“પહેલા ડાબે હાથે વળો. થોડે આગળ નીચે એક કાળા થાંભલા પર તમને એક ફૌજીનો ફોટો જોવા મળશે. એ તેનું ઘર છે.” રામગઢ સરદારનમાં સાયકલની મરામત કરવાનું કામ કરતા એક વૃદ્ધ બહારની તરફના વળાંક તરફ હાથ કરે છે. ગામના લોકો અજય કુમારને ફૌજી (સૈનિક) અથવા શહીદ તરીકે ઓળખે છે.
ભારત સરકારની નજરમાં તેઓ આ બેમાંથી એક પણ નથી.
જમ્મુ-કાશ્મીરમાં બળવાખોરી વિરોધી કાર્યવાહીમાં 23 વર્ષના આ યુવાને પોતાના છેલ્લા શ્વાસ સુધી આ દેશની સરહદોની રક્ષા કરી હતી એ વાતથી કોઈ ફરક પડતો નથી. તેમના વૃદ્ધ, ભૂમિહીન, દલિત માતા-પિતા પેન્શનનું અથવા તેમના દીકરા માટે શહીદના દરજ્જાનું સપનું પણ જોઈ શકતા નથી. તેઓ એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરિ હેલ્થ સ્કીમ અથવા તો કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ ડિસ્કાઉન્ટ હેઠળના કોઈપણ લાભો માટે પણ પાત્ર નથી. કારણ કે, સત્તાવાર રેકોર્ડમાં, અજય કુમાર ન તો સૈનિક હતા કે ન તો શહીદ.
તેઓ માત્ર એક અગ્નિવીર હતા.
લુધિયાણા જિલ્લાના આ ગામમાં, જોકે, સરકારી રેકોર્ડનું ઝાઝું મહત્વ નથી. સરસવના ફૂલોથી લહેરાતા સુંદર ખેતરોથી ભરેલા ગ્રાન્ડ ટ્રંક રોડ પર વાહન દ્વારા 45-મિનિટની સવારી કરીને તમે રામગઢ સરદારન પહોંચી શકો છો, અહીંની દીવાલોએ પોતાનો રેકોર્ડ પહેલેથી જ લખી દીધો હોય તેવું લાગે છે. ઓલિવ ગ્રીન રંગના કપડાં પહેરેલા દેખાવડા અજયના ફોટાવાળા પાટિયાંથી છવાયેલી દીવાલો અજયને શહીદ ભગતસિંહની હારમાં મૂકી આપે છે, જેઓ નવ દાયકા પહેલા તેમના સાથીઓ સાથે ફાંસીના માંચડે ચડી ગયા હતા, પરંતુ હજી સુધી અનુગામી સરકારો દ્વારા તેમને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
ગામમાં એક પાટિયા પર લખેલું છે:
નૌજવાન જડ ઉથડે ને
તાં નિઝામ બદલ જાંદે ને,
ભગતસિંહ અજ્જ વી પૈદા હુંદે ને,
બસ નામ બાદલ જાંદે ને…
[યુવાનો ઊઠે છે ત્યારે,
તખ્ત ઉથલાવી નાખે છે.
દરેક નવા દિવસ સાથે એક ભગતસિંહ જન્મે છે
ભલેને દુનિયા તેમને અલગ અલગ નામોથી ઓળખે...]


ડાબે: અજય કુમારના ઘરના દરવાજા પર એક કાળા થાંભલા પર તેમનો ફોટો છે. જમણે: રામગઢ સરદારન ગામમાં ઉપર મુજબનું લખાણ લખેલું એક પાટિયું
જાન્યુઆરી 2024માં જમ્મુ-કાશ્મીરમાં અજય કુમારે પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. તેમના દાદા હવાલદાર પિયારા લાલથી પ્રેરિત અજય બાળપણથી જ ભારતીય સેનામાં જોડાવા માગતા હતા. તેમના પિતા ચરણજીત સિંહ કહે છે, "તેણે દસમું પૂરું કર્યા પછી તૈયારી શરૂ કરી દીધી હતી."
તેઓ કહે છે, "પરંતુ ભરતી સમયે તેને અગ્નિવીર અને સૈનિક વચ્ચેનો તફાવત ખબર નહોતી." હવે તેમની શહાદત પછી માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ આસપાસના ગામના યુવાનો પણ જાણે છે કે 'કરાર પર સૈનિક' હોવાનો અર્થ શું છે.
અજયની છ બહેનોમાં સૌથી નાના 22 વર્ષના અંજલિ દેવી અમને કહે છે, "અમારી સાથે જે રીતનો વ્યવહાર કરવામાં આવ્યો છે તે જોઈને યુવાનો નિરાશ થઈ ગયા છે." તેઓ જાણે છે કે શહીદ થયા પછી પણ અગ્નિવીરના પરિવારને બીજા સૈનિકોને આપવામાં આવતી સુવિધાઓ મળતી નથી.
ગુસ્સે ભરાયેલા અને દુઃખી અંજલિ દેવી કડક ટીકાના સૂરમાં કહે છે, “તેઓ અગ્નિવીરનો ઉપયોગ ઢાલ તરીકે કરે છે કારણ કે અગ્નિવીર જો મૃત્યુ પામે તો પણ સરકારની કોઈ જવાબદારી હોતી નથી. જાણે તેઓ માણસમાં જ ન હોય.”
બ્રિટિશ રાજના સમયથી પોતાના સંતાનોને સૈન્યમાં જોડાવા મોકલવા માટે જાણીતા આ રાજ્યના ઈચ્છુકોના ઉત્સાહ પર અગ્નિવીરોની સાથે થયેલા આવા વ્યવહારની વાર્તાઓએ પાણી ફેરવી દીધું છે. 1918 માં સમાપ્ત થનાર પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન - આજથી 103 વર્ષ પહેલાં - બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં દર બીજો સૈનિક પંજાબમાંથી હતો, તે સમયે પંજાબમાં હાલના હરિયાણાનો અને - જે હવે પાકિસ્તાનમાં છે તે - પશ્ચિમ પંજાબનો પણ સમાવેશ થતો હતો. 1929 માં કુલ 139200 સૈન્ય બળમાંથી 86000 પંજાબી સૈનિકો હતા.
આ જ વલણ થોડા વર્ષો પહેલા સુધી ચાલુ રહ્યું હતું. 15 મી માર્ચ, 2021 ના રોજ સંસદ સમક્ષ રજૂ કરાયેલ સંરક્ષણ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 89000 સૈનિકોની ભરતી સાથે પંજાબ ભારતીય સેનામાં સૈનિકો મોકલનારા રાજ્યોમાં બીજા ક્રમે છે. [પંજાબથી સાડા સાત ગણી વસ્તી સાથે ઉત્તર પ્રદેશ તેમાં પ્રથમ ક્રમે છે]. ભારતની કુલ વસ્તીમાં માત્ર 2.3 ટકાનો હિસ્સો ધરાવતું હોવા છતાં ભારતીય સૈન્યમાં પંજાબનું યોગદાન 7.7 ટકા છે. જયારે ભારતની કુલ વસ્તીના 16.5 ટકા વસ્તી ધરાવતું હોવા છતાં યુપીનો આપણા સૈન્યમાં હિસ્સો 14.5 ટકા છે.

બે વર્ષ પહેલાં અગ્નિવીર યોજના અમલમાં મૂકવામાં આવ્યા પછી બંધ કરી દેવામાં આવેલી ફિઝિકલ એકેડેમી લેહરાગાગા ખાતે કતાર લગાવીને ઊભેલા સશસ્ત્ર દળોમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારોનો 2022 માં લીધેલો એક ફોટો
જો કે અગ્નિવીર યોજના શરૂ થયા પછી એકંદર પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે સમગ્ર રાજ્યના નાના અને મોટા બંને નગરોમાં સૈન્ય ભરતી તાલીમ કેન્દ્રો જોવા મળતા હતા. પરંતુ તેમાંના મોટા ભાગના છેલ્લા બે વર્ષમાં બંધ થઈ ગયા છે કારણ કે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોની સંખ્યામાં અચાનક ઘટાડો થયો છે.
સુરિન્દર સિંઘે તેમનું સશસ્ત્ર દળો માટેનું ભરતી તાલીમ કેન્દ્ર, 'ફિઝિકલ એકેડેમી' બંધ કરી દીધું છે, તેઓ લગભગ એક દાયકાથી સંગરુર જિલ્લાના લેહરાગાગા શહેરમાં આ કેન્દ્ર ચલાવતા હતા. તેમણે પારીને જણાવ્યું કે આ એકેડેમી દર વર્ષે પટિયાલા, સંગરુર, બરનાલા, ફતેહગઢ સાહિબ અને માનસા જિલ્લાના લગભગ એક હજાર યુવાનોને અલગ-અલગ બેચમાં શારીરિક તાલીમ આપતી હતી. પરંતુ અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી તે વર્ષે ઈચ્છુક ઉમેદવારો તરફથી કરવામાં આવતી પૂછપરછની સંખ્યા ઘટીને માત્ર 50 થઈ ગઈ હતી. તેઓ અફસોસ સાથે કહે છે, "અમે ખર્ચને પણ પહોંચી વળતા નહોતા, તેથી અમે કેન્દ્ર બંધ કરી દીધું."
તેઓ કહે છે કે 2011 માં તેમના કેન્દ્રની શરૂઆત થઈ અને 2022 ના અંતમાં તે બંધ કરવામાં આવ્યું તે દરમિયાન "અમારે ત્યાંથી તાલીમ લીધેલા લગભગ 1400 થી 1500 યુવાનો ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાયા છે."
સુરિન્દર સિંહ કહે છે કે પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં બીજા શારીરિક તાલીમ કેન્દ્રોની હાલત પણ આવી જ છે. તેઓ કહે છે, "તેમાંના લગભગ 80 ટકા બંધ થઈ ગયા છે." અને જે 20 ટકા હજી પણ ચાલી રહ્યા છે એ કેન્દ્રોએ તેમનું ધ્યાન પોલીસ અને અર્ધલશ્કરી દળોની ભરતી પર કેન્દ્રિત કર્યું છે.
તેઓ કહે છે, “અગાઉ જો એક ગામમાંથી 50 થી 100 યુવાનો સશસ્ત્ર દળોમાં જોડાવામાં રસ ધરાવતા હતા તો હવે તે સંખ્યા બેથી પાંચની વચ્ચે થઈ ગઈ છે. આટલી ભારે અસર છે અગ્નિવીર યોજનાની."
એક સમયે પટિયાલા જિલ્લાના નાભા નગરમાં ન્યુ સૈનિક પબ્લિક એકેડમી ચલાવતા કરમજીત સિંહ અમને જણાવે છે કે 2023 માં 60 વિદ્યાર્થીઓએ સશસ્ત્ર દળો માટેની લેખિત પરીક્ષા પાસ કરી હતી. જો કે તેમાંથી માત્ર થોડા જ શારીરિક તાલીમ માટે આવ્યા હતા કારણ કે નવી યોજનાની અસરો તેમને સ્પષ્ટપણે સમજાઈ ગઈ હતી. આખરે એકેડેમી બંધ થઈ ગઈ હતી.


સશસ્ત્ર દળોમાં ભરતી થવા માગતા ઉમેદવારોની સંખ્યામાં અચાનક ઘટાડો થવાને કારણે સંગરુરના આ કેન્દ્ર જેવા રાજ્યભરમાં આવેલા સૈન્ય ભરતી તાલીમ કેન્દ્રો છેલ્લા બે વર્ષમાં બંધ થઈ ગયા છે
સંગરુર જિલ્લાના અલીપુર ખાલસા ગામના જગસીર ગર્ગ એવા વિદ્યાર્થીઓમાંના એક હતા જેમણે લેખિત પરીક્ષા પાસ કરી હતી પરંતુ શારીરિક પરીક્ષા માટે ગયા નહોતા. કારણ? તેઓ કહે છે, “મારા માતા-પિતાએ કહ્યું કે માત્ર ચાર વર્ષની નોકરી માટે મારો જીવ જોખમમાં નાખવાની જરૂર નથી. ભગવાન ન કરે ને કોઈ દુર્ઘટના બને તો એવા કિસ્સામાં પરિવારને કંઈ મળતું નથી. એકેડેમીમાં મારી બેચમાં એવા ઘણા હતા જેઓએ લેખિત પરીક્ષા પાસ કરી હોવા છતાં શારીરિક કસોટી માટે ગયા નહોતા." જગસીર હવે વપરાયેલી મોટરબાઈક ખરીદવા અને વેચવાના વ્યવસાયમાં છે.
સંતાનોને સશસ્ત્ર દળોમાં મોકલવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને કારણે પંજાબના તમામ મોટા શહેરો અને નાના નગરોમાં ભરતી એકેડમી જોવા મળે છે. સુરિન્દર સિંઘે જણાવ્યા પ્રમાણે આજે હવે આમાંની મોટા ભાગની એકેડમી કાં તો બંધ થઈ ગઈ છે અથવા તો પોલીસ ભરતી તાલીમ એકેડમીમાં ફેરવાઈ ગઈ છે. અગાઉ માર્ચ 2020 અને માર્ચ 2022 ની વચ્ચે ભરતી પર પ્રતિબંધને કારણે આ કેન્દ્રોને અસર પહોંચી હતી. મુખ્યત્વે કોવિડને કારણે - પણ તે પછી તરત જ પ્રશ્નપત્ર લીક થવાને કારણે.
ત્યારબાદ સરકારે અગ્નિપથ યોજના રજૂ કરી. 14 મી જૂન, 2022 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તેને 'આકર્ષક' ભરતી યોજના તરીકે જાહેર કરવામાં આવી. આ યોજના હેઠળ યુવાનોને નિયમિત કેડરને બદલે માત્ર ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવે છે, નિયમિત કેડરમાં લઘુત્તમ સેવાકાળ 15 વર્ષનો હોય છે.
સરકારે આ યોજનાને એવી યોજના વિષે એવી વાત ફેલાવી હતી કે આ એક એવી યોજના છે જે "સેનાની ત્રણેય પાંખોની માનવ સંસાધન નીતિમાં એક નવા યુગની શરૂઆત કરશે." પારીના પત્રકારોએ અગાઉના અહેવાલોમાં નિર્દેશ કર્યો છે તે મુજબ: 2020 સુધી સશસ્ત્ર દળોમાં સરેરાશ વાર્ષિક ભરતી લગભગ 61000 હતી. અગ્નિપથ યોજના હેઠળ આ સંખ્યા ઘટીને લગભગ 46000 યુવાનો જેટલી થઈ જશે.
આ ઘટાડો એ ઘણા ગ્રામીણ યુવાનો માટે ખૂબ મહત્વ ધરાવતા સૈન્યમાં જીવનભરની કારકિર્દીના સપનાનું મોત દર્શાવે છે. હવેથી તેમની પાસે માત્ર ચાર વર્ષનો કાર્યકાળ હશે જેના પછી તેમાંના માત્ર એક ચતુર્થાંશ યુવાનોને જ સેનાની નિયમિત કેડરમાં સમાવી લેવામાં આવશે.
પંજાબી યુનિવર્સિટી, પટિયાલાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ભૂતપૂર્વ વડા ડો. ઉમરાવ સિંઘ કહે છે કે પંજાબીઓના સશસ્ત્ર દળોમાં જોડાવાના ઉત્સાહ પાછળ ગ્રામીણ સમાજમાં સશસ્ત્ર દળો પ્રત્યેના આદર ઉપરાંત રોજગારની અનુકૂળ પરિસ્થિતિઓ મુખ્ય પ્રેરણારૂપ પરિબળ હતી.


સંતાનોને સશસ્ત્ર દળોમાં મોકલવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને કારણે પંજાબના તમામ મોટા શહેરો અને નાના નગરોમાં ભરતી એકેડમી હંમેશા જોવા મળતી આવી છે
ડો. સિંહ કહે છે, “અગ્નિવીર યોજના અમલી બનવાને પગલે એક સમયે આ નોકરીને કારણે જે આદર મળતો હતો તેને અસર પહોંચી છે. હવે તેઓ ઠેકે વાલે ફૌજી - અથવા કરાર પરના સૈનિકો - તરીકે ઓળખાય છે. આ રીતે આદરનું પરિબળને ઓછું કરાતા ઉમેદવારોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અગ્નિવીર અમલી થયા પછી વિદેશ જનારા યુવાનોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો હતો. પરંતુ હવે કેનેડા સાથેના વણસેલા સંબંધોને કારણે તે વિકલ્પ પર પણ પડદો પડી ગયો છે. પહેલેથી જ કૃષિ સંકટમાં ઘેરાયેલો પંજાબનો ગ્રામીણ સમાજ ધીમે ધીમે આપત્તિ તરફ ધકેલાઈ રહ્યો હોય તેવું લાગે છે."
મોટાભાગના ભરતી થનારા કાં તો ખેતમજૂર પરિવારોમાંથી આવતા હતા અથવા તો ભૂમિહીન દલિત હતા. માનસા જિલ્લાના રંગરિયાલ ગામમાં સૈન્યમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે તૈયાર કરતા યાદવિન્દર સિંઘ જણાવે છે: “પહેલાં પાંચ-સાત એકર જમીન ધરાવતા પરિવારના છોકરાઓમાં પણ ઘણો ઉત્સાહ હતો, પરંતુ હવે ખેતી કરતા પરિવારોમાંથી અમને ભાગ્યે જ કોઈ ઈચ્છુક ઉમેદવાર મળે છે. હવે મુખ્યત્વે દલિત પરિવારોના યુવાનો, જેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, તેઓ જ રસ દાખવે છે.”
અજય કુમાર આવા જ ભૂમિહીન દલિત પરિવારના હતા. તેમના પિતા ચરણજીત સિંહ કહે છે, "પોતાના સપનાને સાકાર કરવા માટે તેણે ઘણા વર્ષો સુધી દાડિયા શ્રમિક તરીકે કામ કર્યું હતું અને તેની માતા જમીનદારોના ઢોરના શેડની સફાઈથી માંડીને મનરેગાના કામો સુધીના નાનામોટા કામો કરતી. અને બદલામાં અમને શું મળ્યું? પૈસા? પૈસા તો ક્યાંય છૂ થઈ જશે. [તેઓ વીમાના નાણાંનો ઉલ્લેખ કરી રહ્યા છે, નહીં કે વળતરનો, કારણ કે અજય કોઈ વળતર માટે હકદાર નહોતા].
ચરણજિત હવે જે એક માત્ર નિશાની બાકી બચી છે તે બતાવે છે: કાળજીપૂર્વક રાખી મૂકેલી એક કાળી સૈન્યની પેટી, જેની પર સફેદ રંગમાં ત્રાંસા અક્ષરોમાં લખ્યું છે, 'અગ્નિવીર અજય કુમાર.' આ ત્રણ શબ્દો, માત્ર અજયના જ નહીં, પરંતુ સમગ્ર પંજાબની યુવા પેઢીના તૂટેલા સપનાની કથા કહેતા હોય તેવું લાગે છે.


ડાબે: અગ્નિ વીર અજય કુમારના ઘરમાં તેમનો ફોટો. જમણે: જેમને માટે અજય લડ્યા હતા તે 25 મા ઇન્ફન્ટ્રી ડિવિઝન (પાયદળ વિભાગ) ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ ઋષિ દ્વારા પરિવારને મોકલવામાં આવેલ શોક સંદેશ


ડાબે: અગ્નિવીર અજય કુમારની ટ્રંક જે તેમના રૂમમાં મૂકવામાં આવી છે. જમણે: અગ્નિવીર અજય કુમારના માતા-પિતા ચરણજીત સિંહ અને મનજીત કૌર પૃષ્ઠભૂમિમાં એક ફ્લેક્સ બોર્ડ સાથે, જેમાં માતૃભૂમિ અને બલિદાન પર એક પંક્તિ લખેલી છે (નીચે લખાણ જુઓ )
અજયના ઘરમાં એક નવો બંધાવેલો ઓરડો બહુ ઝડપથી ભૂતકાળમાં ભળી ગયો હોય તેવું લાગે છે, એ ઓરડો પરિવારના એકમાત્ર દીકરાની, છ બહેનોના એકના એક ભાઈની યાદોથી ભરેલો છે -અજયનો ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ, તેની કાળજીપૂર્વક મૂકેલી પાઘડી, તેના પોલિશ કરેલા શૂઝ અને તેના ફ્રેમમાં મઢેલા ફોટા. અજયની આ છમાંની બે બહેનો અપરિણીત છે.
વાર્તાલાપની વચ્ચેના લાંબા મૌનને તોડતા અમે અજયના પિતાને એક સ્પષ્ટ પ્રશ્ન પૂછીએ છીએ: શું તેઓ હજુ પણ ગામના બીજા છોકરાઓને લશ્કરમાં જોડાવાનું સૂચવશે? તેઓ પૂછે છે, “હું શા માટે આવું કરું? મારા દીકરાનું બલિદાન તો સાવ એળે ગયું છે. બીજાના દીકરાઓના નસીબમાં શા માટે એવું થાય?"
તેમની પાછળની દીવાલ પર અજયના ફોટા સાથેના ફ્લેક્સ બોર્ડ પર લખ્યું છે:
લિખ દ્યો લહુ નાલ અમર કહાની, વતન દી ખાતિર
કર દ્યો કુરબાન એહ જવાની, વતન દી ખાતિર
[માતૃભૂમિના પ્રેમને ખાતર તમારા લોહીથી અમર કહાની લખી દો,
માતૃભૂમિના પ્રેમને ખાતર તમારી યુવાની બલિદાન કરી દો...]
યાદોના દરિયામાં ખોવાયેલ ચરણજીત સિંહની આંખો જાણે એક સવાલ પૂછી રહી છે: બદલામાં માતૃભૂમિ તેમને શું આપશે?
પોસ્ટસ્ક્રિપ્ટ:
24 મી જાન્યુઆરી, 2025 ના રોજ ત્રિરંગામાં લપેટાયેલો એક બીજો મૃતદેહ પંજાબના માનસા જિલ્લાના અકલિયા ગામના એક નાના ખેડૂતને ઘેર પહોંચ્યો હતો. આ મૃતદેહ હતો 24 વર્ષના લવપ્રીત સિંહનો, છેલ્લા 15 મહિનામાં તેઓ પંજાબના ત્રીજા અગ્નિવીર હતા જેમણે દેશની સરહદોનું રક્ષણ કરતી વખતે પોતાના જાનનું બલિદાન આપ્યું હતું.
આ તમામ અગ્નિવીર કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા. તેમાંથી સૌથી પહેલા અગ્નિવીર હતા અમૃતપાલ સિંહ જેમણે ઓક્ટોબર 2023 માં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે પછી જાન્યુઆરી 2024 માં અજય કુમારે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમના પર ઉપરોક્ત વાર્તા કેન્દ્રિત છે. અજય કુમારના પરિવારની જેમ લવપ્રીતના પિતા બિઅંત સિંહ પાસે પણ ફક્ત યાદો જ બચી છે.
“ લવપ્રીતને ઘેર એક નવી ઘડિયાળ પહોંચાડવામાં આવી છે; લવપ્રીત ઘેર પરત ફર્યા પછી એ ઘડિયાળ પહેરવા આતુર હતા. પણ હવે એ ક્યારેય શક્ય નહીં બને," પત્રકારો સાથે વાતચીત કરતી વખતે બિઅંત ભાંગી પડ્યા હતા. બીજા એક પરિવાર માટે સમય થંભી ગયો હોય તેવું લાગે છે. જોકે પંજાબમાં અગ્નિવીરોના સન્માન અને ન્યાય માટેનો પોકાર દરેક યુવાનના મૃત્યુ સાથે રોજેરોજ વધુ ને વધુ બુલંદ થતો જાય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક