પાકિસ્તાનની સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર, શમશેર સિંહ તેમના ભાઈના ગેરેજમાં કામ કરી રહ્યા છે, તેઓ તેમના ઓજારો ધ્યાનથી તપાસી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી અહીં મિકેનિક તરીકે કામ કરે છે, પરંતુ આ કામ તેમણે પસંદ કરેલું નથી.
35 વર્ષના શમશેર ત્રીજી પેઢીના કુલી છે, એક સમયે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા સરહદ પર કામ કર્યું હતું. તેમનો પરિવાર પ્રજાપતિ સમુદાયનો છે, જે આ રાજ્યમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ - ઓબીસી) તરીકે સૂચિબદ્ધ છે.
પાકિસ્તાન સાથેની પંજાબની આ સરહદે, સિમેન્ટ, જીપ્સમ અને સૂકા મેવા લઈને રોજની સેંકડો ટ્રકો ભારતમાં આવતી હતી. એ જ રીતે ટામેટાં, આદુ, લસણ, સોયાબીનનો અર્ક અને કાંતેલા સૂતર સહિત બીજો માલસામાન વહન કરતી ટ્રકો પાકિસ્તાન તરફ જતી હતી.
શમશેર લગભગ એ 1500 કુલીઓમાંના એક હતા જેમનું કામ "સરહદ ક્રોસિંગ પર ટ્રકોની આગળની મુસાફરી માટે આ માલ તેમાંથી ઉતારવાનું અને તેમાં ચડાવવાનું હતું." આ વિસ્તારમાં કોઈ ફેક્ટરીઓ કે ઉદ્યોગો નથી; અટારી-વાઘા સરહદની 20 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામોના ભૂમિહીન રહેવાસીઓ તેમની આજીવિકા માટે સીમા-પારના વેપાર પર ખૂબ આધાર રાખે છે.

શમશેર ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ પર કુલી હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ તેમના ભાઈના ગેરેજમાં કામ કરે છે
2019 માં આતંકવાદી હુમલામાં પુલવામામાં 40 ભારતીય સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા ત્યારથી ઘણુંબધું બદલાઈ ગયું, નવી દિલ્હીએ આ હુમલાનો આરોપ ઈસ્લામાબાદ પર આરોપ લગાવ્યો હતો.
આના પગલે, ભારતે પાકિસ્તાનને આપવામાં આવેલ વ્યાપાર માટેનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો, અને આયાત પર 200 ટકા કસ્ટમ ડ્યુટી લાદી દીધી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારતે કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને વેપાર પ્રતિબંધો લાદી બદલો લીધો હતો.
બ્યુરો ઓફ રિસર્ચ ઓન ઈન્ડસ્ટ્રી એન્ડ ઈકોનોમિક ફંડામેન્ટલ્સ (બીઆરઆઈઈએફ - બ્રીફ) દ્વારા 2020 માં કરાયેલ આ અભ્યાસ કહે છે કે નજીકના સરહદી ગામોમાં રહેતા કુલીઓ અને અમૃતસર જિલ્લાના 9000 થી વધુ પરિવારોને પારાવાર નુકસાન પહોંચ્યું હતું.
અમૃતસર શહેરમાં કામ માટે જવામાં સ્થાનિક બસમાં 30-કિલોમીટરની મુસાફરીનો વધારાનો ખર્ચ થાય છે - આ મુસાફરીનો ખર્ચ લગભગ 100 રુપિયા જેટલો થાય છે. મજૂરીના કામના લગભગ 300 રુપિયા જેવું મળે, એટલે શમશેર કહે છે, "રોજના 200 રુપિયા ઘેર લાવવાનો શો અર્થ?"
જ્યાં રાજદ્વારી નિર્ણયો લેવામાં આવે છે એ દિલ્હીથી સેંકડો કિલોમીટર દૂર રહેલા આ કુલીઓને લાગે છે કે સરકાર (તેમનું) સાંભળતી નથી, પરંતુ જો સંસદ સભ્ય શાસક પક્ષના હશે તો તેમનો અવાજ (દિલ્હી સુધી) પહોંચાડવામાં મદદ મળશે. વધુમાં, એ સાંસદ સરહદને ફરીથી ખોલવા માટે દબાણ કરશે જેથી તેમને ફરીથી કામ મળી રહેશે.


ડાબે: અટારી-વાઘા સરહદ પર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ. જમણે: અટારી ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ પર, પાકિસ્તાનથી દરરોજ વિવિધ માલસામાન વહન કરતી ટ્રકો ભારતમાં આવતી હતી, એ જ રીતે ભારતમાંથી વિવિધ માલસામાન વહન કરતી ટ્રકો સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં જતી હતી. પરંતુ 2019 ની પુલવામા ઘટના પછી પડોશી દેશો વચ્ચેના વેપાર સંબંધો તૂટી ગયા હતા અને આ કુલીઓને પારાવાર નુકસાન પહોંચ્યું હતું
હવે, સરહદ પર મોસમ પ્રમાણે, માત્ર જ્યારે અફઘાનિસ્તાનથી ટ્રકો પાક લઈને આવે છે ત્યારે કામ મળી રહે છે. શમશેર કહે છે કે તેઓ આ કામ, જેમને માટે વચ્ચે વચ્ચે ટૂંકા સમય માટેનું મજૂરી કામ શોધવાનું વધુ મુશ્કેલ હોય છે એવા, વૃદ્ધ કુલીઓને સોંપે છે.
અહીંના કુલીઓ સમજે છે કે સરહદ બંધ કરવાની પાછળનો સંકેત બદલો લેવાનો હતો. શમશેર કહે છે, “પર જેડા એથે 1500 બંદે ઔના દા દે ચૂલે ઠંડે કરન લગે સો બારી સોચના ચાહિદા [પરંતુ તેઓએ એ પણ વિચારવું જોઈએ કે સરહદ બંધ કરીને તેમણે અહીંના કેટકેટલા પરિવારોના ચૂલા ઠંડા પાડી દીધા છે]."
કુલીઓ પાંચ વર્ષથી અધિકારીઓને અરજી કરી રહ્યા છે, પરંતુ કંઈ વળ્યું નથી. તેઓ ઉમેરે છે, "રાજ્ય અને કેન્દ્ર બંનેમાં એવી કોઈ શાસક સરકાર બાકી નથી કે જેનો અમે છેલ્લા પાંચ વર્ષમાં સરહદ ફરીથી ખોલવા માટે અમારા માંગ પત્ર [આવેદન પત્ર] સાથે સંપર્ક કર્યો ન હોય."
કૌંકે ગામના દલિત કુલી સુચા સિંહ કહે છે કે “અમૃતસરના વર્તમાન સાંસદ, કોંગ્રેસ પક્ષના ગુરજીત સિંહ ઔજલા, રહેવાસીઓની આજીવિકા માટે સરહદ ફરીથી ખોલવા વિશે, સંસદમાં ઘણી વખત મોદી સરકારને વાત કરી ચૂક્યા છે. જો કે, સરકારે તેના પર કાર્યવાહી કરી નથી કારણ કે ગુરજીત સિંહનો પક્ષ (કોંગ્રેસ) કેન્દ્રમાં સત્તા પર નથી."


ડાબે: સરહદ નજીકના ગામ કૌંકેના એક કુલી સુચા સિંહ હવે તેમના દીકરા સાથે કડિયા તરીકેનું કામ કરે છે. જમણે: હરજીત સિંહ અને તેમના પાડોશી સંદીપ સિંહ બંને કુલી હતા. હરજીત હવે એક વાડીમાં કામ કરે છે અને સંદીપ દાડિયા મજૂર છે. તેઓ અટારીમાં હરજીતના ઘરની છતનું સમારકામ કરી રહ્યા છે


ડાબે: બલજીત (ઊભેલા) અને તેમના મોટા ભાઈ સંજીત સિંહ (બેઠેલા) રોરાનવાલાના રહેવાસી છે. બલજીતે સરહદ પર કુલી તરીકેની નોકરી ગુમાવી દીધી છે. જમણે: તેમની માતા મનજીત કૌરને દર મહિને મળતું 1500 રુપિયાનું વિધવા પેન્શન એ જ તેમના સાત સભ્યોના પરિવારમાં આવકનો એકમાત્ર સ્થિર સ્ત્રોત છે
કુલી તરીકેનું પોતાનું કામ ગુમાવ્યા પછી આ 55 વર્ષના દલિત મઝહબી શીખ સુચા સિંહ તેમના દીકરા સાથે કડિયા તરીકેનું કામ કરી રોજના લગભગ 300 રુપિયા કમાય છે.
2024 ની લોકસભા ચૂંટણીમાં, જબરજસ્ત સર્વસંમતિ એ જરા વિચિત્ર હતી. શમશેર સમજાવે છે: “અમે આ ચૂંટણી માટે નોટા (એનઓટીએ) દબાવવા માગતા હતા, પરંતુ અમારી [કુલી તરીકેની] આજીવિકા સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર પર નિર્ભર છે. અમને બીજેપી [ભારતીય જનતા પાર્ટી] ને મત આપવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ એ જરૂરી છે.”
4 થી જૂન, 2024 ના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ પુષ્ટિ કરી છે કે કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત સિંહ ઔજલાએ તેમની બેઠક જાળવી રાખી છે. સરહદના રાજકારણ પર તેમનો પ્રભાવ પડશે કે કેમ એ હવે જોવાનું રહેશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક