કરચલા પકડવા સુંદરવનના ગાઢ મેન્ગ્રોવ જંગલોમાં ભટકવું પડે છે તે દિવસો દરમિયાન (વાઘના હુમલાની આશંકાને કારણે) સતત ભયથી થથરતા રહેતા 41 વર્ષના કરચલા પકડનાર અને માછીમાર મહિલા પારુલ હલદર કહે છે, “હું મારા ડરનું વર્ણન શી રીતે કરું? ગભરાટને કારણે મારા હૃદયના ધબકારા વધી જાય છે. આખરે હું ખુલ્લી જગ્યામાં ક્યારે પાછી ફરી શકીશ એના જ વિચારો મને આવતા રહે છે.” કરચલાના શિકારની મોસમ દરમિયાન મેન્ગ્રોવ જંગલમાં નાળાઓ અને ખાડીઓમાં તેઓ હોડી હંકારતા રહે છે ત્યારે ક્યાંક છુપાઈને બેઠેલો વાઘ ગમે ત્યારે હુમલો તો નહીં કરી બેસે ને એવો ડર સતત રહેતો હોય છે.
હવે તેમની લાકડાની હોડીને ગરાલ નદીમાં હંકારતા લક્ઝબાગાન ગામની રહેવાસી પારુલ નેટની ક્રિસ-ક્રોસ વાડની દિશામાં ઝીણી આંખે જુએ છે, વાડની પેલે પાર મરીચઝાપીનું જંગલ આવેલું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકમાં તેમના ગામની નજીક આવેલા આ જ જંગલમાં સાત વર્ષ પહેલાં વાઘે પારુલના પતિ ઈશર રણજીત હલદરને મારી નાખ્યા હતા.
તેઓ હોડીની ધારે હલેસાં ટેકવે છે, તેઓ તેમની 56 વર્ષની મા લોખી મંડલ સાથે ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસોમાં આ હોડીમાં કરચલા પકડવા નીકળ્યા છે. દીકરીની જેમ લોખી પણ માછીમાર છે.
ઈશર સાથે લગ્ન કર્યા ત્યારે પારુલ માત્ર 13 વર્ષના હતા. તેમના સાસરાનો પરિવાર ગરીબ હતો, પરંતુ તેઓ માછલી કે કરચલા પકડવા ક્યારેય જંગલમાં ગયા ન હતા. તેઓ યાદ કરે છે, "મેં જ તેમને (જંગલમાં) આવવા માટે સમજાવ્યા હતા અને હું જ તેમને આ જંગલમાં લઈ આવી હતી. સત્તર વર્ષ પછી આ જ જંગલમાં તેઓ મૃત્યુ પામ્યા."
એ ઘટનાની યાદ આવતા પારુલ થોડા સમય માટે મૌન થઈ જાય છે. મૃત્યુ સમયે ઈશર 45 વર્ષના હતા, તેમની ચાર દીકરીઓને ઉછેરવાની જવાબદારી તેઓ પારુલને માથે છોડી ગયા હતા.
પરસેવે લથબથ પારુલ અને લોખી ફરીથી ભારે હલેસાં ઉઠાવી હોડી હંકારે છે. આ મહિલાઓ હોડીને મેન્ગ્રોવ જંગલથી થોડે દૂર સુરક્ષિત અંતરે ચલાવે છે, મેન્ગ્રોવ જંગલ હવે માછીમારી માટે બંધ છે. માછલીઓનું ફરીથી સંવર્ધન થઈ શકે એ માટે મેન્ગ્રોવન જંગલમાં એપ્રિલથી જૂન સુધી ત્રણ મહિના માટે માછીમારીની પ્રવૃતિઓ બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પારુલ સામાન્ય રીતે પોતાના તળાવમાંથી પકડેલી માછલીઓ વેચીને ગુજરાન ચલાવે છે.


ડાબે: પારુલ હલદર તેમના પતિ ઈશર હલદરના મૃત્યુની ઘટના યાદ કરે છે. જમણે: 2016માં વાઘના હુમલામાં માર્યા ગયેલા ઈશર રણજીત હલદરની તસવીર


ડાબે: નેટની ક્રિસક્રોસ વાડ, વાડની પેલે પાર દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મરીચઝાપીના જંગલો આવેલા છે. જમણે: પારુલ (પાછળ) તેમની માતા પાસેથી માછીમારી શીખ્યા હતા અને લોખી (પીળી સાડીમાં આગળ) તેમના પિતા પાસેથી શીખ્યા હતા
સુંદરવનમાં બંગાળ વાઘના હુમલાનો ઉલ્લેખ કરતા પારુલ કહે છે, "ઘણા અકસ્માતો થઈ રહ્યા છે." સુંદરવન એ દુનિયાના એકમાત્ર મેન્ગ્રોવ જંગલ છે જ્યાં વાઘ જોવા મળે છે. તેઓ ઉમેરે છે, “આજકાલ વધુ ને વધુ લોકો જંગલમાં ઘુસી રહ્યા છે અને પરિણામે અકસ્માતો વધી રહ્યા છે. વન અધિકારીઓ હવે અમને જંગલમાં જવા દેતા નથી એનું આ પણ એક કારણ છે.”
સુંદરવનમાં ખાસ કરીને માછીમારીની મોસમ દરમિયાન વાઘ (ના હુમલા) ને કારણે થતા મૃત્યુ એ અસામાન્ય ઘટના નથી. 2018 અને જાન્યુઆરી 2023 ની વચ્ચે સુંદરવન ટાઈગર રિઝર્વમાં માત્ર 12 મૃત્યુ થયાનું સરકારી ચોપડે નોંધાયું હતું, પરંતુ મૃત્યુનો વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે કારણકે સ્થાનિક રહેવાસીઓ હુમલાના ઘણા વધારે કિસ્સાઓની જાણ કરે છે.
સરકારના સ્ટેટસ ઑફ ટાઈગર્સ રિપોર્ટ અનુસાર સુંદરવનમાં 2018 માં 88 વાઘની સરખામણીએ 2022માં આ સંખ્યા વધીને 100 પર પહોંચી હતી.
*****
પારુલ 23 વર્ષના હતા ત્યારથી માછીમારી કરે છે, તેઓ પોતાની મા પાસેથી માછલી પકડવાનું શીખ્યા હતા.
લોખી માત્ર સાત વર્ષના હતા ત્યારથી તેમણે પોતાના પિતાની સાથે જંગલમાં જઈને માછલી પકડવાનું શરૂ કર્યું હતું. તેમના પતિ 64 વર્ષના સંતોષ મંડલ 2016 માં વાઘ સામે લડીને જીવતા ઘેર પાછા ફરવામાં સફળ રહ્યા હતા.
લોખી કહે છે, “તે વખતે તેમના હાથમાં છરી હતી અને તેઓ વાઘ સામે લડ્યા હતા. પરંતુ એ ઘટના પછી તેઓ હિંમત હારી ગયા અને તેમણે હવે જંગલમાં જવાની ના પાડી દીધી.” જોકે લોખી પોતે અટક્યા નહોતા. પતિએ જવાનું બંધ કરી દીધું એ પછી તેમણે દીકરી પારુલ અને જમાઈ ઈશર સાથે જંગલમાં જવાનું શરૂ કર્યું, પાછળથી વાઘના હુમલામાં ઈશરે જીવ ખોયો.
તેઓ કહે છે, “બીજા કોઈની સાથે જંગલમાં જવાની મારામાં હિંમત નથી કે નથી હું પારુલને એકલી જવા દેતી. જીવીશ ત્યાં સુધી હું તેની સાથે જઈશ. તમારું પોતાનું લોહી હોય તો એ જ જંગલમાં તમારો જીવ બચાવે."

જેમ જેમ કરચલાની સંખ્યા ઘટતી જાય છે તેમ તેમ પારુલ અને લોખીએ કરચલા શોધવા મેન્ગ્રોવ જંગલોમાં ઊંડે સુધી જવું પડે છે

ગરાલ નદીમાં હોડી હંકારી રહેલા પારુલ અને લોખી
બંને મહિલાઓ ખૂબ સુમેળથી એકસાથે હોડી હંકારે છે, એ માટે તેમને એકબીજા સાથે વાતચીત કરવાની જરાય જરૂર પડતી નથી. એકવાર કરચલા પકડવાની મોસમ શરૂ થાય એટલે તેઓએ વન વિભાગ પાસેથી પાસ મેળવવા પડશે અને જંગલમાં જવા માટે એક હોડી ભાડે લેવી પડશે.
પારુલ હોડીના રોજના ભાડા પેટે 50 રુપિયા ચૂકવે છે. સામાન્ય રીતે તેઓની સાથે એક ત્રીજી મહિલા પણ જોડાય છે. ત્રણેય મહિલાઓએ ઓછામાં ઓછા 10 દિવસ સુધી જંગલમાં રહેવું પડશે. પારુલ કહે છે, “અમે હોડીમાં સૂઈએ છીએ, હોડીમાં ખાઈએ છીએ અને હોડીમાં જ અમારું ભોજન રાંધીએ છીએ. અમે દાળ-ચોખા, પીપડામાં પીવાનું પાણી અને નાનો ચૂલો સાથે લઈ જઈએ છીએ. કોઈ પણ સંજોગોમાં અમે હોડી છોડતા નથી, એટલે સુધી કે શૌચાલય જવા માટે પણ નહીં." તેઓ કહે છે કે આવી સાવધાની રાખવાનું મુખ્ય કારણ વાઘના હુમલાની વધતી જતી ઘટનાઓ છે.
“આજકાલ વાઘ હોડી પર ચઢી જઈને માણસોને ઉઠાવી જાય છે. મારા પોતાના પતિ પર વાઘે હુમલો કર્યો ત્યારે તેઓ હોડીમાં જ હતા.
માછીમારીના એ દસ દિવસ દરમિયાન વરસતા વરસાદમાં પણ મહિલાઓ હોડી પર જ રહે છે. લોખી ઉમેરે છે, "કરચલા હોડીના એક ખૂણામાં હોય, માણસો બીજા ખૂણામાં અને રસોઈ ત્રીજા ખૂણામાં થાય."

પારુલ કહે છે, 'કોઈ પણ સંજોગોમાં અમે હોડી છોડતા નથી, એટલે સુધી કે શૌચાલય જવા માટે પણ નહીં'

કરચલા પકડવા માટે માછીમારીની જાળ કેવી રીતે ફેલાવવી તે બતાવતા લોખી મંડલ
વારંવાર જંગલોમાં જતા પુરૂષ માછીમારોની જેમ જંગલમાં માછીમારી કરતી વખતે મહિલાઓ પણ વાઘના હુમલાના જોખમનો સામનો કરે છે. જો કે, માનવ-પ્રાણી સંઘર્ષનું જોખમ જ્યાં સૌથી વધુ હોવાનું ગણાય છે એ સુંદરવનમાં વાઘના હુમલામાં કેટલી મહિલાઓના મોત થયા છે તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.
નેશનલ પ્લેટફોર્મ ફોર સ્મોલ-સ્કેલ ફિશ વર્કર્સના કન્વીનર પ્રદીપ ચેટર્જી કહે છે, “મોટાભાગના નોંધાયેલા મૃત્યુ પુરુષોના છે. મહિલાઓ પર પણ વાઘ દ્વારા હુમલો કરવામાં આવે છે પરંતુ તેના આંકડા એકત્રિત કરવામાં આવ્યા નથી. અલબત્ત, મહિલાઓ પણ જંગલોમાં જાય છે, પરંતુ પુરુષોની સરખામણીમાં ઓછી સંખ્યામાં." જંગલની નિકટતા એ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. જે મહિલાઓના ગામો જંગલથી દૂર છે તે મહિલાઓ ખાસ ત્યાં જતી નથી. પૂરતી સંખ્યામાં બીજી મહિલાઓ જંગલમાં જતી હોય ત્યારે જ તેઓ ત્યાં જાય છે.
2011ની વસ્તી ગણતરી મુજબ પારુલ અને લોખીના લક્ઝબાગાન ગામની વસ્તી 4,504 હતી, તેમાં આશરે 48 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે, લગભગ દરેક ઘરમાં એવી મહિલાઓ છે જેઓ ગામથી માત્ર 5 કિમી દૂર મરીચઝાપી જંગલમાં જાય છે.
કરચલાના સારા ભાવ ઉપજે છે એ પણ આ ભારે જોખમવાળું કામ કરવા માટેનું મુખ્ય આકર્ષણ છે. પારુલ કહે છે, “માછલી વેચવાથી મને ઝાઝી કમાણી થતી નથી. મુખ્ય આવક કરચલા વેચવાથી થાય છે. જયારે હું જંગલમાં જાઉં ત્યારે હું રોજના 300-500 રુપિયાની વચ્ચે કંઈ પણ કમાઈ શકું છું." મોટા કરચલા કિલો દીઠ 400-600 રુપિયાના ભાવે અને નાના કરચલા કિલો દીઠ 60-80 રુપિયાના ભાવે વેચાય છે. ત્રણ મહિલાઓ સાથે મળીને જંગલની એક સફરમાં કુલ 20-40 કિગ્રા જેટલો કરચલા પકડી શકે છે.
*****
વાઘના જોખમ ઉપરાંત સુંદરવનમાં કરચલા પકડનારાઓ સામેનો બીજા એક મોટો પડકાર છે ઉપલબ્ધ કરચલાની ઘટતી જતી સંખ્યા.પારુલ કહે છે, “વધુ ને વધુ લોકો કરચલા પકડવા જંગલમાં આવવા લાગ્યા છે. અગાઉ પુષ્કળ પ્રમાણમાં કરચલા મળી રહેતા, પણ હવે તેમને શોધવા માટે અમારે ખાસ્સી મહેનત કરવી પડે છે.”
જેમ જેમ કરચલાની સંખ્યા ઘટતી જાય છે તેમ તેમ માછીમાર મહિલાઓને જંગલોમાં ઊંડે સુધી જવાની ફરજ પડે છે, ત્યાં વાઘ દ્વારા હુમલો થવાનું જોખમ વધી જાય છે.
ચેટર્જીએ જણાવ્યું હતું કે આ પ્રદેશના માછીમાર-લોકો પૂરતા જથ્થામાં માછલીઓ અથવા કરચલા પકડવા મેન્ગ્રોવ જંગલોમાં ઊંડે સુધી જવા માંડ્યા છે અને ત્યાં તેઓ વાઘ સાથે સંઘર્ષમાં આવી રહ્યા છે. ચેટર્જી કહે છે, “વન અધિકારીઓ માત્ર વાઘના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ જો માછલીઓ નહીં બચે તો વાઘ પણ નહીં બચે. નદીઓમાં માછલીઓની સંખ્યા વધશે તો માનવ-વન્યજીવન વચ્ચેનો સંઘર્ષ પણ ઘટી શકે છે."
નદીમાંથી પાછા ફર્યા પછી પારુલ બપોરનું ભોજન બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. તેઓ પોતાના તળાવમાંથી પકડેલી માછલી રાંધે છે, ચોખા ઉકાળે છે અને કેરીની ચટણીમાં ખાંડ ઉમેરીને હલાવે છે.
તેઓ કહે છે કે તેમને કરચલા ખાવાનું ગમતું નથી. તેમની મા લોખી વાતચીતમાં જોડાય છે. તેઓ કહે છે, "હું કે મારી દીકરી કરચલા ખાતા નથી." એ માટેનું કારણ પૂછતાં તેઓ કોઈ વિગતો આપતા નથી, પરંતુ "અકસ્માત" નો ઉલ્લેખ કરે છે, તેમનો ઈશારો તેમના જમાઈ ઈશરના મૃત્યુ તરફ છે.


પારુલ દક્ષિણ 24 પરગણામાં તેમના ગામ લક્સબાગાનમાં પોતાને ઘેર. તેમની એકેય દીકરી જંગલમાં (માછીમારીનું) કામ કરતી નથી
પારુલની ચાર દીકરીઓ પુષ્પિતા, પરોમિતા, પપિયા અને પાપરીમાંથી એકેય જંગલમાં (માછીમારીનું) કામ કરતી નથી. પુષ્પિતા અને પપિયા પશ્ચિમ બંગાળના બીજા જિલ્લાઓમાં લોકોને ઘેર (ઘરેલુ નોકર તરીકે) કામ કરે છે જ્યારે પરોમિતા બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. સૌથી નાની 13 વર્ષની પાપરી લક્ઝબાગન પાસેની હોસ્ટેલમાં રહે છે પરંતુ તે નબળી છે અને મોટેભાગે બીમાર રહે છે. પારુલ કહે છે, “પાપરીને ટાઈફોઈડ અને મેલેરિયા થયો હતો, તેથી મારે તેની સારવાર પાછળ 13000 રુપિયા ખર્ચવા પડ્યા હતા. તેની હોસ્ટેલ ફી માટે પણ હું દર મહિને 2000 રુપિયા ચૂકવું છું."
પારુલની પોતાની તબિયત પણ સારી નથી. તેમને છાતીમાં દુખાવો રહે છે અને આ વર્ષે તેઓ માછલી કે કરચલાનો પકડવા જંગલમાં જઈ શકતા નથી. હાલ તેઓ તેમની દીકરી પરોમિતા મિસ્ત્રી સાથે બેંગલુરુમાં રહે છે.
તેઓ કહે છે, “કોલકાતામાં એક ડૉક્ટરે મને એમઆરઆઈ સ્કેન કરાવવાનું કહ્યું હતું, તેના 40000 રુપિયા થાય. મારી પાસે એટલા પૈસા નથી." તેમણે આ દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુની મુસાફરી કરીને પોતાની દીકરી અને જમાઈ સાથે રહેવાનું નક્કી કર્યું હતું, દીકરી-જમાઈ બંને ખાનગી કંપનીઓમાં કામ કરે છે. પારુલે બેંગલુરુમાં પણ એક ડૉક્ટરની સલાહ લીધી હતી, જેમણે છ મહિના આરામ કરવાનું અને દવાઓ લેવાનું સૂચવ્યું હતું.
તેઓ કહે છે, “મને લાગે છે કે મને છાતીનો દુખાવો શરૂ થવાનું કારણ છે મને સતત લાગતો ડર, ખાસ કરીને જ્યારે હું જંગલમાં જાઉં છું ત્યારે. મારા પતિને વાઘે મારી નાખ્યો હતો, અને મારા પિતા પર પણ વાઘે હુમલો કર્યો હતો. તેને કારણે જ મને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક