મનોહર ઇલાવર્તી 19 એપ્રિલ, 2024ના રોજ બેંગ્લોરની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર એવા દેવરા જીવનહલ્લીમાં ક્વીઅર રાઇટ્સ વિશે જાગૃતિ લાવવા માટે તૈયાર હતા. ઇલાવર્તી લિંગ અને જાતીય લઘુમતીઓના અધિકારો માટે કાર્યરત સંગમ જૂથના સ્થાપકોમાંના એક છે. તેમણે LGBTQIA + (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર, ઇન્ટરસેક્સ અને એસેક્સ્યુઅલ, “+” એ ઉપર સિવાયની ઓળખ માટે છે.) લોકોના મુદ્દાઓ સાથે વધતા જીવન ખર્ચ, બેરોજગારી અને રહેવાસીઓ સાથે ધર્મનિરપેક્ષ વર્તન જેવી વ્યાપક સામાજિક ચિંતાઓ પર ચર્ચા કરવાની યોજના બનાવી હતી.
સંયોગે, આ ભારત તેની 2024ની સામાન્ય ચૂંટણીઓ શરૂ કરે, તેનો પહેલો દિવસ હતો; કર્ણાટક રાજ્યમાં આવેલું બેંગ્લોર શહેર આના એક અઠવાડિયા પછી મતદાન કરશે.
ઇલાવર્તી એ પ્રચાર શરૂ કર્યો તે જ સમયે, ભગવા ખેસ અને પક્ષનાં સૂચક ચિહ્નો પહેરેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 10 માણસોએ ડીજે હલ્લી તરીકે જાણીતા દેવરા જીવનહલ્લીની સાંકડી ગલીઓમાં તેમને અને મને (પ્રચાર કાર્યક્રમનો અહેવાલ આપનારા પત્રકારને) ઘેરી લીધા હતા. અહીં મોટાભાગના મતદારો ગ્રામીણ વિસ્તારમાંથી સ્થળાંતર કરીને આવનારા છે, જેમાંથી ઘણા મુસ્લિમ સમુદાયના છે.
ભાજપના એક સભ્યએ બૂમો પાડીને કહ્યું, “તું માત્રને માત્ર કોંગ્રેસ પક્ષનો એજન્ટ છે!” જીએસએમની પ્રચાર યોજનાઓનો વિરોધ કરવા માટે ભેગા થયેલા અન્ય લોકોએ પણ આ વિરોધના સમર્થનમાં માથું ધુણાવ્યું. ભાજપના સભ્યોએ જીએસએમની પત્રિકાઓને “આ બધી ગેરકાયદેસર છે” એમ કહી.


ડાબે: સ્થાનિક ભાજપ પક્ષ કાર્યાલયના ઉપાધ્યક્ષ મણિમરન રાજુ (ડાબે), અને લિંગ અને જાતીય લઘુમતી અધિકાર જૂથ (જમણે) ના સ્થાપક મનોહર ઇલાવર્તી. જમણે: મણિમરન રાજુ (લાલ અને સફેદ ચોકડીવાળા શર્ટમાં) ની આગેવાની હેઠળના ભાજપ પક્ષના કાર્યકરો, જેઓ મનોહર (દાઢી સાથે વાદળી શર્ટમાં) તરફ નજર માંડીને બેઠા છે, જ્યારે તેઓ જીએસએમના અન્ય સ્વયંસેવકોને બોલાવવાનો પ્રયાસ કરે છે
કોઈપણ નાગરિક સમાજ જૂથ શાસક પક્ષની ટીકા કરતી પત્રિકાઓનું વિતરણ કાયદેસર રીતે કરી જ શકે છે. જો કે, ચૂંટણી પંચના નિયમો કહે છે કે રાજકીય પક્ષને, અન્ય પક્ષ વિશે ટીકાત્મક સામગ્રી પ્રસારિત કરવા પર પ્રતિબંધ છે.
મનોહરે પક્ષના નારાજ સભ્યોને આ સમજાવવાનો પ્રયાસ કર્યો. અચાનક, તેમનું ધ્યાન મારી તરફ વળ્યું અને તેઓએ ત્યાં મારી હાજરી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું, અને મારો કેમેરા બંધ કરવાની માંગ કરી.
જ્યારે એમને ખબર પડી કે હું એક પત્રકાર છું, ત્યારે તેઓ મારા પ્રત્યે ઓછા આક્રમક બન્યા. આનાથી મનોહર અને હું અન્ય સ્વયંસેવકોને મળવા માટે આગળ ચાલી શક્યાં. સ્થાનિક ભાજપ પાર્ટી કાર્યાલયના ઉપાધ્યક્ષ મણિમરન રાજુ, જેઓ આ ટોળાનો ભાગ હતા, તેમણે અમને આગળ વધવા દેવાનું નક્કી કર્યું.
પરંતુ આ અસ્થિર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ અને થોડા જ સમયમાં અમે પક્ષના કાર્યકરોની બમણી સંખ્યાથી ઘેરાઈ ગયા. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ સાથે ઘટના સ્થળે એક સત્તાવાર કારે પણ દેખા દીધી.
થોડી જ મિનિટોમાં — કોઈપણ પ્રચાર શરૂ થાય તે પહેલાં જ — મનોહર, જીએસએમના સ્વયંસેવકો, અને મને દેવરા જીવનહલ્લીના પોલીસ સ્ટેશનમાં જવાનું કહેવામાં આવ્યું.

ફ્લાઇંગ સ્ક્વોડ ટીમના સભ્ય અને ચૂંટણી પંચના અધિકારી એમ.એસ. ઉમેશ (પીળા શર્ટમાં) સાથે મનોહર. જીએસએમના સ્વયંસેવકો પર કાયદો તોડવાનો આરોપ લગાવતા ભાજપ પક્ષના કાર્યકરો, ચૂંટણી પંચના અન્ય સભ્યો, અને પોલીસ અધિકારીઓ પણ હાજર છે
*****
2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સત્તામાં છે અને હવે 2024માં ત્રીજી વખત સત્તા મેળવવાની ફિરાકમાં છે. આ વિસ્તાર બેંગ્લોર ઉત્તર લોકસભા મતવિસ્તારનો ભાગ છે અને અહીંથી ભાજપના શોભા કરંદલાજે અને કોંગ્રેસના પ્રોફેસર એમ.વી. રાજીવ ગૌડા ઉભા છે.
જીએસએમની પત્રિકાઓમાં ગેસ સિલિન્ડરની વધતી કિંમતો, યુવાનોમાં બેરોજગારી અને છેલ્લા 10 વર્ષમાં દેશમાં ધાર્મિક અસહિષ્ણુતામાં થયેલ તીવ્ર વધારાની ટીકા સામેલ હતી.
પત્રિકામાં છે કે, “તેના પ્રતિનિધિઓ અવિરતપણે ધર્મ, જાતિ અને ભાષાના નામે આપણને વિભાજિત કરતા ભાષણો આપી રહ્યા છે. શું આપણે તેમને આપણી શાંતિ અને સંવાદિતાની ભૂમિ એવી કર્ણાટકમાં નફરત ફેલાવવા દઈશું?”
મનોહર કહે છે, “જ્યારે લોકશાહી જ જોખમમાં હોય, ત્યારે અમને માત્ર એક સમુદાયની જ રક્ષા કરવી હિતાવહ નથી લાગતી, પરંતુ અમને લોકશાહીના સિદ્ધાંતને જ બચાવવાની જરૂર લાગે છે.” ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીઓમાંથી પસાર થતાં તેઓ ઉમેરે છે, “અમને એવું નથી લાગતું કે કોંગ્રેસ જીએસએમ માટે શ્રેષ્ઠ પક્ષ છે, પરંતુ વર્તમાન સરકાર આપણા બંધારણ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે. જો લોકશાહી જ મરી જશે, તો હાંસિયામાં ધકેલાઈ ગયેલા બધા સમુદાયોની મોત પાક્કી.”
ક્વીઅર સ્કોલર સિદ્ધાર્થ ગણેશ કહે છે, “કર્ણાટકના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે LGBTQIA + લોકોનું આટલું મોટું ગઠબંધન ચૂંટણી દરમિયાન એક સાથે આવ્યું હોય. જીએસએમમાં કર્ણાટકના વિવિધ જિલ્લાઓ કોલાર, બેંગલુરુ શહેરી વિસ્તાર, બેંગલુરુ ગ્રામીણ વિસ્તાર, ચિકબલ્લાપુર, રામનગર, તુમકુર, ચિત્રદુર્ગ, વિજયનગર, બેલ્લારી, કોપ્પલ, રાયચૂર, યાદગિરી, કાલાબુરાગી, બીદર, બીજાપુર, બેલગાવી, ધારવાડ, ગડગ, શિમોગા, ચિક્કમગલુરુ, હસન અને ચામરાજનગરના ક્વીઅર સમુદાયના સભ્યો અને સહયોગીઓ તરીકે કાર્યરત છે.
મોટા જીએસએમના સભ્યોમાંના એક એવા કોએલિશન ફોર સેક્સ્યુઅલ માઇનૉરિટી એન્ડ સેક્સ વર્કર્સ રાઇટ્સ (સીએસએમઆર) ના સભ્ય એવા સિદ્ધાર્થ કહે છે, “આ ઝુંબેશના પ્રયાસોને સંકલિત ધોરણે આગળ ધપાવવા માટે જીએસએમની છત્રછાયા હેઠળ ક્વીઅર સમુદાયનું એક સાથે આવવું એ તમામ લઘુમતીઓ માટે વધુ ન્યાયી અને સમાન સમાજ પ્રાપ્ત કરવાની દિશામાં એક મક્કમ પગલું છે.”
*****


ડાબે: ચૂંટણી પંચના પોલીસ અધિકારી સૈયદ મુનિયાઝ (ખાખી ગણવેશમાં) સાથે મનોહર (વાદળી શર્ટ અને કાળી થેલી સાથે); અને એમ.એસ. ઉમેશને ભાજપના કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા. જમણે: સૈયદ મુનિયાઝ સ્વયંસેવકોને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે
ભાજપ પક્ષના આક્રમક કાર્યકરોથી ઘેરાયેલા અમારા કાર્યકર્તાઓના જૂથને સંબોધતા ચૂંટણી પંચના અધિકારી સૈયદ મુનિયાઝે કહ્યું, “કાયદો તોડવામાં આવ્યો હતો.” ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડનો ભાગ એવા મુનિયાઝ ભાજપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદની તપાસ કરી રહ્યા હતા. જ્યારે અમે તેમને ફરિયાદ જોવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે માત્ર મૌખિક ફરિયાદ હતી.
મેં પૂછ્યું, “સ્વયંસેવકો સામે કઈ ફરિયાદ નોંધવામાં આવી હતી?” પત્રિકાઓના વિતરણનો ઉલ્લેખ કરતા મુનિયાઝે કહ્યું, “તેમણે કાયદો તોડ્યો એટલે તેમણે જવું પડ્યું.” જીએસએમના સ્વયંસેવકોએ નક્કી કર્યું કે પરિસ્થિતિને બદથી બદતર થતી અટકાવવા માટે તેઓ જેમ કહે તેમ કરવું યોગ્ય રહેશે.
જ્યારે અમે ચાલીને સ્ટેશન તરફ જઈ રહ્યાં હતાં, ત્યારે ભગવા ખેસ પહેરેલા પુરુષો સાથેની મોટરબાઈક અમારી એકદમ નજીકથી પસાર થઈ, એ રીતે કે તેણે અમને તે સાંકડી લેનમાં અથડાતાં રહી ગઈ. તેઓ “તમારે મરી જવું જોઈએ”, “પાકિસ્તાન જતા રહો” અને “તમે લોકો ભારતીય નથી”, જેવા નારા મારતા હતા.
પોલીસ સ્ટેશને અન્ય 20 માણસો અમારી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે જીએસએમના સ્વયંસેવકો અને હું અંદર ગયા, ત્યારે તેઓએ અમને ઘેરી લીધા. આ લોકો પક્ષના કાર્યકર્તાઓ હતા, તેમણે મારો ફોન અને કેમેરા છીનવી લેવાની ધમકી આપી. કેટલાક માણસો મારી તરફ આગળ વધ્યા, પરંતુ અન્ય લોકોએ તેમને પાછળ ધકેલી દીધા. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સ્વયંસેવકો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓ મને તે ઓરડામાંથી બહાર કાઢવા માંગતા હતા.
આ સ્ટેશનમાં અટકાયતના થયાના લગભગ અડધા કલાક પછી, તે ટોળાને જવા દેવામાં આવ્યું હતું. કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. જીએસએમના સ્વયંસેવકોને સ્ટેશન છોડવાનું કહેવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમ કાયદાકીય રીતે યોગ્ય હોવા છતાં આવું કેમ થયું તે અંગેના પ્રશ્નોનો જવાબ આપવા માટે કોઈ ન હતું. તે દિવસે પણ તેમને પ્રચાર કરવાથી દૂર રાખવામાં આવ્યા હતા.


ડાબે: મુનિયાઝ બાઇક પર સવાર બે પજવણી કરનારાઓ સાથે વાત કરે છે, જેઓ અગાઉ જીએસએમના સ્વયંસેવકો પર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જમણે: જીએસએમના સ્વયંસેવકોને લઈને પોલીસ સ્ટેશન જતા મુનિયાઝ


ડાબે: જીએસએમના સ્વયંસેવકોની પોલીસ સ્ટેશન ખાતે રાહ જોઈ રહેલા ભાજપ પક્ષના કાર્યકરો. જમણે: જીએસએમના સ્વયંસેવકો પોલીસને કહે છે કે તેમની પત્રિકાઓ અને પ્રચાર કાર્યક્રમ કાયદેસરનો જ છે
બેંગ્લોરમાં ક્વીઅર ઍક્ટિવિઝમનો અભ્યાસ કરતા વિદ્વાન સિદ્ધાર્થ કહે છે, “સરકાર દ્વારા સદીઓથી અપરાધીકરણ થયા પછી, આ રાજ્યની ઉપેક્ષા, ઉદાસીનતા અને હિંસાને દૂર કરવાની દિશામાં એક આંદોલન છે, જ્યાં ક્વીઅર સમુદાય રાજકારણમાં ક્વીઅર લોકોનું પ્રતિનિધિત્વ વધારવા માટે કામ કરી રહ્યો છે.”
હું જે વાર્તા કરવા માંગતો હતો તે તો ન કરી શકી, પરંતુ આ ઘટના જણાવવી મહત્ત્વપૂર્ણ હતી.
તેમના સાથીદારોના વર્તન વિશે પૂછવામાં આવતાં ભાજપના મણિમરન રાજુએ કહ્યું, “હું શું કહી શકું? મને શું કહેવું તે સમજાતું નથી. આ સમાપ્ત થતાં જ હું તેમની સાથે વાત કરીશ. તેઓએ (શારીરિક રીતે કેમેરા છીનવી લેવાના પ્રયાસ જેવું) એવું વર્તન નહોતું કરવું જોઈતું.”
ચૂંટણી પ્રક્રિયામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી, દેશભરમાં હસ્તક્ષેપ કરવા માટે માત્ર ચૂંટણી પંચને ઘણી વખત બોલાવવામાં આવ્યું છે એટલું જ નહીં, પરંતુ અન્ય ઘણા નાગરિકોને મતદાન પ્રક્રિયા દરમિયાન સતામણી અને ધાકધમકીનો સામનો કરવો પડ્યો છે.
સ્વયંસેવકો અને હું શારીરિક રીતે હાનિ વગર નીકળી શક્યા, પરંતુ આ પ્રશ્નનો તો રહ્યો: તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા બદલ કોણ જાણે કેટ કેટલા લોકોને ધાકધમકીથી ડરાવવામાં આવશે?
અનુવાદક: ફૈઝ મોહંમદ