28 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજના છ વાગ્યા છે. રમણીય ખોલદોડા ગામમાં સૂર્યાસ્ત થતાં જ 35 વર્ષીય રામચંદ્ર દોડકે, આખી રાત જાગવા માટે તૈયાર થઈ જાય છે. તેઓ તેમની લાંબા અંતર સુધી પ્રકાશ ફેંકતી, વધારે તાકાતવાળી ‘કમાન્ડર’ ટોર્ચ તપાસે છે અને તેમની પથારી તૈયાર કરે છે.
તેમના સાધારણ ઘરની અંદર, તેમનાં પત્ની જયશ્રી રાત્રિભોજન માટે દાળ અને મિક્સ સબ્જીની કઢી બનાવે છે. તેમની બાજુમાં, તેમના કાકા 70 વર્ષીય દાદાજી દોડકે પણ રાત્રિ જાગરણની તૈયારીમાં વ્યસ્ત છે. તેમનાં પત્ની, શકુબાઈ ચોખા રાંધે છે અને ચપાતી બનાવે છે. આ ચોખા તેમણે તેમના ખેતરમાં ઉગાડેલા છે અને તેમાંથી એક સુગંધિત સુવાસ આવે છે.
આ 35 વર્ષીય મને કહે છે, “અમે લગભગ તૈયાર છીએ. એકવાર અમારું ભોજન તૈયાર થઈ જાય, એટલે અમે નીકળી જઈશું.” જયશ્રી અને શકુબાઈ અમને ટિફિન પેક કરી આપશે.
રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ માના સમુદાય સાથે સંકળાયેલા દોડકે પરિવારની બે પેઢી — દાદાજી અને રામચંદ્ર આજે મારા યજમાન છે. દાદાજી કીર્તનકાર છે, બાબાસાહેબ આંબેડકરના નિષ્ઠાવાન અનુયાયી છે અને પોતે ખેડૂત પણ છે; રામચંદ્ર એ દાદાજીના મોટા ભાઈ બીકાજીનો દીકરો છે. બીકાજી હવે બીમાર રહેતા હોવાથી ખેતી કરી શકતા ન હોવાથી, તેમના પરિવારની પાંચ એકર જમીન રામચંદ્ર જ સંભાળે છે. બીકાજી એક સમયે ગામના ‘પોલીસ પાટીલ’ હતા, જે એક મુખ્ય હોદ્દો હતો જેમનું કામ ગ્રામ જનો અને પોલીસ વચ્ચે વાટાઘાટ કરાવવાનું હતું.
અમે નાગપુર જિલ્લાના ભીવાપુર તાલુકામાં ગામથી બે માઈલ દૂર આવેલા રામચંદ્રના ખેતરમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ, જેને તેઓ જાગલી અથવા રાત્રિ જાગરણ કહે છે, જેમાં તેઓ જંગલી પ્રાણીઓથી તેમના ઊભા પાકની રક્ષા કરવા માટે આખી રાત જાગે છે. રામચંદ્રનો મોટો દીકરો નવ વર્ષીય આશુતોષ પણ અમારા સાત જણના સમૂહમાં શામેલ છે.

ડાબેથી જમણે: દાદાજી, જયશ્રી, રામચંદ્ર, તેમનાં કાકી શશિકલા અને માતા અંજનાબાઈ ખોલદોડા ગામમાં તેમના ઘરની બહાર
શહેરી લોકો માટે એક સાહસ છે, પરંતુ મારા યજમાનો માટે, આખા વર્ષ દરમિયાન આ તેમનો નિત્યક્રમ છે. હાલ મરચાં, તુવેર, ઘઉં અને કાળા ચણા જેવા તેમના રવિ પાકો લણણીની નજીક છે, જેથી તેમનું રક્ષણ કરવું આવશ્યક છે.
દાદાજીનું ખેતર બીજી બાજુએ છે, પણ અમે રામચંદ્રના ખેતર પર રાત વિતાવીશું; ખેતરમાં અમારું રાત્રિભોજન કરશું, કદાચ તાપણું કરતાં કરતાં. શિયાળાની ઠંડી ઓછી થઈ રહી છે અને આજે રાત્રે તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. રામચંદ્ર કહે છે કે ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 પહેલા કરતાં ખૂબ જ ઠંડા હતા, જેમાં રાત્રે તાપમાન ઘટીને 6-7 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું હતું.
રખેવાડી કરવા માટે, પરિવારના ઓછામાં ઓછા એક સભ્યએ રાત્રે ખેતરમાં હાજર રહેવું જરૂરી છે. આ રીતે ઘડિયાળના કાંટે આખી રાત જાગવાથી અને ઠંડીનો સામનો કરવાથી ઘણા ગ્રામજનો બીમાર પડ્યા છે. રામચંદ્ર તેમની સમસ્યાઓની યાદી આપતા કહે છે: ઊંઘનો અભાવ, તણાવ અને શરદી તાવના લીધે માથાનો દુખાવો થાય છે.
અમે વિદાય લેવાની તૈયારી કરીએ છીએ એટલામાં દાદાજી તેમનાં પત્ની પાસેથી તેમનો ગરદનનો પટ્ટો માંગે છે. તેઓ સમજાવે છે, “ડૉક્ટરે મને આ હંમેશા પહેરી રાખવા કહ્યું છે.”
હું પૂછું છું છે શા માટે તેમને ગરદનના ટેકા માટે સર્વાઇકલ બેલ્ટની જરૂર પડે છે?
તેઓ કહે છે, “આપણી પાસે તેના વિષે વાત કરવા માટે આખી રાત પડી છે; તમારા પ્રશ્નોને સાચવી રાખો."
પણ રામચંદ્ર હસીને કહી દે છે: “આ વૃદ્ધ માણસ થોડા મહિના પહેલાં તેમના ખેતરમાં 8 ફૂટ ઊંચા મચન [માંચડા] પરથી નીચે પડી ગયા હતા. આતો તેઓ નસીબદાર કહેવાય કે તેઓ હજુ સુધી જીવે છે, નહીં તો તેઓ આજે આપણી વચ્ચે ન હોત.”

70 વર્ષીય દાદાજી દોડકે રાત્રે જાગરણ કરતી વખતે તેમના ખેતરના માંચડા પરથી પડી ગયા પછી તેઓ સર્વાઇકલ સપોર્ટ પહેરે છે
*****
નાગપુરથી લગભગ 120 કિલોમીટર દૂર ભીવાપુર તાલુકામાં આવેલું ખોલદોડા અલેસુર ગ્રામ પંચાયતનો એક ભાગ છે. તેની સરહદે ચંદ્રપુર જિલ્લાના ચિમુર તાલુકાના જંગલો આવેલા છે, જે તાડોબા અંધારી વાઘ અભયારણ્ય (TATR)ની ઉત્તર-પશ્ચિમ કિનારો છે.
મહારાષ્ટ્રના પૂર્વ વિસ્તારના વિદર્ભના જંગલના પટ્ટાના સેંકડો ગામોની જેમ, ખોલદોડામાં પણ જંગલી પ્રાણીઓનો ત્રાસ છે — ગ્રામજનોએ જંગલી પ્રાણીઓના લીધે વારંવાર તેમના પાક અને પશુઓ ગુમાવવા પડે છે. મોટાભાગના ખેતરોમાં વાડાબંધી કરેલી જ છે, તેમ છતાં રાત્રિ જાગરણ વગર ચાલે તેમ નથી.
આખો દિવસ, લોકો પાકની સંભાળ જેવું નિયમિત ખેતીનું કામ કરે છે. પરંતુ રાત્રે, મુખ્યત્વે લણણીની મોસમ દરમિયાન, દરેક ઘર તેમના ઊભા પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે જાણે કે તેમના ખેતરમાં સ્થળાંતર કરી દે છે. આવું ઓગસ્ટથી માર્ચ દરમિયાન થાય છે, જ્યારે ખેતી કરાતી હોય, અને અન્ય સમયે પણ.
દિવસની શરૂઆતમાં, જ્યારે હું ખોલદોડા પહોંચ્યો, ત્યારે તે એકદમ શાંત હતું, કોઈ પણ ખેતરમાં એકપણ વ્યક્તિ નજરે પડતો ન હતો, અને દરેક ખેતર નાયલોનની સાડીઓથી લપેટેલું હતું. સાંજના 4 વાગ્યા છે અને ગામની ગલીઓ પણ સાવ ખાલી અને નિર્જન છે, અહીં ફક્ત થોડા કૂતરાઓ જ જોવા મળે છે.
જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો અને પૂછ્યું કે ગામ કેમ શાંત છે ત્યારે દાદાજી કહે છે, “બપોરે 2 થી 4:30 વાગ્યા સુધી, દરેક વ્યક્તિ સૂઈ જાય છે કારણ કે અમને ખાતરી નથી હોતી કે અમને રાત્રે સૂવા મળશે કે નહીં.”
તેઓ કહે છે, “તેઓ [ખેડૂતો] આખો દિવસ ખેતરોના ચક્કર લગાવતા રહે છે. તે 24 કલાકની ફરજ જેવું છે.”


અલેસુર ગ્રામ પંચાયતનો એક ભાગ એવા ખોલદોડા ગામને જોડતા જંગલ વિસ્તારમાં વાંદરાઓ વારંવાર જોવા મળે છે


ડાબે: ખોલદોડામાં ગ્રામજનો સાંજના સમયથી જ રાત્રિ જાગરણ માટે તૈયાર થઈ જાય છે. જમણે: રાત પડતાં જ તેમના ખેતરમાં રખેવાળી કરવા માટે તૈયાર થઈને ચાલી નીકળેલા એક ખેડૂત
સાંજ પડતાં જ, ગામ ફરી જીવંત બને છે: સ્ત્રીઓ રસોઈ કરવાનું શરૂ કરે છે, પુરુષો રાત્રિ જાગરણ માટે તૈયારી કરે છે, અને ગાયો તેમના પશુપાલકો સાથે જંગલમાંથી ઘરે પાછી આવે છે.
સાગ અને અન્ય વૃક્ષોથી ઘેરાયેલા ગાઢ જંગલો, ખોલદોડા તાડોબા લેન્ડસ્કેપનો એક ભાગ છે, જે લગભગ 108 ઘરોનું ગામ છે (વસ્તી ગણતરી 2011 મુજબ). મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો બે મુખ્ય સામાજિક વર્ગોથી સંબંધ ધરાવે છેઃ માના આદિવાસીઓ અને મહાર દલિતો, અને અન્ય જાતિના કેટલાક પરિવારો.
અહીં લગભગ 110 હેક્ટર ખેતીની જમીન છે, અને આ ફળદ્રુપ, સમૃદ્ધ જમીન મોટે ભાગે વરસાદ પર આધારિત છે. અહીં થતા પાકોમાં ડાંગર, કઠોળ, થોડાક ઘઉં, બાજરી અને શાકભાજીનો સમાવેશ થાય છે. અહીંના મોટાભાગના ખેડૂતો તેમના પોતાના ખેતરોમાં કામ કરે છે, પરંતુ અમુક ખેડૂતો ઓછી વન પેદાશો પર પણ અને વેતન મજૂરી કરીને પણ નિર્વાહ કરે છે. ખેતીમાંથી તેમનો ગુજારો થતો ન હોવાથી, કેટલાક યુવાનો આજીવિકા મેળવવા માટે અન્ય નગરો તરફ વળ્યા છે. દાદાજી દોડકેનો દીકરો નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે. કેટલાક ગામના લોકો મજૂરી કામ શોધવા માટે ભીવાપુર જાય છે.
*****
અમારું રાત્રિભોજન તૈયાર થઈ રહ્યું છે એવામાં અમે ગામનો માહોલ કેવો છે એ જોવા માટે ગામમાં લટાર મારીએ છીએ.
અમે ત્રણ મહિલાઓને મળીએ છીએ — શકુંતલા ગોપીચંદ નન્નાવરે, શોભા ઈન્દ્રપાલ પેન્દમ, અને પરબતા તુલશીરામ પેન્દમ, જે બધાંની વય 50 વર્ષ જેટલી છે; તેઓ આજે તેમના ખેતરોમાં દરરોજ કરતાં થોડાં વહેલાં જઈ રહ્યાં છે. તેમની સાથે એક કૂતરો પણ છે. જ્યારે હું તેમને પૂછું છું કે ઘરનું કામકાજ, ખેત મજૂરી અને રાત્રિ જાગરણ આ બધું કરવું કેટલું મુશ્કેલ છે તો શકુંતલા કહે છે, “અમને બીક તો લાગે છે, પણ શું કરીએ?” રાત્રે, તેઓ એકબીજાની પાસે રહીને એકમેકને ટેકો આપે છે અને ખેતરોમાં વારાફરતી રખેવાળી કરે છે.
દાદાજી દોડકેના ઘરની સામે ગામના મુખ્ય રસ્તા પર ગુણવંતા ગાયકવાડ તેમના મિત્રો સાથે ગપસપ કરતા જોવા મળે છે. તેમાંના એક કટાક્ષ કરે છે, “જો તમે આજે નસીબદાર હશો, તો તમને વાઘ જોવા મળશે.” ગાયકવાડ કહે છે, “અમે અમારા ખેતરોમાં વાઘને નિયમિતપણે ઘુસણખોરી કરતાં જોઈએ છીએ.”

તેમના ખેતરોમાં રાત્રિ જાગરણ માટે જવાની તૈયારી કરતા ગુણવંતા ગાયકવાડ (જમણેથી બીજા) અને ખોલદોડાના અન્ય ગ્રામજનો


ડાબે: ખોલદોડાનાં મહિલા ‘પોલીસ પાટીલ’ સુષ્મા ઘુટકે, તેમના પતિ મહેન્દ્ર સાથે. જમણે: શકુંતલા ગોપીચંદ નન્નાવરે, શોભા ઈન્દ્રપાલ પેન્દમ, અને પરબતા તુલશીરામ પેન્દમ, જે બધાંની વય 50 વર્ષ જેટલી છે; તેમના ખેતરોમાં જતી વખતે (જમણેથી ડાબે)
અમે ગામના ડેપ્યુટી સરપંચ રાજહંસ બંકરને તેમના ઘરે મળીએ છીએ; તેઓ તેમનું રાત્રિભોજન લઈ રહ્યા છે, જેના પછી તેઓ પણ ખેતરની રખેવાળી માટે રવાના થશે; તેઓ દિવસભર પંચાયતની વહીવટી ફરજો બજાવીને થાકી ગયા છે.
પછી અમે ખોલદોડાનાં વર્તમાન મહિલા ‘પોલીસ પાટીલ’ સુષ્મા ઘુટકેને મળીએ છીએ, જેઓ તેમના પતિ મહેન્દ્ર સાથે પાછળ બેસીને ખેતરમાં જઈ રહ્યાં છે. તેમણે તેમની સાથે રાત્રિભોજન, થોડા ધાબળા, લાકડી અને લાંબા અંતરની ટોર્ચ લીધી છે. અમે અન્ય લોકોને ટોર્ચ, લાકડીઓ અને ધાબળા સાથે તેમના ખેતરોમાં ચાલતા જતા જોઈએ છીએ.
સુષ્મા સ્મિત સાથે અમને તેમની સાથે તેમના ખેતરમાં જોડાવા આમંત્રણ આપતાં કહે છે, “ચલા આમચ્યા બરોબર. તમને રાત્રે ઘણા અવાજ સંભળાશે. અહીં પરિસ્થિતિ કેવી હોય છે તેની ખરી પ્રતીતિ કરવા માટે ઓછામાં ઓછા 2:30 વાગ્યા સુધી જાગતા રહેજો.”
જંગલી ડુક્કર, નીલગાય, હરણ, સાંબર, મોર, સસલાં, તે બધા અહીં રાત્રે ખાવા માટે આવે છે. તેઓ કહે છે કે, કેટલીકવાર તેમને વાઘ અને દીપડા પણ દેખાઈ દે છે. તેઓ કટાક્ષ કરે છે, “એવું લાગે છે કે અમારા ખેતરો જાણે કે આ પ્રાણીઓના જ ખેતરો ના હોય.”
ત્યાંથી થોડા ઘરો દૂર, 55 વર્ષીય આત્મારામ સાવસાખળેનું ઘર છે, જેમની પાસે 23 એકર પૈતૃક ખેતીની જમીન છે. આ સ્થાનિક રાજકીય નેતા પણ રાત્રિ જાગરણની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, તેમના ખેતરમાં રખેવાળી માટે રાખેલા લોકો તો અત્યાર સુધીમાં ખેતરમાં પહોંચી ગયા હશે, “મારું ખેતર મોટું હોવાથી, તેની રખેવાળી કરવી મુશ્કેલ છે.” તેમના ખેતરમાં ઓછામાં ઓછા છે કે સાત માંચડા છે, જેથી કરીને ખેતરમાં વાવેલા દરેક પાક પર નજર રાખી શકાય. હાલ તેમના ખેતરમાં ઘઉં અને કાળા ચણા ઉઘાડેલા છે.
રાતના 8:30 વાગ્યા સુધીમાં, ખોલદોડાના પરિવારો તેમના બીજા ઘર, એટલે કે ખેતરમાં રાત્રી માટે શિફ્ટ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
*****
રામચંદ્રએ તેમના આખા ખેતરમાં અનેક માંચડા બનાવ્યા છે જ્યાંથી તમે એકબીજાને સાંભળી તો શકો છો પણ જોઈ શકતા નથી. અને તમે અહીં સલામતરીતે સૂઈ શકો છો. માંચડો એટલે લાકડાના બનેલા, સાત કે આઠ ફૂટ ઊંચા, સૂકા ઘાસ અથવા તાડપત્રીથી બનાવેલી છતવાળા પ્લેટફોર્મ. આમાંના કેટલાક માંચડા એકસાથે બે વ્યક્તિઓને સમાવી શકે છે, પરંતુ મોટાભાગના માંચડાઓમાં ફક્ત એક જ વ્યક્તિ રહી શકે છે.


રામચંદ્રએ તેમના આખા ખેતરમાં અનેક માંચડા (જમણે) બાંધ્યા છે. માંચડા એ લાકડામાંથી બનેલા ઊભા પ્લેટફોર્મ છે, જેમાં સૂકા ઘાસની કે તાડપત્રીની છત હોય છે
હકીકતમાં, જંગલોને અડીને આવેલા ભિવપુરના આ ભાગમાં, તમને માંચડાની અદ્ભુત વિવિધતા જોવા મળશે — જે ત્યાં રાત વિતાવતા ખેડૂતોની સ્થાપત્ય હસ્તકલાની ઝાંખી કરાવે છે.
તેઓ મને કહે છે, “તમે આમાંથી ગમે તે માંચડો પસંદ કરી શકો છો.” હું હાલમાં જ્યાં ચણા વાવેલા છે તે ખેતરની મધ્યમાં તાડપત્રીની શીટવાળો માંચડો પસંદ કરું છું. આવું એટલા માટે કે મને શક હતો કે ઘાસની છતવાળા માંચડામાં ઉંદરો રહેતા હશે. જેમ જેમ હું ચઢું છું તેમ તેમ મચાન નીચે નમતો જાય છે. રાતના 9:30 વાગ્યા છે અને હવે અમે રાત્રિ ભોજન લેવાની તૈયારી કરીએ છીએ. અમે સિમેન્ટ કોઠારમાં તાપણાની આસપાસ બેસીએ છીએ; તાપમાન ઘટી રહ્યું છે. અહીં ઘોર અંધારું છે, પણ આકાશ સ્વચ્છ છે.
દાદાજી રાત્રિભોજન લેતી વખતે વાત કરવાનું શરૂ કરે છે:
“ચાર મહિના પહેલાં, અડધી રાત્રે અચાનક મારો માંચડો પડી ગયો હતો, અને હું સાત ફૂટની ઊંચાઈએથી મારા માથા પર પટકાયો હતો, અને મારી ગરદન અને પીઠને ગંભીર ઈજા પહોંચી હતી.”
તે લગભગ 2:30 વાગ્યાની આસપાસ બન્યું હતું, સદનસીબે તેઓ જે સપાટી પર પટકાયા હતા તે કઠણ નહોતી. તેઓ કહે છે કે તેઓ આઘાતમાં અને પીડામાં સળવળાટ કરતા ઓછામાં ઓછા થોડા કલાકો સુધી ત્યાં પડી રહ્યા હતા. લાકડાના લોગમાંથી એક કે જેના પર પેર્ચ ઉભો કરવામાં આવ્યો હતો તે માટી કે જેમાં તે મૂળ હતી તે ઢીલી થઈ ગઈ હતી. જે લાકડાના થાંભલાઓ પર માંચડો ઊભો હતો, તેમાંનો એક ધરાશાયી થઈને જમીનમાં પેસી ગયો હતો.
“હું ખસી પણ નહોતો શકતો ને મારી મદદ કરનારું પણ ત્યાં કોઈ નહોતું.” ભલે બાજુના ખેતરોમાં બીજા લોકો હોય, પણ રાત્રે પોતાના ખેતરમાં માણસ એકલો જ હોય છે. તેઓ કહે છે, “મને લાગતું હતું કે હું મરી જઈશ.”


દાદાજી (ડાબે) અને રામચંદ્રએ દરમિયાન શિયાળાની ઠંડી રાત્રે રાત્રિના જાગરણ દરમિયાન ગરમ રહેવા માટે તાપણું કર્યું હતું
આખરે વહેલી સવારે, તેઓ ઊભા થવામાં સફળ થયા, અને ગરદન અને પીઠમાં તીવ્ર દુખાવો હોવા છતાં, તેઓ બે-ત્રણ કિલોમીટરનું અંતર ચાલીને ઘેર પહોંચ્યા. “એકવાર હું ઘરે પહોંચ્યો, પછી મારો આખો પરિવાર અને પડોશીઓ મારી મદદે દોડી આવ્યા હતા.” દાદાજીનાં પત્ની શકુબાઈ ગભરાઈ ગયાં હતાં.
રામચંદ્ર તેમને ભીવાપુર નગરના એક ડૉક્ટર પાસે લઈ ગયા, જ્યાંથી તેમને એમ્બ્યુલન્સમાં નાગપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમના પુત્રએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી.
એક્સ-રે અને એમઆરઆઈ સ્કેનમાં મગજમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું, પણ સદભાગ્યે કોઈ ફ્રેક્ચર નહોતું. પણ એકવાર તેઓ માંચડા પરથી પડ્યા પછી, જ્યારે પણ આ ઊંચા બાંધાના માણસ વધુ સમય સુધી જો બેસી રહે કે ઊભા રહે, તો તેમને ચક્કર આવવા લાગે છે. આવું થાય એટલે તેઓ સૂઈ જાય છે અને ભજન ગાય છે.
તેઓ મને કહે છે, “રાત્રિ જાગરણ કરવાની મેં આ કિંમત ચૂકવી હતી, અને મેં કેમ આવું કર્યું? કારણ કે જો મેં મારા પાકની રખેવાળી ન કરી હોત, તો આ જંગલી પ્રાણીઓના લીધે મને મારા ખેતરમાંથી ફૂટી કોડી પણ ન મળી હોત.”
દાદાજી કહે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે આખી રાત જાગવાની જરૂર નહોતી પડતી. છેલ્લા 20 વર્ષોમાં પ્રાણીઓ દ્વારા કરાયેલા હુમલાની તીવ્રતા વધી છે. તેઓ કહે છે કે એવું નથી કે માત્ર જંગલો જ સંકોચાઈ ગયા છે, પરંતુ જંગલી પ્રાણીઓને પણ ત્યાં પૂરતો ખોરાક કે પાણી મળતું નથી, અને સાથે સાથે તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી હજારો ખેડૂતોએ આખી રાત જાગીને તેમના ખેતરોની રખેવાળી કરવી પડે છે, અને ધાડપાડુઓથી તેમના પાકને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ધાડપાડુઓ છે, જંગલી પ્રાણીઓ કે જેઓ ઊભા પાકને ખાઈ જાય છે.
અકસ્માતો, ધોધ, જંગલી પ્રાણીઓ સાથેની અથડામણ, ઊંઘના અભાવના પરિણામે ઉદ્ભવતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને સામાન્ય બીમારીઓ, ખોલદોડા અને વિદર્ભના મોટા પ્રદેશના ખેડૂતો માટે સામાન્ય બાબત બની ગઈ છે. આ બધાં પરિબળો પહેલેથી જ મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતોની સમસ્યાઓને વધુ જટિલ બનાવે છે.


ખોલદોડા ગામમાં અને તેની આસપાસના ખેતરોમાં માંચડાઓ સામાન્ય રીતે જોવા મળે છે. આમાંના કેટલાક માંચડા એકસાથે બે વ્યક્તિઓને સમાવી શકે છે, પરંતુ મોટાભાગના માંચડાઓમાં ફક્ત એક જ વ્યક્તિ રહી શકે છે


રાત્રી જાગરણ દરમિયાન ખેડૂતો આ માંચડાઓમાં રહે છે. તેઓ તેમની સાથે ટોર્ચ, લાકડીઓ, ધાબળા જેવી વસ્તુઓ રાખે છે
છેલ્લાં કેટલાક વર્ષોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં મારા પ્રવાસ દરમિયાન, હું એવા કેટલાક ખેડૂતોને મળ્યો છું કે જેઓ સ્લીપ એપનિયાના લીધે તાણથી પીડાય છે. આ એવી સ્વાસ્થ્ય સમસ્યા છે કે જેમાં તમે ઊંઘતા હોવ ત્યારે તમારો શ્વાસ બંધ થઈ જાય અને તમે જાગો ત્યારે ફરી શરૂ થાય છે.
રામચંદ્ર નિસાસો નાખતાં કહે છે, “તેનાથી તમારા શરીરને ઘણું નુકસાન થાય છે. અમારે આરામ કર્યા વગર દિવસે કામ કરવું પડે છે અને રાતે જાગવું પડે છે. ઘણીવાર એવો સમય હોય છે કે જેમાં અમે એક દિવસ માટે પણ અમારું ખેતર છોડી શકતા નથી.”
તેઓ કહે છે, જો તમે અહીંથી ચોખા, દાળ કે કાળા ચણા ખાતા હોવ, તો તેનો અર્થ છે કે તે એટલા માટે જંગલી પ્રાણીઓના હુમલાઓથી બચી શક્યું છે કારણ કે ક્યાંક કોઈ વ્યક્તિ તેના પાકની રખેવાળી કરવામાં સફળ રહ્યો છે, અને તેની રાતોની ઊંઘની પરવા કર્યા વગર તેણે તેની રખેવાળી કરી છે.
રામચંદ્ર કહે છે, “અમે એલાર્મ વગાડીએ છીએ, અગ્નિ પ્રગટાવીએ છીએ, અમારા ખેતરોમાં વાડ પણ કરીએ છીએ, પરંતુ જો તમે રાત્રે ખેતરમાં હાજર ન હોવ, તો કદાચ તમે જે રોપ્યું છે તે બધું ગુમાવી દેશો.”
*****
રાત્રિભોજન કરીને અમે રામચંદ્રની પાછળ એક જ હરોળમાં ચાલીએ છીએ, અને ખેતરોના ભૂલભુલામણીભર્યા રસ્તાઓ પાર કરવા માટે ઘોર અંધકારમાં અમારી મશાલો ચાલુ કરીએ છીએ.
રાતના 11 વાગ્યે અમે લોકોને દૂરથી સમયે સમયે પ્રાણીઓને ડરાવવા અને ખેતરોમાં તેઓ હજાર છે તેની પ્રતીતિ કરાવવા બૂમો પાડતા સાંભળીએ છીએ, “ઓય…ઓય…ઈઈ.”
જ્યારે અન્ય દિવસોમાં તેઓ ખેતરમાં એકલા હોય છે, ત્યારે રામચંદ્ર એક લાંબી અને ભારે લાકડી લઈને દર કલાકે ખેતરમાં આંટા મારે છે. ખાસ કરીને સવારે 2 થી 4 વાગ્યાના ગાળામાં પ્રાણીઓ સૌથી વધુ સક્રિય હોય છે ત્યારે તેઓ જાગ્રત રહે છે. વચ્ચે વચ્ચે તેઓ ઝોકું લઈ લે છે, પણ સાવધ રહે છે.
મધ્યરાત્રિની આસપાસ ગામમાંથી એક વ્યક્તિ તેમની બાઇક લઈને ખેતરમાં આવે છે અને અમને કહે છે કે અલેસુરમાં આખી રાતની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું છે. અમે રમત જોવા જવાનું નક્કી કરીએ છીએ. દાદાજી રામચંદ્રના દીકરા સાથે ખેતરમાં રહે છે, અને અમે બધા ખેતરથી 10 મિનિટના અંતરે આવેલા અલેસુરમાં કબડ્ડી સ્પર્ધા માણવા જઈએ છીએ.

નાઇટ ટુર્નામેન્ટમાં ગામડાઓ વચ્ચે કબડ્ડીની સ્પર્ધા જામે છે
અલેસુર ગ્રામ પંચાયતમાં યોજાયેલી કબડ્ડીની રમત જોવા માટે ખેડૂતો તેમની રાત્રિ જાગરણ દરમિયાન એકઠા થયા છે
રસ્તામાં, અમે જંગલી ડુક્કરોના એક ટોળાને રસ્તો પાર કરતા જોઈએ છીએ, જેની પાછળ બે શિયાળ જઈ રહ્યાં છે. થોડા સમય પછી, જંગલના પટ્ટા તરફ હરણનું ટોળું જોવા મળે છે. અત્યાર સુધી વાઘ ક્યાંય જોવા મળ્યો નથી.
અલેસુરમાં, નજીકના ગામોના બે કટ્ટર હરીફો વચ્ચે કબડ્ડીની લગોલગની રમત નિહાળવા માટે મોટી ભીડ ઉમટી પડી છે. તેમનામાં ઉત્તેજના સ્પષ્ટ છે. ટુર્નામેન્ટમાં 20થી વધુ ટીમો ભાગ લઈ રહી છે અને મેચો છેક સવાર સુધી ચાલશે; અને ફાઈનલ સવારે 10 વાગ્યે રમાશે. ગ્રામજનો તેમના ખેતરો અને ટૂર્નામેન્ટના સ્થળ વચ્ચે આખી રાત આમતેમ ફરતા રહેશે.
તેઓ આસપાસ વાઘ છે કે કેમ તે વિષેની માહિતીની આપલે કરે છે. તેમાંથી એક વ્યક્તિ રામચંદ્રને કહે છે, “સાવચેત રહેજો.” અલેસુર ગામના એક વ્યક્તિને સાંજે વાઘ દેખાયો હતો.
વાઘ દેખાવો એ એક પ્રકારની નવાઈની વાત છે.
થોડીવાર પછી અમે રામચંદ્રના ખેતરમાં પાછા ફરીએ છીએ. સવારના 2 વાગ્યા છે અને આશુતોષ અને તેમનું બાળક કોઠારની નજીક ખાટલા પર સૂતેલા છે. દાદાજી ચુપચાપ બેસીને તેમને જોઈ રહ્યા છે અને તાપણું કરી રહ્યા છે. અમે થાકેલા છીએ, પણ હજુ ઊંઘ નથી આવી. તેથી અમે ખેતરમાં બીજી વાર આંટો મારીએ છીએ.


રાત્રિના જાગરણ પછી તેમના ખેતરમાં પરોઢિયાના વિરામ સમયે રામચંદ્ર દોડકે (જમણે)


ડાબે: રાત્રિના જાગરણ વખતે રામચંદ્ર દોડકેના મોટા પુત્ર આશુતોષ. જમણે: રામચંદ્રના ખેતરમાં આવેલા એકમાત્ર ઝાડમાંથી નારંગી તોડતા દાદાજી
રામચંદ્રએ દસમા ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું. તેઓ કહે છે કે જો તેમની પાસે નોકરીઓના અન્ય વિકલ્પો હોત, તો તેઓ ચોક્કસપણે ખેતી કરત નહીં. તેમણે તેમનાં બન્ને બાળકોને નાગપુરની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધાં છે, કારણ કે તેઓ ઇચ્છતા નથી કે તેઓ પણ તેમની જેમ જ ખેતી કરે. આશુતોષ રજાઓ હોવાથી ઘરે છે.
અચાનક, ચારે બાજુથી જંગલી પ્રાણીઓના અવાજો સંભળાવા લાગે છે. આ ખેડૂતો જોરથી થાળી ખખડાવે છે અને જોરશોરથી બૂમો પાડવા લાગે છે. તેઓ પ્રાણીઓને ડરાવવા માટે વારંવાર આવું કરશે.
મને ચોંકેલો જોઈને દાદાજી હસી પડે છે. રામચંદ્રથી પણ હસ્યા વગર રહેવાતું નથી. તેઓ કહે છે, “તમને આ કદાચ વિચિત્ર લાગતું હશે. પણ અહીં આખી રાત આવું ચાલતું જ રહે છે. ખેડૂતો આસપાસ પ્રાણીઓ હોવાનો સંકેત આપવા માટે બૂમો પાડે છે. જેથી તેઓ બીજા ખેતરોમાં ન જાય.” 15 મિનિટ પછી, બધુ શાંત પડી જાય છે.
સવારે 3:30 વાગ્યાની આસપાસ, તારાઓથી જગમગતા આકાશની નીચે, અમે છૂટા પડીએ છીએ અને હું ઝૂલતા માંચડામાં પ્રવેશ કરું છું. મારી આસપાસ જોરશોરથી જંતુઓનો ગણગણાટ સંભળાય છે. હું મારી પીઠ પર સપાટ થઈને સૂઈ રહ્યો છું, માંચડામાં મારા એકલા માટે પૂરતી જગ્યા છે. ફાટેલી સફેદ તાડપત્રી પવનની લહેર સાથે લહેરાય છે. હું તારાઓ ગણવા લાગું છું અને થોડીવાર માટે સૂઈ જાઉં છું. પરોઢ થાય ત્યાં સુધી લોકોની ચીસોના તૂટક તૂટક અવાજો સાંભળાય છે. માંચડા પરથી હું દૂધિયા સફેદ ઝાકળથી ઢંકાયેલ મારી આસપાસના લીલાછમ ખેતરો પર નજર નાખું છું.
રામચંદ્ર અને દાદાજી થોડા પહેલાંથી જ ઉઠી ગયા છે. દાદાજી ખેતરમાં ઉગેલા એકમાત્ર ઝાડમાંથી થોડાં નારંગીના ફળો તોડીને મને ઘરે લઈ જવા માટે આપે છે.


રામચંદ્ર દોડકે (ડાબે), દાદાજી અને તેમનાં પત્ની શકુબાઈ (જમણે) તેમના રાત્રિના જાગરણ દરમિયાન થાળીઓ કૂટે છે અને જોરશોરથી બૂમો પાડે છે. તેઓ પ્રાણીઓને ડરાવવા માટે આખી રાત આવું કરતાં રહેશે
રામચંદ્ર જ્યારે તેમના ખેતરમાં ઝડપથી આંટો મારે છે ત્યારે હું તેમને અનુસરું છું. તેઓ તેમને પાકને કંઈ થયું છે કે નહીં તેનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે.
અમે સવારે 7 વાગ્યે ગામમાં પાછા ફરીએ છીએ. તેઓ કહે છે કે તેઓ ભાગ્યશાળી છે કે આખી રાત દરમિયાન કોઈ નુકસાન થયું નથી.
દિવસના અંતે, ગઈ રાત્રે જંગલી પ્રાણીઓ અન્ય કોઈના ખેતરોમાં પ્રવેશ્યા હતા કે કેમ તે અંગે રામચંદ્રને જાણ થશે.
હું મારા યજમાનને વિદાય આપું છું, જેઓ મને તેના ખેતરમાંથી તાજા કાઢેલા ચોખાનું પેકેટ આપે છે. તે સુગંધિત વિવિધતાના છે. આ પાક લણણી સુધી સલામત રીતે પહોંચે, તે માટે રામચંદ્રએ ઘણી રાતો ઉજાગરા કર્યા છે.
જ્યારે અમે ખોલદોડામાંથી નીકળીને ખેતરો પાસેથી પસાર થઈએ છીએ, ત્યારે પુરુષો અને સ્ત્રીઓ ખેતરમાંથી શાંતિથી તેમના ઘરે પરત ફરતાં દેખાય છે. મારું સાહસ અહીં પૂરું થાય છે. જો કે, તેમની કમરતોડ મહેનતથી ભરેલી દિનચર્યા હમણાં જ શરૂ થઈ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ