જાન્યુઆરીની એક ઠંડી રાત્રે 9 વાગ્યા છે અને લગભગ 400 પ્રેક્ષકો કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ કાર્યક્રમ એક કલાક પહેલાં શરૂ થવાનો હતો.
અચાનક, આગળના કામચલાઉ મંચની આસપાસ હિલચાલ થવા લાગી. વાંસના માંચડા સાથે બાંધેલું એક લાઉડસ્પીકર ધ્રુજવા લાગે છે અને તેમાંથી અવાજ આવે છે: “આપણે ટૂંક સમયમાં મા બનબીબીને સમર્પિત કાવ્ય નાટક શરૂ કરીશું… એ મા બનબીબી કે જે બધાં જ અનિષ્ટ સામે રક્ષણ આપે છે!”
ગોસાબા બ્લોકના જવાહર કોલોની ગામમાં આમતેમ ફરતા લોકો એક જગ્યાએ એકઠા થવાનું શરૂ કરે છે, જેઓ દુષ્ટ ભૂતપ્રેત, સાપ, મગર, વાઘ, મધમાખીઓ વગેરે જેવા ‘અનિષ્ટ’ ને આથારો ભાતિર દેશ (18 જુવાળની જમીન) માં દેવી બોનબીની દ્વારા પરાજિત થતાં જોવા માટે ઉત્સુક છે. આ સુંદરવન છે, જે પ્રાણીઓ, છોડ, પક્ષીઓ, સરિસૃપ અને સસ્તન પ્રાણીઓથી ભરપૂર ખારા અને તાજા પાણીના જળાશયો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે. અહીં, બનબીબીની વાર્તાઓ પેઢી દર પેઢી કહેવામાં આવે છે અને તે પ્રદેશની લોકવાયકામાં ભળી ગઈ છે.
એક પડદાની મદદથી શેરીથી અલગ કરાયેલ વેશભૂષા ખંડ, બનબીબી પાલ ગાનના સંગીતમય નાટક માટે એકઠા થયેલા પ્રેક્ષકો અને કલાકારોથી ગુંજી રહ્યો છે. તાડપત્રીની દિવાલો પર ગોઠવવામાં આવેલા મોટા મધપૂડા અને વાઘના ટેરાકોટા માસ્ક જેવા ઉપકરણો તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, જેમનો આજના નાટ્યપ્રોયોગમાં ઉપયોગ થવાનો છે. આ નાટ્યપ્રયોગોની વિષયવસ્તુ મોટેભાગે સુંદરવનમાં વસતા લોકોના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે – જ્યાં 2020માં 96 વાઘ રહેતા હતા.

બંગાળી મહિનાના માઘ (જાન્યુઆરી−ફેબ્રુઆરી) ના પહેલા દિવસે, સુંદરવનના મેન્ગ્રોવ જંગલો પર નભતા પરિવારો વાઘ, મધમાખી અને અપશુકનો સામે રક્ષણ માટે મા બનબીબીને પ્રાર્થના કરે છે

વેશભૂષા ખંડ કામકાજથી ધમધમી રહ્યો છે. અભિનેતાને તેમનો પોશાક પહેરવામાં મદદ કરતો પ્રેક્ષકગણનો એક સભ્ય
આ અભિનેતાઓ — જેઓ ખેડૂતો, માછીમારો અને મધ ભેગું કરનારા છે — તેમના મેકઅપ અને વેશભૂષાને અંતિમ ઓપ આપી રહ્યા છે. પ્રેક્ષકગણના સભ્યો મંચના પાછળ જઈને અમુક કલાકારોને તેમની પંક્તિઓનું રિહર્સલ કરવામાં અથવા વેશભૂષા ખંડમાં ઝડપથી વેશભૂષા બદલવામાં મદદ કરતા હોવાથી સામુદાયિક ભાવનાનું ચિત્ર સ્પષ્ટ થાય છે.
એક ટેકનીશિયન સ્પોટલાઇટ્સ પરના રંગીન ફિલ્ટર્સનું સમારકામ કરી રહ્યા છે અને હવે થોડીવારમાં, આજે પ્રદર્શન કરનાર જૂથ — રાધા કૃષ્ણ ગીતિ નાટ્ય અને બનબીબી જાત્રાપાલ — પ્રસ્તુતિ રજૂ કરશે. બનબીબી પાલ ગાન, જે દુખે જાત્રા નામથી લોકપ્રિય છે, તે બંગાળી પંચાંગના માઘ મહિનાના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવે છે, જે જાન્યુઆરી−ફેબ્રુઆરીના સમય દરમિયાન આવે છે.
બનબીબી પાલ ગાનના આ વાર્ષિક કાર્યક્રમને જોવા માટે, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ગોસાબા બ્લોકના ગામડાઓમાંથી લોકો પ્રવાસ કરીને આવે છે.
નિત્યાનંદ જોતદાર આ મંડળના નિયુક્ત કરેલા મેકઅપ કલાકાર છે. તેઓ એક અભિનેતા પર કાળજીપૂર્વક રંગબેરંગી મુગટ મૂકે છે, જેમાં તેઓ નાનામાં નાની વિગતનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે. તેમનો પરિવાર પેઢીઓથી પાલ ગાનમાં સક્રિય રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ આવકથી તેમના પરિવારનો ગુજારો કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેઓ કહે છે, “પાલ ગાનની કમાણીથી કોઈ પરિવારનું ગુજરાન ચલાવી શકતું નથી. મેં બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટરિંગના વ્યવસાયમાં નોકરી કરી હતી. પરંતુ કોવિડ−19 દરમિયાન લોકડાઉનને કારણે તે આવક અટકી ગઈ હતી.”

મેકઅપ કલાકાર નિત્યાનંદ જોતદાર કહે છે, ‘મને લોકોને અલગ-અલગ પાત્રોમાં બદલવાનું કામ પસંદ છે’

દિલીપ મંડલ દ્વારા ભજવાયેલ દક્ખિણ રાયના પાત્ર પર મુગટ મૂકતા નિત્યાનંદ
મંડળીના ઘણા સભ્યો પારી સાથે પાલ ગાન પ્રસ્તુતિથી થતી આવકથી ઘર ચલાવવામાં નડતી મુશ્કેલીઓ વિષે વાત કરે છે. અભિનેતા અરુણ મંડલ કહે છે, “વરસો વરસ સુંદરવનમાં પાલ ગાન માટેના બુકિંગમાં ભારે ઘટાડો થયો છે.”
પાલ ગાનના ઘણા કલાકારો આબોહવાની આફતો, ક્ષીણ થતા મેન્ગ્રોવ્સ અને લોકમંચોની ઘટતી જતી લોકપ્રિયતાના કારણે કામની શોધમાં શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. 30 વર્ષીય નિત્યાનંદ, કોલકાતા અને તેની આસપાસના નિર્માણ સ્થળોએ બાંધકામ મજૂર તરીકે કામ કરે છે. તેઓ કહે છે, “હું પાલ ગાન વિના રહી શકતો નથી. તેથી, હું આજે રાત્રે કલાકારોને મેકઅપ કરવા આવી પહોંચ્યો છું.”
આવા કાર્યક્રમ માટેની કુલ ફી 7,000થી 15,000 રૂપિયા વચ્ચે રહેતી હોવાથી, પાલ ગાનના કલાકારો વ્યક્તિગત રીતે ખૂબ ઓછા પૈસા કમાય છે. અરુણ કહે છે, “બનબીબી પાલ ગાનની આ પ્રસ્તુતિથી 12,000 રૂપિયા આવક ઊભી થશે. તેને 20થી વધુ કલાકારોમાં વહેંચવામાં આવશે.”
મંચના પાછળના ભાગમાં ઉષારાણી ઘરાની સહ−અભિનેતાની આંખોમાં સુરમો લગાવી રહ્યાં છે. તે અભિનેતા હસતાં હસતાં કહે છે, “શહેરના અભિનેતાઓથી વિપરીત, અમે અમારો બધો જ મેકઅપ સાથે લઈને ફરીએ છીએ.” જવાહર કોલોની ગામનાં રહેવાસી, ઉષારાણી છેલ્લા એક દાયકાથી પાલ ગાનમાં પ્રસ્તુતિ કરી રહ્યાં છે. આજે રાત્રે, તેઓ મા બનબીબીના મુખ્ય પાત્ર સહિત ત્રણ અલગ−અલગ ભૂમિકાઓ ભજવશે.

ઉષારાણી ઘરાની ઉદય મંડલની આંખોમાં સુરમો લગાવે છે; તે અભિનેતા મા બનબીબીના ભાઈ શાહ જંગલીની ભૂમિકા ભજવી રહ્યા છે

સુંદરવનના લોકપ્રિય પાલ ગાન કલાકાર, બનામાલી બ્યાપારી, મધપૂડાની બાજુમાં ઊભા છે જેનો આજની રાતની પ્રસ્તુતિમાં ઉપયોગ થનાર છે
વેશભૂષા ખંડના બીજા છેડે બનમાલી બ્યાપારી છે. તેઓ એક પીઢ અભિનેતાની જેમ અભિનય કરે છે. ગયા વર્ષે રજત જ્યુબિલી ગામમાં, મેં તેમને મા મનસા પાલ ગાનમાં પ્રદર્શન કરતા જોયા હતા. તેમને હું પણ યાદ છું, અને અમારી વાતચીતની થોડી મિનિટોમાં તેઓ કહે છે, “તમે જે મંડળીના ફોટા પાડ્યા હતા તે મારા સહ−અભિનેતાઓ યાદ છે? તેઓ બધા હવે આંધ્રપ્રદેશમાં છે, અને ડાંગરના ખેતરોમાં મજૂર તરીકે કામ કરે છે.”
2021માં યાસ અને 2020માં અમ્ફાન સહિતના વિનાશક ચક્રવાતોના કારણે સુંદરવનમાં કલાકારોની તકલીફો વધુ વકરી છે, આ પ્રદેશમાંથી મોસમી સ્થળાંતર વધી રહ્યું છે. દૈનિક મજૂરો માટે, કોઈ નિશ્ચિત આવક વિના પાલ ગાનમાં પ્રદર્શન કરવા માટે પાછા ફરવું એ અઘરી બાબત છે.
બનમાલી કહે છે, “મારા સહ−અભિનેતાઓ ત્રણ મહિના માટે આંધ્રપ્રદેશમાં રહેશે. તેઓ ફેબ્રુઆરીમાં પરત આવશે. ડાંગરના ખેતરોમાં કામ કરીને સામાન્ય રીતે 70,000−80,000 રૂપિયાની બચત થાય છે. આ એક મોટી રકમ લાગે છે, પણ તે કામ કમર તોડી નાખે એવું છે.”
તેથી જ આ વર્ષે બનમાલી આંધ્રપ્રદેશમાં ગયા નથી. તેઓ કહે છે, "પાલ ગાનના પ્રદર્શનોમાંથી મેં જે થોડા ગણા પૈસા કમાયા તેનાથી હું ખુશ હતો."


દર્શકગણના કેટલાક સભ્યો વેશભૂષા ખંડમાં મેકઅપ કરી રહેલા અભિનેતાઓને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. જમણે: પ્રાણીઓ પર આધારિત આ માસ્કનો ઉપયોગ ભૂમિકાઓ ભજવનારા અભિનેતાઓ દ્વારા કરવામાં આવશે

દક્ખિન રાયના પાત્રના પોશાકમાં દિલીપ મંડલની તસવીર
બનબીબીના એક કાર્યક્રમમાં આયોજકોને 20,000 રૂપિયા ખર્ચ થઈ જાય છે, જેમાંથી નાટક મંડળીને 12,000 રૂપિયા મળે છે અને બાકીના લાઉડસ્પીકર ભાડે રાખવા અને મંચ તૈયાર કરવા પાછળ ખર્ચવામાં આવે છે. આ કાર્યક્રમોમાંથી થતી આવકમાં ઘટાડો થતો હોવા છતાં, બનબીબી પાલ ગાન સ્થાનિક લોકોના સક્રિય પ્રોત્સાહન, ભાગીદારી અને નાણાકીય યોગદાનથી ટકી રહી છે જેઓ દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ભેગા થાય છે.
મંચ તૈયાર થઈ રહ્યું છે તે દરમિયાન, બેઠક વિસ્તાર ચક્કાજામ થઈ ગયો છે, સંગીત પોતાની લય પકડી રહ્યું છે અને હવે સમય છે પ્રસ્તુતિનો!
ઉષારાણી જાહેરાત કરે છે, “મા બનબીબીના આશીર્વાદ સાથે, અમે કવિ જસીમુદ્દીનની પટકથા પર આધારિત કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ.” કલાકોથી ધીરજપૂર્વક રાહ જોઈ રહેલ ભીડ સચેત થઈ જાય છે અને આગામી પાંચ કલાક સુધી પ્રસ્તુતિની મજા માણે છે.
મા બનબીબી, મા મનસા અને શિબ ઠાકુર દેવતાઓને સમર્પિત પ્રાર્થના ગીતો બાકીની સાંજ માટેનો માહોલ બનાવે છે. દિલીપ મંડલ સુંદરવનમાં પાલ ગાનના એક અગ્રણી કલાકાર છે, અને તેઓ દક્ખિણ રાયનું પાત્ર ભજવે છે – જે વેશ બદલતો રહે છે અને જે ઘણીવાર વાઘ પણ બની જાય છે.
મા બનબીબી દક્ખિન રાયના ચુંગાલમાંથી દુખે નામના એક નાનકડા છોકરાને બચાવે છે તે ભાગથી ઘણા દર્શકોની આંખોમાંથી આંસુ સરવા લાગે છે. 1999-2014ની વચ્ચે, સુંદરવનમાં જંગલમાં પ્રવેશતી વખતે કે તેમાંથી બહાર નીકળતી વખતે 437 લોકોને વાઘે ઘાયલ કર્યા હતા. જંગલમાં જેટલી વાર જાય તેટલી વાર વાઘનો હુમલો થવાની શક્યતા રહેલી હોવાથી, સ્થાનિક લોકો દુખેના ડરને નજીકથી ઓળખે છે, અને મા બનબીબીના આશીર્વાદ માટે ઉત્સુક હોય છે.


ડાબે: સ્ટેજ પર માઈક સરખું કરી રહેલ ટેકનીશિયન. જમણે: પ્રદર્શન શરૂ થવાની રાહ જોતી લગભગ 400 લોકોની ભરચક ભીડ


ડાબે: મંડળીના સંચાલક, જોગીન્દ્ર મંડલ જરૂર પડે ત્યારે પંક્તિ ઓ યાદ કરાવે છે. જમણે: તકનીકી ખામીઓને કારણે પલ ગાનમાં ઘણી વખત વિક્ષેપ પડે છે અને તેથી એક ટેકનીશિયન છાજલી પર તૈયાર જ બેસેલો હોય છે
અચાનક ભીડમાંથી એક અવાજ આવે છે, “આ માઈકવાળો કેમ આવો મૂરખ છે! અમને છેલ્લી કેટલીક ક્ષણોથી એક શબ્દેય સંભળાતો નથી.” ટેકનીશિયન વાયરને સરખું કરવા આમતેમ દોડવા લાગતાં પ્રદર્શન થોભી જાય છે. અભિનેતાઓને નાનો વિરામ મળે છે અને ટેક્નિકલ ખામીને ઠીક કર્યા પછી 10 મિનિટ પછી કાર્યક્રમ ફરીથી શરૂ થાય છે.
જાત્રાપાલ મંડળીના સંચાલક જોગીન્દ્ર મંડલ મંચની સામે બેઠા છે − એવી રીતે બેઠા છે કે તેઓ પોતાની પંક્તિઓ ભૂલી જતા કલાકારોને યાદ અપાવી શકે. તેઓ પણ પાલ ગાનની ઘટતી માંગથી નાખુશ છે: “બુકિંગ જ ક્યાં છે? પહેલાં, અમે એક પછી એક કાર્યક્રમ યોજતા હતા અને અમારી પાસે સમય જ નહોતો રહેતો. હવે એ સમય રહ્યો નથી.”
આ આવક ગુજરાન ચલાવવા માટે પુરતી ન હોવાથી, જોગીન્દ્ર જેવા સંચાલકો નવા લોકોને આ મંડળીમાં સામેલ કરી શકતા નથી. તેઓ કહે છે કે તેમણે દૂર−દૂરના સ્થળોએથી કલાકારોને ભેગા કરવા પડ્યા છે. “હવે કલાકારો જ ક્યાં મળે છે? પાલ ગાનના બધા કલાકારો મજૂર તરીકે કામ કરવા લાગ્યા છે.”
આ દરમિયાન, કલાકો ઝડપથી વીતી રહ્યા છે અને બનબીબી પાલ ગાન તેના છેલ્લા ચરણમાં પ્રવેશી ગયું છે. મને ઉષારાણી સાથે ફરી વાત કરવાની તક મળે છે. પાલ ગાન ઉપરાંત, તેઓ ગોસાબા બ્લોકના જૂદા જૂદા ગામોમાં રામાયણ પર આધારિત કથાઓ પણ કરે છે. પરંતુ તેમને સ્થિર આવક મળતી નથી. તેઓ કહે છે, “કેટલાક મહિનામાં મને 5,000 રૂપિયા મળે છે, જ્યારે કેટલાક મહિનાઓમાં ફૂટી કોડી ય મળતી નથી.”
આવતા વર્ષે નવેસરથી આ કામ કરવા મળશે તે આશા સાથે પોતાનો સામાન બાંધતાં ઉષારાણી કહે છે, “છેલ્લા ત્રણ વર્ષોમાં, અમે ચક્રવાતો, કોવિડ−19 મહામારી અને લોકડાઉનનો સામનો કર્યો છે.” આ અવરોધો હોવા છતાં, “અમે પાલ ગાનને મરવા નથી દીધું.”

કામચલાઉ વેશભૂષા ખંડ માં ઉષારાણી તેમની પંક્તિ ઓ વાંચી રહ્યાં છે

અભિનેતા બાપન મંડલ પ્લાસ્ટિકના હલેસા સાથે હસીને ફોટો પડાવે છે

યુવાન મા બનબીબી અને દુખેનું પાત્ર ભજવનારાં રાખી મંડળ, તેમનાં સહ−કલાકારો સાથે વાતચીત કરે છે

કલાકારો વેશભૂષા ખંડ માં તેમની પંક્તિ ઓનું રિહર્સલ કરે છે. દિલીપ મંડલ હાથમાં તલવાર લઈને ખુરશી પર બેઠા છે, અને મંચ પર જવા માટે તેમને સંકેત મળવાની રાહ જોઈ રહ્યા છે

પાલ ગાનની શરૂઆતની જાહેરાત કરતાં ઉષારાણી ઘરાની

કલાકારો મા બનબીબી, મા મનસા અને શિબ ઠાકુરને સમર્પિત પ્રાર્થના સાથે પાલ ગાનની શરૂઆત કરે છે

અભિનેતા અરુણ મંડલ મક્કાના એક ફકીર ઈબ્રાહિમની ભૂમિકા ભજવી રહ્યા છે

બનબીબી પાલ ગાનનું એક દૃશ્ય ભજવતા કલાકારો. ગોલાબીબી (લીલા રંગમાં) તેમના બે બાળકો બનબીબી અને શાહ જંગલી વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર છે. તે ઓ બનબીબીને છોડી દેવાનું નક્કી કરે છે

યુવાન બનબીબી અને શાહ જંગલીની ભૂમિકા ભજવતાં રાખી મંડલ અને અંજલિ મંડલ

બાપન મંડલની પ્રસ્તુતિથી પ્રભાવિત થઈને તેના શર્ટ પર ઈનામ પેટે 10 રૂપિયાની નોટ લગાવતાં ગામનાં એક વૃદ્ધ મહિલા

દક્ખિણ રાયનાં માતા નારાયણી તરીકે ઉષારાણી તેમની પંક્તિઓ રજૂ કરે છે. પાલ ગાનમાં, તે ઓ બનબીબી અને ફુલબીબીની ભૂમિકાઓ પણ ભજવે છે

યુવાન બનબીબી અને નારાયણી વચ્ચે લડાઈનું દૃશ્ય ભજવતા કલાકારો

પ્રસ્તુતિમાં સંપૂર્ણપણે મગ્ન થયેલ જવાહર કોલોની ગામની એક બાળકી

બીબીજાન તેમના પુત્ર દુખેને વિદાય આપે છે, કારણ કે તે મધ ભેગું કરવાનો વેપાર શીખવા માટે ધના નામના એક વેપારી સાથે જંગલમાં જાય છે. આ દૃશ્ય જોઈને પ્રેક્ષકોમાંના ઘણાની આંખમાં આંસુ આવી જાય છે

નાવિક દુખેને જોખમોથી ભરેલા જંગલમાં લઈ જાય છે

નાવિક અને ધના જંગલમાંથી મધ કેવી રીતે મેળવવું તે અંગે વ્યૂહરચના બનાવે છે

પાલ ગાનનું એક દૃશ્ય, જેમાં દક્ખિન રાય ધનાના સ્વપ્નમાં પ્રગટ થાય છે, અને તેણે જંગલમાંથી મધ લેવું હોય તો દુખેને તેના કર (વેરા) તરીકે બલિદાન આપવાનું કહે છે

અલૌકિક દેખાતાં ઉષારાણી ઘરાની, મા બનબીબીના વેશમાં મંચ પર પ્રવેશે છે

જંગલમાં એકલા ત્યજી દેવાયેલ દુખે મા બનબીબીને દક્ખિન રોયથી બચાવવા માટે પ્રાર્થના કરે છે. મા બનબીબી તેની ઈચ્છા પૂરી કરે છે, અને દક્ખિન રોયને હરાવે છે અને તેને સુરક્ષિત રીતે તેની મા બીબીજાન પાસે પરત કરે છે. દુખેને વરદાન તરીકે મોટી માત્રામાં મધ પણ મળે છે, જેનાથી તે અમીર થઈ જાય છે

‘પટકથાના અંતને ચિહ્નિત કરતું સમાપ્ત ’ (‘ અંત ’) અને પતંગિયાનું મોટિફ
અનુવાદક: ફૈઝ મોહંમદ