સરત મોરાન કહે છે કે હાથી તેના ફાંદી (પ્રશિક્ષક) ને ક્યારેય ભૂલતો નથી. તેમણે 90 થી વધુ હાથીઓને તાલીમ આપી છે. તેઓ ઉમેરે છે કે આ વિશાળકાય પ્રાણી તેના જીવનકાળ દરમિયાન જંગલી હાથીઓના ટોળાની વચ્ચે ગાઢ જંગલમાં હોય તો પણ તેના ફાંદી તરફ દોડી આવે છે
પિલખાના - તાલીમ માટેની એક કામચલાઉ શિબિર - માં નવજાત મદનિયાને ધીમે ધીમે માનવીય સ્પર્શથી પરિચિત કરવામાં આવે છે, અને જ્યાં સુધી તે નિત્યક્રમ ન બની જાય ત્યાં સુધી રોજેરોજ એ પ્રક્રિયા પુનરાવર્તિત કરવામાં આવે છે. સરત કહે છે, “તાલીમ દરમિયાન થોડી પીડા પણ ઘણી વધારે લાગે છે.
જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ મદનિયાની આસપાસ લોકોની સંખ્યા વધતી જાય છે, અંતે આ પ્રાણી માણસોની હાજરીથી ટેવાઈ જાય છે.
સરત અને બીજા પ્રશિક્ષકો તાલીમ દરમિયાન આ વિશાળકાય પ્રાણી માટે એને આરામ મળે એવા ગીતો ગાય છે, આ ગીતો આ પ્રાણી અને તેના પ્રશિક્ષક વચ્ચેની મિત્રતાની વાર્તા વર્ણવે છે.
"તું ટેકરીઓમાં હતો ભમતો,
મોટા કાકો વાંસ હતો ખાતો.
તું તળેટીમાં આવ્યા
પ્રશિક્ષક મોહીત કરી લઇ આવ્યો
હું તમોને શીખવું
હું તમોને મનાવું,
આ છે સમય તાલીમનો
આ ફાંદી તારી પીઠ પર ચઢશે
ને જાશે શિકાર કરવા જાશે."
થોડા સમય પછી આ ગજની હિલચાલને પ્રતિબંધિત કરતા દોરડાઓ ધીમે ધીમે ઓછા થાય છે અને પછી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. પ્રશિક્ષક કહે છે કે હાથીને તાલીમ આપવા માટે ઘણા બધા દોરડાની જરૂર પડે છે અને દરેક દોરડાનો એક અલગ ઉપયોગ અને અલગ નામ હોય છે. મધુર ગીતો સાથે પણ હાથીની મિત્રતા બાંધવામાં આવે છે જે તેમની પોતાની અલગ મોહિની સર્જે છે. આ વિશ્વાસનો ઉપયોગ પહેલાના સમયમાં જંગલી હાથીઓને પકડવા અને શિકારમાં પણ કરવામાં આવતો હતો.
નિષ્ણાત પ્રશિક્ષક સરત મોરાન કહે છે કે તેઓ ફાંદી બન્યા કારણ કે, “મારું ગામ જંગલમાં છે અને તેમાં ઘણા બધા હાથીઓ છે. અમે બાળપણથી તેમની સાથે રમ્યા છીએ. એ રીતે હું તેમને તાલીમ આપવાનું શીખ્યો છું.”
હાથીઓને તાલીમ આપવાનું કામ એકથી વધારે લોકોનો સહકાર માગી લે છે. “ફાંદી એ સમૂહનો નેતા છે. પછી આવે લુહોતિયા, મહાવત અને ઘાસી તરીકે ઓળખાતા સહાયકો. આવા વિશાળ કુંજરને નિયંત્રિત કરવા માટે ઓછામાં ઓછા પાંચ લોકોની જરૂર પડે છે. સરત ઉમેરે છે, "અમારે ખોરાક પણ ભેગો કરવો પડે છે." ગામના લોકો તેમને મદદ કરે છે.
તેઓ આસામના અપર દિહિંગ આરક્ષિત જંગલથી ઘેરાયેલા તિનસુકિયા જિલ્લાના નાનકડા ગામ તોરાનીમાં રહે છે. (હાથીઓને) તાલીમ આપવામાં મોરાન સમુદાયનું કૌશલ્ય સદીઓથી વખતાણું આવ્યું છે. એક સમયે તેઓ યુદ્ધ માટે હાથીઓને પકડવા અને તાલીમ આપવા માટે જાણીતા હતા. મોરાન એક સ્થાનિક સમુદાય છે, તેઓ આસામના ઉપલા ભાગના કેટલાક જિલ્લાઓમાં અને આસામને અડીને આવેલા અરુણાચલ પ્રદેશમાં પણ રહે છે.
આજે જંગલી હાથીઓને પાળવાનું ગેરકાયદેસર છે, પરંતુ નવજાત મદનિયાઓને હજી આજે પણ માનવ સ્પર્શથી પરિચિત કરાવવાની જરૂર છે અને સરત જેવા ફાંદીઓ અને તેમની ટીમને આ કામ માટે એક લાખ રુપિયા સુધીની ચૂકવણી કરવામાં આવે છે, આ કામમાં એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે.


ડાબે: બિરબલ હાથી જેને પિલખાના - એક કામચલાઉ શિબિર - માં તાલીમ આપવામાં આવી રહી છે. જમણે: શાળા છૂટતાં જ ગામના બાળકો બિરબલને મળવા આવે છે. ડાબેથી જમણે ઊભેલામાં ઉજ્જલ મોરાન, ડોન્ડો દોહુતિયા, સુબાખી દોહુતિયા, હિરુમોની મોરાન, ફિરુમોની મોરાન, લોખિમોની મોરાન અને રોશિ મોરાન છે

(હાથીઓને) તાલીમ આપવામાં મોરાન સમુદાયનું કૌશલ્ય સદીઓથી વખતાણું આવ્યું છે. અનેક લોકો બિરબલની સંભાળ રાખે છે: (ડાબેથી જમણે) દિકોમ મોરાન, સુસેન મોરાન, સરત મોરાન અને જીતેન મોરાન
ગામની બહાર ઊભી કરવામાં આવેલ શિબિર આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકો હાથીને જીવતા ભગવાન માને છે અને તેની પાસેથી આશીર્વાદ લેવા ત્યાં આવે છે. તેમના પ્રશિક્ષક ફાંદીને પૂજારી માનવામાં આવે છે, અને તેમને ક્યાંય પણ જવા માટે મુસાફરી કરવાની મંજૂરી નથી, પોતાને ઘેર જવા માટે પણ નહીં, બીજા લોકોએ રાંધેલો ખોરાક ખાવાની પણ તેમને મંજૂરી નથી. આ પ્રથા સુવા તરીકે ઓળખાય છે. સરત કહે છે કે તેઓ હાથીને જોવા આવતા બાળકો મારફત તેમના પરિવારને રોકડ મોકલે છે.
આ દસ્તાવેજી ફિલ્મ લણણીના તહેવાર, માઘ બિહુના સમયની છે, આ તહેવારની ઉજવણીમાં બતકને પેઠા સાથે રાંધીને શેકવાનો સમાવેશ થાય છે. સરત કહે છે, “અમે એક કાંકરે બે પક્ષીઓને મારી રહ્યા છીએ. એટલે કે, અમે હાથીને તાલીમ આપી રહ્યા છીએ અને માઘ બિહુની ઉજવણી કરી રહ્યા છીએ. અમે બતક શેકી રહ્યા છીએ. અમે સાથે મળીને એ ખાઈશું."
ચારે બાજુ ઉજવણીનો માહોલ હોવા છતાં ઊંડે ઊંડે તેમને ડર છે કે આ પરંપરા ટૂંક સમયમાં જ નાશ પામશે કારણ કે (હાથીઓને તાલીમ આપવાનું) શીખવામાં લાગતા લાંબા સમયથી સાવચેત થઈ ગયેલા યુવાનો હવે આ વ્યવસાય કરવાનું પસંદ કરતા નથી. તેઓ ગામના યુવાનોને આવીને (આ કામ) શીખવા અને આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે, “ધીમે ધીમે મારી શક્તિ ઓછી થતી જાય છે. હું ગામના છોકરાઓને કહું છું કે તેઓએ આ શીખવું જોઈએ. હું ઈર્ષાળુ નથી, હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ આ શીખે અને અમારું જ્ઞાન આગળ વધે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક