13 ફેબ્રુઆરીના રોજ પંજાબના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી દવેન્દર સિંહ ભંગુ પોતાના મિત્રો સાથે ખેડૂતોના વિરોધ આંદોલનમાં જોડાવા શંભુ સરહદ પર ગયા હતા. જ્યારે તેઓ બપોરે લગભગ 2 વાગ્યે ત્યાં પહોંચ્યા, ત્યારે રેપિડ એક્શન ફોર્સ (આર.એ.એફ.) અને સરહદની હરિયાણા બાજુની પોલીસ પહેલેથી જ ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહીમાં તૈનાત હતી.
દવેન્દરના મિત્ર તરણવીર સિંહ કહે છે, “જ્યારે અમે એક જૂથમાં શાંતિથી ઊભા હતા ત્યારે રબરની ગોળી તેની ડાબી આંખમાં વાગી હતી. દવેન્દર તરત જ નીચે પડી ગયો હતો. જ્યારે અમે તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે અમારા પર ત્રણ કે ચાર અશ્રુવાયુના ગોળા છોડ્યા હતા.” આ બધું વિરોધ પ્રદર્શનના સ્થળ પર તેમના આગમનના એક કલાકની અંદર, બપોરે 3 વાગ્યાની આસપાસ થયું.
ખેડૂતોએ અન્ય મુદ્દાઓ સાથે એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) માટે કાનૂની બાંયધરીની માંગ સાથે 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી. તેમને પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ પર પોલીસ અને આર.એ.એફ. દ્વારા રોકવામાં આવ્યા હતા અને તેમને કૂચ કરતા અટકાવવા માટે બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતોએ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર અશ્રુવાયુના ગોળા અને રબરની ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો (આ પણ વાંચો: શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે )
દવેન્દર લોહીથી લથપથ થઈ જતાં તેમના મિત્રો અશ્રુવાયુના ગોળાના તીવ્ર ધુમાડાનો સામનો કરીને પણ આવ્યા, અને તેમને ઝડપથી ઉપાડી લીધા. તેઓ 22 વર્ષીય દવેન્દરને ઘટનાસ્થળેથી એમ્બ્યુલન્સમાં લગભગ 20 કિલોમીટર દૂર આવેલી બાનુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના ડૉક્ટરોએ તેમને ચંદીગઢની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જવાનું કહ્યું, જ્યાં 15 ફેબ્રુઆરીના રોજ તેમની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો કહે છે કે તેમની ડાબી આંખમાં દૃષ્ટિ પાછી મેળવવાની શક્યતા ઓછી છે.
દવેન્દરના પિતા મંજીત સિંહ પણ ખેડૂત છે, તેમણે મીડિયાને જણાવ્યું હતું કે તેમના પુત્રએ વિદેશ ન જવાનો નિર્ણય કર્યો હતો અને તેના બદલે અહીં જ રહીને પોલીસ દળમાં જોડાવાની તૈયારી કરી હતી.
ડાબેઃ દવેન્દર સિંહ ભંગુ તેમના મિત્રો સાથે ખેડૂતોના વિરોધમાં જોડાવા શંભુ સરહદ પર ગયા હતા. તેમના આગમનના એક કલાકની અંદર, લશ્કરી દળો દ્વારા છોડવામાં આવેલી રબરની ગોળીથી તેમની ડાબી આંખમાં ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જમણેઃ તેના પિતા મનજીત સિંહે કહ્યું કે દવેન્દરે વિદેશ જવાને બદલે અહીં રહીને પોલીસ દળમાં જોડાવાની તૈયારી કરવાનું પસંદ કર્યું હતું
ડાબે: શંભુ ખાતે કામચલાઉ મંચ તરફ આગળ વધી રહેલા ખેડૂતો. જમણે: વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા લગાવેલું પોસ્ટર − અમે ખેડૂતો છીએ, આતંકવાદીઓ નહીં
આ પરિવાર પટિયાલા જિલ્લાના શેખુપુર ગામમાં આઠ એકર જમીનની માલિકી ધરાવે છે અને તેમણે 2020-21માં દિલ્હીની સરહદો પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધમાં પણ તેમણે ભાગ લીધો હતો. આ આંદોલન પર પારીની વાર્તાઓ વાંચોઃ કૃષિ કાયદાઓ સામેના વિરોધનું સંપૂર્ણ કવરેજ .
વિરોધ સ્થળ પરના ખેડૂતો એ જાણવા માગે છે કે હરિયાણા પોલીસ પંજાબના અધિકારક્ષેત્રમાં આવીને ગોળીઓ અને અશ્રુવાયુના ગોળા કેવી રીતે ચલાવી શકે? તેઓ પૂછે છે અને ઉમેરે છે કે પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નિશાન બનાવ્યા છે, “જો અમે અમારા પોતાના જ રાજ્યમાં સુરક્ષિત નહીં હોઈએ, તો બીજે તો ક્યાંથી રહેવાના? પંજાબ સરકારે આ માટે કંઈક કરવું જ રહ્યું.”
ખેડૂત નેતા ગુરમનીત સિંહે પારીને જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દો પંજાબ પોલીસ અને ડેપ્યુટી કમિશનર સમક્ષ પણ ઉઠાવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે પોલીસે અંબાલામાં તેમના સમકક્ષો સાથે વાત કરી છે. પરંતુ અશ્રુવાયુના ગોળાનો મારો હજુ સુધી અટક્યો નથી.
પાણીની તોપ, અશ્રુવાયુના ગોળા અને રબરની ગોળીઓના ઉપયોગને કારણે 100થી વધુ પ્રદર્શનકારી ખેડૂતો ઘાયલ થયા છે. ત્રણ લોકોએ પોતાની આંખો ગુમાવી દીધી છે. એટલે સુધી કે આરોગ્ય મંત્રીએ પણ ખેડૂતો પર ‘અકારણ’ પગલાં લેવા બદલ હરિયાણા પોલીસની નિંદા પણ કરી હતી.
તરણ તારણ જિલ્લાના ધારીવાલ ગામના ખેડૂત જરનૈલ સિંહને 13 ફેબ્રુઆરીના રોજ લાઠીચાર્જ દરમિયાન માથામાં ગોળી વાગી હતી. 44 વર્ષીય જરનૈલને માથામાં પાંચ ટાંકા આવ્યા છે, પરંતુ તેઓ ઘરે પરત ફરવા માંગતા નથી. તેઓ કહે છે, “અહીં બધા લોકો વિરોધ કરી રહ્યા છે, તો હું મારા ગામમાં ઘરે શું કામ જાઉં?”
વિરોધ સ્થળ પર તબીબી શિબિર ચલાવી રહેલા ડૉ. મંદીપ સિંહે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી તેઓએ ઓછામાં ઓછા 400 દર્દીઓને ઇજાઓ અને બિમારીઓ સામે સારવાર આપી છે.
ડાબે: અહીં આવેલા ખેડૂતો પોતાના ટ્રોલી હાઉસ તૈયાર કરીને આવ્યા છે. જમણે: લાઠીચાર્જ દરમિયાન માથામાં ગોળી વાગવાથી જેમને પાંચ ટાંકા આવ્યા હતા તેવા જરનૈલ સિંહની સારવાર કરી રહેલા ડૉ. મંદીપ સિંહ
અસામાજિક તત્ત્વો દ્વારા ઘણા લોકો પર હુમલો કરવામાં આવ્યા બાદ ખેડૂત સંગઠનોએ પત્રકારોને હસ્તાક્ષરિત ઓળખપત્રો આપવાનું શરૂ કર્યું છે. ખેડૂત નેતા રણજીત સિંહ રાજુ (મધ્યમાં) પત્રકારોની વિગતો નોંધે છે અને તેમને કોઈપણ પરિસ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર એવા તેમના સ્વયંસેવકો વિશે જાણ કરે છે. જમણે: ખેડૂત સંગઠનોના પેહરેદાર (અગ્રદૂતો) અસામાજિક તત્ત્વો પર નજર રાખશે
પંજાબના આરોગ્ય મંત્રી, ડૉ. બલબીર સિંહ, જેઓ પોતે આંખના સર્જન છે, તેઓ વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓની મુલાકાત લઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ તેમણે જાહેરાત કરી હતી કે વિરોધ દરમિયાન ઘાયલ થયેલા ખેડૂતોની સારવારનો તમામ ખર્ચ પંજાબ સરકાર ઉઠાવશે.
વિરોધ સ્થળ પર અસામાજિક તત્ત્વો દ્વારા કેટલાક મીડિયાકર્મીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પત્રકારોને મદદ કરવા અને આવા અસામાજિક તત્ત્વોને રોકવા માટે, ખેડૂત સંગઠનોએ પેહરેદાર (અગ્રદૂતો) ની નિમણૂક કરી છે.
આ સંગઠનો વિરોધ પ્રદર્શનને આવરી લેવા આવતા પત્રકારોને તેમના દ્વારા અધિકૃત મીડિયા કાર્ડ પણ જારી કરી રહ્યા છે. ખેડૂત નેતા રણજીત સિંહ રાજુ કહે છે કે આ પત્રકારોની સુરક્ષા માટે છે. આ કાર્ડમાં પત્રકારની વિગતો હોય છે અને તેના પર એક નેતા દ્વારા સહી કરવામાં આવે છે જે રજિસ્ટરમાં તેમની વિગતો નોંધે છે.
*****
દવેન્દરની જેમ શંભુ સરહદ પર વિરોધ પ્રદર્શનના સ્થળ પર હાજર ઘણા લોકો પણ 2020-2021ના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ હતા.
કાર સેવા ટીમના સભ્ય બાબા લાભ સિંહે દિલ્હી સરહદ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના પિતરાઈ ભાઇને ગુમાવ્યા હતા. 62 વર્ષીય વૃદ્ધ 18 ફેબ્રુઆરીના રોજ શંભુ સરહદ પર એક જનમેદનીને સંબોધતાં કહે છે, “મારા પિતરાઇ ભાઈ અજૈબ સિંહનું ન્યુમોનિયાના કારણે વિરોધ પ્રદર્શનના સ્થળ પર મૃત્યુ થયું હતું. તેમનાં પત્નીનું તેમના પહેલાં જ નિધન થયું હતું. તેમના બે બાળકો હવે અનાથ થઈ ગયા છે.”
તેઓ આગળ કહે છે અને ઉમેરે છે કે, “ચૂંટણી દરમિયાન, આ લોકો આપણી પાસે હાથ જોડીને આવે છે, પરંતુ જ્યારે આપણે આપણી માંગણીઓ તેમની સામે રજૂ કરીએ છીએ ત્યારે તેઓ આંખ આડા કાન કરી દે છે. સરકારો તો બદલાતી રહે છે, લોકોએ પોતાના માટે તો હંમેશાં જાતે જ લડવું જ રહ્યું.”
ડાબે: બાબા લાભ સિંહ, જેમણે 2020-21 આંદોલનમાં તેમના પિતરાઈ ભાઈને ગુમાવ્યા હતા, તેમણે શંભુ ખાતે ખેડૂતોને સંબોધન કર્યું હતું. જમણે: 78 વર્ષીય હરભજન કૌરે (જમણે) કહ્યું, 'મારો દીકરો મને અહીં લાવવા માંગતો ન હતો પણ હું અહીં આવવા માટે મક્કમ રહી હતી'
ડાબે: શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો. જમણે: ટ્રેક્ટર પર એક વાક્ય લખેલું છે, જે 2020-21ના આંદોલનમાં છાપવામાં આવ્યું હતું. તે કહે છે, 'હાર પાવેંગે, હાર પુઆવેંગે… સુન દિલ્લીયે, પર હાર કે નહીં જાવાન્ગે. (તમારું સન્માન કરીશું અને સન્માનિત થઈને જઈશું...સાંભળ દિલ્હી, પરંતુ અમે હારીને/અપમાનિત થઈને પાછા ફરીશું નહીં)'
હરભજન કૌર મહિલા ખેડૂતોના એક જૂથનો ભાગ છે, જેમણે ગુરદાસપુરના ડુગરીથી બે દિવસ મુસાફરી કરીને અહીં શંભુ સરહદે આવ્યાં છે. 78 વર્ષીય વૃદ્ધ કહે છે, “મારો દીકરો મને અહીં લાવવા નહોતો માંગતો. મેં કહ્યું કે હું ગામમાં એકલી શું કરીશ? જો વાત ત્યાં સુધી પહોંચી જાય તો હું બધાંથી પહેલાં મારો જીવ ન્યોછાવર કરી દઈશ.”
તેઓ, તેમના ગામની અન્ય મહિલાઓ સાથે, 2020-21ના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીની સરહદો પર રહ્યાં હતાં.
માત્ર લોકો જ નહીં, અહીં એવાં વાહનો છે જેમણે પણ અગાઉના વિરોધમાં ભાગ લીધો હતો. શંભુ સરહદ પર એક ટ્રેક્ટર પર ત્રણ વર્ષ પહેલાં લખવામાં આવેલું એક વાક્ય છે: “હાર પાવેંગે, હાર પુઆવેંગે… સુન દિલ્લીયે, પર હાર કે નહીં જાવાન્ગે. (તમારું સન્માન કરીશું અને સન્માનિત થઈને જઈશું...સાંભળ દિલ્હી, પરંતુ અમે હારીને/અપમાનિત થઈને પાછા ફરીશું નહીં.)”
એક કાર પર આવું વાક્ય લખેલું
નજરે પડે છે: “જદોન પતા હોવે સીનેયાન છ છેક હોંગે, ઓદોન જંગ જાન વાલે બન્દે આમ નહીં
હુન્દે. (જ્યારે એવું જાહેર હોય કે છાતીમાં [આગ દ્વારા] છિદ્રો કરવામાં આવશે, ત્યારે
જે માણસો યુદ્ધમાં જાય છે તેઓ સામાન્ય નથી હોતા).”
કેન્દ્રીય મંત્રીઓએ લઘુતમ ટેકાના ભાવ (એમ એસ.પી.) નો નવો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ખેડૂત નેતાઓએ રવિવારે સાંજે દિલ્હી ચલો કૂચ અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. તેની સમીક્ષા કર્યા પછી, ખેડૂતોએ દરખાસ્તને નકારી કાઢી છે અને 21 ફેબ્રુઆરીએ તેઓ ફરીથી કૂચ શરૂ કરશે.
પ્રદર્શનકારીઓ કોંક્રિટના બેરિકેડ્સ હરિયાણા તરફ મોં કરીને બેસ્યા છે
વિરોધ કરી રહેલા એક ખેડૂત બેરિકેડ્સથી 100 મીટર દૂર ગુરુવાણી (શીખ શ્લોકો) વાંચી રહ્યા છે
પ્રદર્શનકારીઓ શાંતિ જાળવી રાખવા માટે બેરિકેડ્સની સામે સતનામ વાહેગુરુનું પઠન કરે છે
રસ્તાની બાજુમાં પોતાના સંઘનો ધ્વજ લઈને બેઠેલા એક વૃદ્ધ ખેડૂત
વૃદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શનના સ્થળ પર વક્તાઓને સાંભળતી વખતે લાકડીઓવાળા ધ્વજનો ટેકા તરીકે ઉપયોગ કરે છે
રસ્તાની બીજી બાજુએ, પ્રદર્શનકારીઓ અને દળો નદી પાર આમને-સામને બેસેલા છે
શંભુ સરહદ પર ખેડૂતો હરિયાણા પોલીસ અને આર.એ.એફ.નો સામનો કરી રહ્યા છે
બેરિકેડ્સની સામે પડેલો કાટમાળ
અનુવાદક: ફૈઝ મોહંમદ