તાઈબાઈ ઘુલે અંદાજ લગાવે છે કે, ફક્ત એક જ રાતમાં તેમણે એક લાખ રૂપિયાની આવક ગુમાવી દીધી.
જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે આ 42 વર્ષીય મહિલા તેમના ગામથી નવ કિલોમીટર દૂર ભાલવાણીમાં હતાં. ઘેટાં અને બકરાં ચરાવનારાં આ પશુપાલક કહે છે, “સાંજે પાંચ વાગ્યે વરસાદ શરૂ થયો અને મધ્યરાત્રિ પછી તેણે ધોધમાર સ્વરૂપ ધારણ કર્યું હતું.” તેમનું તાજું ખેડેલું ખેતર ટૂંક સમયમાં ભીનું અને કાદવથી તરબોળ થઈ ગયું હતું, અને તેમનાં લગભગ 200 પ્રાણીઓના ટોળા માટે ચીકણી કાદવમાં હલનચલન કરવું મુશ્કેલ થઈ પડ્યું હતું.
મહારાષ્ટ્રના અહમદનગર (જેને અહેમદનગર પણ કહેવાય છે) જિલ્લામાં ડિસેમ્બર 2021માં આવેલા ભારે વરસાદને યાદ કરતાં તેઓ કહે છે, “અમે [આખી રાત] કાદવમાં બેસી રહ્યાં હતાં અને અમારા પ્રાણીઓ સાથે તે જળબંબાકાર હાલતમાં પલળી ગયાં હતાં.”
આઠ ઘેટાં અને માદા બકરી ગુમાવનારાં ધવલપુરી ગામનાં એક ભરવાડ તાઈબાઈ કહે છે, “અમે ભારે વરસાદ આ પહેલાં પણ જોયો છે, પરંતુ અમે આટલું નુકસાન ક્યારેય નથી વેઠ્યું. આ પહેલી વખત બન્યું છે. અમે ફક્ત અમારા જાનવરોને બચાવવા માગતાં હતાં.”
સતારામાં આ વખતે ખાસ કરીને ભારે વરસાદ થયો હતો અને તેના મોટાભાગના તાલુકાઓમાં 2 ડિસેમ્બર, 2021ના રોજ 100 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.


મહારાષ્ટ્રના પુણેમાં (ડાબે) ભાંડગાંવ ગામનું ચરવાનું મેદાન જ્યાં ધનગર સમુદાયનાં પશુપાલક તાઈબાઈ ઘુલે તેમનાં ઘેટાં અને બકરાં ચરાવવા ઘણીવાર આવે છે. તેમના જેવા પશુપાલકો છ મહિના સુધી મુસાફરી કરતા રહે છે અને ચોમાસાની શરૂઆત એટલે પાછા ફરે છે કારણ કે નાનાં જાનવરો કોંકણ પ્રદેશના ભારે વરસાદનો સામનો કરી શકતાં નથી
ધવલપુરીના 40 વર્ષીય ભરવાડ ગંગારામ ઢેબે કહે છે, “વરસાદ એટલો બધો હતો કે અમે બીજું કંઈ વિચારી જ નહોતા શકતા. કેટલાક ઘેટાં તો પાછળથી મૃત્યુ પામ્યાં હતાં, કારણ કે તેઓ ઠંડી સહન કરી શક્યાં ન હતાં. તેમનામાં કોઈ તાકાત જ નહોતી વધી.”
જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે તેઓ 13 કિલોમીટર દૂર ભાંડગાંવમાં હતા. તેમના 200 જાનવરોમાંથી, ગંગારામે તે રાત્રે 13 જાનવરો ગુમાવ્યાં હતાં: સાત મોટાં ઘેટાં, પાંચ ઘેટાનાં નાનાં બચ્ચાં અને એક બકરી. તેમણે તે બીમાર પ્રાણીઓની સારવાર પાછળ એક સ્થાનિક કેમિસ્ટ પાસેથી દવાઓ અને ઇન્જેક્શન પાછળ 5,000 રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ કશું કામ ન આવ્યું.
તાઈબાઈ અને ગંગારામ ઢેબે મહારાષ્ટ્રમાં વિચરતી જાતિ તરીકે સૂચિબદ્ધ એવા ધનગર સમુદાયથી સંબંધ ધરાવે છે. તેઓ ઘેટાંની મોટી વસ્તી ધરાવતા અહમદનગર જિલ્લામાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે.
ઉનાળામાં, જ્યારે પાણી અને ઘાસચારાની તંગી સર્જાય છે, ત્યારે તાઈબાઈ જેવા પશુપાલકો ઉત્તર કોંકણ પ્રદેશના પાલઘર અને થાણે જિલ્લામાં આવેલા દહાણુ અને ભિવંડી તરફ સ્થળાંતર કરે છે. તેઓ છ મહિના સુધી મુસાફરી કરતાં રહે છે, અને ચોમાસું શરૂ થાય ત્યારે જ પાછાં ફરે છે, કારણ કે નાનાં જાનવરો કોંકણ પ્રદેશના ભારે વરસાદનો સામનો કરી શકતાં નથી.
તાઈબાઈ કહે છે, “આટલો ધોધમાર વરસાદ કઈ રીતે પડ્યો એ અમને સમજાતું નથી. તે [વરસાદ] મેઘરાજા [વાદળોનો રાજા] છે.”

ભરવાડ ગંગારામ ઢેબે 1 ડિસેમ્બર, 2021ની રાતે પડેલ ધોધમાર વરસાદમાં તેમના 13 જાનવરો ગુમાવ્યા હતા. તેઓ કહે છે, ‘અમારી પાસે બીજો કોઈ આશ્રય નથી’
તે ઘટનાને યાદ કરતી વખતે આ પશુપાલકની આંખોમાં પાણી ભરાઈ આવે છે: “અમે બહુ મોટું નુકસાન ઉઠાવ્યું છે, ઘણું મોટું. જો અમને કોઈ અન્ય વ્યવસાય મળશે, તો અમે આ છોડી દઈશું.”
તુકારામ કોકરેએ તેમના 90 જાનવરોમાંથી નવ ઘેટાં અને ચાર ઘેટાંના બચ્ચાં ગુમાવ્યાં હતાં. તેઓ પણ કહે છે, “તે એક મોટું નુકસાન હતું.” તેઓ કહે છે કે એક ઘેટું ખરીદવા પાછળ 12,000થી 13,000 રૂપિયા ખર્ચ થાય છે. ધનગર સમુદાયના 40 વર્ષીય ભરવાડ કહે છે, “અમે નવ ઘેટાં ગુમાવ્યાં છે. તેથી, તમે કલ્પના કરી શકો છો કે અમારે કેટલું નુકસાન થયું છે.”
કોઈ મદદ ન મળવાથી લાચાર તુકારામ કહે છે, “શું તેઓએ પંચનામા [તપાસ અહેવાલ]નો મુસદ્દો તૈયાર કર્યો હતો? તેમણે ન બનાવ્યો તો અમે કેવી રીતે બનાવતા? અમારી પાસે અમારો બચાવ કરવા માટે કંઈ નહોતું અને એકે ખેડૂત પણ આસપાસ નહોતા. ઘેટાં આમતેમ દોડવા લાગ્યાં હતાં. અમે તેમને છોડી શકીએ તેમ નહોતા અને શું થયું છે તેની જાણ કરવાનો પણ સમય નહોતો.”
તેમનું અનુમાન છે કે ફક્ત ભલવાણીમાં જ 300 ઘેટાં મૃત્યુ પામ્યાં હતાં. દેશમાં સૌથી વધુ ઘેટાંની સંખ્યામાં મહારાષ્ટ્ર 27 લાખ ઘેટાં સાથે સાતમા ક્રમે છે.
સતારાના માન, ખટાવ અને દહીવાડી પ્રદેશોમાં પશુધનના થયેલ નુકસાન અને સરકારી ઉદાસીનતા વિષે બોલતા ફલટનમાં રહેતા ભરવાડ કુસ્તીબાજ શંભુરાજે શેંડગે પાટીલ કહે છે, “જો કોઈ ઔપચારિક પોશાક પહેરેલો માણસ સરકારી કાર્યાલયમાં જાય તો અધિકારીઓ તેનું કામ એક કલાકમાં પતાવી દે છે. પરંતુ તે જ અધિકારી જ્યારે ધનગર સમુદાયના મારા સાથી પશુપાલકોને અમારા પરંપરાગત પોશાકમાં જુએ છે તો અમને બે દિવસ પછી આવવાનું કહે છે.”


ડાબે: તુકારામ કોકરેએ તેમના 90 જાનવરોમાંથી નવ ઘેટાં અને ચાર ઘેટાંના બચ્ચાં ગુમાવ્યાં હતાં. તેઓ કહે છે, ‘તે બહુ મોટું નુકસાન હતું.’ જમણે: (પીળા શર્ટમાં) શંભુરાજે શેંડગે પાટીલ કહે છે કે ધનગર સમુદાયના વિચરતા ભરવાડોએ સ્થાનિક લોકો તરફથી સતત દ્વેષ ભર્યા વર્તનનો સામનો કરવો પડે છે
તાઈબાઈ કહે છે, “અમે મૃત્યુ પામેલાં ઘેટાંના ફોટા પણ લઈ શક્યા નથી. અમારી પાસે ફોન તો છે પણ તે ચાર્જ કરેલા નથી. અમે જ્યારે ગામ અથવા વસાહતમાં હોઈએ, ત્યારે જ અમે તેમને ચાર્જ કરી શકીએ છીએ.”
તાઈબાઈ અને તેમના જાનવરોએ અસ્થાયી રૂપે ખેતરમાં પડાવ નાખ્યો છે, જેમાં દોરી બાંધીને વાડ કરવામાં આવી છે. તેમના ઘેટાં અને બકરાંનું ટોળું આરામ કરી રહ્યું છે અને ચરી રહ્યું છે. તેમની પાછળ રહી ગયેલી ટોળી તરફ ઈશારો કરતાં તેઓ કહે છે, “અમારે અમારા પશુધનને ખવડાવવા માટે દૂર સુધી ચાલવું પડશે.”
ગંગારામ તેમના ઘેટાં માટે ચારાની શોધમાં ધવલપુરીથી પુણે જિલ્લાના દેહુ સુધી ચાલીને જાય છે. દેહુના મેદાનો સુધી પહોંચવામાં તેમને 15 દિવસનો સમય થાય છે. તેઓ કહે છે, “જો અમે લોકોના ખેતરોમાં [ચારા માટે] રોકાણ કરીએ, તો અમને માર મારવામાં આવે છે. માર ખાવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” સ્થાનિક ગુંડાઓ પણ તેમને હેરાન કરે છે, તેઓ કહે છે, “ફક્ત ખેડૂતો જ અમારો એકમાત્ર આધાર છે.”
પશુચિકિત્સક ડૉ. નિત્યા ખોટગે કહે છે, “સામાન્ય રીતે, પશુપાલકો મજબૂત લોકો હોય છે, અને તેઓ મુશ્કેલીઓ સહન કરવા સક્ષમ હોય છે, પરંતુ પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ આવેલા અણધાર્યા વરસાદથી તેઓ તૂટી ગયા છે, કારણ કે તેમનાં ઘણાં ઘેટાં મૃત્યુ પામ્યાં છે.”


ડાબે: તાઈબાઈ ઘુલેનાં ઘેટાં અને બકરાંનું ટોળું ભાંડગાંવમાં ચર્યા પછી આરામ કરે છે. જમણે: નાના જાનવરોને કામચલાઉ તંબુમાં રાખવામાં આવ્યાં છે જ્યારે મોટા જાનવરોને ખુલ્લામાં ચરવાની છૂટ છે
તેઓ કહે છે કે પશુપાલકોએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે બહુવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પશુપાલન અને ખેતી કરતા લોકો સાથે કામ કરતી બિન−સરકારી સંસ્થા (એન.જી.ઓ.) અંતરાનાં ડિરેક્ટર ઘોટગે ઉમેરે છે, “નાના બાળકો, ખોરાકનો પુરવઠો, બળતણ અને મોબાઈલ ફોન સહિતની તેમની સંપત્તિ અને તેમના જાનવરો – ખાસ કરીને નબળા અને નાના જાનવરો − બધા જોખમમાં હતા.”
ભરવાડોએ પંચનામું દાખલ કરવા માટે નિર્ણાયક મદદની જરૂર હોય છે. તથા હવામાનના આંચકાઓ, રોગ, રસી અને સમયસર પશુ ચિકિત્સક સહાય અંગેની માહિતી મેળવવી પણ જરૂરી છે. ઘોટગે કહે છે, “આશા છે કે સરકાર, તેની આબોહવા પરિવર્તન અને પશુધન નીતિઓનો મુસદ્દો બનાવતી વખતે, આ બધુ ધ્યાનમાં લેશે.”
તુકારામ સૂચવે છે કે ધવલપુરીમાં એક સહિયારો શેડ બાંધવાથી તેમના જેવા ભરવાડોને તેમના જાનવરોને બચાવવામાં મદદ મળી શકે છે. આ અનુભવી ભરવાડ કહે છે, “તેને એવી રીતે બાંધવો જોઈએ કે જેમાં ઘેટાં પલળે નહીં અને સલામત રહે. તેમને અંદર ઠંડી નહીં લાગે.”
ત્યાં સુધી તાઈબાઈ, ગંગારામ અને તુકારામ તેમનાં ઘેટાંબકરાં માટે ચારો, પાણી અને આશ્રયની શોધમાં મુસાફરી કરતાં જ રહેશે. તેઓ કહે છે કે રાજ્ય તરફથી કે વરસાદ પાસેથી કોઈ મદદ કે રાહતની આશા રાખ્યા વગર આગળ વધતા રહેવામાં જ ભલાઈ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ