પારઈ ઢોલ વગાડવામાં આવે છે અને રેલી શરૂ થાય છે.
આશરે 60 લોકોનું એક ટોળું પોકાર કરે છે: “જય જય જય જય ભીમ, જય આંબેડકર જય ભીમ.” દર વર્ષે 6 ડિસેમ્બર, ડૉ . બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ, મુંબઈમાં આ મહાપરિનિર્વાણ રેલી યોજાય છે
એક પછી એક, લોકો તેમની મીણબત્તીઓ પ્રગટાવે છે અને ધારાવીના પેરિયાર ચોકમાં ભેગા થાય છે અને જોતજોતામાં મુંબઈ શહેરમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો આ પટ્ટો ઉજવણીમાં જીવંત બની જાય છે. મહાપારિનિર્વન દિવસ (તેમના નિધનની વર્ષગાંઠ) કાર્યક્રમનું આયોજન જય ભીમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ રેલી લગભગ બે કલાક સુધી ચાલશે અને આશરે 1.5 કિલોમીટર જેટલું અંતર કાપીને ઈવી રામાસ્વામી (પેરિયાર) ચોકથી ગણેશન કોવિલમાં આંબેડકરની પ્રતિમા સુધી જશે.
તેમના પતિ સુરેશ કુમાર રાજુ સાથે ફાઉન્ડેશનના મુખ્ય સભ્યોમાંના એક વેનિલા કહે છે, “આજનો દિવસ અમારા માટે તહેવાર જેવો છે. આખું મુંબઈ શહેર 14 એપ્રિલ (આંબેડકરનો જન્મદિવસ) અને 6 ડિસેમ્બરની ઉજવણી કરે છે, જે આ મહાન નેતાના જાતિના ભેદભાવથી પીડાતા લોકો માટેના યોગદાનને યાદ કરે છે. અમે રૂટને વાદળી ધ્વજથી શણગાર્યો અને ઘરે−ઘરે જઈને લોકોને આવવા અને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કર્યા છે.”
તેઓ પછી ધારાવીની એકમાત્ર આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવે છે, અને ત્યારબાદ તેમના નેતાના યોગદાનને સમર્પિત તમિલ ગીતો ગાતા જૂથમાં જોડાય છે.


ડાબે: રેલીની શરૂઆત પહેલાં મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો ભેગા થાઈને આંબેડકરના યોગદાનને યાદ કરે છે. જમણે: રેલી માટે મહિલાઓને એકત્ર કરવામાં વેનીલા (સફેદ કુર્તામાં) મુખ્ય ભૂમિકા ભજવે છે

રેલી દરમિયાન તમિલ સૂત્રો પોકારવામાં આવે છે, કારણ કે તેના મોટાભાગના સહભાગીઓ તમિલ−ભાષી ઘરોમાંથી આવે છે. અરણ (ડાબી તરફનો છોકરો) રેલીમાં પરાઈ વાદ્ય વગાડે છે
સુરેશ ઉત્તર મુંબઈમાં એક પેઢીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. 45 વર્ષીય સુરેશ 14−કલાકની પાળીમાં કામ કરીને મહિને લગભગ 25,000 રૂપિયા કમાય છે. 41 વર્ષીય વેન્નિલા, એક ઘરેલું કામદાર છે જે ધારાવી નજીકના એક એપાર્ટમેન્ટમાં દરરોજ છ કલાક રસોઈ બનાવે છે અને સાફસફાઈ કરે છે. તેઓ આ કામ કરીને મહિને 15,000 રૂપિયા કમાય છે.
આ દંપતીને બે પુત્રો છે, 17 વર્ષીય કાર્તિક, અને 12 વર્ષીય, અરણ. તેઓ બન્ને શહેરની ખાનગી સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. વેન્નિલા કહે છે, “અમે પણ દાદરની ચૈત્યભૂમિ જેવા શહેરના અન્ય ભાગોમાં તહેવારોની ઉજવણીમાં ભાગ લઈએ છીએ. પરંતુ ધારાવીમાં મોટે ભાગે પરેયન (પરેયર) સમુદાય જ, આંબેડકરને અનુસરે છે અને તેમની ઉજવણીમાં ભાગ લે છે.”
વેન્નિલા અને સુરેશ મૂળ તમિલનાડુના છે અને પરેયન સમુદાયના છે, જે તે રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેઓ કહે છે, “મારા પિતા નોકરીની શોધમાં 1965માં તિરુનલવેલીથી ધારાવી આવ્યા હતા.” સિંચાઈનો અભાવ અને અન્ય સમસ્યાઓના પગલે તેઓ ખેતીમાંથી પૂરતી કમાણી કરી શકતા ન હોવાથી તેમના પરિવારે સ્થળાંતર કરવું પડ્યું હતું.
આ દંપતી ધારાવીમાં જ્યાં તેઓ રહે છે ત્યાં અને તેની આસપાસ આંબેડકરવાદીઓને સંગઠિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સુરેશ કહે છે કે 2012 માં રાજા કુટ્ટી રાજુ, નિત્યાનંદ પલની, અનિલ સાંતિની અને અન્ય સભ્યોને સાથે મળીને તેઓએ, “આંબેડકર અને તેમના યોગદાન વિષે લોકોમાં જાગૃતિ અને માહિતી ફેલાવવા માટે 14 એપ્રિલ અને 6 ડિસેમ્બરે ધારાવીમાં સામૂહિક ઉજવણીઓનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું.”


વેન્નિલાના નવા ઘરની બહાર (ડાબે) બુદ્ધ, ડૉ. આંબેડકર, પેરિયાર ઈવી રામાસ્વામી, સાવિત્રીભાઈ ફૂલે અને કાર્લ માર્ક્સની છબી છે. વેન્નિલા અને તેમના પતિ (જમણે), અને તેમના બે પુત્રોએ ગયા વર્ષે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો


તેમના સ્વ−સહાય જૂથ માગિરચી માગલીર પેરવઈની મહિલાઓ સાથે વેન્નિલા
જ્યારે સુરેશ ડ્રાઇવિંગ ન કરતા હોય, ત્યારે તેઓ જય ભીમ ફાઉન્ડેશન માટે સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે તેમાં 2012માં 20 સભ્યો હતા અને હવે 150 છે. તેઓ ઉમેરે છે, “અમારા મોટા ભાગના સભ્યો પણ સ્થળાંતર કરીને આવેલા લોકો છે. તેઓ ડ્રાઇવર તરીકે અને રેલ્વેમાં કામ કરે છે પરંતુ રેલીઓમાં અમારી સાથે જોડાય છે.”
વેન્નિલાએ કમાણી કરવા માટે અભ્યાસ છોડ્યો તે પહેલાં નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ કહે છે કે તેમણે રસોઈયા તરીકે અને ઓફિસમાં કામ કરતી વખતે અંગ્રેજી બોલવાનું શીખ્યાં હતાં. 2016માં વેન્નિલા અને બીજી કેટલીક સ્ત્રીઓએ મળીને એક સ્વ−સહાય જૂથ (SHG)ની સ્થાપના કરી અને તેનું નામ માગિરચી માગલીર પેરવઈ રાખ્યું હતું. “અમ મહિલાઓ પાસે અહીં નવરાશમાં કરવા માટે વધારે પ્રવૃત્તિઓ નથી, તેથી આ વિશિષ્ટ મહિલા સમૂહ દ્વારા, અમે કાર્યક્રમો યોજીએ છીએ અને સાથે ફિલ્મો જોવા માટે નીકળીએ છીએ.” લોકડાઉન દરમિયાન, તેમના સ્વ−સહાય જૂથે ધારાવીમાં લોકોને ખોરાક, કરિયાણા અને નાના પાયે નાણાકીય સહાય આપી હતી, જેમને વેન્નિલાના સંપર્કો દ્વારા સમર્થન મળ્યું હતું.
તેઓ હસતાં હસતાં કહે છે, ‘માગિઝચી’ નો અર્થ તમિલમાં ખુશી થાય છે. “મહિલાઓ પર હંમેશાં ઝુલ્મ કરવામાં આવે છે અને તેઓ તેમના ઘરની અંદર હતાશા અનુભવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં અમે બધા એકબીજા સાથે વાત કરીને આનંદ અનુભવીએ છીએ.”

વેન્નિલા (સફેદ કુર્તામાં), તેમના પતિ સુરેશ (તેમની પાછળ સફેદ શર્ટમાં), અને સુરેશના નાના ભાઈ રાજા કુટ્ટી, બીજા ઘણા લોકોની સાથે આ રેલીના આયોજન માટે જવાબદાર છે

અરણ (સફેદ ટી−શર્ટમાં) રેલી માટે પરાઈ (ડફળી) વાદ્ય વગાડે છે

રેલી પેરિયાર ચોકથી શરૂ થાય છે અને ગણેશન કવિલના કમ્પાઉન્ડની અંદર આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થાય છે. દોઢ કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપવામાં આવે છે

રેલી દરમિયાન દરેક જગ્યાએ ‘જય ભીમ’ લખેલા વાદળી ઝંડા જોવા મળે છે

વેન્નિલા (સફેદ કૂર્તામાં) રેલીમાં સૂત્રોચ્ચાર કરે છે. સુરેશનો નાનો ભાઈ, રાજા કુટ્ટી, (સફેદ શર્ટ અને દાઢીમાં) તેમની બાજુમાં છે. પારઈનો અવાજ અને સૂત્રોચ્ચાર રેલીમાં જોશ ઉમેરે છે

રાજા કુટ્ટી રાજા ( સફેદ શર્ટ અને દાઢીમાં ) અને નિત્યાનંદ પલાની ( કાળા શર્ટમાં ) રેલીના મુખ્ય આયોજકો છે

તમિલ રેપર અરિવરસુ કલઈનેસન, જેઓ અરિવુના હુલામણા નામે જાણીતા છે, તેઓ સમગ્ર રેલી દરમિયાન હાજર હતા. રેલીના અંતે તેમણે ગીતો ગાયા અને રેપ કર્યું હતું

રેલીના અંતમાં, કેટલાક સહભાગીઓ આંબેડકરની પ્રતિમાની ટોચ પર જાય છે અને સન્માનના ચિહ્ન તરીકે તેના પર માળા પહેરાવે છે
અનુવાદક: ફૈઝ મોહંમદ