દુર્ગા દુર્ગા બોલે અમાર,
દોગથો હોલો કાયા,
એકબાર દે ગો મા,
ચોરોનેરી છાયા
બળે મારો દેહ રે,
‘દુર્ગા દુર્ગા’ હું જપું રે,
તમારી કૃપા મેળવવા સાંત્વના માટે,
હું તમને વિનવું રે મા…
દેવી દુર્ગાની સ્તુતિ ગાતાં કલાકાર વિજય ચિત્રકારનો અવાજ બુલંદ થાય છે. તેમના જેવા પૈટકાર કલાકારો સામાન્ય રીતે પહેલાં ગીત લખે છે અને પછી તેને અનુરૂપ ચિત્ર બનાવે છે − જે 14 ફૂટ જેટલું લાંબુ હોઈ શકે છે અને પછી તેને વાર્તા અને સંગીતના સંગમ સાથે દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે.
41 વર્ષીય વિજય ઝારખંડના પુર્બી સીંઘબુમ જિલ્લાના આમાદોબી ગામમાં રહે છે. તેઓ કહે છે કે પૈટકાર ચિત્રો સ્થાનિક સંથાલી વાર્તાઓ, ગ્રામીણ જીવનશૈલી, પ્રકૃતિ અને પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે. 10 વર્ષની વયથી પૈટકાર ચિત્રો બનાવતા વિજય કહે છે, “અમારો મુખ્ય વિષય ગ્રામીણ સંસ્કૃતિ છે; જે વસ્તુઓ અમે અમારી આસપાસ જોઈએ છીએ, તેનું અમે અમારી કળામાં નિરૂપણ કરીએ છીએ.” તેઓ સંથાલી ચિત્રના વિવિધ ભાગોને વર્ણવતાં કહે છે, “કર્મા નૃત્ય, બહા નૃત્ય, અથવા રામાયણનું ચિત્ર, મહાભારત, ગામડાનું દૃશ્ય. તે ઘરનાં કામ કરતી સ્ત્રીઓને, ખેતરમાં બળદો સાથે પુરુષોને અને આકાશમાં ઉડતાં પક્ષીઓને પણ બતાવે છે.”
“મેં આ કળા મારા દાદા પાસેથી શીખી છે. તેઓ એક ખૂબ જ પ્રખ્યાત કલાકાર હતા, અને તે સમયે લોકો તેમને સાંભળવા [તેમના ચિત્રોને ગાતા જોવા] કલકત્તા [કોલકાતા] થી આવતા હતા.” વિજયના પરિવારની ઘણી પેઢીઓ પૈટકાર ચિત્રકારો રહી છે અને તેઓ કહે છે, “પટયુક્ત આકાર, માને પૈટકાર, ઇસિલીયે પૈટકાર પેઇન્ટિંગ આયા [તેનો આકાર એક સ્ક્રોલ જેવો હતો, તેથી તેનું નામ પૈટકાર ચિત્ર પડ્યું].”


ડાબેઃ વિજય ચિત્રકાર પુર્બી સીંઘબુમ જિલ્લાના આમાદોબી ગામમાં તેમના માટીના ઘરની બહાર પૈટકાર ચિત્ર બનાવી રહ્યા છે. જમણેઃ તેમના જેવા પૈટકાર કલાકારો ગીત લખે છે અને પછી તેમના આધારે ચિત્રકામ કરે છે

ભાગ્યના દેવ કરમ દેવતાની પૂજા કરવા માટે કરવામાં આવતા લોક નૃત્ય કરમ નૃત્યને દર્શાવતું પૈટકાર ચિત્ર
પૈટકાર કળાનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં થયો હતો. તે જટિલ દૃશ્યો સાથે વાર્તા કહેવાની કળાનું મિશ્રણ કરે છે, અને પાંડુલિપી (હસ્તપ્રતના સ્ક્રોલ) તરીકે ઓળખાતા પ્રાચીન શાહી સ્ક્રોલથી પ્રભાવિત છે. રાંચી સેન્ટ્રલ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને આદિવાસી લોકકથાઓના નિષ્ણાત પ્રોફેસર પુરુષોત્તમ શર્મા નિર્દેશ કરે છે, “આ કળાનું સ્વરૂપ કેટલું જૂનું છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે પેઢી દર પેઢી પસાર થતી રહી છે, અને તેનો કોઈ લેખિત પુરાવો નથી.”
આમાદોબીમાં ઘણા પૈટકાર કલાકારો છે અને 71 વર્ષીય અનિલ ચિત્રકાર ગામના સૌથી વૃદ્ધ ચિત્રકાર છે. અનિલ સમજાવે છે, “મારા દરેક ચિત્રમાં એક ગીત છે. અને અમે તે ગીત ગાઈએ છીએ.” એક મોટા સંથાલી ઉત્સવમાં પારીને કર્મા નૃત્યનું સ્ક્રોલ પેઇન્ટિંગ દર્શાવતાં તેઓ ઉમેરે છે, “એક વાર વાર્તા મનમાં આવે, એટલે અમે તેને રંગીએ છીએ. સૌથી મહત્ત્વની બાબત છે ગીતને લખવું, પછી ચિત્ર બનાવવું અને અંતે તેને લોકો સમક્ષ ગાવું.”
અનિલ અને વિજય બંને એવા મુઠ્ઠીભર ચિત્રકારોમાં સામેલ છે જેમની પાસે પૈટકાર કલાકાર બનવા માટે જરૂરી સંગીતનું જ્ઞાન છે. અનિલ કહે છે કે સંગીતમાં દરેક લાગણી − આનંદ, દુઃખ, સુખ અને ઉત્તેજના માટે ગીતો છે. તેઓ કહે છે, “ગ્રામીણ વિસ્તારોમાં અમે દેવતાઓ અને ઐતિહાસિક હસ્તીઓ − દુર્ગા, કાલી, દત્તા કરના, નૌકા વિલાસ, માનસ મંગલ અને અન્યોના તહેવારો પર આધારિત ગીતો ગાઈએ છીએ.”
અનિલે તેમના પિતા પાસેથી સંગીત શીખ્યું હતું અને ચિત્રો સાથે સંકળાયેલા ગીતોનો સૌથી મોટો ભંડાર તેમની પાસે હોવાનું કહેવાય છે. તેઓ ઉમેરે છે, “[સંથાલી અને હિંદુ] તહેવારો દરમિયાન અમે અમારાં ચિત્રો દર્શાવવા અને એકતારા [એક તારવાળું વાદ્ય] અને હાર્મોનિયમ સાથે ગાવા માટે એક ગામથી બીજા ગામની મુસાફરી કરતા હતા. બદલામાં, લોકો ચિત્રો ખરીદતા અને કેટલાક પૈસા અથવા અનાજ આપતા.”
પૈટકાર કળા જટિલ દૃશ્યો સાથે વાર્તા કહેવાની કળાનું મિશ્રણ કરે છે, અને તે પાંડુલિપી (હસ્તપ્રતના સ્ક્રોલ) તરીકે ઓળખાતા પ્રાચીન શાહી સ્ક્રોલથી પ્રભાવિત છે
તાજેતરના વર્ષોમાં પૈટકાર ચિત્રો સંથાલના મૂળની આસપાસની લોકકથાનું વર્ણન કરતી તેમની મૂળ 12 થી 14 ફૂટની લંબાઈથી સંકોચાઈને A4 કદ એટલે કે એક ફૂટ લાંબા થઈ ગયા છે. તેમની વેચાણ કિંમત 200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા જેટલી છે. અનિલ કહે છે, “અમે મોટા ચિત્રો વેચી શકતા નથી, તેથી અમે નાના ચિત્રો બનાવીએ છીએ. જો કોઈ ગ્રાહક ગામમાં આવે, તો અમે તેને 400-500 રૂપિયામાં વેચીએ છીએ.”
અનિલે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેળાઓ અને કાર્યશાળાઓમાં પણ ભાગ લીધો છે. તેઓ નિર્દેશ કરે છે કે આ કળા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે પરંતુ તેમાં ટકાઉ આજીવિકા નથી. અનિલ કહે છે, “મોબાઇલ ફોનના આગમનથી લાઇવ સંગીતની પરંપરામાં ઘટાડો થયો છે. હવે એટલા બધા મોબાઇલ ફોન થઈ ગયા છે કે ગાયન અને સંગીત વગાડવાની પરંપરા સમાપ્ત જ થઈ ગઈ છે. જે જૂની પરંપરા હતી તે લુપ્ત થઈ ગઈ છે.” અનિલ પવનમાં ઉડતા ભીના વાળ વિશેના એક લોકપ્રિય ગીતના શબ્દોને દોહરાવતાં ઉમેરે છે, “હવે, કેવા પ્રકારનું ગીત છે, ફુલકા ફુલકા ચુલ, ઉડી ઉડી જાએ.”
આ પીઢ કલાકાર કહે છે કે એક સમયે આમાદોબીમાં 40થી વધુ પરિવારો હતા જેઓ પૈટકાર ચિત્રકલા સાથે જોડાયેલા હતા, પરંતુ આજે માત્ર થોડા જ ઘરોમાં આ કળા જીવંત છે. અનિલ કહે છે, “મેં ઘણા વિદ્યાર્થીઓને ચિત્રકામ શીખવ્યું હતું, પરંતુ તેઓ બધાએ તેને છોડી દીધું હતું કારણ કે તેઓ તેનાથી પૈસા કમાતા ન હતા અને હવે મજૂર તરીકે કામ કરે છે. મેં મારા પુત્રોને પણ આ કૌશલ્ય શીખવ્યું, પરંતુ તેઓ તેમાંથી પૂરતી કમાણી ન કરી શકતા હોવાથી તેમણે આ કળાને છોડી દીધી હતી.” તેમનો મોટો પુત્ર જમશેદપુરમાં રાજ મિસ્ત્રી (કડિયા) તરીકે કામ કરે છે, જ્યારે નાનો પુત્ર મજૂર તરીકે કામ કરે છે. અનિલ અને તેમનાં પત્ની ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં રહે છે અને તેઓ થોડા બકરા અને મરઘાં ઉછેરે છે; એક પોપટ તેમના ઘરની બહાર પાંજરામાં રહે છે.
2013માં ઝારખંડ સરકારે આમાદોબી ગામને પ્રવાસન કેન્દ્ર બનાવ્યું હતું, તેમ છતાં તેનાથી વધુ પ્રવાસીઓ આકર્ષાયા ન હતા. તેઓ કહે છે, “જો કોઈ પ્રવાસી અથવા સાહેબ [સરકારી અધિકારી] આવે, તો અમે તેમના માટે ગાઈએ છીએ, અને પછી તેઓ અમને કેટલાક પૈસા આપે છે. ગયા વર્ષે મેં માત્ર બે ચિત્રો વેચ્યા હતા.”


આમાદોબી ગામના સૌથી જૂના પાઈટકર કલાકાર અનિલ ચિત્રકર, તેમના ચિત્રો સાથે

બંદના પર્વ તહેવાર અને ઝારખંડના આદિવાસી સમુદાયોની સંબંધિત પ્રવૃત્તિઓ દર્શાવતાં પૈટકાર ચિત્રો
કલાકારો કર્મા પૂજા, બંદના પર્વ જેવા સંથાલ તહેવારો તેમજ સ્થાનિક હિંદુ તહેવારો અને મેળાઓ દરમિયાન નજીકના ગામડાઓમાં ચિત્રોનું વેચાણ પણ કરે છે. અનિલ ચિત્રકાર કહે છે, “પહેલાં અમે ગામડાઓમાં ચિત્રો વેચવા જતા હતા. અમે બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા ખૂબના સ્થળોએ પણ જતા હતા.”
*****
વિજય અમને પૈટકાર કળા બનાવવા પાછળની પ્રક્રિયા બતાવે છે. તેઓ પહેલાં એક નાના પથ્થરની પટ્ટી પર થોડું પાણી રેડે છે અને કાદવવાળો લાલ રંગ કાઢવા માટે તેની સામે બીજો પથ્થર ઘસે છે. પછી, એક નાના પેઇન્ટબ્રશની મદદથી, તેઓ ચિત્રકામ કરવાનું શરૂ કરે છે.
પૈટકાર ચિત્રોમાં વપરાતા રંગો નદી કિનારાના પથ્થરો અને ફૂલો અને પાંદડાઓના અર્કમાંથી મેળવવામાં આવે છે. પથ્થરો શોધવાનું કામ સૌથી પડકારજનક હોય છે. વિજય કહે છે, “અમારે પર્વતો અથવા નદીના કાંઠે જવું પડે છે; ક્યારેક ચૂનાના પથ્થરો શોધવામાં ત્રણથી ચાર દિવસ લાગે છે.”
કલાકારો પીળા રંગ માટે હળદર, લીલા રંગ માટે કઠોળ અથવા મરચાં અને જાંબલી રંગ માટે લેન્ટાના કેમેરા [ગંધારીયું]ના ફળનો ઉપયોગ કરે છે. કાળો રંગ કેરોસીનના દીવાઓમાંથી મેશ એકત્રિત કરીને તૈયાર કરવામાં આવે છે; પથ્થરોમાંથી લાલ, સફેદ અને ઈંટના રંગો કાઢવામાં આવે છે.


ડાબેઃ પૈટકાર ચિત્રોમાં વપરાતા રંગો કુદરતી રીતે નદી કિનારાના પથ્થરો અને ફૂલો અને પાંદડાઓના અર્કમાંથી મેળવવામાં આવે છે. જમણેઃ તેમના ઘરની બહાર ચિત્રકામ કરતા વિજય ચિત્રકાર


ડાબેઃ તેમના ઘરની અંદર ચા બનાવતા વિજય ચિત્રકાર. જમણેઃ આમાદોબી ગામનું પરંપરાગત સંથાલી માટીનું ઘર
જો કે ચિત્રોને કાપડ અથવા કાગળ બંને પર બનાવી શકાય છે, પણ આજે મોટાભાગના કલાકારો કાગળનો જ ઉપયોગ કરે છે જેને તેઓ 70 કિલોમીટર દૂર જમશેદપુરથી ખરીદે છે. વિજય કહે છે, “એક શીટની કિંમત 70થી 120 રૂપિયાની વચ્ચે હોય છે અને અમે તેમાંથી સરળતાથી ચાર નાના ચિત્રો બનાવી શકીએ છીએ.”
ચિત્રોને સાચવવા માટે આ કુદરતી રંગોને લીમડાના (આઝાદિરચ્તા ઇન્ડિકા) અથવા બબૂલ (બબૂલ નિલોટિકા) વૃક્ષોની રાળ સાથે મિશ્રિત કરવામાં આવે છે. વિજય કહે છે, “આ રીતે, જંતુઓ કાગળ પર હુમલો નહીં કરે, અને ચિત્ર જેવું છે તેવું જ અકબંધ રહેશે.” વિજય કહે છે કે તેમના ચિત્રોમાં એક મોટું આકર્ષણ એ છે કે તેઓ કુદરતી રંગોનો ઉપયોગ કરે છે.
*****
આઠ વર્ષ પહેલાં અનિલને બંને આંખોમાં મોતિયો થયો હતો. જેમ જેમ તેમની દૃષ્ટિ ઝાંખી પડતી ગઈ, તેમ તેમ તેમણે ચિત્રકામ કરવાનું બંધ કરી દીધું. તેઓ તેમનું એક ચિત્ર પકડીને કહે છે, “હું બરાબર જોઈ શકતો નથી. હું સ્કેચ કરી શકું છું અને ગીતો વર્ણવી શકું છું, પરંતુ હું રંગો ભરી શકતો નથી.” આ ચિત્રોમાં બે નામ લખેલા છે − એક રૂપરેખા માટે અનિલનું છે, અને બીજું નામ તેમના વિદ્યાર્થીનું છે જેણે રંગો ભર્યા હતા.


કુશળ પૈટકાર ચિત્રકાર, અંજના પૈટકાર આમાદોબીની કેટલીક મહિલા કલાકારોમાંનાં એક છે પરંતુ તેમણે હવે ચિત્રકામ કરવાનું બંધ કરી દીધું છે


સંથાલી જીવનશૈલી દર્શાવતા પૈટકાર ચિત્રો. વિજય કહે છે, 'અમારો મુખ્ય વિષય ગ્રામીણ સંસ્કૃતિ છે; જે વસ્તુઓને અમે અમારી આસપાસ જોઈએ છીએ, તેને અમે અમારી કળામાં દર્શાવીએ છીએ'
36 વર્ષીય અંજના પૈટકાર એક કુશળ પૈટકાર કલાકાર છે પરંતુ કહે છે કે, “મેં હવે આ કામ કરવાનું બંધ કરી દીધું છે. અને હું ઘરનાં કામની સાથે આ ચિત્રકામ કરીને શા માટે મારી જાતને થકવી નાખું છું એ જોઈને તેઓ ચકિત થઈ જાય છે. તે કંટાળાજનક છે, અને જો તેનો કોઈ ફાયદોજ ન હોય તો તેને કરીને શું કરવાનું?” અંજના પાસે 50 ચિત્રો છે, પરંતુ તેઓ તેને વેચવામાં અસમર્થ છે. તેઓ કહે છે કે તેમનાં બાળકોને આ કળા શીખવામાં રસ નથી.
અંજનાની જેમ જ, 24 વર્ષીય ગણેશ ગાયન એક સમયે પૈટકાર ચિત્રકલામાં નિપુણ હતાં પરંતુ આજે તેઓ ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને ક્યારેક ક્યારેક મજૂરી કામ કરે છે. તેઓ કહે છે, “મેં ગયા વર્ષે માત્ર ત્રણ ચિત્રો વેચ્યાં હતાં. જો અમે ફક્ત આ જ આવક પર જ નિર્ભર રહીશું, તો અમે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવી શકીશું?”
અનિલ કહે છે, “નવી પેઢી ગીતો લખવાનું જાણતી નથી. જો કોઈ ગીતો ગાવાનું અને વાર્તા કહેવાનું શીખશે તો જ પૈટકાર ચિત્રકલા ટકી શકશે. નહીં તો તે લુપ્ત થઈ જશે.”
આ વાર્તામાં પૈટકાર ગીતોનું ભાષાંતર જોશુઆ બોધિનેત્રાએ સીતારામ બાસ્કે અને રોનિત હેમ્બ્રોમની મદદથી કર્યું છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ