માણિક સરદાર કહે છે, “મારાં ફેફસાં પથ્થર જેવાં લાગે છે. હું માંડ માંડ ચાલી શકું છું.”
નવેમ્બર, 2022માં, 55 વર્ષીય માણિકને જેનો કોઈ ઈલાજ નથી એવો ફેફસાંનો રોગ — સિલિકોસિસ — હોવાનું નિદાન થયું હતું. તેઓ આગળ કહે છે, “મને આગામી ચૂંટણીઓમાં કોઈ રસ નથી. મને માત્ર મારા પરિવારની સ્થિતિ વિશે ચિંતા છે.”
નબ કુમાર મંડલ પણ સિલિકોસિસના દર્દી છે. તેઓ ઉમેરે છે, “ચૂંટણીઓમાં ખોટા વચનો સિવાય હોય છે શું. અમારા માટે મતદાન એક વિધિ જેવું છે. સત્તામાં કોઈ પણ આવે, તો પણ અમારી હાલતમાં કોઈ સુધારો નથી થવાનો.”
માણિક અને નબા બંને પશ્ચિમ બંગાળના મીનાખાણ બ્લોકના ઝુપખલી ગામમાં રહે છે, જ્યાં 1 જૂનના રોજ સામાન્ય ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે.
આ બંને વ્યક્તિઓ, જ્યાં તેઓ એક કે દોઢ વર્ષ સુધી તૂટક તૂટક કામ કરતા હતા, ત્યાં સિલિકાના રજકણોના સંપર્કમાં આવવાને કારણે કથળતા સ્વાસ્થ્ય અને ફેક્ટરીઓમાં વેતનના નુકસાન સાથે ઝઝૂમી રહ્યા છે. વળતર તેમને મૃગજળની માફક લલચાવે છે, કારણ કે મોટા ભાગનાં કારખાનાં ડિરેક્ટોરેટ ઓફ ફેક્ટરીઝમાં નોંધાયેલાં નથી અને જે કારખાના નોંધાયેલાં છે તે પણ નિમણૂક પત્રો અથવા ઓળખપત્રો જારી કરતાં નથી. ઘણાં કારખાનાં હકીકતમાં ગેરકાયદેસર અથવા અર્ધ-કાનૂની છે અને ત્યાં કામ કરતા કામદરોની નોંધણી કરાઈ નથી.


માણિક સરકાર (ડાબે) અને હારા પાઇક (જમણે) પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના ઝુપખલી ગામના રહેવાસી છે. આ બંનેએ રેમિંગ માસ યુનિટમાં કામ કરવા સ્થળાંતર કર્યું હતું , જ્યાં સિલિકા ધૂળના સંપર્કમાં આવવાથી તેમને સિલિકોસિસનો ચેપ લાગ્યો હતો
આવા કામમાં સીધે સીધું જોખમ હોવા છતાં, લગભગ એક દાયકા સુધી, 2000 થી 2009ની વચ્ચે, માણિક અને નબા કુમાર જેવા ઉત્તર 24 પરગણાના ઘણા રહેવાસીઓ વધુ સારી આજીવિકાની શોધમાં આ કારખાનાંમાં કામ કરવા માટે સ્થળાંતર કરીને ગયા હતા. આબોહવા પરિવર્તન અને પાકના ઘટતા ભાવોના કારણે તેમની આવકનો પરંપરાગત સ્રોત એવી ખેતી હવે નફાકારક રહી ન હતી.
ઝુપખલી ગામના અન્ય રહેવાસી હારા પાઇક કહે છે, “અમે ત્યાં નોકરીની શોધમાં ગયા હતા. અમને ખબર નહોતી કે અમે મોતના કુવામાં જઈ રહ્યા છીએ.”
રેમિંગ માસ યુનિટ્સમાં કામ કરતા કામદારો સિલિકાના રજકણોના સંપર્કમાં આવે છે જેને તેઓ સતત શ્વાસમાં લે છે.
ધાતુનો ભંગાર, બિન-ધાતુ ખનિજો, લેડલ (કડછી) અને ક્રેડલને લઈ જવાની ગાડી અને સ્ટીલના ઉત્પાદનમાં વપરાતી ઇન્ડક્શન ભઠ્ઠીઓના અસ્તરમાં રેમિંગ માસ એ મુખ્ય ઘટક છે. તેનો ઉપયોગ આગની ઈંટો જેવી પ્રત્યાવર્તનની વસ્તુઓના ઉત્પાદનમાં પણ થાય છે.
અહીં, આ કારખાનાઓમાં, કામદારો સિલિકાના રજકણોના સંપર્કમાં રહે છે. ત્યાં લગભગ 15 મહિના કામ કરનારા હારા કહે છે, “હું તે કારખાનાની નજીકના વિસ્તારમાં સૂતો હતો. એટલે હું ઊંઘમાં પણ સિલિકાને શ્વાસમાં લેતો હતો.” રક્ષણાત્મક સાધનોની સંપૂર્ણ ગેરહાજરીને કારણે સિલિકોસિસ થવો એ માત્ર અમુક સમયની બાબત છે.


ડાબેઃ 2001-2002 માંથી , ઉત્તર 24 પરગણાના ઘણા ખેડૂતો આબોહવા પરિવર્તન અને પાકના ઘટતા ભાવોને કારણે સ્થળાંતર કરીને ગયા હતા. 2009માં આઇલા નામનું ભીષણ ચક્રવાત ત્રાટક્યું પછી , એથીય વધુ લોકોએ સ્થળાંતર કર્યું. ઘણા સ્થળાંતર કરનારાઓએ ક્વાર્ટઝાઇટ ક્રશિંગ અને મિલિંગ જેવાં જોખમી કામ હાથ ધર્યાં. જમણે: સિલિકોસિસ ફેફસાનો એક અસાધ્ય રોગ છે. જો પરિવારનો પ્રાથમિક કમાણી કરનાર પુરુષ સભ્ય બીમાર પડે અથવા મૃત્યુ પામે , તો જવાબદારી મહિલાઓ પર આવી પડે છે , જે પહેલેથી જ આઘાત અને દુઃખથી ઝઝૂમી રહ્યાં હોય છે
2009-10 થી, મીનાખાણ-સંદેશખલી બ્લોકના વિવિધ ગામોના 34 કામદારો રેમિંગ માસ ઈન્ડસ્ટ્રીઝમાં નવ મહિનાથી ત્રણ વર્ષ સુધી કામ કર્યા પછી સિલિકોસિસથી અકાળે મૃત્યુ પામ્યા છે.
કામદારો શ્વાસ લે છે, તેમ તેમ સિલિકાના રજકણો ફેફસાની એલ્વિઓલર કોથળીઓમાં જમા થાય છે, અને ધીમે ધીમે ફેફસાને સખત કરી દે છે. સિલિકોસિસના પ્રથમ લક્ષણોમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ, ત્યારબાદ વજનમાં ઘટાડો અને ત્વચા કાળી પડવી છે. ધીમે ધીમે છાતીમાં દુખાવો અને શારીરિક નબળાઈ શરૂ થાય છે. પછીના તબક્કામાં, દર્દીઓને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. સિલિકોસિસના દર્દીઓને ઓક્સિજનની અછતને કારણે હૃદયરોગનો હુમલો થવાથી મોત થતું હોય છે.
સિલિકોસિસ એક અપરિવર્તનીય, અસાધ્ય અને વણસતો જતો વ્યાવસાયિક રોગ છે, જે ન્યુમોકોનિઓસિસનું એક ચોક્કસ સ્વરૂપ છે. વ્યાવસાયિક રોગ નિષ્ણાત ડૉ. કુણાલ કુમાર દત્તા કહે છે, "સિલિકોસિસ ધરાવતા દર્દીઓને ક્ષય રોગ થવાની શક્યતા 15 ગણી વધારે હોય છે.” આને સિલિકો-ટ્યુબરક્યુલોસિસ અથવા સિલિકોટિક ટીબી તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ કામની મજબૂરી એવી છે કે છેલ્લા બે દાયકાથી કામની શોધમાં ત્યાં સ્થળાંતર કરતા પુરુષોનો પ્રવાહ સતત વધતો જ રહ્યો છે. વર્ષ 2000માં, ગોઆલદાહ ગામના કામદારો લગભગ 300 કિલોમીટર દૂર કુલ્ટી સ્થિત રેમિંગ માસ પ્રોડક્શન યુનિટમાં કામ કરવા ગયા હતા. થોડા વર્ષો પછી, મિનાખાન બ્લોકના ગોઆલદાહ, દેબિતાલ, ખરીબિયારિયા અને જયગ્રામ જેવા ગામોમાં ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતો બારાસાતના દત્તપુકુરના એક એકમમાં કામ કરવા ગયા. આવું જ 2005-2006માં સંદેશખલી બ્લોક 1 અને 2ના સુંદરિખલી, સરબરિયા, બાતિદાહા, અગરહાટી, જેલિયાખાલી, રાજબારી અને ઝુપખલી ગામોના ખેડૂતોએ કર્યું હતું. તે જ સમયગાળામાં, આ બ્લોકના મજૂરો જમુરિયામાં મોટા પાયે ઉત્પાદન એકમમાં ગયા હતા.
ઝુપખલીના અન્ય રહેવાસી અમોય સરદાર કહે છે, "અમે બોલ મિલ [એક પ્રકારનું ગ્રાઇન્ડર] નો ઉપયોગ કરીને ક્વાર્ટઝાઇટ પથ્થરમાંથી બારીક પાવડર અને ક્રશર મશીનનો ઉપયોગ કરીને સોજી અને ખાંડ જેવા અનાજનું ઉત્પાદન કર્યું હતું. ત્યાં ધૂળ એટલી બધી હતી કે તમને એક હાથથી દૂરનું કંઈ દેખાય જ નહીં. મારા આખા શરીર પર ધૂળ જામેલી રહેતી.” લગભગ બે વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી નવેમ્બર, 2022માં અમોયને સિલિકોસિસ હોવાનું નિદાન થયું હતું. તેઓ હવે સખત મહેનત કરવી પડે તેવાં કામ નથી કરી શકતા. તેઓ કહે છે, “હું મારા પરિવારને ટેકો આપવા માટે કામ કરતો હતો. પણ મને તો રોગ વળગી પડ્યો.”
2009ના ભીષણ ચક્રવાત આઇલાના લીધે સ્થળાંતરને વધુ વેગ મળ્યો હતો, જેણે સુંદરબનમાં ખેતીની જમીનને બરબાદ કરી દીધી હતી. યુવાનો ખાસ કરીને નોકરીઓ માટે રાજ્યના અન્ય ભાગોમાં તેમજ દેશમાં જવા માટે ઉત્સુક હતા.


ડાબેઃ બે વર્ષ કામ કર્યા પછી, અમોય સરદારને સિલિકોસિસ હોવાનું નિદાન થયું હતું. તેઓ કહે છે, ‘હું મારા પરિવારને ટેકો આપવા માટે કામ કરતો હતો. પણ મને તો રોગ વળગી પડ્યો.’ જમણેઃ મહાનંદ સરદાર, એક મહત્વાકાંક્ષી કીર્તન ગાયક, સિલિકોસિસ હોવાનું નિદાન થયા પછી હવે લાંબા સમય સુધી ગાઈ શકતા નથી


ડાબેઃ સંદેશખલી અને મીનાખાણ બ્લોકના સિલિકોસિસના ઘણા દર્દીઓને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. જમણેઃ એક્સ-રે છબીઓ તપાસતા એક ટેકનિશિયન. સિલિકોસિસ એક વણસતો જતો રોગ છે અને તેનું સમયાંતરે એક્સ-રે દ્વારા નિરીક્ષણ કરી શકાય છે
મહાનંદ સરદાર ગાયક બનવા માંગતા હતા, પરંતુ ચક્રવાત આઇલા પછી, તેઓ જમુરિયામાં એક રેમિંગ માસ કારખાનામાં કામ કરવા ગયા, જ્યાંથી તેમને સિલિકોસિસ થયો. ઝુપખલીના આ રહેવાસી કહે છે, "મારે હજુ પણ કીર્તન ગાવું છું, પરંતુ હું લાંબા સમય સુધી ગાઈ શકતો નથી કારણ કે મને શ્વાસની તકલીફ છે.” સિલિકોસિસ હોવાનું નિદાન થયા પછી, મહાનંદ એક બાંધકામ સ્થળ પર કામ કરવા માટે ચેન્નાઈ ગયા હતા. પરંતુ તેમને એક અકસ્માત થયો હતો અને તેમણે મે 2023માં પરત ફરવું પડ્યું હતું.
સંદેશખલી અને મીનાખાણ બ્લોકના ઘણા દર્દીઓ સ્થળાંતર કરીને જાય તો છે, પરંતુ બીમારી સાથે ઝઝૂમતાં ઝઝૂમતાં રાજ્યના અન્ય ભાગોમાં અને તેની બહાર દૈનિક વેતન મજૂર તરીકે કામ કરવાનું ચાલુ રાખે છે.
*****
આ રોગનું વહેલું નિદાન એ રોગના સંચાલનની ચાવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ−નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થના ડિરેક્ટર ડૉ. કમલેશ સરકાર કહે છે, "રોગનું સફળતાપૂર્વક સંચાલન કરવા અને તેને રોકવા માટે, તેની વહેલી ઓળખ કરવાની જરૂર છે. ક્લેરા સેલ પ્રોટીન 16 [CC 16], જે આપણી આંગળીના ટેરવેથી એકત્રિત કરવામાં આવેલા લોહીના એક ટીપાંમાંથી શોધી શકાય છે, તે સિલિકોસિસ સહિત ફેફસાના વિવિધ રોગો માટેની ઓળખ છે. તંદુરસ્ત માનવ શરીરમાં, CC16 નું મૂલ્ય 16 નેનોગ્રામ પ્રતિ મિલિલીટર (ng/ml) છે. જો કે સિલિકોસિસના દર્દીઓમાં, જેમ જેમ રોગ વણસતો જાય છે તેમ તેમ તેનું મૂલ્ય ઘટે છે, અને આખરે શૂન્ય સુધી પહોંચી જાય છે.
ડૉ. સરકાર ઉમેરે છે, “સરકારે એક યોગ્ય કાયદો બનાવવો જોઈએ, જેમાં સતત અથવા તૂટક તૂટક સિલિકાના રજકણોના સંપર્કમાં રહેતા જોખમી ઉદ્યોગોના કામદારો માટે CC16નું પરીક્ષણ સાથે સમયાંતરે સ્ક્રિનિંગ ફરજિયાત બનાવવું જોઈએ. આનાથી સિલિકોસિસની વહેલી તપાસ કરવામાં મદદ મળશે.”
જેમને 2019માં સિલિકોસિસ હોવાનું નિદાન થયું હતું તેવા રવીન્દ્ર હળદર કહે છે, “નજીકમાં એકેય હોસ્પિટલ નથી.” સૌથી નજીકની બ્લોક હોસ્પિટલ ખુલનામાં છે. ત્યાં પહોંચવા માટે ઝુપખલી નિવાસી રવીન્દ્રને બે હોડીઓ બદલીને જવું પડે છે. તેઓ કહે છે, “સરબરિયામાં શ્રમજીબી હોસ્પિટલ છે, પરંતુ તેમાં પૂરતી સુવિધાઓ નથી. કોઈ પણ ગંભીર સમસ્યા માટે, અમારે કોલકાતા જવું પડે છે. એમ્બ્યુલન્સ 1,500-2,000 રૂપિયા વસૂલે છે.”


ડાબેઃ ઝુપખલીના અન્ય રહેવાસી રવીન્દ્ર હળદર કહે છે કે તેમણે નજીકની બ્લોક હોસ્પિટલમાં જવા માટે બે હોડીઓ બદલીને જવું પડે છે. જમણેઃ ગોઆલદાહ ગામના રહેવાસી સફિક મોલ્લાને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર છે
ગોઆલદહામાં પોતાના ઘરે 50 વર્ષીય મોહમ્મદ સફિક મોલ્લા શ્વાસ લેવામાં ગંભીર તકલીફને કારણે લગભગ બે વર્ષથી પથારીવશ છે. તેઓ કહે છે, “મારે 20 કિલો વજન ઘટી ગયું છે, અને મને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર રહે છે. હું રોઝા પણ રાખી શકતો નથી. મને મારા પરિવારની ચિંતા છે. જ્યારે હું જઈશ ત્યારે તેમનું શું થશે?”
ફેબ્રુઆરી 2021માં તેમના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. સફિકનાં પત્ની રેબાના ખાતૂન કહે છે, “શ્રી સમિત કુમાર કારે અમારા વતી કેસ દાખલ કર્યો હતો.” પરંતુ ટૂંક સમયમાં પૈસા ખતમ થઈ ગયા. રેબાના સમજાવે છે, “અમે આ ઘરની જાળવણી અને અમારી સૌથી મોટી દીકરીના લગ્ન પાછળ તેને ખર્ચી દીધા હતા.”
ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એસોસિએશન ઑફ ઝારખંડ (OSAJH ઇન્ડિયા) ના સમિત કુમાર કાર બે દાયકા કરતાંય વધુ સમયથી ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સિલિકોસિસથી અસરગ્રસ્ત કામદારોના અધિકારો માટે લડી રહ્યા છે અને તેમના વતી સામાજિક સુરક્ષા અને નાણાકીય વળતર માટે ફરિયાદો દાખલ કરી રહ્યા છે.
OSAJH ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળમાં 2019-2023ની વચ્ચે સિલિકોસિસથી મૃત્યુ પામેલા 23 કામદારોના પરિવારોને 4 લાખ રૂપિયા તેમજ સિલિકોસિસથી અસરગ્રસ્ત 30 કામદારોને દરેકને 2 લાખ રૂપિયા મેળવવામાં મદદ કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પેન્શન અને કલ્યાણ યોજનાઓ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
સમિત કહે છે, “ફેક્ટરી એક્ટ, 1948 મુજબ, જે ફેક્ટરીઓ રેમિંગ માસ અને સિલિકા પાવડરનું ઉત્પાદન કરે છે તેને સંગઠિત ઉદ્યોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે કારણ કે તેમાં 10થી વધુ કામદારો વીજળી સાથે કામ કરે છે. તેથી, ફેક્ટરી સંબંધિત તમામ શ્રમ નિયમો અને કાયદા તેમાં લાગુ પડે છે.” આ કારખાનાઓ કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ 1948 અને કામદાર (કર્મચારી) વળતર અધિનિયમ 1923 હેઠળ પણ આવે છે. કારખાના અધિનિયમમાં ઉલ્લેખિત સૂચિત રોગ હોવાનો અર્થ એ છે કે જો કોઈ ડૉક્ટર ત્યાંના કોઈ કામદારને સિલિકોસિસ હોવાનું નિદાન કરે છે, તો તેમણે કારખાનાના મુખ્ય નિરીક્ષકને જાણ કરવી પડશે.


અનિતા મંડલ (ડાબે) અને ભારતી હળદર (જમણે) બંનેએ સિલિકોસિસને કારણે તેમના પતિ ગુમાવ્યા હતા. ઘણા રેમિંગ માસ યુનિટ્સ ગેરકાયદેસર અથવા અર્ધ-કાનૂની છે અને કામદારો નોંધાયેલા નથી
31 માર્ચ, 2024ના રોજ કોલકાતામાં OSHAJ ઇન્ડિયા દ્વારા આયોજિત વર્કશોપમાં નિષ્ણાતોની પેનલે નિર્ણાયક રીતે ઓળખી કાઢ્યું હતું કે સિલિકોસિસ માત્ર લાંબા ગાળાના સંપર્ક દ્વારા થાય છે તેવી સામાન્ય માન્યતાથી વિપરીત, શ્વાસમાં તેને ઓછા સમય માટે લેવામાં આવે તો પણ તે થઈ શકે છે. ઉત્તર 24 પરગણાના મોટા ઉદ્યોગોમાં કામ કરતા સિલિકોસિસના દર્દીઓમાં આ બાબત સ્પષ્ટપણે જોવા મળે છે. પેનલના જણાવ્યા અનુસાર, સંપર્કના કોઈપણ સમયગાળા દરમિયાન ધૂળના રજકણોની આસપાસ તંતુમય પેશીઓની રચના થઈ શકે છે, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમયને અવરોધે છે અને શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે.
કાર સમજાવે છે કે સિલિકોસિસ પણ એક વ્યવસાયિક રોગ છે, જેના માટે કામદારો વળતર મેળવવા માટે હકદાર છે. પરંતુ મોટાભાગના કામદારો નોંધાયેલા નથી. જ્યાં કામદારો સિલિકોસિસથી પીડાય છે તેવા કારખાનાઓને ઓળખવાની જવાબદારી સરકારની છે. તેની રાહત અને પુનર્વસન નીતિ (કલમ 11.4) માં પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે કામદારો કાયદાની કલમની ચિંતા કર્યા વિના નોકરીદાતાઓ પાસેથી વળતર માંગી શકે છે.
પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે, કાર કહે છે. “મેં ઘણા પ્રસંગોએ અવલોકન કર્યું છે કે વહીવટીતંત્ર મૃત્યુ પ્રમાણપત્ર પર મૃત્યુના કારણ તરીકે સિલિકોસિસનો ઉલ્લેખ કરવાનો ઇન્કાર કરે છે.” અને તે પહેલાં, કારખાનાઓ કામદારો બીમાર પડે ત્યારે તેમને કાઢી મૂકે છે.
જ્યારે અનિતા મંડલના પતિ સુબર્ણાનું મે 2017માં સિલિકોસિસથી અવસાન થયું ત્યારે કોલકાતાની નીલ રતન સરકાર હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ “લીવર સિરોસિસ અને ચેપી પેરિટોનાઇટિસ” લખવામાં આવ્યું હતું. સુબર્ણ જમુરિયામાં રેમિંગ માસ ફેક્ટરીમાં કામ કરતા હતા.
અનિતા કહે છે, “મારા પતિને ક્યારેય યકૃતની બીમારી હતી જ નહીં. તેમને સિલિકોસિસ હોવાનું નિદાન થયું હતું.” ઝુપખલીનાં રહેવાસી અનિતા, ખેત મજૂર તરીકે કામ કરે છે અને તેનોમ પુત્ર સ્થળાંતર મજૂર બની ગયો છે, જે મોટાભાગે કોલકાતા અને ડાયમંડ હાર્બરમાં બાંધકામ સ્થળો પર કામ કરે છે. અનિતા કહે છે, “મને ખબર નહોતી કે તેઓએ મૃત્યુ પ્રમાણપત્રમાં શું લખ્યું હતું. હું તે સમયે ભાંગી પડી હતી. અને હું કાયદાકીય શરતોને કેવી રીતે સમજી શકું? હું તો ગામડામાં રહેતી એક સીધીસાદી ગૃહિણી છું.”
તેમની સંયુક્ત આવકથી, અનિતા અને તેનો પુત્ર તેમની પુત્રીના ઉચ્ચ શિક્ષણને ટેકો આપી રહ્યાં છે. તેઓ પણ ચૂંટણીને લઈને ઉદાસીન છે. “છેલ્લા સાત વર્ષમાં બે ચૂંટણીઓ થઈ છે. તો પણ હું તો હજુ કંગાલને કંગાલ જ છું. મને કહો, હું ચૂંટણીમાં શું કામ રસ લઉં?”
અનુવાદક: ફૈઝ મોહંમદ