બહુ ઓછા લોકો બારીક વણેલી કમળકોશ ચટાઈની ખરેખરી કારીગરીની પ્રશંસા કરી શકે છે.
તેનાથીય ઓછા લોકો તેને વણી શકે છે.
પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં બનાવેલ, આ અત્યંત સવિસ્તર વાંસની ચટાઈઓ, સ્ટાર્ચવાળી વાંસની બારીક પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે, જે તેમના પરની કોતરવામાં આવેલી સાંસ્કૃતિક રચનાઓના કારણે અન્ય ચટાઈઓથી જુદી પડે છે.
પ્રભાતિ ધર કહે છે, “પરંપરાગત કમળકોશને કોલા ગાચ [કેળાનું ઝાડ], મયૂર [મોર], મંગલ ઘાટ [નાળિયેર સાથેનું કળશ], સ્વસ્તિક [સુખાકારીનું પ્રતીક] જેવા શુભ રૂપકોથી શણગારવામાં આવે છે.”
પ્રભાતિ કમળકોશના મુઠ્ઠીભર વણકરોમાંથી એક છે, જે આને વણીને ચટાઈ બનાવી શકે છે, અને તેમણે 10 વર્ષની નાની ઉંમરે આની શરૂઆત કરી હતી. 36 વર્ષીય પ્રભાતિ ઉંમર કરતાં વહેલાં આ કામમાં લાગી જવાના સૂચનને નકારતાં કહે છે, “આ ગામ [ઘેગીરઘાટ ગામ] માં દરેક વ્યક્તિ ખૂબ જ નાની ઉંમરથી ચટાઈઓ વણવાનું શરૂ કરી દે છે. મારી માતા કમળકોશના અમુક ભાગોને જ વણી શકતી હતી, પરંતુ મારા પિતાને ડિઝાઇનની સારી સમજ હતી અને તેઓ આને સારી રીતે સમજાવતા, કહેતા, ‘આ ડિઝાઇનને આ રીતે વણવાની કોશિશ કરો.’ તેમ છતાં તેઓ પોતે વણાટ કરી શકતા ન હતા.” પ્રભાતિને લાગે છે કે તેમણે તેમની વિગતવાર સમજૂતીઓમાંથી ઘણો ફાયદો મેળવ્યો છે.
અમે ઘેગીરઘાટમાં તેમના ઘરના વરંડામાં બેઠાં છીએ. મંડપથી ઢંકાયેલા આ વિસ્તારમાં જ મોટાભાગના વણકરો કામ કરવાનું પસંદ કરે છે. તેમના પરિવારના સભ્યો તેમની આસપાસ બેસેલા છે, જેઓ હસ્તકલા સાથે જોડાયેલા વિવિધ કાર્યોમાં મદદ કરે છે. ચટાઈની અંદરની રચનાઓની વાસ્તવિક વણાટની કલ્પના અને રચના માત્ર પ્રભાતિ દ્વારા જ કરવામાં આવે છે. તેઓ પોતાની ડિઝાઇન પ્રક્રિયા વિશે કહે છે, “અમે અમારી યાદશક્તિથી વડે જ આવું કરવા ટેવાયેલાં છીએ.”


પ્રભાતિ ધર પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના મુઠ્ઠીભર લોકોમાંનાં એક છે જેઓ કમળકોશને વણી શકે છે. ઘેગીરઘાટ ગામમાં તેમના ઘરનો વરંડા અને આંગણું, જ્યાં તેઓ અને તેમનો પરિવાર વાંસની ચટાઈઓ વણવાનું કામ કરે છે

પ્રભાતિ અને તેમના પતિ મનોરંજન તૈયાર કરેલી ચટાઈને બતાવે છે
કૃષ્ણ ચંદ્ર ભૌમિક નજીકના ધાલિયાબાડી નગરના એક વેપારી છે, જેઓ ઘણી વાર પ્રભાતિ પાસેથી કમળકોશ મંગાવે છે. તેઓ પારીને કહે છે, “કમળકોશ હલો એકતી શૌકિન જીનિશ [કમળકોશ એક એવી વસ્તુ છે જેને પારખનારો જ તેનું ખરું મૂલ્ય આંકી શકે છે]. એક સારી પાટીનું મૂલ્ય બંગાળી વ્યક્તિ જ સમજે છે. તેથી જ તેઓ ઉચ્ચ ગુણવત્તાની ચટાઈઓના મુખ્ય ખરીદદારો છે.”
ધર પરિવાર ઘેગીરઘાટ ગામમાં રહે છે, જે હકીકતમાં સમગ્ર કૂચ બિહાર-1 બ્લોકની જેમ લગભગ સંપૂર્ણપણે વણકરોની વસ્તી ધરાવે છે. આ પાટીના વણકરો છે, જે મૂળ બાંગ્લાદેશના છે, તે બધા તેઓ ક્યાંથી આવ્યા તેના આધારે એક અલગ શૈલી અને કારીગરી ધરાવે છે. પરંતુ તે આખી બીજી વાર્તા છે, જેને આપણે ટૂંક સમયમાં જોઈશું.
ચટાઈઓને વ્યાપક રીતે પાટી (પટ્ટી) વણાટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે મોટી પાટી (બરછટ ચટાઈ)થી લઈને શ્રેષ્ઠ અને દુર્લભ કમળકોશ સુધીની હોય છે. વાંસ (શુમેનિયનથસ ડાઇકોટોમસ) એ અહીં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પ્રદેશમાં જોવા મળતી મૂળ જાત છે.
કમળકોશ ચટાઈઓ બનાવવા માટે, વાંસની દાંડીના સૌથી બહારના સ્તરને કાળજીપૂર્વક કાપીને તેમાંથી પાતળા પટ્ટાઓ (વાંસની સ્લિપ) બનાવવામાં આવે છે, જેને બેત કહેવાય છે, જે પછી વધારાની ચમક અને સફેદ રંગ માટે તેને સ્ટાર્ચમાં ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયાથી તેમાં વધુ સારો રંગ બેસે છે.
આ નિર્ણાયક પ્રાથમિક કાર્ય તેના પતિ મનોરંજન ધર દ્વારા કરવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે કેવી રીતે તેમના લગ્ન પછી, આ યુવાન કન્યાએ તેમના પતિને કહ્યું હતું કે તે સરસ ચટાઈઓ વણી શકે છે પરંતુ તેને યોગ્ય કાચા માલની જરૂર છે અને તેથી “મારા પતિ ધીમે ધીમે કમળકોશ વણાટ માટે સરસ વાંસની પટ્ટીઓ કાપવાનું શીખી ગયા.”


ડાબેઃ પ્રભાતિના રંગકામના શેડની સીમા સામે તાજી બનાવેલી શિતલ પાટી મૂકેલી છે. તેની બાજુમાં ‘પેટીબેત’ તરીકે ઓળખાતી તાજી લણણી કરાયેલી વાંસના સાંઠા ગોઠવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ચટાઈઓ વણવા માટે થાય છે. જમણેઃ ઉકાળવા અને રંગવા જેવી પ્રક્રિયાઓ માટે વાંસના દાંડાને આ રીતે બંડલ કરવામાં આવે છે


પ્રભાતિ (ડાબે) તારવાળા વાંસના પટ્ટાને કમળકોશ માટે ઇચ્છિત રંગોમાં રંગે છે અને પછી તેને સૂકવવા માટે છોડી દે છે (જમણે)
પ્રભાતિ અમારી સાથે વાત કરી રહ્યાં છે ત્યારે અમે તેના ચપળ હાથ જોઈ રહ્યાં છીએ. એકમાત્ર અન્ય અવાજ જે આવે છે તે છે તેની ચપળ આંગળીઓમાંથી પસાર થતા વાંસના પટ્ટાઓનો અવાજ. તે નજીક નજીક બનેલા ઘરો અને ત્યાંથી પસાર થતા પ્રસંગોપાત મોટર વાહનોનું શાંત પડોશ છે. ઘરની ફરતે કેળાં અને સોપારીનાં પાન છે; ઘરમાંથી સાત ફૂટ ઉંચી વાંસની દાંડીઓ જોઈ શકાય છે.
આ કુશળ કારીગર હાથના પરંપરાગત માપનો ઉપયોગ કરે છે — ‘એક હાથ’ આશરે 18 ઇંચ હોય છે, જે હાથની લંબાઈનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. દોઢ હાથ પહોળી અને ચાર હાથ લાંબી ચટાઈ આશરે ચારથી છ ફૂટની હોય છે.
પ્રભાતિ તેમના મોબાઇલ પરના ફોટા બતાવવા માટે તેમનું કામ અટકાવે છે. તેમણે તેમના ગ્રાહકો માટે બનાવેલી કેટલીક કમળકોઈ ચટાઈઓ તેઓ અમને બતાવે છે. “કમળકોશ ચટાઈઓ માત્ર ઓર્ડર પર જ બનાવવામાં આવે છે. જ્યારે સ્થાનિક વેપારીઓ ઓર્ડર આપે છે ત્યારે અમે તેમને વણીએ છીએ. આ વિશિષ્ટ ચટાઈઓ હાટ (સાપ્તાહિક બજાર) માં વેચાતી નથી.”
કમળકોશ ચટાઈમાં એક નવીન ટ્રેન્ડ આવ્યો છે, જેમાં ચટાઈમાં નામો અને તારીખો વણવામાં આવે છે. તેઓ કહે છે, “લગ્ન માટે, ગ્રાહકો અમને તે દંપતીનું નામ જણાવે છે જેને તેઓ ચટાઈ પર વણવા માંગે છે. ‘શુભ વિજય’ જેવા શબ્દો — વિજયાદશમીની શુભકામના — વણવાની પણ સામાન્ય વિનંતીઓ છે.” આવી વિશેષ ચટાઈઓ લગ્ન અથવા તહેવારો જેવા પ્રસંગો માટે બનાવવામાં આવે છે. બંગાળીના મરોડદાર અક્ષરોને વણવા એક પડકાર હોવા તરફ નિર્દેશ કરતાં પ્રભાતિ કહે છે, “બંગાળી લિપિ કરતાં અંગ્રેજીમાં શબ્દોમાં વણાટ કરવો સરળ છે.”


એક નવદંપતીને ભેટમાં આપવામાં આવેલી ચટાઈ, જેમના નામ આ શુભ પ્રસંગને દર્શાવવા માટે મોરની છબી સાથે ચટાઈમાં વણવામાં આવ્યા છે

કૂચ બિહારના ઘુઘુમારીમાં પાટી સંગ્રહાલયમાં એક કમળકોશ
કૂચ બિહાર-1 બ્લોક પાટી શિલ્પ સમબાયા સમિતિના સચિવ પ્રદીપ કુમાર રાયની જુબાની મુજબ આ એક દુર્લભ કૌશલ્ય છે. તેઓ પોતે આના વણકર છે, તેઓ કહે છે, “સમગ્ર કૂચ બિહાર જિલ્લામાં ચટાઈના આશરે 10,000 વણકરો છે. તેમ છતાં, આ પ્રદેશમાં કમળકોશના ભાગ્યે જ 10-12 વણકરો છે.”
આ સમિતિ 1992થી ચાલતી આવે છે અને તેમાં 300 વણકરો છે. તે આ વિસ્તારમાં ચટાઈ વણાટ માટેની અગ્રણી સહકારી સંસ્થા છે અને કૂચ બિહાર ક્ષેત્રના એકમાત્ર સમર્પિત ચટાઈ બજાર — ઘુઘુમારી ખાતેના દ્વિ-સાપ્તાહિક પાટી હાટ (સાપ્તાહિક ચટાઈ બજાર) નું સંચાલન કરે છે, જ્યાં એક જ બજારમાં આશરે એક હજાર વણકરો અને લગભગ 100 વેપારીઓ આવે છે.
પ્રભાતિ આ પ્રદેશનાં છેલ્લાં કાર્યરત કમળકોશ વણકરોમાંથી એક છે, જે જવાબદારીને તેઓ ગંભીરતાથી લે છે. તેમની પુત્રી મંદિરા કહે છે, “મારી માતા દરરોજ વણાટ કરે છે. એક દિવસ પણ તે રજા નથી લેતી. જો અમારે કોઈ કામ માટે બહાર જવું પડે, અથવા મારા દાદાના ઘરે જવું પડે, તો જ તે રજા લે છે.” મંદિરાએ માત્ર પાંચ વર્ષની વયથી જ જોઈ જોઈને આ કૌશલ્ય શીખ્યું હતું.
પ્રભાતિ અને મનોરંજન દંપતીને બે બાળકો છે, 15 વર્ષીય મંદિરા અને 7 વર્ષીય પિયુષ (જે પ્રેમથી તોજો તરીકે ઓળખાય છે). બંને શાળાના કલાકો પૂરા થતાં જ આ કળાને સક્રિય રીતે શીખી રહ્યાં છે. મંદિરા પ્રભાતિના માતા-પિતા સાથે રહે છે અને અઠવાડિયામાં બે વાર તેની માતાને વણાટ કરવામાં મદદ કરવા માટે ઘેર આવે છે. યુવાન અને ઉર્જાવાન તોજો પણ એક નિષ્ઠાવાન શિષ્ય છે, અને વણાટ માટે નિષ્ઠાપૂર્વક વાંસની પટ્ટી તૈયાર કરે છે. જ્યારે આસપાસના મિત્રો ક્રિકેટ રમી રહ્યા હોય છે, ત્યારે તે કામ પર જાય છે.


ડાબેઃ માતા પ્રભાતિ અને તેમની પુત્રી મંદિરા સવારની વિધિ તરીકે એકસાથે વણાટ કરે છે. પુત્ર પિયુષ વાંસની દાંડીઓ કાપી રહ્યો છે, જેને બેત શોલઈ કહેવાય છે. તેનો મિત્ર તેના સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યો છે જેથી તેઓ ક્રિકેટ રમી શકે


ડાબેઃ પડોશના બાળકો વાર્તા કહેવાની ચટાઈઓ કેવી રીતે વણવી તે શીખવા માટે પ્રભાતિના ઘેર ઉમટી પડે છે. ગીતાંજલિ ભૌમિક, અંકિતા દાસ અને મંદિરા ધર (ડાબેથી જમણે) ચટાઈની બાજુઓ વણીને પ્રભાતિને મદદ કરી રહ્યાં છે. જમણેઃ પ્રભાતિનો પાટી વણનાર પરિવારઃ પતિ મનોરંજન ધર, પુત્ર પિયુષ ધર; પુત્રી મંદિરા ધર, પ્રભાતિ ધર અને તેમનાં પાડોશી અંકિતા દાસ
પડોશના બાળકો સમજે છે કે પ્રભાતિની કુશળતા પ્રયોગ કરવાની તક આપે છે, તેથી તેઓ તેમને વર્ગો લેવા માટે બદાણ કરતા રહે છે: “મારા પાડોશીની દીકરીએ મને કહ્યું, ‘કાકી, મને પણ શીખવો!’” રજાઓ અને સપ્તાહના અંતે તેમનું ઘર સર્જનાત્મક જગ્યામાં ફેરવાઈ જાય છે. તેઓ કહે છે, “તેઓ મોર અને વૃક્ષો કેવી રીતે વણવા તે શીખવા માટે ખૂબ જ ઉત્સુક છે. જોકે, તેઓ તેને તરત જ વણાટ કરી શકશે નહીં. તેથી, હું તેમને ચટાઈની કિનારીને સમાપ્ત કરવા માટે કહું છું, અને જ્યારે હું ભાત વણું ત્યારે તેનું નિરીક્ષણ કરે છું. ધીમે ધીમે હું તેમને તે શીખવીશ.”
જોકે મંદિરા કમળકોશને કેવી રીતે વણવું તે શીખી તો રહી છે, તેમ છતાં તે ચોક્કસ છે કે તે એક એવો વ્યવસાય પસંદ કરે છે જે વધુ પગાર આપે અને આરામ માટે સમય પણ આપે. તે કહે છે, “કદાચ હું નર્સિંગની તાલીમ લઈશ. ચટાઈ વણાટમાં પણ ઘણી મહેનત હોય છે. જો કોઈ વ્યક્તિ [બીજું] કામ કરે છે, તો તે બેસી શકે છે, આરામ કરી શકે છે અને કમાણી કરી શકે છે. દરેક સમયે મહેનત કરવાની જરૂર નથી. તેથી જ [મારી પેઢીમાં] કોઈ ચટાઈ વણાટ કરવા માગતું નથી.”
પોતાની વાતને સાબિત કરવા માટે તે તેની માતાની રોજનીશીની યાદી આપે છેઃ “મારી માતા દરરોજ સવારે 5:30 વાગ્યે ઊઠે છે. તે ઘરની સફાઈ કરે છે. પછી તે એક કલાક માટે ચટાઈ વણે છે. અમે સવારે ખાઈને જતાં હોવાથી તે અમારા માટે રસોઈ પણ કરે છે. તે ખાય છે અને પછી બપોર સુધી વણાટ કરે છે, સ્નાન માટે વિરામ લે છે. પછી ફરીથી, તે ઘરની સફાઈ કરે છે, અને બપોરે વણાટ કરવા બેસે છે. તે રાત્રે 9 વાગ્યા સુધી વણાટ કરતી રહે છે. પછી ફરીથી, તે રસોઈ કરે છે, અમે ખાઈએ છીએ અને સૂઈ જઈએ છીએ.
મંદિરા કહે છે, “મારા માતા-પિતા મેળામાં જતા નથી કારણ કે ઘેર ખૂબ કામ હોય છે. અમે દરરોજ એક પાટી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે આવું કરીશું તો જ અમે અમારા આવશ્યક દૈનિક ખર્ચ માટે જરૂરી 15,000 રૂપિયાની માસિક પારિવારિક આવક મેળવી શકીશું.”


વણાટ ઉપરાંત, પ્રભાતિ તેમના ઘર અને પરિવારની પણ સંભાળ રાખે છે
*****
પાટી બનાવવાની પ્રક્રિયાને સ્થાનિક રીતે સમસ્તગતિ કાજ તરીકે ઓળખવામાં આવે છે — જે પરિવાર અને સમુદાયનો સામૂહિક પ્રયાસ છે. તૈયારી માટે પોતાના પરિવાર પર આધાર રાખતાં પ્રભાતિ કહે છે, “એટા અમાદેર પાટીશીર કાજ તા એકોક ભાભે હોયે ના. ટાકા જોડાતે ગેલે શોબાઈ કે હાથ દીતે હોયે [ચટાઈ વણાટનો અમારો વ્યવસાય એકલા હાથે નથી થતો. દરેક વ્યક્તિએ મહિનાના અંતે યોગ્ય આવક મેળવવા માટે આગળ આવીને મદદ કરવી પડે છે].”
એક વણકર પરિવારમાંથી આવેલા અને હસ્તકલામાં પારંગત કંચન ડે કહે છે, આ કામને “માથેર કાજ [ફિલ્ડ વર્ક] અને બાડીર કાજ [ઘરનું કામ]”માં વહેંચવામાં આવ્યું છે. તેઓ સમજાવે છે કે કેવી રીતે પુરુષો વાંસના છોડની લણણી કરે છે, તેને કાપીને વણાટ માટે નરમ પટ્ટી બનાવે છે, જ્યારે સ્ત્રીઓ વાંસની પટ્ટીને સ્ટાર્ચમાં ઉકાળીને સૂકવે છે અને ચટાઈ વણે છે. નાના બાળકો પણ કાર્યોમાં લિંગ વિભાજનને સ્વિકારી લે છે — છોકરીઓ તેમની વણાટ જોવા આવે છે, જ્યારે છોકરાઓ લાકડીના વિભાજન પર હાથ અજમાવે છે. ડે પડોશી ગંગાલેર કુથી ગામની શાળાના શિક્ષક છે.
પ્રમાણભૂત કદ 6*7 ફૂટની એક પાટી [ચટાઈ] બનાવવા માટે 160 પાટી બેત [વાંસની દાંડીઓ] જોઈએ છે. આ દાંડીઓમાંથી નરમ પટ્ટીઓમાં તૈયાર કરવામાં બે દિવસ લાગે છે, જે પુરુષો દ્વારા કરવામાં આવે છે. બેત શોલઈ અને બેત તોલા તરીકે ઓળખાતી પ્રક્રિયામાં સાંઠાને બહુવિધ પટ્ટીઓમાં કાપવામાં આવે છે, લાકડાના આંતરિક કોરને દૂર કરવામાં આવે છે અને પછી 2 મીમીથી 0.5 મીમી જાડાઈની દરેક પાતળા પટ્ટીને કાળજીપૂર્વક વિભાજિત કરવામાં આવે છે. તે એક જટિલ પ્રક્રિયા છે જેમાં યોગ્ય વિભાજન માટે અનુભવી અને ઝીણવટભર્યા હાથની જરૂર પડે છે.


પોતાના ખેતરમાંથી વાંસની લણણી કરતા મનોરંજન ધર (ડાબે). તેઓ તેમના પુત્ર પિયુષ (જમણે) સાથે વાંસની પટ્ટી તૈયાર કરી રહ્યા છે. પિયુષ બેટ શોલઈ કરી રહ્યો છે, જે વાંસની દાંડીને બહુવિધ પટ્ટીઓમાં કાપવાની અને લાકડાના કોરથી છુટકારો મેળવવાની પ્રાથમિક પ્રક્રિયા છે. મનોરંજન બેત તુલા કરી રહ્યા છે, જે પટ્ટીમાંથી અંતિમ વાંસની સ્લિપ બનાવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ત્રણ સ્તરો છેઃ બેત, બુકા અને છોટુ. અંતિમ વાંસની સ્લિપમાં માત્ર બેત જ હોય છે, જે સૌથી ઉપરનું સ્તર છે


મનોરંજન એક તૈયાર ચટાઈને તપાસી રહ્યા છે. પાટી બનાવવાની પ્રક્રિયા એ પરિવાર અને સમુદાયનો સામૂહિક પ્રયાસ છે. તૈયારી માટે પોતાના પરિવાર પર આધાર રાખતાં પ્રભાતિ કહે છે, ‘દરેક વ્યક્તિએ મહિનાના અંતે યોગ્ય આવક મેળવવા માટે આગળ આવીને મદદ કરવી પડે છે’
વણાટ કર્યા પછી ચટાઈને સૂકવવા મૂકી છે. આ પીઢ વણકર ઉમેરે છે, “નિયમિત ચટાઈઓ કુદરતી રંગની વાંસની સ્લિપનો ઉપયોગ કરીને વણવામાં આવે છે, જ્યારે કમળકોશમાં સામાન્ય રીતે બે રંગો કરવામાં આવે છે.” આ કારીગરે કલાકો સુધી પલાંઠી વાળીને બેસવું પડે છે, અને કેટલીક વાર આધાર માટે લાકડાના પિરી (નાના ટેબલ) નો પણ ઉપયોગ કરવો પડે છે. પ્રભાતિ પહેલેથી વણાયેલા ભાગોની કિનારી પર પકડ તરીકે તેમના પગનો ઉપયોગ કરે છે, જેથી તેઓ ભાંગી ન જાય; તેના બંને હાથનો ઉપયોગ વણાટની રીત અનુસાર વાંસના પટ્ટાના સમૂહને ઉપાડવા માટે થાય છે.
તેઓ એક સમયે લગભગ 70 વાંસની સ્લિપને સરખી કરે છે. તેઓ જે ચટાઈ વણે છે તેની દરેક સંપૂર્ણ રેખા માટે, પ્રભાતિએ લગભગ 600 વાંસની સ્લિપ પર દ્વારા એક જ પટ્ટીને ઉપર અને નીચે વણાટ કરવી પડે છે, જેમાં તેમના હાથ સિવાય અન્ય કોઈ ઓજાર નથી. તેમણે 6*7 ફૂટની ચટાઈ વણાટ કરવા માટે આવું લગભગ 700 વખત કરવું પડે છે.
પ્રભાતિ કહે છે કે, એક જ કમળકોશ તૈયાર કરવા અને વણાટ કરવા માટે લેવામાં આવતા સમયમાં, 10 નિયમિત ચટાઈઓ બનાવી શકાય છે અને તેથી જ તેની કિંમત આને પ્રતિબિંબિત કરે છે. “કમળકોશ બનાવવું એ વધુ સખત મહેનત છે, પરંતુ તે પૈસા પણ વધુ આપે છે.” જ્યારે કમળકોશ માટેના ઓર્ડર ઓછા હોય છે, ત્યારે પ્રભાતિ પણ સાદી ચટાઈઓ વણે છે, હકીકતમાં વર્ષ દરમિયાન તેઓ કમળકોશ ચટાઈઓ કરતાં આવી ચટાઈઓ વધુ વણે છે, કારણ કે તે ઝડપથી વેચાઈ જાય છે.


ચટાઈને નજીકથી જોતાં દેખાય છે કે કેવી રીતે ભાત અને રૂપકોને વાંસની સ્લિપનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. એકબીજાથી કાટખૂણે ગોઠવાયેલી વાંસની સ્લિપ આખી ચટાઈમાં ફેલાયેલી છે. તે આ વણાટની લય છે — તેને રેખીય સ્વરૂપમાં નહીં, પણ વિભાગોમાં વણવી. મનોરંજન (જમણે) ચટાઈને સીધી કરવા માટે પહેલાં તેને એક બાજુએ અને પછી બીજી બાજુએ ફેરવે છે


શિતલ પાટીના વણાટ માટે (ડાબેથી જમણે) વણાટ કરતી વખતે બેસવા માટે વપરાતી પીરી અથવા લાકડાનું નાનુ ટેબલ અને વાંસની દાંડીને કાપવા અને તેના ભાગ પાડવા માટે વપરાતું સાધન દાઉ અથવા બોટી; વાંસની લણણી માટે વપરાતું બેત કાટા; છૂરી, જે ચટાઈની કિનારી બનાવવા કરવા માટે વપરાય છે અને ચટાઈ વણાટ પૂર્ણ થયા પછી વાંસની સ્લિપ બહાર કાઢે છે. વેપારીને પહોંચાડવા માટે તૈયાર અને વાળેલી કમળકોશ પાટી સાથે પ્રભાતિ
નમ્ર પ્રભાતિ કહે છે કે તે માતા-પિતા તરીકેની તેની ભૂમિકા અને કમળકોશ વણકર તરીકેની તેની શાંત પ્રતિષ્ઠાનો આનંદ માણે છે. “મારી પાસે કમળકોશ વણાટ કરવાની ક્ષમતા છે, તેથી જ હું તેને બનાવું છું. આમી ગોરબોબોધ કરી [હું ગર્વની લાગણી અનુભવું છું].”
થોડી ખચકાટ પછી, તેઓ ઉમેરે છે, “અન્ય ઘણા લોકો તેને વણી શકતા નથી. હું આ દુર્લભ ચટાઈને વણી શકું છું એટલે જ તમે મારી પાસે આવ્યા છો ને? તમે બીજા કોઈની પાસે ગયા નથી!”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ