સમાજના વંચિત સમુદાયો માટે ફોટોગ્રાફી હંમેશા તેમની પહોંચની બહાર રહી છે, માત્ર એટલા માટે નહીં કે કેમેરા ખરીદવો તેમને પરવડે તેમ નથી. તેમના આ સંઘર્ષને જોતાં મારે આ ખાલીપો ભરવો હતો અને વંચિત સમુદાયો - ખાસ કરીને દલિત, માછીમાર, ટ્રાન્સ સમુદાય, લઘુમતી મુસ્લિમ સમુદાયો અને પેઢીઓથી જુલમનો સામનો કરી રહેલા બીજા સમુદાયો - ની યુવા પેઢીને ફોટોગ્રાફીથી પરિચિત કરવી હતી.
મારા વિદ્યાર્થીઓ તેમની પોતાની ઓછી જાણીતી વાર્તાઓ કહે એમ હું ઈચ્છતો હતો. આ કાર્યશાળામાં તેઓ તેમના રોજિંદા જીવનની ઘટનાઓની તસવીરો લઈ રહ્યા છે. આ તેમની પોતાની વાર્તાઓ છે, તેમના હૃદયની ખૂબ નજીક છે. તેઓ હાથમાં કેમેરા પકડવાનો અને તસવીરો લેવાનો આનંદ માણે છે. હું ઈચ્છું છું કે તેઓ એ આનંદ લે અને ફ્રેમિંગ અને એંગલ્સ વિશે પછીથી વિચારે.
તેઓ તેમની જિંદગીની જે તસવીરો લે છે તે કંઈક અલગ જ હોય છે.
તેઓ જયારે મને તસવીરો બતાવે છે ત્યારે હું એ તસવીરના રાજકારણ અને એ તસવીર પરિસ્થિતિ વિશે શું કહે છે તેની પણ ચર્ચા કરું છું. કાર્યશાળા પછી તેઓ વધુ મોટા સામાજિક-રાજકીય મુદ્દાઓથી પણ સભાન થાય છે.


ડાબે: નાગાપટ્ટિનમ બીચ પર માગા અક્કા એક માછીમારને પોતે લીધેલી તસવીરો બતાવે છે. જમણે: ચેન્નાઈ નજીક કોસસ્તલૈયાર નદીમાં તસવીરો લેતા હૈરુ નિશા

ચેન્નાઈના વ્યાસરપાડીમાં ડો. આંબેડકર પગુતરિવ પાડસાલઈના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફીના વર્ગ લઈ રહેલા એમ. પલની કુમાર
મોટા ભાગની તસવીરો ખૂબ નજીકથી લીધેલી (ક્લોઝ અપ) હોય છે અને માત્ર તેઓ જ એટલે નજીક જઈને તસવીર લઈ શકે છે કારણ કે એ તેમનો પરિવાર છે, એ તેમનું ઘર છે. બીજી કોઈપણ વ્યક્તિ બહારની છે અને તેણે થોડું અંતર જાળવવું પડશે. તેમને એ અંતર જાળવવાની જરૂર નથી, કારણ કે તેમણે પહેલેથી જ જેમની તસવીરો લઈ રહ્યા છે તેમનો - તસવીરના વિષયોનો વિશ્વાસ સંપાદિત કરેલો છે.
સમાન વિચારધારા ધરાવતા લોકોની મદદથી મેં તાલીમાર્થીઓ માટે કેમેરા ખરીદ્યા – ડીએસએલઆર કેમેરાથી તસવીરો લેવાનો જાત અનુભવ તેમને ભવિષ્યમાં વ્યવસાયિક રીતે (ફોટોગ્રાફી કરવામાં) મદદરૂપ થશે.
તેમણે લીધેલી કેટલીક તસવીરો ‘રિફ્રેમ્ડ - નોર્થ ચેન્નાઈ થ્રુ ધ લેન્સ ઓફ યંગ રેસિડેન્ટ્સ’ એ વિષયવસ્તુ હેઠળની છે. આ તસવીરો બહારના લોકોના મગજમાં દ્રઢ થઈ ગયેલી ઉત્તર ચેન્નાઈની ઔદ્યોગિક કેન્દ્ર તરીકેની સ્ટીરિયોટિપિકલ છબીને તોડવા અને તેનું પુનઃનિર્માણ કરવા સમાજને માટે ચેતવણીની ગરજ સારે છે.
(16-21 વર્ષની ઉંમરના) 12 યુવાનો કે જેઓ મદુરાઈના મંજામેડુના સફાઈ કામદારોના બાળકો છે તેમણે મારી સાથે 10 દિવસની કાર્યશાળામાં ભાગ લીધો. આ વંચિત સમુદાયના બાળકો માટે આ પ્રકારની આ પહેલવહેલી કાર્યશાળા હતી. કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની કામકાજના સ્થળની પરિસ્થિતિઓ પહેલી વખત નજરે જોઈ. તેઓને સમજાયું કે તેમની વાત દુનિયાને જણાવવાની જરૂર છે.
મેં ઓડિશાના ગંજમમાં સાત માછીમાર મહિલાઓ અને તમિળનાડુના નાગાપટ્ટિનમમાં આઠ માછીમાર મહિલાઓ માટે ત્રણ મહિનાની કાર્યશાળા પણ કરી. ગંજમ એ સતત દરિયાઈ ધોવાણથી વ્યાપકપણે અસરગ્રસ્ત થયેલ વિસ્તાર છે. નાગાપટ્ટિનમ એ દરિયાકાંઠાનો વિસ્તાર છે જ્યાં ઘણા સ્થળાંતરિત કામદારો અને માછીમારો છે, તેઓ શ્રીલંકાના નૌકાદળો દ્વારા વારંવાર હુમલાનો ભોગ બને છે.
આ કાર્યશાળાને કારણે તેઓ તેમની આસપાસ જે વિલક્ષણ પડકારો જુએ છે તેની તસવીરો મળી શકી.


ફોટોગ્રાફીના વર્ગ દરમિયાન પલની સાથે નાગપટ્ટિનમ (ડાબે) અને ગંજમ (જમણે) ની માછીમાર મહિલાઓ
સીએચ.
પ્રતિમા, 22
દક્ષિણ
ફાઉન્ડેશનમાં
ક્ષેત્રીય
કર્મચારી
પોદામપેટા,
ગંજમ,
ઓડિશા
તસવીરો લેવાને કારણે હું મારા સમુદાયના કામ પ્રત્યે આદર બતાવી શકી અને મારી આસપાસના લોકો સાથે વધુ ઘરોબો કેળવી શકી, તેમને વધુ સારી રીતે જાણી શકી.
રમત-રમતમાં નદીના મુખ પાસેની ખાડીમાં હોડી પલટતા બાળકોની તસવીર એ મારી મનપસંદ તસવીરોમાંની એક છે. સમયની કોઈ એક ખાસ ક્ષણને કેદ કરી શકવાની ફોટોગ્રાફીના માધ્યમની શક્તિનો મને અહેસાસ થયો.
મેં દરિયાઈ ધોવાણથી નુકસાન પામેલા પોતાના ઘરમાંથી ઘરવખરી બચાવી રહેલા મારા માછીમાર સમુદાયના એક સભ્યની તસવીર લીધી છે. એ તસવીર આબોહવા પરિવર્તનને કારણે વંચિત સમુદાયોને જે પડકારોનો સામનો કરવો પડે છે તે બતાવે છે અને મને એ વાતની ખુશી છે કે હું એ તસવીર લઈ શકી.
જ્યારે મેં પહેલીવાર કેમેરા હાથમાં પકડ્યો ત્યારે મને ખાતરી નહોતી કે હું તેને બરોબર ચલાવી શકીશ. જાણે કોઈ વજનદાર મશીન ઊંચકી રહી હોઉં એવું મને લાગ્યું હતું. એ સાવ નવો જ અનુભવ હતો. હું મારા મોબાઈલ વડે ઝાઝું કંઈ વિચાર્યા વિના આડીઅવળી તસવીરો લેતી હતી, પરંતુ આ કાર્યશાળાથી પરસ્પર વિશ્વાસ કેળવી સંવાદ સાધવાની અને તસવીરો દ્વારા વાર્તાઓ કહેવાની કળાનું મહત્વ મને સમજાયું. શરૂઆતમાં ફોટોગ્રાફીના સૈદ્ધાંતિક પાસાઓ મૂંઝવણભર્યા જણાતા હતા પરંતુ ક્ષેત્રીય કાર્યશાળા (ફીલ્ડ વર્કશોપ) અને હાથમાં કેમેરા પકડી તસવીરો લેવાના અનુભવ પછી બધું સમજાવા લાગ્યું, અને હું વર્ગમાં શીખેલા સિદ્ધાંતને વાસ્તવિક દુનિયામાં લાગુ કરી શકી.

પોદામપેટામાં લેન્ડિંગ સેન્ટર પર માછીમારો તેમની જાળ સાફ કરી રહ્યા છે

ઓડિશાના ગંજમ જિલ્લામાં માછીમારો માછલી પકડવા જાળ નાખવા તૈયાર થઈ રહ્યા છે

ઓડિશાના અર્જીપલ્લી મત્સ્ય બંદર પર બાંગડા માછલી (મેકેરલ ફિશ) ની હરાજી

પોદામપેટામાં દરિયાઈ ધોવાણને કારણે નુકસાન પામેલું એક મકાન હવે રહેવા યોગ્ય રહ્યું નથી

પોદામપેટા ગામની એક વિદ્યાર્થિની શાળાએથી ચાલતી ઘેર જઈ રહી છે. વર્ષોના અવિરત દરિયાઈ ધોવાણને કારણે રસ્તાને નુકસાન પહોંચ્યું છે; તેના કારણે આખેઆખું ગામ સ્થળાંતર કરી ગયું છે

સતત દરિયાઈ ધોવાણથી મકાનોને નુકસાન થયું છે

ઓડિશાના ગંજમ જિલ્લાના અર્જીપલ્લી ગામમાં સતત દરિયાઈ ધોવાણ થઈ રહ્યું છે

ઔતી પોદામપેટા ગામમાં (નુકસાન પામેલ) એક ઘરનો કાટમાળ જોઈ રહ્યા છે
*****
પી.
ઈન્દ્રા, 22
ડો.
આંબેડકર
ઈવનિંગ
એજ્યુકેશન
સેન્ટરમાં
બીએસસી
ભૌતિકશાસ્ત્રના
વિદ્યાર્થિની
અરપાલયમ,
મદુરાઈ,
તમિળનાડુ
" તમારી, તમારી આસપાસની સ્થિતિની અને તમારા લોકો જ્યારે કામ પર હોય ત્યારે તેની તસવીરો લો, તેનું દસ્તાવેજીકરણ કરો."
પલની અન્નાએ મને કેમેરા આપ્યો ત્યારે આ શબ્દો કહ્યા હતા. હું અહીં આવીને રોમાંચિત હતી કારણ કે શરૂઆતમાં મારા પિતાએ મને કાર્યશાળામાં જોડાવાની પરવાનગી આપી ન હતી અને મને એ પરવાનગી આપવા તેમને રાજી કરવા માટે થોડું સમજાવવા પડ્યા હતા. આખરે તેઓ જ મારી ફોટોગ્રાફીનો વિષય (સબ્જેક્ટ) બની ગયા.
હું સફાઈ કામદારો વચ્ચે રહું છું. મારા પિતાની જેમ તેમને પણ લાગે છે કે જુલમી જ્ઞાતિ પ્રથાને કારણે તેઓ આ વારસાગત કામમાં ફસાયેલા છે. મારા પિતા એક સફાઈ કામદાર હોવા છતાં મેં કાર્યશાળામાં ભાગ લીધો એ પહેલા હું તેમના કામ અને તેની સાથે સંકળાયેલા પડકારોથી વાકેફ નહોતી. મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે સારું ભણ અને સરકારી નોકરી મેળવી લે, અને અમારી શાળાના શિક્ષક અમને કહેતા રહેતા - જિંદગીમાં ક્યારેય સફાઈ કામદાર ન બનશો.
મારા પિતા કામ પર ગયા ત્યારે બે-ત્રણ દિવસ હું તેમની સાથે ગઈ અને તેમનું દસ્તાવેજીકરણ કર્યું ત્યારે જ મને તેમનું કામ સમજાયું. સફાઈ કામદારો કેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તનતોડ મહેનત કરે છે - યોગ્ય હાથ-મોજા અને બૂટ વિના ઘરેલુ કચરો અને ઝેરી કચરો કઈ રીતે હાથ વડે ઉઠાવે છે - એ મેં નજરે જોયું. તેઓ વહેલી સવારે છના ટકોરે કામ પર હાજર થઈ જાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને જો તેઓ એક સેકન્ડ પણ મોડા પહોંચે તો જેમની નીચે તેઓ કામ કરે છે તે સત્તાધિકારીઓ અને ઠેકેદારો તેમની સાથે અમાનવીય વર્તન કરે છે.
મારા કેમેરાએ મને મારી પોતાની જિંદગીના એ પાસાં બતાવ્યા જે હું મારી સગી આંખોથી નોંધવામાં નિષ્ફળ ગઈ હતી. એ અર્થમાં એ ત્રીજી આંખ ખોલવા જેવું હતું. જ્યારે મેં મારા પિતાની તસવીર લીધી ત્યારે તેમણે મારી સાથે તેમના રોજિંદા સંઘર્ષોની અને તેમના યુવાનીના દિવસોથી તેઓ આ કામ કરવા માટે કેવી રીતે ફસાયેલા છે એની વાતો કરી. આ વાતચીતે અમારી વચ્ચેના સંબંધને મજબૂત બનાવ્યો.
આ કાર્યશાળા અમારા બધાના જીવનમાં એક મુખ્ય વળાંક હતો.

કોમસ પાલયમ, મદુરાઈ ખાતે રહેવાસીઓ પોતાને ઘેર

પી. ઈન્દ્રાના પિતા પાંડીને 13 વર્ષની ઉંમરે સફાઈ કામદાર તરીકેનું કામ કરવાની ફરજ પડી હતી કારણ કે તેમના માતા- પિતાને પાંડીને ભણાવવાનું પોસાતું નહોતું – પાંડીના માતાપિતા પણ સફાઈ કામદારો હતા. તેમના જેવા બીજા કામદારો પણ યોગ્ય હાથ- મોજા અને બૂટના અભાવે ચામડીના રોગો અને સ્વાસ્થ્યને લગતી બીજી સમસ્યાઓથી પીડાય છે

સુરક્ષા સામગ્રી વિના જાહેર શૌચાલયની સફાઈ કરી રહેલ પાંડી. તેમની કમાણીથી તેઓ પોતાના બાળકોને શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરી શકે છે; આજે તેમના બાળકો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે

કાલેશ્વરી એક સફાઈ કામદારની દીકરી અને પત્ની છે. તેઓ કહે છે કે તેમના બાળકોને આ વિષચક્રમાંથી મુક્ત કરવા માટે શિક્ષણ એ જ એકમાત્ર સાધન છે
*****
સુગંતિ માણિકવેલ, 27
માછીમાર મહિલા
નાગપટ્ટિનમ, તમિળનાડુ
કેમેરાએ મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. કેમેરા પકડવાથી મેં જુદા પ્રકારની સ્વતંત્રતા અનુભવી અને મારામાં એક અલગ આત્મવિશ્વાસ આવ્યો. તેનાથી હું ઘણા બધા લોકોના સંપર્કમાં આવી. મેં મારી આખી જિંદગી નાગાપટ્ટિનમમાં વિતાવી હોવા છતાં હાથમાં કેમેરા સાથે બંદરની આ મારી પહેલી મુલાકાત હતી.
મેં 60 વર્ષના મારા પિતા માણિકવેલની તસવીરો લીધી, તેઓ પાંચ વર્ષના હતા ત્યારથી માછીમારી કરતા આવ્યા છે. લાંબા સમય સુધી દરિયાના ખારા પાણીના સંપર્કમાં રહેવાને કારણે તેમના અંગૂઠા સુન્ન થઈ ગયા છે; હવે તેમના અંગૂઠામાં લોહીનું પરિભ્રમણ મર્યાદિત પ્રમાણમાં થાય છે પરંતુ તેમ છતાં અમારું ભરણપોષણ કરવા તેઓ રોજેરોજ માછીમારી કરે છે.
56 વર્ષના પૂપતિ અમ્મા વેલ્લાપલ્લમના છે. 2002 માં શ્રીલંકાના નૌકાદળોએ તેમના પતિની હત્યા કરી હતી ત્યારથી જીવનનિર્વાહ માટે તેમણે માછલી ખરીદવાનું અને વેચવાનું શરૂ કર્યું છે. મેં જેમની તસવીર લીધી છે તેવા બીજા એક માછીમાર મહિલા હતા તંગમ્મલ, તેમના પતિને સંધિવા છે અને તેમના બાળકો શાળાએ જાય છે, તેથી તેમણે નાગાપટ્ટિનમની શેરીઓમાં માછલી વેચવાનું શરૂ કર્યું હતું. પલંગલ્લીમેડુની મહિલાઓ ઝીંગા ફાંસાનો ઉપયોગ કરીને અને દરિયામાંથી માછલી પકડે છે; મેં આજીવિકાના આ બંને પ્રકારોનું દસ્તાવેજીકરણ કર્યું છે.
મારો જન્મ માછીમારીના ધંધા સાથે સંકળાયેલા ગામમાં થયો હોવા છતાં એક ચોક્કસ ઉંમર પછી હું ભાગ્યે જ દરિયા કિનારે જતી હતી. જ્યારે મેં તસવીરો દ્વારા દસ્તાવેજીકરણ કરવાનું શરૂ કર્યું ત્યારે હું મારા સમુદાયને અને અમારા રોજિંદા જીવનમાં અમે જે સંઘર્ષોનો સામનો કરીએ છીએ તેને સમજી શકી હતી.
હું આ કાર્યશાળાને મારા જીવનની સૌથી મોટી તક માનું છું.

નાગપટ્ટિનમના વેલપ્પમમાં શક્તિવેલ અને વિજય ઝીંગાને ફસાવવા માટે બિછાવેલી જાળ ખેંચે છે

પોતાની જાળમાંથી ઝીંગા ભેગા કર્યા પછી કોડીસેલવી વનવનમહાદેવીના દરિયા કિનારે આરામ કરે છે

નાગાપટ્ટિનમમાં વનવનમહાદેવી ખાતે અરુમુગમ અને કુપ્પમલ ( પકડાયેલી) ઝીંગા ( ભેગા કરવા) માટે આખી જાળ પૂરેપૂરી તપાસે છે

ઝીંગા પકડવા માટેની જાળ ખેંચવા તૈયાર ઈન્દિરા ગાંધી ( ફોકસમાં)

કેસવન અવરિકાડુમાં નહેરમાં જાળ નાખવાની તૈયારી કરે છે

જ્યારે સારડીન માછલીઓની સિઝન હોય ત્યારે મોટી સંખ્યામાં માછલીઓ પકડવા માટે ઘણા માછીમારોની જરૂર પડે છે
*****
લક્ષ્મી
એમ., 42
માછીમાર
મહિલા
તિરુમુલ્લઈવાસલ,
નાગપટ્ટિનમ, તમિળનાડુ
જ્યારે તસવીરકાર (ફોટોગ્રાફર) પલની માછીમાર મહિલાઓને તાલીમ આપવા માટે ફિશિંગ વિલેજ, તિરુમુલ્લઈવાસલ આવ્યા ત્યારે અમે બધા જ પરેશાન હતા કે અમે શેની તસવીરો લઈશું અને અમે એ શી રીતે કરી શકીશું. પણ જેવો અમે કેમેરા હાથમાં પકડ્યો કે તરત જ આ પરેશાનીઓ અદૃશ્ય થઈ ગઈ અને અમારામાં વધુ આત્મવિશ્વાસ આવ્યો અને અમને અમારી પોતાની જાત પર વિશ્વાસ બેસવા લાગ્યો.
પહેલે દિવસે અમે આકાશ, દરિયાકિનારો અને આસપાસની બીજી વસ્તુઓની તસવીરો લેવા કિનારે ગયા ત્યારે અમે શું કરી રહ્યા છીએ તેવો સવાલ કરી ગામના આગેવાને અમને અટકાવ્યા. તેઓ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા અને અમને તસવીરો લેતા રોકવા માગતા હતા. જ્યારે અમે આગળના ગામ ચિન્નાકુટ્ટીમાં ગયા ત્યારે આવી અડચણો ન આવે એ માટે અમે અગાઉથી ગામના પ્રમુખની પરવાનગી લીધી હતી.
પલની હંમેશા આગ્રહ રાખે છે કે જે તસવીરો ધૂંધળી આવી હોય તે અમે ફરીથી લઈએ; એનાથી અમને અમારી ભૂલોને સમજવામાં અને સુધારવામાં મદદ મળે છે. હું ઉતાવળમાં કોઈ નિર્ણયો અથવા પગલાં ન લેવાનું શીખી. આ અનુભવ અમારા વિકાસમાં ખૂબ મદદરૂપ થાય એવો હતો.
*****
નૂર
નિશા કે., 17
બી.વોક ડિજિટલ જર્નાલિઝમ,
લોયલા કોલેજ
તિરુવોત્રીયુર,
ઉત્તર ચેન્નાઈ, તમિળનાડુ
જ્યારે મારા હાથમાં પહેલીવાર કેમેરા સોંપવામાં આવ્યો ત્યારે એ કેટલા મોટા ફેરફારો લાવશે એની મને ખબર નહોતી. હું ચોક્કસપણે કહી શકું કે મારી જિંદગીને બે ભાગોમાં વહેંચી શકાય - ફોટોગ્રાફી પહેલાંની અને એ પછીની. મેં ખૂબ જ નાની ઉંમરે મારા પિતાને ગુમાવ્યા હતા અને ત્યારથી મારી માતા અમારું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
પલાની અન્નાએ લેન્સ દ્વારા મને એક એવી દુનિયા બતાવી જે મારા માટે સંપૂર્ણપણે અલગ અને નવી જ હતી. હું સમજી ગઈ કે અમે જે તસવીરો લઈએ છીએ તે માત્ર તસવીરો નથી પણ એ એવા દસ્તાવેજો છે જેના દ્વારા અમે અન્યાય સામે સવાલ ઉઠાવી શકીએ છીએ.
તેઓ ઘણીવાર અમને ફક્ત એક જ વાત કહે છે: "ફોટોગ્રાફીમાં વિશ્વાસ રાખો, તે તમારી જરૂરિયાતોને પૂરી કરશે." મને આ સાચું લાગ્યું છે અને ક્યારેક કામ કરવા માટે બહાર ન જઈ શકતી મારી માતાને હું હવે મદદ કરી શકું છું.

ચેન્નાઈ નજીકના એન્નોર બંદર પર ઔદ્યોગિક પ્રદૂષકો ત્યાંના વાતાવરણને માનવ જીવન માટે અયોગ્ય બનાવે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં બાળકો રમતવીર બનવા માટેની તાલીમ લઈ રહ્યા છે

સમુદાયના યુવા ખેલાડીઓને દરરોજ ઝેરી વાયુઓ ફેલાવતા ઔદ્યોગિક પ્લાન્ટની નજીક તાલીમ લેવી પડે છે
*****
એસ.
નંદિની, 17
એમ.ઓ.પી. વૈષ્ણવ
કોલેજ ફોર વુમનમાં પત્રકારત્વના
વિદ્યાર્થિની
વ્યાસરપાડી,
ઉત્તર ચેન્નાઈ, તમિળનાડુ
(ફોટોગ્રાફી માટેના) મારા સૌથી પહેલા વિષયો હતા મારા ઘરની નજીક રમતા બાળકો. તેઓ રમતા હતા ત્યારે મેં તેમના આનંદી ચહેરાઓને કેમેરામાં કેદ કરી લીધા હતા. કેમેરા દ્વારા વિશ્વને કેવી રીતે જોવું તે હું શીખી. હું સમજી ગઈ કે દ્રશ્યોની ભાષા સરળતાથી સમજી શકાય છે.
કેટલીકવાર ફોટો-વોક પર તમને કંઈક એવું મળે છે જેની તમે અપેક્ષા જ ન રાખી હોય અને મને ત્યાંથી ખસવાનું મન જ ન થાય. પારિવારિક હૂંફમાં જે પ્રકારનો આનંદ મળે એ પ્રકારનો આનંદ મને ફોટોગ્રાફીમાંથી મળે છે.
હું ડો. આંબેડકર પાગુતરિવ પાડસાલઈમાં ભણતી હતી ત્યારે એક દિવસ અમને ડો. આંબેડકર મેમોરિયલની મુલાકાતે લઈ જવામાં આવ્યા. એ મુલાકાતમાં તસવીરોએ જાણે મારી સાથે વાતો કરી. પલની અન્નાએ હાથેથી મેલું ઉપાડનાર સફાઈ કામદારના મૃત્યુ અને તેમના શોક્ગ્રસ્ત પરિવારનું દસ્તાવેજીકરણ કર્યું હતું. પરિવારના સભ્યોની એ તસવીરોએ તેમની ઉદાસી, ભરપાઈ ન થઈ શકે એવી ખોટ અને દુ:ખને શબ્દોમાં ક્યારેય ન વર્ણવી શકાય એટલી સચોટ રીતે વ્યક્ત કર્યા હતા. અમે ત્યાં પલની અન્નાને મળ્યા ત્યારે અમે પણ આવી તસવીરો લઈ શકીએ છીએ એમ કહી તેમણે અમને પ્રોત્સાહિત કર્યા હતા.
જ્યારે તેમણે વર્ગો લેવાનું શરૂ કર્યું ત્યારે હું શાળાના પ્રવાસ પર હોવાથી હાજર રહી શકી નહોતી. તેમ છતાં હું પાછી ફરી એ પછી તેમણે મને અલગથી શીખવ્યું અને મને તસવીરો લેવા માટે પ્રોત્સાહિત કરી. કેમેરા કેવી રીતે કામ કરે છે તેની અગાઉ મને કોઈ જાણકારી નહોતી પણ પલની અન્નાએ મને એ શીખવ્યું. અમારી ફોટોગ્રાફીના વિષય બાબતે અમને જાતે સંશોધન કરવા દઈને પણ તેમણે અમને માર્ગદર્શન આપ્યું. (ફોટોગ્રાફી શીખવાની મારી) આ સફરમાં મને ઘણા નવા પરિપ્રેક્ષ્ય અને અનુભવો મળ્યા.
ફોટોગ્રાફીના મારા આ અનુભવને કારણે જ મેં પત્રકારત્વ (નો અભ્યાસ કરવાનું) પસંદ કર્યું.

ઉત્તર ચેન્નાઈની નજીકના વિસ્તાર વ્યાસરપાડીનું ઊંચેથી દેખાતું દૃશ્ય

નંદિનીના ઘેર બાબાસાહેબ આંબેડકરની છબી

ચેન્નાઈમાં ડો. આંબેડકર પગુતરિવ પાડસાલઈના વિદ્યાર્થીઓ

ડો. આંબેડકર પગુતરિવ પાડસાલઈ ખાતે ઉત્સાહી વિદ્યાર્થીઓ સમુદાયના સમર્પિત પ્રશિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવે છે

કબડ્ડી રમતા બાળકો

ફૂટબોલ મેચ પછી વિજેતા ટીમ

(તસવીરકાર) નંદિની કહે છે, 'આ પક્ષીઓ વારંવાર મને યાદ અપાવે છે કે મારા આખા સમુદાયને સમાજે કઈ રીતે (સામાજિક બંધનોના) પાંજરામાં પૂરી દીધો હતો. હું માનું છું કે અમારા નેતાઓના ઉપદેશો અને અમારી વિચારધારા અમને આ પાંજરામાંથી છોડાવશે
*****
વી.
વિનોદિની, 19
કમ્પ્યુટર
એપ્લિકેશનના
સ્નાતક
કક્ષાના
વિદ્યાર્થિની
વ્યાસરપાડી,
ઉત્તર
ચેન્નાઈ,
તમિળનાડુ
હું આટલા વર્ષોથી મારા પડોશથી પરિચિત છું, પરંતુ જ્યારે મેં તેને મારા કેમેરામાંથી જોયો ત્યારે મને એક નવો જ અંદાજ મળ્યો. પલની અન્ના કહે છે, "તસવીરો તમારા વિષયોની જિંદગીને કેદ કરે એવી હોવી જોઈએ." જ્યારે તેઓ પોતાના અનુભવોની વાત કરે છે ત્યારે (તેમની આંખોમાં) તસવીરો, વાર્તાઓ અને લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ (સ્પષ્ટપણે) જોઈ શકાય છે. પલની અન્ના વિષેની મારી પ્રિય સ્મૃતિની વાત કરું તો એ છે જેમાં તેઓ એક સાવ સાધારણ બટન ફોન પર તેમની માતા - એક માછીમાર મહિલા - ની તસવીર લઈ રહ્યા છે.
મેં જે પહેલી તસવીર લીધી હતી તે દિવાળી પર મારા પાડોશીની પારિવારિક તસવીર હતી. તે ખૂબ જ સરસ આવી હતી. એ પછી મેં મારા લોકોની વાર્તાઓ અને અનુભવો દ્વારા મારા શહેરનું દસ્તાવેજીકરણ કરવાનું ચાલુ રાખ્યું.
ફોટોગ્રાફી વિના મને મારી જાતને જોવાની તક ક્યારેય મળી ન હોત.
*****
પી. પૂનકોડી
માછીમાર
મહિલા
સેરુતુર
,
નાગપટ્ટિનમ
,
તમિળનાડુ
મારા લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ક્યારેય હું મારા પોતાના વતનના દરિયા કિનારે ગઈ નથી. પણ મારો કેમેરા મને દરિયામાં લઈ ગયો. દરિયામાં બોટ કેવી રીતે ધકેલવામાં આવે છે, માછીમારીની પ્રક્રિયા અને આ સમુદાયમાં મહિલાઓના યોગદાન એ બધાનું મેં દસ્તાવેજીકરણ કર્યું.
કોઈને ફક્ત તસવીરો લેવા માટેની તાલીમ આપવી સરળ છે, પરંતુ તસવીરકારને તસવીરો દ્વારા વાર્તા કહેવાની તાલીમ આપવી એ કોઈ નાનીસૂની વાત નથી; પલની અમારે માટે એ કરે છે. તેમણે અમારી તાલીમમાં અમને સમજાવ્યું કે લોકોનો ફોટો પાડતા પહેલા અમારે તેમની સાથે કેવી રીતે ઘરોબો કેળવવો જોઈએ. એનાથી મારામાં લોકોના ફોટા પાડવાનો વિશ્વાસ આવી ગયો.
મેં માછીમારી સમુદાયના વિવિધ વ્યવસાયો - માછલીનું વેચાણ, સફાઈ અને હરાજી - નું દસ્તાવેજીકરણ કર્યું. આ તકે મને (માછલી વેચનાર) ફેરિયા તરીકે કામ કરતી સમુદાયની મહિલાઓની જીવનશૈલીને નજીકથી જોવા અને સમજવામાં પણ મદદ કરી. આ કામ માટે તેમણે તેમના માથા પર માછલીથી ભરેલી ભારે ટોપલીઓને સંતુલિત કરવી પડે છે.
કુપ્પુસ્વામી પરની મારી ફોટોસ્ટોરીમાં મેં તેમના જીવન વિશે જાણ્યું – તેઓ સરહદો પર માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાના નૌકાદળ દ્વારા સમુદ્રમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પરિણામે તેમણે તેમના હાથ-પગ અને તેમનો અવાજ પણ ગુમાવી દીધા હતા.
હું તેમને મળી અને તેઓ કપડાં ધોવા, બાગકામ અને સફાઈ કરવા જેવા પોતાના રોજિંદા કામો કરતા હતા ત્યારે હું તેમને અનુસરી. તેઓ પોતાના હાથ-પગ પર ભરોસો રાખી શકે તેમ ન હોવાને કારણે તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે હું સમજી શકી. તેમણે મને બતાવ્યું કે આ નાના-નાના કામ કરવામાં તેમને ખૂબ ખુશી મળતી હતી. તેમની વિકલાંગતાને કારણે તેઓ બહારની દુનિયાથી દૂર થઈ ગયા છે એની તેમને ચિતા નહોતી, પરંતુ કેટલીકવાર તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે જેને કારણે તેમને મરી જવાની ઈચ્છા થઈ જાય છે.
મેં સારડીન પકડતા માછીમારો પર તસવીરોની શૃંખલા (ફોટો સિરીઝ) કરી. સારડીન સામાન્ય રીતે સેંકડોની સંખ્યામાં પકડાય છે અને તેથી તેમને સાંભળવી (દરિયામાંથી બહાર કિનારે લાવીને જાળમાંથી એક પછી એક બહાર કાઢવી) એ એક મોટો પડકાર બની જાય છે. પુરુષો અને મહિલાઓ આ માછલીઓને જાળમાંથી કાઢીને બરફના બોક્સમાં સંગ્રહિત કરવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરે છે એનું મેં દસ્તાવેજીકરણ કર્યું.
એક મહિલા તસવીરકાર તરીકે એ એક પડકાર છે અને સમુદાયમાંથી હોવા છતાં અમને 'તમે તેમની તસવીર શા માટે લો છો? મહિલાઓએ શા માટે તસવીરો લેવી જોઈએ?' જેવા સવાલો કરવામાં આવે છે.
હવે પોતાને તસવીરકાર તરીકે ઓળખાવતી આ માછીમાર મહિલાની પાછળનું મુખ્ય બળ છે પલની અન્ના.

હાલ 67 વર્ષના વી. કુપ્પુસામી, તેમના કટ્ટુમારમ પર માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાના નૌકાદળ દ્વારા તેમને ગોળી મારી દેવામાં આવી હતી
*****

પલની સ્ટુડિયોના ઉદ્દઘાટનના દિવસે લેવામાં આવેલ તસવીર, ફોટોગ્રાફીની દુનિયામાં પલનીના જીવનના ત્રણ આધારસ્તંભો: કવિતા મુરલીધરન, યેળિલ અન્ના અને પી. સાંઈનાથ. આ સ્ટુડિયોનો હેતુ સામાજિક અને આર્થિક રીતે પછાત સમુદાયોના યુવાનોને તાલીમ આપવાનો છે

પલનીના સ્ટુડિયોના ઉદ્દઘાટનના દિવસે તેમના મિત્રો. આ સ્ટુડિયોએ સમગ્ર તમિળનાડુમાં પત્રકારત્વના 3 વિદ્યાર્થીઓ અને 30 ફોટોગ્રાફરો આપ્યા છે
પલની સ્ટુડિયો દર વર્ષે 10-10 સહભાગીઓ સાથે બે ફોટોગ્રાફી કાર્યશાળાઓનું આયોજન કરવા માગે છે. કાર્યશાળા પછીના છ મહિના દરમિયાન સહભાગીઓને તેમની વાર્તાઓ વિકસાવવા માટે કામ કરવા માટે અનુદાન આપવામાં આવશે. અનુભવી તસવીરકારો અને પત્રકારોને કાર્યશાળા યોજવા અને સહભાગીઓના કાર્યની સમીક્ષા કરવા માટે આમંત્રિત કરવામાં આવશે, સહભાગીઓએ કરેલા કામને પછીથી પ્રદર્શિત કરવામાં આવશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક