“એથ્થે રોટી કાથ મિલદી હૈ, ચિટ્ટા સરે આમ મિલદા હૈ [અહીં, ખોરાકની અછત છે, પરંતુ હેરોઇન સરળતાથી મળી રહે છે]”
હરવંસ કૌરનો એકમાત્ર પુત્ર માદક દ્રવ્યોનો વ્યસની છે. 25 વર્ષીય યુવક, કે જે હમણાં નવો નવો પિતા પણ બન્યો છે, તેની અસહાય માતા કહે છે, “અમે તેને રોકવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે હજુ પણ લડી ઝઘડીને છે, બધા પૈસા પડાવી લે છે, અને તેને ડ્રગ્સ પર ખર્ચી નાખે છે.” તેઓ કહે છે કે ચિટ્ટા (હેરોઇન), ઇન્જેક્શન અને સાયકોટ્રોપિક પદાર્થોની કેપ્સ્યુલ્સના સ્વરૂપમાં ગોળીઓ તેમના ગામમાં સરળતાથી ઉપલબ્ધ છે.
“જો સરકાર ઇચ્છે તો તેઓ માદક દ્રવ્યોના દુરૂપયોગને અટકાવી શકે છે. અને જો તે આવું નહીં કરે, તો અમારા વધુ બાળકો મરતા રહેશે.” હરવંસ કૌર એક દૈનિક વેતન મજૂર છે, જેઓ રાઓકે કલાન ગામમાં બટાટાના સંગ્રહ એકમમાં કામ કરે છે. તેઓ દિવસમાં જેટલી થેલીઓ ભરે તેના આધારે તેમની આવક નક્કી થાય છે, જેમાં તેમને પ્રત્યેક થેલી દીઠ 15 રૂપિયા મળે છે. તેઓ દિવસમાં 12 થેલીઓ ભરી શકે છે, જેનાથી તેઓ એક દિવસમાં આશરે 180 રૂપિયા કમાય છે. તેમના પતિ, 45 વર્ષીય સુખદેવ સિંહ, તેમના ગામ નંગલથી ચાર કિલોમીટર દૂર નિહાલ સિંહ વાલામાં એક વેરહાઉસમાં દૈનિક વેતનનું કામ કરે છે. તેઓ પણ ઘઉં અથવા ચોખાની થેલીઓ ભરે છે અને જ્યારે કામ ઉપલબ્ધ હોય તે દિવસે 300 રૂપિયા કમાય છે. તેમનો પરિવાર તેમની આ કમાણી પર આધાર રાખે છે.
પંજાબના મોગા જિલ્લાના આ ગામમાં તેમનાં પાડોશી કિરણ કૌર સીધાં જ મુદ્દા પર આવતાં કહે છે, “જે કોઈ પણ અમારા ગામમાંથી ડ્રગ્સ નાબૂદ કરવાનું વચન આપશે તેને અમારો મત મળશે.”
કિરણની આ સ્પષ્ટ માંગ એ હકીકત સાથે જોડાયેલી છે કે તેમના પતિ પણ માદક દ્રવ્યોના વ્યસની છે. બે બાળકો — ત્રણ વર્ષની પુત્રી અને છ મહિનાના પુત્ર — નાં માતા કહે છે, “મારા પતિ કામચલાઉ મજૂર તરીકે કામ કરે છે અને માદક દ્રવ્યોના વ્યસની છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આવું જ કરી રહ્યા છે. તે જે પણ કમાય છે, તેને ડ્રગ્સ પર ખર્ચી નાખે છે.”
પોતાના આઠ સભ્યોના પરિવારના ઘરની દિવાલોમાં મોટી તિરાડો બતાવતાં તેઓ કહે છે, “ઓરડાઓના સમારકામ માટે પૈસા ક્યાંથી આવશે?”

પંજાબના મોગા જિલ્લાના નંગલ ગામમાં હરવંસ કૌર અને તેમના પતિ સુખદેવ સિંહ તેમના એકમાત્ર પુત્રને ડ્રગ્સ છોડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે
મોગા જિલ્લાનું નંગલ ગામ ફરીદકોટ સંસદીય મતવિસ્તારમાં આવે છે, જ્યાં 1 જૂનના રોજ મતદાન થવાનું છે.
છ મહિના પહેલાં, નંગલમાં એક 24 વર્ષીય વ્યક્તિનું ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. ભરપુર યુવાનીમાં થયેલું તે યુવાનનું અવસાન ગામવાસીઓની યાદમાં હજુ પણ તાજું છે. 2008થી નંગલ ગામમાં આશા (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) તરીકે કામ કરી રહેલાં પરમજીત કૌર કહે છે, “ત્યાં બેરોજગારી છે અને મોટાભાગના યુવાનો બેકાર બેસી રહે છે અને તેઓ ખરાબ સંગતમાં પડી જાય છે.”
તેઓ ઉમેરે છે, “ફક્ત સરકાર જ આ [બેફામ ડ્રગની લતની] પરિસ્થિતિને નિયંત્રિત કરી શકે છે.” નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો અનુસાર, 2022માં, પંજાબમાં 144 લોકો (બધા પુરુષો) ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ પામ્યા હતા.
2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ત્રણ મહિનાની અંદર પંજાબને ડ્રગ મુક્ત બનાવશે. ત્યાર પછીના વચનમાં, મુખ્યમંત્રી ભગવંત માને 15 ઓગસ્ટ, 2023ના રોજ પટિયાલામાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે આ રાજ્ય એક વર્ષમાં ડ્રગ્સ મુક્ત થઈ જશે.
રાજ્ય સરકારો, આબકારી વિભાગો દ્વારા, અમુક માદક દ્રવ્યોના વેચાણ, ઉપયોગ, વપરાશ અને હેરફેરને નિયંત્રિત કરે છે. પરંતુ સ્થાનિકો કહે છે કે માદક દ્રવ્યોના વેચાણ અને વેપાર માટે એક સુવ્યવસ્થિત માફિયા પ્રણાલી કાર્યરત છે. નંગલમાં કિસાન મજૂર સંઘર્ષ સમિતિના સભ્ય બુટ્ટા નંગલ કહે છે, “અમારા ગામની બહારના લોકો, જેમની મોગા, લુધિયાણા, બર્નાલા અને અન્ય સ્થળોએ પહોંચ છે, તેઓ આ ડ્રગ્સ અમારા ગામમાં લાવે છે.”


રાજ્ય સરકારો અમુક માદક દ્રવ્યોના વેચાણ, ઉપયોગ, વપરાશ અને હેરફેરને નિયંત્રિત કરે છે. સ્થાનિકો કહે છે કે માદક દ્રવ્યોના વેચાણ અને વેપાર માટે એક સુવ્યવસ્થિત માફિયા પ્રણાલી કાર્યરત છે. મજૂર સંઘર્ષ સમિતિના સભ્ય બુટ્ટા નંગલ (વાદળી કુર્તામાં) તેમના પરિવાર સાથે (ડાબે). નંગલ ગામ (જમણે), જ્યાં અમનદીપ કૌર અને કિરણ કૌર રહે છે
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ , 1985 મુજબ, ભારતમાં ડ્રગ્સનો વપરાશ કરવો અને તેનો કબજો રાખવો એ ફોજદારી ગુનો છે. સુખચૈન સિંહ, જેઓ સમિતિના સભ્ય પણ છે, તેઓ કહે છે, “પરંતુ પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરવા માટે દબાણ હેઠળ છે. જો ધારાસભ્ય ઇચ્છે, તો તેઓ અમારા ગામમાં ડ્રગ્સ આવતાં અટકાવી શકે છે.”
ભૂતપૂર્વ સરપંચ, લખવીર સિંહ પણ હવે કોંગ્રેસ પક્ષ સાથે સંમત થાય છે, એમ કહીને કે, “પિચે તો સરકાર રોકે તેય રુકુગા [જો સરકાર દરમિયાનગીરી કરશે, તો જ તે બંધ થશે].”
નંગલનાં નિવાસી કમલજીત કૌર કહે છે, પરંતુ રાજકારણીઓ આ મુદ્દાની વાત જ નથી કરી રહ્યા. તેઓ કહે છે કે ફરીદકોટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરમજીત અનમોલે તેમની રેલીમાં માદક દ્રવ્યોના દુરૂપયોગ વિશે વાત જ નહોતી કરી. દલિત મઝહબી શીખ સમુદાયનાં 40 વર્ષીય કમલજીત મે મહિનામાં તેમના ગામમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા બોલાવવામાં આવેલી ખુલ્લી બેઠક તરફ જતાં કહે છે, “તેમણે અમને માત્ર મહિલા મતદારોને લાભ આપવાનું વચન આપીને મતદાન કરવાનું કહ્યું હતું. કમનસીબે, કોઈ પણ [રાજકીય] પક્ષોએ તેના વિશે વાત કરી નથી.”
*****
તેમના પતિની લત ઓછું થવાનું નામ નથી લેતી, તેથી પરિવારના ખર્ચા માટેની વ્યવસ્થા કરવાનો બોજો કિરણના માટે આવી પડે છે, જેઓ જમીનમાલિકોના ખેતરોમાં કામ કરે છે. આ 23 વર્ષીય યુવતીને છેલ્લે ફેબ્રુઆરી 2024માં વેતન મળ્યું હતું, જ્યારે તેમણે તેમના નવજાત બાળકને ખેતરમાં તેમની બાજુમાં પ્લાસ્ટિકની કોથળી પર ઝાડના છાંયડામાં રાખીને બટાકા ઉપાડ્યા હતા. આ કામ લગભગ 20 દિવસ સુધી ચાલ્યું હતું. તેમને પહેલાં પ્રતિ દિવસ 400 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું, પણ છેલ્લે ફક્ત 300 રૂપિયા જ ચૂકવવામાં આવ્યા હતા.
તેમની સહેલી અને પાડોશી, અમન દીપ કૌરે પણ તેમની સાથે કામ કર્યું હતું. તેઓ કહે છે કે, [ઉચ્ચ જાતિના] ખેડૂતો તેમને વિરોધ પ્રદર્શનમાં લઈ જાય છે, પણ તેમના જેવા ખેત મજૂરોને યોગ્ય વેતન મળતું નથી. “અમારી પડખે કોણ ઊભું છે? કોઈ નહીં. તેઓ અમને પાછળ રહેવાનું કહે છે, કારણ કે અમે અનુસૂચિત જાતિનાં છીએ; જોકે અમે હર કોઈ કરતાં વધુ મહેનત કરીએ છીએ.”


અમન દીપ કૌર અને કિરણ કૌર (ગુલાબી રંગમાં) નોકરીની શોધમાં યુનાઇટેડ કિંગડમ જઈ રહેલાં સરબજીત કૌરને વિદાય આપવા આવતા સંબંધીઓ માટે રસોઈ બનાવે છે. કિરણનાં સાસુ, બલજિત કૌર (પીળા રંગમાં) પંજાબના નંગલમાં તેમના ગામમાં
કિરણ અને અમન દીપ જેવા દલિતો પંજાબની વસ્તીના 31.94 ટકા છે — જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે (વસ્તી ગણતરી 2011 મુજબ). વિરોધ સ્થળો પર દલિત મજૂરોની મુખ્ય માંગ દૈનિક વેતન વધારીને ઓછામાં ઓછું 700-1,000 રૂપિયા કરવાની હતી.
મહિલા ખેત મજૂરો માટે કામ કરવાની આગામી તક જૂનમાં ખરિફની મોસમની શરૂઆત સાથે આવશે, જ્યારે તેમને ડાંગરની વાવણી માટે એકર દીઠ 4,000 રૂપિયા મળશે, એટલે કે દરેક મજૂરને પ્રતિ દિવસ 400 રૂપિયા. તેઓ ઉમેરે છે, “તે પછી, અમે આખો શિયાળો કામ વગર રહીશું.”
બીજો વિકલ્પ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) કાર્યક્રમ છે, જે દરેક પરિવારને વર્ષમાં 100 દિવસના કામની બાંયધરી આપે છે. જોકે, કિરણનાં સાસુ, 50 વર્ષીય બલજિત કૌર કહે છે કે તેમને તેમના ગામમાં આ યોજના હેઠળ 10 દિવસથી વધુ કામ નથી મળતું.
રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં ટેકો થાય તે માટે, બલજિત એક ઉચ્ચ જાતિની વ્યક્તિના ઘરમાં 200 રૂપિયા પ્રતિ દિવસ માટે કામ કરે છે. અમન દીપ પાઠ્યપુસ્તકને પ્લાસ્ટિક ચડાવી આપીને 20 રૂપિયા કમાય છે. મહિલાઓનું કહેવું છે કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની સરકારે દર મહિને 1000 રૂપિયાની વધારાની આવકના કરેલા વચન પર અમલ કરવામાં આવે, તો તેનાથી ખરેખર મદદ થશે. બલજિત કૌર કહે છે, “અમે સખત મહેનત કરી અને તે ફોર્મ ભરવા માટે 200 રૂપિયા પણ ચૂકવ્યા, પણ તેનાથી કોઈ ફાયદો થયો નહીં.”


મોગા જિલ્લાના નંગલ ગામમાં આવેલું બલજિત અને કિરણનું ઘર. સરબજીત કૌર નોકરીની શોધમાં યુનાઇટેડ કિંગડમ જવા માટે સામાન પેક કરી રહી છે. તેઓ કહે છે, 'અહીં પંજાબમાં અમારો સમય બગાડવાનો કોઈ અર્થ નથી, કારણ કે અહીં નોકરીઓ જ નથી. અહીં માત્ર ડ્રગનો દુરુપયોગ જ [નશો] થાય છે’
હવે વ્યથિત બલજિત તેમની સૌથી નાની 24 વર્ષીય પુત્રી સરબજીત કૌરને નોકરીની શોધમાં યુનાઇટેડ કિંગડમ મોકલવા માટે તૈયાર છે. આ સપનાને સાકાર કરવા માટે, આ પરિવારે 13 લાખ રૂપિયા ખર્ચ થશે. આ માટે તેમણે શાહુકાર પાસેથી તેમની કાર અને મોટરસાયકલ વેચીને ઉછીના નાણાં લીધા છે.
સરબજીતે બે વર્ષ પહેલાં શિક્ષણમાં સ્નાતક [B.Ed] ની પદવી મેળવી હતી, પરંતુ તે પછી પણ તેમને નોકરી નથી મળી. તેઓ કહે છે, “અહીં પંજાબમાં અમારો સમય બગાડવાનો કોઈ અર્થ નથી, કારણ કે અહીં નોકરીઓ જ નથી. અહીં માત્ર ડ્રગનો દુરુપયોગ જ [નશો] થાય છે.”
24 વર્ષીય સરબજીત નોકરી ન મળે ત્યાં સુધી સહેલીઓ સાથે રહેશે. તેઓ કહે છે, “વિદેશ જવાનું મારું બાળપણનું સપનું હતું. હવે, તે સપનું એક જરૂરિયાત બની ગયું છે.” આ પરિવાર આસપાસના ગામડાઓમાં દિવસમાં બે વાર દૂધ પૂરું પાડે છે અને આશરે દૈનિક 1,000 રૂપિયા કમાય છે. આનાથી લોનની ચૂકવણી કરવામાં અને ઘરગથ્થુ ખર્ચને પહોંચી વળવામાં મદદ મળી રહે છે.
બલજિત કે. કહે છે, “માતાપિતા તરીકે, અમારે તેના લગ્ન કરીને તેને વળાવવાની હતી, પણ હાલ અમે તેને વિદેશ મોકલી રહ્યાં છે. ઓછામાં ઓછું તે કંઈક બનીને પોતાના પગભેર થશે, અને પછી તેની પસંદગીના પુરુષ સાથે લગ્ન કરશે”
અનુવાદક: ફૈઝ મોહંમદ