"હું ઈચ્છું છું કે શાળામાં બીજી વાર પીરસવામાં આવે."
સાત વર્ષનો બસવરાજુ તેલંગાણામાં સેરીલિંગમપલ્લી મંડળની મંડળ પરિષદ પ્રાથમિક શાળામાં ભણે છે. રંગા રેડ્ડી જિલ્લાની આ શાળા દેશભરની એવી ૧૧.૨ લાખ શાળાઓમાંની એક છે જ્યાં બાળકોને ગરમ રાંધેલું ભોજન મળે છે. બસવરાજુની શાળાની સાથી, ૧૦ વર્ષીય અંબિકા, જે શાળાએ જતા પહેલાં માત્ર એક પ્યાલો ગાંજી (રાંધેલા ચોખાનું પાણી) પીવે છે, તેના માટે તે દિવસનું પ્રથમ ભોજન છે.
ભારતની મધ્યાહ્ન ભોજન યોજના સરકારી અને સરકાર–સહાયિત શાળાઓમાં તથા સર્વ શિક્ષા અભિયાન દ્વારા સમર્થિત રાજ્ય સંચાલિત શિક્ષણ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ૧ થી ૮ ધોરણના લગભગ ૧.૧૮ કરોડ વિદ્યાર્થીઓને કામકાજના દિવસોમાં કોઈપણ શુલ્ક વિના ભોજન પૂરું પાડે છે. ભોજન આપવા પાછળ કોઈ એવી દલીલ કરી શકતું નથી કે પેટ ભરેલું હોવાથી ગણિતના સરવાળા કરવામાં અને જોડણી સાથે ગમ્મત કરવામાં સરળતા રહે છે, પરંતુ મધ્યાહ્ન ભોજન મુખ્યત્વે બાળકોને શાળાએ ખેંચી લાવવા માટે છે. (કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું તે મુજબ, ભારતમાં ઓછામાં ઓછાં ૧.૫૦ કરોડ બાળકો અને યુવાનો ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી બહાર છે.)
અમે રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના જોધગઢ ગામમાં આવેલી તેમની શાળા, રાજકીય પ્રાથમિક વિદ્યાલયની મુલાકાત લીધી ત્યારે દસ વર્ષીય દક્ષ ભટ્ટે તેમની શાળામાં આવતા પહેલાં ફક્ત થોડાં બિસ્કિટ જ ખાધાં હતાં. હજારો કિલોમીટર દૂર, આસામના નલબારી જિલ્લામાં, અલીશા બેગમ અમને કહે છે કે તેણે તેની શાળા નં. ૮૫૮ નિઝ ખગાતા એલપી સ્કૂલ માટે નીકળતા પહેલાં રોટલી ખાધી હતી અને કાળી ચા પીધી હતી. તેના પિતા શેરી વિક્રેતા છે અને માતા ગૃહિણી છે.



બસવરાજુ (ડાબે) અને અંબિકા (વચ્ચે) તેમની શાળામાં પિરસવામાં આવતા બપોરના ભોજનનો આનંદ માણે છે , ખાસ કરીને તે દિવસોમાં જ્યારે તેઓને ઈંડા પીરસવામાં આવે છે. દક્ષ ભટ્ટ (જમણે) દિવસનું પ્રથમ ભોજન ખાઈ રહ્યો છે; તેણે નાસ્તામાં ફક્ત થોડાં બિસ્કિટ જ ખાધાં હતાં
પ્રાથમિક શાળા (વર્ગ ૧–૫) માટે ૪૮૦ કેલરી અને ૧૨ ગ્રામ પ્રોટીન અને ઉચ્ચ પ્રાથમિક શાળા (વર્ગ ૬–૮) માટે ૭૨૦ કેલરી અને ૨૦ ગ્રામ પ્રોટીન યુક્ત શાળાનું ભોજન, પૌષ્ટિક ખોરાકનો અભાવ ધરાવતાં ગરીબ અને સીમાંત સમુદાયના બાળકો માટે આવશ્યક છે.
બેંગલુરુ શહેરના પટ્ટનાગેરે વિસ્તારની નમ્મુરા સરકારી નિમ્ન પ્રાથમિક શાળામાં, ત્યાંના આચાર્ય એન. સુગુનાએ નોંધ્યું છે કે, “એક કે બે બાળકો સિવાય, બાકીનાં બધાં જ બાળકો શાળામાં મફત ભોજન લે છે.” આ ઉત્તર કર્ણાટકના યાદગીર (જેની જોડણી યાદગીરી પણ છે) જિલ્લાના સ્થળાંતરિત મજૂરોનાં બાળકો છે જેઓ બેંગલુરુ શહેરમાં બાંધકામની જગ્યાઓ પર કામ કરે છે.
મધ્યાહ્ન ભોજન યોજના, જેનું નામ બદલીને ૨૦૨૧માં ‘પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ’ અથવા ‘ પીએમ પોષણ ’ કરી દેવામાં આવ્યું તેનો ઉદ્દેશ “બાળકોની નોંધણી, જાળવણી અને હાજરી વધારવા અને સાથે સાથે બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે.” ૧૯૯૫થી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ, ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લાના મતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં, મુખ્ય શિક્ષિકા પૂનમ જાધવ ૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમનું બપોરનું ભોજન ખાતા જોઈને હસતા ચહેરે કહે છે, “આ ભોજન અમુક જ માતાપિતાને તેમના બાળકો માટે પરવડી શકે તેમ છે. આ મધ્યાહ્ન ભોજનની સુંદરતા એ પણ છે કે તેઓ સાથે બેસીને ખાય છે, જેનાથી બાળકોને સૌથી વધુ મજા પડે છે.”
શિક્ષણ મંત્રાલયના ૨૦૧૫ના એક અહેવાલ મુજબ, જોકે મૂળભૂત ભોજન અનાજ, કઠોળ અને શાકભાજીથી બનેલું હોય છે અને તેને તેલ કે ચરબી, મીઠું અને મસાલા સાથે રાંધવામાં આવે છે, પણ ઘણાં રાજ્યોએ પૂરક પોષણ વસ્તુઓ સહિત મેનૂમાં પોતાના સ્વાદ ઉમેર્યા છે. ઝારખંડ, તમિલનાડુ અને કેરળમાં ઈંડા અને કેળાં ઉમેરાયા છે, જ્યારે કર્ણાટકમાં દૂધનો એક પ્યાલો (અને આ વર્ષથી ઈંડા) આપવામાં આવે છે. છત્તીસગઢ, આસામ અને અરુણાચલ પ્રદેશ ભોજનમાં ઉમેરી શકાય તેવા શાકભાજી ઉગાડવા માટે રસોડાના બગીચાઓને પ્રોત્સાહિત કરે છે. ગોવામાં ખોરાક પૂરો પાડવા માટે મહિલાઓનાં સ્વ-સહાય જૂથો છે જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં માતા-પિતાને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં, સ્થાનિક સમુદાયો સ્વેચ્છાએ ભોજનમાં ઉમેરવા માટે પૌષ્ટિક વસ્તુઓ પૂરી પાડે છે.


ડાબે: છત્તીસગઢના ફૂટહામુડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં કામર સમુદાયના બાળકો. જમણે: ભાત , દાળ અને શાકભાજીનું તેમનું મધ્યાહ્ન ભોજન


ડાબે: કીર્તિ (અગ્રભૂમિમાં) ફૂટહામુડાની સરકારી શાળામાં ત્રીજા ધોરણમાં ભણે છે. જમણે: શાળાનો રસોડાનો બગીચો શાકભાજીનો સ્ત્રોત છે
છત્તીસગઢના ફૂટહામુડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં, દસે દસ વિદ્યાર્થીઓ કામર સમુદાયનાં છે, જેઓ રાજ્યમાં પી.વી.ટી.જી. (ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ) તરીકે સૂચિબદ્ધ છે. ધમતારી જિલ્લાના નાગરી બ્લોકમાં આવેલી આ નાની શાળાનાં ઇન્ચાર્જ અને અહીંનાં એકમાત્ર શિક્ષીકા, રૂબીના અલી કહે છે, “કામરો દરરોજ જંગલમાં જાય છે અને બળતણ માટે જંગલની પેદાશો અને લાકડાં એકત્ર કરે છે. તેમને ખાતરી આપવામાં આવે છે કે શાળામાં તેમના બાળકોને ભોજન મળશે અને તેઓ અભ્યાસ પણ કરશે.”
તમિલનાડુમાં સત્યમંગલમમાં એક અન્ય જંગલ વિસ્તારમાં –– ઈરોડ જિલ્લાના ગોબીચેટ્ટીપલયમ તાલુકાના થાલાઈમલાઈ ગામમાં રાજ્ય સંચાલિત એક આદિવાસી નિવાસી શાળામાં, ૧૬૦ બાળકો, જેઓ મોટાભાગે સોલિગા અને ઈરુલા સમુદાયો (બંને અનુસૂચિત જનજાતિ) નાં બાળકો છે, તેમને અઠવાડિયામાં અમુકવાર પિરસવામાં આવતી ભાત–સંભાર અને ઈંડાની કરીનો આનંદ માણે છે.
૨૦૨૧–૨૨થી ૨૦૨૫–૨૬ સુધી પીએમ પોષણ પાછળ કુલ ૧૩૦,૭૯૪ કરોડ રુપિયા ખર્ચ થશે, જેને કેન્દ્ર અને રાજ્યો દ્વારા વહેંચવામાં આવશે. ફંડ વિતરણમાં અને છ લાખ મેટ્રિક ટનથી વધુ અનાજ મોકલવામાં –- કેટલીકવાર ખામીઓ આવે છે, જેનાથી શિક્ષકો અને રસોઈયાઓ બજારમાંથી અનાજ ખરીદવું પડે છે. હરિયાણાના ઇગ્રાહ ગામમાં, રાજ્ય સંચાલિત શહીદ હવાલદાર રાજકુમાર આરવીએમ વિદ્યાલયના શિક્ષકે પારીને કહ્યું કે જ્યારે આવું થાય છે ત્યારે, “અમે શિક્ષકો ફાળો આપીએ છીએ જેથી બાળકો ભૂખ્યા ન રહે.” હરિયાણાના જીંદ જિલ્લામાં આવેલી આ શાળા લાકડાં કાપનારાઓ, રોજિંદી મજૂરી કરતા કામદારો, ઈંટના ભઠ્ઠાના કામદારો અને અન્ય લોકોના બાળકોને પુલાવ, દાળ અને ભાત તથા રાજમા-ભાત પીરસે છે.
ભારતના ગરીબ બાળકોને ખવડાવવાના સાહસની શરૂઆત જરાય વહેલી થઇ એમ કહેવાય એવું નથી. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થય સર્વેક્ષણ ૨૦૧૯–૨૧ ( એન.એફ.એચ.એસ.–૫ ) અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૨ ટકા બાળકોનું વજન ઓછું છે. યુનિસેફના ૨૦૧૯ના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ૬૯ ટકા મૃત્યુ માટે કુપોષણ જવાબદાર છે.


દિવાળી વેકેશન દરમિયાન પણ , આંદુલ પોટા ગામના બાળકો (ડાબે) ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ દ્વિતીય બ્લોકમાં આવેલા ધોપાબેરિયા શિશુ સ્કીખા કેન્દ્રમાં તેમનું બપોરનું ભોજન લેવા માટે આવ્યાં હતાં. રોની સિંઘા (જમણે) તેની ખીચડી લેવા માટે ત્યાં હાજર હતો
આ દયનીય હકીકત સમજાવે છે કે શા માટે રજાના દિવસે પણ, આઠ વર્ષનો રોની સિંઘ તેની માતા સાથે પશ્ચિમ બંગાળના અન્દુલ પોટા ગામમાં આવેલા ધોપાબેરિયા શિશુ સ્કીખા કેન્દ્રમાં તેની ખીચડી લેવા માટે આવે છે. સ્થાનિકો આ શાળાને ‘ખીચડી શાળા’ તરીકે ઓળખે છે, અને અહીં લગભગ ૭૦ બાળકો ભણે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં જ્યારે પારીએ ઑક્ટોબરના અંતમાં તેની મુલાકાત લીધી, ત્યારે શાળા દિવાળીની રજાઓ માટે બંધ હતી – પરંતુ બાળકો જમવા કે પછી તેમનું રોજનું બપોરનું ભોજન લેવા આવતાં હતાં.
મોટાભાગનાં બાળકો વંચિત પરિવારોમાંથી આવે છે અને તેમના માતા-પિતા સ્થાનિક માછીમારીઓમાં કામ કરે છે. રોનીની માતા (જેઓ પોતાનું નામ જાહેર કરવા માંગતા ન હતા) એ પણ કહ્યું, “શાળા મહામારી દરમિયાન [કોવિડ–૧૯] દરમિયાન એક મોટો ટેકો હતો કારણ કે તેઓ નિયમિતપણે રાંધેલો ખોરાક પૂરો પાડતા હતા”
જ્યારે માર્ચ ૨૦૨૦માં કોવિડ–૧૯ ત્રાટક્યું, ત્યારે કેટલાક રાજ્યોમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં વિક્ષેપ પડ્યો હતો. શાળાઓ બંધ થવાને કારણે લાખો બાળકોને અસર થઈ હતી; કર્ણાટકમાં, હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે મધ્યાહ્ન ભોજન સીધું શિક્ષણના મૂળભૂત અધિકાર સાથે જોડાયેલું છે.
ઐશ્વર્યા, પી. જનાર્દન રેડ્ડી નગરની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની છે, જે તેલંગાણામાં ગાચીબોવલી નજીક ઓછી આવક ધરાવતો આવાસ વિસ્તાર છે. તેના પિતા રંગા રેડ્ડી, જિલ્લામાં બાંધકામ સ્થળોએ દૈનિક વેતન કામદાર છે અને તેની માતા ઘરેલું કામદાર છે. આ નવ વર્ષીય ભૂખ્યું બાળક કહે છે, “હું ઈચ્છું છું કે શાળા દરરોજ ઈંડા પીરસે. અને હું ઈચ્છું છું કે તેઓ અમને દરરોજ એક કરતાં વધુ ઈંડા આપે.”
બાળકોને ભોજન પૂરું પાડવામાં તેની મહત્વની ભૂમિકા હોવા છતાં, મધ્યાહ્ન ભોજન યોજના ભ્રષ્ટાચાર, ભેળસેળ, નબળી ગુણવત્તા અને ખોરાકની વિવિધતા અને જાતિ-ભેદભાવથી પીડિત છે. ગુજરાત અને ઉત્તરાખંડમાં, ગયા વર્ષે દલિત રસોઈયા દ્વારા બનાવવામાં આવતા ખોરાકનો ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો હતો, જેમાં એક બનાવમાં દલિત રસોઈયાને કથિત રીતે કાઢી મૂકવામાં આવ્યો હતો.


ડાબે: ઐશ્વર્યા ઈચ્છે છે કે તેને તેલંગાણાના સેરીલિંગમપલ્લી મંડળમાં તેની પ્રાથમિક શાળામાં વધુ વખત ઈંડા પીરસવામાં આવે. જમણે: તમિલનાડુના સત્યમંગલમ જંગલ વિસ્તારમાં , થલાઈમાલીમાં આદિવાસી નિવાસી શાળામાં બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસવામાં આવી રહ્યું છે
કર્ણાટકમાં, ૨૦૧૫–૧૬ અને ૨૦૧૯–૨૦ની વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુપોષિત બાળકોની સંખ્યામાં માત્ર એક ટકાનો ઘટાડો થયો છે – ૩૬ ટકાથી ઘટીને ૩૫ ટકા ( એન.એફ.એચ.એસ.–૫ મુજબ ). વધુમાં, ૨૦૨૦ના સરકારી અહેવાલમાં કોડાગુ અને મૈસુર જિલ્લાઓમાં બાળકોમાં પ્રવર્તીત પોષણની ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ રાજકીય પક્ષો માત્ર એ વાત પર ઝઘડો કરી રહ્યા છે કે મધ્યાહ્ન ભોજનમાં પિરસવામાં આવતા ઈંડા શાકાહારી છે કે નહીં.
દેશમાં પોષણની કટોકટી જોતાં, મહારાષ્ટ્રમાં, કે જ્યાં ૬.૧૬ લાખ બાળકો કુપોષિત છે, ત્યાં શાળાઓ શા માટે બંધ કરવામાં આવી રહી છે તે નવાઈ પમાડે તેવી બાબત છે. આ આંકડો ભારતનાં બધાં કુપોષિત બાળકોના પાંચમા ભાગથી સહેજ જ ઓછો છે. અહેમદનગર જિલ્લાના ગુંદેગાંવ ગામમાં આવી જ એક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ પારધી છે. એક વિમુક્ત જનજાતિ એવો, પારધી સમુદાય રાજ્યમાં સૌથી ગરીબ અને સૌથી વંચિતોમાંનો એક છે.
પૌટકાવસ્તી ગુંડેગાંવ પ્રાથમિક જિલ્લા પરિષદ શાળાના આચાર્ય કુસલકર જ્ઞાનદેવ ગંગારામ કહે છે, “શાળા બંધ થયા પછી, આ બાળકો માત્ર [શાળામાંથી] ભણવાનું જ નહીં છોડે પરંતુ પૌષ્ટિક ભોજનથી પણ વંચિત રહેશે. આનાથી આદિવાસી અને વંચિત સમુદાયોમાં કુપોષણ અને શાળા છોડીને જનારા બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.”
મંજુર ભોસલેની આઠ વર્ષની પુત્રી ભક્તિ અહીંના ૧૫ પારધી વિદ્યાર્થીઓમાંની એક છે. મંજુર કહે છે, “જો શાળા ન હોય, તો ભોજન પણ નથી હોતું. કોરોનાનાં ત્રણ વર્ષ ખૂબ જ કપરાં હતાં. જો ફરી એકવાર શાળાઓ બંધ થશે, તો અમારા બાળકો કઈ રીતે આગળ વધશે?”


ભક્તિ ભોસલે (ડાબે) મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પૌટકાવસ્તી ગુંડેગાંવ પ્રાથમિક જિલ્લા પરિષદ શાળાની વિદ્યાર્થીની છે. શાળા બંધ કરવામાં આવી રહી છે , અને ભક્તિ અને તેના જેવા અન્ય બાળકો તેમનું શાળાનું ભોજન ગુમાવશે

અહીં તેમના વિદ્યાર્થીઓ સાથે હાજર ગુંડેગાંવની શાળાના આચાર્ય કુસલકર જ્ઞાનદેવ ગંગારામ કહે છે, 'શાળા બંધ થયા પછી , આ બાળકોનું માત્ર ભણતર જ બંધ નહીં થાય, પરંતુ તેઓ પોષક ભોજનથી પણ વંચિત રહી જશે'

હરિયાણાના જીંદ જિલ્લામાં, જ્યારે શાળાના મધ્યાહ્ન ભોજન માટેના ભંડોળમાં વિલંબ થાય છે , ત્યારે ઇગ્રાહ ગામમાં શહીદ હવાલદાર રાજકુમાર આરવીએમ વિદ્યાલયના શિક્ષકો ખર્ચમાં ફાળો આપે છે જેથી બાળકો ભૂખ્યા ન રહે

ઇગ્રાહમાં શહીદ હવાલદાર રાજકુમાર આરવીએમ વિદ્યાલયની વિદ્યાર્થિની શિવાની નાફરિયા , તેની શાળાનું ભોજન બતાવી રહી છે

સાથે ભોજન લેતા શહીદ હવાલદાર રાજકુમાર આરવીએમ વિદ્યાલયના બાળકો

યશ , કુણાલ અને જગેશે હમણાંજ છત્તીસગઢના મતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન પૂરું કર્યું છે

રાયપુર જિલ્લાના મતિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ , જમ્યા પછી વર્ગમાં પાછા ફરી રહ્યા છે

મતિયાની શાળામાં મધ્યાહ્ન ભોજનમાં ભાત , દાળ અને શાક હોય છે

પાખી (કેમેરા તરફ જોતી) અને તેની સાથે ભણતાં બાળકો છત્તીસગઢના મતિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ભોજન પછી પ્લેટો ધોઈ રહ્યાં છે

છત્તીસગઢના ધમતારી જિલ્લાના ફૂટહામુડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન પીરસાવાની રાહ જોઈ રહેલા બાળકો

ફૂટહામુડાની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન પીરસવામાં આવી રહ્યું છે

ફૂટહામુડાની શાળામાં એક સાથે ભોજન લેતા બાળકો


બપોરના ભોજનનું મેનુ તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના સેરીલિંગમપલ્લી (ડાબે) માં આવેલી મંડળ પરિષદ પ્રાથમિક શાળાની દિવાલ પર અને હરિયાણાના જીંદ જિલ્લામાં રાજકીય પ્રાથમીક વિદ્યાલય (જમણે) પર લખવામાં આવ્યું છે

સેરીલિંગમપલ્લીની મંડળ શાળામાં મધ્યાહ્ન ભોજન રાંધવામાં આવે છે તે રસોડું

સંજના એસ. બેંગલુરુની નમ્મુરા સરકારી નિમ્ન પ્રાથમિક શાળામાં જાય છે. તેને બીસી બેલે સ્નાન પસંદ છે અને બપોરના ભોજનમાં બીજીવાર પિરસવામાં આવતું ભોજન તે હંમેશાં લે છે

ઐશ્વર્યા ચેનપ્પા અને અલીજા.એસ. બેંગલુરુના પટ્ટનાગેરે વિસ્તારની નમ્મુરા સરકારી નિમ્ન પ્રાથમિક શાળામાં સાથે ભણે છે અને સાથે રહે છે. તેઓ શાળામાં હંમેશાં સાથે મળીને ભોજન કરે છે

ડાબેથી જમણે: આસામના નલબારી જિલ્લાની ન. 858 નિઝ ખગાતા એલપી સ્કૂલમાંથી અનીશા , રૂબી , આયેશા અને સહનાજ , તેમનું મધ્યાહ્ન ભોજન ખાય છે

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા બ્લોકના જોધગઢ ગામની રાજકીય પ્રાથમિક વિદ્યાલયમાં એકસાથે બપોરનું ભોજન લેતા વિદ્યાર્થીઓ

ઈરોડ જિલ્લાના થલાઈમલાઈમાં આદિવાસી નિવાસી શાળાના 160 વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના સોલિગા અને ઈરુલા સમુદાયના છે
આ અહેવાલ છત્તીસગઢથી પુરૂષોત્તમ ઠાકુર દ્વારા; કર્ણાટકથી સેંથાલીર એસ દ્વારા; તેલંગાણાથી અમૃતા કોસુરુ દ્વારા; તમિલનાડુથી એમ. પલાની કુમાર દ્વારા; હરિયાણાથી અમીર મલિક દ્વારા; આસામથી પિંકુ કુમાર દાસ દ્વારા; પશ્ચિમ બંગાળથી રિતાયન મુખર્જી દ્વારા; મહારાષ્ટ્રથી જ્યોતિ શિનોલી દ્વારા; રાજસ્થાનથી હાજી મોહમંદ દ્વારા; અને સંવીતી ઐયરના સંપાદકીય સમર્થન સાથે પ્રીતિ ડેવિડ તથા વિનુથા માલ્યા દ્વારા સંપાદિત છે. આમાં બીનાફર ભરૂચા દ્વારા ફોટો એડીટિંગ કરવામાં આવ્યું છે.
કવર છબી: એમ. પલાની કુમાર
અનુવાદક: ફૈઝ મોહંમદ