માયા થામી પોતાની પીઠ પર 30 કિલો વજનનું ગેસનું સિલિન્ડર લઈને ત્રણ કિલોમીટર ચાલ્યાં હતાં. તેમણે આ વજન સાથે 200 સીડીઓ ચઢી અને દિવસ માટેના તેમના પ્રથમ ગ્રાહકને સિલિન્ડર પહોંચાડ્યું.
થાકીને લોથપોથ થયેલાં 32 વર્ષીય માયા બે ઘડી વિસામો લઈને દૂરના એક સ્થળ તરફ ધ્યાન દોરતાં કહે છે, “હવે મારે ત્યાં પેલી ટેકરી પર બીજું સિલિન્ડર પહોંચાડવાનું છે.” સફળતાપૂર્વક એક સિલિન્ડર પહોંચાડીને તે માટે ફી પેટે 80 રૂપિયા લઈને તેઓ લગભગ તરત જ તેમની આગામી ડિલિવરી માટે રવાના થઈ જાય છે. આગામી છ કલાક સુધી તેઓ પગપાળા એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)નાં સિલિન્ડર લઈ જશે.
માયા કહે છે, “ખાસ કરીને જ્યારે સામાનનો ભાર વધારે હોય છે, ત્યારે તે કામ માટે પુરુષોને પસંદ કરવામાં આવે છે, અને લોકો ઘણીવાર વાટાઘાટો કરે છે કારણ કે અમે પુરુષ નથી.” એક મહિલાને તે સફર દીઠ 80 રૂપિયા મળે છે, જ્યારે તે સમાન અંતર માટે એક પુરુષને 100 રૂપિયા.
પશ્ચિમ બંગાળનું વ્યસ્ત શહેર દાર્જિલિંગ પૂર્વીય હિમાલયમાં 2,042 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો ડુંગરાળ ભૂપ્રદેશ માર્ગ દ્વારા અવરજવરને અવરોધે છે, અને રહેવાસીઓએ શાકભાજી, પાણી, સિલિન્ડર અને ઘરે લાવવામાં આવતી ફર્નિચરની ખરીદી જેવી રોજિંદી આવશ્યક ચીજો મેળવવા માટે કુલીઓ પર આધાર રાખવો પડે છે. વાહનો આવા સીધા ઢોળાવો પર ચઢી નથી શકતાં, તેથી સામાન લાવવા માટે ફક્ત બે જ વિકલ્પ છે: કાં તેને જાતે ઊંચકીને લાવો કાં પછી ગેસ એજન્સી અથવા દુકાન ચાલક તેને મોકલી આપે એક કુલી મારફતે.


માયા થામી દિવસ નું પહે લું ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે 200 સીડી ઓ ચઢે છે. અન્ય કુલીઓની જેમ તેઓ પણ નેપાળથી સ્થળાંતર કરીને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કામ કરવા આવ્યાં છે


ડાબેઃ સિલિન્ડર પહોંચાડ્યા પછી વિસામો લેતાં માયા થામી . જમણેઃ લક્ષ્મી થામી (ડાબે) અને રેબિકા થામી (જમણે) 60 કિલો વજનના બટાકાની બોરી સાથે
નેપાળનાં માયા
થામી 12 વર્ષથી દાર્જિલિંગમાં કુલી તરીકે કામ કરે છે. તેમની જેમ, શહેરના અન્ય કુલીઓ
પણ મોટાભાગે નેપાળથી સ્થળાંતર કરીને આવેલી મહિલાઓ છે
અને તેઓ થામી સમુદાય (પશ્ચિમ બંગાળમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ) નાં છે.
તેઓ નામલો
નામના પટ્ટાનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા ડોકો (વાંસની ટોપલી) માં તેમની પીઠ પર શાકભાજી,
સિલિન્ડર અને પાણીના કેનનો ભાર વહન કરે છે.
માયા યાદ કરે છે, “લગ્ન પછી વધુ જવાબદારીઓ આવી તેથી હું મુગલાન [ભારત] માં રહેવા આવી ગઈ.” નેપાળમાં, તેઓ અને તેમના પતિ, બૌધી 2 કઠ્ઠા (0.06 એકર) જમીન પર ચોખા, બાજરી અને બટાકાની ખેતી કરતાં હતાં, અને સાથે સાથે તેઓ નાની દુકાનોમાં દૈનિક મજૂર તરીકે પણ કામ કરતાં હતાં. આ દંપતીએ નેપાળ સરહદથી રસ્તા દ્વારા થોડા કલાકોમાં 2021માં દાર્જિલિંગમાં સ્થળાંતર કર્યું હતું.
માયા ગેસ એજન્સીઓમાંથી ગ્રાહકોના ઘરોમાં સિલિન્ડર પહોંચાડે છે. તેઓ કહે છે, “હું સામાન્ય રીતે સવારે 7 વાગ્યે મારા કાર્યસ્થળ પર પહોંચી જાઉં છું અને સિલિન્ડરની ડિલિવરી માટે ઉપલબ્ધ લોકોના ઘરે વારાફરતી સામાન પહોંચાડું છું.” તેઓ સામાન્ય રીતે એક દિવસમાં ચાર કે પાંચ ડિલિવરી કરે છે, અને અમુકવાર તેમની પીઠ પર એક સાથે બે સિલિન્ડર પણ હોય છે અને તેઓ આ સખત મહેનત કરીને દૈનિક 500 રૂપિયા કમાય છે. માયા કહે છે, “મારા માથા પર સતત નામલોનો (માથાનો પટ્ટો) ઉપયોગ કરીને સિલિન્ડરનો ભાર વહન કરવાથી વાળ ખૂબ જ ખરવા લાગ્યા છે અને શરીરમાં દુખાવો થાય છે.” તેઓ ઉમેરે છે કે તેમને બ્લડ પ્રેશરમાં પણ વધઘટ થાય છે.
માયા ઘરે ઘરે સિલિન્ડર પહોંચાડે છે. તેમનો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને તેઓ સામાન્ય રીતે એક દિવસમાં ચાર કે પાંચ સિલિન્ડર પહોંચાડે છે, અને આ તનતોડ મહેનત કરીને દૈનિક 500 રૂપિયા કમાય છે
શાકભાજી પહોંચાડનાર કુલીઓ સિલિન્ડર પહોંચાડનાર કુલીઓ કરતાં અલગ હોય છે. તેઓ ચોક બજાર ખાતે દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી રાહ જુએ છે સિવાય કે ગુરુવારે જ્યારે બજાર બંધ હોય. બિહારના દુકાનદાર મનોજ ગુપ્તા કહે છે, “અમે અમારા ગ્રાહકોને શાકભાજી વેચ્યા પછી, અમે નજીકના કુલીને બોલાવીએ છીએ અને બાકીનો કરાર તેમના અને ખરીદદારો વચ્ચે થાય છે.”
70 કિલો શાકભાજી પહોંચાડવા માટે હોટલમાં જઈ રહેલાં 41 વર્ષીય મનકુમારી થામી કહે છે, “નસકેમ બોકચુ ભંડા ભંડા 70 કેજી કો ભારી બોકને બાની ભઈસક્યો [હું 70 કિલો વજન ઉપાડવામાં ટેવાઈ ગઈ છું]. જો હું તેમને કહીશ કે હું તે નહીં કરી શકું, તો તેઓ આ કામ બીજા કોઈને આપશે અને મારે 80 રૂપિયાથી હાથ ધોઈ દેવા પડશે.”
શાકભાજીનાં અન્ય કુલી ધનકુમારી થામી કહે છે, “સામાન્ય રીતે, અમે લગભગ 15 થી 20 મિનિટ સુધી ટેકરી પર ચઢીએ છીએ, કારણ કે હોટલ સામાન્ય રીતે ચોક બજારની ઉપર આવેલી હોય છે. અમને 10 મિનિટના અંતરે આવેલી હોટલો માટે 60 થી 80 રૂપિયા અને વધુ દૂર આવેલી હોટલો માટે 100 થી 150 રૂપિયા મળે છે.”
શાકભાજીનાં કુલી ધનકુમારી થામી એ વાત સાથે સંમત થાય છે કે મહિલાઓને ભેદભાવનો સામનો કરવો પડે છેઃ “કેટા લી મતે સક્ચ એસ્તો કામ ત હૈના રઇસૌ બૈની. ખઈ એતા તા બેસી લેડીઝ હારુ નૈ ચ ભારી ભોકને [દેખીતી રીતે, ‘આ કામ માત્ર પુરુષો જ કરી શકે છે’ એવું બિલકુલ નથી, બહેન. અહીં મોટાભાગની કુલીઓ મહિલાઓ જ છે].” 15 વર્ષ પહેલાં દારૂના નશામાં તેમના પતિએ જીવ ગુમાવ્યા બાદ તેમણે આ કામ હાથ ધર્યું હતું.


ડાબેઃ ડિલિવરીની વચ્ચે ચોક બજારમાં વિસામો લેતાં ધનકુમારી થામી (વાદળી જેકેટમાં), મનબહાદુર થામી અને મનમાયા થામી (લાલ સ્વેટરમાં). જમણેઃ અસ્તિ થામી કેનમાં પાણી ભરે છે, જેને તેઓ પછીથી ગ્રાહકોને પહોંચાડશે


અ સ્તિ થામી (ડાબે) અને જૂંગી થામી (જમણે) ડિલિવરી માટે પાણીના કેન લઈ જઈ ર હ્યાં છે
ઘરોમાં પાણીના કેન પહોંચાડનારાં પંદામ ટી ગાર્ડનમાં રહેતાં દંપતી, આસ્તિ થામી અને જૂંગી થામી કહે છે કે પાણી પહોંચાડવાનું કામ વધારે મળી રહે છે. દાર્જિલિંગના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સુનિશ્ચિત કરે છે કે તેમને દરરોજ કામ મળે.
આસ્તિ કહે છે, “હું અને મારા પતિ દરરોજ સવારે 6 વાગ્યે પંદામથી પાણી લાવીએ છીએ. અમે ગાગર (જૅરી કેન) માં પાણી ભરીએ છીએ અને જે જે ઘરોએ અમને પાણી લાવવાનું કહ્યું હોય તેમના સુધી પાણી પહોંચાડીએ છીએ.” પંદામ ખાતે તેઓ તેમના જે ભાડાના ઓરડામાં પાણી ભેગું કરે છે, તે ત્યાંથી લગભગ 2 કિમી દૂર છે.
જૂંગી કહે છે કે તેઓએ એક વખત માંસ વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોવિડને કારણે આ વ્યવસાય નફાકારક સાબિત થયો ન હતો. તે પછી આ દંપતિએ ફરી પાછું કુલી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
*****
!['Until [my children] Bhawana and Bhawin finish studying, I will carry cylinders,' says Maya Thami](/media/images/06-IMG_9533-RC-In_Darjeeling-women_porters.max-1400x1120.jpg)
માયા થામી કહે છે, ‘જ્યાં સુધી [મારાં બાળકો] ભાવના અને ભાવિન ભણી ન રહે, ત્યાં સુધી હું સિલિન્ડરનો ભાર વહન કરતી રહીશ’
માયા થામીના પતિ, બૌધી થામી બીજી પેઢીના પ્રવાસી છે. તેમનાં માતા–પિતા પણ કુલી તરીકે કામ કરતાં હતાં અને દાર્જિલિંગની હોટલોમાં શાકભાજી પહોંચાડતાં હતાં. માયા અને બૌધીએ તેમના કાર્યસ્થળ એવા ચોક બજારથી 50 મિનિટની દૂરી પર આવેલ ગૌશાળા નજીક માસિક 2,500 રૂપિયાના ભાડા પર એક ઓરડો ભાડે રાખ્યો છે.
કેટલાક કુલીઓએ, તેમના પરિવારો સાથે, આ વિસ્તારમાં એક ઓરડો ભાડે લેવાનું પસંદ કરે છે, કારણ કે તે પરવડે તેવી મર્યાદિત પસંદગીઓમાંની એક છે.
માયા અને બૌધીનાં બાળકો, ભાવના અને ભાવિન હજુ પણ શાળામાં છે; તેમનું ભણતર માયાની પ્રાથમિકતા છેઃ “ભવના ર ભવીન પૈજલ મો મેરો નામલો લે સિલીંડર ભોકચુ [જ્યાં સુધી ભાવના અને ભાવિન ભણી ન રહે, ત્યાં સુધી હું સિલિન્ડરનો ભાર વહન કરતી રહીશ].”
અનુવાદક: ફૈઝ મોહંમદ