નવેમ્બર મહિનાની આસપાસ ત્રણ દિવસ માટે માજુલી ટાપુ પરનું ગરમુર બજાર રંગીન લાઇટો અને માટીના દીવાઓથી ઝળહળી ઊઠે છે. શિયાળાની શરૂઆતના દિવસની સાંજ ઢળતા જ ચારે બાજુ લાઉડ સ્પીકરોમાંથી ખોલ ઢોલના તાલ અને મંજીરાના અવાજ સંભળાવા લાગે છે.
રાસ મહોત્સવ શરૂ થઈ ગયો છે.
આ ઉત્સવ કાતિ-અઘુન આસામી મહિનાની પૂનમે ઉજવાય છે - તે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ક્યારેક આવે છે - અને દર વર્ષે અનેક યાત્રાળુઓ અને પ્રવાસીઓને આ ટાપુ પર આકર્ષે છે. ઉત્સવની ઉજવણી પૂનમ પછી પણ બે દિવસ સુધી ચાલે છે.
બોરુન ચિતાદાર ચુક ગામમાં ઉત્સવનું આયોજન કરતી સમિતિના સચિવ રાજા પાયેંગ કહે છે, "આ ઉત્સવની ઉજવણી ન થાય તો અમને જાણે અમારું કંઈક ખોવાઈ ગયું હોય તેવી લાગણી થાય. આ ઉત્સવ [રાસ મહોત્સવ] તો અમારી સંસ્કૃતિ છે." તેઓ ઉમેરે છે, "લોકો આખું વર્ષ આતુરતાથી એની રાહ જુએ છે."
સેંકડો રહેવાસીઓ તેમના શ્રેષ્ઠ વસ્ત્રોમાં સજ્જ થઈને આસામના અનેક વૈષ્ણવ મઠમાંથી એક - ગરમુર સરુ સત્રા પાસે એકઠા થયા છે.
ગરમુર સરુ સત્રા એ આસામના માજુલીમાંના એ 60 થી વધુ ઉત્સવ સ્થળોમાંનું એક છે, જ્યાં 2022 માં મહોત્સવ યોજાયો હતો. કૃષ્ણ દત્તા (ઊભેલા) મંચ શણગારે છે
ગરમુર સરુ સત્રામાં કાળી નાગ નામના પૌરાણિક સાપની પાંચ ફેણ દિવાલને અઢેલીને મૂકેલી છે. આ ઉત્સવ દરમિયાન થતા કાર્યક્રમોમાં નાટ્યપ્રયોગ માટેના આવા હાથથી બનાવેલા ઉપકરણો ખૂબ જોવા મળે છે
રાસ મહોત્સવ (કૃષ્ણના નૃત્યનો ઉત્સવ) નૃત્ય, નાટક અને સંગીતના કાર્યક્રમો દ્વારા ભગવાન કૃષ્ણના જીવનની ઉજવણી કરે છે. ઉત્સવના એક જ દિવસ દરમિયાન મંચ પર 100 થી વધુ પાત્રો રજૂ થઈ શકે છે.
આ કાર્યક્રમો કૃષ્ણના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવે છે - વૃંદાવનમાં ઉછરતા બાળકથી માંડીને કથિત રીતે તેમણે ગોપીઓ (ગોવાલણો) સાથે રચેલી રાસલીલા સુધીના. આ ઉત્સવ દરમિયાન રજૂ થતા કેટલાક નાટકો શંકરદેવ દ્વારા લખાયેલ અંકિય નાટ (એકાંકી નાટક) ‘કેલી ગોપાલ’ અને તેમના શિષ્ય માધવદેવ રચિત ‘રાસ ઝુમુરા’ના જ અલગ અલગ રૂપો છે.
ગરમુર મહોત્સવમાં વિષ્ણુની ભૂમિકા ભજવનાર મુક્તા દત્તા કહે છે કે એકવાર તેમને કોઈક ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવે એટલે તેમણે કેટલીક પરંપરાઓનું પાલન કરવું પડે: “જ્યારથી ભૂમિકા આપવામાં આવે ત્યારથી અમારામાંથી જેઓ કૃષ્ણ, નારાયણ અથવા વિષ્ણુની ભૂમિકા ભજવવાના હોય તેઓ સામાન્ય રીતે માત્ર શાકાહારી સાત્વિક ખોરાક ખાય છે. રાસના પહેલા દિવસે અમે વ્રત [ઉપવાસ] રાખીએ છીએ. પહેલા દિવસે રજૂઆત પૂરી થયા પછી જ અમે વ્રત છોડીએ છીએ - પારણાં કરીએ છીએ.”
માજુલી એ આસામમાંથી લગભગ 640 કિલોમીટર સુધી વહેતી બ્રહ્મપુત્રા નદીમાં આવેલો એક મોટો ટાપુ છે. ટાપુના સત્રો (મઠ) વૈષ્ણવ ધર્મ તેમજ કલા અને સંસ્કૃતિના કેન્દ્રો છે. સમાજ સુધારક અને સંત શ્રીમંત શંકરદેવએ 15મી સદીમાં સ્થાપેલા સત્રોએ આસામમાં નિયો-વૈષ્ણવ ભક્તિ ચળવળને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
એક સમયે માજુલીમાં સ્થપાયેલા 65 કે તેથી વધુ સત્રોમાંથી આજે માત્ર 22 જ કાર્યરત છે. દુનિયાની સૌથી મોટી નદી તટીય પ્રણાલીઓમાંની એક બ્રહ્મપુત્રામાં અવારનવાર આવતા પૂરને કારણે થતા ધોવાણને પરિણામે બાકીના મઠો નાશ પામ્યા છે. ઉનાળા-ચોમાસાના મહિનાઓમાં પીગળતા હિમાલયન ગ્લેશિયર નદીઓને પાણીથી ભરી દે છે, અને એ પાણી નદીના તટપ્રદેશમાં ઠલવાય છે. આ પાણી અને માજુલી અને તેની આસપાસના વિસ્તારોમાં થતો વરસાદ એ બંનેને કારણે ધોવાણ ધોવાણનું સંકટ ઊભું થાય છે.
વિષ્ણુનું પાત્ર ભજવતા મુક્તા દત્તા પોતાનો મેકઅપ કરાવી રહ્યા છે
2016 ના રાસ મહોત્સવમાં ઉત્તર કમલાબારી સત્રાના સાધુઓ તેમની પ્રસ્તુતિ માટે તૈયાર થઈ રહ્યા છે
માજુલીના સત્રો રાસ મહોત્સવની ઉજવણીના કેન્દ્ર બને છે અને સમગ્ર ટાપુ પરના વિવિધ સમુદાયો સામુદાયિક હોલમાં, ખુલ્લા મેદાનોમાં ઊભા કરેલા કામચલાઉ મંચ પર અને શાળાના મેદાનોમાં પણ ઉજવણીનું અને પ્રસ્તુતિનું આયોજન કરે છે.
ગરમુર સરુ સત્રાથી વિપરીત, ઉત્તર કમલાબારી સત્રાની પ્રસ્તુતિઓમાં સામાન્ય રીતે મહિલાઓનો સમાવેશ થતો નથી. અહીં ભક્તો તરીકે ઓળખાતા સત્રાના બ્રહ્મચારી સાધુઓ, જેમને ધાર્મિક અને સાંસ્કૃતિક શિક્ષણ આપવામાં આવ્યું છે, તેઓ નાટકો ભજવે છે. આ નાટકો મફત હોય છે અને સૌ કોઈ તેની પ્રસ્તુતિ માણી શકે છે.
82 વર્ષના ઈન્દ્રનીલ દત્તા ગરમુર સરુ સત્રામાં રાસ મહોત્સવના સ્થાપકોમાંના એક છે. 1950 માં સત્રાધિકાર (સત્રાના વડા), પિતામ્બર દેવ ગોસ્વામીએ પ્રસ્તુતિમાં માત્ર પુરુષ કલાકારો ભાગ લે એ પરંપરા બંધ કરીને સ્ત્રી કલાકારોને આવકાર્યા હતા એ વાત તેઓ યાદ કરે છે.
તેઓ યાદ કરે છે, “પિતામ્બર દેવ નામઘર [પ્રાર્થના ગૃહ] ની [પરંપરાગત જગ્યાની] બહાર મંચ ઊભો કરાવતા હતા. નામઘર પૂજાનું સ્થળ હોવાથી અમે મંચ બહાર લઈ આવ્યા હતા.”
આ પરંપરા આજે પણ ચાલુ છે. ગરમુર એ 60 થી વધુ ઉત્સવ સ્થળોમાંનું એક છે જ્યાં મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમો માટે ટિકિટ રાખવામાં આવે છે અને લગભગ 1000 લોકો માટેની બેઠક વ્યવસ્થા સાથેના ઓડિટોરિયમમાં કાર્યક્રમો થાય છે.
ડાબે: ગરમુર સત્રામાં મહોત્સવના બે અઠવાડિયા પહેલા રિહર્સલ શરૂ થાય છે. જમણે: બાળકો ગોપબાળ [ગોવાળિયાઓ] તરીકેની તેમની ભૂમિકા માટે રિહર્સલ કરે છે. એક માતા તેના બાળકની ધોતી સરખી કરે છે, આ ધોતી તેના કોસ્ચ્યુમનો (નાટકમાં પહેરવાના પોશાકનો) એક ભાગ છે
અહીં રજૂ કરાયેલા નાટકો એ શંકરદેવ અને બીજાઓ દ્વારા વૈષ્ણવ પરંપરામાં લખાયેલા નાટકોના અલગ અલગ રૂપો છે, અનુભવી કલાકારો તેને આજની બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ ફેરફારો સાથે નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. ઇન્દ્રનીલ દત્તા કહે છે, “હું નાટક લખું છું ત્યારે હું તેમાં લોક સંસ્કૃતિના તત્વો સમાવી લઉં છું. આખરે આપણે જ આપણી જાતિ [સમુદાય] અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાની છે."
મુક્તા દત્તા કહે છે, "મુખ્ય રિહર્સલ દિવાળી પછીના બીજા દિવસે જ શરૂ થાય છે." આનાથી કલાકારોને પ્રેક્ટિસ માટે બે અઠવાડિયાથી પણ ઓછો સમય મળે છે. તેઓ ઉમેરે છે, “પહેલા જે લોકો અભિનય કરી ચૂક્યા છે તેઓ હવે જુદી જુદી જગ્યાએ રહે છે. તેમને પાછા બોલાવવા મુશ્કેલ છે." દત્તા અભિનેતા હોવા ઉપરાંત ગરમુર સંસ્કૃત ટોલ (શાળા)માં અંગ્રેજી પણ શીખવે છે.
કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ ઘણી વાર મહોત્સવના સમયે જ હોય છે. મુક્તા ઉમેરે છે, “તેમ છતાં [વિદ્યાર્થીઓ] આવે છે, ભલેને એક દિવસ માટે. તેઓ રાસમાં તેમની ભૂમિકા ભજવે છે અને બીજા દિવસે તેમની પરીક્ષા આપવા જાય છે."
ઉત્સવના આયોજનનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે. ગરમુરમાં 2022 માં આયોજન ખર્ચ 4 લાખ રુપિયા થયો હતો. મુક્તા કહે છે, “અમે ટેકનિશિયનોને ચૂકવણી કરીએ છીએ. તમામ કલાકારો સ્વયંસેવકો છે. લગભગ 100 થી 150 લોકો - એ બધા (એક પણ પૈસો લીધા વિના પોતાની ખુશીથી) સ્વેચ્છાએ કામ કરે છે.
આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ મિસિંગ (અથવા મિશિંગ) સમુદાયના સભ્યો દ્વારા બોરુન ચિતાદર ચુકમાં એક શાળામાં રાસ મહોત્સવ યોજવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના આયોજનોમાં યુવા પેઢીની રુચિના અભાવ અને આ વિસ્તારમાંથી મોટા પાયે થતા સ્થળાંતરના કારણે કલાકારોની સંખ્યા ઘટી છે. પરંતુ તેમ છતાં તેઓ ઉજવણી ચાલુ રાખે છે, રાજા પાયેંગ કહે છે, "આ ગામમાં એવી માન્યતા પ્રચલિત છે કે જો આપણે મહોત્સવનું આયોજન નહીં કરીએ, તો ગામમાં કંઈક અમંગલ [અશુભ] થશે."
રાસ ઉ ત્સવ દર વર્ષે યાત્રાળુઓ અને પ્રવાસીઓને માજુલી તરફ આકર્ષે છે. બ્રહ્મપુત્રા નદી પર આવેલ કમલાબારી ઘાટ એક મુખ્ય ફેરી સ્ટેશન છે અને રાસ ઉત્સવ દરમિયાન તે વધુ વ્યસ્ત રહે છે
બસ્તવ સૈકિયા ઉત્સવ માટેના સેટ પર કામ કરવા માટે છેલ્લા 11 વર્ષથી નાગાંવ જિલ્લામાંથી માજુલી આવે છે. અહીં તેઓ ગરમુર ખાતેની પ્રસ્તુતિ દરમિયાન કંસના સિંહાસન માટે પૃષ્ઠભૂમિ તરીકે વાપરવા માટેનું પોસ્ટર તૈયાર કરી રહ્યા છે
સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ સરકાર ( વચ્ચે) પાસે પોતાના બાળકોનો મેકઅપ કરાવવા માટે માતાપિતા અને વાલીઓ ભેગા થાય છે
મંચની પાછળ ગોપબાળના પોશાકમાં બાળકો તેમના દ્રશ્યો માટે તૈયારી કરે છે
ગરમુર સરુ સત્રાના ઉત્સવમાં કંસની ભૂમિકા ભજવતા મૃદુપવન ભુયાણ સાથે વાતચીત કરતા પત્રકારો
મંચની પાછળ મુક્તા દત્તા એક ઊંઘમાં આવેલા બાળકને સંભાળે છે
મહિલાઓ કાળી નાગની આકૃતિની આસપાસ દીવા અને ધૂપ પ્રગટાવે છે. આ ધાર્મિક વિધિ એ ઉત્સવની શરૂઆત પહેલાં કરવામાં આવતી પ્રાર્થનાનો એક ભાગ છે
ગરમુર સરુ સત્રાના દરવાજા પાસે લોકો ફોટા પડાવે છે
પ્રસ્તવનામાં – નાટકના પહેલા દ્રશ્યમાં – બ્રહ્મા ( જમણે), મહેશ્વર ( વચ્ચે), વિષ્ણુ અને લક્ષ્મી ( ડાબે) પૃથ્વી પરની પરિસ્થિતિની ચર્ચા કરે છે
રાક્ષસી પુતના ( વચ્ચે) તેના એક યુવતી ( મોહિની પુતના) ના વેશમાં કંસ ( ડાબે) ને વચન આપે છે કે તે બાળક કૃષ્ણને મારી શકે છે
ગોપીઓ ( ગોવાલણો) તરીકે સજ્જ યુવતીઓ મંચની પાછળ નંદોત્સવના દ્રશ્ય માટે તૈયારી કરે છે, આ દ્રશ્યમાં વૃંદાવનના લોકો કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે
રાસ મહોત્સવ નૃત્ય, નાટક અને સંગીતના કાર્યક્રમો દ્વારા ભગવાન કૃષ્ણના જીવનની ઉજવણી કરે છે. ઉત્સવના એક દિવસ દરમિયાન મંચ પર 100 થી વધુ પાત્રો રજૂ થઈ શકે છે
રાક્ષસી પુતના બાળ કૃષ્ણને સ્તનપાન કરાવીને તેને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરે છે. બાળ કૃષ્ણને બદલે તે પોતે જ મૃત્યુ પામે છે. યશોદા (ડાબે) દ્રશ્યમાં પ્રવેશે છે
વૃંદાવનમાં નાનકડા ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે
ગરમુર સરુ સત્રામાં નાનકડા કૃષ્ણ બગલાનું રૂપ ધારણ કરનાર બકાસુર રાક્ષસને હરાવીને મારી નાખે છે એ દ્રશ્ય ભજવતા બાળકો
કૃષ્ણ અને તેમના ભાઈ બલરામની ભૂમિકા ભજવતા કિશોર કલાકારો ધેનુકાસુર વધનું - ધેનુકા રાક્ષસના મૃત્યુનું - દ્રશ્ય ભજવે છે
આસામના માજુલીમાં યોજાયેલા ગરમુર સરુ સત્રા રાસ મહોત્સવમાં કલાકારો તરીકે બાળકો મોટી સંખ્યામાં ભાગ લે છે
કાળી નાગદમનના દ્રશ્યમાં કૃષ્ણ યમુના નદીમાં રહેતા કાળી નાગને હરાવીને, વશમાં કરીને તેના માથા પર નૃત્ય કરતા હોય એવું બતાવાય છે
કલાકારો અને પ્રેક્ષકો વિંગમાંથી પ્રસ્તુતિનો આનંદ માણે છે
2016 માં ઉત્તર કમલાબારી સત્રા ખાતે સાધુઓ મહોત્સવમાં રજૂ કરવામાં આવનાર કેલી ગોપાલ નાટકના રિહર્સલની તૈયારી કરી રહ્યા છે. આ ઓડિટોરિયમ 1955 માં બંધાયું તે પહેલાં નામઘર ( પ્રાર્થના ગૃહ) માં કાર્યક્રમો થતા હતા
ઉત્તર કમલાબારી સત્રા ખાતે રાસ મહોત્સવ માટેના રિહર્સલનો છેલ્લો દિવસ
ઉત્તર કમલાબારી સત્રાના સાધુઓ - નિરંજન સૈકિયા ( ડાબે) અને કૃષ્ણ જદુમણિ સૈકિયા ( જમણે) - તેમના બોહામાં ( ક્વાર્ટર્સમાં). કોસ્ચ્યુમ પહેરવું એ એક જટિલ પ્રક્રિયા છે
પ્રસ્તુતિમાં ઉપયોગમાં લેવાતા મુખવટા ( માસ્ક) અને તેને બનાવવાની પ્રક્રિયા એ રાસ મહોત્સવનો અભિન્ન ભાગ છે. અહીં કલાકારો અસુરો અને દાનવની ભૂમિકાઓ માટે બનાવેલા માસ્ક પહેરીને મંચ પર આવે છે
બોરુન ચિતાદર ચુક ગામમાં ઉત્સવના સ્થળે કાળી નાગનું માસ્ક રંગવામાં આવી રહ્યું છે
બોરુન ચિતાદર ચુકમાં ઉત્સવની શરૂઆતના પ્રતીકરૂપે પ્રાર્થના કરતી વખતે મુનિમ કામન ( વચ્ચે) દોમોદર મિલીના ફોટા સામે દીવો પ્રગટાવે છે. એક દાયકા પહેલા ગુજરી ગયેલા મિલીએ ગામના લોકોને રાસનું આયોજન કરતા શીખવ્યું હતું
માજુલીમાં બોરુન ચિતાદર ચુક ખાતેનો મંચ
અપૂર્વ કામન ( વચ્ચે) પોતાની પ્રસ્તુતિ માટેની તૈયારી કરે છે. તેઓ ઘણા વર્ષોથી બોરુન ચિતાદર ચુક ઉત્સવમાં કંસની ભૂમિકા ભજવી રહ્યા છે
એક નાનો છોકરો પ્રસ્તુતિમાં ઉપયોગમાં લેવાતા માસ્કમાંથી એક અજમાવી રહ્યો છે
બોરુન ચિતાદર ચુક મહોત્સવમાં રોસ્ટેડ પોર્ક અને મિસિંગ સમુદાય દ્વારા બનાવવામાં આવતી પરંપરાગત ચોખાની બીયર અપોંગ લોકપ્રિય વાનગીઓ છે
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન ( એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક