“મારા વિદ્યાર્થીઓ માટે બિનશરતી પ્રેમ અને તેઓ જેવા છે તેવા એમનો પૂર્ણ પણે સ્વીકાર. એક શિક્ષક તરીકે હું આ જ શીખ્યો છું!”
મેધા તેંગશે નરમાશથી પણ મક્કમતાપૂર્વક પોતાની વાત રજૂ કરે છે. એક વિશેષ શિક્ષક એવાં મેધા સાધના વિલેજનાં સ્થાપક સભ્યોમાંનાં એક છે, જ્યાં વિવિધ ઉંમર અને વિવિધ સ્તરની બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવતા 30થી વધુ વિશેષ મિત્રોને કલા, સંગીત અને નૃત્યની સાથે સાથે મૂળભૂત જીવન કૌશલ્ય શીખવવામાં આવે છે.
સાધના વિલેજ પુણે જિલ્લાના મુલશી બ્લોકમાં આવેલું છે. બૌદ્ધિક અક્ષમતા ધરાવતા પુખ્ત વયના લોકો માટેની આ રહેણાંક સંસ્થામાં વિદ્યાર્થીઓને ‘ખાસ મિત્રો’ તરીકે ઓળખવામાં આવે છે. તાલીમબદ્ધ પત્રકાર મેધા તાઈ, 10 રહેવાસીઓ માટે ગૃહ માતા તરીકેની તેમની ભૂમિકાને વ્યાખ્યાયિત કરતાં કહે છે, “એક માતા, જે એક શિક્ષક પણ હોય.”
પૂણેમાં ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડના વિશેષ શિક્ષક સત્યભામા અલ્લાટ આ લાગણી સાથે સહમત થાય છે. તેઓ કેટલીક છોકરીઓને નાગ પંચમી પર રમાતી પરંપરાગત ફુગડીની રમત શીખવતાં પારીને કહે છે, “અમારા જેવી રહેણાંક શાળામાં એક શિક્ષક પણ માતાપિતાની ગરજ સારે છે અને અમે નથી ઇચ્છતા કે અમારાં બાળકો ઘરની યાદ સતાવે.” નાગ પંચમી શ્રાવણના પાંચમા દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. ધાઇરી એક પ્રાથમિક શાળા છે, જેમાં 40 નિવાસી વિદ્યાર્થીઓ અને 12 ડે સ્કોલર્સ રહે છે, જેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના ભાગો સહિત અન્ય સ્થળોએથી આવે છે.


ડાબેઃ સાધના વિલેજનાં સ્થાપક સભ્ય મેધા તેંગશે કહે છે કે તમામ શિક્ષકોએ સૌમ્ય શબ્દો દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે તે જોવા માટે વિશેષ મિત્રો માટેની ઓછામાં ઓછી એક શાળાની મુલાકાત લેવી જોઈએ. જમણેઃ કંચન યસનકર કહે છે, ‘અહીં રહેતા 30 વિશેષ મિત્રો લડે છે પણ તેઓ એકબીજાને પ્રેમ પણ કરે છે‘


સત્યભામા અલ્લાટ પુણેમાં ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડમાં વિશેષ શિક્ષક છે. તેઓ નાગ પંચમીની ઉજવણી કરતી છોકરીઓ અને છોકરાઓ સાથે ફુગડી અને અન્ય પરંપરાગત રમતો રમે છે. તેઔ કહે છે, ‘અમારા જેવી રહેણાંક શાળામાં શિક્ષક માતા-પિતાની ગરજ પણ સારે છે’
સત્યભામાએ પારીને કહ્યું કે માતા-પિતા તેમનાં બાળકોને આ શાળામાં મોકલવાનું પસંદ કરે છે, કારણ કે તેઓએ અહીંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ પાસેથી અહીંની સુવિધાઓ અને શિક્ષકો વિશે સારી વાતો સાંભળી છે. અહીં કોઈ પણ પ્રકારની ફી ન હોવાથી અને રહેવાની પણ સુવિધા હોવાથી તે ખૂબ જ આકર્ષક વિકલ્પ છે. સાડા ચાર વર્ષથી ઓછી વયનાં નાના બાળકો પણ તેમાં પ્રવેશ મેળવે છે. રસપ્રદ વાત તો એ છે કે, અહીં પ્રવેશ મેળવવા માટે ફક્ત સાંભળવાને અક્ષમ બાળકો જ પૂછપરછ કરે છે એવું નથી. સત્યભામા કહે છે, “અન્ય બાળકોનાં વાલીઓ પણ આવે છે અને તેઓને શાળા ગમે છે તેથી તેઓ પ્રવેશ અંગે પૂછપરછ કરે છે. અમારે તેમને પરત મોકલવાં પડે છે.”
અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષકોને ‘વિશેષ શિક્ષકો’ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ વિશેષ મિત્રોને એવી રીતે ભણાવે છે કે જે તેમના વ્યક્તિગત ફેરફારો, અસમર્થતાઓ અને વિશેષ જરૂરિયાતોને સમાવી લે અને તેમને આત્મનિર્ભર બનાવે. આમાંના મોટાભાગના શિક્ષકો માને છે કે વિશેષ શિક્ષણ તેની તકનીકો અને પદ્ધતિઓ કરતાંય વિશેષ બાબત છે. તેમાં શિક્ષક અને બાળક વચ્ચેનો વિશ્વાસ અને બંધન મહત્ત્વનો છે.
2018-19માં, મહારાષ્ટ્રે ધોરણ 1 થી 12માં મળીને 3,00,467 વિશેષ જરૂરિયાતો ધરાવતાં બાળકો (CWSN)ને પ્રવેશ આપ્યો છે. મહારાષ્ટ્રમાં 1,600 વિશેષ જરૂરિયાતવાળી શાળાઓ છે. 2018ની દિવ્યાંગ લોકો માટેની રાજ્યની નીતિનો ઉદ્દેશ દરેક શાળામાં ઓછામાં ઓછા એક વિશેષ શિક્ષકની વ્યવસ્થા કરવાનો છે, જેથી કરીને વિશેષ મિત્રોને શિક્ષણ મેળવવામાં મદદ કરી શકાય. પરંતુ મેધા તાઈના જણાવ્યા અનુસાર, 2018માં 96 ગામો સાથેના સમગ્ર મુલશી બ્લોક માટે માત્ર નવ વિશેષ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.
વિવિધ અક્ષમતાનો સામનો કરી રહેલા બાળકોના શિક્ષકો વિશેષ મિત્રોને એવી રીતે ભણાવે છે કે જે તેમના વ્યક્તિગત ફેરફારો, અસમર્થતાઓ અને વિશેષ જરૂરિયાતોને સમાવી લે અને તેમને આત્મનિર્ભર બનાવે
*****
વિશેષ શિક્ષકને વિશેષ શિક્ષણ કૌશલ્યની જરૂર હોય છે. ગયા વર્ષથી અહીં કામ કરતા વર્ધાના 26 વર્ષીય સામાજિક કાર્યકર્તા રાહુલ વાનખેડે કહે છે, “જ્યારે વિદ્યાર્થીઓ તમારા માતાપિતાની ઉંમરના હોય ત્યારે તે સરળ બાબત નથી.” વર્ધાના જ 27 વર્ષીય તેમના વરિષ્ઠ સહયોગી કંચન યસનકરે પાંચ વર્ષ એવા વિદ્યાર્થીઓને ભણાવવામાં વિતાવ્યાં છે, જેમણે તેમના મતે તેમને વધુ ખુશ રહીને જીવવાનું શીખવ્યું છે.
વીસ વર્ષીય કુણાલ ગુઝર બૌદ્ધિક અક્ષમતાઓનો સામનો કરી રહ્યા છે અને તેમના ડાબા હાથમાં નબળાઈ છે. 34 વર્ષીય સામાજિક કાર્યકર્તા મયૂરી ગાયકવાડ અને તેમના સાથીઓએ તેમના અને સાત અન્ય વિશેષ મિત્રો માટે વર્ગો ચલાવ્યા હતા. પુણે નજીક હદશીની કાલેકર વાડીમાં દેવરાઈ કેન્દ્રમાં તેમના શિક્ષકો વિશે બોલતાં કુણાલ કહે છે, “તેમણે મને ગીતો, પલાખા અને કસરત શીખવી છે. હાથ અસે કરાઇચે, મગ અસે, મગ તસે [તમારા હાથ આ રીતે ખસેડો, અને પછી તે રીતે].”
કતકારી આદિવાસી બાળકો સાથે કામ કરતાં અને પુસ્તકાલયો ચલાવતાં મયૂરી કહે છે કે, આ ભૂમિકા માટે આ બાળકો સાથે પ્રેમ અને એકતાની લાગણી હોવી જરૂરી છે. તેઓ એક ખેડૂત અને સામાજિક કાર્યકર્તા છે, અને દિવ્યાંગ બાળકો પ્રત્યેના તેમના પ્રેમ અને સહજતાને કારણે તેમણે દેવરાઈ કેન્દ્રમાં શિક્ષકની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું હતું.
સંગીતા કાલેલરનો દીકરો સોહમ વાઈના હુમલાથી પીડાય છે, અને તે તેમની એકમાત્ર શિક્ષક રહી છે, અને તેમને બેસવાથી લઈને વાત કરવા સુધીનું બધું શીખવે છે. તેઓ કહે છે, “તે હવે ‘આઈ, આઈ’ બોલી શકે છે.” દસ વર્ષીય સોહમ ચાવી સાથે રમી રહ્યો છે, તેને જમીન પર પડતી જોઈ રહ્યો છે અને અવાજ કરતાં જોઈ રહ્યો છે.


સાધના વિલેજમાં, રાહુલ વાનખેડે (ડાબે) ખાસ મિત્રો સાથે નૃત્યના એક સત્રમાં. તેઓ કહે છે, ‘અમારે તેમને તેમના મૂડ અનુસાર શીખવવું પડશે.’ કંચન યેસનકર એક સામાજિક કાર્યકર અને શિક્ષક છે અને અહીં (જમણે) નૃત્ય સત્રમાં ભાગ લઈ રહ્યાં છે. તેઓ કહે છે, ‘હું મારા વિદ્યાર્થીઓને સક્રિય બનાવવા માટે નૃત્યનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું. હું ઘણી નૃત્ય ઉપચાર પદ્ધતિઓનો પણ ઉપયોગ કરું છું‘


ડાબેઃ સંગીતા કાલેકરના 10 વર્ષના પુત્ર સોહમને વાઈના ગંભીર હુમલા થાય છે અને તે વધારે બોલી શકતો નથી, પરંતુ તેનાં માતા હવે કહે છે કે, ‘તે હવે આઈ, આઈ બોલી શકે છે.’ જમણેઃ હદશીમાં, ફુલબાઈ લોયારે (ડાબેથી) તેમની દીકરી નંદા સાથે, સંગીતા કાલેલર (લાલ રંગમાં) કુણાલ ગુઝર સાથે અને મયૂરી ગાયકવાડ (જમણેથી)
પુણેની અન્ય રહેણાંક સંસ્થા, ધાયરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડના શિક્ષકો, જ્યારે પણ તેમના વર્ગમાં કોઈ બાળક અવાજ કરે છે, તો તેને બોલવાની દિશામાં એક પગલું માને છે. છેલ્લા 24 વર્ષથી અહીં કામ કરી રહેલા સત્યભામા અલ્લાટ નિર્દેશ કરે છે, આ અવાજો અને અંગચેષ્ટા સિવાય, “તેઓ તેમની ઉંમરનાં ‘સામાન્ય’ બાળકોથી જુદાં નથી.”
આ શાળા છેલ્લા 50 વર્ષથી પુણે સ્થિત વિશેષ શિક્ષકોને તાલીમ આપતી સંસ્થા સુરહુદ મંડલ દ્વારા શરૂ કરવામાં આવેલી સાંભળવાની અક્ષમતા માટેની 38 શાળાઓમાંની એક છે. આ શિક્ષકોએ કાં તો બી.એડ. (શ્રવણ બાધિત) અથવા ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે અને પોતાની મહેચ્છાથી વિશેષ શિક્ષકો બનવાનું પસંદ કર્યું છે.
ચોથા ધોરણના વર્ગખંડનું બ્લેકબોર્ડ ઇમારત, ઘોડો, કૂતરો અને તળાવના સુંદર ચિત્રોથી ભરેલું છે, આ બધા શબ્દો મોહન કાનેકર તેમના વિશેષ મિત્રોને શીખવવા માંગે છે. 21 વર્ષનો અનુભવ ધરાવતા આ 54 વર્ષીય પ્રશિક્ષિત શિક્ષક ટોટલ કોમ્યુનિકેશનને અનુસરે છે, જે એક એવી પદ્ધતિ જે છે શ્રવણશક્તિની ક્ષતિ ધરાવતા લોકોને શીખવતી વખતે વાણી, લિપ-રીડિંગ, સાઇન અને લેખનને સંયોજિત કરે છે. તેમના વિશેષ મિત્રો દરેક ચિહ્નને પ્રતિભાવ આપે છે અને શબ્દોને જુદી જુદી નોંધો અને સ્વરમાં દોહરાવવાનો કરવાનો પ્રયાસ કરે છે. બાળકોના અવાજો કાનેકરના ચહેરા પર સ્મિત લાવે છે અને તે દરેક બાળકના ઉચ્ચારને સુધારે છે.


ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડ ખાતે, અદિતિ સાઠે (ડાબે) ચિત્ર કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. સુનિતા ઝિન (જમણે) છાત્રાલયનાં અધીક્ષક છે અને સૌથી નાના વિશેષ મિત્રોને રંગો અને મરાઠી મૂળાક્ષરો શીખવી રહ્યાં છે


મોહન કાનેકર (ડાબે) ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડમાં અનુભવી વિશેષ શિક્ષક છે. તેઓ ચોથા ધોરણમાં મરાઠી શબ્દો શીખવી રહ્યા છે. તેઓ કહે છે, 'જો તમારે આ વિદ્યાર્થીઓને ભણાવવા હોય, તો તમારી ચિત્રકળા સારી હોવી જોઈએ.' તેમના વર્ગમાં છોકરીઓનું એક જૂથ (જમણે) તેમના શિક્ષકના સંકેતો અને વાણીને અનુસરે છે
અન્ય વર્ગમાં, અદિતિ સાઠેની પોતાની બોલવાની ક્ષતિ ‘સ્ટેપ 3’ વર્ગમાં સાત વિદ્યાર્થીઓને ભણાવવામાં નડતી નથી. તેણીએ 1999થી શાળામાં સહાયક તરીકે કામ કર્યું છે.
તેઓ અને તેમના વિશેષ મિત્રો એ જ હોલમાં સુનિતા ઝિન દ્વારા ચલાવાતા નાનાં બાળકોના અન્ય વર્ગ દ્વારા સર્જવામાં આવેલા ‘ઘોંઘાટ’થી પરેશાન નથી થતાં. હોસ્ટેલનાં 47 વર્ષીય અધીક્ષક રંગો શીખવી રહ્યાં છે, અને વિશેષ મિત્રો રંગોની શોધમાં હોલમાં મુક્તપણે દોડી રહ્યા છે. વાદળી થેલી, લાલ સાડી, કાળા વાળ, પીળા ફૂલો... વિદ્યાર્થીઓ આનંદિત થઈને ચીસા ચીસ કરી મૂકે છે, કેટલાક અવાજ કરે છે, તો અન્ય માત્ર તેમના હાથ હલાવે છે. એક પ્રશિક્ષિત શિક્ષક તરીકે તેમનો અભિવ્યક્ત ચહેરો તેમના વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે.
મેધા તાઈ કહે છે, “આજે જ્યારે સમાજમાં અને શાળાઓમાં હિંસા અને આક્રમકતા વધી રહી છે, ત્યારે આપણે બુદ્ધિ અને સફળતા, તથા શિસ્ત અને સજા વિશેની આપણી ધારણાઓ પર ફેરવિચારણા કરવાની જરૂર છે.” તેઓ તમામ શિક્ષકોને અપીલ કરી રહ્યાં છે કે તેઓ “સૌમ્ય શબ્દો દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે” તે જોવા માટે વિશેષ મિત્રો માટેની ઓછામાં ઓછી એક શાળાની મુલાકાત લે.
પત્રકારો આ વાર્તાનું રિપોર્ટિંગ કરતી વખતે તમામ સમર્થન માટે સુહરુદ મંડળનાં ડૉ. અનુરાધા આતરફોડનો આભાર માને છે.

સાધના વિલેજમાં કામ કરતા વિશેષ મિત્રો અને સ્વયંસેવકો દ્વારા બનાવાયેલ દિવાલ પર હાથની છાપ

વિશેષ મિત્રો તેમના શિક્ષકો સાથે ખુશીની ક્ષણો શેર કરે છે

સાધના વિલેજમાં રહેતા વિશેષ મિત્રો દ્વારા રાખડી અને તેમના દ્વારા બનાવેલી હેન્ડબેગ અને પાઉચ જેવી અન્ય હાથબનાવટની વસ્તુઓ વેચતી દુકાન. સામાજિક કાર્યકર્તા અને શિક્ષિકા કંચન યસનકર કહે છે, ‘તેમને પોતાના હાથથી વસ્તુઓ બનાવવી ગમે છે’

શ્રાવણના પાંચમા દિવસે ઉજવવામાં આવતી નાગ પંચમીના અવસરે હાથ પર મહેંદી દર્શાવતા એક વિશેષ મિત્ર

સુનિતા ઝિન એક પ્રશિક્ષિત વિશેષ શિક્ષક છે

વિદ્યાર્થીઓ મરાઠી મૂળાક્ષરો માટે સંકેતો બનાવતાં શીખી રહ્યાં છે

મોહન કાનેકર ટોટલ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીને શબ્દો શીખવે છે , જે એક એવી પદ્ધતિ છે જે વાણી , લિપ-રીડિંગ , સાઇન અને લેખનને સંયોજિત કરે છે

તેમના શિક્ષક મોહન કાનેકર પાસેથી સંકેતો શીખતી છોકરીઓ દરેક નિશાનીનો પ્રતિસાદ આપે છે અને તેમનું પુનરાવર્તન કરીને વિવિધ સ્વરો અને નોંધોને ઢાળવાનો પ્રયાસ કરે છે

ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડના બાળકો એકબીજા સાથે વાતચીત કરે છે. શાળા સાથે કામ કરતા વિશેષ શિક્ષક સત્યભામા અલ્લાટ કહે છે , ‘કેટલીકવાર , બાળકો પોતાની મેળે નવી નિશાની બનાવીને આવે છે’

ઉસ્માનાબાદનું એક બાળક સાંભળવાની અક્ષમતા ધરાવે છે અને તે ધાઇરી શાળાના છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ છે. તેની વય હજુ પાંચ વર્ષની ય નથી થઈ, તે રબરના નમૂનાઓ સાથે રમીને પ્રાણીઓના નામ શીખી રહ્યું છે

શિક્ષકો શબ્દો દોરવા અને લખવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ કરે છે. અહીં અદિતી સાઠેએ ધાઇરી શાળામાં પક્ષીઓ અને વાદ્યો દોર્યા છે

વિશેષ મિત્રો તેમના શિક્ષકની નિશાનીને અનુસરે છે, અને ક્રિયાઓ દ્વારા કાવલા (કાગડો) શબ્દ શીખે છે

આંકડાઓ લખતાં શીખતો એક વિશેષ મિત્ર

ધાઇરી શાળામાં સૌથી નાના વર્ગને રંગ શીખવતાં સુનિતા ઝિન

તેમના કલા શિક્ષક બૈરાગી સાથે વિદ્યાર્થીઓ

એક બાળક કાગળમાંથી બનાવેલું સસલું બતાવે છે

ધાઇરી શાળામાં કલા અને કલાકૃતિઓ અભ્યાસક્રમનો મહત્ત્વનો ભાગ છે

કાગળના સસલાંનાં બચ્ચાં
,
કાગળની હોડીઓ અને અન્ય કલાકૃતિઓ દર્શાવતા
પહેલા ધોરણના બાળકો
અનુવાદક: ફૈઝ મોહંમદ