રસ્તા પર ચાર દિવસો પસાર કરીને અને ૭૫૦ કિલોમીટર મુસાફરી કરીને, ટેમ્પો અને જીપોનો કાફલો રાજસ્થાનના કોટાના એક ગુરુદ્વારામાં બપોરના ભોજન માટે રોકાયો. ૨૪ ડિસેમ્બરે બપોરે ઠંડી છે, અને મુસાફરો – મહારાષ્ટ્રના ખેડૂતો અને ખેતમજૂરો – આખી રાત મુસાફરી કરવાને લીધે થાકી ગયા છે. પરંતુ જ્યારે તેઓ ગુરુદ્વારાના સામુદાયિક રસોડામાં ભોજનની વાટ જોઈ રહ્યા છે, સવિતા ગુંજલ તેમનું જોશ વધારી રહી છે – કામગર ચ્યા કશ્તાના નટવાલા જગલા, જીવન નાહી પોટાલા, કપડા નાહી નેસાયલા (મજૂરોની મજુરી દુનિયાને સુંદર બનાવે છે, પરંતુ તેમની પાસે ખાવા માટે રોટી કે પહેરવા માટે કપડા નથી).
ઘાટા લાલ રંગનું શર્ટ અને વાદળી રંગની જીન્સ પહેરેલ, ૧૬ વર્ષીય ભીલ આદિવાસી ગાયિકા કહે છે કે, “હું અહિં ગાવા માટે નથી આવી.” નાસિક જીલ્લાના ચંદવાડ તાલુકાના ચંદવાડ ગામની સવિતા કહે છે કે, “હું ખેડૂતોને એમના અધિકારો વિષે જાગૃત કરવા માગું છું. હું દુનિયાને અમારી પરિસ્થિતિ વિષે જણાવવા માગું છું.” તેઓ દિલ્લીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે શામેલ થવા માટે, નાસિકથી ૨૧ ડિસેમ્બરે ખેડૂતોના ગાડીઓના જથ્થા સાથે રવાના થઇ હતી. લાખો ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સૌ પ્રથમ પાંચ જૂને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
સવિતા પોતાના ઘરે, સપ્તાહના અંતે અને રજાઓ દરમિયાન ખેતમજૂર તરીકે કામ કરે છે અને એક દિવસમાં ૧૫૦-૨૦૦ રૂપિયા કમાય છે. તે કહે છે કે, “જો કામ હોય, તો હું ખેતરમાં જાઉં છું.” કોવીડ-૧૯ લોકડાઉન દરમિયાન તેમણે પોતાનો મોટાભાગનો સમય ચંદવાડના ખેતરોમાં કામ કરીને પસાર કર્યો. તે કહે છે કે, “લોકડાઉન દરમિયાન કામ ખૂબ જ ઓછું હતું. મને જેટલું કામ મળી શકતું હતું એ મેં કર્યું, અને જેટલું કમાઈ શકતી હતી તેટલું કમાઈ.” તેણે આજ વર્ષે (૨૦૨૦માં) હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ મહામારીને લીધે કૉલેજનો અભ્યાસ શરુ કરી શકી નથી.
સવિતા ઘણીવાર ચંદવાડમાં પોતાના સમૂહ સાથે જાહેર સમારંભમાં ગાય છે. આ સમુહમાં એમના ભાઈ સંદીપ અને એમની બહેનપણીઓ કોમલ અને અર્ચના પણ શામેલ છે. તે એમના બધા ગીતો એમના ભાઈની મદદથી લખે છે. ૨૪ વર્ષીય સંદીપ ખેતમજૂર છે, જેઓ ખેતર ખેડવા માટે ટ્રેક્ટર ચલાવે છે. સવિતા કહે છે કે આ સખત મહેનત માંગી લે તેવું કામ છે અને એમની આવક જમીનના આકાર અને એમાં લાગતા સમય પર આધારિત છે. ઉદાહરણ તરીકે, એમને ૬-૭ એકર જમીન ખેડવામાં સળંગ ત્રણ દિવસ અને ત્રણ રાત થાય છે. જે માટે એમને લગભગ ૪,૦૦૦ રૂપિયા મળે છે.
પોતાના ભાઈને સખત મહેનત કરતો જોઇને એમને એમના ગીતો લખવાની પ્રેરણા મળે છે. “હું ખેડૂતોના રોજબરોજના મુદ્દાઓ વિષે જાગરૂકતા ફેલાવવા માટે ગાઉ છું. પ્રતિદિન તેઓ ખેતરમાં સખત મહેનત કરે છે, તેમ છતાં એમને એમના દ્વારા ઉગાવેલ અનાજની બરાબર કિંમત મળતી નથી. આ કારણે ખેડૂતો પાછળ રહી ગયા છે. આપણા દેશમાં ગરીબ વધુ ગરીબ થતા જાય છે અને અમીર વધારે અમીર થતા જાય છે.”
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે ત્રણ નવા કાયદાઓ એમને બરબાદ કરી દેશે. આ ત્રણ કાયદાઓ આ મુજબ છે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.


સવિતા ગુંજલ (ડાબે) એ જે ગીતોની રચના કરી, એ ગીતો મહારાષ્ટ્રના ખેડૂતોનો સમૂહ (જમણે) પોતાની મુસાફરી દરમિયાન ગઈ રહ્યા હતા
સવિતાના પરિવાર પાસે ત્રણ એકર જમીન છે, જેના પર ખેતી કરીને તેઓ પોતાનો જીવનનિર્વાહ કરે છે. એમના પિતા, ૪૫ વર્ષીય હનુમંત ગુંજલ અને મા, ૪૦ વર્ષીય તાઈ ગુંજલ, બંને ખેડૂત છે. તેઓ ઘઉં, બાજરી, ચાવલ અને ડુંગળી ઉગાવે છે. સવિતાની નાની બહેન અનીતા, જે પાંચમાં ધોરણમાં ભણી રહી છે, એ જમીન પર ખેતી કરવામાં એમની મા ની મદદ કરે છે. એમનો બીજો ભાઈ, ૧૮ વર્ષીય સચિન ચંદવાડમાં ઈજનેરીનો અભ્યાસ કરે છે. સંદીપની જેમ જ તે પણ વધારાના સમયમાં ખેતર ખેડે છે.
સવિતાના ૬૬ વર્ષીય દાદી કલાબાઈ ગુંજલ (ઉપરના કવર ફોટોમાં ડાબી તરફ), ગાડીઓના જથ્થામાં એમની સાથે છે. કલાબાઈ જ્યારે ૧૬ વર્ષના હતા, ત્યારે તેઓ ચંદવાડમાં અખિલ ભારતીય કિસાન સભાના પહેલા નેતા બન્યા હતા. સવિતા કહે છે કે, “મારી આજી (દાદી) મને ગાવા માટે પ્રોત્સાહિત કરે છે. આજોબા (દાદા) એ એમને ગાવાનું શીખવ્યું હતું, અને એમણે પછી મને શીખવ્યું. તેઓ મને પોતાની મેળે ગીતો લખવાનું કહે છે.”
કવિ અન્નાભાઉ સાઠે અને કાર્યકર્તા રમેશ ગાઈચોર પણ સવિતાને પ્રેરિત કરે છે. “ગીતો લખતી વેળા હું અન્નાભાઉ વિષે વિચારું છું. એમનું ગીત, મત ઘુટ- ઘુટ કર રહના, સહને સે ઝુલ્મ બઢતા હૈ, મારા મનગમતા ગીતો માંથી એક છે. તેઓ એક ક્રાંતિકારી છે. એમની જેમ જ હું ચાહું છું કે મારી બહેનો એમના પર જુલમ કરવાવાળાઓ સામે લડે. આપણો દેશ મહિલાઓનું સમ્માન નથી કરતો. અમારી સાથે બળાત્કાર થાય છે અને કોઈને કંઈ પરવાહ નથી. એમના ગીતો ગાઈને, હું છોકરીઓને લડવા માટે પ્રેરિત કરું છું, કેમ કે ત્યારે જ અમને આઝાદી મળશે.”
“જ્યારે હું ગાઉં છું, ત્યારે મને લાગે છે કે મારા જીવનનો કોઈ મકસદ છે. હું દિલ્લી સુધી ગાઈશ,” તેઓ ટેમ્પો તરફ જતી વેળા કહે છે, જ્યાં ૨૦ ખેડૂતો કોરસનું નેતૃત્વ કરવા માટે એમની વાટ જોઈ રહ્યા હતા.
અનુવાદક: ફૈઝ મોહંમદ