પનામિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેં લગભગ સો લોકોને તેમના કોવિડ -19 રસીકરણ ઈન્જેક્શનની રાહ જોતા જોયા હતા. તારીખ હતી 11મી ઓગસ્ટ. શું આ દેશભરના હજારો કેન્દ્રો પર બીજા લાખો ભારતીયોની જેમ જ રાહ જોવા જેવું જ છે? ના, બિલકુલ નહીં. લેહમાં પનામિક બ્લોકનું સૌથી વધુ ઊંચું સ્થળ દરિયાની સપાટીથી 19091 ફૂટની ઊંચાઈએ સૂચિબદ્ધ થયેલ છે. જો કે આ જ નામનું મુખ્ય ગામ થોડા હજાર ફૂટ નીચે છે. પરંતુ લગભગ 11000 ફૂટની ઊંચાઈએ પણ આ પીએચસી દેશમાં ક્યાંય પણ સૌથી વધુ ઊંચાઈ પર આવેલા રસીકરણ કેન્દ્રોમાંનું એક છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના મોટાભાગના વિસ્તારો સુધી કોવિડ -19 રસી પહોંચાડવી અને સ્ટોક કરવી એ જ બહુ મોટી વાત છે. તદુપરાંત દૂર-દૂરના સ્થળોથી લોકોને રસીકરણ માટે કેન્દ્ર સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ તો અલગ.
પરંતુ આ કેન્દ્રમાં તેની અસાધારણ ઊંચાઈ કરતા વધુ કંઈક એવું છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે. અને તે છે આ કેન્દ્રનું અસાધારણ વલણ. લેહમાં સિયાચીન ગ્લેશિયરની નજીક આવેલા આ પીએચસીના નામે એક અસામાન્ય વિક્રમ છે: આ પીએચસીમાં એક જ દિવસમાં આ પ્રદેશના સેનાના 250 જવાનોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તે પણ માત્ર નામ પૂરતા ઇન્ટરનેટ કનેક્શન સાથે અને ખૂબ જ નબળી સંદેશવ્યવહાર સુવિધાઓ સાથે કામ કરવાનું હતું તેમ છતાં. લદ્દાખના કેટલાક અન્ય કેન્દ્રોની જેમ જ પનામિક પીએચસીએ ખૂબ સફળતાપૂર્વક રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી.
પરંતુ લેહ શહેરથી લગભગ 140 કિમી દૂર આ પીએચસીમાં તેઓ ઇન્ટરનેટ વગર કામ કરે છે શી રીતે? અહીંના કોલ્ડ ચેઇન ઓપરેટર ત્સેરિંગ એન્ચોકની વાત પરથી તો એમ લાગે કે બધું સાવ સરળ છે - “તે મુશ્કેલ કામ નથી! અમે બધું માત્ર થોડી ધીરજથી સંભાળ્યું. અમે વધારે કલાકો સુધી કામ કર્યું, પરંતુ અંતે અમે અમારા કામમાં સફળ રહ્યા." તેનો અર્થ એ છે કે જે કામ બીજે માત્ર થોડી મિનિટોમાં થઈ ગયું હોત તે જ કામ કરવા માટે ખામીયુક્ત નેટ કનેક્શન્સને કારણે તેમને ઘણા કલાકો મહેનત કરવી પડી હતી. અને વાસ્તવિક રસીકરણ પ્રક્રિયામાં પણ વધુ કલાકો લાગ્યા હતા.

પનામિક પીએચસીમાં ફાર્મસિસ્ટ સ્ટેનઝિન ડોલ્માના આઠ વર્ષના પુત્ર જિગ્મત જોર્ફલે કહ્યું, "મારે ફોટોગ્રાફ નથી પડાવવો." આ નાનો છોકરો ઘણીવાર તેની માતા રસીકરણ ઝુંબેશ દરમિયાન ફરજ પર હોય ત્યારે સાથે આવે છે
આ પીએચસીના ફાર્મસિસ્ટ સ્ટેનઝિન ડોલ્માએ ફક્ત વધારે કલાકો કામ કરવું પડ્યું હતું એટલું જ નહીં પણ ઘણી વખત કામની સાથોસાથ તેમની પાછળ પાછળ ફરતા આઠ વર્ષના બાળક પર નજર પણ રાખવી પડી હતી. તેમણે કહ્યું, "મારો નાનો દીકરો મારા વગર બહુ લાંબો સમય રહી શકતો નથી." તેથી જે દિવસે મારે કામના કલાકો વધારે હોય ત્યારે [ખાસ કરીને રસીકરણના દિવસોમાં] હું તેને મારી સાથે લાવું છું. દિવસ દરમિયાન તે પીએચસીમાં રહે છે. રાતપાળી દરમિયાન પણ તે મારી સાથે રહે છે. ”
એવું નથી કે દીકરાને પોતાની સાથે રાખવાના જોખમોથી તેઓ અજાણ છે પરંતુ તેમને ખાતરી છે કે આ રીતે તેઓ તેની વધુ સારી રીતે સંભાળ રાખી શકશે. તેમણે કહ્યું, “મારે માટે દર્દીઓ અને મારો દીકરો બંને સરખા મહત્ત્વના છે."
પીએચસીના નિવાસી ડોક્ટર મૂળ મણિપુરના ચાબુંગબમ મેઇરાબા મેઇતેઇએ યાદ કર્યું કે, "શરૂઆતમાં થોડી અવ્યવસ્થા હતી. મર્યાદિત માળખાકીય સુવિધાઓ અને નબળી માહિતી સાથે સિસ્ટમનું સંચાલન કરવા અમે સંઘર્ષ કર્યો. આખરે પ્રક્રિયા પર અમારી પકડ આવી ગઈ અને સાથે સાથે અમે રસીકરણ શા માટે જરૂરી છે તે અંગે ગ્રામજનોમાં જાગૃતિ પણ લાવ્યા. "
દેશના મોટાભાગના વિસ્તારોની જેમ લદ્દાખ પણ કોવિડની 'બીજી લહેર'થી ખરાબ રીતે અસરગ્રસ્ત થયું હતું. (કોવિડ કેસોની સંખ્યામાં થયેલો) આ તીવ્ર વધારો પરિવહનની સતત અવરજવર, મોસમી શ્રમિકોનો ધસારો અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કામ કરતા અથવા અભ્યાસ કરતા લદ્દાખીઓના લેહ શહેરમાં પાછા ફરવા સાથે સંકળાયેલ હોવાનું જણાય છે.
લેહના જિલ્લા રસીકરણ અધિકારી (ડિસ્ટ્રિક્ટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર) તાશી નામગ્યાલે મહામારીના શરુઆતના સમયગાળા વિશે જણાવ્યું હતું કે, "તે ખરાબ સમય હતો. તે સમયે લેહ શહેરમાં (સંક્રમણના લક્ષણો ધરાવતા) આટલા બધા લોકોના પરીક્ષણ માટે અમારી પાસે યોગ્ય માળખાકીય સુવિધાઓ નહોતી. તેથી અમારે પરીક્ષણ માટે નમૂના ચંદીગઢ મોકલવા પડ્યા. તપાસના પરિણામ મેળવવા માટે ઘણા દિવસો લાગતા. પરંતુ હવે અહીં લેહની સોનમ નુર્બૂ મેમોરિયલ હોસ્પિટલમાં અમે દરરોજ 1000 લોકોનું પરીક્ષણ કરી શકીએ છીએ. આ વર્ષની શરૂઆતથી જ અમે શિયાળો શરૂ થાય તે પહેલા - એટલે કે ઓક્ટોબર પૂરો થાય તે પહેલાં રસીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કર્યું હતું. "
અહીં આરોગ્ય કેન્દ્રો પાસે સ્થિર ઇન્ટરનેટ નથી અને લોકો પાસે સંચાર તકનિકોની મર્યાદિત પહોંચ હોવાને કારણે તેઓએ રસીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાની નવી અને પ્રાયોગિક રીતો શોધવી પડી. લેહ જિલ્લાના દરિયાની સપાટીથી 9799 ફીટ ઊંચાઈએ આવેલા ખાલત્સે ગામના આરોગ્ય કાર્યકર કુન્ઝાંગ ચોરોલે કહ્યું, "વૃદ્ધ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. અને ઇન્ટરનેટની સમસ્યાઓ પણ છે," તો પછી તેઓએ પરિસ્થિતિ સંભાળી શી રીતે?

ખાલસી તહેસીલ સ્થિત પીએચસીમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતા કુન્ઝાંગ ચોરોલ ખાલત્સે ગામમાં કોવિન એપ પર દર્દીની વિગતો નોંધે છે
કુન્ઝાંગને અહીં 'કુનેય' તરીકે સંબોધવામાં આવે છે, તેમણે કહ્યું: "પહેલા ડોઝ પછી, અમે યુનિક નંબર (UID - યુઆઈડી) અને રસીના બીજા ડોઝ માટેની તારીખ કાગળ પર લખી લીધા. ત્યારબાદ અમે લોકોના અગત્યના દસ્તાવેજોની પાછળ એ કાગળની ચિઠ્ઠી ચોંટાડી દીધી. દાખલા તરીકે, તેમના આધાર કાર્ડ પર. આ રીતે અમે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કર્યું. અને આજ સુધી આ પદ્ધતિ ગ્રામજનો માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ છે."
તેમણે ઉમેર્યું, "સંપૂર્ણ રસીકરણ પછી અમે રસીકરણ પ્રમાણપત્રો છાપીને તેમને આપી દીધા."
લગભગ તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો મહામારી સામે લડવા માટે તેમના તમામ સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી તેવા સમયે ફિયાંગ ગામનું એક પીએચસી (કોવિડ) રસીકરણ ઝુંબેશની સાથોસાથ બાળકો માટે નિયમિત રોગપ્રતિકારક રસીકરણની સેવાઓ પણ આપે છે એ વાત મારે માટે નવાઈ પમાડે તેવી હતી. ફિયાંગ દરિયાની સપાટીથી લગભગ 12000 ફૂટ ઊંચાઈએ આવેલું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ દાવા - તેની રસી મેળવવા પાત્ર વસ્તીના 100 ટકા લોકોએ કોવિડ -19 રસીનો પહેલો ડોઝ મેળવ્યો છે - ને કદાચ પડકારી શકાય. સવાલ ઊઠાવી શકાય . પરંતુ આ દુર્ગમ પર્વતીય વિસ્તારના એક છેડાથી બીજા છેડા સુધી મુસાફરી કરતા તેના પહેલી હરોળના આરોગ્ય કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવતી પ્રેરણાદાયી ભૂમિકા અંગે કોઈ સવાલ ઊઠાવી શકાય તેમ નથી. 8000 થી 20000 ફૂટની ઊંચાઈ પર સતત ઠંડી અને શુષ્ક આબોહવામાં રહેતા લદ્દાખના અંદાજે 270000 રહેવાસીઓ સુધી રસીઓ પહોંચાડવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે.
લેહમાં રસી અને કોલ્ડ ચેઇન મેનેજર જિગ્મેત નામગિયાલે કહ્યું, "અમારી સામે ઘણા મોટા પડકારો હતા. શરૂઆતના દિવસોમાં અમારે કોવિન (એપ)થી ટેવાવાનું હતું. અને પનામિક જેવા દૂર-દૂરના ઘણા પીએચસી પાસે સ્થિર ઇન્ટરનેટ પણ નથી.” રસીઓ યોગ્ય તાપમાને સંગ્રહિત થાય અને વિવિધ સ્ટોરેજ પોઇન્ટ પર યોગ્ય માત્રામાં ઉપલબ્ધ થઈ શકે તે સુનિશ્ચિત કરવા નામગિયાલ ઘણીવાર આ ઠંડા રણમાં 300 કિલોમીટરથી વધુની મુસાફરી કરે છે.

ફિયાંગ સ્થિત પીએચસીમાં - દરિયાની સપાટીથી 12000 ફૂટની ઊંચાઈએ - ડોકટરો (કોવિડ) રસીકરણ ઝુંબેશની બાળકો માટે રોગપ્રતિકારક રસીકરણ સેવાઓ પણ આપે છે
ખાલસી તહેસીલ સ્થિત પીએચસીમાં કામ કરતા ડીચેન એન્ગ્મોએ કહ્યું, "ઓહ, માત્ર કોવિન જ નહીં, પરંતુ મુખ્ય પડકાર રસીના બગાડને લગતો પણ હતો. કેન્દ્ર સરકાર તરફથી કડક સૂચના છે કે રસીનો ક્યારેય બગાડ ન થવો જોઈએ."
એન્ગ્મોએ ધ્યાન દોર્યું કે, “પડકાર મોટો છે. અમે એક નાનકડી શીશીમાંથી દસ ઇન્જેક્શન આપી શકીએ. પરંતુ એકવાર અમે શીશી ખોલીએ પછી તેના પહેલા ઉપયોગથી ચાર કલાકની અંદર તેનો સંપૂર્ણ ઉપયોગ થઈ જવો જોઈએ. ખાલત્સે સ્થિત અમારા ગામ જેવા દૂર-દૂરના ગામોમાં ઘણીવાર ચાર કલાકના સત્રમાં માંડ ચાર કે પાંચ લોકો જ (રસી મૂકાવવા) આવે છે , કારણ કે તેઓ ખૂબ દૂરના પ્રદેશોમાંથી મુસાફરી કરે છે. તેથી બગાડ થવાની શક્યતા વધારે છે. તે ટાળવા મારા ઘણા સહકાર્યકરોએ એક દિવસ પહેલા આ ગામોની મુસાફરી કરીને લોકો પીએચસી પર સમયસર પહોંચે એ સુનિશ્ચિત કર્યું હતું. ખૂબ જ કંટાળાજનક પ્રક્રિયા, પરંતુ તે કારગત નીવડી. પરિણામે અમારા કેન્દ્રમાં રસીનો બગાડ થયો નથી."
મને પાછળથી ખબર પડી કે ખાલસીના આરોગ્ય કર્મચારીઓએ રસીઓ લઈને વિમાન દ્વારા આ જ તહેસીલમાં આવતા લિંગશેટ નામના ખૂબ દૂરના ગામમાં પણ ઉડાન ભરી હતી. તે દિવસે રસીકરણનો હવાલો સંભાળતા ગાયનેકોલોજિસ્ટ ડો. પદ્માએ કહ્યું, "રસીઓ અંગે ગ્રામજનોમાં પ્રારંભિક ખચકાટ હોય છે, પરંતુ અમારી સતત સમજાવટથી તેમને (રસીનું) મહત્વ સમજાય છે. હવે અમારે નામે એક દિવસમાં 500 લોકોને રસી આપવાનો વિક્રમ છે. અને અમે એક ટીમ તરીકે કામ કરીને એ સિદ્ધિ હાંસલ કરી છે.”
જીગ્મેટ નામગિયાલે કહ્યું, "નર્સ, ફાર્માસિસ્ટ અને ડોકટરોએ જે રીતે પડકારોનો સામનો કર્યો હતો અને સફળતાપૂર્વક (રસીકરણ) ઝુંબેશ હાથ ધરી હતી એ જોઈને હું દંગ રહી ગયો છું. અત્યારે અમે માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લોકોને જ નહીં, પરંતુ મોસમી સ્થળાંતરિત શ્રમિકો, નેપાળી કામદારો અને અન્ય રાજ્યોમાંથી આવતા રસી ન લીધી હોય તેવા પ્રવાસીઓનું પણ રસીકરણ કરી રહ્યા છીએ.
આ કોઈ ખોટો દાવો નથી. હું ઝારખંડના મોસમી સ્થળાંતરિત શ્રમિકોના જૂથને મળ્યો, તેઓ પનામિક પીએચસીની નજીકમાં રસ્તો બનાવતા હતા. તેમણે મને કહ્યું, "સારું છે કે અમે અહીં લદ્દાખમાં છીએ. અમે બધાએ અમારો પહેલો ડોઝ લીધો છે. હવે અમે બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છીએ. જેથી અમે અમારે ઘેર પાછા જઈએ ત્યાં સુધીમાં અમારામાં કોવિડ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ જાય. અને અમે અમારા પરિવારોને સુરક્ષિત રાખી શકીએ."

પનામિક પીએચસીની છત પર એક આરોગ્ય કર્મચારી પોતાનું ઇન્ટરનેટ કનેક્શન તપાસે છે, અહીં કનેક્ટિવિટી એક મોટો પડકાર રહ્યો છે

લેહ શહેરથી આશરે 140 કિલોમીટર દૂર આવેલા પનામિક સ્થિત પીએચસી ખાતે લગભગ 100 લોકો કતારમાં છે. આ સિયાચીન ગ્લેશિયરની નજીક છે, અને પનામિક બ્લોકનું સૌથી વધુ ઊંચું સ્થળ દરિયાની સપાટીથી 19091 ફૂટની ઊંચાઈએ છે

ફાર્મસિસ્ટ સ્ટેનઝિન ડોલ્મા પનામિક પીએચસીમાં રસીકરણ ઝુંબેશ માટેની તૈયારી કરે છે

ત્સેરિંગ એન્ચોક પનામિક પીએચસીમાં રસીનો સ્ટોક તપાસે છે. કોવિન એપ ડિજિટલી સ્ટોક ટ્રેક કરે છે પરંતુ કેટલીકવાર તેની સંખ્યા વાસ્તવિક ગણતરીથી અલગ હોઈ શકે છે. તેથી આરોગ્ય કર્મચારીઓ હંમેશા પોતાની રીતે એક વાર તપાસે છે

પનામિક પીએચસીમાં કાર્યરત આરોગ્ય કર્મચારી ત્સેવાંગ ડોલ્મા રસીનો ડોઝ લેતા પહેલાં ચિંતાતુર ગ્રામવાસીનો ભય દૂર કરવાનો પ્રયાસ કરે છે

ડો. ચાબુંગબમ મેઇરાબા મેઇતેઇ, ઘણા દિવસોથી તાવ આવતો હોવાથી પનામિકમાં સુવિધામાં આવેલ બૌદ્ધ સાધુને તપાસે છે

પનામિક સ્થિત પીએચસીની એક વરિષ્ઠ નર્સ અસ્થમાથી પીડાતા નાના તેન્ઝિન માટે નેબ્યુલાઇઝર ગોઠવે છે

ખેતી કરતી વખતે અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલ એક ગ્રામવાસીની આંગળીએ ટાંકા લઈ રહેલા ડો. ચાબુંગબમ. પનામિક પીએચસીમાં નીમાયેલા ડોકટરોએ મહામારી દરમિયાન તમામ મોરચે કામ કરવાનું ચાલુ રાખ્યું છે

પનામિક પીએચસીમાં કાર્યરત તુર્ટુકના ફાર્માસિસ્ટ અલી મૂશાએ કહ્યું, 'અહીં શરૂઆતમાં (કોવિડ સંક્રમણના) કેસો થોડા નિયંત્રણની બહાર હતા, પરંતુ હવે અમે ઘણા લોકોને રસી આપી છે'

ખાલત્સે ગામના પીએચસીમાં ડીચેન એન્ગ્મો રસી આપવાનું શરૂ કરતા પહેલા પોતાના સહયોગી ત્સેરિંગ લેન્ડોલને પીપીઈ પોશાક પહેરવામાં મદદ કરે છે

ખાલત્સે પીએચસીના ગાયનેકોલોજિસ્ટ ડો. પદ્મા રસીકરણ ઝુંબેશ શરુ થાય તે પહેલા તેમના ફોન પર કેટલીક વિગતો તપાસે છે

ખાલત્સે ગામ સ્થિત પીએચસીમાં આગલા દર્દીની રાહ જોતા ડીચેન એન્ગ્મો. લદ્દાખમાં રસીનો બગાડ થતો અટકાવવો એ એક મોટો પડકાર છે, તેથી દરેક આરોગ્ય કર્મચારી એક નાનકડી શીશી દીઠ (રસીના) 10-11 ડોઝ આપી શકાય તે સુનિશ્ચિત કરવા બનતો પ્રયત્ન કરે છે

ખાલત્સે ગામમાં રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતા વર્ગખંડમાં લોકો તેમના વારાની રાહ જોઈ રહ્યા છે

ખાલસી તહેસીલના દૂરના ગામમાંથી બીજા ડોઝ માટે આવેલ એક વૃદ્ધ વ્યક્તિને આરોગ્ય કર્મચારી દ્વારા મદદ કરવામાં આવી રહી છે

લામાયુરુ વિસ્તારના એક ગ્રામવાસી ખાલત્સે ગામના પીએચસીમાં (રસીનો) બીજો ડોઝ મેળવી રહ્યા છે

ડીચેન એન્ગ્મો ખાલત્સે ગામના વૃદ્ધ માણસને કાળજીપૂર્વક રસી આપે છે

રસીકરણ થઈ ગયું, રસીકરણના પ્રમાણપત્ર સાથે રસી(ના બંને ડોઝ) લેનાર વ્યક્તિ

ખાલત્સે ગામના પીએચસી ખાતે ત્સેરિંગ એન્ચુકે કહ્યું, 'તે આરામદાયક પોશાક નથી. પીપીઈ પોશાકમાં આખો દિવસ કાઢવો ખૂબ જ પડકારજનક છે. પરંતુ સદ્ભાગ્યે અહીં હવામાન થોડું ઠંડુ છે; મેદાન વિસ્તારોમાં તો આરોગ્ય કર્મચારીઓ માટે તે ખૂબ જ મુશ્કેલ હશે'

આખો દિવસ લોકોને રસી આપવામાં આવ્યા બાદ ખાલત્સે પીએચસીમાં ખાલી પડેલો કામચલાઉ રસીકરણ રૂમ
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક