“અહીં એક મોટું સખુગા ગાચ (વૃક્ષ) હતું. હિજલા ગામ અને તેની આસપાસના લોકો આ સ્થળે ભેગા થતા અને બેસી [બેઠક] યોજતા. જ્યારે અંગ્રેજોએ આ રોજિંદા મેળાવડા જોયા, ત્યારે તેઓએ વૃક્ષ કાપવાનું નક્કી કર્યું. તેનું લોહી [વૃક્ષ કાપવાથી નીકળતું પ્રવાહી] ટપક્યું. અને પછી વૃક્ષનું થડ પથ્થરમાં ફેરવાઈ ગયું.”
ઝારખંડના દુમકા જિલ્લામાં જ્યાં આ વૃક્ષ ઊભું હતું ત્યાં બેસીને રાજેન્દ્ર બાસ્કી આ સદીઓ જૂની વાર્તા વર્ણવી રહ્યા છે. 30 વર્ષીય રાજેન્દ્ર કહે છે, “તે વૃક્ષનું થડ હવે દેવતા મરાંગ બુરુની પૂજા માટેનું પવિત્ર સ્થળ બની ગયું છે. સંતાલ (જેને સંથાલ પણ કહેવાય છે) આદિવાસીઓ ઝારખંડ, બિહાર અને બંગાળથી પ્રાર્થના કરવા માટે આ સ્થળની મુલાકાત લે છે.” બાસ્કી, એક ખેડૂત છે અને મરાંગ બુરુના હાલના નાયકી (પૂજારી) છે.
હિજલા ગામ દુમકા શહેરની બહાર સંતાલ પરગણા વિભાગમાં આવેલું છે અને 2011ની વસ્તી ગણતરી અનુસાર તેની વસ્તી 640 લોકોની છે. સુપ્રસિદ્ધ સંતાલ હુલ − બ્રિટિશ વહીવટીતંત્ર સામે સંતાલોનો બળવો − 30 જૂન, 1855ના રોજ હિઝલાથી આશરે સો કિલોમીટર દૂર ભગનાડીહ ગામ (જેને ભોગનાડીહ તરીકે પણ ઓળખવામાં આવે છે) ના સિડો અને કાન્હુ મુર્મુના નેતૃત્વમાં શરૂ થયો હતો.


ડાબેઃ વૃક્ષનું થડ કે જ્યાં હવે સંતાલો દ્વારા મરાંગ બુરુની પૂજા કરવામાં આવે છે. જમણેઃ રાજેન્દ્ર બાસ્કી મરાંગ બુરુના વર્તમાન નાયકી (પૂજારી) છે


ડાબેઃ અંગ્રેજો દ્વારા 19મી સદીમાં આ પરિસરની આસપાસ બાંધવામાં આવેલો એક દરવાજો. જમણેઃ મેળામાં પ્રદર્શન કરતા સંતાલ કલાકારો
હિજલા ગામ હિજલા ટેકરીની આસપાસ આવેલું છે, જે રાજમહલ શ્રેણીનું વિસ્તરણ છે. તેથી, જો તમે ગામના કોઈપણ સ્થળેથી ચાલવાનું શરૂ કરો, તો તમે એક વર્તુળ પૂર્ણ કરીને પાછા ત્યાં જ આવશો.
2008થી આ ગામના વડા એવા 50 વર્ષીય સુનિલાલ હાંસદા કહે છે, “અમારા પૂર્વજો આખા વર્ષ દરમિયાન ત્યાં [ઝાડ પાસે] બેસીને નિયમો અને કાયદા ઘડતા હતા.” હાંસદા ઉમેરે છે કે વૃક્ષના થડ સાથેનું આ સ્થળ હજુ પણ સભાઓ માટેનું લોકપ્રિય સ્થળ છે.
હાંસદાને હિજલામાં 12 વીઘા જમીન છે અને ખરિફની મોસમ દરમિયાન તેઓ ત્યાં ખેતી કરે છે. બાકીના મહિનાઓમાં, તેઓ દુમકા શહેરમાં બાંધકામ સ્થળો પર દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે અને જે દિવસે તેમને કામ મળે ત્યારે દૈનિક 300 રૂપિયા કમાય છે. હિજલામાં રહેતા તમામ 132 પરિવારો, જેમાંથી મોટાભાગના સંતાલ આદિવાસી છે, તેમની આજીવિકા માટે ખેતી અને મજૂરી પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદ પણ અનિશ્ચિત થઈ ગયો છે, જેનાથી વધુને વધુ મુશ્કેલીમાં મુકાયેલા લોકો અહીંથી સ્થળાંતર કરીને બહાર જઈ રહ્યા છે.


દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે યોજાતા હિજલા મેળામાં નૃત્ય પ્રદર્શન યોજવામાં આવે છે


ડાબેઃ હિજલા મેળાનું એક દૃશ્ય. જમણેઃ મરાંગ બુરુના ભૂતપૂર્વ નાયકી સીતારામ સોરેન
મરાંગ બુરુને સમર્પિત એક મહત્ત્વપૂર્ણ મેળો પણ હિજલા ખાતે યોજાય છે. ફેબ્રુઆરીમાં વસંત પંચમીની આસપાસ યોજાતો આ વાર્ષિક કાર્યક્રમ મયૂરાક્ષી નદીના કિનારે યોજાય છે. ઝારખંડ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે આ મેળો 1890માં સંતાલ પરગણાના તત્કાલીન ડેપ્યુટી કમિશનર આર. કાસ્ટેયર્સની નિગરાનીમાં શરૂ થયો હતો.
દુમકાની સિડો કાન્હુ મુર્મુ યુનિવર્સિટીમાં સંતાલીનાં પ્રોફેસર ડૉ. શર્મિલા સોરેને પારીને જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન બે વર્ષ સિવાય દર વર્ષે હિજલા મેળાનું આયોજન થતું જ આવ્યું છે. ભાલા અને તલવારથી લઈને ઢોલ (ડ્રમ) અને દૌરા (વાંસની ટોપલી) સુધીની વિવિધ વસ્તુઓ મેળામાં ખરીદવામાં અને વેચવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ દ્વારા નૃત્ય પ્રદર્શન પણ કરવામાં આવે છે.
પરંતુ સ્થાનિક લોકો સ્થળાંતર કરી રહ્યા હોવાથી, મરાંગ બુરુના ભૂતપૂર્વ નાયકી 60 વર્ષીય સીતારામ સોરેન કહે છે, “આ મેળો હવે આદિવાસી સંસ્કૃતિ દ્વારા સંચાલિત નથી. અમારી પરંપરાઓ પ્રભાવ ગુમાવી રહી છે, અને અન્ય [શહેરી] પ્રભાવો હવે પ્રભુત્વ ધરાવવા લાગ્યા છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ