ટેમ્પુ માંઝીના પરિવારનું કહેવું છે કે તેઓ જેલમાં એ ગુનાની સજા કાપી રહ્યા છે, જે ગુનો તેમણે કર્યો જ નથી.
પરિવારનું કહેવું છે કે જહાનાબાદ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પોલિસે કથિત રીતે તેના ઘરમાંથી જપ્ત કરેલ સામાનને પુરાવા તરીકે ટાંક્યો હતો, પણ તે સામાન તે પરિવારનો જ હતો એવું પોલિસ સાબિત કરી શકી નથી.
તેમનાં 35 વર્ષીય પત્ની ગુણા દેવી કહે છે, “તેના પર બનાવટી કેસમાં ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે.”
તેમના દાવાને મજબૂત બનાવતી હકીકત એ છે કે આ કેસમાં નજરે જોનાર પાંચે પાંચ સાક્ષીઓ, કે જેમની જુબાની પર ટેમ્પુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તે બધા પોલીસકર્મીઓ છે. તેમની સુનાવણીમાં એક પણ સ્વતંત્ર સાક્ષીએ જુબાની આપી ન હતી. તેમના પર બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2016 હેઠળ કેસ ચાલી રહ્યો હતો.
ગુણા દેવી કહે છે, “આ દારૂ અમારા ઘરની પાછળના ખેતરમાંથી મળી આવ્યો હતો. અમને ખબર નથી કે તે જમીનનો માલિક કોણ છે. મેં પોલીસને કહ્યું હતું કે તેઓએ જે દારૂ શોધી કાઢ્યો છે તેની સાથે અમારો કોઈ સંબંધ નથી.” પરંતુ પોલીસે તેમના શબ્દો પર ધ્યાન આપ્યું ન હતું. પોલીસકર્મીઓએ તેમની અરજીઓ ફગાવી દેતા કહ્યું હતું, “તોરા ઘર કે પીછે [દારૂ] હાઉ, તા તોરે ન હોતઉ [દારૂ તમારા ઘરની પાછળથી મળી આવ્યો હતો, તો તે બીજા કોનો હોઈ શકે છે]".
ટેમ્પુ માંઝીને 2019માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ બાદ 25 માર્ચ, 2022ના રોજ તેમને પાંચ વર્ષની સખત કેદ અને તેમના ઘરે દારૂ બનાવવા અને વેચવા બદલ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જહાનાબાદ જિલ્લાના કેનારી ગામમાં ટેમ્પુ માઝી અને ગુણા દેવી તેમના ચાર બાળકો સાથે એક ઓરડાના મકાનમાં રહે છે. આ પરિવાર મુસહર સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને અહીં મુસહર ટોળી (ગામ)માં રહે છે. જે દિવસે 20 માર્ચ, 2019ના રોજ તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, તે દિવસે ટેમ્પુ ઘરે હાજર નહોતા – તેઓ જમીનમાલિકોની લણણી ઉપાડીને તેમના ઘરોમાં પહોંચાડવાના કામમાં ખલાસી (સહાયક) તરીકે કામ મેળવવા માટે ઘરેથી વહેલા જ નીકળી ગયા હતા.


ડાબેઃ ટેમ્પુ માંઝીને દોષિત ઠેરવવામાં આવ્યા પછી તેમનાં પત્ની ગુણા દેવીએ જ તેમનાં ચાર બાળકોની સંભાળ રાખવી પડી હતી. જમણેઃ ટેમ્પુ લણણીને વહન કરતી ગાડી પર મજૂર તરીકે કામ કરતા હતા, જ્યાં તેમને દિવસના 400 રૂપિયા મળતા હતા
જાન્યુઆરી 2023માં, જ્યારે પારીએ તેમની ટોળીની મુલાકાત લીધી, ત્યારે ગુણા દેવી અન્ય મહિલાઓ, પુરુષો અને બાળકો સાથે શિયાળાના તડકામાં હૂંફ અનુભવી રહ્યાં હતાં. ચારેબાજુ કચરાના ઢગલા હતા અને દુર્ગંધ અસહ્ય થઈ રહી હતી.
કેનારી ગામની કુલ વસ્તી 2,981 (વસ્તી ગણતરી 2011 મુજબ) છે; જેમાંથી ત્રીજા ભાગની વસ્તી અનુસૂચિત જાતિની છે. તેમાં બિહારમાં મહાદલિત તરીકે વર્ગીકૃત મુસહરોનો પણ સમાવેશ થાય છે, જેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે વંચિત રાજ્યના સૌથી ગરીબ અને સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંના એક છે.
તેઓ કાનૂની પ્રક્રિયાઓ વિશે પણ ખૂબ જ અજાણ છે અને આથી મુશ્કેલીઓમાં મુકાય છે. પટના સ્થિત હિન્દી સામયિક, સબાલ્ટર્નના સંપાદક મહેન્દ્ર સુમન નિર્દેશ કરે છે, “આ કોઈ સંયોગ નથી કે દારૂબંધીના કાયદા હેઠળ સૌપ્રથમ દોષિત મુસહર ભાઈઓને જ ઠેરવવામાં આવ્યા હતા. આ સમુદાયની ઘડવામાં આવેલી નકારાત્મક છાપની પણ તેમાં ભૂમિકા છે.”
સુમન જે મુસહર ભાઈઓનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પેઇન્ટર અને મસ્તાન માંઝી છે, જેઓ દૈનિક મજૂરો છે, અને જેમને દારૂબંધીના કાયદા હેઠળ સૌપ્રથમ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની મે 2017માં ધરપકડ કરવામાં આવી હતી અને 40 દિવસની અંદર તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને પાંચ વર્ષની જેલની સજા અને તે બન્નેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તેઓ ઉમેરે છે કે આ સમુદાય સાથે જોડાયેલા સામાજિક કલંકોના લીધે તેમને દારૂબંધીને લગતા કેસોમાં સીધા નીશાન બનાવવામાં આવી રહ્યા છે. દાયકાઓ સુધી આ સમુદાય સાથે કામ કરી ચૂકેલા અને તેમની વચ્ચે રહેલા સુમન કહે છે, “તેઓ (પોલીસ) જાણે છે કે જો તેઓ મુસાહરોની ધરપકડ કરશે, તો કોઈ સામાજિક સંગઠન જૂથો અથવા નાગરિક સમાજ તેનો (ધરપકડનો) વિરોધ કરશે નહીં.”
ટેમ્પુના કેસમાં, કથિત દારૂ તેમના ઘરની બહાર મળી આવ્યો હોવા છતાં, તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


ડાબેઃ વકીલ રામ વિનય કુમારે ટેમ્પુ માંઝીનો કેસ લડ્યો હતો. તેમણે કહ્યું કે ટેમ્પુ માંઝીના કેસમાં તૈયાર કરવામાં આવેલી જપ્તી યાદીમાં બે સ્વતંત્ર સાક્ષીઓની સહીઓ હતી, પરંતુ તેમની જુબાની રજૂ કરવામાં આવી ન હતી. જમણે: દારૂબંધીના કાયદાને કારણે અદાલતો પર કેસોના વધતા દબાણને કારણે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને ઘણી વખત ઠપકો આપ્યો છે
જહાનાબાદના વકીલ રામ વિનય કુમારે ટેમ્પુનો કેસ લડ્યો હતો. આ કેસમાં પોલીસની તપાસમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “ટેમ્પુ માંઝીના કેસમાં તૈયાર કરવામાં આવેલી જપ્તી યાદીમાં બે સ્વતંત્ર સાક્ષીઓની સહીઓ હતી, પરંતુ તેમની જુબાની રજૂ કરવામાં આવી ન હતી. તેના બદલે દરોડા પાડતી ટીમમાં સામેલ પોલીસકર્મીઓએ કોર્ટમાં સાક્ષી તરીકે જુબાની આપી હતી.”
50 વર્ષીય રામ વિનય છેલ્લા 24 વર્ષથી અહીંની જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. “મેં ટેમ્પુ માંઝીને કહ્યું હતું કે તેઓ તેમના સંબંધીઓને કોર્ટમાં બચાવ પક્ષના સાક્ષી બનવા કહે. પરંતુ તેમના પરિવારના સભ્યોએ મારો સંપર્ક કર્યો ન હતો, તેથી હું આરોપીના બચાવમાં કંઈપણ રજૂ કરી શક્યો ન હતો.”
સ્વતંત્ર સાક્ષીઓના આવા જ અભાવને કારણે અન્ય મુસહર, રામવૃક્ષ માંઝી ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાયા હતા. એક ટોળા સેવક એવા રામવૃક્ષ (નામ બદલ્યું છે) મહાદલિત બાળકોને જહાનાબાદના ઘોસી (ઘોશી) બ્લોકના કાંતા ગામમાં શાળાએ લઈ જઈ રહ્યા હતા.
45 વર્ષીય મેટ્રિક પાસ કરનાર આ વ્યક્તિ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય સહાયક તરીકે કાર્યરત છે, અને તેમનું કામ કાંતા સરકારી પ્રાથમિક શાળામાં નાના બાળકોને મુકવા અને લેવા જવાનું છે.
રામવૃક્ષ લગભગ શાળાએ પહોંચી જ ગયા હતા ને એક ચોકડી પાસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 29 માર્ચ, 2019ની ઘટનાઓને યાદ કરતાં તેઓ કહે છે, “અચાનક લગભગ એક ડઝન પોલીસકર્મીઓ દેખાયા અને તેમાંથી એકે મને કોલરથી પકડી લીધો.” સફેદ પ્લાસ્ટિકના ગેલનનું વાસણ લઈને આવેલ પોલીસે તેને કહ્યું કે તેના ઘરમાંથી છ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. (પરિવારનું કહેવું છે કે પોલીસ ક્યારેય તેમના ઘરે આવી જ ન હતી.)
તેમને સકુરાબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને તેમના પર દારૂબંધી અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો.
રામવૃક્ષ માને છે કે તેની ધરપકડ આના થોડા સમય પહેલા બનેલી ઘટના સાથે સંબંધિત છે. તેઓ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તા પર ઊભેલા પોલીસકર્મીઓને રસ્તો અવરોધતા જોયા. તેથી તેમણે તેમને જગ્યા આપવા કહ્યું અને જવાબમાં, તેઓ કહે છે કે, “પોલીસે મને ગાળો આપી અને મને થપ્પડ પણ મારી હતી”, અને પછી અડધા કલાક પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.


ડાબેઃ 45 વર્ષીય રામવૃક્ષ માંઝી પોતાના ગામ કાંટામાં ટોળા સેવક તરીકે કામ કરે છે. જમણે: રામવૃક્ષ કહે છે કે તેમણે ક્યારેય તેમના ઘરમાં દારૂ બનાવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે દરોડા દરમિયાન તેમણે પોલીસને શાળાએ જવા માટે રસ્તો આપવા કહ્યું હતું, જેના કારણે પોલીસ ગુસ્સે થઈ ગઈ હતી અને આ કાર્યવાહી કરી હતી
પોલીસને જોઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેઓ કહે છે, “જ્યારે મારી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ લોકોથી ભરાઈ ગયું હતું, પરંતુ પોલીસે કોઈને સાક્ષી બનવાનું કહ્યું ન હતું, ન તો તેઓ જપ્તી રજિસ્ટર પર સહી કરવા માટે કોઈ સ્વતંત્ર વ્યક્તિને લાવ્યા હતા.” તેના બદલે, તેમની એફ.આઈ.આર.માં લખવામાં આવ્યું છે કે તેમની ધરપકડ સમયે ગ્રામજનો નાસી ગયા હતા.
જહાનાબાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને તેમની લાંબી કારકિર્દીમાં દારૂબંધી સંબંધિત કેસોમાં બહુવિધ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા વકીલ જીતેન્દ્ર કુમાર ઉમેરે છે કે, “સ્વતંત્ર સાક્ષી હોવા જરૂરી છે, નહીં તો જો પોલીસ સાક્ષી બનશે તો પક્ષપાતી જુબાનીનું જોખમ ઊભું થશે.”
જીતેન્દ્ર કહે છે કે જ્યારે પોલીસ દરોડા પાડવા જાય છે, ત્યારે દરોડા પાડતા દળમાં સામેલ પોલીસકર્મીઓનો સાક્ષી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ગેરકાયદેસર છે અને કાયદાકીય અદાલતમાં આ માન્ય હોવું જોઈએ નહીં.
જ્યારે પોલીસ દરોડા પાડવા ઘટના સ્થળે પહોંચે છે, ત્યારે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડે છે. પરંતુ તેમ છતાં, તેઓ કહે છે, “દરોડા પાડતા દળના સભ્યોને સાક્ષી બનાવવામાં આવે છે. આનાથી ધરપકડ કરાયેલ વ્યક્તિની પોતાની નિર્દોષતા સાબિત કરવાની શક્યતાઓને મોટા પ્રમાણમાં ઘટી જાય છે.”
તેઓ કહે છે, “અમે અદાલતને વિનંતી કરી છે કે દરોડા દરમિયાન જપ્તીનો વીડિયો ફરજિયાત બનાવવામાં આવે. કમનસીબે, અમારા શબ્દો તરફ કોઈ ધ્યાન આપતું નથી.”
બિહારનો દારૂબંધી કાયદો એપ્રિલ 2016થી અમલમાં છે. દરેક જિલ્લામાં દારૂબંધી સંબંધિત કેસો માટે અલગ આબકારી અદાલત હોય છે, જેથી તેમની સુનાવણી ઝડપી ગતિએ થઈ શકે.
વકીલો અને તેઓ જે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેઓ કહે છે કે પ્રતિબંધના કેસોને ઝડપથી ઉકેલવા માટેના દબાણને કારણે પોલીસ તપાસના નિયમોને નેવે મૂકી રહી છે.
![Left: Jitendra says that when the police arrive on the scene at a raid, bystanders throng the area. Despite that, members of the raid party [raiding squad composed of police-people] are made witnesses. This greatly reduces the chances of the accused to prove their innocence.](/media/images/05a-PXL_20230314_075453743-UKR-No_crime_on.max-1400x1120.jpg)

ડાબેઃ જીતેન્દ્ર કહે છે કે જ્યારે પોલીસ દરોડા પાડવા ઘટના સ્થળે પહોંચે છે, ત્યારે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડે છે. પરંતુ તેમ છતાં દરોડા પાડતા દળના સભ્યોને સાક્ષી બનાવવામાં આવે છે. આનાથી ધરપકડ કરાયેલ વ્યક્તિની પોતાની નિર્દોષતા સાબિત કરવાની શક્યતાઓને મોટા પ્રમાણમાં ઘટી જાય છે. જમણેઃ સંજીવ કુમાર કહે છે કે દારૂબંધીના કાયદાને કારણે જહાનાબાદ કોર્ટમાં કેસોની સંખ્યામાં ભારે વધારો થયો છે
અદાલતી કાર્યવાહીનો અહેવાલ આપતી વેબસાઇટ લાઇવ લૉના 24 જાન્યુઆરી 2023ના અહેવાલ અનુસાર, 11 મે, 2022 સુધી, દારૂબંધી અધિનિયમ હેઠળ કુલ 3,78,186 કેસ નોંધવામાં આવ્યા હતા. અદાલતોએ આમાંથી 1,16,103 પર તેમની સુનાવણી શરૂ કરી દીધી હોવા છતાં, 11 મે 2022 સુધીમાં માત્ર 473 કેસોની કાર્યવાહી પૂર્ણ થઈ છે.
માર્ચ 2022 માં, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, એન.બી. રમનાએ ધ્યાન દોર્યું હતું કે દારૂબંધી સંબંધિત જામીનપાત્ર કેસો અદાલતોમાં ભીડ કરી રહ્યા છે, જેના કારણે અન્ય કેસોની કાર્યવાહી ધીમી પડી રહી છે.
જહાનાબાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ સંજીવ કુમાર કહે છે, “સરકારે વિપુલ સંસાધનોને આબકારીના કેસો તરફ વાળ્યા છે, અને અન્ય લોકો માટેની પ્રાથમિકતામાં તીવ્ર ઘટાડો કર્યો છે.”
*****
રામવૃક્ષ માંઝીને જામીન આપવામાં જહાનાબાદ કોર્ટને 22 દિવસ લાગ્યા હતા. તે સમય દરમિયાન, તેમના પરિવારે બધી વ્યવસ્થા કરવા માટે ભાગદોડ કરવી પડી હતી અને અંતે લગભગ અદાલતી કાર્યવાહી પાછળ 60,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા, જે તેમના માસિક વેતનના આશરે છ ગણા છે. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની આગામી સુનાવણી ઓગસ્ટમાં થશે. તેઓ કહે છે, “આ કેસ ચાર વર્ષથી ચાલી રહ્યો છે, આનાથી ખર્ચ પણ વધી રહ્યો છે.”
તેમને ચાર બાળકો છે – ત્રણ દીકરીઓ અને એક દીકરો – જેમની ઉંમર સાતથી 20 વર્ષ સુધીની છે. સૌથી મોટી દીકરી 20 વર્ષની છે અને જ્યાં સુધી કોર્ટ કચેરીનાં આ ચક્કર પૂરાં ન થાય ત્યાં સુધી પરિવાર તેના લગ્ન વિશે વિચારી શકતો નથી. રામવૃક્ષ કહે છે, “મને શાળાએ જવાનું અને ભણાવવાનું મન થતું નથી. હું માનસિક તણાવમાં છું...પાંચ કલાકને બદલે માત્ર બે કલાક જ ઊંઘું છું ".
ગુણા દેવીએ અદાલતમાં મુન્શીને 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. તેમની સામે મૂકેલા એકેય કાગળને ન વાંચી શકનારાં ગુણા દેવી કહે છે, “હું એક કે બે વાર અદાલતમાં ગઈ હતી અને ત્યાં એક મુન્શીને મળી હતી, ત્યાં કોઈ વકીલ નહોતો.”


ડાબેઃ ગુણા દેવી કહે છે કે તેમના પતિ ટેમ્પુ માંઝીને પોલીસે બનાવટી કેસમાં ફસાવ્યા છે. જમણેઃ તેમના પિતાને પાંચ વર્ષની જેલની સજા ફટકાર્યા પછી, 15 વર્ષના રાજકુમારે પરિવારનું ભરણપોષણ કરવા માટે મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું
જ્યારથી ટેમ્પુ જેલમાં છે, ત્યારથી તેમનો પરિવાર પેટનો ખાડો પૂરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેમની પાસે કોઈ જમીન નથી અને ગુણા દેવીને માત્ર વાવણી અને લણણીની મોસમ દરમિયાન જ ખેત મજૂર તરીકેનું કામ મળે છે. તેમનાં ચાર બાળકો – બે છોકરીઓ અને બે છોકરાઓ – બધાની ઉંમર 10થી 15 વર્ષની વચ્ચે છે.
પોતાના વતન મગાહીમાં તેમના 15 વર્ષના દુબળા–પાતળા પુત્ર રાજકુમાર તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “બઉઆ તની–મની કમા હઈ [મારો દીકરો થોડી ઘણી કમાણી કરે છે].” જ્યારે તેમના પિતા 2019માં જેલમાં ગયા ત્યારે રાજકુમાર પાંચમા ધોરણમાં ભણતો હતો, પરંતુ ત્યારથી તેણે શાળા છોડી દીધી છે અને બજારમાં ભરેલા કોથળા ઊંચકવાનું કામ કરે છે, જેનાથી તેને દરરોજ 300 રૂપિયા કમાણી થાય છે. તે સગીર હોવાને કારણે તેમના માટે કોઈ નોકરી મેળવવી પણ મુશ્કેલ છે.
દરમિયાન, પોલીસે ગુણા દેવી પર દારૂબંધી સંબંધિત એક બીજા કેસમાં આરોપ મૂક્યો છે અને તેઓ ‘ફરાર’ હોવાનું કહ્યું છે.
“ધરપકડથી બચવા માટે, હું મારા બાળકો સાથે રાત વિતાવવા માટે એક સંબંધીના ઘરે જાઉં છું. જો તેઓ મને પણ પકડી લેશે તો મારા ચાર બાળકોનું શું થશે?”
કેટલાક સ્થળો અને લોકોના નામ બદલવામાં આવ્યા છે.
આ વાર્તાને બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં - જેમણે આ રાજ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સંઘર્ષોનું સમર્થન કર્યું હતું - શરુ કરાયેલી ફે લોશિપનું સમર્થન મળ્યું છે ,.
અનુવાદક: ફૈઝ મોહંમદ