રાયપુરના ઉપનગરોમાં ઈંટના ભઠ્ઠા પર બપોરના ભોજનનો સમય છે. શ્રમિકો કાં તો ઝડપથી ભોજન કરી રહ્યા છે અથવા તેમના કામચલાઉ રહેઠાણોમાં આરામ કરી રહ્યા છે.
એક મહિલા પોતાની માટીની ઝૂંપડીમાંથી બહાર આવીને કહે છે, "અમે સતનાના છીએ." અહીંના મોટાભાગના કામદારો મધ્યપ્રદેશના સ્થળાંતરિતો છે. તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં લણણીની મોસમ પૂરી થયા પછી દર વર્ષે છત્તીસગઢની રાજધાનીના આ શહેરમાં આવે છે અને મે અથવા જૂન સુધી છ મહિના માટે અહીં રહે છે. ભારતનો વિશાળ ઈંટ-ભઠ્ઠા ઉદ્યોગ અંદાજે 1 થી 2.3 કરોડ શ્રમિકોને રોજગારી આપે છે (ભારતના ઈંટના ભઠ્ઠામાં ગુલામી (સ્લેવરી ઈન ઈન્ડિયાસ બ્રિક ક્લીન), 2017 ).
આ વર્ષે તેઓ ઘેર પાછા ફરશે ત્યાં સુધીમાં કેન્દ્રમાં નવી સરકાર સત્તા પર આવી ગઈ હશે. પરંતુ એ નેતાઓને ચૂંટવામાં અહીંના સ્થળાંતરિત કામદારોની કોઈ ભૂમિકા હશે કે કેમ એ નક્કી નથી.
પોતાનું નામ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરનાર એક મહિલા પારીને કહે છે, "મત આપવાનો સમય થશે ત્યારે અમને કહેશે."
આ માહિતી કદાચ સંજય પ્રજાપતિ, તેમના શ્રમિક ઠેકેદાર (લેબર કોન્ટ્રાક્ટર) દ્વારા આપવામાં આવશે. ઝૂંપડીઓથી થોડે દૂર ઊભા રહીને સંજય અમને કહે છે, “અમને સતનામાં મતદાન વિશે કશી ખબર નથી. જો અમને ખબર પડશે તો અમે તેમને જાણ કરીશું." સંજય અને અહીંના ઘણા કામદારો (એમપી માં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ કલાસ) તરીકે સૂચિબદ્ધ) પ્રજાપતિ સમુદાયના છે.


ડાબે : શિયાળામાં લણણીની મોસમ પૂરી થઈ જાય પછી મધ્યપ્રદેશના સ્થળાંતરિત શ્રમિકો ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે છત્તીસગઢ જાય છે . તેઓ અહીં ચોમાસા સુધી, છ મહિના, કામચલાઉ રહેઠાણોમાં રહે છે . જમણે : રામજસ મધ્યપ્રદેશના એક યુવાન શ્રમિક છે , તેઓ અહીં તેમના પત્ની પ્રીતિ સાથે આવ્યા છે . પતિ - પત્ની સાથે ભઠ્ઠામાં કામ કરે છે


ડાબે: શ્રમિકો સવારે અને રાત્રે ભઠ્ઠામાં કામ કરે છે, બપોરે જ્યારે તાપમાન વધે છે ત્યારે તેઓ થોડો વિરામ લે છે. જમણે: રામજસ, લેબર કોન્ટ્રાક્ટર સંજય પ્રજાપતિ (ગુલાબી શર્ટમાં) સાથે
એપ્રિલના ધોમધખતા તાપમાં, જ્યાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી શકે છે ત્યાં, ભઠ્ઠા પરના શ્રમિકો ઈંટો બનાવવા, પકવવા, ઊંચકવા અને ટ્રકમાં ચડાવવા જેવા તનતોડ મહેનતના કપરા કામ કરે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (2019) (નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ( 2019 )) ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઈંટો બનાવતા શ્રમિકો રોજના લગભગ 400 રુપિયા કમાય છે. અહેવાલમાં જણાવાયું છે કે જો દંપતી એક એકમ તરીકે કામ કરે તો તેમને 600-700 રુપિયા ચૂકવવામાં આવે છે. અહીંના શ્રમિકોમાં (દંપતી) એક એકમ તરીકે કામ કરે એ સામાન્ય બાબત છે.
દાખલા તરીકે, રામજસ અહીં તેમના પત્ની પ્રીતિ સાથે આવ્યા છે. 20 વર્ષનો આ યુવક એક નાનકડી છાપરી નીચે બેસીને પોતાનો મોબાઈલ ફોન ચેક કરવામાં વ્યસ્ત છે; મતદાનની ચોક્કસ તારીખની તેમને ખબર નથી, તેઓ કહે છે કે મે મહિનામાં ક્યારેક છે.
તેઓ કહે છે, "અમે સતના જઈને મત આપવા માટે 1500 [રુપિયા] ખર્ચતા હતા. એ તો અમારો હક છે.” અમે તેમને પૂછીએ છીએ કે શું બધા શ્રમિકો (મતદાન) કરવા જાય છે. રામજસ અટકે છે અને સંજય વાતચીતમાં વચ્ચે પડે છે. સંજય કહે છે, "સબ જાતે હૈ [બધા જાય છે]."
સતનામાં 26 મી એપ્રિલે મતદાન થયું હતું અને આ પત્રકારે 23 મી એપ્રિલે આ શ્રમિકો સાથે વાત કરી હતી. તે વખતે તેમાંથી કોઈની પાસે ટ્રેનની ટિકિટ નહોતી.
રામજસ સ્થળાંતરિત શ્રમિકોના પરિવારમાંથી આવે છે. તેમના પિતા પણ છત્તીસગઢમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. જ્યારે રામજસ 10 મા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના રામજસે શાળા પૂરી કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના મોટા ભાઈઓ પણ સતના જિલ્લામાં તેમના ગામમાં શ્રમિક તરીકે કામ કરે છે. રામજસ પાંચ વર્ષથી સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરે છે અને તહેવારો દરમિયાન અથવા અચાનક સંકટની સ્થિતિ ઊભી થાય ત્યારે ઘેર જાય છે. ભઠ્ઠામાં કામ પૂરું થઈ જાય ત્યારે પણ તેઓ અહીં જ રહે છે અને નાના-મોટા કામ કરે છે. (2011 ની) વસ્તી ગણતરીના આંકડા અનુસાર મધ્યપ્રદેશમાંથી 2415635 લોકોએ રોજગાર માટે સ્થળાંતર કર્યું હતું.


ડાબે: પકવ્યા પછીની ઈંટોના ઢગલા. જમણે: ગ્રાહકોને મોકલવા માટેનીઈંટો લઈ જતી ટ્રકમાં જતા કામદારો

રામજસ પોતાનો મત આપવા માગે છે, પરંતુ તેમને ચોક્કસ ખબર નથી કે તેમના મતવિસ્તારમાં મતદાન ક્યારે થવાનું છે
પરંતુ માત્ર બીજા રાજ્યોના સ્થળાંતરિત કામદારો જ તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવાનું ચૂકી જશે એવું નથી.
અહીં રાયપુરમાં વિપક્ષની હાજરી લગભગ ન જેવી હોવાને કારણે ચૂંટણી પ્રચાર પ્રમાણમાં મર્યાદિત રહ્યો છે. શહેરની હદમાં આવેલા ઈંટના ભઠ્ઠાની આસપાસ ક્યાંય પોસ્ટરો અને બેનરો જોવા મળતા નથી. નથી કોઈ લાઉડસ્પીકરો મત માગનારા ઉમેદવારોના આવવાની જાહેરાત કરતા.
છત્તીસગઢના બાલોદાબઝાર જિલ્લાના એક મહિલા કામમાંથી ઘડીક વિરામ લઈને ઝાડ નીચે બેઠા છે. તેઓ તેમના પતિ અને ચાર બાળકો સાથે અહીં છે. નવેમ્બર 2023 માં છત્તીસગઢમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "ત્રણ-ચાર મહિના પહેલાં મેં મત આપ્યો હતો." પરંતુ તેઓ કહે છે કે જ્યારે મત આપવાનો સમય આવશે ત્યારે તેઓ પોતાને ગામ જશે. વિધાનસભાની ચૂંટણી વખતે તેમના ગામના સરપંચે સંદેશો મોકલ્યો હતો. અને મુસાફરી અને ભોજન માટે 1500 રુપિયા પણ મોકલ્યા હતા.
તેઓ કહે છે, "જે અમને બોલાવે તે અમારે માટે ચૂકવણી પણ કરે." રાયપુર લોકસભા મતવિસ્તાર હેઠળ બાલોદાબઝાર જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન થવાનું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક