18 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 3 વાગ્યે બપોરના તડકામાં, આશરે 400 રંગબેરંગી પોશાક પહેરેલા સહભાગીઓએ શહેરની બીજી પ્રાઈડ માર્ચની ઉજવણી કરવા માટે સભરથી મૈસૂરુ ટાઉન હોલ સુધી કૂચ કરી હતી.
આ શહેરમાં જ ઉછરેલી શેખઝારા કહે છે, “મને અહીં [કૂચમાં] આવવાનો ગર્વ છે. મૈસૂરુ બદલાઈ ગયું છે. હું છેલ્લા 5-6 વર્ષથી ક્રોસ ડ્રેસિંગ કરતી આવી છું, પણ લોકો મને મેણાંટોણાં સંભળાવતા હતા, અને કહેતા કે, ‘છોકરો છોકરીનાં કપડાં કેમ પહેરે છે?’ પણ હવે લોકો વધુ સ્વીકાર કરી રહ્યા છે. હું જે છું તેના પર મને ગર્વ છે.” 24 વર્ષીય શેખઝારા હવે બેંગલુરુમાં એક કોલ સેન્ટરમાં કામ કરે છે. શેખઝારાની જેમ, ઘણા લોકો કર્ણાટક, ગોવા અને તમિલનાડુના અન્ય ભાગોમાંથી તેમનો ટેકો દર્શાવવા માટે આવ્યા હતા.
દેવી યલમ્મા (જે રેણુકા તરીકે પણ ઓળખાય છે) ની સુવર્ણ પ્રતિમા આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતું. આશરે 10 કિલોગ્રામ વજનની આ પ્રતિમાને સહભાગીઓ દ્વારા ડ્રમવાદકો અને નર્તકોની ધૂન પર તેમના માથા પર ફેરવવામાં આવી હતી.


ડાબેઃ શેખઝારા (મધ્યમાં) સકીના (ડાબે) અને કુણાલ (જમણે) સાથે પ્રાઇડ માર્ચની ઉજવણી કરી રહ્યાં છે. શેખઝારા કહે છે , ‘ મને અહીં [કૂચમાં] આવવાનો ગર્વ છે. મૈસૂરુ બદલાઈ ગયું છે.’ જમણેઃ 18 ફેબ્રુઆરી , 2024ના રોજ યોજાયેલી કૂચમાં ગરગનો વિદ્યાર્થી તિપ્પેશ આર

આશરે 10 કિલોગ્રામ વજનની દેવી યલમ્માની સુવર્ણ પ્રતિમા સહભાગીઓ દ્વારા તેમના માથા પર ઊંચકીને ફેરવવામાં આવી હતી
આ કૂચનું આયોજન ટ્રાન્સ સમુદાય સાથે કામ કરતી સંસ્થાઓ, નમ્મા પ્રાઇડ અને સેવન રેઇનબોઝના સમર્થનથી કરવામાં આવ્યું હતું. સમુદાયમાં આદરપૂર્વક પ્રણતિ અમ્મા તરીકે ઓળખાતાં તેઓ કહે છે, “આ વર્ષે આ અમારી બીજી કૂચ હતી અને અમને એક જ દિવસમાં પોલીસની પરવાનગી મળી ગઈ હતી [જ્યારે] ગયા વર્ષે અમને આ માટે બે અઠવાડિયાં લાગ્યાં હતાં.” તેઓ સેવન રેઇનબોઝનાં સ્થાપક છે અને તેઓ લિંગ અને જાતીયતાના મુદ્દાઓ પર ભારતભરમાં 37 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત છે.
તેઓ કહે છે, “અમે પોલીસ સાથે વધુ સારી રીતે વાતચીત કરવાનું શીખી રહ્યાં છીએ. મૈસૂરુમાં હજુ પણ ઘણા લોકો છે જેઓ અમને સ્વીકારતા નથી અને જેઓ ઇચ્છે છે કે અમે અહીંથી જતાં રહીએ, પરંતુ અમે દર વર્ષે તેને [ગૌરવ કૂચ] વધુ મોટી અને વધુ વૈવિધ્યસભર બનાવવાની આશા રાખીએ છીએ.”
એક કિલોમીટર લાંબી કૂચ શહેરના સૌથી વ્યસ્ત બજાર વિસ્તારોમાંથી પસાર થઈ હતી. સ્થાનિક પોલીસે ટ્રાફિકનું સંચાલન કરવામાં સક્રિયપણે મદદ કરી હતી, જેનાથી ઉજવણી સરળતાથી થઈ શકી હતી. સહાયક સબ ઇન્સ્પેક્ટર વિજ્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું, “અમે આ સમુદાયનું સન્માન કરીએ છીએ. અમે તેમની સાથે ચાલીએ છીએ જેથી કંઈ અનિચ્છિત ન થાય. અમે આ [ટ્રાન્સજેન્ડર] લોકોનું સમર્થન કરીએ છીએ.”
પોતાને ક્વિયર તરીકે ઓળખાવતા એક માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક દીપક ધનંજય કહે છે, “રૂપાંતરિત મહિલાઓ ભારતમાં એક જટિલ જગ્યા ધરાવે છે. તેમની પાસે જાદુઈ શક્તિઓ હોવાની દંતકથાઓને કારણે તેમનું કેટલુંક સાંસ્કૃતિક રક્ષણ આપવામાં આવે છે, ત્યારે તેમની સામે ભેદભાવ અને સતામણી પણ કરવામાં આવે છે. સ્થાનિક સમુદાય લોકોને [આ માટે] શિક્ષિત કરવાનું કામ કરી રહ્યો છે. માનસિકતા કંઈ રાતોરાત બદલાવાની નથી, પરંતુ જ્યારે હું આ કૂચ, ખાસ કરીને નાના શહેરોમાં, હિંસા વિના જોઉં છું, ત્યારે મારામાં આશાવાદ જન્મે છે.”
પ્રાઈડ માર્ચમાં ભાગ લેનારા 31 વર્ષીય પ્રિયાંક આશા સુકાનંદ કહે છે, “જ્યારે હું યુનિવર્સિટીમાં હતો ત્યારે મને ભેદભાવ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે મેં મારા અધિકારોને સમર્થન આપવા અને તેમને સ્થાપવા તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. દરેક પ્રાઈડ માર્ચ, કે જેમાં હું ભાગ લઉં છું તે મારા અને મારા જેવી પરિસ્થિતિ ધરાવતા અન્ય લોકોના તમામ સંઘર્ષોની યાદ છે, અને તેથી હું તેમના માટે કૂચ કરું છું.” બેંગલુરુના એક વિશેષ શિક્ષક અને રસોઈયા એવા પ્રિયાંક ઉમેરે છે, “અમે મૈસૂરુના એલજીબીટી સમુદાયની સાચી તાકાત જોઈ અને તે ખૂબ જ સંતોષકારક હતું.”

ટ્રાન્સજેન્ડર ધ્વજ લહેરાવતાં નંદિની કહે છે , ‘ હું બેંગલુરુથી આવી છું , કારણ કે મને લાગે છે કે જ્યાં અને જ્યારે મારાથી થઈ શકે ત્યારે સમર્થન દર્શાવવું મહત્ત્વપૂર્ણ છે. અને મને મજા પણ આવી રહી છે’’

સ્થાનિક પોલીસે ટ્રાફિકનું સંચાલન કરવામાં સક્રિયપણે મદદ કરી હતી. સહાયક સબ ઇન્સ્પેક્ટર વિજ્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું , ‘ અમે આ સમુદાયનું સન્માન કરીએ છીએ. અમે તેમની સાથે ચાલીએ છીએ જેથી કંઈ અનિચ્છિત ન થાય. અમે આ [ટ્રાન્સજેન્ડર] લોકોનું સમર્થન કરીએ છીએ’

નમ્મા પ્રાઇડ અને સેવન રેઇનબોઝ દ્વારા આયોજિત આ કૂચ સમુદાયના લોકો તેમજ સહયોગીઓ સહિત દરેક માટે ખુલ્લી હતી

આ શહેરમાં ઑટો ડ્રાઈવર તરીકે કામ કરતા આઝર (ડાબે) અને દીપક ધનંજય , એક માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક જે પોતાને ક્વિયર તરીકે ઓળખાવે છે. આઝર કહે છે , ‘ મેં આ પહેલાં આવું ક્યારેય જોયું નથી’

ડાબેથી જમણેઃ પ્રિયાંક , દીપક , જમીલ , આદિલ પાશા અને અકરમ જાન. જમીલ , આદિલ પાશા અને અકરમ જાન સ્થાનિક વેપારીઓ છે જેઓ પડોશમાં કપડાંની દુકાનો ચલાવે છે. અમે તેમને (ટ્રાન્સજેન્ડર લોકોને) ખરેખર સમજી શકતા નથી , પરંતુ અમે તેમને ધિક્કારતા પણ નથી. તેમને પણ અધિકારો મળવા જોઈએ’

દેવી યલમ્મા (જેઓ રેણુકા તરીકે પણ ઓળખાય છે) ની પ્રતિમા આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતી

રંગબેરંગી પોશાક પહેરેલા સહભાગીઓએ સભરથી મૈસૂરુ ટાઉન હોલ સુધી કૂચ કરી હતી

બેંગલુરુના મનોજ પુજારીએ પરેડમાં નૃત્ય કર્યું હતું

એક કિલોમીટર લાંબી આ કૂચ શહેરના સૌથી વ્યસ્ત બજારોમાંથી પસાર થઈ હતી

કૂચમાં ભાગ લેનારાઓ

ટાઉન હોલ તરફ આગળ વધતી ભીડ

બેગમ સોનીએ પોતાનો પોશાક જાતે સીવ્યો હતો અને કહ્યું હતું કે પાંખો ક્વિયર બનવામાં રહેલી સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે

પ્રાઈડનો ધ્વજ

ઢોલ વગાડતી ટુકડીએ ભીડ સાથે કૂચ કરી હતી. નંદિશ આર. કહે છે , ‘ મારા સમુદાયમાં , મારી પોતાની બહેન સહિત ઘણા અક્કા (બહેનો) ટ્રાન્સજેન્ડર છે. અમે તેમનું સમર્થન કરીશું , કારણ કે તેઓ પણ અમારા સમુદાયનો ભાગ છે’

આ
કૂચ મૈસૂરુ ટાઉન હોલ ખાતે આવીને પૂર્ણ થઈ હતી
અનુવાદક: ફૈઝ મોહંમદ