાહમીત (જમણે) અને ગુરલીન (સંપૂર્ણ નામ આપવામાં આવ્યા નથી) 15 મી ડિસેમ્બરથી જુદા જુદા ખેડુત વિરોધ પ્રદર્શન સ્થળે ભાગ લઈ રહ્યા છે. પંજાબના પતિયાલા શહેરથી જુદી જુદી કાર અને ટેમ્પોમાં લિફ્ટ લઈને અહીં પહોંચેલા 28 વર્ષના સજાહમીત કહે છે, "વિરોધ પ્રદર્શનમાં તેમને વધારે લોકોની જરૂર છે તે જાણ્યા પછી ઘેર રહેવું ખૂબ મુશ્કેલ હતું." તેઓ થોડા સમય માટે પશ્ચિમ દિલ્હીના ટીકરી વિરોધ સ્થળ પર સામુદાયિક રસોડામાં સ્વૈચ્છિક સેવા આપતા હતા. તેઓ ઉમેરે છે, " જ્યાં મદદની જરૂર હોય ત્યાં અમે જઈએ છીએ."
તેઓ વિરોધ સ્થળ પર મહિલાઓ માટે શૌચાલયની સમસ્યા તરફ ધ્યાન દોરે છે. પતિયાલામાં પંજાબી યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં પીએચડીના વિદ્યાર્થીની વિદ્યાર્થીની સહજમીત કહે છે કે “પોર્ટેબલ શૌચાલયો અને [પેટ્રોલ] સ્ટેશનો પરના શૌચાલયો બહુ ગંદા છે. ઉપરાંત તે મહિલાઓ જ્યાં રહે છે [વિરોધ સ્થળ પર તંબુઓ અને ટ્રેક્ટર-ટ્રોલીઓમાં] ત્યાંથી ખૂબ દૂર છે. અમારી સંખ્યા પ્રમાણમાં ઓછી છે તેથી અમે જ્યાં રહીએ છીએ તેની નજીકના શૌચાલયોનો ઉપયોગ કરવો એ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. હું શૌચાલય વાપરવાનો પ્રયાસ કરતી હતી ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ મને પૂછ્યું: ‘મહિલાઓ કેમ અહીં આવી છે? આ વિરોધ એ તો પુરુષોનું કામ છે ’. ક્યારેક [રાતના સમયે] અસુરક્ષિત લાગે છે, પરંતુ અહીં બીજી મહિલાઓને મળીએ ત્યારે આપણે સાથે મળીને શક્તિશાળી હોવાની ભાવના પ્રબળ થાય છે.
તેમની સખી 22 વર્ષની ગુરલીન ગુરદાસપુર જિલ્લાના બટાલા તહસીલના મીકે ગામની છે. ત્યાં તેમનો પરિવાર બે એકરમાં ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. તેઓ કહે છે, “મારા શિક્ષણનો બધો ખર્ચ ખેતીમાંથી જ નીકળ્યો હતો. મારું ઘર ખેતી પર નભે છે. ખેતી જ મારું ભવિષ્ય અને એકમાત્ર આશા છે. હું જાણું છું કે તે મને ખોરાક અને સુરક્ષા બંને આપી શકે છે. શિક્ષણે મને એ સમજવામાં મદદ કરી છે કે આ વિવિધ સરકારી નીતિઓ આપણને, ખાસ કરીને મહિલાઓને શી અસર કરશે, તેથી એક થઈને વિરોધ કરવો એ મહત્વપૂર્ણ છે. ”

હર્ષ કૌર (જમણે છેલ્લા) લગભગ 300 કિલોમીટર દૂર પંજાબના લુધિયાણા શહેરથી સિંઘુ બોર્ડર પર આવ્યા છે. 20 વર્ષના હર્ષે વિરોધ પ્રદર્શન સ્થળે નિ:શુલ્ક તબીબી શિબિરમાં તેમની બહેન સાથે સ્વૈચ્છિક સેવા આપવા એક યુવક સંગઠનનો સંપર્ક સાધ્યો હતો. તબીબી સહાય તંબુમાં તાલીમબદ્ધ પરિચારિકાઓ છે. તેઓ સ્વયંસેવકોને દવાઓના વિતરણ વિષે સલાહ આપે છે. બી.એ. પત્રકારત્વના વિદ્યાર્થીની હર્ષ કહે છે, “સરકાર સાવ જૂઠ્ઠું કહે છે કે આ કાયદાઓ ખેડૂતોના ભલા માટે છે, પરંતુ તેવું નથી. ખેડૂત તે છે જે વાવે છે, તેઓ જાણે છે કે તેમના માટે શું સારું છે. કાયદાઓ માત્ર નિગમોના ભલા માટે છે. સરકાર અમારું શોષણ કરી રહી છે, જો એવું ન હોય તો સરકાર લેખિતમાં એમએસપી [ન્યુનતમ ટેકાના ભાવ] ની ખાતરી કેમ નથી આપતી. અમને આ સરકાર પર વિશ્વાસ નથી.”

લૈલા (સંપૂર્ણ નામ ઉપલબ્ધ નથી) સિંઘુમાં પકડ, ઇલેક્ટ્રિક લાઇટર અને બે પ્રકારના સ્ક્રુ ડ્રાઇવર્સ સહિતના ઓજારોના સેટ વેચે છે. દરેક સેટની કિંમત 100 રુપિયા છે. તેઓ ત્રણ જોડી મોજાં પણ એ જ ભાવે વેચે છે. લૈલા અઠવાડિયે એકવાર ઉત્તર દિલ્હીના સદર બજારથી આ વસ્તુઓ ખરીદે છે; તેમના પતિ પણ તે જ રીતે માલ વેચે છે. લૈલા અહીં તેમના દીકરા 9 વર્ષના માઇકલ (જાંબલી જેકેટમાં), અને 5 વર્ષના વિજય (ભૂરા જેકેટમાં) સાથે છે અને કહે છે, “અમે ફક્ત આ વસ્તુઓ વેચવા માટે આ મેળાવડામાં આવ્યા છીએ. આ [વિરોધ] શરુ થયો ત્યારથી અમે સવાર 9 થી સાંજના 6 સુધી અહીં આવીએ છીએ અને દિવસના 10-15 સેટ વેચીએ છીએ."

સિંઘુ ખાતેના વિરોધ પ્રદર્શન સ્થળે વિવિધ માલ વેચતા અનેક ફેરિયાઓનો મેળો જામે છે. ત્યાં રહેતા 35 વર્ષના ફેરિયા ગુલાબિયા કહે છે, “મારા પરિવારમાં કોઈ ખેડૂત નથી. આ વસ્તુઓ વેચીને હું મારું પેટ ભરીશ." ગુલાબિયા (સંપૂર્ણ નામ ઉપલબ્ધ નથી) નાના મ્યુઝિકલ ડ્રમ્સ વેચે છે તેઓ એક ડ્રમના 100 રુપિયા મળશે એવી આશા રાખે છે. તેમના બે દીકરા મજૂરી કામ કરે છે. તેઓ કહે છે, "હું દિવસના 100-200 રુપિયા કમાઉ છું. કોઈ આ ડ્રમ 100 રુપિયામાં ખરીદતું નથી, ભાવ માટે બધા રક્ઝક કરે છે, તેથી મારે 50 રુપિયામાં અને ક્યારેક તો 40 રુપિયામાં પણ વેચવું પડે છે."

ઉત્તર દિલ્હીના નરેલા વિસ્તારના કચરો વીણનાર કવિતા (સંપૂર્ણ નામ ઉપલબ્ધ નથી) કહે છે, “હું અહીં રોટલા ખાવા આવી છું.” તેઓ સિંઘુ બોર્ડર પર લોકોએ ફેંકી દીધેલી પ્લાસ્ટિકની બોટલો વીણવા આવે છે. આશરે 60 વર્ષના કવિતા દિવસના અંતે વિરોધ સ્થળ પરથી ભેગી કરેલી બોટલો અને બીજી નકામી વસ્તુઓ તેમના વિસ્તારના ભંગારના વેપારીને વેચીને 50-100 રુપિયા કમાય છે. તેઓ કહે છે, "પરંતુ અહીં કેટલાક લોકો મને વઢે છે. તેઓ મને પૂછે છે કે હું અહીં કેમ આવી છું?"

પંજાબના ફરીદકોટ જિલ્લાના ફરીદકોટ તહસીલના કોટ કપુરા ગામના 24 વર્ષના કોમલપ્રીત (સંપૂર્ણ નામ આપવામાં આવ્યું નથી) કહે છે, “વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે મારા માતા-પિતાને મારું અહીં આવવું પસંદ ન હતું. પરંતુ હું આવી કારણ કે ખેડૂતોને યુવાનોના ટેકાની જરૂર છે, ”. તેઓ 24 મી ડિસેમ્બરે સિંઘુ બોર્ડર પર આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર ખેડૂતોના પ્રશ્નો અંગે જાગૃતિ લાવવામાં મદદ કરતા યુવા- સંચાલિત મંચ પર સ્વૈછિક સેવા આપે છે. તેઓ ઉમેરે છે, "અમે અહીં નવેસરથી ઈતિહાસ રચીએ છીએ." લોકો પોતાની જાતિ, વર્ગ અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના અહીં સાથે છે. અમારા શિક્ષકોએ અમને સત્ય ખાતર લડતા અને શોષિતોને પડખે ઊભા રહેતા શીખવ્યું છે.”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક