મફત ભોજન જેવી કોઈ વસ્તુ નથી.
સિવાય કે, તમે કમલાબારી ઘાટ ખાતેના ફૂડ સ્ટોલ આગળ ટહેલતી નસીબદાર ગાય હો. કમલાબારી ઘાટ માજુલીમાં આવેલ એક વ્યસ્ત ફેરી સ્ટેશન છે, જે આસામમાં શકિતશાળી બ્રહ્મપુત્રા નદીની વચ્ચે આવેલ એક ટાપુ છે.
મુક્તા હઝારિકા આ બધું સારી રીતે જાણે છે. અમારી સાથે વાત કરતી વખતે, તેઓ અધવચ્ચે અટકી જાય છે, જ્યારે તેઓ અચાનક તેમના ભોજનાલયના આગળના ભાગ તરફ ધક્કો વાગતો જુએ છે અને તે તરફ દોડી જાય છે. ત્યાં એક ગાય ઘૂસણખોર બનીને તેમના કાઉન્ટર પરથી ખાવાની તૈયારી કરી રહી હતી.
તેઓ ગાયને પરિસરની બહાર કાઢી મૂકે છે, પછી અમારી તરફ ફરીને હસીને કહે છે, “હું મારી હોટલ [ફૂડ સ્ટોલ] ને એક મિનિટ કરતા વધુ સમય માટે છોડીને ક્યાંય જઈ શકતો નથી. નજીકમાં ચરતી ગાયો ત્યાં ખાવા માટે આવે છે અને આખા ભોજનાલયને બગાડી દે છે.”
મુકતા આ દસ લોકોને બેસવાની સુવિધા વાળા ભોજનાલયમાં ત્રેવડી ભૂમિકા નિભાવે છે: રસોઈયાની, પીરસનારની અને માલિકની. આથી, હોટલનું નામ તેમના પોતાના નામ પરથી રાખવામાં આવ્યું છે એ વાત યોગ્ય લાગે છે - હોટલ હઝારિકા.
પરંતુ હોટલ હઝારિકા, જે છેલ્લાં છ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે, તે ૨૭ વર્ષીય મુક્તાને શિરે જતું એકમાત્ર પરાક્રમ નથી. તેઓ મનોરંજનની દુનિયામાં પણ ત્રેવડી ભૂમિકા ભજવે છે - અભિનેતા, નૃત્યકાર અને ગાયક - તેમજ એક કુશળ મેકઅપ કલાકાર જે માજુલીના લોકો પ્રસંગને અનુરૂપ શ્રેષ્ઠ દેખાય તેવું સુનિશ્ચિત કરે છે.
આ, અમારે જોવું હતું. પરંતુ, તે દરમિયાન ભોજનાલયમાં કેટલાક લોકોની માગણીને પૂરી કરવાની છે.


ડાબે: મુક્તા હઝારિકા બ્રહ્મપુત્રા નજીક આવેલ તેમના લોકપ્રિય ભોજનાલયમાં માલિક, રસોઈયા અને પીરસનારની ભૂમિકા ભજવે છે. જમણે: હોટેલ હજારિકા ખાતે બપોરના ભોજનમાં દાળ, રોટી, ચટણી, ઈંડું અને ડુંગળીના થોડા ટુકડાનો સમાવેશ થાય છે

મુક્તા, એક સમાજશાસ્ત્ર સ્નાતક છે, તેમને જે સરકારી નોકરી મેળવવાની ખૂબ જ ઈચ્છા હતી તે તેમનાથી દૂર જી રહી હોવાથી તેમણે છ વર્ષ પહેલાં નદી કિનારે આ ભોજનાલયની સ્થાપના કરી હતી
પ્રેશર કૂકરમાં સિસકારા બોલી રહ્યા છે. મુક્તા ઢાંકણ ખોલે છે અને વાસણને હલાવે છે, અને સફેદ ચણા દાળની કઢીની સુગંધ હવામાં પ્રસરી રહી છે. તેઓ દાળ હલાવવાનું અને ઝડપથી રોટી બનાવવાનું - આ બંને કામને એક સાથે કરે છે. અમે જાણ્યું કે તેઓ દરરોજ ઘાટ પર આવતા ભૂખ્યા વટેમાર્ગુઓ અને અન્ય લોકો માટે દૈનિક ૧૫૦ જેટલી રોટી બનાવે છે.
થોડી જ મિનિટોમાં, અમારી સામે બે પ્લેટ મૂકવામાં આવે છે. તેમાં રોટી, ઓમલેટ, દાળ, ડુંગળીનો ટુકડો અને બે જાતની ચટણી છે: ફૂદીના અને નારિયેળની. બે લોકો માટેના આ બધા સ્વાદિષ્ટ ભોજનની કિંમત ૯૦ રૂપિયા છે.
થોડી સમજાવટ પછી, શરમાળ મુક્તા અમારી સાથે સહમત થઇ ગયા. “કાલે સાંજે છ વાગ્યે ઘેર આવજો, હું તમને બતાવીશ કે તે કેવી કરું છું.”
*****
માજુલીના ખોરાહોલા ગામમાં અમે મુક્તાના ઘેર પહોંચ્યા એટલે અમને ખ્યાલ આવ્યો કે [મેકઅપ જોવામાં] અમે એકલા નથી. આ મેકઅપ આર્ટિસ્ટ તેમનાં પડોશી અને સારા મિત્ર એવાં ૧૯ વર્ષીય રૂમી દાસને રૂપાંતરિત કરી રહ્યા છે એ જોવા પિતરાઈઓ, મિત્રો અને પડોશીઓ ઉમટી પડ્યા છે. મુક્તા માજુલીમાં માત્ર બે કે ત્રણ પુરૂષ મેકઅપ કલાકારોમાંના એક છે.
મુક્તા ડફલ બેગમાંથી એક પછી એક મેકઅપ બહાર કાઢીને કામની શરૂઆત કરે છે. તેઓ પથારી પર કન્સિલરની ટ્યુબ, ફાઉન્ડેશનની બોટલ, બ્રશ, ક્રીમ, આઈશેડોની પેલેટ્સ અને બીજું બધું ગોઠવતી વખતે કહે છે, “આ બધો મેકઅપ જોરાહાટનો છે [જે હોડી દ્વારા લગભગ ૧.૫ કલાકની દૂરી પર છે].”


ડાબે: મુકતાની મેકઅપની કીટ જોરાહાટથી છેક અહીં સુધી આવી છે, જે હોડી દ્વારા લગભગ ૧.૫ કલાકની દૂરી પર છે. જમણે: રૂમીના રૂપાંતરણની શરૂઆત ચહેરા પર પ્રાઈમર લગાડવાથી થાય છે
આજે આપણને ફક્ત મેકઅપ જ નહીં, પણ આખું પેકેજ મળી રહ્યું છે. મુક્તા રૂમીને બદલવાનું કહે છે, અને થોડીવારમાં, એ યુવતી લીલાક મેખેલા ચાદોરમાં આવી જાય છે , જે આસામની એક પરંપરાગત સાડી છે. તેણી બેસે છે, મુક્તા રિંગ લાઈટ લગાવે છે અને પછી પોતાનો જાદુ ચલાવવાનું શરૂ કરે છે.
તેઓ રૂમીના ચહેરા પર ચપળતાપૂર્વક પ્રાઈમર (ચહેરા પરની ચામડીને સુવાળી બનાવવા માટે જે ક્રીમ કે જેલ લગાવવામાં આવે છે તે) લગાવતા, તેઓ કહે છે, “જ્યારે મેં ભાઉના જોવાનું શરૂ કર્યું ત્યારે હું લગભગ ૯ વર્ષનો હતો. (આસામમાં પ્રચલિત ધાર્મિક સંદેશાઓ સાથે મનોરંજનનું પરંપરાગત સ્વરૂપ). અને મને કલાકારો જે મેકઅપ પહેરતા હતા તે પસંદ અને તેમાં રૂચી હતી.”
મેકઅપની દુનિયામાં તેમને આકર્ષણ એ વખતથી શરૂ થયું, જેને તેઓ દરેક તહેવાર અને માજુલીમાં થતા નાટકોમાં પ્રયોગ કરતા.
મહામારી પહેલા, મુક્તાને તેમની કુશળતામાં પારંગત થવા માટે કેટલીક પ્રોફેશનલ મદદ પણ મળી હતી. તેઓ કહે છે, “હું કમલાબાડી ઘાટ ખાતે ગુવાહાટીમાં આસામી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરતાં મેકઅપ આર્ટિસ્ટ પૂજા દત્તાને મળ્યો. અને તમે જેમ મારી સાથે વાતચીત શરૂ કરી એ જ રીતે તેમણે પણ મારી સાથે વાતચીત શરૂ કરી હતી.” એ કલાકારે તેમની સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લીધો અને મદદ કરવાની ઓફર કરી.



આંખની પાંપણ પર ફ્લોરોસેન્ટ રંગ, કેટલાક બ્રશ સ્ટ્રોક્સ, અને થોડાક નકલી રંગ લગાડવાથી રૂમીને આખો નવો જ દેખાવ મળે છે
તેઓ રૂમીના ચહેરા પર ફાઉન્ડેશનનું પાતળું પડ લગાવીને વાત કરવાનું ચાલુ રાખે છે. “પૂજાને ખબર પડી કે મને મેકઅપમાં રસ છે તેથી તેમણે કહ્યું કે તેઓ ગોરમુર કૉલેજમાં જે અભ્યાસક્રમ ભણાવતાં હતાં ત્યાં આવીને હું શીખી શકું છું. આખો કોર્સ ૧૦ દિવસનો હતો પરંતુ હું ત્યાં ફક્ત ત્રણ દિવસ જ રોકાઈ શક્યો હતો. મારી હોટલને કારણે મારી પાસે વધુ કામ કરવાનો સમય ન હતો. પરંતુ તેમની પાસેથી મેં વાળ અને મેકઅપ વિષે વધારે માહિતી મેળવી.”
મુક્તા હવે રૂમીની આંખોને રંગવાનું શરૂ કરે છે - આ તેમના કામનો સૌથી જટિલ ભાગ છે.
જેમ જેમ તેઓ રૂમી પર ફ્લોરોસન્ટ આઇ-શેડો લાગુ કરે છે, તેઓ અમને કહે છે કે તેઓ અભિનય પણ કરે છે, નૃત્ય પણ કરે છે અને ગાય પણ છે, મોટેભાગે ભાઉના જેવા તહેવારોમાં. રૂમીને મેકઅપ કરાવતી વખતે તેઓ ગાવાનું શરૂ કરે છે. આસામી ગીત રતિ રતિની તેમની ઉત્તેજક પ્રસ્તુતિ પ્રેમીને ઝંખતી વ્યક્તિ વિષે છે. અમે અમારી જાતે વિચારીએ છીએ, કે જો કોઈ વસ્તું ખૂટતી હોય તો તે છે એક યુટ્યુબ ચેનલ અને હજારો ફોલોઅર્સ.
છેલ્લા દાયકામાં, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા માધ્યમોમાં સ્વ-નિર્મિત મેકઅપ કલાકારોનો પ્રસાર જોવા મળ્યો છે. આ પ્લેટફોર્મ્સે આવા હજારો લોકોને પ્રખ્યાત બનાવ્યા છે, અને દર્શકોને રૂપરેખા બનાવવી, રંગોને છુપાવવા, રંગ-સુધારવા વગેરે જેવી બાબતોમાં ઘણું બધું શીખવામાં મદદ કરી છે. આમાંના ઘણા વિડીઓ પ્રકારના પ્રોડક્શન્સ પણ છે, જેમાં કલાકારો મેકઅપ લગાવે છે ત્યારે ફિલ્મોના આઇકોનિક દ્રશ્યો ગાય છે, રૅપ કરે છે અથવા અભિનય કરે છે.


મુકતાને મેકઅપમાં ૯ વર્ષની વયે રસ પેદા થયો હતો. આજે મુક્તા માજુલીમાં માત્ર બે કે ત્રણ પુરૂષ મેકઅપ કલાકારોમાંના એક છે, તેમના ગ્રાહકો વફાદાર છે જેમાં રૂમીનો પણ સમાવેશ થાય છે


ડાબે: મુકતા નાજુકતાથી રૂમીના વાળને ઓળીને અંબોડામાં બાંધે છે , અને તેમાં થોડાક ફૂલ અને શણગાર ઉમેરીને તેના પર હેર સ્પ્રે લગાડે છે. જમણે: રૂમીના મેકઅપમાં અંતિમ સ્પર્શ અપાઈ રહ્યો છે
મુક્તાના સૌથી નજીકના મિત્રોમાંના એક અને રૂમીનું પરિવર્તન જોવા માટે રૂમમાં હાજર રહેલા લોકોમાંના એક એવાં ૧૯ વર્ષીય બનામાલી દાસ કહે છે, “તે ખૂબ જ સારો અભિનેતા છે. અમને તેને અભિનય કરતા જોવો ગમે છે. તે કુદરતી પ્રતિભા ધરાવતો માણસ છે. તેને બહુ રિહર્સલ કરવાની જરૂર નથી. તે કરી શકે છે.”
એક ૫૦ વર્ષીય મહિલા, પડદાની પાછળથી અમારી તરફ સ્મિત કરે છે. મુક્તા કહે છે કે તેઓ તેમનાં માં છે. “મારી મમ્મી, પ્રેમા હઝારિકા અને મારા પપ્પા, ભાઈ હઝારિકા મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. મને કોઈએ ક્યારેય કહ્યું નથી કે હું કંઈક કરી શકીશ નહીં. મને હંમેશા પ્રોત્સાહન જ મળતું હતું.”
અમે તેમને પૂછીએ છીએ કે તે આ કામ તેઓ કેટલી વાર કરે છે અને શું તેનાથી તેમની આવકમાં મદદ મળે છે. તો તેઓ કહે છે, “નવવધુના મેકઅપના સામાન્ય રીતે ૧૦,૦૦૦ રૂ. થાય છે. હું સ્થિર નોકરીઓ ધરાવતા લોકો પાસેથી ૧૦,૦૦૦ રૂ. લઉં છું. મને વર્ષમાં એકાદવાર જ આવા ગ્રાહક મળે છે. જે લોકોને આટલી કિંમત પોસાય તેમ ન હોય, તેમને હું કહું છું તેમને જેટલી કિંમત પોસાય તેટલી આપે.” પાતળા કે હળવા મેકઅપ માટે, મુકતા ૨,૦૦૦ રૂ. સુધી વસૂલે છે. “આ સામાન્ય રીતે પૂજા , લગ્ન અને પાર્ટીઓ માટે કરવામાં આવે છે.”
મુક્તા આંખની પાંપણ ઉપર રંગ કરીને રૂમીના ‘દેખાવ’ ને તૈયાર કરે છે, તેણીના વાળને ઢીલા બનમાં બાંધે છે અને તેણીના ચહેરાની આસપાસ થોડા રિંગલેટ્સ બનાવે છે. જ્યારે આ કામ પૂર્ણ થાય છે, ત્યારે રૂમી અદભૂત દેખાય છે. રૂમી શરમાતાં કહે છે, “બહુત અચ્છા લગતા હૈ. બહુત બાર મેકઅપ કિયા [ખૂબ સારું લાગે છે. મેં ઘણી વખત મેકઅપ કર્યો છે.]”
અમે નીકળીએ છીએ, ત્યારે અમે મુક્તાના પિતા, ૫૬ વર્ષીય ભાઈ હઝારિકાને, હૉલમાં તેમની પાલતુ બિલાડીની બાજુમાં બેઠેલા જોઈએ છીએ. અમે તેમને પૂછીએ છીએ કે રૂમીના દેખાવ અને મુક્તાની કુશળતા વિષે તેમનો શું મત છે, “મને મારા પુત્ર અને તે જે કરે છે તેના પર ખૂબ ગર્વ છે.”


મુકતાના માતાપિતા ભાઈ હઝારિકા (ડાબે) અને પ્રેમા હઝારિકા (જમણે) તેમના અનેકવિધ સાહસોમાં મદદગાર રહ્યા છે

મેકઅપના ઉસ્તાદ અને તેમની ઉત્કૃષ્ટ કૃતિ
*****
કમલાબારી ઘાટ પર તેમના ભોજનાલયમાં બીજી એકવાર ભોજન માણતી વખતે મુક્તા અમને તેમના સામાન્ય દિવસનું વર્ણન કરે છે. તેઓ તેમના મધુર સ્વરમાં બોલે છે, જેનાથી અમે અત્યાર સુધી સારી પેઠે વાકેફ થઇ ગયા છીએ.
હોટલ હઝારિકા ચલાવવાની તૈયારી તેઓ ઘાટ પર પગ મૂકે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. આ ઘાટ એક એવી જગ્યા છે કે જ્યાં દરરોજ હજારો મુસાફરો બ્રહ્મપુત્રા પર માજુલીથી અવરજવર કરે છે. દરરોજ સવારે ૫:૩૦ વાગ્યે મુક્તા બે લિટર પીવાનું પાણી, દાળ, લોટ, ખાંડ, દૂધ અને ઈંડા તેમની બાઇક પર લઈને ઘાટથી ૧૦ મિનિટની દૂરી પર આવેલા તેમના ગામ ખોરાહોલાથી મુસાફરી કરે છે. સાત વર્ષથી આ તેમનો નિત્યક્રમ રહ્યો છે. પરોઢિયે ઊઠીને સાંજના ૪:૩૦ સુધી તેઓ ઊભાને ઊભા જ હોય છે.
હોટલ હઝારિકામાં બનાવેલા ખોરાકમાં જે ઘટકોની જરૂર પડે છે તેમાંથી મોટા ભાગના ઘટકો પરિવારની ત્રણ વીઘા [લગભગ એક એકર] ખેતરમાં ઉગાડવામાં આવે છે. મુક્તા કહે છે, “અમે ચોખા, ટામેટા, બટેટા, ડુંગળી, લસણ, સરસવ, કોળું, કોબી અને મરચાં ઉગાડીએ છીએ.” તેઓ ગર્વથી કહે છે, “લોકોને જ્યારે દૂધ વાળી ચા પીવી હોય ત્યારે તેઓ અહીં આવે છે.” દૂધ તેમના ખેતરની ૧૦ ગાયોમાંથી આવે છે.
ફેરી પોઈન્ટ પર ટિકિટ વેચનાર, ખેડૂત અને મુક્તાના સ્ટોલના નિયમિત ગ્રાહક, ૩૮ વર્ષીય રોહિત ફુકન, હોટલ હઝારિકાની પ્રશંસા કરે છે: “તે એક સારી દુકાન છે, ખૂબ જ સ્વચ્છ છે.”
હોટલ હઝારિકાના ગૌરવશાળી માલિક કહે છે, “લોકો કહે છે કે ‘મુક્તા તું બહુ સારી રીતે રાંધે છે.’ આનાથી મને સારું લાગે છે અને દુકાન ચલાવવાનું પણ ગમે છે.”
પરંતુ આ તે જીવન નથી કે જેના માટે મુક્તાએ કલ્પના કરી હતી. તેઓ ચા બનાવતી વખતે અમને કહે છે, “જ્યારે હું માજુલી કોલેજમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી સ્નાતક થયો ત્યારે મને સરકારી નોકરી જોઈતી હતી. પરંતુ મને તે ક્યારેય મળી નહીં. તેથી, મેં તેના બદલે હોટલ હઝારિકા શરૂ કરી. શરૂઆતમાં, જ્યારે મારા મિત્રો સ્ટોલની મુલાકાત લેતા ત્યારે મને શરમ આવતી હતી. તેમની પાસે સરકારી નોકરીઓ હતી અને હું અહીં માત્ર રસોઈયો હતો. મને મેકઅપ કરતી વખતે શરમ નથી આવતી. મને રસોઈ બનાવતી વખતે શરમ આવતી હતી, પણ મેકઅપ કરતી વખતે નહીં.”
તો શા માટે ગુવાહાટી જેવા મોટા શહેરમાં તકોની શોધ કરીને આ કૌશલ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત નથી કરતા? તેઓ કહે છે, “હું આવું નથી કરી શકતો, અહીં માજુલીમાં મારી કેટલીક જવાબદારીઓ છે.” પછી તેઓ થોડો વિરામ લઈને કહે છે, “મારે શા માટે [ત્યાં જવું] જોઈએ? હું અહીં રહીને માજુલીની છોકરીઓને પણ સુંદર દેખાડવા માગું છું.”
સરકારી નોકરી ભલે તેમના માર્ગે ન આવી હોય, પરંતુ તેઓ કહે છે કે તેઓ આજે ખુશ છે. “હું આખી દુનિયાનો પ્રવાસ કરવા માગું છું અને તેમાં શું છે તે જોવા માગું છું. પરંતુ હું ક્યારેય માજુલી છોડવા માંગતો નથી, તે એક સુંદર જગ્યા છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ