પાર્વતીને છેલ્લી વખત મનરેગા હેઠળ એક વર્ષ પહેલાં, મે 2023 માં કામ મળ્યું હતું. એ માત્ર પાંચ દિવસ માટે હતું.
પાર્વતીએ (તેઓ ફક્ત આ જ નામનો ઉપયોગ કરે છે) એ સમય તેમના ગામ ગૌર મધુકર શાહપુરમાં એક રસ્તો સમતળ કરવામાં સમય પસાર કર્યો હતો. સરકાર દ્વારા મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ) હેઠળ વર્ષમાં 100 દિવસ કામની ખાતરી આપવામાં આવી હતી, જે જાટવ (અનુસૂચિત જાતિ) સમુદાયના આ 45 વર્ષના દાડિયા મજૂરીનું કામ કરતા શ્રમિકને ક્યારેય નસીબ થયા નહોતા. તેઓ કહે છે, "અમે અમારું અડધું પેટ ભરીને જેમતેમ કરીને નભાવીએ છીએ."
2020 માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ઘર માટે આ દંપતીની અરજી નકારી કાઢવામાં આવી ત્યારે સરકારે ફરીથી તેમને નિરાશ કર્યા હતા. હવે વધુ રાહ જોઈ ન શકતા પાર્વતી અને તેમના પતિ છોટે લાલે બે રૂમનું પાકું મકાન બાંધવા સંબંધીઓ પાસેથી 90000 રુપિયાની લોન લીધી હતી.
ખિન્ન થયેલા પાર્વતી ઉમેરે છે, "કોઈ મત માંગવા આવે તો મારે જાણવું છે કે મતદાર યાદીમાં મારું નામ છે તેઓ પછી ઘર માટેના લાભાર્થીઓની યાદીમાંથી મારું નામ ગાયબ શી રીતે થઈ ગયું?" પાર્વતીના પતિ, જેઓ પણ મનરેગા હેઠળ કામ કરતા હતા, તેમને પાંચ વર્ષ પહેલાં લકવોનો હુમલો આવ્યો એ પછી તેઓ કામ કરી શકતા નથી. આજે તેઓ ક્યારેક ક્યારેક વારાણસી શહેરમાં એક લેબર મંડીમાં જાય છે જ્યાં 400-500 રુપિયા દાડિયું મળે છે.
મનરેગા ગ્રામીણ અકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારીની બાંયધરી આપે છે. પરંતુ અહીં સમગ્ર વારાણસી જિલ્લાના ગામડાઓમાં એક સામાન્ય ફરિયાદ છે કે “છેલ્લી બે પ્રધાની” થી - અહીં સરપંચની છેલ્લી બે ટર્મ અથવા આશરે 10 વર્ષનો સંદર્ભ છે - વર્ષેદહાડે માત્ર 20-25 દિવસનું કામ મળે છે.
પાર્વતી હવે એવા દેવામાં ડૂબી ગયા છે જે ખરું પૂછો તો તેમણે ક્યારેય કરવા જેવું જ નહોતું. સરકારની કોઈ મદદ વિના, તેઓ ઠાકુર સમુદાયના ખેતરોમાં દાડિયા મજૂરીનાકામ પર આધાર રાખે છે, જેઓ લણણી અને વાવણીની મોસમ દરમિયાન લગભગ 15 દિવસના કામ માટે તેમને 10 કિલોગ્રામ અનાજ આપે છે.


પાર્વતી (ડાબે) ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના ગૌર મધુકર શાહપુરના રહેવાસી છે. તેઓ કહે છે કે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ) હેઠળ અપાયેલ ખાતરીપૂર્વકના કામના 100 દિવસ તેમને ક્યારેય નસીબ થયા નથી. પાર્વતી તેમના પતિ છોટે લાલ (જમણે) સાથે તેમના ઘરની સામે
રાજા તાલાબ તહેસીલના ગૌર મધુકર શાહપુર ગામમાં લગભગ 1200 પરિવારો છે જેઓ મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના સમુદાયોમાંથી છે. અહીં જમીનના નાના-નાના ટુકડાઓ પર સ્વ-ઉપયોગ માટે ખેતી થાય છે, અને મજૂરી કામ એ મુખ્ય આજીવિકા છે.
આ ગામ વારાણસી શહેરથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે અને વારાણસી લોકસભા મતવિસ્તારમાં આવે છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં તેમની ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2014 અને 2019 માં અહીંથી જીત મેળવી હતી.
1 લી જૂનના રોજ ચૂંટણી છે, અને વારાણસી, જે મતવિસ્તારોના પરિણામોની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા મતવિસ્તારો પૈકી એક છે. ઈ-રિક્ષાઓ અને સ્ટ્રીટ લેમ્પના પાછળના ભાગમાં ચોંટાડવામાં આવેલા 'હર દિલ મેં મોદી (દરેકના દિલમાં મોદી)' લખેલા કેસરિયા પોસ્ટરો શહેરના ખૂણેખૂણાને શોભાવે છે. આ હાઇ-પ્રોફાઇલ ઉમેદવારના ભાષણો અને નવ-નિર્મિત રામ મંદિરમાં તેમની ભૂમિકાની વાતો અતિશય મોટા અવાજે પ્રસારિત કરતા સ્પીકરો સાથેની રિક્ષાઓના દ્રશ્યો અહીં દરેક જગ્યાએ સામાન્ય છે.
પરંતુ અહીં ગૌર મધુકર શાહપુરમાં પ્રચારના કોઈ પોસ્ટરો નથી. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની મોદીની તસવીર આ બસ્તી (વસાહત) માં આવેલા હનુમાન મંદિરની બહાર જ લગાવવામાં આવી છે.
પરંતુ અહીંના રહેવાસી પાર્વતી બીએસપી (બહુજન સમાજ પાર્ટી) નો વાદળી ધ્વજ ફરકાવવાનું પસંદ કરે છે, એનું કારણ આપતા તેઓ કહે છે કે તેમને પોતાનું અને પોતાના પાંચ જણના પરિવારનું ભરણપોષણ કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. સરકાર મદદ માટે કેમ આગળ નથી આવી એ વાતની તેમને નવાઈ લાગે છે, તેઓ કહે છે, "સરકાર આધાર કાર્ડ જારી કરે છે અને સરકાર પાસે બધાયની વિગતો છે, તો પછી એ લોકોને ખબર કેમ નથી પડતી કે કોણ ગરીબ છે?"


ગૌર ગામની હરિજન વસાહતમાં હનુમાન મંદિરની બહાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક પોસ્ટર (ડાબે) ચોંટાડવામાં આવ્યું છે. મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિ સમુદાયોના લગભગ 1200 પરિવારો અહીં રહે છે. પાર્વતીના ઘરની ઉપર બહુજન સમાજ પાર્ટી (જમણે) નો ધ્વજ


ડાબે: રેણુ દેવી મનરેગા મજદૂર યુનિયનના સંયોજક છે અને કહે છે કે મનરેગાનું કામ ઘટી રહ્યું છે. જે મતવિસ્તારમાંથી વડાપ્રધાન ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે તે મતવિસ્તારના શહેર અને જિલ્લાભરમાં મોદીના પોસ્ટર લાગેલા છે
મનરેગા મજદૂર યુનિયનના રેણુ દેવીએ ગ્રામીણ બાંયધરી યોજના હેઠળ કામમાં ઘટાડાની પુષ્ટિ કરી હતી, તેમણે પારીને જણાવ્યું હતું કે, “2019 થી મનરેગાની સ્થિતિ કથળી રહી છે. અગાઉ જ્યારે જ્યારે અમે ગ્રામજનો વતી અરજીઓ લખીએ ત્યારે ત્યારે એક-એક અઠવાડિયું ચાલે એટલું કામ ફાળવવામાં આવતું. હવે વર્ષમાં સાત દિવસનું કામ મળવું પણ મુશ્કેલ છે.
ફક્ત 2021 માં જ મનરેગા મઝદૂર યુનિયનના સ્થાનિક સ્વયંસેવકોએ વારાણસીમાં બ્લોક સ્તરના અધિકારીઓને જુદા-જુદા ગામોમાં કામ ફાળવવાની વિનંતી કરતા 24 પત્રો લખ્યા હતા.
આ એ જ વર્ષ હતું જ્યારે જીરા દેવીને છેલ્લે મનરેગાનું કામ મળ્યું હતું - જૂન 2021.
જીરા ગૌર મધુકર શાહપુર ગામની એ જ બસ્તીના છે. 45 વવર્ષના દાડિયા મજૂરી રળતા આ શ્રમિક તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળેલ ઝોળો (કાપડની થેલી) બહાર કાઢે છે, તેના પર વડાપ્રધાન મોદીનો ફોટો છાપેલો છે. વ્યંગાત્મક રીતે, એ થેલામાં તેમને જે યોજનાઓનો લાભ નથી મળ્યો એવી યોજનાઓને લગતા તેમના મહત્વપૂર્ણ કાગળો છે. તેઓ હસતાં હસતાં કહે છે, "જ્યાં સુધી મોદીનો સવાલ છે ત્યાં સુધી પહેલા તો તેઓ જે હેલિકોપ્ટરમાં સવારી કરી રહ્યા છે એ અમારે શોધવું પડશે."
જીરા કહે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ ઘરના બદલામાં સ્થાનિક પ્રધાને (મુખી) તેમને 10000 રુપિયાની લાંચ આપવાનું કહ્યું હતું. તેમણે વારાણસીના જીલ્લા મેજીસ્ટ્રેટને પત્ર પણ લખ્યો છે પરંતુ કંઈ વળ્યું નથી. ઘાસ છાયેલી છત નીચે પોતાના ઘરમાં બેઠેલા જીરા ઉમેરે છે, "મારા ઘરની દીવાલો તો જુઓ, કંતાનની બોરીઓ અને પોસ્ટરોથી બનેલી છે!"
મનરેગાના કામનો અભાવ આ દાડિયા શ્રમિક માટે પારાવાર મુશ્કેલી ઊભી કરે છે; આ પરિવાર પાસે એક એકરના દસમા ભાગ કરતાં પણ ઓછી જમીન છે. તેમનો દીકરો શિવમ અને તેમના પતિ રામ લાલ જીરાની દાડિયા મજૂરી પર નભે છે, પરંતુ હવે ઉંમરના ચાલીસના દાયકામાં પહોંચેલા જીરાને કામ કરવામાં તકલીફ પડે છે: “મને માથાનો સખત દુખાવો અને શરીરનો દુખાવો થાય છે અને તેથી હવે મારાથી ગારાના ઢગલા ઉપાડી શકાતા નથી [કેટલીકવાર મનરેગાના કામનો આ એક ભાગ હોય છે]."


મનરેગાના કામ વિના, જીરા દેવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડે છે. તેઓ કહે છે કે તેઓ ગરીબ છે એ હકીકત સ્પષ્ટ હોવા છતાં તેમને સરકારની યોજનાઓ હેઠળ ઘર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જો કે તેમની પાસે એ યોજનાઓની જાહેરાત કરતો ઝોળો છે (જમણે)


ગૌર મધુકર શાહપુર ગામમાં હરિજન વસાહતમાં જીરા દેવી તેમના દીકરા શિવમ સાથે (ડાબે) અને તેમનું કાચું ઘર અને રસોડું (જમણે)
આ પરિવાર ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ હેઠળ સૂચિબદ્ધ બિંદ/મલ્લાહ સમુદાયનો છે. તેમના પતિ હવે કામ કરતા નથી અને તેમનો દીકરો જે દૃષ્ટિહીન છે તેને વિકલાંગતા પેન્શન મળતું હતું, જે ગયા વર્ષે બંધ થઈ ગયું અને તેઓ તે ફરીથી ચાલુ કરાવી શક્યા નથી.
તે દિવસના ખેત મજૂર તરીકેના તેમના કામ માટે ચૂકવણી તરીકે મળેલી લસણની દાંડીઓની ઝૂડી પકડી રાખીને જીરા દેવી આ પત્રકારને અને અમારી આસપાસ ફરતા લોકોને જણાવે છે, "હું એવી મહિલાને મત આપીશ જે અમારા જેવા લોકોને મદદ કરે છે - માયાવતી!"
આ હાઈ-પ્રોફાઈલ મતવિસ્તારમાં આ એક અઘરો નિર્ણય છે.
પરંતુ જીરા અને પાર્વતી એકલા નથી. એ જ ગામમાં દાડિયા મજૂરીનું કામ કરતા અશોક કહે છે, "મેં હજી સુધી [કોને મત આપવો એ] નક્કી નથી કર્યું. પરંતુ અમે મોદીજીના કામથી ખુશ નથી."
તેમની પત્ની સુનીતાને તાજેતરમાં મનરેગા હેઠળ ત્રણ દિવસ અને ગયા વર્ષે (2023 માં) પાંચ દિવસ કામ મળ્યું હતું. આ દંપતી તેમના ત્રણ બાળકો - 14 વર્ષની સંજના, 12 વર્ષની રંજના અને 10 વર્ષના રાજન સાથે ગૌર મધુકર શાહપુરમાં રહે છે.
અશોક (તેઓ ફક્ત આ નામનો જ ઉપયોગ કરે છે) એક સમયે ખૂબ કિંમતી બનારસી સાડીઓ વણનાર હતા, પરંતુ (એમાંથી થતી) કમાણી તેમના વધતા જતા પરિવાર માટે પૂરતી નહોતી. તેમણે વણાટ કરવાનું છોડી દીધું ત્યારથી તેઓ વારાણસી શહેરમાં બાંધકામના સ્થળોએ અને લેબર મંડીમાં કામ કરે છે. એક મહિનામાં તેમને લગભગ 20-25 દિવસ કામ મળે છે, અને તેમને લગભગ 500 રુપિયા દાડિયું ચૂકવવામાં આવે છે. 45 વર્ષના અશોક હરિજન બસ્તીમાં આવેલા પોતાને ઘેરથી, માટીના ઘડાઓ અને લાલ ધજાઓ પાર કરી લેબર મંડી તરફ જતા જતા કહે છે, "ગમે તેમ કરીને અમે ગુજારો કરી રહ્યા છીએ."


અશોકે થોડા વર્ષો પહેલા મનરેગા હેઠળ કામ કરવાનું બંધ કરી દીધું હતું. એક સમયે બનારસી સાડીઓ વણનાર તેઓ હવે દાડિયા મજૂરી કરે છે. રખૌના ગામમાં મોદીના પોસ્ટર


રખૌના ગામના સંથારા દેવીને પણ મનરેગા હેઠળ કામ મળ્યું નથી. તેઓ હવે તેમના ઘરમાં રુદ્રાક્ષની માળા પરોવે છે અને દર થોડા મહિને લગભગ 2000-5000 કમાય છે
વારાણસી જિલ્લાના રખૌના ગામના ઘરોના દરવાજા પર ‘મૈં હૂં મોદી કા પરિવાર [અમે મોદીના પરિવારજનો છીએ]’ લખેલા ભૂરા સ્ટીકરો ચોંટાડેલા છે. સંથારા દેવીને ઘેર, મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ચહેરા સાથેનું " ડબલ ઈન્જિન કી સરકાર" તરીકે તેમની સિદ્ધિની જાહેરાત કરતું એક પોસ્ટર ખાટલા પર પડેલું છે.
રુદ્રાક્ષની માળા ગૂંથવામાં વ્યસ્ત સંથારા દેવી માટીની ફર્શ પર બેઠા છે; તેમના સાવ સાધારણ ઘરમાં તેમની આસપાસ પુષ્કળ માખીઓ બમણે છે, છ જણના પરિવારને માત્ર એક ઘાસ છાયેલું છાપરું જ ઉનાળાના કઠોર તડકાથી રક્ષણ આપે છે. તેઓ આ પત્રકારને કહે છે, “અમારી પાસે ન તો ખેતીની જમીન છે કે ન તો કોઈ વાડી. કામ ન કરીએ તો અમે ખાઈએ શું?
મનરેગા કાર્યકર તરીકે નોંધાયેલ સંથારા દેવીને ગયા (2023 ના) ઓગસ્ટમાં આઠ દિવસનું કામ મળ્યું હતું, પોખરી (તળાવ) ખોદવાનું. મનરેગા હેઠળ ખાસ કમાણી ન થતાં, એ ખોટ ભરપાઈ કરવા સંથારા જેવી મહિલાઓએ બીજા ઓછી કમાણીવાળા કામોનો આશરો લીધો છે - રૂદ્રાક્ષની માળા બનાવવાના કામમાંથી તેમને દર થોડા-થોડા મહિને 2000-5000 રુપિયા મળે છે. તેઓ ઉમેરે છે, “અમને એક ડઝનના 25 રુપિયાના દરે ચૂકવણી કરવામાં આવે છે. જથ્થાબંધ વેપારી અમને એકસાથે 20-25 કિલો રૂદ્રાક્ષના મણકા આપે છે."
સંથારાના પાડોશી 50 વર્ષના મુન્કા દેવી પણ છેલ્લા એક વર્ષથી મનરેગાના કામ બાબતે રોજગાર સહાયકનો (જે નોંધ રાખવામાં મદદ કરે છે તેનો) કોઈ જવાબ આવે તેની જોઈ રહ્યા છે. મુન્કાના પતિના નામે 1.5 વીઘા જમીન છે અને તેઓ વેચવા માટે શાકભાજી ઉગાડે છે, પરંતુ બીજાના ખેતરોમાં પણ કામ કરે છે. મૂળભૂત ખાદ્ય પદાર્થોના સંદર્ભમાં તેઓ કહે છે, "એનાથી મારો પરિવાર બીજું કંઈ નહીં તો નમક-તેલ [મીઠું અને તેલ] તો ખરીદી શકે છે."


મનરેગા જોબ કાર્ડ (ડાબે). શકુંતલા દેવીને જાણ થઈ કે તેમનું નામ મનરેગાની યાદીમાંથી ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું છે. તેઓ હવે પથ્થરની મૂર્તિઓને પોલિશ કરે છે, અને તેમના હાથ પર હંમેશા ઉઝરડા થતા રહે છે


મુન્કા દેવી (ડાબે) તેમના નવા બંધાયેલા ઘરની બહાર. શિલા (જમણે) કહે છે 'મોદીએ અમારું નરેગાનું કામ છીનવી લીધું'
ખેવાલી ગામમાં શકુંતલાએ આ વખતે મત ન આપવાનો નિર્ણય લીધો છે. તેઓ જાહેર કરે છે, "સરકારે મને કોઈ રોજગાર નથી આપ્યો, તેથી હું કોઈને મત નહીં આપું." શકુંતલા આ ગામના એ 12 મહિલાઓમાંના એક છે જેમના નામ સક્રિય જોબ કાર્ડ ધરાવતા લોકોની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે - નકલી મનરેગા શ્રમિકોના નામો દૂર કરતી વખતે થયેલી આ એક કારકુની ભૂલ હતી.
ખેવાલીના બીજા એક રહેવાસી શિલા કહે છે, “મોદીએ અમારું નરેગા કામ છીનવી લીધું. અમારે ઓછામાં ઓછા બે મહિનાનું નિયમિત કામ અને દાડિયા પેટે 800 રુપિયા જોઈએ છે." શકુંતલા ઉમેરે છે, "મફત રાશન યોજનાના ભાગ રૂપે ઘઉં અને ચોખા ઉપરાંત કઠોળ, મીઠું અને તેલ પણ આપવા જોઈએ."
નંદીની પથ્થરની મૂર્તિઓ તેમના ઘરની ખુલ્લી જગ્યાને શોભાવે છે. "આ મૂર્તિઓને પોલિશ કરતાં મારા હાથ પર ઉઝરડા પડી જાય છે પણ હું એક મૂર્તિ દીઠ 150-200 રુપિયા કમાઈ લઉં છું." શ્રમને કારણે તેમની આંગળીઓ સૂજી ગઈ છે પરંતુ તેમના જેવી મહિલાઓ કે જેમને મનરેગા હેઠળ નિયમિત કામ નથી મળતું તેમના માટે વિકલ્પો ઓછા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક