તારિક અહેમદે પ્રાથમિક શાળાના બાળકોને તેમનું મૂળભૂત શિક્ષણ આપતા શિક્ષક તરીકે 10 વર્ષ વિતાવ્યા છે. 37 વર્ષના તારિક 2009-2019 સુધી કેન્દ્રીય સમગ્ર શિક્ષા યોજના સાથે શૈક્ષણિક સ્વયંસેવક તરીકે સંકળાયેલા હતા. લદ્દાખમાં પોતાના ઘેટાં-બકરાંને ચરાવવા માટે સ્થળાંતર કરી રહેલા બકરવાલ પરિવારોના બાળકોને ભણાવવા માટે તેમને દ્રાસના ઊંચાઈવાળા વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ 2019 માં જ્યારે આ રાજ્યને જમ્મુ અને કાશ્મીર (જે&કે) અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું ત્યારે તેમની નોકરી છૂટી ગઈ. તેમનું ઘર રાજૌરી જિલ્લાના કાલાકોટમાં છે - જે&કે ના રહેવાસી તરીકે તેઓ જે&કે કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) ની બહારના બાળકોને ભણાવવા માટે પાત્ર નથી.
તારિક કહે છે, " જ્યારથી બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા ત્યારથી અમારા બાળકો માટેની શિક્ષણ પ્રણાલીમાં ગડબડ થઈ છે." વિચરતા સમુદાયોના બાળકોની ઉપેક્ષા કરવા માટે તેઓ વહીવટીતંત્રને દોષી ઠેરવે છે.
કાલાકોટના બથેરા ગામના સરપંચ શમીમ અહમદ બજરાન કહે છે, “કારગિલ જિલ્લાના ઝીરો પોઇન્ટથી દ્રાસ સુધીના આ પ્રદેશમાં અમારા માટે નથી કોઈ મોબાઈલ શાળાઓ કે નથી કોઈ મોસમી શિક્ષકો. અમારા બાળકો આખો દિવસ આસપાસ ભટકતા રહે છે અથવા ખાવાના માટે સ્થાનિકોને હેરાન કરતા રહે છે."
બકરવાલ સમુદાયનું કહેવું છે કે જે&કે માં સ્થળાંતર કરનારાઓ માટે હજારો કામચલાઉ શાળાઓ છે, પરંતુ જ્યારે તેઓ - મે અને ઓક્ટોબર વચ્ચે - છ મહિના માટે લદ્દાખમાં સ્થળાંતર કરે છે ત્યારે તેમના બાળકો ભણવાનું છૂટી જાય છે. અહીં તેમના બાળકો શૈક્ષણિક સૂચનાઓ સાથેનો સંપર્ક ગુમાવે છે અને તેઓ તેમના સહપાઠીઓ કરતા પાછળ રહી જાય છે. અનુસૂચિત જનજાતિ પર 2013નો અહેવાલ જણાવે છે કે બકરવાલ સમુદાયમાં સાક્ષરતાનું પ્રમાણ 32 ટકા છે, જે આ રાજ્યની તમામ જાતિઓમાં સૌથી ઓછું છે.


લદ્દાખના કારગિલ જિલ્લાના મીનામાર્ગમાં બકરવાલ વસાહત. પશુપાલકોના બાળકો દર વર્ષે પોતાના પશુઓ સાથે સ્થળાંતર કરતા તેમના માતાપિતા સાથે મુસાફરી કરે છે
પાંચ વર્ષના હુઝૈફ અને ત્રણ વર્ષના શોએબના પિતા અમજદ અલી બજરાન કહે છે, “અમારા બાળકો ભણવા માગતા હોય તો પણ અમે કંઈ કરી શકતા નથી. જ્યારે અમે સ્થળાંતર કરીએ છીએ ત્યારે તેમનો અભ્યાસ છૂટી જાય છે કારણ કે નજીકની શાળા લગભગ 100 કિલોમીટર દૂર હોય છે.” તેમનો પરિવાર મીનામાર્ગથી દ્રાસ સુધીના પટમાં આવેલા 16 બકરવાલ પરિવારોની વસાહતનો એક ભાગ છે.
30 વર્ષના આ પશુપાલક કહે છે, "અમે રાજૌરીથી સ્થળાંતર કરીએ છીએ ત્યારે અમારે અમારા બાળકોને સાથે લઈ જવા પડે છે કારણ કે અમારા માટે અમારા પરિવાર વિના 5-6 મહિના જીવવું શક્ય નથી."
સરકારનું કહેવું છે કે આ વિસ્તારના શિક્ષણ અધિકારીઓ તેમનો અહેવાલ રજૂ કરે એ પછી જ સરકાર આ શાળાઓ માટે વ્યવસ્થા કરી શકે છે. ડો. દીપ રાજ કનેઠિયા કહે છે, "પરંતુ વિચરતા સમુદાયનું જૂથ અમારી સીમાઓની બહાર ગયું હોવાથી [કાશ્મીરથી લદ્દાખના કારગિલમાં પહોંચી ગયું હોવાથી] લદ્દાખ સ્થિત કારગિલના મુખ્ય શિક્ષણ અધિકારીઓ (સીઈઓ) પાસે જે&કે ના નાગરિકોના મામલે કોઈ વહીવટી નિયંત્રણ નથી." શાળા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષાના પરિયોજના નિદેશક (પ્રોજેક્ટ ડિરેક્ટર) ડો. દીપ કહે છે કે તેમના હાથ બંધાયેલા છે. તેઓ ઉમેરે છે, " રાજ્યને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી કારગિલમાં શિક્ષણ બાબતે અમારી પાસે કોઈ વહીવટી નિયંત્રણ નથી."
શિક્ષણની વાર્ષિક પરિસ્થિતિનો અહેવાલ (ગ્રામીણ 2022) ( એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (રુરલ 2022) ) મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં 2018 માં સરકારી શાળાઓમાં 58.3 ટકા બાળકો નોંધાયા હતા, 2022 માં આ આંકડો ઘટીને 55.5 ટકા થઈ ગયો હતો.


ડાબે: તારિક અહમદ એક પશુપાલક છે જેઓ 10 વર્ષથી શિક્ષક હતા. અહીં મીનામાર્ગમાં તેઓ દરરોજ થોડા કલાકો 3-10 વર્ષની વયના બાળકોને ભણાવવામાં ગાળે છે. જમણે: ઇશરત, રિફત અને નવાઝ (ડાબેથી જમણે) તારિકની નજર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે

તારિક કહે છે કે બાળકો ભણેલું ભૂલી ન જાય તે માટે તેઓ વારંવાર બાળકોની પરીક્ષા લે છે
સરપંચ શમીમ કહે છે કે જે&કે સરકારે વિચરતા સમુદાયો જ્યાં સ્થળાંતર કરે છે ત્યાં, લદ્દાખના કારગિલ પ્રદેશમાં, તેમના બાળકોને ભણાવવા માટે છ મોસમી શિક્ષકોની નિમણૂક કરી છે, પરંતુ વાસ્તવમાં કોઈ શિક્ષકો ઉપલબ્ધ હોતા નથી. તેઓ જણાવે છે, "આ શિક્ષકો સ્થળાંતરની મોસમના અંતે આવે છે અને તેઓએ ક્યારેય કર્યું જ નથી તેવા કામનો પગાર લેવા માટે સંબંધિત સીઇઓ પાસે તેમના ડ્યુટી રોસ્ટર પર સહી કરાવી લે છે."
અમજદ કહે છે, “અમે લાચાર છીએ, આ જ કારણથી અમારા બાળકો પણ છેવટે પશુઓ ચરાવવાનું કે બીજું કોઈ મજૂરીનું કામ કરવું પડે છે. "કયા મા-બાપની એવી ઈચ્છા ન હોય કે પોતાના બાળકો ભણે-ગણે અને તેમનું ભવિષ્ય સુધરે?"
સદભાગ્યે અમજદ અને પશુપાલકોના બાળકો માટે, તેમની પાસે - તેમની વચ્ચે - એક પ્રશિક્ષિત શિક્ષક છે - તારિક. સમગ્ર શિક્ષાની નોકરી હવે છૂટી ગઈ હોવા છતાં તેમણે અહીં મીનામાર્ગ ખાતે બકરવાલોના બાળકોને ભણાવવાનું બંધ કર્યું નથી, આ બાળકો અહીં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ઉર્દૂ શીખી રહ્યા છે. આ યુવા બકરવાલ કહે છે, “આ બાળકોને ભણાવવા એ મારા સમુદાય પ્રત્યેની મારી ફરજ છે એમ હું માનું છું. તેનાથી હું આનંદ અને હળવાશ પણ અનુભવું છું."
તેઓ હવે પગારદાર શિક્ષક ન હોવાથી પશુપાલન પણ કરે છે - લગભગ સવારે 10 વાગ્યે નીકળે છે અને સાંજે 4 વાગ્યે પાછા આવે છે. તારિકના પરિવાર પાસે ઘેટાં-બકરાં મળીને કુલ 60 પશુઓ છે અને તેઓ અહીં તેમની પત્ની અને દીકરી રફીક બાનો સાથે રહે છે.
આ યુવા શિક્ષકની પોતાની શૈક્ષણિક યાત્રા પડકારો વિનાની રહી નથી. તેમના શાળાના દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, "હું શ્રીનગર ગયો હતો અને મારા સંબંધીઓ સાથે રહ્યો હતો જેથી કરીને હું કોઈ મોટા વિરામ વિના મારો અભ્યાસ ચાલુ રાખી શકું." ત્યારબાદ 2003 માં તારિકે ગવર્મેન્ટ બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલ, સૌરા શ્રીનગરમાંથી ધોરણ 12 નો અભ્યાસ પૂરો કર્યો હતો.


ગામના વડીલો કહે છે કે કામચલાઉ શાળામાં ઘણીવાર શિક્ષકો હોતા નથી. અમજદ કહે છે, 'એટલે જ અમારા બાળકોને પણ છેવટે પશુઓ ચરાવવાનું કે બીજું કોઈ મજૂરીનું કામ કરવું પડે છે'
તારિક પોતે પણ બકરવાલ સમુદાયમાંથી છે, તેમને લાગે છે કે હવે સમુદાય માટે કંઈક કરી છૂટવાનો સમય આવી ગયો છે. રફીક બાનો કહે છે, “અહીં અમને અબ્બા [પિતા] જ બધા વિષયો ભણાવે છે, પરંતુ અમારી શાળામાં દરેક વિષય માટે અલગ-અલગ શિક્ષકો હોય છે." 10 વર્ષની આ બાળકી રાજૌરી જિલ્લાના કાલાકોટ તાલુકામાં આવેલા પનિહાર ગામમાં જે&કે ગવર્મેન્ટ ગર્લ્સ મિડલ સ્કૂલમાં 6 ઠ્ઠા ધોરણમાં છે. આ કિશોરી ઉમેરે છે, “મારે ભણીને શિક્ષક બનવું છે જેથી હું મારા અબ્બાની જેમ આ બાળકોને ભણાવી શકું. અમારી પાસે અહીં કોઈ શિક્ષક નથી તેથી તેમને ભણાવવા માટે મારે શિક્ષક બનવું છે."
તેથી જે બાળકોએ અન્યથા રમતો રમવામાં અથવા પહાડોની આસપાસ ભટકવામાં તેમના દિવસો પસાર કર્યા હોત તેઓ હવેદિવસમાં થોડા કલાકો તારિક સાથે ગાળે છે. આ સંવાદદાતા જુલાઈમાં તેમને મળ્યા હતા તે દિવસે તેઓ તેમના પુસ્તકોમાં મશગૂલ હતા. 3-10 વર્ષની વયના 25 બાળકોના જૂથને તારિક ભણાવી રહ્યા હતા. તેઓ મીનામાર્ગમાં તેમના ઘરની નજીક આ ઊંચાઈવાળાસ્થળે ઝાડની હાર નજીક થોડો છાંયડો શોધીને ત્યાં ભણવા બેઠા હતા.
કોઈ જ ફી લીધા વિના બાળકોને ભણાવતા આ શિક્ષક કહે છે, “અહીં તો હું છું તેથી આ બાળકો ભણી શકે છે પણ વધુ ઊંચાઈએ બીજા બાળકો પણ છે, તેમનું શું? તેમને કોણ ભણાવશે?"
કારગિલ તાજેતરમાં (2019) કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયેલ લદ્દાખમાં આવેલું છે. અગાઉ તે જમ્મુ-કાશ્મીર રાજ્ય અંતર્ગત હતું.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક