કોલકાતા છોડીને બંને બાજુ મત્સ્ય-ઉછેર માટેના પાણીના તળાવો, હાથથી બનાવેલા નાના બંધ અને કામચલાઉ ચાની દુકાનોવાળા ઉબડખાબડ રસ્તાઓ પર બસ આગળ વધે ત્યારે તમે આગળ એક વિશાળ જળાશય જોઈ શકો છો. પછીથી, અમારી હોડી ધીમે ધીમે, એકસરખો ભક્ ભક્ અવાજ કરતી, મુશ્કેલીથી વિશાળ વાદળી ચાદર (પાણી) પર આગળ વધે છે અને તમે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવનમાં આવેલા બાલી ટાપુની નજીક પહોંચો ત્યારે 'સિટી ઓફ જોય' ના કોલાહલની યાદો સહેલાઈથી ભૂલાઈ જાય છે.
બેરોજગારી અને ગરીબી આ ટાપુ પરના યુવાનોને વાઘ, હરણ અને બીજા પ્રાણીઓનો શિકાર કરવા અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવા મજબૂર કરી રહી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સમુદાય-આધારિત પ્રવાસને આ પ્રવૃત્તિઓ ઘટાડવામાં મદદ કરી છે - ઘણા યુવાન લોકો કે જેઓ શિકારી બની ગયા હોત તેઓ સંરક્ષક બન્યા છે. જીવનનિર્વાહના વૈકલ્પિક માધ્યમોએ જંગલો પરની તેમની નિર્ભરતા ઓછી કરી છે. કેટલાક સ્થાનિકો પ્રવાસ માર્ગદર્શક બન્યા છે, બીજાઓએ મુલાકાતીઓ માટે તેમની હોડીઓ ઉપલબ્ધ કરાવી છે, જ્યારે કેટલાકને હોટેલ કર્મચારીઓ તરીકેનું કામ મળ્યું છે. પગાર સાધારણ હોવા છતાં કેટલાકને માટે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલું હોવું એ ગર્વની વાત છે.
આ ટાપુની તાજેતરની મુલાકાતની છબીઓ:

રોજનું કામ શરૂ થાય છે: સુંદરવનના પાણીથી ભરેલા, અટપટા માર્ગો પર માલસામાન, લોકો, પ્રાણીઓ અને પ્રવાસીઓની હેરફેર કરવા માટે હોડીઓ તૈયાર કરાઈ રહી છે.

માણસો અને વન્યજીવોને એકબીજાથી બચાવવા માટે મેન્ગ્રોવ્સના આવા લાંબા પટને ક્યારેક વાડ કરવામાં આવે છે, જેથી બંને માટે રોજિંદુ જીવન સરળ અને સુરક્ષિત બને છે

બાલી ટાપુની ગોદી એ ગામના ચાર રસ્તા જેવી છે; બધી આવ- જા અહીં થાય છે. રોજેરોજ માણસો, માલસામાન, બકરાં, વાછરડાં અને માછલીઓ આ સ્થળેથી પસાર થાય છે

મત્સ્યઉછેર: ટાપુની ભૂમિ પર ફેલાયેલા જમીનના નાના અને મોટા ટુકડાઓ પર પાળા બાંધવામાં આવે છે અને વેચાણ અને વપરાશ માટે મત્સ્યઉછેર કરવા માટે તેને પાણીથી ભરી દેવામાં આવે છે

નેટ- વર્કિંગ: સુંદરવનમાં ઘણા લોકો માટે કામનો એક- એક દિવસ સાવ જુદા જ પ્રકારની મુશ્કેલીઓથી ભરેલો હોય છે

ભરવાડ અને ઘેટાં ( ડાબે): બાલી ટાપુની વાંકીચૂંકી શેરીઓ સાંકડી પણ સ્વચ્છ છે. જોકે, પ્લાસ્ટિકની કચરાપેટીઓ સારી દેખાતી નથી ( જમણે), પરંતુ સ્થાનિક લોકો તેમની શેરીઓ સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરે છે

એક ઝવેરી ગામના બજારમાં કંઈક ધંધો થાય એની રાહ જુએ છે

વાઘ એ સામાન્યરીતે જોવા મળતા નથી. સર્કસ દ્વારા ગામમાં લાવવામાં આવેલી વાઘણને મળવા અને તેની સાથે સંવનન કરવા માટે પાંચથી વધુ કિલોમીટરના પંથકમાં તરીને આવેલા એક વાઘ વિષેની વાત મુલાકાતીઓને ઘણી વાર સાંભળવા મળે છે. પરંતુ સમયાંતરે વાઘની વસ્તીમાં ઘટાડો થયો છે

મોનિટર લિઝર્ડ, હરણ, જંગલી ડુક્કર, મગર અને કિંગફિશર અહીં સામાન્યરીતે જોવા મળે છે

હેલ્પ ફાઉન્ડેશને સ્થાનિક થિયેટર જૂથને પુનર્જીવિત કર્યું છે. આ જૂથ દેવી બોનબીબીની વાર્તા ભજવે છે. દંતકથા છે કે મધ અને લાકડાના બદલામાં દુખે નામનો એક યુવાન છોકરો વાઘને ખવડાવવાનો હતો, પરંતુ દેવીએ એ છોકરાની અરજ સાંભળીને દરમિયાનગીરી કરીને તેનો જીવ બચાવ્યો હતો

બીજા બધા વાઘની જેમ જ સુંદરવનના વાઘ બિનસાંપ્રદાયિક છે અને કોઈપણ ભેદભાવ વિના તમામ સમુદાયોના લોકોને આડેધડ ખાઈ જાય છે. આથી હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના સભ્યો બોનબીબી પાસે પોતાની સુરક્ષાની માંગ કરે છે. અહીં દેવીએ વાઘ પર વિજય મેળવ્યો છે


પુરુષો, મહિલાઓ અને બાળકોની સતત અવરજવર ગોદીને પ્રવૃત્તિથી ધમધમતી રાખે છે. કેટલાક લોકો વહેલી સવારે દાંત સાફ કરવા અને સૂર્યને નમસ્કાર કરવા નીચે ઊતરે છે, જ્યારે બીજા કેટલાક ગપસપ કરવા, બેસીને વિચાર કરવા, પત્તા રમવા અને હોડીઓને પસાર થતી જોવા માટે ભેગા થાય છે

દિવસનું
કામ
પૂરું
થઈ
ગયું
છે
અને
ઘેર
જવાનો
સમય
થઈ
ગયો
છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક