તેઓ લાલ, પીળા, લીલા, સફેદ, અને કેસરી ઝંડાઓ ફરકાવતા મંચ પાસેથી પસાર થયા. માથા પર લીલા દુપટ્ટા ઓઢીને મહિલા ખેડૂતોની એક ટોળકી કૂચ કરતી આવી. ઝાંખી સફેદ, મરૂન, પીળી, અને લીલા રંગની પાધડીઓમાં સજ્જ પુરુષોનો એક કાફલો ટ્રેક્ટર પર સવાર થઇ પસાર થયો. આખા દિવસ દરમિયાન ખભા પર ધ્વજા રાખીને ઘણા સમૂહ મંચ પાસેથી પસાર થતા રહેતા હતા - જાણે કે બધા એક કવિતાની પંક્તિઓની જેમ એક પછી એક પસાર થતા હોય.
૨૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જ્યારે તેઓ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયા હતા એને એક વર્ષ થયું હતું. આ માઈલસ્ટોન વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ખેડૂતો અને સમર્થકોએ ગયા શુક્રવારે સિંઘુ, ટીકરી, અને ગાઝીપુરના પ્રદર્શન સ્થળો ભરી દીધા હતા.
એ દિવસ વિજય ને આંસુઓનો, યાદો ને યોજનાઓનો હતો. પ્રધાનમંત્રી દ્વારા ૧૯ નવેમ્બરના રોજ ત્રણ કાયદાઓ રદ કરવાની જાહેરાત પછી ૩૩ વર્ષીય ગુરજીતસિંહ કે જેઓ સિંઘુ ખાતે હતા, તેઓ કહે છે, આ એક લડાઈની જીત છે, પણ અંતિમ જીત નથી.તેઓ પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઝીરા તાલુકામાં એમના ગામ અરાઇયાનવાલામાં ૨૫ એકર જમીનમાં ખેતી કરે છે.
“આ વિજય લોકોને ફાળે જાય છે. અમે એક જીદ્દી પ્રશાસનને હરાવ્યું છે, આથી અમે ખુશ છીએ,” એ દિવસે સિંઘુ ખાતે હાજર ૪૫ વર્ષીય ગુરજીત સિંહ આઝાદ કહે છે. આઝાદ ગુરદાસપુર જિલ્લાના કહ્નુંવાન તાલુકામાં આવેલા ભટ્ટીયાન ગામના વતની છે, જ્યાં તેમની બે એકર જમીન છે અને તેના પર તેમના કાકા ઘઉં અને ડાંગર વાવે છે. તેઓ કહે છે, “આ લડાઈની શરૂઆત ૨૬ નવેમ્બરે નહોતી થઇ. એ દિવસે તો ખેડૂતો ફક્ત સરહદ પર આવ્યા હતા. ખરડો કાયદો બન્યો એ પહેલા જ ખેડૂતોએ વિરોધ શરૂ કરી દીધો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં જ્યારે કાયદો બન્યો, ત્યારે અમને દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું હતું. અમે એનું પાલન કર્યું.”
તેઓ ગયા વર્ષના માર્ચ મહિનામાં ઘટેલી ઘટનાઓ યાદ કરે છે: “જેમ અમે રાજધાની તરફ આગળ વધ્યા, તેમ સરકારે અમારા પર વોટર કેનન છોડ્યા. તેમણે રસ્તામાં ઊંડા ખાડા ખોદયા. પણ અમે જંગ કરવા નહોતા આવતા એટલે અમે ઊંચી વાડ, અને કાંટાળા તારથી ડર્યા નહીં.” (૬૨ વર્ષીય જોગરાજ સિંહે ગયા વર્ષે મને કહ્યું હતું કે તેમના જેવા ખેડૂતો પોલીસને જમાડે છે, અને પોલીસ પણ તેમના જ સંતાન છે. આથી જો તેમની લાઠીઓને પણ ‘જમાડવાની હોય’તો ખેડૂતો તેમની પીઠ ધરવા તૈયાર છે.)

ખેડૂતો ૨૬ નવેમ્બરના રોજ તેમની ઉજવણીમાં એટલા જ શાંતિપૂર્ણ હતા , જેવા તેઓ મુશ્કેલીના આ આખા વર્ષ દરમિયાન રહ્યા છે . તેમણે નાચ ગાન કર્યું , અને તેમણે લાડુ વહેંચ્યા
ગયા અઠવાડિયે સિંઘુ ખાતે પટિયાલા જિલ્લાના દૌન કલાન ગામના વતની રાજીન્દર કૌર પણ હાજર હતા. તેઓ પ્રદર્શન સ્થળે ૨૬ વખત આવ્યા હતા. ૪૮ વર્ષીય રાજીન્દરનો પરિવાર ૫ એકર જમીન ધરાવે છે, તેઓ કહે છે, “જ્યારથી પ્રદર્શન શરૂ થયા ત્યારથી હું પટિયાલા ખાતે એક ટોલ પ્લાઝા પર સેવા આપતી હતી, અને કોઈ ખેડૂતને ટોલ ન ભરવો પડે એનું ધ્યાન રાખતી હતી. પહેલા તેમણે [પ્રધાનમંત્રીએ] કાયદા પસાર કર્યા, અને પછી તેને રદ કરી દીધા. આ દરમિયાન અમે ઘણું નુકસાન વેઠયું છે [જીવ અને રોજગારનું]. તેમણે કાયદા લાવવા જ નહોતા જોઈતા, અને લાવી દીધા પછી પણ વહેલા પાછા ખેંચી લેવા જોઈતા હતા.”
આ ૧૨ મહિનાઓ દરમિયાન, જ્યારે સરકારે કાયદાઓ પસાર કરી દીધા અને ખેડૂતોની રજૂઆત સાંભળવાની ના પાડી દીધી, ત્યારે ખેડૂતોએ શિયાળાની થીજવી નાખે એવી ઠંડીને સહન કરી. અને તેમણે ધગધગતી ગરમી પણ સહન કરી, તથા હાઇવે પર લગાવેલા તેમના તંબુઓ ઉડાવી નાખે એવા વાવાઝોડા અને વરસાદ પણ ઝીલ્યા. તેમને ધમકી આપવામાં આવી હતી કે તેમને આપવામાં આવેલી વીજળી અને પાણીની સુવિધા પછી ખેંચી લેવામાં આવશે. તેમણે શૌચાલયની અછત અને મહામારીનું સંકટ પણ સહન કરવું પડ્યું.
આઝાદ કહે છે, “સરકાર અમને થકવી નાખવા માગતી હતી અને વિચારતી હતી કે અમે જતા રહીશું. પણ અમે ગયા નહીં.” જ્યારે ખેડૂતો અડગ થઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે મુખ્ય પ્રસાર માધ્યમોના ઘણા વિભાગોએ તેમની બદનક્ષી કરી હતી આઝાદે કહ્યું કે ખેડૂતોને અશિક્ષિત, ખાલિસ્તાનીઓ વગેરે ગણાવતા મીડિયાના નિવેદનનો વિરોધ કરવા તેમણે ખેડૂતોને સમર્પિત જાણીતા સોશિયલ મીડિયાની એક સંસ્થા સાથે સ્વૈચ્છિક સેવા આપી. “એ લોકો કહેતા હતાં કે અમે અભણ છીએ અને તેમણે અમારી વિચારવાની ક્ષમતા પર હુમલો કર્યો. મેં તેને પડકાર તરીકે લીધો અને એનું ખંડન કરવા પ્રત્યુત્તર લખ્યા,” તેમણે કહ્યું.
ગુરજીત સિંહ ઉમેરે છે કે, “આ ચળવળે અમને ઘણું શીખવ્યું છે. એક તો એ કે ગમે તેવી વિપરીત પરીસ્થિતિ હોય, સત્યની લડાઈ હંમેશા જીતી શકાય છે. અને આનાથી દેશનાં કાયદાના ઘડવૈયાઓને પણ એક વસ્તુ શીખવા મળી છે - દેશના લોકો પર કોઈ કાયદો થોપી દેતા પહેલા હજાર વખત વિચાર કરો.”
સુખદેવ સિંહ કહે છે, “અમે વિજયી થવા આવ્યા છીએ, અને વિજય પ્રાપ્ત કરીને જ અહિંથી જઈશું.” ફતેહગઢ સાહેબ જિલ્લાના ખામાનોન તાલુકાના મજરા ગામના ૪૭ વર્ષીય ખેડૂત સુખદેવ સિંહનો ડાબો પગ ૧૫ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં કપાઈ ગયો હતો. તેઓ આગળ ઉમેરે છે, “જ્યારથી આ જાહેરાત [કાયદાઓ રદ કરવાની] થઇ છે, ત્યારથી અમને ઘરે મોકલવાની જ વાત ચર્ચાઈ રહી છે. જ્યાં સુધી કાયદાઓ રદ કરવાની સંસદની કાર્યવાહી પૂરી નહીં થાય અને જ્યાં સુધી વીજ (સંશોધન) બીલ, ૨૦૨૦ રદ કરવામાં અહીં આવે, ત્યાં સુધી અમે અહિંથી જવાના નથી.”
ખેડૂતો ૨૬ નવેમ્બરના રોજ તેમની ઉજવણીમાં એટલા જ શાંતિપૂર્ણ હતા, જેવા તેઓ મુશ્કેલીના આ આખા વર્ષ દરમિયાન રહ્યા છે. તેઓ નાચ ગાન કર્યું, અને તેમણે મીઠાઈઓ અને ફળ વહેંચ્યા - બુંદી લાડુ, બરફી અને કેળા. તેમની લંગર અને અન્ય સેવાઓ ચાલુ રહી.

આ ઐતિહાસિક દિવસે હાજર રહેવા માટે ૮૭ વર્ષીય મુખ્તાર સિંહે તેમના દીકરાને કહ્યું કે તેમને વિરોધ - વિરોધ - પ્રદર્શન સ્થળે લઇ જાય , જેથી તેઓ આરામથી મોતને ભેટી શકે . અહિં , તેઓ તેમના પૌત્ર અને હરિયાણાના કરનાલના ખેડૂત - કવિ દેવી સિંહ સાથે છે
૨૬ નવેમ્બરના રોજ, સિંઘુ અને ટીકરી સરહદ પર બનાવેલા મંચ ખેડૂતોને અભિનંદન આપવા માટે આવેલા વિવિધ ક્ષેત્રના લોકોથી ઉભરાઈ ગયા હતા. જેમાં ઘણા લોકો રડી પડ્યા હતા.
ઉત્સાહ અને ગર્વભેર જવાબ આપતા હતા. સ્ટેજ પરથી બોલનાર દરેક વ્યક્તિએ ૭૦૦થી વધુ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે છેલ્લા એક વર્ષમાં વિરોધ-પ્રદર્શન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આઝાદ કહે છે, “જે ખેડૂતો પહેલી વર્ષગાંઠના રોજ અહિં આવ્યા હતા, તેઓ ફક્ત વિજયની ઉજવણી કરવા જ નહોતા આવ્યા, પણ વિરોધ-પ્રદર્શન દરમિયાન જેમણે પોતાનો જીવ ખોયો હતો એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પણ આવ્યા હતા.” ગુરજીત કહે છે, “અમને ખબર નથી કે અમારે ખુશ થવું કે દુઃખી થવું. આ ઉમદા કારણ માટે બલિદાન આપનારા અમારા સાથી વિરોધ-પ્રદર્શનકારીઓને યાદ કરીને હજુપણ અમારી આંખોમાંથી આંસુ વહી પડે છે. અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.”
આ ઐતિહાસિક દિવસે હાજર રહેવા માટે ૮૭ વર્ષીય મુખ્તાર સિંહ અમૃતસર જિલ્લાના અજ્નાલા તાલુકાના સેહ્ન્સ્રા ગામેથી અહિં આવ્યા છે. ત્યાં તેઓ ૯ એકર જમીનના માલિક છે. તેઓ માંડમાંડ ચાલી કે બોલી શકતા હતા. કમરથી વળી ગયેલા અને લાકડીના ટેકે ઉભેલા મુખ્તાર સિંહે મંચ તરફ થોડા ડગલા ભર્યા. જ્યારે કાયદાઓ રદ કરવાની જાહેરાત થઇ ત્યારે તેમણે તેમના ૩૬ વર્ષીય દીકરા સુખદેવ સિંહને તેમને વિરોધ-પ્રદર્શન સ્થળે લઇ જવા કહ્યું. તેમણે સુખદેવને કહ્યું કે તેમણે તેમની આખી જીંદગી ખેડૂતો માટે કામ કરવામાં પસાર કરી છે (એક સંઘના સભ્ય તરીકે), અને તેઓ વિરોધ-પ્રદર્શન સ્થળને એટલા માટે જોવા માગતા હતા, કે જેથી તેઓ આરામથી મોતને ભેટી શકે.
ગુરદાસપુરના બટાલા બ્લોકના હરચોવાલ ગામના ૫૮ વર્ષીય ખેડૂત કુલવંત સિંહ કહે છે કે, આખું વર્ષ મુશ્કેલ પરિસ્થિતિમાં વાટ જોતી વખતે, તેમને ભરોસો નહોતો કે કાયદાઓ પાછા ખેંચાશે કે નહીં. “પછી હું હતાશા ભગાવવા માટે મારી જાતને કહેતો કે ચરડી કલાન [પંજાબીમાં આશા રાખો એમ કહેતું વાક્ય].”
ખેડૂતોએ તેમના પાક માટે એમએસપી (ન્યૂનતમ સમર્થન મુલ્ય)ના કાયદાકીય અધિકાર અને લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ખેડૂતો માટે ન્યાય સહિત અન્ય પડતર માંગણીઓની વાત કરી. તેઓ કહે છે કે આ મુદ્દા તથા અન્ય મુદ્દાઓ માટે લડત ચાલુ રહેશે. અત્યાર સુધી એક ઐતિહાસિક વર્ષ પસાર થયું છે, અને કવિ ઈકબાલના શબ્દો મનમાં આવે છે:
“જિસ ખેત સે દહકા કો મયસ્સર નહીં રોઝી
ઉસ ખેત કે હર ખોશા-એ-ગંદુમ કો જલા દો.”
(જે ના પૂરે ખાડો ખેડૂતના પેટનો,
એ ખેતના ઘઉંના દાણે દાણાને
નાખો ભકભકતી એ આગની ભઠ્ઠીમાં!)

ટીકરી ( આ છબીમાં ), સિંઘુ , અને ગાઝીપુરમાં તે દિવસ યુવાનો અને વૃદ્ધો બધા માટે સહિયારી જીતનો અને યાદોનો દિવસ હતો

ટીકરીમાં સંયુક્ત કિસાન મોરચાના મંચ પાસે આ ખેડૂતની જેમ ઘણા લોકોએ આ ઐતિહાસિક ક્ષણ રેકોર્ડ કરી હતી

સ્ટેજ પરથી બોલનાર દરેક વ્યક્તિએ ૭૦૦થી વધુ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી , જેમણે છેલ્લા એક વર્ષમાં વિરોધ - પ્રદર્શન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો ( આ ફોટો ટીકરી ખાતે લેવામાં આવ્યો હતો )

૨૬ નવેમ્બરના રોજ , સિંઘુ અને ટીકરી સરહદ પર બનાવેલા મંચ ખેડૂતોને અભિનંદન આપવા માટે આવેલા વિવિધ ક્ષેત્રના લોકોથી ઉભરાઈ ગયા હતા . જેમાં ઘણા લોકો રડી પડ્યા હતા

ઘણા ખેડૂત આગેવાનો મંચ પર હતા , અને સામે ઊભેલા અને બેઠેલા ખેડૂતો દરેક નારાનો ઉત્સાહ અને ગર્વ ભેર જવાબ આપતા હતા
![During the difficult year, said Kulwant Singh, sometimes he was uncertain if the laws would be repealed:' Then, I would again struggle to regain optimism and tell myself – chardi kalan [remain hopeful].](/media/images/_MG_5737.max-1400x1120.jpg)

કુલવંત સિંહ ( ડાબે ) કહે છે , કે આ કઠીન વર્ષ દરમિયાન એમને ભરોસો નહોતો કે કાયદાઓ પાછા ખેંચાશે કે નહીં . ‘ પછી હું હતાશા ભગાવવા માટે મારી જાતને કહેતો કે ચરડી કલાન [ આશા રાખો ].’ જમણે : સિંઘુ સરહદ પર વિજયના ચિન્હો

ઘણા વર્ષો પહેલા જેમનો ડાબો પગ કપાઈ ગયો હતો એવા સુખદેવ સિંહ કહે છે , ‘ અમે વિજયી થવા આવ્યા છીએ , અને વિજય પ્રાપ્ત કરીને જ અહિંથી જઈશું'

ધ્વજાઓ , મંચ પરના ભાષણો ( ડાબે ), નારાઓ અને તાળીઓ સાથે ડોશીના વાળ

વિજય દિવસની ઉજવણી કરવા માટે ખેડૂતો ફોટા પડાવે છે


ડાબે : ગયા અઠવાડિયે સિંઘુમાં રાજીન્દર કૌર પણ હાજર હતા . ( પટિયાલામાં લેવામાં આવેલી છબીમાં ડાબેથી ચોથા ). તેઓ વિરોધ - પ્રદર્શન સ્થળે ૨૬ વખત આવ્યા હતા . જમણે : ગુરજીત સિંહ આઝાદ ( ગયા વર્ષની છબીમાં ) કહે છે , ‘ સરકાર અમને થકવી નાખવા માગતી હતી અને વિચારતી હતી કે અમે જતા રહીશું . પણ અમે ગયા નહીં'


ડાબે : દિલ્હીના એક ઈજનેર , જેઓ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા છે . જમણે : હરિયાણાના કર્નલના બારાગાઉંમાં રહેતા ખેડૂત અને કવિ દેવી સિંહ

ખેડૂતોનું એક જૂથ ગ્રેફિટી વાળી ભીંતની સામે આરામ કરી રહ્યું છે જેના પર લખ્યું છે : ‘ સામ્રાજ્યવાદનું પતન થાય ’

વિરોધ સ્થળ પરથી કેળાની છાલ ટ્રેક્ટર - ટ્રોલીમાં નાખતી મહિલા કાર્યકરો
અનુવાદક: ફૈઝ મોહંમદ