યુવાન આદિલ કહે છે, “મારે તો વગર કસરતે સિક્સ પેક એબ્સ છે." તેમના સહકાર્યકર તરફ ઈશારો કરી આદિલ હસતા હસતા ઉમેરે છે, "અને શાહબાઝના બાઈસેપ્સ તો જુઓ!”.
મોહમ્મદ આદિલ અને શાહબાઝ અંસારી મેરઠના જિમ અને ફિટનેસ સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગમાં કામ કરે છે અને જીમમાં જનારા એક અઠવાડિયામાં જેટલું વજન ઉઠાવે તેના કરતાં વધારે વજન તેઓ એક દિવસમાં ઉઠાવે છે. આ હેવી વેઈટ લિફ્ટિંગ ફિટનેસ માટે નથી થતું, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મુસ્લિમ પરિવારોના યુવાનોને મળી રહેતી આ એક મહત્વની આજીવિકા છે. વાસ્તવમાં પશ્ચિમ યુપીનો આ આખો જિલ્લો રમતગમતના સામાનના ઉત્પાદનનું કેન્દ્ર છે.
મોહમ્મદ સાકિબ કહે છે, “થોડા દિવસો પહેલા જ આ છોકરાઓ તેમના બાઈસેપ્સ [હાથના સ્નાયુઓ] અને એબ્સ [પેટના સ્નાયુઓ] ની સરખામણી કરવા ફોટોશૂટ કરી રહ્યા હતા.” 30 વર્ષના ઉદ્યોગસાહસિક સાકિબ સૂરજ કુંડ રોડ પર તેમના પરિવારના જિમના સાધનોના ભાડાના શોરૂમમાં કાઉન્ટર પાછળ બેઠા છે, લગભગ એક કિલોમીટર સુધી ફેલાયેલો આ વિસ્તાર મેરઠમાં રમતગમતના સામાનના બજારનું કેન્દ્ર છે.
તેઓ ઉમેરે છે, " ગૃહિણીઓ ઘરમાં ઉપયોગમાં લે છે એવા સાવ સાદા ડમ્બેલથી લઈને વ્યવસાયિક રમતવીરો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ સેટઅપ્સ સુધી દરેકને આજે જિમ અને ફિટનેસ સાધનો જોઈએ છે."
અમે વાતો કરીએ છીએ ત્યારે લોખંડના સળિયા અને પાઈપો તેમજ હોમ જીમ અને આયર્ન બાર જેવા તૈયાર ઉત્પાદનોથી ભરેલા (સ્થાનિક રીતે મીની મેટ્રો તરીકે ઓળખાતા) ઘણા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ વ્યસ્ત રસ્તા પરથી આવ-જા કરે છે. શોરૂમના કાચના દરવાજામાંથી લોખંડના સામાનની હેરફેર કરતા ટ્રાફિકને જોતા જોતા સાકિબ સમજાવે છે, "જિમના મશીનો છૂટા છૂટા ભાગોમાં બનાવવામાં આવે છે અને પછીથી તેને અસેમ્બલ કરવામાં આવે છે."


ડાબે: મોહમ્મદ સાકિબ મેરઠ શહેરના સૂરજ કુંડ રોડ પર તેમના જિમ સાધનોના ભાડાના શોરૂમમાં. જમણે: રોઈંગ મશીનનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું નિદર્શન કરતા શોરૂમના એક મદદનીશ ઉઝૈફ રાજપૂત
લોખંડના કામકાજ માટે મેરઠનું મોખરાનું સ્થાન આજકાલનું નથી. સાકિબ પારીને કહે છે, “આ શહેર તેના કૈંચી [કાતર] ઉદ્યોગ માટે દુનિયાભરમાં જાણીતું છે." 2013 માં, મેરઠની કાતરને, લગભગ ત્રણ સદીઓ જૂના આ ઉદ્યોગને, ભૌગોલિક માનાંકન (જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ - જીઆઈ ટેગ) મળ્યું હતું.
જો કે મેરઠમાં જીમના સાધનોનું ઉત્પાદન હજી થોડા વખત પહેલા જ, 1990ના દાયકાની શરૂઆતમાં જ, શરુ થયું છે. સાકિબ કહે છે, "પંજાબી ઉદ્યોગસાહસિકો અને બીજી કેટલીક સ્થાનિક કંપનીઓ જે પહેલેથી જ જિલ્લાના રમતગમતના સામાનના ઉદ્યોગમાં હતી તેમણે આની શરૂઆત કરી હતી. લોખંડના કામકાજમાં કુશળ કારીગરો તો અહીં પહેલેથી જ હતા અને જિમના સાધનો બનાવવા માટે રિસાઈકલ કરેલ લોખંડની પાઈપો, સળિયા અને શીટ્સ જેવો કાચો માલ પણ શહેરની લોહા મંડી [કાચા માલના જથ્થાબંધ બજાર] માં સરળતાથી મળી રહેતો હતો."
મોટા ભાગના લુહારો અને આયર્ન-કાસ્ટિંગ કારીગરો (લોહે કી ઢલાઈ કરને વાલે) મુસ્લિમ છે અને ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી આવે છે. સાકિબ કહે છે, " પરિવારનો સૌથી મોટો દીકરો તો બહુ નાની ઉંમરે આ બધું શીખી જાય છે." તેઓ ઉમેરે છે, "સૈફી/લોહાર (અન્ય પછાત વર્ગ - અધર બેકવર્ડ ક્લાસ) પેટાજાતિના સભ્યો આ ધંધામાં ખૂબ કુશળ હોવાનું મનાય છે." સાકિબનો પરિવાર અંસારી સમુદાયનો છે, જે વણકરોની મુસ્લિમ પેટાજાતિ છે અને આ રાજ્યમાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ છે.
સાકિબ કહે છે, “ઘણા એકમો ઈસ્લામાબાદ, ઝાકિર હુસૈન કોલોની, લિસાડી ગેટ અને ઝૈદી ફાર્મ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. મેરઠ જિલ્લામાં લગભગ 34 ટકા મુસ્લિમ વસ્તી છે - જે રાજ્યમાં સાતમા ક્રમે છે (વસ્તીગણતરી 2011).
અહીંના લોખંડના કામદારોની મોટાભાગે મુસ્લિમ પ્રોફાઇલ એકલા મેરઠ માટે વિશિષ્ટ નથી. ભારતના મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ અંગેના 2006 ના અહેવાલ ( સાચર સમિતિના અહેવાલ ) મુજબ, ફેબ્રિકેટેડ ધાતુના ઉત્પાદનો એ જેમાં કામદારોનો પ્રમાણમાં મોટો હિસ્સો મુસ્લિમ હોય એવા ત્રણ ઉત્પાદન ક્ષેત્રોમાંથી એક છે.


આસિમ અને સાકિબ તતીના સાની ખાતેની તેમની ફેક્ટરીમાં. માત્ર મેરઠ શહેર જ નહીં, પરંતુ પશ્ચિમ યુપીનો આ આખો જિલ્લો રમતગમતના સામાનના ઉત્પાદનનું કેન્દ્ર છે
સાકિબ અને આશરે ચોત્રીસ-પાંત્રીસ વર્ષના તેમના બે ભાઈઓ મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ આસીમે શહેરના લોખંડ ઉદ્યોગમાં કારીગરો તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2000 ના દાયકાની શરૂઆતમાં તેમના પિતાના જથ્થાબંધ કાપડના વ્યવસાયમાં ભારે નુકસાન ગયું ત્યારે તેઓ યુવાન હતા, અને તેથી તેમણે કામ પર જવા માંડ્યું.
આસિમે અહેમદ નગર વિસ્તારમાં ઘેર ડમ્બેલ પ્લેટ્સ બનાવવાનું શરૂ કર્યું જ્યારે નાઝિમે ઓટો પાર્ટ્સ બનાવવાના ધંધામાં કામ કરવા માંડ્યું. સાકિબે મેટલ ફેબ્રિકેશન કારખાના (ફેક્ટરી) માં કારીગર ફખરુદ્દીન અલી સૈફીના મદદનીશ તરીકે કામ કર્યું હતું. સાકિબ કહે છે, "તેમણે મને ધાતુઓને કાપીને, વાળીને, વેલ્ડિંગ કરીને અને અસેમ્બલ કરીને જીમના સાધનો, ઝૂલે [ઝૂલે] અને જાલી દરવાજા [જાળી-કામના દરવાજા] જેવી જુદી જુદી વસ્તુઓ કેવી રીતે બનાવવી એ શીખવ્યું."
હવે આ ભાઈઓ શહેરમાં તેમના શોરૂમથી લગભગ નવ કિલોમીટરના અંતરે આવેલી એક નાની વસાહત તતીના સાની ગામમાં ફિટનેસ અને જિમના સાધનો બનાવવાની પોતાની ફેક્ટરી ચલાવે છે. મેરઠ એ લોખંડની હાથે બનાવેલી ચીજવસ્તુઓના ઉત્પાદન માટેનું પણ એક કેન્દ્ર છે - ઓજારો, કાતર અને લોખંડનું ફર્નિચર એ આ જિલ્લામાંથી નિકાસ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાંથી છે (વસ્તીગણતરી 2011).
સાકિબ કહે છે, “મેરઠમાં લોખંડનું કામ કરનારા ઘણા કારીગરો છે જેઓ મારા કરતા વધુ જાણે છે. ફરક માત્ર એટલો છે કે હું શ્રમિકમાંથી માલિક બની શક્યો છું, અને મોટા ભાગના શ્રમિકો માલિક નથી બની શક્યા."
તેમના ભાઈઓએ બચાવેલા પૈસાથી તેમને માસ્ટર્સ ઈન કમ્પ્યુટર એપ્લીકેશન્સ (એમસીએ) કરવાની તક મળવાને કારણે તેમની (શ્રમિકથી માલિક સુધીની) આ સફર શક્ય બની હતી. સાકિબ કહે છે, "મારા ભાઈઓ પહેલા તો ગભરાતા હતા, પરંતુ તેઓને વિશ્વાસ પણ હતો કે મારા એમસીએમાં હું જે શીખ્યો છું એનાથી જિમ અને ફિટનેસ સાધનોના ઉદ્યોગમાં અમે અમારો પોતાનો ધંધો શરૂ કરી શકીશું."
*****


ડાબે: ધાતુના ટુકડા કાપીને, વેલ્ડ કરીને, એને બફિંગ, ફિનિશિંગ, પેઈન્ટિંગ, પાવડર-કોટિંગ કરીને નાના ભાગોનું પેકિંગ કરવામાં આવે છે જેને પછીથી અસેમ્બલ કરીને એકસાથે ફીટ કરવામાં આવે છે. જમણે: નક્કર લોખંડની નળાકાર લંબાઈને નાની વેઈટ પ્લેટ્સમાં કાપવા માટે વપરાતું બેન્ડ સૉ કટિંગ મશીન

રંગબેરંગી ટી-શર્ટ પહેરેલા ફેક્ટરી કામદારો ઇલેક્ટ્રિક મશીનો ચલાવે છે, ધાતુના સંપર્કમાં આવે ત્યારે આ મશીનોમાંથી તણખા ઝરે છે
અમે ફેક્ટરીમાં ફરીએ છીએ ત્યારે સાકિબ સમજાવે છે, “જીમના સાધનો માટે ધાતુના ટુકડા કાપીને, વેલ્ડ કરીને, એને બફિંગ, ફિનિશિંગ, પેઈન્ટિંગ, પાવડર-કોટિંગ કરીને નાના ભાગોનું પેકિંગ કરવામાં આવે છે. પછીથી નાના-નાના ભાગોને અસેમ્બલ કરીને એકસાથે ફીટ કરવામાં આવે છે. તમારા જેવો સામાન્ય માણસ ફેક્ટરીમાં આવે તો કયો ભાગ બનાવવામાં આવી રહ્યો છે એ એને ખબર જ નહિ પડે કારણ કે એણે તો એસી જીમમાં ફીટ કરેલા ફેન્સી સાધનો જ જોયા હશે."
તેઓ જે જીમનું વર્ણન કરી રહ્યા છે તે અમે જે ફેક્ટરીના ફ્લોર પર છીએ તેનાથી સાવ અલગ છે. ત્રણ દિવાલો અને ઉપરના પતરાના શેડવાળા માળખામાં તતીના સાની ખાતે આવેલી ફેક્ટરીને ત્રણ વર્ક ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે - ફેબ્રિકેશન વિસ્તાર, પેઇન્ટિંગ વિસ્તાર અને પેકિંગ વિસ્તાર. ફેક્ટરીના ખુલ્લા છેડા થોડું હવાનું પરિભ્રમણ થવા દે છે - ઉનાળાના લાંબા મહિનાઓમાં જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને 45 ડિગ્રી સેલ્સિયસથી પણ વધી જાય છે ત્યારે આ ખૂબ મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
અમે દુકાનના ફ્લોર પર ચાલીએ છીએ ત્યારે ક્યાં પગ મૂકીએ છીએ એનું ખૂબ ધ્યાન રાખીને પગલું માંડવું પડે છે.
15 ફૂટ લાંબા લોખંડના સળિયા અને પાઈપો, 400 કિલોગ્રામથી વધુ વજનના નક્કર લોખંડના નળાકાર, વેઈટ પ્લેટ્સ કાપવા માટે વપરાતી ઘન અને સપાટ ધાતુની શીટ્સ, ઉત્પાદનના વિવિધ તબક્કામાં રહેલા વીજળીથી ચાલતા મોટા-મોટા મશીનો અને જીમના સાધનો આખા ફ્લોર પર ચારેતરફ છે. સાંકડી, કોઈ ખાસ નિશાની કર્યા વિનાની વગરની એક પગદંડી છે, પરંતુ જો એ ચૂક્યા તો તીક્ષ્ણ ધારથી પીડાદાયક જખમ પહોંચવાનું અને તમારા પગ પર કંઈક ભારે વસ્તુ પડતાં હાડકાં તૂટવાનું પૂરેપૂરું જોખમ.
આ બધી તપખીરિયા, ભૂખરા અને કાળા રંગની ભારે-ભરખમ સ્થિર સામગ્રી વચ્ચે થોડીઘણી હલચલ અને ચમક કામદારોને લીધે જ આવે છે. રંગબેરંગી ટી-શર્ટમાં સજ્જ કામદારો ઈલેક્ટ્રિક મશીનો ચલાવે છે, ધાતુના સંપર્કમાં આવે ત્યારે આ મશીનોમાંથી તણખા ઝરે છે


આસિફ કટીંગ મશીન પર મૂકવા માટે લોખંડની પાઈપને તેમની ડાબી બાજુના ખાલી ફ્લોર તરફ ધકેલે છે; તેઓ 15 ફૂટ લાંબી લોખંડની પાઈપ કાપે છે (જમણે) જે 8 સ્ટેશન મલ્ટી-જીમ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે


ડાબે: મોહમ્મદ નૌશાદ, ફેક્ટરીમાં લેથ મશીન ટેકનિશિયન છે, તેઓ કાપેલા નળાકાર લોખંડ અને ધાતુના ગોળાકાર શીટ્સના ટુકડાને અલગ-અલગ વજનમાં કાપવાનું અને આકાર આપવાનું કામ સંભાળે છે. જમણે: નૌશાદના સ્ટેશન પર કેટલાક ડિસ્ક આકારના લોખંડના ટુકડાઓ તેમના વજનના આધારે એક બીજાની ઉપર ગોઠવેલા છે
મોહમ્મદ આસિફ અહીં તતીના સાનીના એકમાત્ર કામદાર છે; બીજા લોકો મેરઠ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવે છે. લોખંડની પાઈપ કાપવામાં નિષ્ણાત 18 વર્ષના આસિફ કહે છે, “હું અહીં અઢી મહિનાથી કામ કરું છું, પણ આ મારી પહેલી નોકરી નથી. આ પહેલા હું બીજી જીમ મશીન ફેક્ટરીમાં કામ કરતો હતો." અસ્તવ્યસ્ત ઢગલામાંથી 15 ફૂટ લાંબી પાઈપોને બહાર કાઢી એક પછી એક પાઈપને કટિંગ મશીન પર મૂકતા પહેલા તેઓ એ પાઈપોને પોતાની ડાબી બાજુના ખાલી ફ્લોર તરફ ધકેલે છે. બની રહેલા જીમના સાધનો માટે લંબાઈ અને ડિઝાઈનની જરૂરિયાત મુજબ જ્યાં કટ્સ મૂકવાના હોય તે ભાગો પર નિશાની કરવા માટે તેઓ ઈંચની ટેપનો ઉપયોગ કરે છે.
તેઓ ઉમેરે છે, "મારા પિતા રિક્ષા ચલાવે છે, એ તેમની પોતાની નથી. તેમની કમાણી પૂરતી નથી તેથી મારે બને તેટલું વહેલું કામે લાગવું પડ્યું." તેઓ મહિને 6500 રુપિયા વેતન કમાય છે.
ફેક્ટરીના બીજા ભાગમાં, મોહમ્મદ નૌશાદ બેન્ડ સૉ-કટિંગ મશીન પર લોખંડના નક્કર નળાકાર ટુકડાને કાપી રહ્યા છે. 32 વર્ષના નૌશાદ અહીંના લેથ મશીન ટેકનિશિયન પણ છે અને 2006 થી અસીમ સાથે કામ કરી રહ્યા છે. નૌશાદના સ્ટેશન પર ડિસ્ક આકારના લોખંડના ટુકડાઓ તેમના વજનના આધારે એકબીજાની ઉપર ગોઠવેલા છે. તેની તરફ ઈશારો કરતા નૌશાદ કહે છે, "આ બધાને લિફ્ટિંગ માટે જિમના અલગ-અલગ પ્રકારના સાધનો સાથે લગાવવામાં આવશે." નૌશાદ મહિને 16000 રુપિયા કમાય છે.
નૌશાદના વર્કસ્ટેશનની ડાબી બાજુએ 42 વર્ષના મોહમ્મદ આસિફ સૈફી અને 27 વર્ષના આમીર અંસારી આઠ સ્ટેશનવાળું મલ્ટી-જીમ બનાવી રહ્યા છે, તે કુપવાડા (જમ્મુ અને કાશ્મીર) માં લશ્કરી છાવણીમાં પહોંચાડવાના માલનો એક ભાગ છે.
આ કંપનીના ગ્રાહકોમાં શ્રીનગર અને કટરા (જે&કે), અંબાલા (હરિયાણા), બિકાનેર (રાજસ્થાન) અને શિલોંગ (મેઘાલય) માં આવેલા ભારતીય સૈન્ય મથકોનો સમાવેશ થાય છે અને સાકિબ ઉમેરે છે, “ખાનગી જીમ સેટઅપ માટેની યાદી મણિપુરથી લઈને કેરળ સુધીની છે. અમે નેપાળ અને ભૂતાનમાં પણ નિકાસ કરીએ છીએ."


ડાબે: આસિફ સૈફી કેબલ ક્રોસઓવર કસરતના આધારે મલ્ટી-જીમના બે છેડા વચ્ચેનું અંતર નક્કી કરી રહ્યા છે. જમણે: મલ્ટી-જીમના આધાર પર કામ કરવા માટે તેઓ આર્ક વેલ્ડરનો ઉપયોગ કરે છે


આમીર એક પ્લેટમાં કાણું પાડવા માટે હાથેથી ચાલતા ડ્રિલિંગ મશીન (ડાબે) નો ઉપયોગ કરે છે, આ પ્લેટને મલ્ટી-જીમ પર વેલ્ડ કરવામાં આવશે. આર્ક વેલ્ડર (જમણે) નો ઉપયોગ કરીને, તેઓ ધાતુના બે ટુકડાને જોડે છે
બંને આર્ક વેલ્ડીંગના નિષ્ણાત છે અને નાના ભાગો તેમજ મોટા સાધનોની એસેમ્બલી બનાવવાનું કામ કરે છે. ઓર્ડર અને મશીનની સંખ્યાના આધારે તેઓ દર મહિને અંદાજે 50-60000 રુપિયા કમાય છે.
આમીર સમજાવે છે, "આ આર્ક વેલ્ડિંગ મશીનમાં આગળ એક પાતળો ઇલેક્ટ્રોડ હોય છે જે જાડા લોખંડમાં પણ ઘૂસી શકે છે અને તેને ઓગાળી નાખે છે." તેઓ ઉમેરે છે, "ધાતુના બે ટુકડાને જોડવાની પ્રક્રિયા દરમિયાન હાથ સ્થિર રાખીને ઇલેક્ટ્રોડને હાથેથી જ ગાઈડ કરવો પડે છે, પરિણામે આ કૌશલ્ય શીખવાનું અને તેમાં નિપુણતા મેળવવાનું અઘરું છે."
સાકિબ તેમના વેતનના માળખાને સમજાવે છે, "આમીર અને આસિફ ઠેકા [કરાર] પર કામ કરે છે." તેઓ ઉમેરે છે, "જે કામમાં સૌથી વધુ કૌશલ્યની જરૂર હોય છે તે કામો ઠેકા પર કરવામાં આવે છે, ઓછા કૌશલ્યની જરૂર હોય તે કામનું એવું નથી. નિષ્ણાતોની માંગ વધારે છે અને તેઓ માલિકો પાસેથી વધુ સારા વેતન માટે સોદાબાજી કરવાની સ્થિતિમાં હોય છે."
અચાનક દુકાનના ફ્લોર પરની ચમક ઝાંખી પડી જાય છે. પાવર કટ છે; ફેક્ટરીનું જનરેટર ચાલુ કરવામાં આવે ત્યાં સુધી થોડી સેકન્ડો માટે કામ અટકી જાય છે. જનરેટર તેમજ ઈલેક્ટ્રીકલ મશીનોના અવાજ વચ્ચે પોતાનો અવાજ સંભળાય એ માટે કામદારો હવે મોટા-મોટા અવાજે બૂમો પાડી રહ્યા છે.
પછીના વર્કસ્ટેશન પર 21 વર્ષના ઈબાદ સલમાની મેટલ ઇનર્ટ ગેસ (એમઆઈજી) વેલ્ડર વડે જીમના સાધનોના ભાગોના સાંધાને મજબૂત કરી રહ્યા છે. ઈબાદ કહે છે, "પાતળા અને જાડા લોખંડના ટુકડાને વેલ્ડિંગ કરવા કેટલા તાપમાનની જરૂર પડે એની તમને ખબર ન હોય તો લોખંડ ઓગળી જશે." તેઓ મહિને 10000 રુપિયા કમાય છે.
ધાતુના ટુકડા પર નીચે ઝૂકીને કામ કરતી વખતે આ પ્રક્રિયામાં ઝરતા તણખાથી પોતાની આંખો અને હાથને બચાવવા માટે ઈબાદ હેન્ડ શિલ્ડનો ઉપયોગ કરે છે. સાકિબ કહે છે, “અમારી પાસે તમામ રક્ષણાત્મક સામગ્રી છે. શું સુરક્ષિત છે, શું અસુરક્ષિત છે, શું અનુકૂળ છે અને શું અસુવિધાજનક છે એ કારીગરો તેમની પોતાની રીતે નક્કી કરી એ મુજબ એ સામગ્રીનો ઉપયોગ કરે છે."


ડાબે: ઈબાદ સલમાની મેટલ ઇનર્ટ ગેસ (એમઆઈજી) વેલ્ડર વડે જીમના સાધનોના ભાગોના સાંધાને મજબૂત કરતી વખતે હેન્ડ શિલ્ડનો ઉપયોગ કરે છે. જમણે: 60 વર્ષના બાબુ ખાન ફેક્ટરીમાં સૌથી વૃદ્ધ કારીગર છે અને તેઓ - છેલ્લી તકનીકી પ્રક્રિયા - બફિંગનું કામ કરે છે
આસિફ સૈફી કહે છે, “આંગળીઓ બળી જાય; લોખંડની પાઈપો પગ પર પડે. કટ્સ વગેરે ઈજાઓ તો સામાન્ય છે." અને ઉદાસીનતાથી ઉમેરે છે, “અમે નાના હતા ત્યારથી આ કામ કરતા આવ્યા છીએ, હવે તો આ બધાથી ટેવાઈ ગયા છીએ. આ કામ છોડી પણ શકીએ એમ નથી.”
સૌથી વૃદ્ધ કારીગર 60 વર્ષના બાબુ ખાન તેમના હાથને સુતરાઉ કાપડના ટુકડાથી ઢાંકે છે અને તેમના ધડ અને પગને તણખાથી બચાવવા માટે કમરની આસપાસ સુતરાઉ કાપડનો મોટો ટુકડો બાંધે છે. તેઓ કહે છે, "હું નાનો હતો ત્યારે જિમના સાધનોના બીજા કારખાનામાં લોખંડના સળિયાનું વેલ્ડિંગ કરતો હતો, પરંતુ હવે હું અહીં બફિંગનું કામ કરું છું."
સાકિબ સમજાવે છે, "બફિંગ એ છેલ્લી તકનીકી પ્રક્રિયા છે, બફિંગથી લોખંડના ટુકડા પર કટિંગ અને વેલ્ડિંગના જે કોઈ નિશાન હોય એ બધા જતા રહે છે." બાબુને મહિને 10000 રુપિયા વેતન મળે છે.
45 વર્ષના શાકિર અંસારી સપાટીઓ સુંવાળી થઈ ગયા પછી સાધનોના ભાગોના સાંધાઓને ઢાંકવા માટે બોડી ફિલર પુટ્ટી લગાવવાનું કામ કરે છે અને તેને રેગમલ (કાચપેપર) વડે સપાટ કરે છે. શાકિર સાકિબના સાળા છે અને છ વર્ષથી અહીં કામ કરે છે. તેઓ ઠેકા પર કામ કરે છે અને મહિને 50000 રુપિયા સુધીની કમાણી કરે છે. તેઓ કહે છે, “ડીઝલથી ચાલતી રિક્ષા માટે લોખંડની નોઝલ બનાવવાનો મારો પોતાનો ધંધો હતો. પરંતુ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) રિક્ષા બજારમાં આવ્યા પછી મારું કામ સાવ પડી ભાંગ્યું."
સાકિબ સમજાવે છે, "એકવાર શાકિર સાધન પર પ્રાઈમર અને પેઇન્ટ લગાવવાનું કામ પૂરું કરે પછી તેને યાંત્રિક રીતે પાવડર-કોટેડ કરવામાં આવે છે, જે સાધનને ટકાઉ અને કાટ-રહિત બનાવે છે."


ડાબે: શાકિર અંસારી સાંધા પરની સપાટી પરની ફાટોને ઢાંકવા માટે બોડી ફિલર પુટ્ટી લગાવે છે. જમણે: સમીર અબ્બાસી (ગુલાબી ટી-શર્ટ) અને મોહસિન કુરેશી જિમના સાધનોના એક-એક ભાગ પેક કરે છે
નવા બનાવેલા તમામ સાધનોના ભાગોને દરવાજા નજીકના વિસ્તારમાં અલગથી પેક કરવામાં આવે છે જ્યાંથી તેઓ પરિવહન માટે ટ્રકમાં ચડાવાય છે. પેકર્સ અને ફિટર્સની ટીમના મોહમ્મદ આદિલ, સમીર અબ્બાસી, મોહસીન કુરેશી અને શાહબાઝ અંસારીની ઉંમર 17-18 વર્ષની વચ્ચે છે અને તેઓ દરેક મહિને 6500 રુપિયા કમાય છે.
લશ્કરી જિમ માટે કુપવાડા જવા માટે ટ્રક આવી ગઈ છે અને તેઓએ લોડિંગ શરૂ કરવાનું છે.
સમીર કહે છે, "જ્યાં જ્યાં ટ્રકથી ઓર્ડર જાય છે, ત્યાં અમે સાધનો અસેમ્બલ કરવા ટ્રેનમાં જઈએ છીએ," અને ઉમેરે છે, "માત્ર આ કામને કારણે જ અમે પહાડો, મહાસાગરો અને રણ બધું જોઈ લીધું છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક