પંજાબના સંગરુર જિલ્લામાંથી અહીં આવેલા સુખદેવ સિંઘ કહે છે, "આ વર્ષે પવિત્ર અગ્નિમાં ખેડૂત-વિરોધી કાયદાઓની નકલો બાળવી એ જ અમારે મન લોહરીની ઉજવણી છે." 65 વર્ષના સિંઘે તેમનું મોટાભાગનું જીવન ખેડૂત તરીકે વિતાવ્યું છે. હાલમાં તેઓ હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ ખાતેના હજારો, લાખો આંદોલનકારીઓમાંના એક છે.
તેઓ ઉમેરે છે, "અલબત્ત આ લોહરી અલગ છે. સામાન્ય રીતે અમે આ તહેવાર અમારા ઘરોમાં સંબંધીઓ સાથે ઉજવતા અને મિત્રો અમારે ઘેર આવતા - અને તે આનંદનો સમય હતો. આ વખતે અમે અમારા ખેતરોથી અને ઘરોથી દૂર છીએ. પરંતુ તેમ છતાં અમે હજી પણ સાથે છીએ. કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ, પછી ભલેને વર્તમાન સરકારના કાર્યકાળના અંત સુધી અહીં કેમ ન રહેવું પડે."
લોકપ્રિય તહેવાર લોહરી મુખ્યત્વે પંજાબ અને ઉત્તર ભારતના અન્ય કેટલાક ભાગોમાં ઉજવાય છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિની આગલી રાત્રે (ચંદ્ર કેલેન્ડર મુજબ પોષ મહિનાના અંતિમ દિવસે, સૂર્ય ઉત્તર દિશામાં ખસવાનું શરૂ કરે ત્યારે) લોહરીની ઉજવણી કરવામાં આવે છે અને તે દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે અને દિવસ લાંબો થવા માંડે છે. લોકો પવિત્ર અગ્નિ પ્રગટાવે છે, સૂર્યને ગોળ, મગફળી, તલ અને અન્ય પરંપરાગત ખાદ્ય ચીજોનો નૈવેદ્ય ધરે છે અને સુખ, સમૃદ્ધિ અને સારી લણણી માટે પ્રાર્થના કરે છે.
આ વર્ષે સિંઘુ બોર્ડર પર, 13 મી જાન્યુઆરીએ વિરોધ માર્ગ પર અનેક સ્થળોએ ત્રણ કૃષિ કાયદાની નકલોની હોળી કરીને લોહરીની ઉજવણી કરવામાં આવી. ખેડૂતોએ એકતાના નારા લગાવ્યા અને તેમના ટ્રેકટરો પાસે પ્રગટાવવામાં આવેલા પવિત્ર અગ્નિમાં કૃષિ કાયદાની નકલો બળીને રાખ થઈ ગઈ ત્યારે સાથે મળીને નાચી-ગાઈને આનંદ વ્યક્ત કર્યો.
ખેડુતો આ ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

પંજાબના ખેડૂતો રેલી દરમિયાન પોતાના ટ્રેક્ટરમાં ગીતો ગાઈ રહ્યા છે, તેઓ લોહરીની ઉજવણીની શરૂઆત કરવા ગીતો ગાઈ રહ્યા છે

લોહરીનો પવિત્ર અગ્નિ પ્રગટાવતા પહેલા સાંજે વિરોધ સ્થળે ડ્રમ વગાડતા બે ખેડૂતો - પંજાબના હરપ્રીત સિંહ અને હરિયાણાના રોહિત

લોહરીના તહેવારના વિશેષ લંગર માટે રોટી તૈયાર કરી રહ્યા છે - આ વર્ષે કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે

લોહરીના તહેવારના ભોજનના ભાગ રૂપે જલેબી તળાઈ રહી છે


ડાબે: લોહરી નિમિત્તે સાંજે 7 વાગ્યે ત્રણેય કૃષિ કાયદાની નકલોની હોળી કરવામાં આવશે તેવી જાહેરાત કરતા પોસ્ટરો. જમણે: લોહરીનો અગ્નિ પ્રગટતાની સાથે જ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા

એક ખેડૂત લોહરીના પવિત્ર અગ્નિમાં ત્રણ કૃષિ કાયદાઓની નકલો બાળે છે

આગની લપેટમાં બળતી કાયદાઓની વધુ નકલો

પંજાબના સંગરુર જિલ્લાના સુખદેવ સિંહ કહે છે કે, 'આ વર્ષે પવિત્ર અગ્નિમાં ખેડૂત વિરોધી કાયદાઓની નકલો બાળવી એ જ અમારે મન લોહરીની ઉજવણી છે.'

સાંજ પડતાંની સાથે ખેડૂતો સાથે મળીને ગાવાનું અને નૃત્ય કરવાનું શરૂ કરે છે. સુખદેવસિંહે કહે છે કે, "આ લોહરી ચોક્કસ અલગ છે. સામાન્ય રીતે અમે આ તહેવાર અમારા ઘરોમાં સંબંધીઓ સાથે ઉજવતા અને મિત્રો અમારે ઘેર આવતા - અને તે આનંદનો સમય હતો. આ વખતે અમે અમારા ખેતરોથી અને ઘરોથી દૂર છીએ. પરંતુ તેમ છતાં અમે હજી પણ સાથે છીએ. કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ, પછી ભલેને વર્તમાન સરકારના કાર્યકાળના અંત સુધી અહીં કેમ ન રહેવું પડે."
અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક