હાલ સવારના 9 વાગ્યા છે, અને મુંબઈનું આઝાદ મેદાન જીવંત છે, જેમાં યુવા ક્રિકેટરો સપ્તાહના અંતની મનોરંજક રમત માટે તૈયાર થઈ રહ્યા છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ આનંદ અને હતાશાભરી ચીસોના અવાજો અવારનવાર કાને પડે છે.
ત્યાંથી માંડ 50 મીટર દૂર, એક બીજી ‘રમત’ ચાલી રહી છે, અને તેમાં 5,000 લોકો સાથે શાંતિથી આગળ વધી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે આ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પ્રશ્ન ગંભીર છે અને ગયા મહિને મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ કરી રહેલા હજારો માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (આશા) – આરોગ્ય સંભાળ કાર્યકરોના માનવ મહેરામણનો કોઈ છેડો દેખાતો નથી. 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આંદોલનના પ્રથમ સપ્તાહમાં 50થી વધુ મહિલા સહભાગીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
એક વ્યસ્ત રસ્તા પરથી નજરે પડે એટલી દૂરી પર 20 વર્ષીય એક આશા કાર્યકર જમીન પર બેસેલાં છે. તેઓ ચિંતાતુર નજરે આજુબાજુ નજર કરે છે, અને તેમની પાસેથી પસાર થતા લોકોથી નજર મિલાવવાનું ટાળે છે. મહિલાઓનું એક જૂથ તેમની આસપાસ ભેગું થાય છે, અને તેઓ ઝડપથી પોતાનાં કપડાં બદલે ત્યારે તેમને દુપટ્ટા અને ચાદરથી ઢાંકી દે છે.
થોડા કલાકો પછી, બપોરના ભોજનના સમયે, બપોરના ધગધગતા તડકામાં, આશા કાર્યકર્તાઓ તેમનાં સહકર્મી રીટા ચાવરેની આસપાસ ભેગાં થાય છે, દરેક પાસે ખાલી ટિફિન બોક્સ, પ્લેટ અને ઢાંકણા પણ છે. જ્યારે 47 વર્ષીય રીટા તેમને ઘરે બનાવેલું ભોજન પીરસે છે ત્યારે તેઓ ધીરજથી તેમનો વારો આવવાની રાહ જુએ છે. થાણે જિલ્લાના તિસગાંવથી 17 અન્ય આશા કાર્યકર્તાઓ સાથે દરરોજ લગભગ બે કલાક આઝાદ મેદાન સુધી મુસાફરી કરતાં રીટા કહે છે, “હું અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલી 80-100 આશા કાર્યકર્તાઓને ખવડાવવાની વ્યવસ્થા કરું છું.”
ફેબ્રુઆરી 2024ના અંતમાં પારી સાથે વાત કરતાં તેઓ ઉમેરે છે, “કોઈ આશા કાર્યકર્તા ભૂખ્યાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે વારાફરતી અહીં આવી રહ્યાં છીએ. પણ હવે અમે બીમાર પડી રહ્યાં છીએ. અને અમે થાકી ગયાં છીએ.”


હજારો માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (આશા) ગયા મહિને મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. એકત્ર થયેલી મહિલાઓને ભોજન પૂરું પાડવા માટે કલ્યાણનાં રીટા ચાવરે અને 17 સાથી આશા કાર્યકર્તાઓ 21 દિવસ માટે દરરોજ મુંબઈના આઝાદ મેદાન મુસાફરી કરીને આવતા હતા . રીટા (જમણે) 2006માં આશા તરીકે જોડાયાં હતાં અને મહારાષ્ટ્રના તિસગાંવમાં 1 , 500થી વધુની વસ્તીને સેવા આપે છે


રાજ્યના 36 જિલ્લાઓમાંથી આશા કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે એકઠી થઈ હતી અને તેમણે અહીં 21 દિવસો અને રાતો વિતાવી હતી અને આમાંથી ઘણાંને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં
જ્યારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, “આશા ચી નિરાશા સરકાર કરનાર નાહીં [સરકાર આશા કાર્યકર્તાઓને નિરાશ નહીં કરે]” ત્યારે 21 દિવસ પછી આખરે આશા કાર્યકર્તાઓ 1 માર્ચના રોજ ઘરે પરત ફર્યાં. મુખ્યમંત્રી એકનાથ શિંદે તે દિવસની શરૂઆતમાં મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બોલી રહ્યા હતા.
આશા કાર્યકરો એક અખિલ મહિલા કાર્યબળ છે, જે 70થી વધુ આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. જો કે, તેમને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ પ્રોગ્રામ (આઇ.સી.ડી.એસ.) અને નેશનલ રૂરલ હેલ્થ મિશન (એન.આર.એચ.એમ.) હેઠળ માત્ર ‘સ્વયંસેવકો’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. તેથી, આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે તેમને જે વેતન મળે છે તેને ‘માનદ વેતન’ તરીકે ઓળખવામાં આવે છે, વેતન કે પગાર તરીકે નહીં.
માનદ વેતન ઉપરાંત, તેઓ પી.બી.પી. (કામગીરી આધારિત ચુકવણી અથવા પ્રોત્સાહનો) મેળવવા માટે હકદાર છે. એન.આર.એચ.એમ. જણાવે છે કે આશા કાર્યકર્તાઓને સાર્વત્રિક રસીકરણ, પ્રજનન અને બાળ આરોગ્ય (આર.સી.એચ.) માટેની સેવાઓ અને અન્ય કાર્યક્રમો આગળ ધપાવવા માટે તેમની કામગીરીના આધારે ઉત્તેજનાર્થ બોનસ મળે છે.
સ્પષ્ટપણે વેતન પૂરતું નથી, જેમ કે આશાઓમાંનાં એક રમા મનાતકાર કહે છે, “બિન પગારી, ફૂલ અધિકારી [પગાર કંઈ નહીં ને જવાબદારીઓ બધી]! તેઓ અપેક્ષા રાખે છે કે અમે અધિકારીઓની જેમ કામ કરીએ, પરંતુ તેઓ અમને પગાર આપવા તૈયાર નથી.”
મુખ્યમંત્રીની તાજેતરની ખાતરી – છેલ્લા કેટલાક મહિનામાં અપાયેલી ઘણી સત્તાવાર ખાતરીઓમાંથી એક – આ વાર્તા પ્રકાશિત થાય તે સમયે સરકારી ઠરાવ (જી.આર.) માં પરિણમી નથી. જેવું દેખાય છે તે પરથી આશાઓને ફક્ત વાયદાઓ જ અપાય છે.
હજારો વિરોધ કરી રહેલી આશા કાર્યકર્તાઓ પગારવધારાનો અમલ કરવા માટે જી.આર. બહાર પાડવાની તેમની ખાતરી – જે સૌપ્રથમ ઓક્ટોબર 2023માં આપવામાં આવી હતી – તેને વળગી રહેવા માટે મહારાષ્ટ્ર વહીવટીતંત્રને મજબૂર કરવા કટિબદ્ધ છે.


ડાબેઃ નાગપુરનાં વનશ્રી ફુલબંધે 14 વર્ષથી આશા કાર્યકર્તા છે. જમણેઃ યવતમલ જિલ્લાની આશા કાર્યકર્તાઓ પ્રીતિ કર્મણકર (એકદમ ડાબી બાજુએ) અને અંતકલા મોરે (એકદમ જમણી બાજુએ) કહે છે કે તેમને ડિસેમ્બર 2023થી પગાર મળ્યો નથી
વનશ્રી ફુલવંદે કહે છે, “લોકો તેમના પોતાના પરિવાર કરતાં આશા પર વધુ વિશ્વાસ કરે છે! આરોગ્ય વિભાગ અમારા પર નિર્ભર છે.” તેઓ નિર્દેશ કરે છે કે તેમની ભૂમિકાનું મૂળભૂત પાસું હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુલભ કરી આપવાનું છે. તેઓ ઉમેરે છે, “જ્યારે પણ ડૉક્ટરોની નવી પોસ્ટિંગ થાય છે, ત્યારે તેઓ પૂછે છેઃ આશા ક્યાં છે? શું અમને તેમનો નંબર લાવી આપશો?”
વનશ્રી 14 વર્ષથી આશા કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ કહે છે, “મેં 150 રૂપિયાથી શરૂઆત કરી હતી, આ વનવાસ જેવું જ છે ને? જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષ પછી અયોધ્યા આવ્યા, ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, બરાબર ને? તમે અમારું સ્વાગત ન કરો તો પણ ઓછામાં ઓછું અમને એક માનધન (માનદ વેતન) આપો જેનાથી અમે આદર અને પ્રામાણિકતા સાથે જીવી શકીએ?”
અને તેમની બીજી માંગ છેઃ શું તેઓ દર વખતે બીજા બધાંની જેમ સમયસર પગાર મેળવી શકે? ત્રણ ત્રણ મહિનાના વિલંબના બદલે?
યવતમલનાં ઝિલા ઉપાધ્યક્ષ (જિલ્લા ઉપાધ્યાક્ષ) આશા કાર્યકર્તા પ્રીતિ કરમનકર પૂછે છે, “જો અમને ચૂકવણીમાં વિલંબ થતો રહેશે, તો અમે કેવી રીતે ગુજારો કરી શકીશું? આશા કાર્યકર્તા સેવા પૂરી પાડે છે પણ તે પોતાના પેટનો ખાડો ભરવા માટે પણ કામ કરે છે. જો તેને પગાર નહીં મળે તો તે કેવી રીતે જીવશે?”
આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ફરજિયાત કાર્યશાળાઓ અને જિલ્લા બેઠકો માટે તેમની મુસાફરીની ભરપાઈમાં પણ ત્રણથી પાંચ મહિનાનો વિલંબ થાય છે. યવતમલના કલંબનાં અંતકલા મોરે કહે છે, “અમને હજુ સુધી 2022થી આરોગ્ય વિભાગ દ્વારા સોંપવામાં આવેલા કાર્યક્રમો માટેનો પગાર નથી મળ્યો. ડિસેમ્બર 2023માં અમે હડતાળ પર હતાં. તેઓએ અમને રક્તપિત્તનું સર્વેક્ષણ કરવા માટે હડતાળ સમેટી લેવા માટે મજબૂર કર્યાં હતાં. પરંતુ તેઓએ હજુ પણ અમને ચૂકવણી કરી નથી. અમને ગયા વર્ષના પોલિયો, હત્તી રોગ [લેસિકા ફાઇલેરિયાસિસ] અને જંત–નાશક [ડિવોર્મિંગ] કાર્યક્રમો માટે પણ ચૂકવણી નથી કરાઈ.”
*****
રીટા 2006માં 500 રૂપિયાના પગાર સાથે આશા તરીકે જોડાયાં હતાં. તેઓ કહે છે, “આજે, મને દર મહિને 6,200 રૂપિયા મળે છે, જેમાંથી 3,000 કેન્દ્ર સરકાર તરફથી અને બાકીના મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવે છે.”
2 નવેમ્બર, 2023ના રોજ રાજ્યના આરોગ્ય મંત્રી, તાનાજીરાવ સાવંતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં 80,000 આશા કાર્યકરો અને 3,664 ગટ પ્રવર્તકો (જૂથ પ્રમોટર) ને અનુક્રમે 7,000 રૂપિયા અને 6,200 રૂપિયાના વધારા સાથે દરેકને 2,000 રૂપિયાનું દિવાળી બોનસ આપવામાં આવશે.


મહામારી દરમિયાન , આશા કાર્યકરો કટોકટી સંભાળની અગ્ર હરોળમાં હતી. તેમને ‘કોરોના યોદ્ધાઓ’ તરીકે બિરદાવવામાં આવ્યાં હોવા છતાં , બદલાપુર (જમણી બાજુ બેઠેલાં) નાં આશા મમતા કહે છે કે તેમને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં રક્ષણાત્મક સાધનો મળ્યાં હતાં


ડાબેઃ વિરોધ પ્રદર્શનનાં આયોજકોમાંની એક એવાં ઉજ્જવલા પડલવારે (વાદળી રંગમાં) કહ્યું કે વિરોધ પ્રદર્શનના પ્રથમ સપ્તાહમાં 50થી વધુ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી , પરંતુ પછી ઘણી આશાઓએ આઝાદ મેદાનમાં પરત ફરીને તેમનો વિરોધ બરકરાર રાખ્યો હતો. જમણેઃ દિવસ–રાત વિરોધ કર્યા પછી આશા કાર્યકર્તાઓ આખરે 1 માર્ચ , 2024ના રોજ ઘરે પરત ફરી, જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ તેમને નિરાશ નહીં કરે
ગુસ્સે ભરાયેલાં મમતા કહે છે, “દિવાલી હોવ નતા હોલી આલી [દિવાળી ય વીતી ગઈ ને હવે હોળીનો સમય આવી ગયો છે] પણ અમારા હાથમાં કંઈ આવ્યું નથી.” તેઓ ઉમેરે છે, “અમે કાંઈ 7,000 કે 10,000 રૂપિયાના પગારવધારાની માંગણી નહોતી કરી. ઓક્ટોબરમાં અમારી શરૂઆતની હડતાળ વધારાની ઓનલાઇન કામગીરી સામે હતી. અમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (પી.એમ.એમ.વી.વાય.) પર દરરોજ 100 ગ્રામવાસીઓની નોંધણી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.”
તેની સત્તાવાર વેબસાઇટ કહે છે તેમ આ યોજના, “ગર્ભાવસ્થા દરમિયાન વેતનના નુકસાનના આંશિક વળતર માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડે છે”. આવું જ લક્ષ્ય નવી શરૂ કરવામાં આવેલી યુ-વિન એપ્લિકેશન માટે રાખવામાં આવ્યું હતું, જેનો હેતુ સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના રસીકરણના રેકોર્ડને સંગ્રહિત કરવાનો છે.
અગાઉ ફેબ્રુઆરી 2024માં 10,000થી વધુ આશા કાર્યકર્તાઓએ શાહપુરથી થાણે જિલ્લા કલેક્ટરની કચેરી સુધી કૂચ કરી હતી, જે 52 કિલોમીટરનું અંતર હતું. મમતા યાદ કરીને કહે છે, “ચાલુન આલોય, તંગડ્યા ટુટલ્યા [અમે આખું અંતર પગપાળા કાપ્યું હતું, અમારા પગ થાકી ગયા હતા]. અમે આખી રાત થાણેની શેરીઓમાં વિતાવી હતી.”
તેમણે જે મહિનાઓ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું તે તેમને ભારે પડી રહ્યા છે. ઉજવ્વલા પડલવાર કહે છે, “શરૂઆતમાં આઝાદ મેદાનમાં 5,000 થી વધુ આશા કાર્યકરો હતી. તેમાંની ઘણી ગર્ભવતી હતી અને કેટલીક તેમના નવજાત શિશુઓ સાથે પણ આવી હતી. અહીં ખુલ્લામાં રહેવું મુશ્કેલ બની રહ્યું હતું અને તેથી અમે તેમને ઘરે પાછાં જવા વિનંતી કરી હતી.” તેઓ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સી.આઈ.ટી.યુ.) નાં રાજ્ય સચિવ છે અને વિરોધ પ્રદર્શનના આયોજકોમાંનાં એક છે. તેઓ ઉમેરે છે કે, ઘણી સ્ત્રીઓએ છાતી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી, અન્યને માથાનો દુખાવો અને નિર્જલીકરણનો સામનો કરવો પડ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
એક વાર આશાઓને રજા આપવામાં આવી, એટલે તેઓ ફરીથી વિરોધ પ્રદર્શનના સ્થળે પરત ફર્યાં હતાં, બસ એક જ નારા સાથે: “આતા આમચા એક જ નારા જીઆર કાઢા [અમારો બસ એક જ નારો છે! બસ જી.આર. બહાર પાડો!].”
*****

ઓક્ટોબર 2023માં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ દરેક આશા કાર્યકર્તાઓ માટે દિવાળી બોનસ પેટે 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મમતા કહે છે, ‘દિવાળી વીતી ગઈ છે અને હવે હોળીનો સમય પણ આવી ગયો ળે, તેમ છતાં અમારા હાથમાં કંઈ આવ્યું નથી’
કાગળ પર, આશાની ભૂમિકા જાહેર આરોગ્ય સેવાઓને દરેક સુધી પહોંચાડવાની હોય છે. પરંતુ વર્ષો વર્ષ સુધી સમુદાયની સંભાળ રાખ્યા પછી, તેઓ ઘણીવાર તેનાથી ય વિશેષ કામ કરે છે. આશા કાર્યકર્તા મમતાનું જ ઉદાહરણ લો ને, જેમણે સપ્ટેમ્બર 2023માં બદલાપુરના સોનેવલી ગામનાં એક ગર્ભવતી આદિવાસી મહિલાને ઘરે જન્મ આપવાને બદલે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનું પસંદ કરવા માટે સમજાવવામાં સફળતા મેળવી હતી.
તેઓ યાદ કરે છેઃ “મહિલાના પતિએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘જો મારી પત્નીને કંઈ થશે તો તે માટે તમે જવાબદાર રહેશો’.” જ્યારે તે માતાને પ્રસૂતિ હતી ત્યારે, “હું એકલી તેને બદલાપુરથી ઉલ્હાસનગર લઈ ગઈ હતી. માતા બાળજન્મ પછી બચી શકી ન હતી. બાળકનું પણ ગર્ભાશયમાં જ મૃત્યુ થયું હતું.”
મમતા સમજાવે છે, “હું વિધવા છું, તે સમયે મારો દીકરો દસમા ધોરણમાં ભણતો હતો. હું સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી અને રાત્રે 8 વાગ્યાની આસપાસ માતાનું અવસાન થયું. મને સવારે 1:30 વાગ્યા સુધી હોસ્પિટલના વરંડામાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. પંચનામું થયા પછી તેઓએ કહ્યું, ‘આશા તાઈ હવે તમે જઈ શકો છો’. દીઢ વાજતા મી એકલી જાઉં? [રાત્રે દોઢ વાગે હું ઘરે એકલી જાઉં?]”
બીજા દિવસે જ્યારે તેમણે રેકોર્ડ્સ અપડેટ કરવા માટે ગામની મુલાકાત લીધી ત્યારે મહિલાના પતિ સહિત કેટલાક લોકોએ દુર્વ્યવહાર કર્યો અને તેમને મૃત્યુ માટે દોષી ઠેરવવામાં આવ્યાં. એક મહિના પછી, મમતાને જિલ્લા સમિતિ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં. તેઓ કહે છે, “તેઓએ મને પૂછ્યું કે ‘માતાનું મૃત્યુ કેવી રીતે થયું અને આશા તાઈએ કઈ ભૂલ કરી હતી?’ જો દિવસના અંતે બધું અમારા માથે જ પડવાનું હોય, તો પછી અમારું માનધન કેમ નથી વધારતા?”
સમગ્ર મહામારી દરમિયાન, સરકારે આશા કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી અને રાજ્યભરના અંતરિયાળ ગામડાઓમાંથી દવાઓના વિતરણ અને ચેપગ્રસ્ત દર્દીઓને શોધવામાં તેમની નિર્ણાયક ભૂમિકા માટે “કોરોના યોદ્ધાઓ” ની પ્રશંસા કરી હતી. જો કે, તેમને વાઇરસથી પોતાને બચાવવા માટે ભાગ્યે જ કોઈ સલામતી સાધનો મળ્યાં હતાં.


કાગળ પર, આશાની ભૂમિકા જાહેર આરોગ્ય સેવાઓ ને દરેક સુધી પહોંચાડવાની હોય છે. પરંતુ વર્ષો વર્ષ સુધી સમુદાયની સંભાળ રાખ્યા પછી, તેઓ ઘણીવાર તેનાથી ય વિશેષ કામ કરે છે. મંદા ખતન (ડાબે) અને શ્રદ્ધા ઘોગલે (જમણે) એ 2010માં આશા કાર્યકર્તા તરીકે પોતાની યાત્રા શરૂ કરી હતી અને આજે તેઓ મહારાષ્ટ્રના કલ્યાણમાં 1500ની વસ્તીની સંભાળ રાખે છે
કલ્યાણના નંદીવલી ગામની આશા કાર્યકર્તાઓ મંદા ખતન અને શ્રદ્ધા ઘોગલે મહામારી સમયના તેમના અનુભવને યાદ કરે છે, “એક વાર, એક સગર્ભા માતાએ બાળજન્મ પછી કોવિડ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. જ્યારે તેમને ખબર પડી કે તેમને વાઇરસનો ચેપ લાગ્યો છે, ત્યારે તેઓ ગભરાઈ ગયાં અને હોસ્પિટલમાંથી [નવજાત બાળક સાથે] નાસી છૂટ્યાં.”
શ્રદ્ધા કહે છે, “તેમણે વિચાર્યું કે તેઓ [અને તેમનું બાળક] પકડાઈ જશે અને તેમને મારી નાખવામાં આવશે.” વાઇરસ અંગે આ પ્રકારનો ડર અને ગેરમાન્યતા હતી.
મંદા કહે છે, “કોઈએ અમને કહ્યું કે તે તેમના ઘરમાં છુપાઈ ગયાં હતાં. અમે તેમના ઘરે દોડી ગયાં પરંતુ તેમણે દરવાજા બંધ કરી દીધા હતા. અમે તેમને પૂછ્યું, ‘તમે તમારા બાળકને પ્રેમ કરે છો કે નહીં?’ અમે તેમને સલાહ આપી હતી કે જો તમે બાળકને તમારી નજીક રાખશો, તો આખરે તેને ચેપ લાગશે અને શિશુનું જીવન જોખમમાં મૂકાશે.”
ત્રણ કલાક સુધી સલાહ મશ્વેરો કર્યા પછી માતાએ દરવાજો ખોલ્યો. “એમ્બ્યુલન્સ તૈયાર હતી. ત્યાં અન્ય કોઈ તબીબી અધિકારીઓ કે ગ્રામ સેવકો નહોતા, માત્ર અમે બન્ને જ હતાં.” આંસુ સાથે મંદા જણાવે છે, “જતા પહેલાં તે માતાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, ‘હું મારા બાળકને પાછળ છોડી રહી છું કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. મહેરબાની કરીને મારા બાળકની સંભાળ રાખજો’. પછીના આઠ દિવસ સુધી, અમે દરરોજ તેના ઘરે નવજાતને બોટલથી દૂધ પીવડાવવા જતાં. અમે તેમને વીડિયો કોલ પર બાળકને બતાવતાં. આજ દિન સુધી, તે માતા અમને ફોન કરે છે અને અમારો આભાર માને છે.”
મંદા કહે છે, “અમે એક વર્ષ સુધી અમારા પોતાના બાળકોથી અંતર બનાવી રાખ્યું હતું. પણ અમે બીજાનાં બાળકોને બચાવી લીધાં હતાં.” તેમનું બાળક આઠમા ધોરણમાં ભણતું હતું, જ્યારે શ્રદ્ધાનું બાળક માંડ માંડ 5 વર્ષનું હતું.


ડાબેઃ આશા તરીકે ફરજ બજાવતાં શ્રદ્ધાને લોકડાઉન દરમિયાન કોવિડ દર્દીઓ સાથે વાતચીત કરવાની ફરજ પડી હતી. તેઓ કહે છે કે તેમણે તેમના પોતાના 5 વર્ષના બાળક અને પરિવારથી દૂર રહેવું પડ્યું હતું. જમણેઃ રક્ષણાત્મક સાધનો અને માસ્કના અભાવને કારણે રીટા (એકદમ ડાબી બાજુએ) એ વાઇરસથી પોતાને બચાવવા માટે તેમના ચહેરાની આસપાસ દુપટ્ટો બાંધીને કામ ચલાવવું પડ્યું હતું
શ્રદ્ધા તે ઘટનાને યાદ કરે છે જ્યારે તેમના ગામના લોકો તેમના ઘરોના દરવાજા બંધ કરી દેતા હતા. “તેઓ અમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) કિટમાં જોઈને એ વિચારીને ભાગી જતા કે અમે તેમને પકડવા આવ્યાં છીએ.” એટલું જ નહીં, “અમે આખો દિવસ કિટ પહેરી રાખતાં. કેટલીકવાર અમારે એક દિવસમાં ચાર વખત કિટ બદલવી પડતી હતી. તેમને કલાકો સુધી પહેરીને અમારો ચહેરો કાળો પડી ગયો હતો. અમે તેમની સાથે તડકામાં ચાલતાં. તેનાથી ખંજવાળ થતી અને અમારી ત્વચા પર બળતરા જેવી લાગણી અનુભવાતી.”
મંદા તેમને અધવચ્ચે અટકાવે છે અને કહે છે, “પણ પી.પી.ઈ. અને માસ્ક ઘણા પછીથી આવ્યા. મહામારીના મોટાભાગના સમયગાળા દરમિયાન, અમે લોકોની મુલાકાત લેતી વખતે અમારા પલ્લુ અને દુપટ્ટાને જ લપેટીને લોકોની મુલાકાત લેતાં હતાં.”
મમતા પૂછે છે, “ત્યારે (મહામારી દરમિયાન) અમારા જીવનનું કોઈ મૂલ્ય નહોતું? શું તમે કોરોના સામે લડવા માટે અમને કંઇક અલગ કવચ [સુરક્ષા] આપ્યું હતું? જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે તમે [સરકારે] અમને કંઈ આપ્યું નહોતું. જ્યારે અમારાં આશા તાઈઓને કોવિડ થવાનું શરૂ થયું, ત્યારે તેમને બાકીના દર્દીઓની જેમ જ નસીબના ભરોસે છોડી દેવામાં આવ્યાં. જ્યારે રસીઓ પરીક્ષણના તબક્કે હતી ત્યારે પણ આશાઓ સૌપ્રથમ સ્વયંસેવકો તરીકે આગળ આવી હતી.”
તેમના જીવનના એક તબક્કે વનશ્રી ફુલબંધેએ આશાનું કામ છોડવાનું લગભગ નક્કી કરી લીધું હતું. તેઓ કહે છે, “તેનાથી મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થવા લાગી હતી. 42 વર્ષીય વનશ્રી નાગપુર જિલ્લાના વડોડા ગામમાં 1500થી વધુ લોકોની વસ્તીની સંભાળ રાખે છે. મને યાદ છે કે એક વખત મને કિડનીની પથરીને કારણે ભારે પીડા થતી હતી. તેમ છતાં હું મારી કમરમાં કાપડ બાંધીને કામે નીકળી ગઈ હતી.”
એક દર્દી અને તેમના પતિ વનશ્રીના ઘરે આવ્યા, “તે પહેલી વખત માતા બની હતી. તેઓ ગભરાઈ ગયાં હતાં. મેં તેમને સમજાવ્યું કે હું કંઈ પણ કરી શકવાની સ્થિતિમાં નથી પરંતુ તેઓએ આગ્રહ કર્યો કે હું બાળજન્મ થયો ત્યારે હાજર રહું. ‘ના’ કહેવું મુશ્કેલ હતું તેથી હું તેમની સાથે ગઈ. તેમણે બાળકને જન્મ આપ્યો ત્યાં સુધી હું તેમની સાથે બે દિવસ હોસ્પિટલમાં રોકાઈ હતી. તેમના સંબંધીઓ મારી કમરમાં બાંધેલું કપડું જોઈને મજાકમાં મને પૂછતા કે, ‘પ્રસુતિ આ દર્દીની છે કે તમારી!’”


વનશ્રી (ચશ્મા પહેરાલાં) અને પૂર્ણિમા 7 ફેબ્રુઆરી, 2024ના રોજ મુંબઈમાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે નાગપુરમાં તેમના ગામોમાંથી નીકળી પડ્યાં હતાં. વિરોધ પ્રદર્શનના નવમા દિવસે પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરતાં વનશ્રી
તેઓ લોકડાઉન દરમિયાન તેમની દિનચર્યાને યાદ કરે છે જ્યારે તેઓ તેમની આશા તરીકે ફરજો પૂર્ણ કરતાં અને એકાંતમાં રહેલા દર્દીઓને ભોજન પહોંચાડતાં હતાં. “આખરે મારા સ્વાસ્થ્ય પર તેની અસર પડી. મને ઘણા દિવસો સુધી ખૂબ જ હાઈ બી.પી. રહેતું હતું અને મેં વિચાર્યું કે કદાચ મારે આ કામ છોડી દેવું જોઈએ.” પણ વનશ્રીનાં કાકીએ તેમને યાદ અપાવ્યું કે, “હું જે કરી રહી છું તે પુણ્ય [સારું કામ] છે. તેમણે કહ્યું કે બે લોકોનું જીવન, [માતા અને બાળકનું] મારા પર નિર્ભર છે. મારે આ નોકરી ક્યારેય છોડવી જોઈએ નહીં.”
જ્યારે તેઓ વાર્તા વર્ણવે છે, ત્યારે વનશ્રી ટૂંકમાં તેમના ફોન તરફ જોઈને કહે છે, “મારો પરિવાર મને પૂછતો રહે છે કે હું ક્યારે ઘરે પરત ફરીશ. હું અહીં 5,000 રૂપિયા સાથે આવી હતી. મારી પાસે હવે માંડ 200 રૂપિયા છે.” તેમને ડિસેમ્બર 2023થી તેમનું માસિક માનદ વેતન મળ્યું નથી.
45 વર્ષીય પૂર્ણિમા વસે નાગપુરના પાંદુર્ના ગામનાં આશા કાર્યકર છે. તેઓ કહે છે, “મેં એચ.આઇ.વી. પૉઝીટીવ દર્દીને એમ્બ્યુલન્સમાં બાળજન્મ આપવામાં મદદ કરી હતી. જ્યારે હોસ્પિટલમાં લોકોને ખબર પડી કે તે એચ.આઇ.વી. પૉઝીટીવ છે, ત્યારે તેઓએ એવું વર્તન કર્યું જાણે કે તે એક બહુ મોટી બાબત છે. મેં તેમને કહ્યું, ‘જ્યારે મેં આશા તરીકે, મારા પોતાના હાથમોજાં અને સ્કાર્ફ સિવાય અન્ય કોઈ સાધનનો ઉપયોગ કર્યા વિના બાળકના જન્મમાં મદદ કરી હોય, તો તમે કેમ આવું વર્તન કરો છો?”
2009થી આશા કાર્યકર તરીકે ફરજ બજાવતાં પૂર્ણિમા 4,500થી વધુ વસ્તીની સંભાળ રાખે છે. તેઓ કહે છે, “હું સ્નાતક છું. મને નોકરીના ઘણા પ્રસ્તાવ આવે છે. પરંતુ, આશા બનવાનો મારો નિર્ણય દૃઢ હતો અને હું જીવનભર આશા તરીકે જ ફરજ બજાવતી રહીશ. મને પૈસા મળે કે ન મળે, અગર મુજે કરની હૈ સેવા તો મરતે દમ તક આશા કા કામ કરુંગી [હું સેવા કરવા માંગુ છું, તેથી હું મારા મૃત્યુ સુધી આશા જ બનીને રહીશ]”
આઝાદ મેદાનમાં ક્રિકેટની રમત તો ચાલુ જ છે. જ્યારે કે આશા કાર્યકર્તાઓએ તેમની લડાઈને મેદાનની બહાર ખસેડી દીધી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ