જેમ જેમ શિયાળું પાકની લણણીનો સમય નજીક આવે છે, તેમ તેમ કૃષ્ણા અંબુલકર દરરોજ સવારે 7 વાગ્યે ઘરે-ઘરે વસુલી, એટલે કે મિલકત અને પાણી વેરાનું વસૂલાત અભિયાન શરૂ કરવા માટે બહાર નીકળે છે.
ઝમકોલીના આ એકમાત્ર પંચાયત કર્મચારી કહે છે, “ખેડૂતો (અહીં) એટલા ગરીબ છે કે 65 ટકા લક્ષ્ય હાંસલ કરવું પણ ખૂબ કઠીન થઈ જાય છે.”
ઝમકોલી નાગપુરથી 75 કિલોમીટર દૂર છે અને તેમાં માના અને ગોવારી (અનુસૂચિત જનજાતિ) સમુદાયો વસે છે, જેઓ મોટાભાગે સીમાંત અને સૂકી જમીન પર ખેતી કરતા નાના ખેડૂતો છે. જો તેમની પાસે કૂવો અથવા બોરવેલની સુવિધા હોય તો તેઓ કપાસ, સોયાબીન, તુવેર અને ઘઉં પણ ઉગાડે છે. ચાલીસ વર્ષીય કૃષ્ણા ગામમાં એકમાત્ર ઓ.બી.સી. છે, જેઓ જાતિ દ્વારા એક નાવી (વાળંદ) છે.
આ વર્ષે બજેટનું મુખ્ય ધ્યાન કૃષિ પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાના નવી દિલ્હીના દાવાઓ અને મધ્યમ વર્ગ માટે કરવેરામાં ઘટાડાની ખુશીથી દૂર, અંબુલકર પંચાયતની કરવેરાની વસૂલાતને લઈને તણાવમાં છે અને ગામના ખેડૂતો પાકના ભાવ સાવ તળીયે પહોંચી ગયા હોવાની ચિંતા કરે છે.
કૃષ્ણાની ચિંતાને સરળતાથી સમજાવી શકાય છેઃ પણ આમાં વાત જરા એમ છે કે જો તેઓ આ કામમાં નિષ્ફળ જાય, તો તેમને તેમનો રૂ. 11,500નો પગાર નહીં મળે, જે પંચાયતના કરવેરાની રૂ. 5.50 લાખ આવકમાંથી ચૂકવવામાં આવે છે.


ડાબેઃ કૃષ્ણા અંબુલકર ઝમકોલી ગ્રામ પંચાયતના એકમાત્ર કર્મચારી છે. તેઓ પંચાયતની કરવેરાની વસૂલાત અંગે ચિંતિત છે, કારણ કે તેમનો પોતાનો પગાર આ વસૂલાતમાંથી જ આવે છે. જમણેઃ ઝમકોલીનાં સરપંચ શારદા રૌતનું કહેવું છે કે અહીંના ખેડૂતો મોંઘવારી અને વધતા ઉત્પાદન ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા છે
ગોવારી સમુદાયના આ ગામનાં સરપંચ શારદા રૌત કહે છે, “અમારો ઉત્પાદન-ખર્ચ બમણો અથવા ત્રણ ગણો થઈ ગયો છે; મહંગાઈ (મોંઘવારી) અમારી બચતને ખાઈ રહી છે.” પોતાની બે એકર પારિવારિક જમીન ખેડવા ઉપરાંત, આ 45 વર્ષીય પોતે ખેતમજૂર તરીકે પણ કામ કરે છે.
પાકના ભાવ કાં સ્થિર થઈ ગયા છે કાં ઘટ્યા છેઃ સોયાબીન 4,850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુતમ ટેકાના ભાવથી લગભગ 25 ટકા નીચે વેચાઈ રહ્યા છે; કપાસના ભાવ વર્ષોથી 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર સ્થિર છે અને તુવેર 7-7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર ચાલી રહી છે, જે એમ.એસ.પી.ની લગભગ સમકક્ષ છે જે પહેલેથી જ નીચા છે.
આ સરપંચ કહે છે કે એક પણ પરિવાર બધા સ્રોતોમાંથી વાર્ષિક રૂ. 1 લાખથી વધુ કમાણી કરતો નથી. જોગાનુજોગ, તાજેતરના કેન્દ્રીય બજેટમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી ઓછા કરવેરા વર્ગમાંથી આવતી વ્યક્તિ આટલી રકમ બચાવશે.
“અમે સરકારી બજેટ વિશે કંઈ જાણતાં નથી,” શારદા કહે છે અને કટાક્ષ કરે છે, “પરંતુ અમે જાણીએ છીએ કે અમારા બજેટમાં ઘટાડો થઈ રહ્યો છે.”
અનુવાદ: ફૈઝ મોહંમદ