આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
બેવડ વળેલી જિંદગી
વિઝિયાનગરમમાં ભરબપોરના આકરા તડકાથી ત્રાસી ગયેલા તેમણે થોડીક ક્ષણ માટે વિરામ લીધો. પણ તેઓ કમરેથી બેવડ વળેલા જ રહ્યા. તેઓ જાણતા હતા કે થોડી જ વારમાં તેમણે ફરી કામ શરૂ કરવું પડશે - એ જ અંગસ્થિતિમાં (કમરેથી વાંકા વળેલા રહીને જ).
કાજુના એ જ ખેતરોમાં તેમના ગામની મહિલાઓના બીજા બે જૂથો પણ કામ કરતા હતા. એક જૂથ પોતાનું બપોરનું ભોજન અને પાણી બે કિલોમીટર દૂર ખેતરમાં સાથે લઈને આવ્યું હતું. બીજું જૂથ વિરુદ્ધ દિશામાંથી કામ કરતું હતું. (કામ કરતી વખતે) બધા કમરેથી બેવડ વળેલા હતા.
ઓડિશાના રાયગડામાં ખેતરમાં પુરુષો પણ હતા. (કેમેરાના) લેન્સમાંથી જોતાં આખું દ્રશ્ય વધુ વિચિત્ર લાગતું હતું. બધા પુરુષો અક્ક્ડ ઊભા હતા. બધી સ્ત્રીઓ કમરેથી વળેલી, ઝૂકેલી. ઓડિશાના નુઆપાડામાં વરસાદે પણ આ મહિલાને નીંદણ કરતા અટકાવી નહીં. એક હાથમાં છત્રી પકડીને કમરેથી વાંકા વળેલા રહીને તેઓ પોતાનું કામ કરતા જ રહ્યા.
‘મેન્યુઅલ’ (હાથેથી) રોપણી, વાવણી અને નીંદણ કઠોર પરિશ્રમ કરતાં કંઈક વધુ છે. આ બધા કામ કરતી વખતે કલાકોના કલાકો (કમરેથી વાંકા વળેલા રહીને) પીડાદાયક અંગસ્થિતિમાં વિતાવવા પડે છે.
ભારતમાં કુલ મહિલા કામદારોમાંથી 81 ટકા મહિલાઓ ખેડૂતો, મજૂરો, વન પેદાશોના એકઠી કરનાર અને નાના પશુપાલકો છે. ખેતીના કામોમાં લિંગ આધારિત તીવ્ર ભેદભાવ જોઈ શકાય છે. મહિલાઓને ખેતર ખેડવાની છૂટ નથી. પરંતુ રોપણી, નીંદણ, લણણી, કણસલામાંથી દાણા કાઢવા માટે ઝૂડવું જેવા કામ લગભગ સંપૂર્ણપણે મહિલાઓ જ કરે છે અને તેઓ કાપણી પછીના બીજા બધા કામ પણ કરે છે.
એક વિશ્લેષણ મુજબ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ કુલ શ્રમબળમાં મહિલાઓનું યોગદાન આ પ્રમાણે છે:
ખેતી માટે જમીન તૈયાર કરનારામાંથી 32 ટકા;
બીજ વાવનારનામાંથી 76 ટકા ;
રોપણીમાં રોકાયેલા લોકોમાંથી 90 ટકા;
પાકને ખેતરેથી ઘેર લઈ જનારામાંથી 82 ટકા;
ખોરાક પર પ્રક્રિયા કરનારામાં (ફૂડ પ્રોસેસિંગમાં) 100 ટકા;
ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલામાંથી 69 ટકા મહિલાઓ છે.


આમાંની મોટાભાગની પ્રવૃતિઓ માટે કમરેથી ખૂબ વાંકા વળવું પડે અને અધૂકડા બેસવું પડે. આ ઉપરાંત આ કામોમાં ઉપયોગમાં લેવાતા ઘણા સાધનો અને ઓજારો મહિલાઓની સુવિધા માટે બનાવવામાં આવ્યા નથી.
મહિલાઓ ખેતરોમાં જે કામ કરે છે તેમાં તેમણે કમરેથી વાંકા વળેલા રહીને અને અધૂકડા બેસીને સતત આગળ વધવાનું હોય છે. તેથી તેમને માટે પીઠ અને પગનો સખત દુખાવો ખૂબ સામાન્ય સમસ્યા છે. ઘણીવાર રોપણી દરમિયાન ઘૂંટણ સમાણા પાણીમાં ઊભા રહેવાથી તેમને ચામડીના રોગો થવાનું જોખમ રહે છે.
આ ઉપરાંત પુરૂષોને ધ્યાનમાં રાખીને બનાવેલા અને મહિલાઓને વાપરવામાં સરળતા રહે તે માટે ક્યારેય નવેસરથી ન બનાવવામાં આવેલા ઓજારોથી તેમને ઈજાઓ પહોંચે છે. દાતરડા અને ધારિયાથી થતી ઈજાઓ સામાન્ય છે અને યોગ્ય તબીબી સંભાળ પણ દુર્લભ છે. ધનુર થઈ જવાનું જોખમ સતત રહેતું હોય છે.



કૃષિક્ષેત્રે આવા કામ સાથે સંકળાયેલ મોટી સમસ્યા છે ઊંચો બાળમૃત્યુ દર. દાખલા તરીકે, રોપણીના કામ દરમિયાન મહિલાઓ દિવસનો મોટાભાગનો સમય કમરેથી વાંકી વળેલી કે અધૂકડી બેઠેલી રહે છે. મહારાષ્ટ્રમાં થયેલા એક અભ્યાસમાં દર્શાવાયું હતું કે રોપણીના આ સમયગાળા દરમિયાન ગર્ભપાત અને બાળમૃત્યુની સૌથી વધુ ઘટનાઓ જોવા મળે છે. લાંબા સમય સુધી અધૂકડા બેસી રહેવાને કારણે પડતા અતિશય શ્રમ અને તણાવને કારણે ઘણીવાર નિયત સમય કરતાં પહેલા અકાળે બાળજન્મ થવાની શક્યતા વધી જાય છે.
ઉપરાંત મહિલા શ્રમિકોને પૂરતું ખાવાનું મળતું નથી. એનું કારણ છે તેમની પારાવાર ગરીબી. અને પહેલા પરિવારને જમાડીને પછી છેલ્લે મહિલાઓને જમવાની પરંપરાને કારણે પરિસ્થિતિ વધુ વણસે છે. સગર્ભા મહિલાઓને વધુ પૌષ્ટિક ખોરાક ખાવાની જરૂર હોવા છતાં તેમને તે મળતો નથી. માતાઓ જ કુપોષણથી પીડાતી હોવાથી અકાળે જન્મેલા બાળકોનું વજન એટલું ઓછું હોય છે કે એ બાળકો ભાગ્યે જ જીવિત રહી શકે છે.
પરિણામે મહિલા કૃષિ શ્રમિકો વારંવાર ગર્ભ ધારણ કરવાના અને ઊંચ બાળમૃત્યુ દરના વિષચક્રમાં ફસાઈ જાય છે, જેને કારણે તેમનું સ્વાસ્થ્ય વધારે કથળે છે. સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપતી વખતે મહિલાઓ ઘણી મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક