ખેડૂત સુનંદા સૂપે જૂન મહિનાથી અને તેના પછીના ચોમાસાના મહિનાઓથી ડરે છે, કારણ કે આ સમય એવો છે જ્યારે સ્થાનિક રીતે મોધે ગોગળગાય તરીકે ઓળખાતી વિશાળ આફ્રિકન ગોકળગાય, દારકવાડી ગામમાં તેમના એક એકરના ખેતરને ભરખી જાય છે.
તેઓ કહે છે, “અમે ડાંગર, સોયાબીન, મગફળી, કાળા રાજમા [બ્લેક બીન્સ], લાલ રાજમા, કે બીજું જે પણ વાવીએ છીએ તેને તે ભરખી જાય છે.” એટલે સુધી કે કેરી, ચીકુ, પપૈયા અને જામફળ જેવા ફળો પણ તેમનાથી સુરક્ષિત નથી. આ 42 વર્ષીય ખેડૂત કહે છે, “અમે ગોકળગાયોને હજારોની સંખ્યામાં જોઈએ છીએ.”
મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ મહાદેવ કોળી સમુદાયનાં સભ્ય સુનંદા, તેમનાં માતા અને ભાઈ સાથે ચાસ્કમાન ડેમની નજીક રહે છે. તેમનું ઘર અને ખેતર ડેમની જુદી જુદી બાજુએ છે, અને તેમણે એક બાજુથી બીજી બાજુએ જવા માટે અડધો કલાક હોડી ચલાવવી પડે છે.
ગ્લોબલ ઇન્વેસિવ સ્પીશીઝ ડેટાબેઝ માં જણાવવામાં આવ્યું છે કે વિશાળ આફ્રિકન ગોકળગાયો (એકટીના ફુલિકા), ભારતમાં એક આક્રમક પ્રજાતિ છે, અને વિવિધ પાકો ભરખી જવા માટે કુખ્યાત છે. ચોમાસા દરમિયાન, આ ગોકળગાયો જૂનથી સપ્ટેમ્બર સુધી તિવઈ ટેકરીના તળિયે આવેલા ખેતરો પર કબજો જમાવે છે. કેટલીકવાર તેઓ ત્યાં થોડા વધુ મહિનાઓ માટે પણ રહે છે. 2022ના અંતમાં આ પત્રકાર સાથે વાત કરતી વખતે સુનંદા કહે છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.


પુણે જિલ્લાના દારકવાડી ગામનાં ખેડૂત સુનંદા સૂપે (ડાબે) કહે છે કે તેમનું ખેતર (જમણે) વિશાળ આફ્રિકન ગોકળગાયોથી પ્રભાવિત થયું છે


સુનંદાના ખેતરમાં પપૈયાના ઝાડના થડ પર (ડાબે) અને કેરીના નાના છોડ પર (જમણે) વિશાળ આફ્રિકન ગોકળગાય. તેઓ કહે છે, ‘ગોકળગાયોએ બધું જ નષ્ટ કરી નાખ્યું છે’
નારાયણગાંવના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નોડલ અધિકારી ડૉ. રાહુલ ઘાડગે કહે છે, “તેઓ અહીં પહેલી વાર કેવી રીતે આવ્યાં હશે તે વિષે હું કશું કહી શકતો નથી. ગોકળગાય એક દિવસમાં એક કિલોમીટરનું અંતર કાપી શકે છે અને ઇંડામાંથી બહાર નીકળીને તેમની સંખ્યા અનેકગણી થઈ જાય છે.” તેમણે અવલોકન કર્યું છે કે ગોકળગાયો જાન્યુઆરી મહીનામાં સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે અને જ્યારે ત્યાં ગરમી વધે એટલે તેઓ તેમના કવચમાંથી બહાર આવે છે. તેઓ ઉમેરે છે, “ત્યારે તેમનું જીવવાયોગ્ય તાપમાન સક્રિય થાય છે.”
સુનંદા કહે છે, “મેં ખેતરમાં કાળા રાજમા અને રાજમા વાવ્યા હતા. ગોકળગાયોએ બધું જ નષ્ટ કરી દીધું હતું. હું 50 કિલોગ્રામ ઉપજ થવાની અપેક્ષા રાખતી હતી પણ મને ફક્ત એક કિલો જ ઉપજ મળી હતી.” રાજમા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ ઉપરાંત ગોકળગાયોએ સુનંદાના કાળા રાજમાના પાકને પણ બક્ષ્યો ન હતો, કે ન તો તેમણે વાવેલા મગફળીના પાકને છોડવામાં આવ્યો હતો. તેઓ અંદાજ લગાવે છે કે તેમને ફકત મગફળીની વાવણીમાં જ આશરે 10,000 રૂપિયાનું નુકસાન થયું છે.
તેઓ કહે છે, “અમે ખેતરમાં બે મોસમ દરમિયાન વાવણી કરી શકીએ છીએ. ચોમાસામાં [ખરીફ] પાકની મોસમમાં અને દિવાળી પછી [રવી] પાકની મોસમમાં.” ગયા વર્ષે, ગોકળગાયના ઉપદ્રવને કારણે તેમણે ચોમાસા પછી બે મહિના સુધી ખેતરને પડતર છોડી દેવાની ફરજ પડી હતી. તેઓ ઉમેરે છે, “છેવટે ડિસેમ્બરમાં અમે હરબરા [લીલા વટાણા], ઘઉં, મગફળી અને ડુંગળી વાવી શક્યાં હતાં.”
ડૉ. ઘાડગેના અંદાજ મુજબ, મહારાષ્ટ્રમાં પાંચથી દસ ટકા ખેતીની જમીન ગોકળગાયોથી પ્રભાવિત થઈ છે. તેઓ કહે છે, “ગોકળગાય તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં છોડના નરમ દાંડાને ખાસ પસંદ કરે છે અને તેને મહત્તમ નુકસાન પહોંચાડે છે. આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.”


દારકવાડી ગામમાં ગોકળગાયથી પ્રભાવિત થયેલા તેમના 5.5 એકરના ખેતરમાં નિતિન લગડ. ગોકળગાયના કારણે તેમણે ચાર મહિના સુધી પોતાનું ખેતર પડતર રાખવું પડ્યું હતું


ડાબે: નીતિને હવે ડુંગળી વાવી છે, પરંતુ ગોકળગાય હજુ પણ પાકને અસર કરે છે. જમણે: ગોકળગાયના ઇંડા
દર વર્ષે દારકવાડીના 35 વર્ષીય ખેડૂત નીતિન લગાડ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરે છે અને આ માટે ગોકળગાયોને દોષી ઠેરવતાં કહે છે, “આ વર્ષે 70 થી 80 થેલીઓ [આશરે 6,000 કિલો] સોયાબીન થવાની અપેક્ષા હતી, પરંતુ અમે ફક્ત 40 થેલીઓ [2,000 કિલો] જ સોયાબીન મેળવી શક્યા.”
તેઓ સામાન્ય રીતે તેમની 5.5 એકર જમીન પર ત્રણ પાળીમાં પાકનું વાવેતર કરે છે. પણ આ વર્ષે ગોકળગાયને કારણે થયેલા વિનાશને પગલે તેઓ બીજા રાઉન્ડમાં કંઈપણ વાવણી કરી શક્યા ન હતા. તેઓ કહે છે, “ચાર મહિના સુધી અમે આમ જ ખેતર પડતર રાખ્યું હતું. હવે અમે ડુંગળીનું વાવેતર કર્યું છે, પણ અમે જાણીએ છીએ કે આ પણ એક જુગાર ખેલવા સમાન છે.”
મોલસ્કિસાઈડ્સ જેવા કૃષિ રસાયણો પણ અસરકારક રહ્યા નથી. નીતિન સમજાવે છે, “અમે જમીન પર દવા નાખીએ છીએ, પરંતુ ગોકળગાય જમીનની નીચે હોય છે, તેથી દવા નકામી નીવડે છે. જો તમે તેમને પકડીને દવા મૂકો, તો તે તેના શેલની અંદર જતી રહે છે. દવાથી કંઈ જ ફાયદો થતો નથી.”


ડાબે: સુનંદા સૂપેના ખેતર પાસે વિશાળ આફ્રિકન ગોકળગાય. જમણે: મૃત વિશાળ આફ્રિકન ગોકળગાયોના કવચ, જે ગોકળગાયોને ખારા પાણીના ડ્રમમાં મારી નાખ્યા પછી એકત્રિત કરવામાં આવ્યા હતા
અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી, દારકવાડીના ખેડૂતો કહે છે કે તેઓ ગોકળગાયને હાથથી એકત્રિત કરે છે. પ્લાસ્ટિકની થેલીઓને હાથમોજાં તરીકે પહેરીને, તેઓ તેમને ઉપાડીને ખારા પાણીથી ભરેલા ડ્રમમાં મૂકે છે, જે પહેલા તેમને ઝટકો આપે છે અને પછી તેમને મારી નાખે છે.
સુનંદા કહે છે, “તેઓ વારેવારે ડ્રમની બહાર આવી જાય છે. અમારે એ બધાને વારંવાર અંદર ધકેલતા રહેવા પડે છે. અમારે તેમને પાંચ વખત અંદર ધકેલવા પડે છે, ત્યારે તેઓ છેવટે મોતને ભેટે છે.”
નીતીને કેટલાક મિત્રો સાથે મળીને તેમના 5.5 એકરના ખેતરમાંથી એક સાથે લગભગ 400-500 ગોકળગાયો એકત્ર કરી હતી. ડુંગળીની વાવણી કરતા પહેલા, તેમણે માટીમાંથી શક્ય તેટલી ગોકળગાયોને સારી રીતે સાફ કરી હતી અને દૂર કરી હતી, પરંતુ તેમ છતાં તેઓ હજુ પણ નજરે પડે જ છે. નીતિન દાવો કરે છે કે ગોકળગાયોએ તેમના ખેતરનો લગભગ 50 ટકા ભાગ નષ્ટ કરી દીધો છે.
સુનંદા કહે છે, “અમે એક દિવસમાં હજારો ગોકળગાયોને પકડીએ છીએ અને ખેતરના મુખ્ય ભાગોને સાફ કરીએ છીએ, પણ બીજા દિવસે જોઈએ તો ગોકળગાયો એટલી ને એટલી નજરે પડે છે.”
તેઓ ભયભીત અવાજે ઉમેરે છે, “જૂનમાં, ગોકળગાયો [ફરીથી] આવવાનું શરૂ કરી દેશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ