જ્યારે પૂરનાં પાણી વધવા માંડ્યા, ત્યારે પાર્વતી વાસુદેવ ઘર છોડતી વખતે તેમના પતિની પ્રસંગે પહેરવાની ટોપી લઈને નિકળ્યાં. “અમે ફક્ત આ અને છિપલી [એક વાદ્ય] જ લઈને આવ્યાં છીએ. ભલે ગમે તે થાય, અમે આ ટોપી ક્યારેય છોડી ન શકીએ,” તેણીએ કહ્યું. આ પાઘ મોરના પીંછાથી શણગારેલ છે અને તેણીના પતિ, ગોપાલ વાસુદેવ ભજન ગાતી વખતે તે પહેરે છે.
જોકે ૯ ઑગસ્ટે, ગોપાલ, જેઓની ઉંમરી ૭૦થી વધુ હશે, એક શાળાના ઓરડાના ખૂણે બેઠા હતા અને દેખીતી રીતે હતાશ હતા. “મારી ત્રણ બકરીઓ મરી ચૂકી છે અને અમે જે એકને બચાવી છે તે પણ રોગી હોવાના કારણે મરી જશે,” તેમણે કહ્યું. ગોપાલ વાસુદેવ જ્ઞાતિના છે, જે બારણે-બારણે ફરીને ભજન ગાઈને ભીખ મેળવતો ભગવાન કૃષ્ણના ભક્તોનો સમુદાય છે. ચોમાસાના મહિનાઓમાં તેઓ કોલ્હાપુર જિલ્લાના હત્કાનંગળે તાલુકામાં આવેલ તેમના ગામ, ભેંડાવાડેમાં ખેતમજૂર તરીકે કામ કરે છે “ભારે વરસાદના કારણે એક મહિના સુધી ખેતરોમાં કામ ન હતું, અને હવે ફરી પૂર આવ્યું છે,” તેઓ ભરાયેલી આંખે કહે છે.
વરસાદ મોડો થવાના કારણે ભેંડાવાડેના ખેડૂતોએ તેમની ખરીફની વાવણી જુલાઈ સુધી ઠેલી હતી – સામાન્ય રીતે અહીં જૂન મહિનાની શરૂઆતમાં પહેલો વરસાદ થઈ જતો હોય છે. પણ જ્યારે વરસાદ ટૂટી પડ્યો, ત્યારે સોયાબીન, મગફળી અને શેરડીના પાકને ડુબાડવામાં પાણીને ફક્ત એકજ મહિનો લાગ્યો.
આસિફે ધાર્યું ન હતું કે તેનું ડ્રોન – જેનો ઉપયોગ તે લગ્નમાં ફોટા પાડવા માટે કરે છે – લોકોને બચાવવામાં મદદરૂપ થઈ શકશે: 'અમે કોઈનેય મરવા નહીં દઈએ. અમે પશુઓને પણ બચાવીશું'
૨ ઑગસ્ટના રોજથી શરૂ થઈને ૧૧ ઑગસ્ટની આસપાસ જ ઉતરવા લાગેલ પૂરથી બરબાદ થયેલા મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ૨૦૦થી ૨૫૦ ગામોમાંનું ભેંડાવાડે એક ગામ છે (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયાના રિપોર્ટ જણાવે છે).
ભેંડાવાડેના સરપંચ, કાકાસો ચવાણે જણાવ્યું કે ૪,૬૮૬ લોકોની ગામની વસ્તીમાંથી (2011ની વસ્તી ગણતરી) ૪૫૦ કુટુંબ અને આશરે ૨,૫૦૦ લોકોને ગામ અને તેની આસપાસની શાળાઓના મકાનોમાં સ્થપાયેલ રાહત કેમ્પોમાં, તેમજ ગામની બહાર આવેલા સરપંચના ઘરમાં, જ્યાં પાણી ચડતાં નથી, ખસેડવામાં આવ્યા હતા.
પાર્વતી અને પોતાના કુટુંબ સાથે વાસુદેવ 3 ઑગસ્ટે ગામમાંની સરકારી હાઈસ્કૂલમાં ગયા. ચાર દિવસ પછી, જ્યારે પાણી સ્કૂલમાં પણ દાખલ થવા લાગ્યું ત્યારે તેમણે ગામની બહાર આવેલ પ્રાથમિક શાળામાં ખસવું પડ્યું. આશરે ૭૦ વરસની ઉંમરના પાર્વતીએ મને ૯ ઑગસ્ટે જણાવ્યું, “અમે એક અઠવાડિયાથી અમારા ઘરની બહાર છીએ. અમારે અહીં એક મહિના સુધી રહેવું પડશે, આજે, નાના છોકરાઓમાંથી એક બહાર તરી આવ્યો અને તેણે ક્યું કે અમારું ઘર પડી ગયું છે.”
આસિફની ટીમ જેવી સ્થાનિક ટીમો તેમજ બીજાં અનેક ગામોમાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના કર્મચારીઓના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેના ગામમાં અનેક પ્રાણીઓનું મૃત્યુ થયું. જ્યાં ભેંડાવાડામાં કોઈએ જીવ નથી ગુમાવ્યો, ત્યાં કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં પૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકોનું મૃત્યુ થયું છે, સમાચાર રિપોર્ટમાં પૂણે વિભાગના કમિશ્નરશ્રીએ જણાવ્યું હોવાનું જાણમાં આવ્યું છે. અને ૪૦૦,૦૦૦થી વધુ લોકોનો ટ્રાન્ઝિટ કેમ્પોમાં ખસેડવામાં આવ્યાં હતા. પાકને થયેલ નુકસાન વિષે, એકર માટેની વિશ્વસનિય ગણત્રીના ઔપચારિક અંદાજા હજુ આવવા બાકી છે.


પાર્વતી વાસુદેવે (ડાબે) ૩ ઑગસ્ટના રોજ પૂરના પાણી વધતાં પોતાનું ઘર છોડતી વખતે માત્ર તેમના પતિ ગોપાલ વાસુદેવનો પ્રસંગે પહેરવાનો પાઘ જ સાથે લીધો હતો

ખેડૂ પરિવારોએ ઝડપ-ઝડપથી તેમના નાના-મોટા સામાનમાંથી જે કાંઈ બચાવી શકાય તેમ હતું તે બચાવવાનો પ્રયત્ન કરીને સ્થાનિક શાળામાં બનાવેલ રાહત કેમ્પમાં તે લઈ આવ્યા. વાર્ના નદી (ક્રિશ્ના નદીની એક ઉપનદી)નું પાણી ભેંડાવાડેમાં ફરી વળ્યું. ગામમાંની ૩ ઓરડા વાળી પ્રાથમિક શાળા ૨૦ કુટુંબોનું કામચલાઉ આશ્રયસ્થાન બની, જ્યાં કેટલાંક ખેડૂતો ગાયભેંસોની સંભાળ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, કેટલાંક જમવાની રાહ જોતા હતા, અને બાકીના આઘે બેઠા હતા, કદાચ ૨૦૦૫ના પૂરને યાદ કરતા હતા. એ વર્ષે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના શબ્દોને રજૂ કરતા સમાચાર રિપોર્ટો જણાવે છે કે કોલ્હાપુરમાં એક મહિનામાં ૧૫૯ ટકા વરસાદ થયો હતો – આ વખતે નવ દિવસમાં ૪૮૦ ટકા વરસાદ થયો. અને ફક્ત ૫ ઑગસ્ટથી ૧૦ ઑગસ્ટ સુધીમાં હવામાન ખાતાનો ડેટા દર્શાવે છે, કે હત્કાનાંગ્લે તાલુકામાં ૪૦૫ મિમી વરસાદ થયો

પોતાની વય ૯૫ વરસની જણાવતા અનુબાઈ ભોંસલેના કહેવા પ્રમાણે, ૨ ઑગસ્ટના રોજ, તેમને એક ટેમ્પોમાં ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા. તેઓ ધ્રૂજતાં-ધ્રૂજતાં એક ધાબળો ઓઢીને બેઠાં છે. તેઓ આ હોનારતને ૧૯૫૩ના પૂર સાથે સરખાવે છે, જ્યારે ધોંડેવાડી ગામમાં (સતારા જિલ્લાના કરાડ તાલુકામાં) આવેલું તેમનું ઘર પડી ગયું હતું. 'આ પૂર અગાઉના પૂરોથી ખરાબ છે [૨૦૦૫ અને ૧૯૫૩],' તેઓ ઝીણા અવાજે કહે છે. શાળાખંડમાં બધાં ભોજન આવ્યું કે કેમ તે જોવા આઘા-પાછાં થાય એટલે તેઓ ચૂપ થઈ જાય છે. ૯ ઑગસ્ટના રોજ બપોરના ૨ વાગ્યા છે. વ્યક્તિઓ અને સ્થાનિક બિનસરકારી સંસ્થાઓ ખાવાનું લાવે છે, પણ વારેવારે ભોજન પૂરૂં પાડી શકાતું નથી

ઉપર ડાબે: ઉષા પાટિલ, ભેંડાવાડેના એક ગૃહિણી ગામ છોડતી વખતે પોતાની સાથે બે બિલાડી અને એક બકરી લાવ્યાં છે. ગામના લોકોએ શક્ય એટલા પ્રાણીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઘણાં પાણીના કારણે બહાર ન આવ્યા. ઉપર જમણે: સોમનાથ પંચાંગે, ઉંમર ૧૯ વર્ષ, ઘર છોડતી વખતે સાથે લાવેલા લવ બર્ડ્સ સાથે. નીચે ડાબે: ગોપાલ અને પાર્વતીના પુત્ર, ૪૭ વર્ષના અજીત કહે છે, 'એક પણ ગાય [જે શાળામાં સાથે લવાઈ હતી] દૂધ આપતી નથી' . ગાય ભેંસોને ચરવા માટે કંઈજ નથી. તે બીમાર પડી ગયાં છે અને અહીં કોઈ ડૉક્ટર નથી.” તેમને ડર છે કે તેમની ગાય પણ ટૂંક સમયમાં મૃત્યુ પામશે. ઘણાં વડીલો પણ બીમાર છે, શરદી અને તાવ સાથે. અનેક પ્રાણીઓ નિરાધાર છે. ખેડૂતો હવે ચાર ફુટ ઊંડા પાણીમાંથી ચારો લાવીને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે. સ્થાનિક બિનસંસ્કારી સંસ્થાઓ રાહત કેમ્પોમાં ચારાનું પણ દાન કરી રહી છે. નીચે જમણે: પૂરનું પાણી ગમાણમાં દાખલ થયું, જેના પછી ખોચી ગામના (ભેંડાવાડેથી ૨.૫ કિલોમીટર દૂર) ખેડૂતોએ પ્રાણીઓને વધુ સુરક્ષિત સ્થળોએ ખસેડી દીધાં

વાર્ના નદીનું પાણી અર્ચના ઈંગાળેના ૨.૫ એકરના ખેતરમાં ઘુસી ગયું. તેમના અંદાજ પ્રમાણે તેમને આશરે છ ક્વિન્ટલ સોયાબીન અને એક ક્વિન્ટલ મગફળીનું નુકસાન ગયું છે. પોતાનું ઘર છોડીને એજ ગામમાં આવેલ એક સગાના ઘરે ગયાના ચાર દિવસ પછી, ૯ ઓગસ્ટે તેઓ પાણીનું સ્તર જોવા પાછા આવ્યા અને કેડી તરીકે ટૂટેલી ઈંટો ગોઠવી ગયા

૩૪ વર્ષના નાગેશ બેન્ડવાડે કહે છે, 'બે દિવસ અગાઉ મારા ઘરની પાછલી દિવાલ સવારે લગભગ ૧૦ વાગ્યે પડી ગઈ'


ડાબે: ભેંડાવાડેની એક પ્રાથમિક શાળામાં તેમના સ્માર્ટફોન પર ગેમ રમી રહેલા યુવાનોનું જૂથ. જમણે: ભેંડાવાડેના કેટલાંક કુટુંબોને હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતાં, પણ તેમણે ચાર દિવસ પછી તે જગ્યા છોડવી પડી કારણ કે ૬ ઓગસ્ટના રોજ પાણી સ્કૂલના સંકુલમાં પણ પહોંચી ગયું હતું


ખોચીની એક ગલીમાં ભરાયેલાં પાણી અને ઘરે જતો એક ખેડૂત


નજીકના ડૂબેલા ખેતરોમાંથી ટામેટાં ગામમાં વહી આવ્યા; ચંડોળી ડેમના વધારાના પાણીના કારણે વાર્ના નદી છલકાય છે


ડાબે: કેટલાંય કુટુંબોને ખોચીમાં આવેલી મરાઠી હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. જમણે: પૂરના કારણે પીવાના પાણીની અછત થઈ ગઈ છે, અને ખોચીના લોકો વરસાદનું ચોખ્ખું પાણી ભરવા માટે બહાર વાસણો રાખે છે. 'અમારી બધી બાજુ પાણી છે, પણ એનો પીવા માટે ઉપયોગ કરી શકાય તેમ નથી', ખોચીના રહીશ અને હતકાનાંગ્લે પંચાયતના સભ્ય વસંત ગુરવ કહે છે. '૨૦૦૫ના પૂરમાં ૨૦૦ કુટુંબો પ્રભાવિત થયેલા [ખોચીની વસ્તી ૫,૮૩૨ છે].,પણ આ વર્ષે તે આશરે ૪૫૦ જેટલાં છે. ૨૦૦૫માં અને ૯૦૦ લોકોને બચાવેલા અને ઘરોમાં પાછા જવામાં અમને બે અઠવાડિયાં લાગ્યા હતાં '

૨૭ જૂનના રોજ, ૪૧ વર્ષના ધનાજી વગારેએ તેમની ખોચીમાં આવેલી ૨૭ ગુંઠા (૦.૬૭૫ એકર) જમીન પર શેરડી વાવી હતી. 'મેં કુલ રૂ. ૧૪,૦૦૦ ખર્ચ્યા', તેઓ કહે છે. ધનાજીનો શેરડીનો પાક હવે દેખાતો નથી – એ પાણીમાં ડૂબી ગયો છે – અને તે ૫૪ ટનના નુકસાનનો અંદાજો લગાવે છે. 'પાણી ઉતરે પછી મારે પહેલા એ જોવુ પડશે કે ખેતરમાં કેટલી માટી રહી છે. પછી હું તેને સમતળ કરાવીશ'.તેમને ચિંતા છે કે ખેતરને ફરીથી પહેલાં જેવું કરવા માટે તેમણે ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ ખર્ચવા પડશે. શેરડી વાવનાર અનેક ખેડૂતોએ ખેતી લોન લીધી હતી. હવે તેમને ચિંતા છે કે તેઓ લોન કેવી રીતે ચૂકવશે કારણકે તેમનાં ખેતર પાણી નીચે ગયાં છે, અને આખો પાક નષ્ટ થઈ ગયો છે
ભાષાંતર: ધરા જોષી