થોડા સમય પહેલા મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલે તાલુકાના ખોચિ ગામના ખેડૂતો એક એકર ખેતીની જમીનમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કોણ કરશે તે અંગે એકબીજા સાથે હરીફાઈ કરતા હતા. ગામલોકોનું કહેવું છે કે આ રિવાજ લગભગ છ દાયકા જૂનો છે. આ એક પ્રકારની તંદુરસ્ત સ્પર્ધા હતી જે તેમાં સામેલ થનાર દરેકને માટે લાભદાયક નીવડતી: કેટલાક ખેડૂતો એકર દીઠ, સામાન્ય લણણી કરતાં લગભગ 1.5 ગણી, 80000-100000 કિલો શેરડી લણતા.
ઓગસ્ટ 2019 માં આવેલા પૂરને પગલે ગામના ઘણા ભાગો લગભગ 10 દિવસ સુધી પાણી હેઠળ ડૂબેલા રહ્યા હતા પરિણામે શેરડીના મોટા ભાગના પાકને નુકસાન પહોંચ્યું હતું અને વર્ષોથી ચાલી આવતો આ રિવાજ અચાનક બંધ થઈ ગયો હતો. બે વર્ષ પછી જુલાઈ 2021 માં ભારે વરસાદ અને પૂરને કારણે ફરી એકવાર ખોચિના શેરડી અને સોયાબીનના પાકનો ભારે વિનાશ થયો હતો.
ગણોતિયા તરીકે કામ કરતા અને ખોચિના રહેવાસી 42 વર્ષના ગીતા પાટીલ કહે છે, “હવે, ખેડૂતો હરીફાઈ નથી કરતા; તેને બદલે તેઓ પ્રાર્થના કરે છે કે તેમનો શેરડીનો ઓછામાં ઓછો અડધો પાક બચી જાય." એક સમયે ગીતા એવું માનતા હતા કે શેરડીનું ઉત્પાદન વધારવા માટેની તમામ તકનીકો પોતે શીખી લીધી છે, તેમણે આ બે પૂરમાં 8 લાખ કિલોથી વધુ શેરડી ગુમાવી હતી. તેઓ કહે છે, "કંઈક ગડબડ છે." તેમણે આબોહવા પરિવર્તનને ગણતરીમાં લીધું નહોતું.
તેઓ કહે છે, "[2019 માં પૂર આવ્યું ત્યારથી] વરસાદની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે." 2019 સુધી તેમનો એક નિશ્ચિત ક્રમ હતો. શેરડીની દરેક લણણી પછી જમીનના પોષકતત્ત્વો જળવાઈ રહે તે માટે સામાન્ય રીતે ઑક્ટોબર-નવેમ્બરની આસપાસ તેઓ એક અલગ પાકની - સોયાબીન, ભૂઈમૂગ (મગફળી), ચોખાની વિવિધ જાતો, એસ હાલુ (સંકર જુવાર) અથવા બાજરીની - ખેતી કરતા. તેમના જીવનમાં અને કામમાં એક નિશ્ચિત અને પરિચિત લય હતો. હવે એ રહ્યો નથી.
"આ વર્ષે [2022 માં] ચોમાસું એક મહિનો મોડું હતું. પરંતુ જેવો વરસાદ શરૂ થયો કે એક મહિનામાં જ ખેતરો લગભગ છલકાઈ ગયા." ઓગસ્ટમાં ભારે વરસાદના કારણે ખેતરોનો મોટો હિસ્સો લગભગ બે અઠવાડિયા સુધી પાણીની નીચે ડૂબેલો રહ્યો હતો; જે ખેડૂતોએ થોડા વખત પહેલા જ શેરડીની ખેતીની શરૂઆત કરી હતી તેમને વ્યાપક નુકસાન થયું કારણ કે વધુ પડતા પાણીને કારણે પાકનો વિકાસ રુંધાઈ ગયો અને પાકને નુકસાન પહોંચ્યું. પંચાયતે ચેતવણી જારી કરીને પાણીનું સ્તર વધુ વધે તો લોકોને તેમના ઘર ખાલી કરવા પણ જણાવ્યું હતું.

2021 ના પૂર પછી ગીતા પાટીલને હાઈપરથાઈરોઈડિઝમ હોવાનું નિદાન થયું હતું. ગણોતિયા અને ખેતમજૂર તરીકે કામ કરતા ગીતા કહે છે, 'હું ક્યારેય આટલી નબળી નહોતી. ખબર નથી હવે મારી તબિયતને શું થઈ ગયું છે'
સદ્ભાગ્યે ગીતાએ એક એકરમાં ચોખાની જે ખેતી કરી હતી તે પાક આ મહાપૂરમાંથી બચી ગયો હતો અને ઓક્ટોબરમાં પ્રમાણમાં સારો પાક અને થોડીઘણી આવક થવાની તેમને આશા હતી. પરંતુ ઓક્ટોબરમાં અગાઉ ક્યારેય ન થયો હોય એવો વરસાદ થયો હતો (આ વિસ્તારના લોકો તેને 'ઢગફૂટી' અથવા વાદળ ફાટવાની ઘટના તરીકે ઓળખાવે છે) - જેણે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ માત્ર કોલ્હાપુર જિલ્લાના 78 ગામોમાં લગભગ એક હજાર હેક્ટર ખેતીની જમીનનો નાશ કર્યો હતો.
ગીતા કહે છે, “અમે લગભગ અડધા ચોખા ગુમાવ્યા હતા.” તેઓ ઉમેરે છે કે ભારે વરસાદમાં બચી ગયેલ શેરડીના પાકમાંથી પણ ઉપજ ઓછી થશે. તેમની મુશ્કેલીઓ ત્યાં પૂરી થતી નથી. તેઓ કહે છે, "ગણોતિયા તરીકે અમારે કુલ ઉત્પાદનના 80 ટકા જમીનમાલિકને આપવા પડે છે."
ગીતા અને તેમનો પરિવાર ચાર એકર જમીનમાં શેરડીની ખેતી કરે છે. સામાન્ય સંજોગોમાં ઉત્પાદન ઓછામાં ઓછું 320 ટન જેટલું થાય. તેમાંથી તેઓ માત્ર 64 ટન જ રાખી શકે, જ્યારે બાકીનું જમીનમાલિક પાસે જાય; 64 ટન એટલે પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોની 15 મહિનાની મહેનતના આશરે ફક્ત 179200 રુપિયા. જમીનમાલિક, જે માત્ર ઉત્પાદનનો ખર્ચ ઉઠાવે છે, તેને ઢગલેઢોળ 716800 રુપિયા મળે.
2019 અને 2021 માં તેઓએ શેરડીનો બધો જ પાક પૂરમાં ગુમાવી દીધો ત્યારે ગીતાના પરિવારને એક રુપિયોય મળ્યો નહોતો. શેરડીની ખેતી કરવા છતાં તેમને મજૂરી પણ ચૂકવવામાં આવી નહોતી.
શેરડીની ખેતીમાં થયેલા નુકસાન ઉપરાંત ઓગસ્ટ 2019ના પૂરમાં તેમના ઘરનો કેટલોક ભાગ તૂટી પડ્યો ત્યારે પણ તેમને મોટો ફટકો પડ્યો હતો. ગીતાના પતિ તાનાજી કહે છે, "તેના સમારકામના અમારે લગભગ 25000 રુપિયા ખરચવા પડ્યા." તેઓ ઉમેરે છે, સરકારે "વળતર પેટે માત્ર 6000 રુપિયા આપ્યા." પૂર પછી તાનાજીને હાઈપરટેન્શન (લોહીનું ઊંચું દબાણ) હોવાનું નિદાન થયું હતું.
2021 માં પૂરને કારણે તેમના ઘરને ફરીથી નુકસાન થયું, જેના કારણે તેમને આઠ દિવસ માટે બીજા ગામમાં સ્થળાંતર કરવાની ફરજ પડી. આ વખતે પરિવારને તેમના ઘરનું સમારકામ કરવું પોસાય તેમ ન હતું. ગીતા કહે છે, “આજે પણ તમે દિવાલોને અડકો તો એ ભેજવાળી છે.

2019ના પૂર પછી ગીતાના પતિ તાનાજી પાટીલને હાઈપરટેન્શન હોવાનું નિદાન થયું હતું; છેલ્લા ત્રણ વર્ષમાં અર્જુનવાડમાં બિનચેપી રોગોથી પીડિત લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે

ખોચિ ગામનું એક ઘર જેને 2019 અને 2021ના પૂરમાં નુકસાન પહોંચ્યું હતું
આઘાત પણ તાજો છે. તેઓ કહે છે, "જ્યારે પણ વરસાદ પડે છે અને છતમાંથી પાણી ચૂએ છે, ત્યારે એકેએક ટીપું મને પૂરની યાદ અપાવે છે. જ્યારે ઑક્ટોબર [2022] ના બીજા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યો, ત્યારે હું અઠવાડિયા સુધી બરાબર ઊંઘી શકી નહોતી."
2021 ના પૂરમાં પરિવારે તેમની બે મહેસાણા ભેંસો પણ ગુમાવી હતી, જેની કિંમત 160000 હતી. તેઓ કહે છે, "પરિણામે દૂધ વેચવાથી થતી અમારી રોજની આવક છીનવાઈ ગઈ." એક નવી ભેંસની જોડીના પરિવારને 80000 રુપિયા ચૂકવવા પડ્યા. પોસાય તેમ ન હોવા છતાં ભેંસ ખરીદવી પડી તેનું કારણ સમજાવતા તેઓ કહે છે, "[પૂરને કારણે અને ખેતેરો સુધી પહોંચવું મુશ્કેલ બને તે કારણે] જ્યારે ખેતરોમાં પૂરતું કામ મળતું નથી ત્યારે પશુઓનું દૂધ એ જ આવકનો એકમાત્ર સ્ત્રોત બની રહે છે." બે છેડા ભેગા કરવા તેઓ ખેત મજૂર તરીકે પણ કામ કરે છે પરંતુ આસપાસના વિસ્તારમાં ઝાઝું કામ નથી.
ગીતા અને તાનાજીએ સ્વ-સહાય જૂથો અને ખાનગી શાહુકારો સહિત વિવિધ સ્થળોએથી 2 લાખ રુપિયા ઉધાર લીધા છે. તેમનો પાક બીજા પૂરના સતત ભય હેઠળ છે ત્યારે હવે તેઓને ડર છે કે તેઓ સમયસર લોન ચૂકવી શકશે નહીં, પરિણામે તેમના માથે વ્યાજના બોજમાં વધુ વધારો થશે.
વરસાદની પેટર્ન, પાકની ઉપજ, આવક - ત્રણેયમાં નિશ્ચિતતાના અભાવને કારણે ગીતાનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.
તેઓ કહે છે, "જુલાઈ 2021ના પૂર પછી, મને સ્નાયુઓની નબળાઈ લાગવા માંડી, સાંધાઓ જકડાઈ જવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી." ચાર મહિના સુધી તેમણે આ લક્ષણોની અવગણના કરી, તેમને એમ હતું કે વખત જતાં ધીમે ધીમે સારું થઈ જશે.
તેઓ કહે છે, "એક દિવસ એ એટલું અસહ્ય બન્યું કે મારે ડૉક્ટરની સલાહ લેવી પડી." ગીતાને હાઈપરથાઈરોઈડિઝમ હોવાનું નિદાન થયું હતું; ડૉક્ટરે તેને કહ્યું કે (માનસિક) તણાવને કારણે તેમની તબિયત ઝડપથી કથળી રહી છે. છેલ્લા એક વર્ષથી ગીતા દર મહિને દવાઓ પાછળ 1500 રુપિયા ખર્ચે છે. આ સારવાર હજી બીજા 15 મહિના સુધી ચાલુ રહેશે એમ લાગે છે.


ડાબે: પૂરથી અસરગ્રસ્ત ખુટાવડ ગામમાં કામ કરી રહેલ એક ખેતમજૂર રેશ્મા કાંબલે. જમણે: જુલાઈ 2021માં કોલ્હાપુરના ઘાલવાડ ગામમાં પૂર બચાવ કામગીરી ચાલી રહી છે


કોલ્હાપુરના શિરટી ગામની સીમમાં ઘરો (ડાબે) અને રાજ્ય વીજળી બોર્ડની ઓફિસ (જમણે) ઓગસ્ટ 2019માં આંશિક રીતે પૂરના પાણીમાં ડૂબી ગયા હતા
કોલ્હાપુરના પૂરથી અસરગ્રસ્ત ચિખલી ગામમાં સમુદાય આરોગ્ય સંભાળ અધિકારી (કમ્યુનિટી હેલ્થકેર ઑફિસર) ડૉ. માધુરી પન્હાલકર કહે છે કે આ પ્રદેશમાં વધારે ને વધારે લોકો પૂરને કારણે અનુભવેલી વ્યથા અને વધતા જતા દેવા અને વધતા ભાવનાત્મક તણાવનો સામનો કરવામાં તેમની અસમર્થતા વિશે વાત કરી રહ્યા છે. કરવીર તાલુકામાં આવેલું આ ગામ સામાન્ય રીતે પાણીનું સ્તર વધે ત્યારે સૌથી પહેલા ડૂબનારા ગામોમાંનું એક છે
કેરળમાં 2019ના પૂરના ચાર મહિના પછી આ રાજ્યના પાંચ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 374 પરિવારોના વડાઓ સાથે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ બે પૂરનો અનુભવ કર્યો હતો તેઓએ જેમણે એક જ પૂરનો અનુભવ કર્યો હતો તેમના કરતા વધારે શીખેલી લાચારી દર્શાવી હતી (અગાઉ એ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હોવાને કારણે નકારાત્મક પરિસ્થિતિની નિષ્ક્રિય સ્વીકૃતિ).
સંશોધન પત્ર નો નિષ્કર્ષ હતો, "નકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિણામોને રોકવા માટે વારંવાર કુદરતી આફતોનો ભોગ બનેલા લોકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ."
કોલ્હાપુરના ગામડાઓમાં - અને ખરું પૂછો તો ગ્રામીણ ભારતમાં રહેતા 83.3 કરોડ લોકો (જનગણના 2011) માટે - માનસિક સ્વાસ્થ્ય સંભાળ મેળવવી એટલી સરળ નથી. ડૉ. પન્હાલકર કહે છે, “માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓવાળા દર્દીઓને અમારે જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવા પડે છે. જો કે દરેકને આટલે દૂર સુધીની મુસાફરી કરવાનું પોસાઈ શકતું નથી."
ગ્રામીણ ભારતમાં માત્ર 764 જિલ્લા હોસ્પિટલો અને 1224 પેટા-જિલ્લા હોસ્પિટલોમાં (ગ્રામીણ આરોગ્ય આંકડા, 2020-21 (રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ, 2020-21)), મનોચિકિત્સકો અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવી છે. ડૉક્ટર ઉમેરે છે, "અમારે પેટા-કેન્દ્રોમાં નહિ તો ઓછામાં ઓછું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તો માનસિક સ્વાસ્થ્ય સંભાળ વ્યાવસાયિકોની જરૂર છે જ." 2017 માં પ્રકાશિત વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન) ના અહેવાલ માં જણાવાયું છે કે ભારતમાં દર 1 લાખ વ્યક્તિએ 1 કરતાય ઓછા (0.07) મનોચિકિત્સક છે.
*****

શિવબાઈ કાંબલેને હાઈપરટેન્શન હોવાનું નિદાન થયું હતું, આ હાઈપરટેન્શનનું કારણ હતું ફરી એક વાર બીજું પૂર આવશે એની ચિંતા અને ડર
62 વર્ષના શિવબાઈ કાંબલે અર્જુનવાડમાં તેમની રમૂજની ભાવના માટે જાણીતા છે. કોલ્હાપુરના આ ગામના માન્યતાપ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (એક્રેડિટેડ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) શુભાંગી કાંબલે કહે છે, "તેઓ એક માત્ર ખેતમજૂર છે, જી હસત ખેળત કામ કરતં [હસતે મોઢે કામ કરે છે]."
છતાં 2019ના પૂરના ત્રણ મહિનામાં શિવબાઈને હાઈપરટેન્શન હોવાનું નિદાન થયું હતું. શુભાંગી કહે છે, "ગામમાં દરેકને આશ્ચર્ય થયું હતું, ખાસ કરીને એટલા માટે કારણ કે તેઓ એવી વ્યક્તિ છે જે ક્યારેય માનસિક તણાવમાં ન રહેવા માટે જાણીતા છે." ભવિષ્યની ચિંતા કર્યા વિના જીવનને માણનાર એક મહિલાને આવા રોગ તરફ દોરી જવા માટેના કારણ શોધી કાઢવાનું શુભાંગીએ નક્કી કર્યું હતું. આમ 2020 ની શરૂઆતમાં શિવબાઈ સાથે તેમની વિસ્તૃત વાતચીતની શરૂઆત થઈ.
શુભાંગી યાદ કરે છે, "શરૂઆતમાં તેઓ તેમની તકલીફોની વાત કરતા નહીં; તેઓ હંમેશા હસતા રહેતા." જો કે શિવબાઈની તબિયત કથળતી જતી હતી, તેમને ચક્કર આવતા હતા અને તાવ આવતો હતો, આ બધા લક્ષણોએ વાતની ચાડી ખાતા હતા કે બધું બરાબર તો નથી, ક્યાંક કોઈક તકલીફ તો છે. મહિનાઓની વાતચીત પછી આ આશા કાર્યકરને આખરે ખબર પડી કે શિવબાઈની આ પરિસ્થિતિ માટે વારંવાર આવતા પૂર જવાબદાર છે.
2019 ના પૂરે શિવબાઈના કાચા ઘરને, મોટાભાગે શેરડીના સૂકા પાંદડા, જુવારની દાંડી અને સૂકા ઘાસ અને થોડીઘણી ઈંટો વડે બાંધેલા કાચા-પાકા માળખાને, બરબાદ કરી નાખ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારે પતરાની ઝૂંપડી બાંધવા પાછળ આશરે 100000 રુપિયા ખર્ચ્યા, તેઓને આશા હતી કે બીજું પૂર આવશે તો આ પતરાની ઝૂંપડીને નુકસાન નહિ થાય.
કામકાજના દિવસોની સંખ્યામાં ભારે ઘટાડો થવાને કારણે પરિવારની આવકમાં સતત ઘટાડો થતા પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સપ્ટેમ્બરના મધ્યથી લગભગ ઑક્ટોબર 2022 ના અંત સુધી શિવબાઈને કામ મળ્યું ન હતું કારણ કે ખેતરો પાણીની નીચે ડૂબેલા રહયા હતા અને ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ હતું; આ ઉપરાંત, ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાથી તેમને માટે મજૂર રાખવાનું અવ્યવહારુ બની ગયું હતું.
તેઓ કહે છે, "છેવટે દિવાળી પહેલા (ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં) ત્રણ દિવસ મેં ખેતરોમાં કામ કર્યું, પરંતુ ફરીથી વરસાદ પાછો આવ્યો અને એ કામ પણ છીનવી લીધું."
આવકમાં ઘટાડો થતાં શિવબાઈ તેમનો ઈલાજ બરોબર કરી શકતા નથી. તેઓ કહે છે, "ઘણી વખત મારી પાસે પૂરતા પૈસા ન હોવાને કારણે હું દવાઓ લઈ શકતી નથી."

આશા કાર્યકર માયા પાટીલ તેમનો મોટાભાગનો સમય સમુદાયની મહિલાઓ સાથે તેમના આરોગ્ય વિશે વાત કરવામાં ગાળે છે
અર્જુનવાડના કમ્યુનિટી હેલ્થ ઓફિસર (સીએચઓ), ડૉ. એન્જેલીના બેકર કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ (મધુપ્રમેહ) જેવા બિન-ચેપી રોગો (નોન-કમ્યુનીકેબલ ડિઝીઝિસ - એનસીડીઝ) થી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેઓ કહે છે કે માત્ર 2022 માં અર્જુનવાડની 5641 ની વસ્તી (જનગણના 2011) માં 225 થી વધુ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના કેસ નોંધાયા છે.
તેઓ કહે છે, "વાસ્તવિક આંકડા તો ઘણા વધુ હશે, પરંતુ ઘણા લોકો પરીક્ષણ કરાવવા આગળ આવતા નથી." તેઓ વારંવાર આવતા પૂર, ઘટતી આવક અને પોષણની અછતને એનસીડીઝમાં વધારા માટે જવાબદાર ગણે છે. [આ પણ વાંચો: કોલ્હાપુરમાં આશા કાર્યકરોના મનની બદલાતી ઋતુઓની વારતા ]
ડોક્ટર બેકર કહે છે, “પૂરથી અસરગ્રસ્ત ઘણા વૃદ્ધ ગ્રામવાસીઓ આત્મહત્યાની લાગણી અનુભવી રહ્યા છે; આવા કેસો ઝડપથી વધી રહ્યા છે." તેઓ ઉમેરે છે કે અનિદ્રાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.
પત્રકાર અને અર્જુનવાડના પીએચડી સ્કોલર ચૈતન્ય કાંબલે, જેમના માતા-પિતા ગણોતિયા અને ખેત મજૂરો તરીકે કામ કરે છે, તેઓ કહે છે, “અયોગ્ય નીતિઓને કારણે પૂરનો સૌથી વધુ બોજ ખેતમજૂરો અને ગણોતિયાઓ સહન કરે છે. એક ગણોતિયાએ 75-80 ટકા ઉત્પાદ જમીનમાલિક આપી દેવી પડે છે, અને જ્યારે પૂર બધું છીનવી લે છે, ત્યારે વળતર માલિકને મળે છે.
અર્જુનવાડના લગભગ તમામ ખેડૂતો પૂરને કારણે તેમનો પાક ગુમાવે છે. ચૈતન્ય કહે છે, "ફરી એક વાર સારો પાક ન થાય ત્યાં સુધી [પૂરથી] પાક ગુમાવવાનું દુઃખ દૂર થતું નથી. પરંતુ (વારંવાર આવતા) પૂર અમારા પાક નષ્ટ કરતા જ રહે છે. સમયસર લોન ચૂકવી નહિ શકાય એ ચિંતાને કારણે (માનસિક) તણાવ વધતો રહે છે."
મહારાષ્ટ્ર સરકારના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ અને ઑક્ટોબર 2022 વચ્ચે કુદરતી આફતોને કારણે રાજ્યમાં 24.68 લાખ હેક્ટર જમીનને અસર પહોંચી હતી; માત્ર ઓક્ટોબર મહિના માટેના આંકડા જોઈએ તો 22 જિલ્લાઓમાં 7.5 લાખ હેક્ટર જમીન અસરગ્રસ્ત હતી. રાજ્યમાં 28 ઓક્ટોબર, 2022 સુધીમાં 1288 મીમી વરસાદ નોંધાયો હતો - જે સરેરાશ વરસાદના 120.5 ટકા જેટલો હતો. અને તેમાંથી 1068 મીમી વરસાદ જૂન અને ઓક્ટોબર વચ્ચે નોંધાયો હતો. [આ પણ વાંચો: વરસે વરસાદ, ને વરસે વ્યથા ]


ડાબે: જુલાઈ 2021ના પૂરના કારણે અર્જુનવાડમાં પાકનો મોટાપાયે વિનાશ થયો હતો, જેમાં આ કેળાના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે, જેના ફળો લણણી માટે લગભગ તૈયાર હતા. જમણે: બીજું પૂર આવે એ પહેલા શેરડી ઓછામાં ઓછી સાત ફૂટ ઊંચી થઈ જાય એ સુનિશ્ચિત કરવા ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ વધારી રહ્યા છે


ડાબે: કોલ્હાપુરના શિરટી ગામમાં ઓગસ્ટ 2019ના પૂરના પાણીથી ઘેરાયેલી એક આંગણવાડી; 2021 માં શિરટીને ફરી બીજા પૂરનો સામનો કરવો પડ્યો હતો. જમણે: વારંવાર આવતા પૂર શિરોલ તાલુકાના કેટલાક ગામોમાં ખેતરો અને ખેતીની જમીનનો ઝડપથી નાશ કરે છે
યુએનના ક્લાયમેટ ચેઈન્જ રિપોર્ટ (આબોહવા પરિવર્તન અહેવાલ) માં યોગદાન આપનાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી બોમ્બેના સિવિલ એન્જીનિયરિંગના પ્રાધ્યાપક સુબિમલ ઘોષ કહે છે, “અમે આબોહવા વૈજ્ઞાનિકો આગાહીમાં સુધારો કરવાની વાત કરતા રહીએ છીએ, પરંતુ વાસ્તવમાં આબોહવા અંગેની આ આગાહીઓને આધારે યોગ્ય નિર્ણય લેવાનું આપણે ચૂકી જઈએ છીએ."
તેઓ ઉમેરે છે કે ભારતીય હવામાન વિભાગે (ધ ઈન્ડિયન મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટે) સચોટ આગાહી કરવાની ક્ષમતામાં બહુ મોટા સુધારા કર્યા છે, "પરંતુ ખેડૂતો તેનો ઉપયોગ કરતા નથી કારણ કે તેઓ તેના આધારે [પાકને બચાવી શકાય એવા] નિર્ણય લઈ શકતા નથી."
પ્રા. ઘોષ ખેડૂતોની સમસ્યાઓને સારામાં સારી રીતે સમજવા અને આબોહવાની અનિશ્ચિતતાનો સામનો કરવાના શ્રેષ્ઠ પગલાં નક્કી કરવા માટે સહભાગી મોડેલની હિમાયત કરે છે. તેઓ કહે છે, "ફક્ત [પૂરનો] નકશો બનાવવાથી સમસ્યા હલ થશે નહીં."
"આપણા દેશ માટે અનુકૂલન વધુ મહત્વનું છે કારણ કે આપણે આબોહવાની અસરો જોઈ રહ્યા છીએ અને આપણી મોટાભાગની વસ્તીમાં અનુકૂલન સાધવાની ક્ષમતા નથી. આપણે અનુકૂલન પર ભાર મૂકવો પડશે."
*****
45 વર્ષના ભારતી કાંબલેનું વજન હતું એના કરતા લગભગ અડધું થઈ ગયું ત્યારે તેમને સમજાયું કે આ કોઈ તકલીફની નિશાની છે. આશા કાર્યકર શુભાંગીએ અર્જુનવાડના રહેવાસી ખેત મજૂર ભરતી કાંબલેને ડૉક્ટરને મળવાની સલાહ આપી; માર્ચ 2020 માં તેમને હાઈપરથાઈરોઈડિઝમ હોવાનું નિદાન થયું હતું.
ગીતા અને શિવબાઈની જેમ ભારતી (પણ) પૂરને કારણે થતા (માનસિક) તણાવના પ્રારંભિક લક્ષણોની અવગણના કર્યાનું સ્વીકારે છે. તેઓ કહે છે, “2019 અને 2021 ના પૂરમાં અમે બધું જ ગુમાવી દીધું. હું [નજીકના ગામની પૂર રાહત શિબિરમાંથી] પાછી ફરી ત્યારે મને એક દાણો સરખોય ન મળ્યો. પૂરે બધું જ ધોઈ નાખ્યું હતું."

ભારતી કાંબલે કહે છે કે તેમને ઓછું કામ મળી રહ્યું છે કારણકે ભારે વરસાદ અને પૂરના કારણે પાકનો નાશ થતો હોવાથી ખેડૂતો માટે મજૂર રાખવાનું આર્થિક રીતે અવ્યવહારુ બની જાય છે

ખેતમજૂર સુનિતા પાટીલ યાદ કરે છે કે 2019 ના પૂરમાં પૂરના પાણી 14 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા હતા અને 2021 માં પણ એ જ હાલત હતી
2019 ના પૂર પછી તેમણે સ્વ-સહાય જૂથો અને ખાનગી શાહુકારો પાસેથી તેમનું ઘર ફરીથી બનાવવા માટે 3 લાખ રુપિયાની લોન લીધી હતી. સમયસર લોન ચૂકવવા અને ચક્રવૃદ્ધિ વ્યાજ દરો ટાળવા માટે બે પાળીમાં કામ કરવાનો તેમનો વિચાર હતો. પરંતુ શિરોલ તાલુકાના ગામડાઓમાં માર્ચ-એપ્રિલ 2022 ના હીટવેવ તેમના વિચાર મુજબ કામ કરવાના માર્ગમાં મોટી સમસ્યારૂપ સાબિત થયા.
તેઓ કહે છે, "આકરી ગરમીથી મારી જાતને બચાવવા માટે મારી પાસે માત્ર એક સુતરાઉ ટુવાલ હતો." એ ભાગ્યે જ કોઈ રક્ષણ હતું અને થોડાવખતમાં જ તેમને ચક્કર આવવા લાગ્યા. કામમાંથી રજા લેવાનું તેમને પોસાય તેમ ન હોવાથી કામચલાઉ રાહત માટે તેમણે પેઈનકિલર્સનો સહારો લીધો જેથી તેઓ ખેતરમાં કામ કરવાનું ચાલુ રાખી શકે.
તેમને આશા હતી કે ચોમાસુ આવશે ત્યારે પુષ્કળ પાક થતાં તેમને પુષ્કળ કામ મળી રહેશે. તેઓ કહે છે કે, "જોકે, (જુલાઈ 2022 થી શરૂકરીને) આ ત્રણ મહિનામાં મને 30 દિવસ માટે પણ કામ મળ્યું નથી."
અણધાર્યા વરસાદથી પાકનો નાશ થતાં કોલ્હાપુરના પૂરથી અસરગ્રસ્ત ગામડાઓમાં ઘણા ખેડૂતોએ ખર્ચ ઘટાડવાના પગલાં લીધા છે. ચૈતન્ય કહે છે, “લોકો ખેત મજૂરોને કામ પર રાખવાને બદલે નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. દાડિયે રાખેલા મજૂરના આશરે 1500 રુપિયા થાય તેની સામે નીંદણનાશકોની કિંમત 500 રુપિયાથીય ઓછી થાય છે.”
આના ઘણા વિનાશક પરિણામો આવ્યા છે. વ્યક્તિગત સ્તરે તેનો અર્થ છે પહેલેથી જ ગંભીર નાણાકીય તણાવનો સામનો કરી રહેલા ભારતી જેવા લોકો કામ ગુમાવે છે. તેમની આ અનિશ્ચિતતાને લીધે થતી વધારાની માનસિક તાણને કારણે તેમનું હાઈપરથાઈરોઈડિઝમ વધુ બગડે છે.
જમીનને પણ અસર પહોંચે છે. શિરોલના કૃષિ અધિકારી સ્વપ્નિતા પડળકર કહે છે કે 2021માં તાલુકાની 9402 હેક્ટર (23232 એકર) જમીન ખારી હોવાનું જણાયું હતું. તેઓ સમજાવે છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અનિયંત્રિત ઉપયોગ, અયોગ્ય સિંચાઈ પદ્ધતિઓ અને મોનોક્રોપિંગ આના કેટલાક કારણો છે.

આ વિસ્તારના ખેડૂતો તેમના ખેતરોમાં અતિશય વરસાદ પડે તે પહેલા પાકની ઝડપી વૃદ્ધિ કરવા માટે જંતુનાશકોનો ઉપયોગ વધારી રહ્યા છે

શિરોલમાં ખારાં ખેતરો; રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે 2021માં અંદાજિત 9402 હેક્ટર ખેતીની જમીન ખારી હોવાનું નોંધાયું હતું
ચૈતન્ય કહે છે કે 2019 ના પૂર પછી કોલ્હાપુરના શિરોલ અને હાતકણંગલે તાલુકાના ઘણા ખેડૂતોએ "પૂર આવે પહેલા તેઓ ઉપજની લણણી કરી શકે તે સુનિશ્ચિત કરવા" રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ભારે વધારો કર્યો છે.
ડો. બેકરના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં અર્જુનવાડની જમીનમાં આર્સેનિકનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેઓ કહે છે, "તેનું પ્રાથમિક કારણ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો વધતો જતો ઉપયોગ છે."
માટીમાં ઝેર ભળે ત્યારે લોકોને અસર ન પહોંચે એવું બને ખરું? તેઓ કહે છે, "[માટીમાં ઝેરી તત્ત્વો ભળવાને] પરિણામે માત્ર અર્જુનવાડમાં જ કેન્સરના 17 દર્દીઓ છે, ટર્મિનલ સ્ટેજમાં હોય એવા (જે કેન્સરની સારવાર થઈ શકે તેમ ન હોય તેવા છેલ્લા તબક્કાના કેન્સરના) દર્દીઓ તો જુદા." આમાં સ્તન કેન્સર, લ્યુકેમિયા, સર્વાઈકલ કેન્સર અને પેટના કેન્સરનો સમાવેશ થાય છે. તેઓ ઉમેરે છે, "લાંબી બીમારીઓ વધી રહી છે ત્યારે ઘણા લોકો લક્ષણો હોવા છતાં ડૉક્ટરની સલાહ પણ લેતા નથી."
47-48 વર્ષના ખોચિ સ્થિત ખેત મજૂર સુનિતા પાટીલને 2019 થી સ્નાયુઓનો અને ઢીંચણનો દુખાવો થાય છે, થાક લાગે છે અને ચક્કર આવે છે. તેઓ કહે છે, "આનું કારણ શું છે મને સમજાતું નથી." પરંતુ તેમને ખાતરી છે કે તેમના (માનસિક) તણાવનું સ્તર વરસાદ સાથે જોડાયેલું છે. તેઓ કહે છે, "ભારે વરસાદ પછી મને ઊંઘ આવતી નથી." ફરી એક વાર બીજા પૂરનો ડર તેમને ભયભીત અને જાગૃત રાખે છે.
ઊંચા તબીબી ખર્ચના ડરથી સુનિતા અને પૂરથી અસરગ્રસ્ત બીજા કેટલાક મહિલા ખેતમજૂરો સોજો ઉતારવાની (એન્ટી-ઈન્ફ્લેમેટરી) દુખાવામાં રાહત આપતી દવાઓ (પેઈનકિલર્સ) પર આધાર રાખે છે. તેઓ કહે છે, "બીજું શું કરીએ અમે? ડૉક્ટર પાસે જવું પોસાય તેમ નથી, તેથી અમે પેઈનકિલર્સ પર આધાર રાખીએ છીએ જેની કિંમત (ડોક્ટરની ફી કરતા) ઘણી ઓછી છે, આશરે 10 રૂપિયા."
પેઈનકિલર્સ તેમની પીડાને તત્પૂરતી હળવી કરે છે, પરંતુ ગીતા, શિવબાઈ, ભારતી, સુનિતા અને બીજી હજારો મહિલાઓ સતત કાયમી અનિશ્ચિતતા અને ભયની સ્થિતિમાં જીવે છે.
ગીતા કહે છે, "અમે હજી સુધી ડૂબ્યા નથી, પરંતુ પૂરના ભયમાં તો અમે રોજેરોજ ડૂબી રહ્યા છીએ."
આ લેખ ઈન્ટરન્યૂઝના અર્થ જર્નાલિઝમ નેટવર્ક દ્વારા સમર્થિત શ્રેણીનો એક ભાગ છે, જે અંતર્ગત આ પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન પ્રાપ્ત થયેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક