પટચિત્ર ચિત્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે ગીત રચવું - એક પાતર ગાન. મામોની ચિત્રકાર કહે છે, “ચિત્રકામ શરૂ કરતા પહેલાં, અમારે ગીતની પંક્તિઓ બનાવવાની જરૂર હોય છે... તેની લય ચિત્રકામની પ્રક્રિયાને એક માળખું પ્રદાન કરશે.” તેમના ઘરમાં બેસેલાં આ આઠમી પેઢીનાં કલાકાર પશ્ચિમ બંગાળમાં પૂર્વીય કોલકાતાની જલીય જમીનને દર્શાવતું પટચિત્ર બનાવી રહ્યાં છે.
આ કળાનું નામ કાપડના ટુકડા માટેના સંસ્કૃત શબ્દ ‘પટ્ટ’ અને ‘ચિત્ર’ પરથી પડ્યું છે. જેમ જેમ મામોની જલીય જમીનમાં ઉગતી જટિલ ઇકોસિસ્ટમનું પટચિત્ર પર નિરૂપણ કરે છે, તેમ તેમ તેઓ પાતર ગાન ગાય છે. મામોનીએ પોતે લખેલું અને કંપોઝ કરેલું આ ગીત એક આમંત્રણથી શરૂ થાય છે: “સાંભળો રે, ઓ બધાં સાંભળો રે, ધ્યાનથી સાંભળો રે.”
આ ગીત પૂર્વીય કોલકાતાની જલીય જમીનના મહત્વને સમજાવે છે જે “ઘણા લોકોની જીવનદોરી” છે. માછીમારો, ખેડૂતો અને આબેહૂબ ખેતરોને પટ પર કંડારવામાં આવે છે, જે કાપડ પર લગાવેલા કાગળના સ્ક્રોલ છે. પ્રદર્શન દરમિયાન પટના ભાગો ગીતની પંક્તિને અનુરૂપ હોય તે રીતે અંતિમ પટને ખોલવામાં આવે છે. આ રીતે મામોનીની કળા ચિત્રકામ અને સંગીત દ્વારા આ જલીય જમીનની વાર્તા કહે છે.
પિંગલા તાલુકાના પશ્ચિમ મેદિનીપુરના નયા ગામનાં રહેવાસી મામોનીના અંદાજ મુજબ તેમના ગામમાં લગભગ 400 કારીગરો રહે છે. આ તાલુકાના અન્ય કોઈ ગામમાં પટચિત્ર બનાવતા આટલા બધા કલાકારો નથી રહેતા. આ 32 વર્ષીય કલાકાર પર્ણસમૂહ, જંગલી પ્રાણીઓ અને ફૂલોના આબેહૂબ રંગોના ચિત્રોનો ઉલ્લેખ કરતાં કહે છે, “ગામના લગભગ તમામ 85 ઘરોની દિવાલો પર ભીંતચિત્રો છે. અમારું આખું ગામ સુંદર લાગે છે.”

પૂર્વીય કોલકાતાની જલીય જમીનનું ચિત્રણ કરતું પટચિત્ર. પટચિત્રના ભાગો પાતર ગાનની પંક્તિઓ સાથે સુસંગત છે, જેનું લેખન અને રચના મામોનીએ પોતે જ કરેલી છે


પશ્ચિમ મેદિનીપુરમાં નયા ગામનાં ઘરોની દિવાલો પર ફૂલો, પર્ણસમૂહ અને વાઘનું ચિત્રણ કરતા ભીંતચિત્રો. મામોની કહે છે, ‘અમારું આખું ગામ સુંદર લાગે છે’
આ ગામ રાજ્યમાં પ્રવાસી આકર્ષણ વિસ્તાર તરીકે સૂચિબદ્ધ છે અને સમગ્ર ત્યાં ભારતભરમાંથી અને વિદેશમાંથી મુલાકાતીઓ આવે છે. મામોની કહે છે, “અમે એવા વિદ્યાર્થીઓને પણ આવકારીએ છીએ જેઓ અમારી સાથે વાત કરવા આવે છે, અમારી હસ્તકલા શીખે છે અને અમને અમારા જીવન અને કૌશલ્યો વિષે પૂછે છે. અમે તેમને પાતર ગાન અને ચિત્રકામની પટચિત્ર શૈલી શીખવીએ છીએ અને કુદરતી રીતે પ્રાપ્ત રંગો બનાવવા પર વર્કશોપ યોજીએ છીએ.”
મામોની કહે છે, “પટચિત્રની કળા ગુહચિત્ર અથવા ગુફા ચિત્રોની પ્રાચીન કળામાંથી ઉતરી આવી છે.” આ સદીઓ જૂની હસ્તકલામાં વાસ્તવિક ચિત્રકામ થાય એના પહેલાં અને તેના પછી કલાકોનો શ્રમ જરૂરી છે.
મામોની સમજાવે છે કે, પાતર ગાનની ગોઠવણી અને રચના પછી વાસ્તવિક ચિત્રકામ શરૂ થાય છે. “અમારી પરંપરા મુજબ, હું જે પણ રંગોનો ઉપયોગ કરું છું તે બધા રંગો કુદરતી હોય છે.” કાચી હળદર, બાળેલી માટી અને ગલગોટાના ફૂલોમાંથી રંગ કાઢવામાં આવે છે. “હું ચોખા બાળીને ઘાટો કાળો રંગ મેળવું છું; અપરાજિતાના ફૂલોને પીસીને વાદળી રંગ મેળવું છું વગેરે.”
રંગના અર્કને નારિયેળના કાચલામાં મૂકીને તડકામાં સૂકવવામાં આવે છે. રંગ બનાવવાની આ પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે કારણ કે અમુકવાર કેટલાક ઘટકોની મોસમ નથી હોતી. મામોની કહે છે કે આ પ્રક્રિયાઓ કંટાળાજનક હોવા છતાં, “પગલાં મહત્વપૂર્ણ છે અને તેમને કાળજીપૂર્વક કરવા પડે છે.”
રંગોને ચિત્રકામ પહેલાં બીલી (વુડ એપલ) માંથી કાઢવામાં આવેલા કુદરતી ગુંદર સાથે ભેળવવામાં આવે છે. કપડા પર તેને ચોંટાડવમાં આવે તે પહેલાં તાજી ચિતરેલ સ્ક્રોલને સૂકવવામાં આવે છે, જેથી તે લાંબો સમય ટકે છે. તેમાંથી તૈયાર થતું અંતિમ ઉત્પાદન પટચિત્ર હોય છે.



ડાબે અને વચ્ચે: ફૂલો, કાચી હળદર અને માટી જેવા કાર્બનિક સ્રોતોમાંથી મેળવેલા રંગો સાથે ચિત્ર દોરતાં મામોની. જમણે: મામોનીના પતિ સમીર ચિત્રકાર, વાંસમાંથી બનાવેલું એક સંગીત વાદ્ય બતાવે છે જે પટચિત્રના પ્રદર્શન સાથે વપરાય છે
તેમના ગામના અન્ય લોકોની જેમ, મામોનીએ પણ નાનપણથી જ પટચિત્રની કળા શીખવાનું શરૂ કર્યું હતું. “હું સાત વર્ષની હતી ત્યારથી ચિત્ર દોરું છું અને ગાઉં છું. પટચિત્ર મારા પૂર્વજોની પરંપરા છે અને મેં તેને મારાં મા સ્વર્ણ ચિત્રકાર પાસેથી શીખી છે.” મામોનીના 58 વર્ષીય પિતા સંભુ ચિત્રકાર પણ પટાઉ તરીકે કામ કરે છે. તેમના પતિ સમીર અને તેમનાં બહેન સોનાલીની જેમ પરિવારના અન્ય સભ્યો પણ આ કામ કરે છે. મમોનીનાં બાળકો, આઠમા ધોરણમાં ભણતો તેમનો દીકરો અને છઠ્ઠા ધોરણમાં ભણતી તેમની દીકરી પણ, તેમની પાસેથી આ કળા શીખી રહ્યાં છે.
પરંપરાગત રીતે, પટચિત્રમાં સ્થાનિક લોકકથાઓનાં સામાન્ય રીતે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના દ્રશ્યોનું નિરુપણ કરવામાં આવે છે. પટચિત્ર શૈલીમાં ચિત્રકામ કરતા લોકોને પટુઆ કહેવાય છે. વૃદ્ધ પટુઆઓ, કે જેમાં મામોનીના દાદા દાદી અને તેમના પૂર્વજોનો સમાવેશ થાય છે, તેઓ ગામડે ગામડે જઈને પટચિત્રમાં દર્શાવવામાં આવતી વાર્તાઓ રજૂ કરતા હતા. આવા પ્રદર્શનોના બદલામાં તેમને જે પૈસા કે ખાવાનું આપવામાં આવતું હતું તેનાથી તેમનો ગુજારો થતો હતો અને તેમને ટકી રહેવામાં મદદ મળી હતી.
મામોની સમજાવે છે, “તેઓ [પટાચિત્રો]ને વેચાણ માટેની વસ્તુ તરીકે તૈયાર નહોતા કરાયા.” પટચિત્ર એ ક્યારેય પણ ચિત્રકળાની એક શૈલી માત્ર ન હતી, પરંતુ વાર્તા કહેવાની એક પદ્ધતિ હતી, જેમાં દૃશ્ય અને શ્રાવ્ય બન્ને માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સમય જતાં, મામોની જેવા પટુઆઓએ પટચિત્ર શૈલીના પરંપરાગત સિદ્ધાંતોને સમકાલીન વિષયો સાથે ભેળવ્યા છે. તેઓ કહે છે, “મને નવા મુદ્દાઓ અને વિષયો પર કામ કરવાનું પસંદ છે. મારું અમુક કામ સુનામી જેવી કુદરતી આફતો પર આધારિત છે. હું મારા કામ વડે લિંગ હિંસા અને માનવ હેરફેર જેવા સામાજિક મુદ્દાઓને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરું છું.”


ડાબે: ડિસઅપીરીંગ ડાયલોગ્સ કલેક્ટિવના સભ્યો સાથે વાત કરતાં મામોની, જેમના સહયોગથી તેમણે પૂર્વ કોલકાતાની જલીય જમીનો પર પટચિત્ર બનાવ્યું હતું. જમણે: પ્રદર્શનમાં મુકાયેલા વિવિધ પ્રકારના પટચિત્રના સ્ક્રોલ

વેચાણ વધારવા માટે મામોની સોશિયલ મીડિયા પર તેના કામની તસવીરો શેર કરે છે. પૂર્વ કોલકાતાની જલીય જમીનો પર તેમના પટચિત્ર સાથે મામોની
તેમની તાજેતરની રચના કોવિડ-19ની અસરો, તેના લક્ષણો અને તેની આસપાસ જાગૃતિ ફેલાવે છે. કેટલાક અન્ય કલાકારો સાથે, મામોનીએ આ પટચિત્રને હોસ્પિટલો, હાટ (સાપ્તાહિક બજારો) અને નયા આસપાસના ગામોમાં રજૂ કર્યું.
દર નવેમ્બર મહિનામાં નયામાં પટા-માયા મેળાનું આયોજન કરવામાં આવે છે. મામોની કહે છે, “ભારત અને વિદેશના પ્રવાસીઓ અને કલાના શોખીનો અને તેને ખરીદનારાઓ માટે આ એક મુખ્ય આકર્ષણ છે.” પટચિત્ર શૈલી ટી-શર્ટ, ફર્નિચર, વાસણો, સાડીઓ, અન્ય વસ્ત્રો તથા નયા અને તેની આસપાસ વેચાતી ઘરગથ્થુ વસ્તુઓ પર પણ જોવા મળે છે. આનાથી હસ્તકળામાં રસ વધ્યો છે અને કોવિડ-19 મહામારી દરમિયાન વેચાણમાં વધારો થયો છે. મામોની તેમના કામની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, મોટાભાગે ફેસબુક પર. આનાથી તેમને વર્ષ દરમિયાન વેચાણમાં મદદરૂપ થાય છે.
મામોનીઓ પોતાની હસ્તકલાના મારફતે ઈટાલી, બહરૈન, ફ્રાન્સ અને યુ.એસ.ની મુલાકાત લઈ ચૂક્યાં છે. આ હસ્તકળા આગળ વધતી રહેશે તેવા આશાવાદ સાથે મામોની કહે છે, “ અમે અમારી કળા અને ગીતો થકી ઘણા લોકો સુધી પહોંચી શકીએ છીએ.”
ડિસઅપીરીંગ ડાયલોગ્સ કલેક્ટિવના (ડી.ડી.) સમુદાયો સાથે અને તેમની અંદર નજદીકી લાવવા, વાર્તાલાપ શરૂ કરવા અને નવી કથાઓ બનાવવા માટે કલા અને સંસ્કૃતિનો એક માધ્યમ તરીકે કામ કરે છે. તેનો ઉદ્દેશ વર્તમાન વારસો, સંસ્કૃતિ અને પર્યાવરણની જાળવણી મદદ કરવાનો છે.
આ લેખ જોલ-આ-ભૂમિર ગોલ્પો ઓ કથા માટેનું સંકલન છે. સ્ટોરીઝ ઓફ ધ વેટલેન્ડ, ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ, પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સહયોગથી અમલમાં મૂકાયેલો પ્રોજેક્ટ છે. ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન નવી દિલ્હીના આંશિક સમર્થનથી આ શક્ય બન્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ