"બાળી નાખો એને!"
31 મી માર્ચ, 2023 ની રાત્રે 113 વર્ષ જૂની મદરેસા અઝીઝિયાને આગ ચાંપી દેવામાં આવી હતી ત્યારના આ શબ્દો મોહન બહાદુર બુધાને બરોબર યાદ છે.
25 વર્ષના આ સુરક્ષા કર્મી કહે છે, “મેં લોકોને બૂમો પાડતા અને લાઈબ્રેરીનો મુખ્ય દરવાજો તોડતા સાંભળ્યા. હું બહાર આવ્યો ત્યાં સુધીમાં તો તેઓ લાઈબ્રેરીમાં ઘુસી ગયા હતા અને ત્યાં તોડફોડ કરવા માંડ્યા હતા."
તેઓ આગળ કહે છે કે ટોળામાંના લોકો પાસે "ભાલા, તલવાર ને ઈંટો હતા. વો લોગ ચિલ્લા રહે થે, 'જલા દો, માર દો' [તેઓ મોટે મોટેથી ઘાંટા પાડી રહ્યા હતા, 'બાળી નાખો બધું, મારી નાખો એમને']."
‘એક અલમારીમાં 250 કલમી પુસ્તકો [હાથે લખેલા પુસ્તકો - હસ્તપ્રતો] હતા, તેમાં તત્વજ્ઞાન, વકતૃત્વ અને ચિકિત્સા વિષયક પુસ્તકો પણ હતા’
બુધા નેપાળથી અહીં સ્થળાંતરિત થયેલ છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી બિહારશરીફ શહેરના મદરેસા અઝીઝિયામાં નોકરી કરતા હતા. તેઓ કહે છે, “જ્યારે મેં તેમને આવું બધું ન કરવા વિનંતી કરી ત્યારે તેઓ મને મારવા માંડ્યા. તેઓએ મને મુક્કો માર્યો અને કહ્યું, 'સાલા નેપાલી, ભાગો યહાં સે, નહીં તો માર દેંગે [સાલા નેપાળી, ભાગ અહીંથી નહીં તો મારી નાખીશું']."
તેઓ 31 મી માર્ચ, 2023 ની ઘટનાઓની વાત કરી રહ્યા છે, એ દિવસે શહેરમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી રમખાણો ફેલાવનાર તોફાની તત્વોએ મદરેસા ને (ઈસ્લામિક શિક્ષણ આપતી શાળા અને લાઈબ્રેરીને) આગ ચાંપી દીધી હતી.
બુધા કહે છે, “લાઈબ્રેરીમાં કંઈ બચ્યું જ નથી. હવે અહીં સુરક્ષા કર્મીની ક્યાં જરૂર જ છે? હું તો સાવ બેકાર થઈ ગયો.”
બિહારના નાલંદા જિલ્લાના મુખ્ય મથક બિહારશરીફ શહેરમાં કોમી દંગાખોરોએ માત્ર આ એક મદરેસા પર જ નહીં પરંતુ શહેરના બીજા ધાર્મિક સ્થળો પર પણ હુમલા કર્યા તેના એક અઠવાડિયા પછી એપ્રિલ 2023 ની શરૂઆતમાં પારીએ મદરેસા અઝીઝિયાની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં સત્તાવાળાઓએ શહેરમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) 1973 ની કલમ 144 લાગુ કરી દીધી હતી અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું, પરંતુ એક અઠવાડિયા પછી બંને પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા હતા.
અમે મદરેસા અઝીઝિયાની મુલાકાત લીધી ત્યારે આ જ મદરેસાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સૈયદ જમાલ હસન સાવ હતાશ મને ત્યાં ચાલી રહ્યા હતા, તેઓ કહે છે, "લાઈબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો હતા, પરંતુ હું તે બધા વાંચી શક્યો નહીં." તેમણે 1970 માં ધોરણ 3 માં એક નાના છોકરા તરીકે આ શાળામાં ભણવાની શરૂઆત કરી હતી અને અહીંથી જ આલીમ (સ્નાતક કક્ષા) સુધીનો અભ્યાસ કર્યો હતો.
હસન કહે છે, “હું જોવા આવ્યો છું, કદાચ કંઈક બચી ગયું હોય તો."


ડાબે: લાઈબ્રેરીના સુરક્ષા કર્મી મોહન બહાદુર બુધા કહે છે કે ટોળામાંના લોકો પાસે ભાલા, તલવાર અને ઈંટો હતા. જમણે: લાઈબ્રેરીની હુમલા પછીની તસવીર
70 વર્ષના હસન જેમ જેમ આસપાસ ચારે બાજુ ફરે છે તેમ તેમ એ સ્પષ્ટ થઈ જાય છે કે એક સમયે યુવાન તરીકે તેમણે જે હોલમાં અભ્યાસ કર્યો હતો એ હોલનું નામોનિશાન રહ્યું નથી. ચારે બાજુ કાળા પડી ગયેલા કાગળો અને બળી ગયેલા અને અડધા બળી ગયેલા પુસ્તકોના ઢગલા છે. શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ્યાં વાંચતા હતા અને સંશોધન કરતા હતા એ લાઈબ્રેરીની દિવાલો ધુમાડાથી કાળી પડી ગઈ છે અને તેમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. હવામાં હજી પણ બળી ગયેલા પુસ્તકોની ગંધ છે. જેમાં પુસ્તકો રાખવામાં આવતા હતા એ લાકડાના પ્રાચીન કબાટો પણ બળીને ખાખ થઈ ગયા છે.
113 વર્ષ જૂની મદરેસા અઝીઝિયામાં લગભગ 4500 પુસ્તકો હતા, તેમાંથી 300 તો સંપૂર્ણ કુરાન અને હદીસ, ઇસ્લામ ધર્મના પવિત્ર પુસ્તકોના હસ્તલિખિત સેટ હતા. શાળાના આચાર્ય મોહમ્મદ શાકિર કાસમી કહે છે, “એક અલમારીમાં 250 કલમી પુસ્તકો [હાથે લખેલા પુસ્તકો - હસ્તપ્રતો] હતા, તેમાં તત્વજ્ઞાન, વકતૃત્વ અને ચિકિત્સા વિષયક પુસ્તકો પણ હતા. આ ઉપરાંત [વર્ષ] 1910 થી આજ સુધી અહીં ભણેલા વિદ્યાર્થીઓના એડમિશન રજીસ્ટર, માર્કશીટ અને પ્રમાણપત્રો પણ આ લા ઈ બ્રેરીમાં હતા.
એ કમનસીબ દિવસને યાદ કરતાં કાસમી કહે છે, “હું સિટી પેલેસ હોટલ પાસે પહોંચ્યો કે તરત જ મને ખ્યાલ આવી ગયો હતો કે શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા હતા. શહેરની [રાજકીય] પરિસ્થિતિ જોતાં અમારાથી ઘરમાંથી બહાર પણ નીકળી શકાય એમ નહોતું."
આચાર્ય કાસમી છેક બીજા દિવસે વહેલી સવારે જ મદરેસામાં જઈ શક્યા હતા. લગભગ 3 લાખ લોકોની વસ્તી ધરાવતા આખા શહેરમાં વીજળી નહોતી. તેઓ કહે છે, “હું સવારે ચાર વાગ્યે એકલો આવ્યો હતો . મેં મારા મોબાઈલની ટોર્ચની મદદથી લાઈબ્રેરી તરફ જોયું તો હું સ્તબ્ધ થઈ ગયો હતો. મારામાં મારી જાતને સંભાળવાની હિંમત પણ રહી નહોતી."
*****


ડાબે: મોહમ્મદ શાકિર કાસમી, મદરેસા અઝીઝિયાના આચાર્ય, તેમના પરિવારના પ્રથમ પેઢીના શિક્ષક છે. 1લી એપ્રિલે તેઓ લાઈબ્રેરીની હાલત જોવા ગયા ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જમણે: લાઈબ્રેરીના બળી ગયેલા પુસ્તકોના અવશેષો
મદરેસા અઝીઝિયાના પ્રવેશદ્વાર પાસે છ-સાત ફેરિયાઓ માછલી વેચવામાં વ્યસ્ત છે. આખો વિસ્તાર ગ્રાહકોથી ખીચોખીચ ભરેલો છે અને ચારે બાજુ મોલ ભાવ (ભાવતાલ) કરતા દુકાનદારોના અવાજો સંભળાય છે. રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે; (પહેલી નજરે) પરિસ્થિતિ સામાન્ય જણાય છે.
પ્રિન્સિપાલ કાસમી જણાવે છે, “મદરેસાની પશ્ચિમે એક મંદિર અને પૂર્વમાં મસ્જિદ છે. ગંગા-જમુની તહઝીબ [સમન્વયાત્મક સંસ્કૃતિઓ] ની આ બેહતરીન અલામત [શ્રેષ્ઠ નિશાની] છે."
“ન તો એમને અમારી અઝાન [પ્રાર્થનાઓ] થી ક્યારેય કોઈ તકલીફ થઈ હતી અને ન તો અમે ક્યારેય એમના ભજનો [ભક્તિ ગીતો] થી પરેશાન થયા હતા. મને કલ્પના સુદ્ધાં નહોતી કે દંગાખોરો અમારી તહઝીબ [સંસ્કૃતિ] આ રીતે ખતમ કરી દેશે. અમને ખૂબ દુઃખ થયું છે.”
શાળાના બીજા લોકો કહે છે કે દંગાખોરોએ બીજા દિવસે પણ પેટ્રોલ બોમ્બ ફેંકીને શાળાના બીજા રૂમોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એક ડઝનથી વધુ દુકાનો અને ગોદામોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમાંનો માલસામાન લૂંટી લેવામાં આવ્યો હતો, આ વિસ્તારના અને આસપાસના રહીશોએ તેમને પહોંચેલા નુકસાન અંગે દાખલ કરેલ અનેક ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર - પ્રથમ માહિતી અહેવાલ)ની નકલો પણ આ ખબરપત્રીને બતાવવામાં આવી હતી
બિહારશરીફ માટે સાંપ્રદાયિક હિંસા એ કોઈ નવી વાત નથી. 1981 માં અહીં ભારે કોમી રમખાણો થયા હતા, પરંતુ સ્થાનિક લોકો કહે છે કે તે સમયે પણ લાઈબ્રેરી અને મદરેસા પર હુમલો થયો નહોતો.
*****


ડાબે: મદરેસા અઝીઝિયાની સ્થાપના બીબી સોઘરા દ્વારા 1896માં પટનામાં કરવામાં આવી હતી અને 1910માં તેને બિહારશરીફ ખસેડવામાં આવી હતી. જમણે: આચાર્ય કાસમી મદરેસા અઝીઝિયામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારનો વિદ્યાર્થીઓનો જુનો ફોટો પારી ટીમને બતાવે છે
1896 માં બીબી સોઘરા દ્વારા સ્થાપિત મદરેસા અઝીઝિયામાં હાલ કુલ 500 છોકરા-છોકરીઓ અભ્યાસ કરી રહયા છે. અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થી બિહાર રાજ્ય બોર્ડની સમકક્ષ અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ અહીંથી પૂરો કરી શકે છે.
બીબી સોઘરાએ આ વિસ્તારના જમીનદાર તેમના પતિ અબ્દુલ અઝીઝના મૃત્યુ પછી આ મદરેસાની સ્થાપના કરી હતી. હેરિટેજ ટાઈમ્સના સ્થાપક ઉમર અશરફ કહે છે, "તેમણે બીબી સોઘરા વક્ફ એસ્ટેટની સ્થાપના પણ કરી હતી અને વકફની જમીનમાંથી થતી આવકનો ઉપયોગ - શિક્ષણ માટે મદરેસા ચલાવવા, દવાખાના ચલાવવા, મસ્જિદોની જાળવણી, પેન્શન (નિવૃત્તિ-વેતન), અન્નદાન વિગેરે જેવા - સમાજકલ્યાણનાં કામો માટે કરવામાં આવતો હતો."
આ મદરેસા - યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ), બિહાર મદરેસા બોર્ડ અને બિહાર શિક્ષણ વિભાગ દ્વારા 2019 માં સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલ કિશોર શિક્ષણ કાર્યક્રમ - તાલિમ-એ-નૌબાલિઘન યોજનાનો પણ ભાગ છે.
બીબી સોઘરા વક્ફ એસ્ટેટના પ્રબંધક મોખ્તારુલ હક કહે છે, “[મદરેસા અને લાઈબ્રેરીને બાળીને ખાખ કરી નાખવાનો] આ ઘા કદાચ થોડોઘણો રૂઝાઈ જાય તો પણ એ હંમેશ આપણને પીડતો રહેશે.”
આ વાર્તાને બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં - જેમણે આ રાજ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સંઘર્ષોનું સમર્થન કર્યું હતું - શરુ કરાયેલી ફે લોશિપનું સમર્થન મળ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક