આ વર્ષે જૂન મહિનાનો ત્રીજો શુક્રવાર હતો જ્યારે મજૂર હેલ્પલાઈનની ઘંટડી રણકી ઊઠી.
“શું તમે અમારી મદદ કરી શકશો? અમને આમરું વેતન નથી મળ્યું.”
તે રાજસ્થાનની અંદર પડોશી તાલુકાઓમાં કામ કરવા ગયેલા કુશલગઢના 80 મજૂરોનું જૂથ હતું. બે મહિના સુધી તેઓએ ટેલિકોમ ફાઇબર કેબલ પાથરવા માટે બે ફૂટ પહોળા અને છ ફૂટ ઊંડા ખાડા ખોદ્યા હતા. તેમને ખોદવામાં આવેલા ખાડાના મીટર દીઠ વેતન ચૂકવવામાં આવે છે.
બે મહિના પછી જ્યારે તેઓએ તેમની સંપૂર્ણ બાકી રકમની માંગણી કરી, ત્યારે ઠેકેદારે તેમનું કામ નબળું હોવાનું બહાનું કાઢ્યું અને આંકડા સાથે ચેડા કર્યા અને પછી તેમને, “દેતા હું, દેતા હું [આપું છું, આપું છું]” કહીને તગેડી મૂકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પૈસાની ચૂકવણી જ નહોતો કરતો. તેમના 7-8 લાખ રૂપિયાના બાકી વેતન માટે એકાદ અઠવાડિયું વધુ રાહ જોયા પછી તેઓ પોલીસ પાસે ગયા જેમણે તેમને લેબર હેલ્પલાઈન પર ફોન કરવા કહ્યું.
જ્યારે કામદારોએ ફોન કર્યો ત્યારે, “અમે તેમને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ પુરાવા છે. જો તેઓ અમને ઠેકેદારના નામ અને ફોન નંબર અને હાજરી પત્રકના કોઈ ફોટા આપી શકે તો સારું રહેશે,” જિલ્લા મુખ્યાલય બાંસવાડામાં સામાજિક કાર્યકર કમલેશ શર્માએ કહ્યું.
સદ્ભાગ્યે મોબાઇલ વાપરતાં જેમને આવડતું હતું તેવા કેટલાક યુવાન મજૂરોએ આ બધી માહિતી પૂરી પાડી, અને તેમની દલીલને મજબુત બનાવવા માટે ફોન દ્વારા તેમના કાર્યસ્થળના ફોટા અમને મોકલી આપ્યા.



સ્થળાંતર કામદારો તેઓએ રાજસ્થાનના બાંસવાડામાં ટેલિકોમ ફાઇબર કેબલ નાખવાનું કામ કર્યું હતું તે સાબિત કરવા માટે તેમના મોબાઇલ પર લેવામાં આવેલા આ સ્ક્રીનશોટને પુરાવા તરીકે બતાવવામાં સક્ષમ રહ્યા હતા. આ તસવીરો 80 જેટલા મજૂરોને તેમનું 7-8 લાખ રૂપિયાનું બાકી વેતન મેળવવામાં મદદરૂપ રહી હતી
જોકે, હાસ્યાસ્પદ વાત એ છે કે, તેઓ જે ખાડા ખોદી રહ્યા હતા તે દેશના સૌથી મોટા ટેલિકોમ પ્રદાતાઓમાંથી એક માટે હતા, જે ‘લોકોને જોડવા’ માગે છે.
મજૂરોને લગતા મુદ્દાઓ અને અન્ય સમસ્યાઓ પર કામ કરતી બિન-નફાકારક સંસ્થા આજીવિકા બ્યુરોના પ્રોજેક્ટ મેનેજર કમલેશ, અને અન્ય લોકોએ તેમને ફરિયાદ દાખલ કરવામાં મદદ કરી હતી. તેમની તમામ પ્રચાર સામગ્રીમાં આજીવિકાની હેલ્પલાઈન − 1800 1800 999 અને બ્યુરોના અધિકારીઓના ફોન નંબર બંને છાપેલા હોય છે.
*****
કામની શોધમાં સ્થળાંતર કરનારા લાખો લોકોમાં બાંસવાડાના કામદારો પણ સામેલ છે. જિલ્લાના ચુરડા ગામના સરપંચ જોગા પિત્તા કહે છે, “કુશલગઢમાં ઘણા પ્રવાસીઓ [સ્થળાંતર કરનારાઓ] છે. અમે ખેતીના દમ પર ગુજરાન ચલાવી શકતા નથી.”
પોતાની માલિકીની ઓછી જમીનો, સિંચાઈનો અભાવ, નોકરીઓનો અભાવ અને એકંદર ગરીબીએ આ જિલ્લાને અહીંની 90 ટકા વસ્તી બનાવતા ભીલ આદિવાસીઓ માટે નાછૂટકે કરાતા સ્થળાંતરનું કેન્દ્ર બનાવ્યું છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટના એક વર્કિંગ પેપરમાં નોંધવામાં આવ્યું છે કે દુષ્કાળ, પૂર અને ગરમીના મોજા જેવી આબોહવાની આત્યંતિક ઘટનાઓ પછી સ્થળાંતરમાં ધરખમ ઉછાળો જોવા મળે છે.
વ્યસ્ત કુશલગઢ બસ સ્ટેન્ડ પર, આખા વર્ષ દરમિયાન રાજ્યની લગભગ 40 બસો દરરોજ એક તરફી મુસાફરીમાં 50-100 લોકોનું વહન કરે છે. પછી ત્યાં લગભગ સમાન સંખ્યામાં ખાનગી બસો પણ કાર્યરત છે. સુરત જવા માટેની ટિકિટની કિંમત 500 રૂપિયા છે અને કન્ડક્ટર કહે છે કે તેઓ બાળકો માટે કોઈ ટિકિટ નથી લેતા.
સુરેશ મૈડા બેસવા માટેની જગ્યા શોધવા માટે વહેલા આવે છે, અને તેમનાં પત્ની અને ત્રણ નાના બાળકોને સુરત જતી બસમાં બેસાડે છે. તેઓ બસની પાછળની સામાન મૂકવાની જગ્યામાં તેમનો સામાન — પાંચ કિલો લોટ સાથેની એક મોટી બોરી, કેટલાક વાસણો અને કપડાં — મૂકવા માટે ઊતરે છે અને ઝટ દઈને પાછા આવી જાય છે.


ડાબેઃ સુરેશ મૈડા ખેરડા ગામના છે અને વર્ષમાં ઘણી વખત સ્થળાંતર કરે છે , કુશલગઢ બસ સ્ટેન્ડથી ગુજરાતના વિવિધ શહેરોમાં જવા માટે બસમાં મુસાફરી કરે છે. જમણેઃ જોગા પિત્તા એ જ જિલ્લાના ચુરડા ગામના સરપંચ છે અને કહે છે કે શિક્ષિત યુવાનોને પણ અહીં નોકરી નથી મળતી


કુશલગઢમાં તિમેડા બસ સ્ટેન્ડ (ડાબે) પર , લગભગ 10-12 બસો વેતનની નોકરીની શોધમાં જનારા મજૂરોને લઈને દરરોજ સુરત અને ગુજરાતના મોટા શહેરોમાં જવા માટે મજૂરોને — કાં તો એકલા કાં તેમના પરિવારો સાથે — રવાના થાય છે
ભીલ આદિવાસી દૈનિક વેતન કામદાર સુરેશ પારીને કહે છે, “હું એક દિવસમાં લગભગ 350 રૂપિયા મેળવીશ.”, તેમનાં પત્ની 250-300 રૂપિયા કમાશે. સુરેશ અપેક્ષા રાખે છે કે તેઓ પાછા ફરતા પહેલાં એક કે બે મહિના ત્યાં રહેશે, લગભગ 10 દિવસ ઘરે વિતાવશે અને ફરી પાછા રવાના થશે. 28 વર્ષીય સુરેશ ઉમેરે છે, “હું 10 વર્ષ કરતાંય વધુ સમયથી આવું કરી રહ્યો છું.” સુરેશ જેવા સ્થળાંતર કરનારાઓ સામાન્ય રીતે હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા મોટા તહેવારો માટે ઘરે પરત આવે છે.
રાજસ્થાન એવું રાજ્ય છે જેમાં સ્થળાંતર કરીને આવનારા લોકો કરતાં સ્થળાંતર કરીને બહાર જનારા લોકોની સંખ્યા વધુ છે ; માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેના કરતાં વધુ સંખ્યામાં લોકો વેતનના કામ માટે રાજ્યની બહાર નીકળે છે. કુશલગઢ તાલુકા કચેરીના અધિકારી વી.એસ. રાઠોડ કહે છે, “ખેતી એ એક માત્ર વિકલ્પ તો છે જ, પરંતુ તે [અહીં] માત્ર એક જ વાર − વરસાદ પછી જ કરી શકાય છે.”
બધા કામદારો કાયમ કામની આશા રાખે છે જ્યાં તેઓ સમગ્ર સમયગાળા માટે એક જ ઠેકેદાર હેઠળ કામ કરે છે. આમાં દરરોજ સવારે મજૂર મંડી (શ્રમ બજાર) માં રોકડી અથવા દ્હાડી શોધવા માટે જવા કરતાં વધુ સ્થિરતા મળે છે.
જોગાજીએ તેમના તમામ બાળકોને શિક્ષણ અપાવ્યું છે, પરંતુ તેમ છતાં “યહાં બેરોજગારી ઝ્યાદા હૈ. પઢે લિખે લોગો કે લિએ ભી નૌકરી નહીં [અહીં ઘણી બેરોજગારી છે, ભણેલા ગણેલા લોકો પાસે પણ નોકરી નથી].”
અહીં, સ્થળાંતર એ એકમાત્ર વાસ્તવિક વિકલ્પ દેખાય છે.
રાજસ્થાન એવું રાજ્ય છે જેમાં સ્થળાંતર કરીને આવનારા લોકો કરતાં સ્થળાંતર કરીને બહાર જનારા લોકોની સંખ્યા વધુ છે; માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેના કરતાં વધુ સંખ્યામાં લોકો વેતનના કામ માટે રાજ્યની બહાર નીકળે છે
*****
જ્યારે મારિયા પારુ ઘર છોડીને સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ તેમની સાથે મિટ્ટી કા તવા [માટીનો તવો] લઈ જાય છે. તે તેમના સામાનનું એક અભિન્ન અંગે છે. મકાઈની રોટલીઓ માટીના તવા પર જ સારી બને છે, જે રોટલી બાળ્યા વિના લાકડાની આગની ગરમીને સહન કરી શકે છે. તેઓ આવી રોટી કેવી રીતે બનાવે છે તે મને બતાવે છે.
મારિયા અને તેમના પતિ પારુ દામોર એવા લાખો ભીલ આદિવાસીઓમાં સામેલ છે જેઓ સુરત, અમદાવાદ, વાપી અને ગુજરાતના શહેરો તેમજ અન્ય પડોશી રાજ્યોમાં દૈનિક વેતનના કામની શોધમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી તેમના ઘરોમાં સ્થળાંતર કરે છે. 100 દિવસનું કામ આપતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના વિશે બોલતાં પારુ કહે છે, “મનરેગા ખૂબ લાંબો સમય લે છે અને તે પૂરતું નથી હોતું.”
30 વર્ષીય મારિયા 10-15 કિલોગ્રામ મકાઈનો લોટ પણ સાથે લઈને જાય છે. તેઓ વર્ષમાં નવ મહિના ઘરની બહાર રહેતા તેમના પરિવારની ખાવાની પસંદગી વિશે કહે છે, “અમે આ ખાવાનું પસંદ કરીએ છીએ.” ડૂંગરા છોટામાં ઘરથી દૂર હોય ત્યારે પરિચિત ભોજન સાંત્વના આપતો હોય છે.
આ દંપતીને છ બાળકો છે જેમની ઉંમર 3-12 વર્ષ છે, અને તેમની પાસે બે એકર જમીન છે જેના પર તેઓ પોતાના વપરાશ માટે ઘઉં, ચણા અને મકાઈનું વાવેતર કરે છે. પારુ તેમના ખર્ચ ગણાવતાં કહે છે, “અમે કામ માટે સ્થળાંતર કર્યા વિના [નાણાકીય] બોજો ઉપાડી શકતાં નથી. મારે મારા માતા-પિતાને ઘરે પૈસા મોકલવાના હોય છે, સિંચાઈના પાણી માટે પૈસા ચૂકવવાના હોય છે, પશુધન માટે ઘાસચારો ખરીદવા પૈસા આપવાના હોય છે, અને પરિવારનું ગુજરાન ચલાવવા ભોજન ખરીદવા પણ પૈસા જોઈએ છે. [આ બધા ખર્ચને પહોંચી વળવા] અમારે સ્થળાંતર વગર છૂટકો નથી.”
સૌપ્રથમ વાર તેમણે સ્થળાંતર કર્યું ત્યારે તેમની ઉંમર આઠ વર્ષની હતી. જ્યારે તેમના પરિવારને તબીબી ખર્ચ પર 80,000 રૂપિયાનું દેવું થયું હતું, ત્યારે તેમના મોટા ભાઈ અને બહેન સાથે તેમણે સ્થળાંતર કર્યું હતું. તેઓ યાદ કરીને કહે છે, “તે શિયાળાનો સમય હતો. હું અમદાવાદ ગયો હતો અને દરરોજ 60 રૂપિયા કમાતો હતો.” આ ભાઈ-બહેનો ચાર મહિના સુધી ત્યાં રહ્યા હતા અને પરિવારનું દેવું ચૂકવવામાં સફળ રહ્યા હતા. તેઓ ઉમેરે છે, “હું પરિવારને મદદ કરી શક્યો હતો તે હકીકતનો મને આનંદ છે.” બે મહિના પછી તેઓ ફરીથી ગયા હતા. પારુ છેલ્લા 25 વર્ષથી સ્થળાંતર કરી રહ્યા છે, જેઓ હાલમાં તેત્રીસ વર્ષના છે.


ડાબેઃ મારિયા પારુએ 15 વર્ષ પહેલાં લગ્ન કર્યાં ત્યારથી તેમના પતિ પારુ ડામોર સાથે દર વર્ષે સ્થળાંતર કરી રહ્યાં છે. બાંસવાડા જિલ્લાના ડુંગરા છોટા ખાતે મારિયા અને પારુ તેમના પરિવાર સાથે તેમના ઘરે (જમણે)
!['We can’t manage [finances] without migrating for work. I have to send money home to my parents, pay for irrigation water, buy fodder for cattle, food for the family…,' Paaru reels off his expenses. 'So, we have to migrate'](/media/images/06a-IMG_5339-PD-Migrantsdont_lose_that_num.max-1400x1120.jpg)
!['We can’t manage [finances] without migrating for work. I have to send money home to my parents, pay for irrigation water, buy fodder for cattle, food for the family…,' Paaru reels off his expenses. 'So, we have to migrate'](/media/images/06b-IMG_5298-PD-Migrantsdont_lose_that_num.max-1400x1120.jpg)
પારુ તેમના ખર્ચ ગણાવતાં કહે છે, ‘અમે કામ માટે સ્થળાંતર કર્યા વિના [નાણાકીય] બોજો ઉપાડી શકતાં નથી. મારે મારા માતા-પિતાને ઘરે પૈસા મોકલવાના હોય છે, સિંચાઈના પાણી માટે પૈસા ચૂકવવાના હોય છે, પશુધન માટે ઘાસચારો ખરીદવા પૈસા આપવાના હોય છે, અને પરિવારનું ગુજરાન ચલાવવા ભોજન ખરીદવા પણ પૈસા જોઈએ છે. [આ બધા ખર્ચને પહોંચી વળવા] અમારે સ્થળાંતર વગર છૂટકો નથી’
*****
સ્થળાંતર કરનારાઓ મુસાફરીને અંતે ‘સોનાનો ઘડો’ મળી જવાની અભિલાષા સેવે છે, જેનાથી તેમનું બધું દેવું ચુકતે થઈ જશે, બાળકો શાળામાં ભણી શકશે, અને તેમના પેટનો ખાડો પણ પૂરાશે. પરંતુ ઘણી વાર પરિસ્થિતિ બદથી બદતર થઈ જાય છે. આજીવિકા દ્વારા સંચાલિત રાજ્ય શ્રમ હેલ્પલાઇનને સ્થળાંતર કામદારો તરફથી દર મહિને 5,000 જેટલા ફોન આવે છે, જેમાં બાકી નીકળતી રકમની ચૂકવણી ન કરવા બદલ કાનૂની નિવારણની માંગ કરવામાં આવે છે.
કમલેશ કહે છે, “વેતન મજૂર માટે, કરાર ક્યારેય ઔપચારિક નથી હોતા, તે મૌખિક હોય છે. મજૂરો એક ઠેકેદાર પાસેથી બીજા ઠેકેદાર પાસે જતા હોય છે.” કમલેશનો અંદાજ છે કે માત્ર બાંસવાડા જિલ્લામાંથી બહાર સ્થળાંતર કરનારાઓએ લેવાનું થતું વેતન કરોડોમાં હશે, જેને [ઠેકેદારો દ્વારા] આપવામાં નથી આવ્યું.
તેઓ ઉમેરે છે, “તેમનો મુખ્ય ઠેકેદાર કોણ છે અને તેઓ તેઓ કોના માટે કામ કરી રહ્યા છે તે તેમને ક્યારેય જાણવા નથી મળતું, તેથી બાકી લેણાંનું નિવારણ એક નિરાશાજનક અને લાંબા ગાળાની પ્રક્રિયા થઈ પડે છે.” તેમના કામને કારણે સ્થળાંતર કરનારાઓનું કેવી રીતે શોષણ કરવામાં આવે છે, તેનાથી તેઓ નજીકથી વાકેફ છે.
20 જૂન, 2024ના રોજ 45 વર્ષીય ભીલ આદિવાસી રાજેશ દામોર, અને અન્ય બે કામદારો મદદ માંગવા માટે બાંસવાડામાં તેમના કાર્યાલયમાં આવ્યા હતા. રાજ્યમાં તાપમાન અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે હતું, પરંતુ આ કામદારો તે કારણથી પરેશાન થઈને નહોતા આવ્યા. તેમણે ઠેકેદાર પાસેથી 2,26,000 રૂપિયા લેવાના થતા હતા, જેને આપવાથી તે ઇન્કાર કરતો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે તેઓએ કુશલગઢ તાલુકામાં પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમને આજીવિકાના શ્રમિક સહાયતા એવં સંદર્ભ કેન્દ્રમાં મોકલ્યા હતા, જે આ વિસ્તારમાં સ્થળાંતર કરનારા મજૂરો માટેનું સંસાધન કેન્દ્ર છે.
એપ્રિલમાં, રાજેશ અને સુખવાડા પંચાયતના 55 કામદારો 600 કિલોમીટર દૂર ગુજરાતના મોરબી ગયા હતા. તેમને ત્યાં એક ટાઇલની ફેક્ટરીમાં બાંધકામ સ્થળ પર મજૂરીકામ અને ચણતરનું કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા. 10 કુશળ કામદારોને 700 રૂપિયા દૈનિક વેતન અને બાકીનાને 400 રૂપિયા વેતનનું વચન આપવામાં આવ્યું હતું.
રાજેશ પારી સાથે ફોન પર વાત કરતાં કહે છે, એક મહિનો કામ કર્યા પછી, “અમે ઠેકેદારને અમારા લેણાં ચૂકવવા કહ્યું અને તે તારીખો પર તારીખો આપવા લાગ્યો.” વાટાઘાટોમાં મોખરે રહેલા રાજેશ પાંચ ભાષાઓ — ભિલી, વાગડી, મેવાડી, હિન્દી અને ગુજરાતી — બોલતા હતા તેનાથી મદદ મળી હતી. તેમની બાકી રકમનો વ્યવહાર કરતો ઠેકેદાર મધ્યપ્રદેશના ઝાબુઆનો હતો અને તે હિન્દી બોલતો હતો. ઘણી વાર મજૂરો ભાષાના અવરોધને કારણે મુખ્ય ઠેકેદાર સાથે વાતચીત કરવામાં અસમર્થ હોય છે, પરંતુ ઘણી વાર તે પાછળનું કારણ તેની નીચે કામ કરતા પેટા-ઠેકેદારોના પદાનુક્રમને ઓળંગવું અશક્ય હોવું પણ છે. કેટલીક વાર જ્યારે મજૂરો તેમનાં લેણાં માંગે છે, ત્યારે ઠેકેદારો તેમના પર શારીરિક યાતના ગુજારે છે.
56 કામદારોએ તેમની બાકી નીકળતી રકમની ચૂકવણી થાય તે માટે અઠવાડિયાઓ સુધી રાહ જોઈ. તેમના ઘરેથી આવેલો ખોરાક ખતમ થઈ રહ્યો હતો અને બજારમાંથી ખરીદી કરવાથી તેમની કમાણી ખતમ થઈ રહી હતી.

સુખવારા પંચાયતમાં રાજેશ ડામોર (જમણી બાજુ બેસેલા) તેમના પડોશીઓ સાથે. તેઓ ભિલી , વાગડી , મેવાડી , ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે , જ્યારે ગુજરાતના મોરબીમાં તેમની બે લાખ રૂપિયાથી વધુની બાકી રકમને રોકવામાં આવી હતી ત્યારે હિન્દી ભાષા તેમને ઠેકેદાર સાથે વાટાઘાટો કરવામાં મદદરૂપ રહી હતી
વ્યથિત રાજેશ યાદ કરીને કહે છે, “તે તારીખ પર તારીખ આપી રહ્યો હતો, પહેલાં 20 પછી 24 મે, પછી 4 જૂન. અમે તેને પૂછ્યું, ‘અમે ખાઈશું શું? અમે ઘરથી આટલા દૂર છીએ.’ આખરે, અમે છેલ્લા 10 દિવસ કામ કરવાનું બંધ કરી દીધું, એ આશામાં કે આનાથી તે ચૂકવણી કરવા માટે મજબૂર થશે.” તેમને 20 જૂને બધી ચૂકવણી થઈ જશે તેવું વચન આપવામાં આવ્યું હતું.
ચૂકવણી વિષે દ્વિધામાં પરંતુ ત્યાં રોકાવામાં અસમર્થ 56 લોકોની ટુકડીએ, 9 જૂનના રોજ કુશલગઢની બસ પકડી લીધી. 20 જૂનના રોજ જ્યારે રાજેશે તેને ફોન કર્યો ત્યારે, “તે અણઘડ ભાષામાં વાત કરતો હતો અને તે અમારી સાથે વાદવિવાદ કરવા લાગ્યો અને ગાળો ભાંડવા લાગ્યો.” આવું થયું એટલે રાજેશ અને અન્ય લોકો તેમના ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા.
રાજેશ પાસે 10 વીઘા જમીન છે, જેના પર તેમનો પરિવાર પોતાના વપરાશ માટે સોયાબીન, કપાસ અને ઘઉંનું વાવેતર કરે છે. તેમના ચારેય બાળકો શિક્ષિત છે અને તેમણે શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. તેમ છતાં, આ ઉનાળામાં તેઓ તેમનાં માતા-પિતા સાથે વેતનના કામમાં જોડાયા. રાજેશ કહે છે, “તે રજાઓનો સમય હતો, તેથી મેં કહ્યું કે તેઓ સાથે આવીને કેટલાક પૈસા કમાઈ શકશે.” તેમને આશા છે કે તેમના પરિવારને હવે કમાણી મળી જશે કારણ કે ઠેકેદારને શ્રમ અદાલતમાં કેસ કરવાની ધમકી આપવામાં આવી છે.
શ્રમ અદાલતનો ઉલ્લેખ માત્ર આવા ઠેકેદારોને તેમના વચનો પૂરા કરવા માટે દબાણ કરે છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે, કામદારોને કેસ દાખલ કરવામાં મદદની જરૂર હોય છે. પડોશી મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રસ્તાઓ પર કામ કરવા માટે આ જિલ્લાથી ગયેલા 12 વેતન કામદારોના જૂથને ત્રણ મહિના કામ કર્યા પછી સંપૂર્ણ વેતન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ઠેકેદારે તેમનું કામ નબળું હોવાનું બહાનું કાઢ્યું અને તેમના 4-5 લાખ રૂપિયા ચૂકવવાની ના પાડી દીધી.
બાંસવાડા જિલ્લાના આજીવિકા બ્યુરોના વડા ટીના ગરાસિયા યાદ કરીને કહે છે, “અમને ફોન આવ્યો કે અમે મધ્યપ્રદેશમાં ફસાયેલા છીએ, અને અમને ચૂકવણી કરવામાં નથી આવી.” ટીનાને ઘણી વાર તેમના અંગત ફોન પર પણ આવા ફોન આવે છે. “અમારા નંબર કામદારો એકબીજાને આપતા હોય છે.”
આ વખતે કામદારો તેમના કાર્યસ્થળની વિગતો, હાજરી પત્રકના ફોટા અને ફરિયાદ દાખલ કરવા માટે ઠેકેદારનું નામ અને મોબાઇલ નંબર આપી શક્યા હતા.
છ મહિના પછી ઠેકેદારે તેમને બે હપ્તામાં ચૂકવણી કરી હતી. વેતન મેળવીને રાહત પામેલા કામદારો કહે છે, “તેઓ અહીં [કુશલગઢ] આવીને પૈસા આપી ગયા હતા.” પરંતુ, તેમને વિલંબિત ચૂકવણી પર બાકી રહેલું વ્યાજ આપવામાં નહોતું આવ્યું.


જે કામદારોને વેતન ન મળ્યું હોય, તેઓ માટે કુશલગઢમાં પોલીસ (ડાબે) અને કાયદા (જમણે) જેવા કાનૂની માધ્યમો સુધી પહોંચવું હંમેશાં સરળ નથી હોતું. કારણ કે ફોટોગ્રાફિક પુરાવા, હાજરી પત્રકની નકલો અને નોકરીદાતાઓની વિગતો તેમની પાસે હંમેશાં ઉપલબ્ધ નથી હોતી
કમલેશ શર્મા કહે છે, “અમે પહેલાં વાટાઘાટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે ઠેકેદારની વિગતો ઉપલબ્ધ હોય.”
કાપડની ફેક્ટરીમાં કામ કરવા માટે સ્થળાંતર કરીને સુરત ગયેલા 25 મજૂરો પાસે કોઈ પુરાવા નહોતા. ટીના કહે છે, “તેમને એક ઠેકેદારે બીજા ઠેકેદારને હવાલે કર્યા હતા, અને તેમની પાસે તે વ્યક્તિની ઓળખ આપવા માટે કોઈ ફોન નંબર કે નામ નહોતું. તેઓ સમાન દેખાતી ફેક્ટરીઓના ઝુંડમાં તેમની ફેક્ટરીને પણ ઓળખી શકતા ન હતા.”
હેરાન પરેશાન થયેલા અને તેમનું 6 લાખ રૂપિયાનું વેતન આપવાનો ઇન્કાર સાંભળીને નિરાશ થયેલા તેઓ બધા બાંસવાડાના કુશલગઢ અને સજ્જનગઢમાં તેમના ગામોમાં ઘરે પરત ફર્યા.
આવા કિસ્સાઓમાં સામાજિક કાર્યકર્તા કમલેશ કાનૂન શિક્ષા (કાનૂની સાક્ષરતા) માં ઘણો વિશ્વાસ રાખે છે. બાંસવાડા જિલ્લો રાજ્યની સરહદ પર આવેલો છે અને ત્યાંથી મહત્તમ સ્થળાંતર થાય છે. આજીવિકાના સર્વેક્ષણના આંકડા કહે છે કે કુશલગઢ, સજ્જનગઢ, અંબાપારા, ઘાટોલ અને ગંગર તલાઈમાં એંશી ટકા પરિવારોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્થળાંતર કરીને જાય છે, અમુકમાં તો એકથી વધુય લોકો જતા હોય છે.
કમલેશને આશા છે કે “યુવા પેઢી પાસે ફોન હોવાથી, તેઓ નંબરો સાચવી શકશે, ફોટા લઈ શકશે અને તેથી ભવિષ્યમાં વેતન ન આપનારા ઠેકેદારોને પકડવાનું સરળ બનશે.”
17 સપ્ટેમ્બર, 2020ના રોજ ઔદ્યોગિક વિવાદો દાખલ કરવા માટે ભારતભરમાં કેન્દ્ર સરકારનું સમાધાન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું અને 2022માં કામદારોને દાવા દાખલ કરવાની મંજૂરી આપવા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે એક સ્પષ્ટ પસંદગી હોવા છતાં બાંસવાડામાં તેનું એકેય કાર્યાલય નથી.


બાંસવાડા જિલ્લો રાજ્યની સરહદ પર આવેલો છે અને ત્યાંથી મહત્તમ સ્થળાંતર થાય છે. આજીવિકાના સર્વેક્ષણના આંકડા કહે છે કે કુશલગઢ, સજ્જનગઢ, અંબાપારા, ઘાટોલ અને ગંગર તલાઈમાં એંશી ટકા પરિવારોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્થળાંતર કરીને જાય છે, અમુકમાં તો એકથી વધુય લોકો જતા હોય છે
*****
વેતનની વાટાઘાટમાં સ્થળાંતર કરીને જતી મહિલાઓની વાત કોઈ સાંભળતું નથી. તેમની પાસે ભાગ્યે જ પોતાનો ફોન હોય છે અને કામ અને વેતન બંને બાબતોમાં તેમની આસપાસના પુરુષો દ્વારા નિર્દેશ કરવામાં આવે છે. મહિલાઓને પોતાનો ફોન આપવા વિશે મોટો વિરોધ થયો છે. કોંગ્રેસની અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજ્યની છેલ્લી સરકારે રાજ્યમાં મહિલાઓને 13 કરોડથી વધુ મફત ફોન વહેંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. જ્યાં સુધી ગેહલોત સરકારે સત્તા ગુમાવી ત્યાં સુધી ગરીબ મહિલાઓને લગભગ 25 લાખ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં સ્થળાંતર કરનારા પરિવારોની વિધવાઓ અને 12મા ધોરણમાં ભણતી છોકરીઓને ફોન આપવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના ભજનલાલ શર્માની આવનારી સરકારે “યોજનાના લાભોની તપાસ ન થાય ત્યાં સુધી” આ કાર્યક્રમને મુલતવી રાખ્યો છે. શપથ ગ્રહણ કર્યાના માંડ એક મહિના પછી તેમણે લીધેલા પ્રથમ નિર્ણયોમાં આ એક નિર્ણય હતો. સ્થાનિકો કહે છે કે આ યોજના ફરી શરૂ થવાની શક્યતા નથી.
મોટાભાગની મહિલાઓ માટે તેમની કમાણી પર પોતાની સ્વાયત્તાનો અભાવ કાયમી તેઓએ કાયમી ધોરણે લિંગ અને જાતીય શોષણ તેમજ તેમને ત્યજી દેવામાં આવે છે તેમાં ફાળો આપે છે. વાંચોઃ બાંસવાડામાં: લગ્ન સંબંધો એટલે પગમાં બેડીઓ ને મોઢે ડૂચા
એક ભીલ આદિવાસી એવાં સંગીતા યાદ કરીને કહે છે, “મેં ઘઉં સાફ કર્યા અને તે 5-6 કિલો મકાઈના લોટ સાથે તેને લઈ ગયો. તે તેને લઈને ચાલ્યો ગયો.” સંગીતા હવે તેમનાં માતાપિતા સાથે કુશલગઢ બ્લોકના ચુરાદામાં તેમના ઘરે રહે છે. જ્યારે તેમના પતિ લગ્ન કર્યા પછી સુરત ગયા ત્યારે તેઓ તેમના પતિ સાથે સ્થળાંતરિત થયાં હતાં.


કુશલગઢ બ્લોકના ચુરાદા ગામમાં સંગીતા તેમનાં ત્રણ બાળકો સાથે. તેમના પતિએ તેમને ત્યજી દીધાં અને તેઓ તેમનાં બાળકોનું ભરણપોષણ કરી શકવામાં અસમર્થ હોવાથી તેઓ તેમનાં માતાપિતાના ઘરે જતાં રહ્યાં હતાં


સંગીતાને પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં જ્યોત્સના ડામોર મદદ કરી રહ્યાં છે. સંગીતાના પિતા તેમની દીકરીએ દાખલ કરેલી પરિત્યાગની ફરિયાદને લઈને ઊભા છે. સરપંચ જોગા (ભૂરા રંગમાં) સમર્થન માટે સાથે આવ્યા છે
તેઓ યાદ કરીને કહે છે, “હું તેમને બાંધકામના કામમાં મદદ કરતી હતી,” અને તેમની કમાણી તેમના પતિને આપી દેવામાં આવતી હતી. “મને તે ત્યાં ગમતું નહોતું.” એક વાર આ દંપતિને બાળકોનો જન્મ થયો − તેમને અનુક્રમે સાત, પાંચ અને ચાર વર્ષની ઉંમરના ત્રણ છોકરાઓ છે − એટલે તેમણે [તેમના પતિની] સાથે જવાનું બંધ કરી દીધું. “હું બાળકો અને ઘરની સંભાળ રાખતી હતી.”
હવે એક વર્ષથી વધુ સમયથી, તેમણે તેમના પતિને જોયા નથી, કે તેમની પાસેથી કોઈ પૈસા પણ મેળવ્યા નથી. “હું મારા માતાપિતાના ઘરે એટલા માટે આવી છું, કારણ કે ત્યાં [સાસરિયામાં] મારાં બાળકોને ખવડાવવા માટે કંઈ નથી.”
આખરે, આ વર્ષે જાન્યુઆરી (2024) માં, તેઓ કેસ દાખલ કરવા માટે કુશલગઢના પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2020ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં મહિલાઓ (પતિ અથવા સંબંધીઓ દ્વારા કરાતી) સામે ક્રૂરતાના નોંધાતા કેસોમાં રાજસ્થાન ત્રીજા ક્રમે છે.
કુશલગઢ પોલીસ સ્ટેશનમાં, અધિકારીઓ સ્વીકારે છે કે નિવારણ માંગતી મહિલાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ તેઓ એ પણ સ્વીકારે છે કે મોટાભાગના કેસો તેમના સુધી પહોંચતા નથી, કારણ કે બંજાડિયા — ગામનું એક અખિલ પુરુષ જૂથ જે આના પર નિર્ણયો લે છે — પોલીસ વિના જ સમાધાન કરવાનું પસંદ કરે છે. એક રહેવાસી કહે છે, “બંજાડિયા બંને બાજુથી પૈસા લે છે. ન્યાય માત્ર નામ પૂરતો જ હોય છે, અને સ્ત્રીઓને ક્યારેય તેમનો હક નથી મળતો.”
સંગીતાની માનસિક પીડા વધી રહી છે, કારણ કે તેમના સંબંધીઓ તેમને કહી રહ્યાં છે કે તેનો પતિ બીજી સ્ત્રી સાથે છે જેની સાથે તે લગ્ન કરવા માંગે છે. તેઓ ચહેરા પર આછા સ્મિત સાથે કહે છે, “મને માઠું લાગે છે કે તે વ્યક્તિએ મારા બાળકોને દુઃખ પહોંચાડ્યું છે, અને એક વર્ષ કરતાંય વધુ સમયથી તેમને જોવા સુદ્ધાં નથી આવ્યા. તેઓ મને પૂછે છે કે ‘શું તે મરી ગયા છે?’ મારો સૌથી મોટો દીકરો તેમને ગાળો આપે છે અને મને કહે છે, ‘મમ્મી જ્યારે પોલીસ તેમને પકડી લે ત્યારે તમે પણ તેમને માર મારજો!’”
*****

દર શનિવારે બપોરે કાઉન્સેલિંગ માટે આવતી આસપાસના ગામોની છોકરીઓ સાથે મેનકા (વાદળી જીન્સ પહેરેલાં)
ખેરપુરની નિર્જન પંચાયત કચેરીમાં શનિવારે બપોરે 27 વર્ષીય સામાજિક કાર્યકર મેનકા દામોર અહીં કુશલગઢ બ્લોકની પાંચ પંચાયતોની યુવાન છોકરીઓ સાથે વાત કરી રહ્યાં છે.
તેઓ પોતાની આસપાસ વર્તુળમાં બેઠેલી 20 છોકરીઓને પૂછે છે, “તમારું સપનું શું છે?” આ તમામ સ્થળાંતર કરીને ગયેલાં માતાપિતાની દીકરીઓ છે, બધાંએ તેમનાં માતા-પિતા સાથે મુસાફરી કરેલી છે અને તેઓ ફરીથી આવી મુસાફરીમાં જઈ શકે છે. નાની છોકરીઓ માટે કિશોરી શ્રમિક કાર્યક્રમનું સંચાલન કરતાં મેનકા કહે છે, “તેઓ મને કહે છે કે જો અમે શાળામાં જઈશું તો પણ અંતે તો આમરે સ્થળાંતર જ કરવાનું છે ને.”
તેઓ છોકરીઓ સ્થળાંતરથી આગળનું ભવિષ્ય જુએ તેવું ઇચ્છે છે. અમુકવાર વાગડી ને અમુકવાર હિન્દી ભાષા બોલતાં તેઓ વિવિધ વ્યવસાયોના લોકો — કેમેરાપર્સન, વેઇટલિફ્ટર, ડ્રેસ ડિઝાઇનર, સ્કેટબોર્ડર, શિક્ષક અને એન્જિનિયર — ને દર્શાવતાં કાર્ડ્સ બતાવે છે. તેઓ [છોકરીઓના] તેજસ્વી ચહેરાઓને કહે છે, “તમે જે ઇચ્છો તે બની શકો છો, અને તમારે તે તરફ કામ કરવું પડશે.”
“સ્થળાંતર એ એકમાત્ર વિકલ્પ નથી.”
અનુવાદક: ફૈઝ મોહંમદ