એક ફોટોગ્રાફરની વાયનાડ [હોનારત]ના ઘટનાસ્થળની મુલાકાત.
ચેન્નઈથી વાયનાડ સુધીની મારી સફરમાં, હું એવા વિસ્તારો પાસેથી પસાર થયો જે સ્વયંસેવકોથી ભરપૂર હતા. ત્યાં કોઈ બસ નહોતી, અને મારે અજાણ્યા લોકો પાસેથી લિફ્ટ લેવી પડી હતી.
ત્યાં એમ્બ્યુલન્સ આવ જા કરતી હોવાથી તે જગ્યા એક યુદ્ધક્ષેત્ર જેવી લાગતી હતી. લોકો ભારે મશીનરીની મદદથી મૃતદેહોને શોધવામાં વ્યસ્ત હતા. સૂરલમલા, અટ્ટમલા અને મુંડક્કઈ નગરો ખંડેર હતા — રહેવા યોગ્ય જગ્યાઓના કોઈ ચિહ્નો ન હતા. રહેવાસીઓના જીવન વિખેરાઈ ગયા હતા, અને તેઓ પ્રિયજનોના મૃતદેહને પણ ઓળખી શક્યા ન હતા.
નદીના કાંઠે કાટમાળ અને મૃતદેહોના ઢગલા હતા, તેથી બચાવકર્તાઓ અને મૃતદેહોની શોધ કરતા પરિવારો નદીના કાંઠે લપસી જઈને રેતીમાં ફસાઈ ન જવાય તે માટે લાકડીના સહારે ચાલતા હતા. મારો પગ પણ રેતીમાં ફસાઈ ગયો હતો. મૃતદેહોની ઓળખ કરવી અશક્ય હતું, ફક્ત તેમનાં ચીંથરાં આસપાસ પથરાયેલાં હતાં. આમ તો, કુદરત સાથે મારો ઊંડો સંબંધ રહ્યો છે, પરંતુ આ અનુભવે મને હચમચાવી મૂક્યો.
ભાષાના અવરોધને લીધે, હું આ વિનાશનો ફક્ત સાક્ષી જ બની શક્યો. મેં તેમને ખલેલ પહોંચાડવાનું ટાળ્યું. હું અહીં પહેલાં આવવા માંગતો હતો પરંતુ ખરાબ તબિયતે મને રોકી રાખ્યો હતો.
વહેતા પાણીના માર્ગને અનુસરીને હું લગભગ ત્રણ કિલોમીટર ચાલ્યો. ઘરો જમીનમાં દટાયેલાં હતાં, અને કેટલાંક તો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયાં હતાં. દરેક જગ્યાએ મેં સ્વયંસેવકોને મૃતદેહો શોધતા જોયા. સૈન્યએ પણ શોધખોળ હાથ ધરી હતી. હું ત્યાં બે દિવસ રોકાયો અને તે દરમિયાન કોઈ મૃતદેહ મળ્યો ન હતો, પરંતુ તે માટેની શોધ સતત ચાલુ હતી. બધા લોકો હાર માન્યા વિના સાથે મળીને કામ કરી રહ્યા હતા, અને સાથે ખોરાક અને ચા લેતા હતા. ત્યાંની એકતાની લાગણીથી મને આશ્ચર્ય થયું હતું.

સૂરલમલા અને અટ્ટમલા ગામો સંપૂર્ણપણે ધોવાઈ ગયાં હતાં. સ્વયંસેવકોએ એક્સ્ક્વેટર (ઉત્ખનક)નો ઉપયોગ કરવો પડ્યો હતો , કેટલાક મદદ માટે તેમની પોતાની મશીનરી લાવ્યા હતા
જ્યારે મેં કેટલાક રહેવાસીઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ 8 ઓગસ્ટ, 2019માં પુદુમલા નજીક ઘટેલી આવી જ એક હોનારતનો ઉલ્લેખ કર્યો જેમાં લગભગ 40 લોકો મૃત્યુ પામ્યા હતા, અને 2021માં ઘટેલી દુર્ઘટનામાં લગભગ 17 લોકો મૃત્યુ પામ્યા હતા. આવો બનાવ ત્રીજી વખત બન્યો છે. આમાં આશરે 430 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો અંદાજ છે, અને 150 લોકો ગુમ થયા છે.
જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મને જાણ કરવામાં આવી હતી કે પુદુમલા પાસે આઠ મૃતદેહોને દફન કરવામાં આવ્યા છે. તમામ ધર્મોના સ્વયંસેવકો (હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ અને અન્ય ધર્મોના) હાજર રહ્યા હતા અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવ્યું હતું. આ આઠ મૃતદેહો કોના છે તે કોઈને ખબર ન હતી પરંતુ બધાએ સાથે મળીને પ્રાર્થના કરી અને તેમને દફનાવી દીધા.
રડવાનો કોઈ અવાજ નહોતો. વરસાદ સતત પડી રહ્યો હતો.
આવી દુર્ઘટનાઓ અહીં વારંવાર કેમ બને છે? આ સમગ્ર વિસ્તાર માટી અને ખડકોના મિશ્રણ જેવો દેખાતો હતો, જેનાથી આ વિસ્તાર અસ્થિર હોય તેવું લાગે છે. તસવીરો લેતી વખતે, મેં આ મિશ્રણ સિવાય બીજું કંઈ જોયું જ નહોતું – અહીં માત્ર પર્વત કે માત્ર ખડક નથી.
સતત વરસાદ પડવો એ આ વિસ્તાર માટે કંઈક અભૂતપૂર્વ વાત હતી, અને સવારના એકથી પાંચ વાગ્યા સુધી પડેલા વરસાદથી અસ્થિર જમીન ધસી ગઈ હતી. એ જ રાત્રે ત્રણ ભૂસ્ખલન પણ થયાં. મેં જે જે ઇમારત અને શાળા પર નજર નાખી, તે મને આની જ યાદ અપાવતી હતી. સ્વયંસેવકો સાથે વાત કરતાં મને સમજાયું કે દરેક વ્યક્તિ ત્યાં અટવાઈ હતી, શોધ કરનારાઓ પણ ખોવાઈ ગયા હોય તેવું લાગતું હતું. અને જે લોકો ત્યાં રહે છે… તેઓ તો આમાંથી કદાચ ક્યારેય સંપૂર્ણ સ્વસ્થ ક્યારેય નહીં થાય.

વાયનાડની હોનારત એવા વિસ્તારમાં ઘટી હતી જ્યાં અગણિત ચાના બગીચાઓ આવેલા છે. અહીં ચાના બગીચાઓમાં મજૂરી કરનારાઓના ઘરો નજરે પડે છે

મુંડક્કઈ અને સૂરલમલા પ્રદેશોમાં ભારે વરસાદને કારણે ઝડપથી વહેતી નદી માટીના રંગે રંગાઈ ગઈ છે

આ જમીન માટી અને ખડકોનું મિશ્રણ છે અને જ્યારે ત્યાં ભારે વરસાદ પડે છે ત્યારે તે અસ્થિર બની જાય છે , જે આપત્તિમાં નોંધપાત્ર ફાળો આપે છે

અતિશય વરસાદ અને વહેતા પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થયું અને આ ચાના બગીચાઓ સંપૂર્ણપણે પડી ભાંગ્યા ; સ્વયંસેવકો ચાના બગીચાના ખંડેર વચ્ચે મૃતદેહોને શોધી રહ્યા છે

અકસ્માતમાં બચી ગયેલા ઘણા બાળકો પર આ આઘાતની ઊંડી અસર થઈ છે

ખડકો અને માટીએ દફનાવી દીધેલા ઘરો

વાયનાડમાં ચાના બગીચામાં કામ કરનારા મજૂરોના ઘરોને ભારે નુકસાન થયું હતું

આ બે માળનું મકાન પૂરમાં ધસાઈને આવેલા આવતા ખડકોને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું

ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને હવે તે સંપૂર્ણપણે બિનઉપયોગી છે

ઘડી બે ઘડી આરામ કરતા સ્વયંસેવકો

ઘરો પડી ગયાં એટલે પરિવારોએ બધું ગુમાવી દેવું પડ્યું , અને તેમનો સામાન ભીની માટીમાં દટાઈ ગયો

સર્ચ ઓપરેશનમાં સેના સ્વયંસેવકોની સાથે કામ કરી રહી છે

મસ્જિદની આસપાસના વિસ્તારમાં ચાલતું સર્ચ ઓપરેશન


માટી ખસેડવામાં અને લોકોને શોધવામાં મદદ કરતાં મશીનો (ડાબે). નદી કિનારે મૃતદેહોની શોધ કરતો એક સ્વયંસેવક (જમણે)

બચાવ કાર્યમાં સ્વયંસેવકો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે

આ શાળા સંપૂર્ણપણે પડી ભાંગી છે

સ્વયંસેવકો ચાલતી વખતે ભીની જમીનમાં ડૂબી ન જાય તે માટે લાકડીઓનો ઉપયોગ કરે છે

માટીને ખોદવા અને ખસેડવા માટે ઉત્ખનકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

સ્થાનિકો અને અન્ય લોકો કે જેઓ અહીં વાયનાડમાં સ્વયંસેવક તરીકે કાર્યરત છે , તેઓ ખાવા માટે વિરામ લે છે

સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાંના એક , પુદુમલામાં 2019 અને 2021 માં આવી સમાન આફતો ત્રાટકી હતી

રાતભર કામ કરીને , સ્વયંસેવકો મૃતદેહો આવવાની રાહ જુએ છે

ઇમરજન્સી કીટથી સજ્જ સ્વયંસેવકો એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો એકત્ર કરવા માટે તૈયાર છે

મૃતદેહોને પ્રાર્થના હોલમાં લઈ જવામાં આવે છે જ્યાં તમામ ધર્મના લોકો મૃતકો માટે પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને સફેદ રંગમાં લપેટીને લઈ જવામાં આવી રહ્યા છે

ઘણા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી

પ્રાર્થના સેવા બાદ દફનવિધિ થઈ રહી છે

રાત્રે પણ કાર્યરત સ્વયંસેવકો
અનુવાદક: ફૈઝ મોહંમદ