ધમતરી જિલ્લાની નગરી તહેસીલમાં એક રસ્તાની બાજુએ લગભગ 10 લોકોના એક જૂથ વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું એ મેં જોયું. હું થોભું છું અને એવું તે શું છે જેમાં તેમને આટલો રસ જાગ્યો છે એ જોવા માટે તેમની પાસે જાઉં છું.
કેટલાક યુવાનો એક સ્થાનિક સરકારી હોસ્પિટલની છત પર બનેલા મધમાખીના મધપૂડામાંથી ટપકતું મધ વેચી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસને તેમને મધપૂડા દૂર કરવા કહ્યું હતું.
હું તેમને પૂછું છું કે તેઓ ક્યાંના છે. સાયબલ પોતાના ઘર પ્રત્યે સ્પષ્ટ પ્રેમ સાથે કહે છે, "કોલકાતા, પશ્ચિમ બંગાળ!" હું પૂછું છું, "એટલે કોલકાતા શહેરના?" તેઓ જવાબ આપે છે, "તમે સુંદરવન વિષે સાંભળ્યું છે?" અલબત્ત, (મને ખ્યાલ છે) હું કહું છું, મારા મનમાં સવાલ ઊઠે છે શું તેઓ સુંદરવનમાં તેમના વતનમાં પણ મધ એકઠું કરતા હશે.


સાયબલ (લાલ શર્ટમાં, મધ રેડતા) અને રણજિત મંડલ (ફોટામાં નથી), બીજા કેટલાક લોકો સાથે નગરી તહેસીલમાં રસ્તાની બાજુની તેમની મધની કામચલાઉ દુકાન પર
“મધ એકઠું કરવું એ અમારો વ્યવસાય નથી, અમે [ઘર રંગનારા] રંગારા છીએ. જ્યારે કોઈ અમને કહે ત્યારે અમે આ કામ પણ કરીએ છીએ. પરંતુ અમે અમારા ગામમાં મધમાખી ઉછેરનારાઓ તરીકે પણ મધ એકઠું કરીએ છીએ, તેથી મધપૂડા કેવી રીતે દૂર કરવા એ અમે જાણીએ છીએ. એ અમારું પરંપરાગત કૌશલ્ય છે. અમારા દાદા અને તેમના દાદાએ પણ આ કામ કર્યું હતું.
પછી સાયબલ તેઓ ઉડતી, ગુંજતી મધમાખીઓને કેવી રીતે ભગાડે છે એની મને વાત કરે છે. તેઓ મુઠ્ઠીભર સૂકા ઘાસને આગ લગાડવાથી શરૂઆત કરે છે અને મધમાખીઓને મધપૂડામાંથી બહાર કાઢે છે. તેઓ કહે છે, "અમે ધુમાડો કરીને રાણી મધમાખીને પકડી લઈએ છીએ. અમે મધમાખીઓને નથી મારી નાખતા કે નથી બાળી નાખતા. એકવાર અમે રાણી મધમાખીને પકડીને કોથળીમાં મૂકી દઈએ પછી બીજી મધમાખીઓ કોઈ નુકસાન પહોંચાડતી નથી.” મધમાખીઓ ઉડી જાય છે અને મધ એકઠું કરનારા મધપૂડો કાપીને મધ એકઠું કરે છે. તેઓ ઉમેરે છે, “પછી અમે રાણી મધમાખીને જંગલમાં છોડી દઈએ છીએ. જેથી તેઓ તેમની નવી વસાહત બનાવી શકે.”


'અમે મધમાખીઓને નથી મારી નાખતા કે નથી બાળી નાખતા... અમે રાણી મધમાખીને જંગલમાં છોડી દઈએ છીએ. જેથી તેઓ તેમની નવી વસાહત બનાવી શકે
નગરીમાં રસ્તાની બાજુમાં તેઓ 300 રુપિયે કિલોના ભાવે મધ (અને મધથી ભરેલા મધપૂડા) વેચી રહ્યા છે. હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી ચૂકવણીરૂપે તેમને 25 કિલો મધ મળ્યું છે. તેઓ મધમાખીનું મીણ (મધપૂડાના ષટ્કોણ કોષો) પણ 400 રુપિયે કિલોના ભાવે વેચે છે. છત્તીસગઢમાં ઘડવા સમુદાય વિશિષ્ટ ડોકરા કલાની વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
હું આ જૂથના સૌથી નાના સભ્યોમાંના એક રણજિત મંડલને પૂછું છું કે તેમણે આ પહેલાં કેટલી વાર આવું કર્યું છે ત્યારે તેઓ કહે છે: “અત્યાર સુધી મેં જગદલપુર, બીજાપુર, દાંતેવાડા, સિક્કિમ, ઝારખંડ વગેરે જેવા જુદા જુદા સ્થળોએ લગભગ 300 વખત મધપૂડા દૂર કર્યા છે."
બે વર્ષ પહેલાં દુષ્કાળ પર અહેવાલ તૈયાર કરતી વખતે હું ધમતરી જિલ્લાની આ જ તહેસીલના જબર્રા ગામ પાસેના જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં હું કમાર જનજાતિના અંજુરા રામ સોરીને મળ્યો હતો, તેઓ વન્ય પેદાશો વેચીને જીવન નિર્વાહ કરતા હતા. તેમણે કહ્યું, "જ્યારે જંગલમાં દુષ્કાળ પડે છે, ત્યારે આ મધમાખીઓ જ જંગલમાંથી સ્થળાંતર કરી જાય છે." ત્યારે જ મને સમજાયું કે જેમ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તેમ મધમાખીઓને પણ હરિયાળી જમીનની શોધમાં સ્થળાંતર કરવું પડે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક